બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/મુનશી સમિતિના નિર્ણયોનો સારાંશ

વિકિસ્રોતમાંથી
← સમાધાનીનો પત્રવ્યવહાર બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
મુનશી સમિતિના નિર્ણયોનો સારાંશ
મહાદેવભાઈ દેસાઈ




પરિશિષ્ટ ૪

મુનશી સમિતિના નિર્ણયોનો સારાંશ

૧. કેટલાક દાખલાઓમાં ખાલસા નોટિસો કાયદા પ્રમાણે તૈયાર કરવામાં અને ચોડવામાં આવી નહોતી, કેટલાક દાખલામાં નોટિસો ખોટે ઠેકાણે ચોડાઈ હતી, અને કેટલીક નોટિસો તેમાં જણાવવામાં આવેલી મુદત વીત્યા બાદ લાંબા વખત પછી ચોટાડવામાં આવી હતી. અમારી આગળ રજૂ કરવામાં આવેલી નિયમબાહ્ય નાટિસોની સંખ્યા સારી જેટલી છે, અને તે તાલુકાના જુદાજુદા ભાગોમાંથી આવી છે. તે ઉપરથી જણાય છે કે આ નિયમબાહ્યતા તાલુકાની અમુક નાની મર્યાદામાં જ નહોતી.

૨. બારડોલીની ઘણીખરી જમીન વિષે ખાતેદારો સામે ૬૦૦૦થી વધુ નોટિસો કાઢવામાં આવી હતી. તે તે જમીનોમાંથી લેવાના મહેસૂલ સાથે આ જમીનોની કિંમત મુદ્દલ પ્રમાણસર નહોતી કારણ કે સરકારી અહેવાલો પ્રમાણે બારડોલીની જમીનની સરાસરી કિંમત એ ઉપરના સરકારી ધારા કરતાં ૫૦-૧૦૦ ગણી વધારે છે. આ પ્રમાણે ખાલસા કરવું એનો નૈતિક દૃષ્ટિએ કે રાજકારોબારની દૃષ્ટિએ બચાવ થઈ જ ન શકે.

૩. જમીન વેચી નાંખવાના સંબંધમાં કારોબારી ખાતા પાસે રહેલી આકરી સત્તાની રૂએ : રૂા. ૩,૦૦,૦૦૦, ની કિંમતની જમીનો રૂા. ૧૧,૦૦૦માં વેચી કાઢવામાં આવી. આમ, લેવાના મહેસૂલના પ્રમાણમાં અનેકગણી કિંમતની જમીન વેચી નાંખવામાં આવે એ અન્યાય્ય છે, પછી ભલે તે શિરસ્તાની રૂએ હોય.

૪. ઘણા કિસ્સાઓમાં જપ્તી માટે લેવાયેલાં પગલાં અને જંગમ મિલકતનાં વેચાણો ગેરકાયદે કે નિયમબાહ્ય હતાં.

૫. જુદાંજુદાં ગામોએ રહેવાનાં ઘરનાં બારણાં ઉઘાડી નાંખ્યાના અનેક દાખલાઓ બન્યા છે, એ બતાવી આપે છે કે આમ બારણાં ઉઘાડી નાંખવાનું કાંઈ કોઈ એકાદ જપ્તીઅમલદારે જ કર્યું નહોતું, પરંતુ એ તો એક વ્યવસ્થિત નીતિના અંગરૂપ જ હતું. બારણાં ઉઘાડી નંખાયાં તેમાં ખોલવા ધારેલું અથવા ખોલેલું ઘર ખાતેદારનું છે કે નહિ તેની કશી પણ તપાસ કરવામાં નહોતી આવી.

૬. ઘણા દાખલાઓમાં સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી જપ્તી કરવામાં આવી હતી. આને પરિણામે લોકોને ખૂબ વેઠવું પડ્યું હતું.

૭. રાંધવાનાં વાસણો, ખાટલાપથારી, બિયાં, ગાડાં, બળદ, વગેરે જેવી ચીજો જપ્તીમાં ન જ લઈ શકાય.આમ આ ચીજો ન જ લઈ શકાય છતાં તે જપ્તીમાં ઝડપવામાં આવી હતી.

૮. અસંખ્ય દાખલાઓમાં જપ્તીઅમલદારોએ જપ્તી કરતી વખતે તપાસ પણ કરી નહોતી કે તેઓ જપ્તીમાં લે છે તે મિલકત મહેસૂલ બાકી રાખનાર ખાતેદારની છે કે કોઈ બીજાની. ઘણા કિસ્સાઓમાં તેમણે એવા માણસોની મિલકત જપ્ત કરી હતી જેમને કશું જમીનમહેસૂલ ભરવાનું જ નહોતું; અને જપ્તીમાં લીધેલી મિલકત ખાતેદારની નહોતી એ સાબિત કરવાનો બોજો, અવશ્ય કરીને, જેમની મિલકત ખોટી રીતે જપ્ત કરવામાં આવી હતી એવા બિનખાતેદારો ઉપર જ નાંખવામાં આવતો. કેટલાક દાખલામાં તો આવી રીતે જપ્તીમાં લીધેલી મિલકત વેચી નાંખતી વખતે એ મિલકત કોની હતી એની તપાસ કરવા જેટલી પણ તસ્દી લેવાઈ નહોતી.

૯. અનેક દાખલાઓમાં જપ્ત કરેલો માલ તે તે ચીજની કિંમત કરતાં પણ ઓછા ભાવે વેચી નાંખવામાં આવ્યો હતો, અને પોલીસો તથા રેવન્યુ પટાવાળાઓને આ લિલામ વખતે માલ માટે બીડ મુકવા દેવામાં તથા તે ખરીદવા દેવામાં આવ્યા હતા.

૧૦. જપ્તીમાં લીધેલાં ઢોરોને ઘણા દાખલાઓમાં સખત મારવામાં આવ્યાં હતાં. થાણાંમાં તેમની જોઈતી કાળજી રાખવામાં આવી નહોતી, એટલે કે તેમને પૂરતું ખાવાનું કે પીવાનું આપવામાં આવ્યું નહોતું.

૧૧. શાંત લોકોમાં જપ્તીના કામ માટે પઠાણોને રોકવામાં આવ્યા એ બિનજરૂરી અને ગેરવાજબી હતું. પુરાવો મળી આવે છે કે આ રોકવામાં આવેલા પઠાણોની વર્તણૂક અસભ્ય અને અયોગ્ય હતી, અને એક દાખલામાં તો સ્ત્રીની છેડ કરવા સુધી તેઓ ગયા હતા. કેટલાક દાખલામાં પઠાણોએ નાની નાની ચોરીઓ કરી હતી. ઢોરો પ્રત્યે તેઓ નઠોર રીતે વર્ત્યા હતા.

૧૨. સત્યાગ્રહી કાર્યકર્તાઓને સજા કરવા તથા લોકોની ચળવળ તોડી પાડવા સરકારે ફોજદારી કાયદાનો આશરો લીધો હતો. ઘણા દાખલાઓમાં ફોજદારી કાયદાનો ઉપયોગ ગેરવાજબી અને ઝેરીલો હતો.

૧૩. એક ઊતરતી પાયરીના મહેસૂલી અધિકારીને માંડવામાં આવેલા દાવાઓનો નિકાલ કરવા માટે મૅજિસ્ટ્રેટ તરીકે નીમવામાં અને બારડોલીના ઉત્તેજિત વાતાવરણમાં એક અદાલત ઊભી કરવામાં સરકારે વાજબી નહોતું કર્યું.

૧૪. ફરિયાદ પક્ષ તરીકે સરકારે ઘટતા પુરાવાઓ રજૂ કર્યા નહોતા, અને ઓળખાવવાની રીત બિનભરૂસાદાર હતી. જે પુરાવાઓના આધારે આરોપીઓને ગુનેગાર ઠરાવવામાં આવ્યા હતા તે એકપક્ષી હતા અને ભરૂસાપાત્ર નહોતા. ઘણાખરા ગુનાઓ તો, બહુ બહુ તો, નામ માત્રના જ હતા. ઘણા દાખલાઓમાં તે તે જગ્યાએ હાજર હતા એવા માણસોને સાક્ષીમાં બોલાવવામાં આવ્યા નહોતા.

૧૫. મૅજિસ્ટ્રેટે વધારે સારા પુરાવા માટે આગ્રહ ન ધરવામાં ભૂલ કરી હતી, અને કેટલાક દાખલાઓમાં એમણે કાયદાનો ખોટો જ અર્થ કર્યો હતો. નામના ગુનાઓ માટે પણ સરકારે ખો ભુલાવી નાંખે એવી સજાઓની માગણી કરી હતી. અને ઘણા દાખલાઓમાં મૅજિસ્ટ્રેટ આ સાથે સંમત થયા હતા, અને ગુનાના પ્રમાણમાં બેહદ સજાઓ એમણે આપી હતી.

૧૬. જમીનમહેસૂલના કાયદામાં અપાયેલી સત્તાઓને એકસાથે અને કડક રીતે અમલમાં મૂકવી, અને પરિણામે એકસામટી જમીનો ખાલસા કરવી, ઓછી કિંમતે ચીજવસતો વેંચી નાંખવી, ખાલસા, જપ્તી, અને વેચાણમાં કાયદાની રીતોની અવગણના કરવી, પઠાણો રોકવા, ઢોરો ઉપર જુલમ વર્તાવવો અને તેમને ખાટકીને વેચવાં, ખાતેદારોનાં ઘર આગળ કલાકો સુધી પઠાણો અને પોલીસોનો ખડો પહેરો રાખવો, માલ જપ્તીમાં લેવો, ફોજદારી કાયદાનો ઉપયોગ કરવો અને આવું આવું બીજું કરવું, એ બધું પુરવાર કરી આપે છે કે સરકારે આકરાં પગલાં લીધાં હતાં.

૧૭. બારડોલી તાલુકા પાસે ખાસ કરીને સત્યાગ્રહની લડત પડતી મુકાવવા માટે જ લશ્કર સિવાય બીજું બની શકે તેટલું આકારામાં આકરું દબાણ લાવવા સરકારે આવાં કડક પગલાં લીધાં હતાં. શ્રી. વલ્લભભાઈ પટેલ અને તેમના સત્યાગ્રહીઓ એક સ્થાનિક આર્થિક પ્રશ્ન માટે જ લડતા હતા એ ન માનવામાં સરકારી અધિકારીઓએ ગેરવાજબી કર્યું હતું. આમ મુખ્યત્વે સરકારે લડતના હેત્વાર્થને અવગણી લડતના દેખાતા સ્વરૂપને જ અનુલક્ષી પોતાનાં પગલાં લીધાં. આ પગલાં મહેસૂલવસૂલાતની સીધી જરૂરિયાત કરતાં વધારે આકરાં અને જુલમી હતાં. તેમાં કાયદાની શાસ્ત્રીયતાને આદર ન આપતાં અવગણવામાં આવી હતી; ઘણી વખત તેમની બજાવણીમાં એમનો ભોગ થઈ પડતા વર્ગના સામાન્ય હિતની પરવા કરવામાં આવી નહોતી; અને સરકારે જેમને વિષે માની લીધું કે તેઓ તેની સત્તા પચાવી પડ્યા હતા તેમને સજા કરવા તેમજ એ સત્તા પડાવી લેનારાઓની આગેવાની સ્વીકારનારાઓમાં ધાક બેસાડવા એ પગલાં લેવામાં આવ્યાં હતાં. આથી અમે આ જ નિર્ણય ઉપર આવીએ છીએ કે સરકારે આ પગલાં લઈ દંડ દેવાનો તેમજ વેર વાળવાનો ઇરાદો રાખ્યો હતો, અને તેમાં સરકારધારો વસૂલ લેવાનો હેતુ એ એકલો જ નહોતો એટલે એ પગલાં ઝેરીલાં હતાં.

૧૮. જાપ્તાનાં પગલાંને પરિણામે બારડોલી તાલુકો સંગઠિત થયો અને સરકારની પ્રવૃત્તિઓને તોડી પાડવા એ કાર્યબદ્ધ થયો. સરકારે લીધેલાં પગલાંને લઈને પટેલતલાટીએ રાજીનામાં આપ્યાં, અને ગામલોકો કે ગ્રામ્ય અધિકારીઓને સમજાવવાના કે ધમકી આપવાના પ્રયત્નોને પરિણામે લોકોએ ઢીલાપોચાનો સામાજિક બહિષ્કાર કર્યો. સરકારી પ્રવૃત્તિના કારણે તાલુકાના રોજના સામાન્ય કામધંધા અટકી ગયા.

૧૯. સરકારી પ્રવૃત્તિઓને પરિણામે ઢોરોની તંદુરસ્તી અત્યંત બગડી હતી એ નીચલા કોઠા ઉપરથી જણાશે :

તાલુકાનાં ૭૬ ગામોમાંથી મળતા આંકડા

કુલ ભેંસ ૧૬,૬૧૧
માંદી ભેંસ ૩,૮૦૧
કુલ બળદ ૧૩,૦૯૧
માંદા બળદ ૪૨૪
ચામડીનો સોજો ને ચામડી ઊતરી જવી ૯૬૦
પાડાં ૯૨
ચાંદાં અને જીવાત ૨,૧૫૫
પરચૂરણ બીમારી ૧,૦૧૮
કુલ મરણ ૯૩

૨૦. લોકોનું આરોગ્ય પણ બગડ્યું હતું. સરકારી ખાતાએ તેમનાં પગલાંથી લોકોની તંદુરસ્તીને જોખમ ન આવે એ જોવાની પૂરતી કાળજી રાખી નહોતી. લોકોએ સ્વેચ્છાથી જ પોતા ઉપર દુઃખ નોતર્યાં હતાં એટલે કંઈ લોકોની સુખાકારી જોવાની જવાબદારીથી સરકાર મુક્ત ન જ થઈ શકે.