બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/વિકરાળ કાળિકા

વિકિસ્રોતમાંથી
← ઊંઘમાંથી જાગ્યા બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
વિકરાળ કાળિકા
મહાદેવભાઈ દેસાઈ
જેને રામ રાખે →



૨૯
વિકરાળ કાળિકા
“ઢોર, મિલકત, જમીન બધુ જશે, કાયદા ઊંચા મુકાશે. સરકાર વિકરાળ કાળિકાની પેઠે ઘૂમશે, એની આંખમાંથી ખૂન ઝરશે, એ બધું જીરવવાની શક્તિ હોય તો હિસાબ કરી કાઢીને આવજો.”

નામદાર ગવર્નર તા. ૧૬ મીએ સિમલાથી ઊપડ્યા અને જુલાઈની તા. ૧૮મીએ સવારના સૂરત પહોંચ્યા. સૂરતના કલેક્ટરે બહાર પાડ્યું હતું કે બારડોલીના ખેડૂતો તરફથી લેખી અરજીઓ મળશે તો તેમના બાર પ્રતિનિધિઓને નામદાર ગવર્નરની મુલાકાતની પરવાનગી આપવામાં આવશે. પરંતુ ૧૮ મી સુધી એકે અરજી તેમને મળી હોય એમ જણાતું નથી. ગવર્નરસાહેબ જ્યારે ના. વાઇસરૉય સાથે સિમલામાં મસલત ચલાવી રહ્યા હતા ત્યારે શ્રી. વલભભાઈ પટેલ અમદાવાદની જિલ્લા પરિષદમાં મોટી મેદની સમક્ષ ભાષણ આપી રહ્યા હતા, અને રાવણ જેવા બળિયા સીતા જેવી સતીને સતાવતાં રોળાઈ ગયા હતા એમ સરકારને યાદ દેવડાવતા હતા. આ પરિષદના મંડપમાં જ શ્રી. વલ્લભભાઈને કમિશનર તરફથી આમંત્રણ મળ્યું કે બારડોલી સત્યાગ્રહીઓના બાર પ્રતિનિધિઓ સાથે તેઓ સૂરત મુકામે ગવર્નરસાહેબને મળે. શ્રી. વલભભાઈએ તો ના. ગવર્નરના આમંત્રણને માન આપવાની પોતાની તૈયારી અને સમાધાન કરવાની પોતાની ઇચ્છા ઘણી વખત પ્રદર્શિત કરી જ હતી. એટલે તેમણે આ આમંત્રણ તુરત સ્વીકાર્યું અને તા. ૧૮મીની સવારે તેઓ ના. ગવર્નરને મળ્યા. તેમની સાથે શ્રી. અબ્બાસ તૈયબજી, સૌ. શારદાબહેન મહેતા, સૌ. ભક્તિલક્ષ્મી દેસાઈ, કુમારી મીઠુબહેન પીટિટ અને શ્રી. કલ્યાણજી મહેતા એટલાં લોકોનાં પ્રતિનિધિઓ તરીકે ડેપ્યુટેશનમાં હતાં.

સવારની મસલત લગભગ ત્રણ કલાક ચાલી અને વાતચીત બહુ મીઠાશથી થઈ. ત્યારપછી ના. ગવર્નરને શ્રી વલ્લભભાઈ સાથે ખાનગી વાતચીત થઈ તેમાં ના. વાઈસરૉય પણ આ દુઃખદ પરિસ્થિતિનો સત્વર અંત આણવા આતુર છે એમ તેમણે જણાવ્યું. જે મુદ્દાઓ ગૌણ ગણાતા હતા, દાખલા તરીકે જમીન પાછી સોંપી દેવી, કેદીઓને છોડી દેવા વગેરે, તેના ઉપર કશો મતભેદ નહોતો. પણ વધારેલું મહેસૂલ પ્રથમ ભરી દેવાના મુખ્ય મુદ્દા ઉપર જ બધું અટકેલું લાગ્યું. રાવ બહાદુર ભીમભાઈ નાયકને ના. ગવર્નર સાથે બપોરે વાતચીત થઈ તેમાં એવું માલૂમ પડ્યું કે ગૌણ મુદ્દાઓની બાબતમાં પણ મુશ્કેલી હતી. દાખલા તરીકે સરકારને પ્રતિષ્ઠાનું ઝોડ વળગાડનારાઓએ ગવર્નરસાહેબને સમજાવ્યું લાગતું હતું કે ખાલસા જાહેર કરેલી જમીન ભલે પાછી અપાય પણ વેચેલી જમીન તો પાછી ન જ અપાય. એટલે જો કાંઈ ગેરસમજ થઈ હોય તો તે ટાળવા માટે શ્રી વલ્લભભાઈને ફરી બોલાવવા તેમણે ગવર્નરને સૂચના કરી. શ્રી. વલ્લભભાઈ ના. ગવર્નરને ફરી મળ્યા અને છેક રાત પડી ત્યાં સુધી વાત થઈ, પરંતુ ના. ગવર્નર વધારેલું મહેસૂલ ખેડૂતો પ્રથમ ભરી દે અથવા સત્યાગ્રહીઓ તરફથી કોઈ ત્રાહિત માણસ વધારા જેટલી રકમ અનામત તરીકે મૂકે એ બાબતમાં બહુ જ મક્કમ જણાયા. બીજા મુદ્દાઓ ઉપર પણ મુશ્કેલી હોય એમ જણાયું, અને સમાધાન શક્ય ન લાગ્યું એટલે શ્રી વલ્લભભાઈ એ ના. ગવર્નરની રજા લીધી અને વિનંતિ કરી કે સરકારને જે શરતો કબૂલ હોય તે લખી મોકલે એટલે પોતાના સાથીઓ સાથે મસલત કરીને તેને જવાબ તેઓ લખી મોકલશે. આવા સમાધાનની આવશ્યક શરતો સરકારે નીચે પ્રમાણે જણાવી :

૧. આખું મહેસૂલ એકદમ ભરી દેવામાં આવે, અથવા જૂના અને નવા મહેસૂલના તફાવતની રકમ ખેડૂતોના તરફથી કોઈ પણ વ્યક્તિ સરકારી તીજોરીમાં અનામત મૂકે.
૨. જમીનમહેસૂલ નહિ ભરવાની ચળવળ એકદમ બંધ કરવામાં આવે.

-જો આ બે શરતો સ્વીકારવામાં આવે તો આંકડાની ગણતરીમાં અમલદારોએ ભૂલ કરેલી હોવાના જે આક્ષેપો છે તે સંબંધમાં ખાસ તપાસ કરવાનાં પગલાં લેવા સરકાર તૈયાર રહે. એ તપાસ આ કેસ સાથે બિલકુલ સંબંધ નહિ ધરાવતા એવા કોઈ રેવન્યુ અમલદાર મારફત થાય અથવા તો રેવન્યુ અમલદાર સાથે એક ન્યાયખાતાનો અમલદાર પણ હોય અને હકીકત કે આંકડા સંબંધી કાંઈ મતભેદ પડે તો ન્યાયખાતાના અમલદારનો નિર્ણય આખરી ગણાય.

આ 'શરતો' થી કેાણ છેતરાય ? ગાંધીજીએ તો કહ્યું, 'સરકારી હૃદય જ પિગળ્યું નથી તો પરિવર્તનની વાત જ ક્યાં કરવી ? એ હૃદય તો પથ્થરથીયે કઠણ બની ગયું છે.' શરતોમાં વિપરીત બુદ્ધિ સિવાય કશું જોવામાં આવતું નહોતું, પ્રતિષ્ઠાના ભૂતથી સરકાર હજી પછડાઈ રહેલી દેખાતી હતી. નહિ તો તો 'આંકડાની ગણત્રીની તપાસ’ની ઘેલી વાત કરે ? અને વધારાના પૈસા અનામત મૂકવાની જે માગણીને દેશમાં વિનીત પક્ષના પણ એકે નેતાએ ટેકો નહોતો આપ્યો, અરે 'પાયોનિયર' અને ‘સ્ટેટસમેન' જેવાં અંગ્રેજી છાપાંઓએ પણ ટેકો નહોતો આપ્યો. તે માગણીને સરકાર વળગી રહી તેમાં ગાંધીજીના શબ્દોમાં કહીએ તો સરકારની કુબુદ્ધિ અને અલ્પતા તરી આવતી હતી.

સમાધાનીના પ્રયત્નના એ પાખંડને બીજા કોઈ પણ માણસે ધુતકારી કાઢ્યુ હોત, અને શાંત થઈને પોતાને કામે વળગી ગયા હોત. પણ શ્રી. વલ્લભભાઈને તો સંધિનો એકે માર્ગ જતો નહોતો કરવો. તેમણે એક કાગળ લખી સરકારને બીજી સંધિ આપી, જે કાગળની સભ્યતા અને નરમાશ સરકારને ધડો આપે એવાં હતાં. તેમણે જણાવ્યું: ‘‘તપાસ નિમાય અને તેનું પરિણામ આવે તે અગાઉ જ વધારાનું મહેસૂલ ભરી દેવાની વાત કરવી એમાં પ્રજાનો અવિશ્વાસ અને આગેવાનોની સચ્ચાઈ વિષે શંકા દીસી આવે છે. જો લોકો લબાડ હશે તો તેમની વલે કરવા અને તેમનો આગેવાન ખોટો માણસ હશે તો તેને પૂરતી સજા કરવા સરકારની પાસે જોઈએ તેટલી સામગ્રી છે. વધારો ભરી દેવાનો, આગ્રહ કરવાની ફરજ કાયદો સરકારને ક્યાં પાડે છે તે હું તો જોઈ શકતો જ નથી." તેમણે એમ પણ જણાવ્યું : "જમીનમહેસૂલના કાયદાના તદ્દન એકતરફી અને જરીપુરાણા સ્વરૂપને લગતો વિશાળ અને વધુ મહત્ત્વનો પ્રશ્ન લોકો છેડી શકતા હતા, અને જો તેમણે તેમ કરવા ઈચ્છ્યુ હોત તો તેમ કરવાનો તેમને સંપૂર્ણ હક હતો, પણ તેમણે તે પ્રશ્નને છેડ્યો જ નથી. મને તો માત્ર કાયદાની મર્યાદાની અંદર ન્યાય મેળવવામાં તેમને મદદ કરવાનું કામ તેમણે સોંપ્યું છે." જો તપાસસમિતિ નીમવાનું કબૂલ કરવામાં આવે તો તેમાં આટલી વસ્તુઓ થવી જ જોઈએ એમ શ્રી વલ્લભભાઈ એ જણાવ્યું :

૧. સત્યાગ્રહી કેદીઓ છૂટવા જોઈએ.
૨. ખાલસા જમીન (પછી તે વેચાઈ ગઈ હોય કે માત્ર સરકારમાં દાખલ થઈ હોય) બધી તેના ખરા માલિકોને પાછી મળવી જોઈએ.
૩. ભેંસો, દારૂ, વગેરે જે જંગમ મિલકત લોકોની ફરિયાદ પ્રમાણે હસવા જેવી કિંમતે વેચી નાંખવામાં આવી હોય તેની બજારકિંમત તેના માલિકોને મળવી જોઈએ.
૪, બરતરફી તેમજ બીજી જે કાંઈ સજા આ લડતને અંગે કરવામાં આવી હોય તે પાછી ખેંચી લેવાવી જોઈએ.

તપાસની બાબતમાં પણ કશી ગેરસમજ ન રહે એ ખાતર શ્રી વલ્લભભાઈએ સ્પષ્ટ કર્યું કે સરકારી અમલદારોની તપાસસમિતિથી પણ પોતાને સંતોષ થશે, માત્ર એ તપાસ ખુલ્લી, નિષ્પક્ષ અને ન્યાયની અદાલતમાં થાય છે એવા સ્વરૂપની હોવી જોઈએ, અને એ તપાસસમિતિ આગળ લોકોને પોતાની ઈચ્છા. હોય તો વકીલ મારફત પોતાનો કેસ રજૂ કરવાની છૂટ હોવી જોઈએ. આમ કહીને શ્રી. વલ્લભભાઈએ સરકારને નિશ્ચિંત પણ કરી, અને સરકારને કશું કહેવાનો માર્ગ ન રાખ્યો.

વળી, સરકારને સતાવવાની અથવા હલકી પાડવાની પોતાની જરા પણ ઈચ્છા નથી એ વસ્તુ તથા સરકારને અને પ્રજાને બન્નેને માટે આબરૂભર્યું સમાધાન લાવવાનો એકેએક માર્ગ ગ્રહણ કરવા પોતે તૈયાર છે એ વસ્તુ શ્રી. વલ્લભભાઈ એ વળી પાછી એ કાગળમાં સ્પષ્ટ કરી.

સૂરતની મસલતના પછી પણ દરેકે દરેક પક્ષનો લોકમત તેમજ લગભગ આખા હિંદુસ્તાનમાં હિંદી તેમ જ ઍંગ્લો–ઇન્ડિયન વર્તમાનપત્રો સત્યાગ્રહીઓના પક્ષમાં હતાં તેમ જ રહ્યાં. આખી લડત દરમ્યાન ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ સિવાયનાં બધાં જ મુંબઈનાં વર્તમાનપત્રો સત્યાગ્રહીઓની તરફેણમાં હતાં. ‘લીડરે’ સરકારની શરતોને ‘બારડોલીના ખેડૂતોને નામોશીથી નમી જવાની માગણી’ તરીકે વર્ણવી; ‘ન્યુ ઇડિયા’એ સૂચવ્યું, કે બર્કનહેડ જો પોતાની હઠ પકડી રાખે અને પોતાની આડાઈ ચાલુ રાખે તો તેને ઠેકાણે લાવવા પાર્લામેંટમાં ચળવળ કરવી; ‘હિંદુ’ પત્રે લખ્યું કે ના. ગવર્નરે સમાધાન કરવાની બહુ ઉત્તમ તક ફેંકી દીધી, અને ‘પાયોનિયરે’ તો ‘સરકારની શરતોને ઘોડા આગળ ગાડી મૂકવા’ ઊંધી જેવી કહી.

પણ એકે અવાજે પ્રગટ થયેલા આ લોકમતથી જરાય અસ્વસ્થ થયા વિના સર લેસ્લી કાયદા અને બંધારણોનો વાવટો ઊંચો રાખવાના પોતાના કાર્યમાં મંડ્યા રહ્યા. નામનાના ભૂતને વળગતાં તેમના હાથમાં નામોશી રહી જતી હતી તે વાતનું તેમને ભાન કરાવનાર કોઈ રહ્યું નહોતું. તેમને ચઢાવનારાઓનો તોટો નહોતો. ૨૩ મી જુલાઈએ ધારાસભા ખુલ્લી મૂકતાં તેઓએ ‘જ્વાળામુખીના ઉકળતા રસ જેવું ધગધગતું’ ભાષણ કર્યું, તેમાં એ તારીખથી ૧૪ દિવસની અંદર, સૂરત જિલ્લાના પ્રતિનિધિઓ સરકારે આપેલી શરતો નહિ સ્વીકારે તો પરિણામો બહુ ભયંકર આવશે એવી ધમકી આપી. મુદ્દાને વધુ સ્પષ્ટ કરવા જતાં તેમણે મુદ્દો ગૂંચવ્યો. તેમણે કહ્યું કે બારડોલીમાં થયેલી નવી આકારણીના ન્યાયીપણા કે અન્યાયીપણાનો મુદ્દો હોવાને બદલે, જો મુદ્દો એ હશે કે ‘શહેનશાહના સામ્રાજ્યના અમુક ભાગમાં શહેનશાહનો હુકમ ચાલે કે નહિ,’ તો ‘સરકાર પાસે જેટલું બળ છે તે બળથી’ એ મુદ્દાને પહોંચી વળવા સરકાર તૈયાર છે. પરંતુ ‘જો એટલો જ પ્રશ્ન તપાસવાનો હોય કે નવી આકારણી ન્યાયી છે કે અન્યાયી તો સરકાર તરફથી બહાર પડેલી યાદીમાં જણાવ્યા પ્રમાણે આખા કેસની સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર તપાસ કરવા સરકાર તૈયાર છે’ — ‘પણ સરકારનું માગતું આખું મહેસૂલ ભરાઈ જવું જોઈએ અને ઉપાડેલી લડત પૂરેપૂરી બંધ થઈ જવી જોઈએ, ત્યારપછી જ એ બને. આ પ્રમાણે પોતાની શરતો પ્રગટ કરીને ધારાસભાના જે સભ્યો બારડોલીના લોકોના પ્રતિનિધિઓ હતા તેમને તેઓ સાહેબે આ પ્રમાણે ડરામણું દેખાડ્યું :

“પરંતુ એટલું સ્પષ્ટ કરવાની મારી ફરજ છે કે તે આ શરતોનો સ્વીકાર નહિ થાય અને તેને પરિણામે સમાધાની નહિ થાય તો કાયદાનો સંપૂર્ણ અમલ કરવા માટે પોતાને જે ઇષ્ટ અને આવશ્યક જણાશે તે પગલાં સરકાર લેશે, અને સરકારની કાયદેસરની સત્તાનું સર્વ રીતે પાલન થયેલું જોવા માટે પોતાના તમામ બળનો તે ઉપયોગ કરશે.”

ત્યારપછી સવિનય ભંગના ગેરકાયદેપણા વિષે થોડાંક સર્વવિદિત વચનો તેઓએ ઉચ્ચાર્યાં, અને રખેને પોતાની ધમકીનો અનર્થ થાય અને તેને સમાધાનીના આધારરૂપ ગણી લેવામાં આવે એટલા ખાતર તેમણે પાછું સાફ જણાવ્યું :

“સરકારના ચોકસ અને છેવટના નિર્ણય તરીકે આ વસ્તુઓ મૂકવામાં આવી છે. સરકારે ચોકસ શરતો આપી છે અને કોઈપણ જાતની ફરી તપાસનું વચન આપવામાં આવે તે પહેલાં એ શરતોનું પાલન થવું જ જોઈએ. એ શરતોમાં કશો ફેરફાર થઈ શકે એમ નથી.”

ગવર્નરસાહેબ જાણતા હતા કે સત્યાગ્રહીઓ તો બધી ધમકીને ઘોળીને પી ગયા હતા, સરકારનો ક્રોધ કરવાનો ઇજારો છે એમ કહીને સરકારના કોપને પણ તેઓ હસી કાઢતા હતા, એટલે તેમણે આ ડરામણી ધારાસભાના સૂરતના સભ્યોને ઉદ્દેશીને પોકારી :

“આ વસ્તુ સાથે સંબંધ ધરાવતા હોય તે સભ્યોને હું કહું છું કે તેમણે આજથી ચૌદ દિવસની અંદર રેવન્યુ મેમ્બરને પોતાનો જવાબ આપી દેવો કે તેઓ પોતાના મતદારોના તરફથી ઉપર કહેલી શરતોનું પાલન કરવાને તૈયાર છે કે નહિ, કારણ તપાસ જાહેર થાય તે પહેલાં આ શરતોનું પાલન થવું જ જોઈશે.”

 સવિનય ભંગના પ્રશ્ન ઉપર બોલતાં નામદાર ગવર્નરને પોતાના ભૂતકાળનું વિસ્મરણ થયું. પાંચ વરસ પહેલાં બોરસદના સત્યાગ્રહ વખતે તેમણે પોતાના હોમ મેમ્બરને એ કાયદાવિરુદ્ધની ચળવળ ઉખેડી નાંખવાનો હુકમ નહોતો આપ્યો, પણ ત્યાંની પરિસ્થિતિ તપાસવા જણાવ્યું હતું. અને એ હોમ મેમ્બરની તપાસને પરિણામે જ તેમણે કબૂલ કર્યું હતું : “વાર્ષિક રૂ. ૨,૪૦,૦૦૦ નો વિશેષ ધારો લોકો ઉપર નાંખવામાં આવ્યો હતો તે રદ કરવાનો કેસ સાબિત થાય છે.” પોતાના આ શોભાભર્યા કાર્યથી જે રાજનીતિકુશળતા તે દર્શાવી હતી તે તેઓ સાહેબ આ વખતે ભૂલી ગયા. પણ એ સંભવિત છે કે પાંચ વર્ષ પૂર્વે પોતે પરિસ્થિતિના સ્વામી હતા, જ્યારે વર્તમાન બારીક પ્રસંગે પોતાના વ્હાઈટહૉલના માલિકના બોલાવ્યા તેઓ બોલતા હોય, કારણ તે જ દિવસે આમની સભામાં ઉચ્ચારેલું લૉર્ડ વિન્ટર્ટનનું ભાષણ રોઈટરના તારસમાચારથી પ્રસિદ્ધ થયું તેમાં સર લેસ્લીના ભાષણને પ્રેરનારો કોણ હતો તે ઉઘાડું પડતું હતું :

“મુંબઈની ધારાસભામાં આજે બારડોલીના સંબંધમાં જે શરતો સર લેસ્લી વિલ્સને રજૂ કરી છે તેનું પાલન નહિ થાય તો કાયદો અમલમાં મૂકવા માટે અને ત્યાંની ચળવળને ચગદી નાંખવા માટે મુંબઈ સરકારને હિંદની સરકારનો પૂરેપૂરો ટેકો છે. કારણ એ શરતો ન સ્વીકારાય તો એ ચળવળનો એટલો જ અર્થ થાય કે તે સરકારને દબાવવા માટે ચલાવવામાં આવી છે, નહિ કે લોકોના વાજબી દુઃખની દાદ મેળવવા માટે.”

આ ધગધગતા અંગારમાં અહિંસક ચળવળની સફળતાથી અંગ્રેજ લોકોના દિલમાં કેટલો ક્રોધ વ્યાપ્યો હતો તેનું માપ દેખાતું હતું. શ્રી. વલ્લભભાઈને તો પોતાની જાતને અભિનંદન આપવા માટે પૂરતું કારણ હતું કે જે ૮૦,૦૦૦ માણસોનું નેતૃત્વ પોતે સ્વીકાર્યું હતું તેમના તરફથી એક પણ હિંસાનું કૃત્ય થયા વિના સરકારને પોતાનું ખરું સ્વરૂપ પ્રગટ કરી દેવાની તેમણે ફરજ પાડી. ધમકીથી ભરેલાં આ ભાષણોના જવાબમાં તેમના જેટલું જ અંગાર વર્ષતું આહ્‌વાન તેઓ બહાર પાડી શકતા હતા, અને સરકારને જે ફાવે તે કરી નાંખવા અને મકદૂર હોય તો આ ચળવળને ચગદી નાંખવા પડકાર કરી શકતા હતા. પણ પોતાની શક્તિનું જેટલું તેમને જ્ઞાન હતું તેટલી જ તેમનામાં નમ્રતા હતી એટલે તેમણે તો છાપાંજોગી એક ટૂંકી યાદી જ બહાર પાડી. તેમાં પોતાની માગણી ફરી સ્પષ્ટ કરીને તેમણે સંતોષ માન્યો, અને લોકોને ચેતવણી આપી કે પોકળ શબ્દોથી કોઈએ દોરવાઈ ન જવું, અથવા ભાષણમાંની ધમકીઓથી અસ્વસ્થ ન થવું. યાદીમાં તેમણે જણાવ્યું :

“મારે કબૂલ કરવું જોઈએ કે નામદાર ગવર્નરના ધમકીભરેલા આવા ભાષણની મેં અપેક્ષા નહોતી રાખી. પણ એ ધમકીઓને બાજુએ રાખીને એ ભાષણમાં જાણ્યે કે અજાણ્યે જે ગોટાળો ઉત્પન્ન કરવાનો ઇરાદો જણાય છે તે હું દૂર કરવા માગું છું. ગવર્નરસાહેબના કહેવાનો સાર એ છે કે જો લડતનો હેતુ સવિનય ભંગ હોય તો સરકાર પાસે જેટલું બળ છે તેટલા બળથી પોતે તેનો મુકાબલો કરવા ઇચ્છે છે. પરંતુ જો ‘પ્રશ્ન માત્ર નવી આકારણીના ન્યાયીપણા કે અન્યાયીપણાનો હોય તો’ ‘પૂરું મહેસૂલ સરકારને ભરી દેવામાં આવે અને ચાલુ લડત બંધ થાય ત્યાર પછી આખા કેસની તેઓ પોતાના જાહેરનામામાં જેની રૂપરેખા આપી છે એવી સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર તપાસ કરાવવા તૈયાર છે.’ હું એ દર્શાવવા ઈચ્છું છું કે લડતનો હેતુ સવિનય ભંગ કરવાનો નહોતો અને નથી જ. હું જાણું છું કે સવિનય ભંગના કાયદેસરપણા વિષે તથા ડહાપણ વિષે બધા પક્ષનો એક અભિપ્રાય નથી. એ બાબત મારો પોતાનો અભિપ્રાય દૃઢ છે. પરંતુ બારડોલીના લોકો સવિનય ભંગ કરવાનો હક સ્થાપિત કરવાની લડત લડતા નથી. તેઓ તો સવિનય ભંગની રીતે — અથવા તેઓએ સ્વીકારેલી રીતને જે નામ આપવામાં આવે તે રીતે – પોતા ઉપર થયેલો મહેસૂલનો વધારો સરકાર પાસે રદ કરાવવા, અથવા થયેલો વધારો ખોટી રીતે થયેલો સરકારને ન લાગતો હોય તો સત્ય શોધી કાઢવા માટે નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ કરાવવા માટે લડે છે. એટલે પ્રશ્ન તો કેવળ નવી આકારણીના ન્યાયીપણાને કે અન્યાયીપણાનો જ છે. અને સરકાર ને ‘પ્રશ્નની સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર તપાસ’ કરવા માગતી હોય તો તેઓ પોતે જ જે વસ્તુ સ્વીકારે છે તેનું તેમાંથી સ્પષ્ટ રીતે ફલિત થતું પરિણામ તેઓએ સ્વીકારવું જ જોઈએ. એટલે કે જે વધારા માટે તકરાર છે તે ભરાવી દેવાનો આગ્રહ ન રાખવો જોઈએ અને લડત શરૂ થઈ તે પહેલાં જે સ્થિતિ હતી તે સ્થિતિમાં લોકોને મૂકવા જોઈએ. વળી ‘સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર તપાસ’ ને ‘પ્રગટ થયેલા જાહેરનામામાં જેની રૂપરેખા આપી છે’ એવું વિશેષણવાક્ય લગાડવામાં આવે છે તે સંબંધમાં લોકોને હું ચેતવું છું. એ વાક્ય બહુ ભંયકર છે, કારણ સૂરતની યાદીમાં ‘સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર તપાસ’નું વચન નથી પણ તપાસની એક મશ્કરીનો જ ઉલ્લેખ છે. સૂરતની યાદીમાં તે બહુ જ મર્યાદિત તપાસનો વિચાર દર્શાવેલો છે. ન્યાયખાતાના અમલદારની મદથી રેવન્યુ અમલદાર સરવાળાબાદબાકીની અને હકીકતની ભૂલ તપાસે એ ‘સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર તપાસ’થી એક જુદી જ વસ્તુ છે, એટલે હું આશા રાખું છું કે ગવર્નરે પોતાના ભાષણમાં આપેલી ધમકીઓથી અસ્વસ્થ થયા વિના લોકમત મેં દર્શાવેલા માત્ર એક જ મુદ્દા ઉપર એકાગ્ર રહેશે.”

આ લખાણમાંથી સત્યાગ્રહના અભ્યાસીને તો એ શીખવાનું મળે છે કે આકરી ઉશ્કેરણીને પ્રસંગે પણ સત્યાગ્રહીને પોતાના મગજનું સમતોલપણું ગુમાવવું ન પોસાય. તે પ્રયત્નપૂર્વક કડક અને ઉશ્કેરનારી ભાષાનો ત્યાગ કરે છે, અને પોતાના વિરોધીની ડરામણી ભાષાનું અનુકરણ નથી કરતો. ગવર્નરના ભાષણની સહેજ જ અગાઉ ગાંધીજીએ ‘યંગ ઇન્ડિયા’માં સરકારને જે વિનવણી કરી હતી તે પણ સત્યાગ્રહના અભ્યાસી માટે એટલી જ મનનીય છે :

“ભરોસાદાર વાતો ઉપરથી માલમ પડે છે કે ખાનગીમાં જે શરતો સરકાર તરફથી આપવામાં આવી છે તેના કરતાં પણ સૂરત મુકામે ગવર્નરસાહેબે ઓછાની વાત કરી છે. શ્રી. વલ્લભભાઈ પટેલે તો પોતાની શરતો પહેલેથી નક્કી કરી રાખેલી છે, અને સરકારને અનેક રીતે તે જણાવવામાં પણ આવી છે. આબરૂભર્યા સમાધાનમાં સાધારણ રીતે હમેશાં જે માગવામાં આવે છે તેથી વિશેષ કશું તેમણે માગ્યું નથી. એટલું તો સહુ સ્વીકારે છે અને અણધાર્યાં સ્થળોએ પણ એ સ્વીકારવામાં આવ્યું છે કે બારડોલી અને વાલોડના ખેડૂતોએ પોતાના સિદ્ધાન્તની ખાતર બહુ વેઠ્યું છે. સરકાર જે તપાસ આપવા માગે છે તેનો અર્થ એવો થાય છે કે એક સામાન્ય રેવન્યુ અમલદાર વ્યક્તિગત દાખલા તપાસે અને તેમાં ભૂલ થઈ હોય તો સુધારે. પણ લોકોએ આવી તપાસ માટે સત્યાગ્રહ નથી માંડ્યો. વળી ખોટી રીતે ખાલસા થયેલી પોતાની કીમતી જમીન લોકો જતી કરે એવું પણ તેમને વિષે ન જ મનાય. વળી પોતાને માટે જેમને ખોટી રીતે દુઃખો વેઠવાં પડ્યાં છે તેમને તેઓ અંતરિયાળ છોડે એમાં પણ તેમની  આબરૂ ન ગણાય. સરકારની શરતોનો એટલો જ અર્થ છે કે વધારેલું મહેસૂલ ભરવાનું ના પાડીને લોકોએ અપરાધ કર્યો છે. હવેથી તેઓ એ અપરાધ કરતા અટકે, અને જે વધારો ખોટી રીતે આંકવામાં આવેલો હોવાનું તેઓ કહે છે તે વધારાની રકમ તેઓ અનામત મૂકે, તો સરકાર વ્યક્તિગત દાખલા ફરી તપાસવાની મહેરબાની કરે. નેતા થવાને લાયક કોઈ પણ વ્યક્તિ આવી શરતો સ્વીકારી શકે નહિ. લોકોએ અપરાધ કર્યો છે એવી તેની ખાતરી થવાને બદલે તેની ઊંડી ખાતરી તો એવી થયેલી છે કે લોકોનો પક્ષ સાચો છે અને સરકારનો પક્ષ તદ્દન ખોટો છે.

પણ શ્રી. વલ્લભભાઈ સરકારની પેઠે અશક્ય શરતો રજૂ કરતા નથી. સરકારે ભૂલ કરી છે એવું સરકાર પાસે સ્વીકારાવી લેવાની માગણી પણ તે નથી કરતા. તેમની માગણી તો એટલી જ છે કે આ લડતમાં કોણ સાચું છે ને કોણ ખોટું છે એની તપાસ સરકારે પોતે નિમેલી સમિતિ દ્વારા થાય, માત્ર એ સમિતિમાં લોકોનું વાજબી પ્રતિનિધિત્વ હોય. અને આમ થાય તો તેમની બીજી શરત એ છે કે આવી નિષ્પક્ષ તપાસસમિતિ નિમાવાનું જે સ્વાભાવિક અને સીધું પરિણામ હોવું જોઈએ કે લડત પહેલાં જે સ્થિતિ હતી તે કરી દેવી એ વસ્તુ સરકારે સ્વીકારવી જ જોઈએ. હું તો એમ પણ સૂચવવા માગું છું કે આથી જો જરા પણ થોડું તે માગે અથવા સ્વીકારે તો તેમણે ભારે વિશ્વાસભંગ કર્યો ગણાય. આબરૂભર્યું સમાધાન કરવાની તેમની તત્પરતા અને ન્યાયપરતા તેમની પાસે આટલી ઓછામાં ઓછી માગણી કરાવે છે. નહિ તો જમીનમહેસૂલની સરકારની આખી નીતિનો પ્રશ્ન તેઓ ઉપાડી શકે છે, અને પોતાના કાંઈ પણ દોષ વિના છેલ્લા ચારચાર માસ થયા લોકો જે સિતમ વેઠી રહ્યા છે તેને માટે નુકસાની પણ માગી શકે છે.

સરકારની આગળ બે જ માર્ગ પડેલા છે — આખા દેશના લોકમતને માન આપી શ્રી. વલ્લભભાઈની માગણી સ્વીકારે અથવા પોતાની જૂઠી પ્રતિષ્ઠા ઊંચી રાખવા દમનનીતિના દોર છૂટા મૂકે. હજી વખત વહી ગયો નથી. હું તો સરકારને સત્યનો માર્ગ સ્વીકારવાની વિનંતિ કરું છું.”