બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/ઊંઘમાંથી જાગ્યા
← નિષ્પક્ષ સાથીઓ | બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ ઊંઘમાંથી જાગ્યા મહાદેવભાઈ દેસાઈ |
વિકરાળ કાળિકા → |
બારડોલીમાં હવે કટોકટીની પરિસ્થિતિ તૈયાર થઈ રહી હતી, અને અનેક દિશામાંથી કામ કરનારાં અનેક બળો આ પરિસ્થિતિ ઉત્પન્ન કરી રહ્યાં હતાં.
એક તરફ સ્થાનિક સરકારી અમલદારોનાં કારસ્થાન. પઠાણો તો ખૂબ બુમરાણ થયું એટલે મોડાવહેલા પણ ખેંચી લેવામાં આવ્યા. જપ્તીનું કામ લગભગ બંધ હતું, પણ જપ્તી અમલદારો કોકકોકવાર કાંઈક લૂંટ લાવીને પોતાની હાજરી જાહેર કરતા. પકડેલી બધી ભેંસો પાણીને મૂલે સરકારી આડતિયાઓને વેચાયા કરતી હતી. કેટલીકવાર પકડીને વેચેલી ભેંસ ખાતે થયેલું ખર્ચ બાદ કરતાં એક ભેંસને પેટે ચાર કે સાડાચાર રૂપિયા મજરે આપવામાં આવતા, અને તે મહેસૂલપેટે જમા લઈ ને તેની પાવતીઓ પહોંચાડવામાં આવતી. ખેડૂતો આ પાવતીને દાઝ્યા ઉપર ડામ જેવી ગણી ફેંકી દેતા.
બીજી તરફ ૧૯ મી જૂન ગઈ એટલે જમીન ખાલસા કરવાની તારીખ વીતી ગઈ. હજારો ખાલસા નોટિસો તો નીકળી ચૂકી હતી જ, લગભગ અઢારઓગણીસ ગામે જમીન ખાલસા પણ જાહેર થઈ ચૂકી હતી. છતાં લોકોને કશી પડી નહોતી. લોકો જમીન ખેડવાની તૈયારી કર્યે જતા હતા, ખાલસા જાહેર થયેલી જમીન ઉપર સરદારે પોતાની દીકરી મણિબહેન, શ્રી મીઠુબહેન અને શ્રી ભક્તિબહેન એમ ત્રણ વીરરમણીઓને જમીન આંતરીને બેસાડી દીધી હતી, અને રોજરોજ સરદાર પોતાના ભાષણમાં જમીન વેચાતી લેનારની અને ખાલસા કરનારની ઉપર તીક્ષ્ણ વાગબાણ ફેંક્યે જતા હતા: ‘કોઈ ઘાસલેટવાળો કે તાડીવાળો પરાઈ જમીન પચાવી લેવા આવે તેથી શું ? એ તો વ્યભિચારીનું કામ છે. ઘાસલેટવાળો તો શું પણ ચમરબંધીઓ પણ આ જમીન નહિ પચાવી શકે એ લખી રાખજો; ’ ‘કહે છે કે પોલીસમાં ખૂબ માણસો આવી રહ્યા છે. છોને પોલીસ લાવે, લશ્કર લાવે, જમીનો ત્યાંની ત્યાં રહેવાની છે, અને ખેડૂતો પણ ત્યાં ને ત્યાં રહેવાના છે; ’ ‘પોલીસ ને અમલદારને શા સારુ હેરાન કરો છો ? તાલુકામાં એમને ઊભા રહેવાનું તો ઠેકાણું નથી. જે ઘડીએ વરસાદ પડ્યો તે ઘડીએ ખેડૂતના દીકરા સિવાય કોણ અહીં રહી શકવાનું છે ?’ ‘વેચાણ છે જ ક્યાં ? એ તો ખેડૂતો ઉપર વેર લેવા ને તેમને પાયમાલ કરવા બેચાર સ્વારથીઆ નાગાઓને ઊભા કરીને તેમને જમીન આપી છે. તો હું કહું છું કે ખેડૂતનો ચાસેચાસ પાછો નહિ અપાય ત્યાં સુધી લડત બંધ થવાની નથી.’
અને ખરે જ આખા તાલુકામાંથી માત્ર એક દારૂ ખરીદનાર પારસી મળ્યો, પણ બીજી કોઈ વસ્તુ ખરીદનાર કોઈ તાલુકાવાસી મળ્યો નહોતો. આજ સુધી સ્માર્ટસાહેબને આવવાની જરૂર ન જણાઈ, પણ હવે તો આ ખેડૂતો શું કરવા બેઠા છે એ જોઈ આવું એમ એમને પણ થયું, અને સ્પેશ્યલ પોલીસ સુપરિન્ટેન્ડન્ટની સાથે તેઓ તાલુકાના રંગરાગ જોવાને આવ્યા. સરકારે જ તેમને મોકલ્યા એમ કહેવું કદાચ વધારે વાજબી હશે.
જેમણે જમીનમાં ચાસ મૂક્યા હતા, પણ જેમને ખાલસાની નોટિસ મળ્યા છતાં જેમની જમીન ખાલસા જાહેર થઈ નહોતી. તેમને માટે સરકારે નવો જ રસ્તો કાઢ્યો હતો. સરભોણના લોકોએ ખેડ શરૂ કરી દીધી હતી એટલે જપ્તીઅમલદારે જાહેર કર્યું : ‘સરભોણની કોટન સોસાઈટીના સભ્યોએ ઘેલાભાઈ પરાગજીના નવસારીના જીનમાં જે કપાસ વેચેલો તે ત્યાં જપ્ત કરીને તેના વેચાણના રૂ. ૩,૨૬૬-૩–૧ તે સભ્યોના ખાતામાં બાકી મહેસૂલ ખાતે જમા કરવામાં આવ્યા છે, એટલે હવે તેમને પોતપોતાની જમીન ખેડવાની છૂટ છે.” ખાતેદારો તે આ નોટિસથી ચકિત જ થયા, કારણ તેમને તો જીનના માલિકને જે કપાસ પોતે વેચેલા તેનાં પૂરાં નાણાં મળી ચૂક્યાં હતાં. આ જ પ્રમાણે વાંકાનેર તથા બીજાં ગામોના કેટલાક ખેડૂતોને નોટિસો મળી કે તમારું મહેસૂલ ભરાઈ ગયું છે, પ્રકાર એવો બનેલો કે બારડોલીના એક જીનના માલિક શ્રી. નારણજી દુર્લભે આ ખેડૂતોને કપાસ કૉટન સુપરિન્ટેન્ડન્ટ મારફત સૂરતના કોઈ બે વેપારીઓને વેચેલો. વેપારીઓ પાસેથી કૉટન સુપરિન્ટેન્ડન્ટ મારફત નાણાં નારણજી દુલભને મળે અને તે ખેડૂતોને આપી દે. પણ સરકારે તે કૉટન સુપરિન્ટેન્ડન્ટને ત્યાં રૂ. ૭૩,૦૦૦ ની એ રકમને રોકી ખેડૂતોની બાકી ખાતે જમા કરી લીધી. ચોખ્ખી રીતે નાણાં ગેરકાયદે ઉચાપત કરવાનો આ ગુનો ગણાય. વળી એ કાર્યમાં રહેલું મનસ્વીપણું અને ભયંકર અન્યાય તો બાજુએ રહ્યાં, પણ કયા ખેડૂતનો કેટલો કપાસ જીનના માલિકને ત્યાં વેચાયો છે તેની પણ સરકારે ખાતરી કરવાની તસ્દી લીધી નહોતી.
બીજી તરફથી લડતના નિષ્પક્ષ સાક્ષીઓ રોજ ને રોજ નવી અને સ્વતંત્ર તપાસમિતિ નીમવા માટે સરકારને દબાણ કરી રહ્યા હતા. વર્તમાનપત્રો પણ રોજરોજ બારડોલીનો વહીવટ જેમના હાથમાં હતો તે સ્થાનિક અમલદારોની દુષ્ટ રીતિઓ ઉઘાડી પાડી રહ્યાં હતાં, અને આખા હિંદુસ્તાનમાં લોકમતની અપૂર્વ જાગૃતિ થઈ રહી હતી.
જ્યાં જોઈએ ત્યાં પ્રચંડ સંભાઓ, ઊભરાતો ઉત્સાહ, આપણે જોઈ ગયા છીએ કે મુંબઈના યુવાનોએ સત્યાગ્રહ ફંડ માટે રૂા. ૨૫,૦૦૦ એકઠા કર્યા હતા. આ ઉપરાંત સભાઓ અને સાહિત્યપ્રચાર મારફત લડતની બાબતમાં લોકોને જ્ઞાનપૂર્વક રસ લેતા કરવામાં તેઓ સારી મદદ કરી રહ્યા હતા. સૂરત અને અમદાવાદના યુવક સંઘો પણ પાછળ નહોતા પડ્યા. અમદાવાદના યુવકસંધે માંહોમાંહે જ ઉઘરાણું કરીને રૂા. ૧,૦૦૦ મોકલ્યા હતા. ગામડાંમાં તમામ જ્ઞાતિના અને જાતિના લોકો હલમલી ઊઠ્યા હતા. બ્રાહ્મણવર્ગ જેમનું રૂઢિચુસ્તપણું સૌ જાણે છે અને જેઓ તમામ રાષ્ટ્રીય ચળવળો વિષે બેદરકાર હોય છે તેમણે પણ પોતાના પૂર્વગ્રહોનો ત્યાગ કરીને લડતમાં પોતાનો ફાળો આપ્યો. જેમણે રાજીનામાં આપ્યાં તેમાંના ઘણાખરા તલાટીઓ બ્રાહ્મણો હતા. બારડોલીની નજીક જ આવેલા જલાલપુર તાલુકાના બ્રાહ્મણોએ બારડોલી સત્યાગ્રહના વિજયને અર્થે મહારુદ્રયજ્ઞ આરંભ્યો, અને તેની પૂર્ણાહુતિને દિવસે તેમાં હાજર રહેવા શ્રી. વલ્લભભાઈને નોતર્યા. અસ્પૃશ્યતા વિષેના જેમના અભિપ્રાય જાણીતા હતા અને જેઓ બ્રાહ્મણોના ઉપર ઘણીવાર પ્રહાર કરી ચૂકેલા હતા એવા સરદારને આ મહારુદ્રમાં નોતરવા, અને મહારુદ્રને અંગે થયેલી બધી આવક ભૂદેવોએ તેમને દાન કરવી એમાં લોકજાગૃતિની પરાકાષ્ટા દેખાતી હતી.
લોકોના ઉત્સાહનું પૂર સર્વત્ર વધ્યું જ જતું હતું. સૂરત જિલ્લા પરિષદનો સવિસ્તર ઉલ્લેખ આગલા પ્રકરણમાં થઈ ગયો છે. પછી ભરૂચમાં પરિષદ ભરાઈ, નડિયાદમાં ભરાઈ અને અમદાવાદમાં ભરાઈ. દરેક સ્થાને હજારો માણસોની હાજરી, હજારો રૂપિયાનાં ઉઘરાણાં. ભરૂચમાં શ્રી. નરીમાન પ્રમુખ અને નડિયાદ તથા અમદાવાદમાં શ્રી. ખાડીલકર અને કેલકર. આ ‘બહારના’ પ્રમુખો બહારના તાલુકામાં પણ બારડોલીના જેવી જ સ્થિતિની વાતો કરતા જણાતા હતા, અને સરદાર તો નિશ્ચિંત બની પોતાનાં ભાવી સ્વપ્નાં દરેક પરિષદમાં વધુ વધુ સ્પષ્ટતાથી પ્રગટ કરતા જતા હતા. નડિયાદમાં કહે : ‘પણ ઘઉં બી બને છે, જમીનમાં સડી ફાટી જાય છે અને તે ઉપર અઢળક પાક પાકે છે. બારડોલીને તેવું બિયાવું થવા હું કહી રહ્યો છું, ને તમારો પણ તેને અંગે ધર્મ ઊભો થશે ત્યારે તે જ બતાવીશ.’ ભરૂચમાં કહ્યું : ‘જો સરકારની દાનત જમીન પર હોય તો હું તેને ચેતવું છું કે આવતી મોસમે હું એક છેડેથી બીજે છેડે સળગાવીશ પણ એક પૈસો એમ ને એમ ન આપવા દઉં.’ અમદાવાદમાં કહ્યું : ‘તમને ગુમાન હશે કે આપણી પાસે રાવણ કરતાં વધારે સંપત્તિ છે. પણ રાવણ બાર મહિના સુધી એક વાડીમાં પુરેલી અબળાને વશ નહોતો કરી શક્યો, અને એનું રાજ્ય રોળાઈ ગયું હતું. અહીં તો એંશી હજાર સત્યાગ્રહીઓ છે, તેમની ટેક છોડાવી શકનાર કોણ છે ?’ જ્યાં શ્રી. વલ્લભભાઈ જવાના હોય ત્યાં લોકો ઘેલા થઈ તેમને સાંભળવા જતા હતા શ્રીમતી શારદાબહેને તેમને વિષે બોલતાં કહેલું : ‘તેમનો એકેએક બોલ અંતરના ઊંડાણમાંથી જ આવતો લાગે છે. વલભભાઈ ઈશ્વરી પ્રેરણાથી બોલે છે. પરિસ્થિતિ તેમને વાચા આપે છે, અને સાંભળનારને ઉચ્ચ ભૂમિકામાં લઈ જાય છે.’ આખા ગુજરાતમાં એમને વિષે એવી સ્થિતિ થઈ પડી હતી કે
सर्वे वांछन्ति तं जनाः
वेणुं मधुरनिध्वानं बने वनमृगा इव ।
- વનમાં વનમૃગો મધુરી વેણુ તરફ આકર્ષાય તેમ સૌ તેમની વાંછના કરતું હતું. આવા માણસના પ્રતિક્ષણ વધતા જતા પ્રભાવે સરકારને બહાવરી બનાવી મૂકી.
લોકજાગૃતિના આ ચડતા પૂરની સાથે શ્રી. મુનશીએ નામદાર ગવર્નરને બારડોલીનો તાદૃશ ચિતાર આપનારો જે પત્ર લખ્યો તેની ખૂબ અસર પડી અને તેણે ઘણાઓને તેમની ઘોર નિદ્રામાંથી જગાડ્યા. આમ જાગનારમાં એક ‘ટાઈમ્સ ઑફ ઇંડિયા’ હતું. શ્રી. મુનશીએ પ્રકટ કરેલી હકીકત કડવી ઝેર જેવી હતી તેને કંઈકે ભાવતી કરી શકાય તો તે કરવા માટે આ પત્રે પોતાના એક ખાસ ખબરપત્રીને બારડોલી મોકલ્યો. એ બારડોલીમાં એક દિવસ રહ્યો અને બધી હકીકતો મેળવી ગયો. તેને મળેલી હકીકત શ્રી. મુનશીની હકીકતોને મોટે ભાગે ટેકો આપનારી હતી અને ઊલટી વધારે કડવી લાગે એવી હતી.
કોઈ પાપીને પુણ્ય ખૂંચે, સ્વછંદીને સંયમ ખૂંચે, અવ્યવસ્થિતને વ્યવસ્થા ખૂંચે, સ્વાર્થીને ત્યાગ ખૂંચે, તેમ ‘ટાઈમ્સ’ના આ ખબરપત્રીને પોતાની ટેકને માટે ખુવાર થવા બેઠેલા ખેડૂતોનો નિશ્ચય ખૂંચ્યો, પડ્યો બાલ ઉઠાવી લેનારા સ્વયંસેવકોની શિસ્ત અને તાલીમ ખૂંચી, પોતાના સરદારની આંખમાંનો પ્રેમ જોઈ ઘેલી બનનારી વીરાંગનાની ભક્તિ ખૂંચી. તેણે તો એમ માન્યું હતું કે બારડોલીના અઢીસો સ્વયંસેવકો લોકોને પૈસે તાગડધિન્ના કરતા હશે, સ્વરાજ થાણાંમાં પડ્યા પડ્યા ઊંઘતા હશે, પણ તેની આંખ બારડોલીમાં આવીને ઊઘડી ગઈ. વલ્લભભાઈની ગેરહાજરીમાં પણ આશ્રમમાં તો તેણે કામ, કામ ને કામ જ જોયું; સ્વયંસેવકો પણ રેંજીપેંજી નહિ પણ કઠણ જીવન ગાળનારા જોયા, ઘણા જૂના જોગીઓ જોયા, વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ જોયા. આશ્રમમાં ગરીબને પૈસે મિષ્ટાન્ન ઊડતાં હશે એવી એણે આશા રાખેલી, પણ ત્યાં તો તેણે જાડીપાતળી રોટલી અને ભાતદાળ અને કેવળ રાત્રે જ શાક મળતાં જોયાં. ગાંધીજીનો દીકરો રામદાસ પણ આ રસોડે જલદી જલદી પોતાના કોળિયા ભરી બીજી છાવણીએ કામ પર જવાને તૈયારી કરતો જણાયો. દરરોજ મફત વહેંચાતી સત્યાગ્રહ પત્રિકાઓનું ખર્ચ થવું જોઈએ તેના કરતાં ઓછું થતું હશે એમ તેને લાગ્યું. આ બધું જોઈને એ બિચારો શું કરે ? એણે આંખો ચોળી. ગામડામાં સ્ત્રીઓની અકૃત્રિમ નિર્વ્યાજ ભક્તિ જોઈને, તેમનાં મધુર ગીતો સાંભળીને પણ એ આભો બન્યો. એ ગીતોમાંનો રાજદ્રોહ તેના કાનને ખૂચ્યો, પણ તે બહેનોના અવાજમાં અને તેમનાં પ્રફુલ વદનો ઉપર તેણે જે વીરતા જોઈ એ વીરતા પણ વર્ણવ્યા વિના એને નહિ ચાલ્યું.
ત્રીજું દશ્ય લોકો કેટલું કષ્ટ સહન કરી રહ્યા છે તેનું જોયું. તેણે પોકારીને કહ્યું: 'બેશક બારડોલીનાં ગામડાં ભયંકર તાવણીમાંથી પસાર થયાં છે.' આખો દિવસ બંધ રહેતાં ઘરોમાં પોતાનાં ઢોર ઢાંખર સાથે સ્ત્રીપુરુષો અઠવાડિયાંનાં અઠવાડિયાં સુધી શી રીતે ભરાઈ રહી શક્યાં હશે, મળમૂત્રના ત્રાસથી કેમ કોઈ રોગચાળો ફાટી નીકળ્યો નહિ હોય, એ વિષે તેણે તાજુબી બતાવી, ઢોરોની દુર્દશા, તેમનાં શરીર પર પડેલાં પાઠાં, તેમને થયેલા અનેક રોગો જોઈ ને તે થથરી ગયો. એનું રહસ્ય સમજવાની એનામાં શક્તિ નહોતી, એટલે તેણે જડતાથી ટીકા કરી કે વલભભાઈએ આ ઢોરો ઉપર અત્યાચાર કર્યો. આ બધું તો તેણે પોતાની મતિ અને પોતાના જાતિકુલનું પ્રમાણ આપતી ભાષામાં વર્ણવ્યું, પણ તેનાં સત્ય, અસત્ય અને કલ્પનાઓના ગોળાઓથી ભરેલા ત્રણ રિપોર્ટોમાંથી કેટલીક સાચી હકીકત તો સહેજે તરી આવી, અને તે વાંચીને બારડોલી વિષે જાણી જોઈને આંખ બંધ કરીને બેઠેલા સરકારી વર્ગ કાન ફફડાવી બેઠો થયો. આ હકીકત આ હતી :
વલ્લભભાઈ પટેલે તાલુકાના મહેસૂલી તંત્રના સાંધેસાંધા ઢીલા કરી નાંખ્યા છે; ૮૦ પટેલો અને ૧૯ તલાટીઓએ રાજીનામાં આપ્યાં છે, અને હવે જે રડ્યાખડ્યા રાજીનામાં આપ્યા વિના બેઠા છે તે વફાદાર છે એમ માનવાનું કારણ નથી; વલ્લભભાઈએ લોકોને એવા તો બહેકાવી મૂક્યા છે કે કોઈ માનતું જ નથી કે મહેસૂલવધારો સરકાર કદી લઈ શકે; આ ઉપરાંત તાલુકાનું આશ્ચર્યકારક સંગઠન, સ્ત્રીઓની અજબ વીરભક્તિ, સ્વયંસેવકો, છાવણીઓ, લોકોની અપાર વિટંબણા—- એ વિષે તો હું ઉપર જણાવી ગયો તે પ્રમાણે.
આ લેખો સરકારને ધમકીરૂપ અને ચેતવણીરૂપ હતા, કદાચ સરકારને દેખાડીને લખાયેલા પણ હોય, એટલા માટે કે એવા બિહામણા ચિત્રના તાર રોઈટર વિલાયત મોકલે, અને પછી અહીં જલિયાંવાલા બાગ થાય તો બ્રિટિશ પ્રજાની આગળ સરકાર બચાવનો ઢોંગ તો કરી શકે કે બારડોલીમાં મોટો બળવો ફાટી નીકળ્યો હતો. 'ટાઈમ્સ' ના ખબરપત્રીના પોતાના લેખનાં મથાળાં આ હતાં : 'બારડોલીના ખેડૂતોનો બળવો,’ ‘ બારડોલીમાં બોલ્શેવિઝમ' વગેરે; અને સરકારને ચેતવણી હતીઃ 'વલ્લભભાઈને બારડોલીમાં સોવિયેટ રાજ્ય સ્થાપવું છે, અને એ લેનિનનો ભાગ ભજવી રહ્યો છે, અને જ્યાં સુધી એ માણસનો પ્રભાવ ચાલુ રહેશે ત્યાં સુધી બારડોલીમાં શાંતિ થવી અશક્ય છે.' આનો ધ્વનિ તો બેવકૂફ પણ સમજી શકે એવો હતો.
બ્રિટિશ સિંહને તેની નિદ્રામાંથી જગાડવાનું ધારેલું પરિણામ એ લેખોનું આવ્યું. આમની સભામાં બારડોલીના સત્યાગ્રહની લોર્ડ વિન્ટર્ટને સમીક્ષા કરી અને તેમાં જણાવ્યું કે શ્રી વલ્લભભાઈને પોતાની લડતમાં થોડી સફળતા મળી છે ખરી, પરંતુ હવે જે ખેડૂતો મહેસૂલ નથી ભરતા તેમના ઉપર કાયદેસર પગલાં લેવાવા માંડ્યા છે. સર માઈકલ ઓડવાયર જેવા માણસો તો ધૂંઆફુંઆ થઈને કાયદો પૂરા જોસથી અમલમાં મુકાવો જોઈએ એવી બૂમો પાડવા લાગ્યા.
વ્હાઈટહૉલ, સિમલા અને મુંબઈ વચ્ચે કેવા તારવ્યવહાર ચાલ્યા હશે, વ્હાઈટહૉલથી થયેલા દબાણને લીધે કેવા લશ્કરી વ્યૂહ રચાયા હશે એ બધા વિષે તો શું કહી શકાય ? એ તો કોઈ ભવિષ્યના ઇતિહાસકારને પ્રસ્તુત સમયનાં સરકારી દફતર તપાસવાનાં મળી આવશે તો બારડોલીમાં સરકારની કસોટીને પ્રસંગે તેણે કેવા છૂપા ભેદ રચ્યા હતા તે ઉપર અજવાળું પડશે. પરંતુ તેમની બાહ્ય હિલચાલો ઉપરથી તેમનાં દિલમાં જે ભડક પેસી ગઈ હતી તેની ઠીક કલ્પના આવી શકતી હતી. તાલુકામાં સશસ્ત્ર પોલીસ સારી સંખ્યામાં એકઠા કરવામાં આવ્યા હતા, અને જોકે નવા નિમાયેલા પોલીસ સુપરિન્ટેન્ડન્ટને તો પાછો બોલાવી લેવામાં આવ્યો હતો — આવી રીતે ભડકી જઈને પગલાં લેવાની તેણે ના પાડી હતી તેથી — છતાં આ બધા ઉપરથી સરકારના ઇરાદા વિષે કોઈ શંકા રહેતી નથી.
આમ વિવિધ બળો દરેક દિશાએથી પોતાની અસર પાડી રહ્યાં હતાં તેને પરિણામે, રેવન્યુ મેમ્બર મિ. રૂ જાતે તપાસ કરવા અમદાવાદ ગયા હતા તેમના ત્યાંથી પાછા આવ્યા પછી સરકારી મંત્રીઓની એક ‘યુદ્ધપરિષદ’ થઈ તેને પરિણામે ૧૩ મી જુલાઈએ ના. ગવર્નર ના. વાઇસરૉયને મળવા સિમલા ગયા. લોકોના સેવક રહેવાને બદલે લોકોના સ્વામી થઈ પડેલા અમલદારોથી ગવર્નરસાહેબ બહુ વખત સુધી દોરવાયા હતા. પોતાની કારકિર્દી તેમણે એવી રીતે શરૂ કરી નહોતી. જ્યારે સર લેસ્લી ગવર્નરના પદ ઉપર આવ્યા ત્યારે બોરસદનો સત્યાગ્રહ ખૂબ જોશમાં ચાલી રહ્યો હતો, તે વખતે તેમણે જરા પણ વિલંબ કર્યા વિના હોમ મેમ્બર સર મોરીસ હેવર્ડને એકદમ બોરસદ મોકલ્યા હતા, અને ત્યાંની પરિસ્થિતિ ઉપર તેમનું નિવેદન માગ્યું હતું. આ મુલાકાતને પરિણામે તુરત જ ત્યાં રાા લાખનો હેડિયાવેરો રદ થઈ લોકોને ન્યાય મળ્યો હતો. પણ બારડોલી વખતે સર લેસ્લી બદલાઈ ગયા હતા. પાંચપાંચ વરસ પ્રપંચી અને અષ્ટાવધાની સિવિલિયનોના સમાગમથી તેમની બધી સ્વતંત્રતા અને સૂઝ ઊડી ગઈ હતી.
આ આખી લડત દરમ્યાન સરકારના જેટલો પત્રવ્યવહાર બહાર પડ્યો તેમાં ગવર્નરસાહેબ પોતાના હાથ નીચેના સિવિલિયન અમલદારોના નચાવ્યા કેમ નાચ્યા છે, એ જ પ્રગટ થાય છે. તેમના સિમલાપ્રયાણની પત્રિકા પણ આમાંના જ કોઈ માણસે ઘડેલી હોવી જોઈએ. એ પત્રિકામાં કેવળ ગવર્નર સિમલા જાય છે, વળતાં સુરત ઊતરશે અને જેને મળવું હોય તેને મળશે, એટલું જ લખ્યું હોત તો કશા માનાપમાનનો સવાલ નહોતો, કેવળ હકીકત પ્રગટ થાત. પણ મનનું પાપ ઢાંક્યું રહેતું નથી. એ જવામાં જ રખેને પ્રજા ‘નમી ગયા’ એમ કહે તો તેનો કાંઈક જવાબ પણ અગાઉથી આપી દેવો જોઈએ, એ કારણે ગવર્નરસાહેબને વિષે લખવામાં આવ્યું : 'ગવર્નરસાહેબની સ્પષ્ટ ફરજ કાયદાનું સર્વોપરિપણું કાયમ રાખવાની છે, પણ શહેનશાહના પ્રતિનિધિ તરીકે તેમની ફરજ એ જોવાની પણ છે કે ઘણા લોકો ઉપર ભારે સંકટ અને ત્રાસ ન પડે.' આ બધી વાણી પેલું પ્રતિષ્ઠાનું ભૂત ઉચ્ચરાવતું હતું જે પ્રતિષ્ઠાનું ભૂત આપણે સરકારના ઉપર લડતના અંત સુધી, સમાધાની દરમ્યાન અને સમાધાની પછી પણ, સવાર થયેલું જોશું.