લખાણ પર જાઓ

બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/દાઝ્યા ઉપર ડામ

વિકિસ્રોતમાંથી
← વધારે તાવણી બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
દાઝ્યા ઉપર ડામ
મહાદેવભાઈ દેસાઈ
ગવાઈ રહેલું બારડોલી →




૧૮
દાઝ્યા ઉપર ડામ

“ખેડાના ધાંધલિયા અહીં આવીને ખેડૂતો પર જીવે છે, ને કમિશનરસાહેબ ત્રણ હજારનો મનિઑર્ડર વિલાયતથી મંગાવીને ખાતા હશે ? તમે કોના ઉપર જીવો છો ?”

રકારે રેવન્યુ કાયદાની કલમ અને દીવાની કાયદાની કલમ પણ આ જપ્તીના કામમાં ઊંચી મૂકી હતી એ આપણે જોયું; ન જોઈ રાત, ન જોઈ મધરાત, ન આપી પહોંચ, ન કર્યાં પંચાતનામાં, ન જોયા ખાતેદાર, ન જોયા બિનખાતેદાર, હવે વલ્લભભાઈની ભાષામાં કહીએ તો બીજા ખાતાંને પણ વટાળવા માંડ્યાં હતાં. આબકારીખાતું તો હાથ લાગ્યું જ હતું. દારૂના પરવાના માટે આપવામાં આવેલા પૈસા મહેસૂલ પેટે જમા લેવાય, અને દોરાબજીની સતામણી આબકારી ખાતાના અમલદારો દ્વારા જ ઘણીખરી કરવામાં આવી, હવે ખેતીવાડી ખાતું — ખેડૂતોના કલ્યાણને માટે કરવામાં આવેલું ખાતું — સરકારનું હથિયાર બન્યું. તાલુકાના કેટલાક ખેડૂતો ખેતીવાડી ખાતામાંથી કપાસનું બી લઈને ખેતીવાડી ખાતા મારફત જ રૂ વેચે છે. એ રૂ ખાતાનું નથી હોતું, પણ ખાતું ખેડૂતને માટે અનામત રાખી વેચી દે છે. આવા રૂની ઘણી ગાંસડી એક જીનમાં પડેલી હતી. બસ મામલતદારે જઈને  એ ગાંસડી ઉપર ટાંચ મૂકી, અને ડિરેકેટર ઑફ ઍગ્રિકલ્ચરને લગભગ ૭૩,૦૦૦ જેટલા રૂપિયા ખેડૂતોના મહેસૂલ પેટે જમા કરી દેવાનો હુકમ થયો. ખેડૂતો કયા તે તો કોણ જાણતું હતું ? ખેડૂતોનાં નામ પાછળથી જાણી લેવાય, પણ એ પોણો લાખ જમા થયેલા તો ગણાય ! બંદૂકવાળાઓની બંદૂકનાં લાઈસન્સ, મહેસૂલ ન ભરવા માટે, લઈ લેવામાં આવ્યાં, અને પેન્શનરોને પેન્શન ખોવાની પણ ધમકી મળી. પાછળથી કેળવણીખાતાના અને વૈદકીય ખાતાના અમલદારો મારફત તેમના હાથ નીચેના નોકર એવા ખાતેદારો ઉપર દબાણ કરવામાં આવ્યું હતું.

પણ આટલાં હવાતિયાંથી કમિશનરસાહેબને સંતોષ થાય એમ નહોતું. તેમને એક નવું હથિયાર મળ્યું. દીનશાજી એદલ અહેરામ નામના વયોવૃદ્ધ, ભલા, સમાજસેવારત દાક્તર કમિશનરસાહેબની જાળમાં સપડાયા. એ કેવી રીતે સપડાયા એ તો કહી શકાતું નથી, પણ દાક્તરની સમાજસેવાભાવનાનો કમિશનરે સફળતાથી દુરુપયેાગ કર્યો. ખેડૂતો દુઃખના પાઠ ભણી રહ્યા હતા, સરકાર હઠ ન છોડે તો હજી ખેડૂતોને માટે દુઃખના ડુંગર ઊભા હતા એ વિષે તો કોઈને શંકા જ નહોતી. એટલે આ ગરીબ ખેડૂતની દયાની ખાતર કંઈક કરવાની એમને કમિશનસાહેબ પાસેથી સૂચના મળી હોય તો નવાઈ નહિ. એમણે એક કાગળ વર્તમાનપત્રોને લખ્યો તેમાં બારડોલીના ખેડૂતોને મહેસૂલ ભરી દઈ રાજમાન્ય રીતે ચળવળ ચલાવવાની સૂચના કરી, અને બીજો કાગળ કમિશનરને લખ્યો તેમાં તેમને પૂછ્યું કે આવા અણીના સમયમાં પોતાની સેવા તેઓ કેવી રીતે આપી શકે. આ બે કાગળોની સાથે આપણે સંબંધ નથી. આપણે તો કમિશનરે એ ભલા દાક્તરને ઉપરના કાગળના જવાબમાં જે કાગળ લખ્યો તેની સાથે સંબંધ છે. આ કાગળ દ્વારા કમિશનરે પોતાના હૃદયની વરાળ કાઢી. સત્યાગ્રહની લડત કેવી રીતે ચાલી એ વર્ણવનારા ઇતિહાસમાં આ દાક્તર, કે કમિશનર કે તેના કાગળને આખો ઉતારી જાહેરાત આપવાનું હું પસંદ ન જ કરત. પણ ઘણીવાર નાનકડી બાબત અણધારી રીતે મોટી થઈ પડે છે, અને  આ કમિશનરના કાગળે બારડોલી તરફ આખા હિંદુસ્તાનનું ધ્યાન ન ખેંચ્યું હોત તો એ હું ન આપત. આ રહ્યો તે કાગળ :

[ અંગ્રેજી પત્રનો ગુજરાતી તરજૂમો ]
કૅંપ સૂરત,
૮ મી મે, ૧૯૨૮.
 


વહાલા ડા. એદલ બહેરામ,

આપના પત્ર માટે ઘણો આભાર માનું છું. મને ખાત્રી છે કે આપે જે લેખો લખ્યા છે તે હૃદયની ભલી લાગણીથી પ્રેરાઈને લખ્યા છે અને નહિ કે કોઈ અમલદારની પ્રેરણાથી, અને આપની એ ભલી લાગણીને કારણે જ આપે ગરીબ રક્તપીતિયાઓને મદદ કરવાના કામમાં આપનું જીવન સમર્પણ કર્યું છે.

સરકારવધારો વસૂલ કરવા માટે સખત પગલાં લેવા પહેલાં, મેં ખેડાના આ ચળવળિયાઓને તેમની ચળવળ છોડી દેવા માટે મારાથી બને તેટલો સમજાવાનો પ્રયત્ન કર્યો હતો. સરકારી અમલદારો બારડોલીના લોકો સમક્ષ સરકારનો કેસ રજૂ કરી શકતા નથી, કારણ કે તેમને જાસૂસી, હુલ્લડખોરી અને એવા બીજાં અપમાનોના ભોગ બનાવવામાં આવ્યા છે. જે કોઈ અમલદાર પાસે જાય છે તેના પર શંકાની નજરથી જોવામાં આવે છે અને તેને બહિષ્કારની ધમકી અપાય છે. સરકારે ધારાસભામાં જે દલીલો રજૂ કરી હતી, અને જેને પરિણામે ધારાસભા ઠપકાની દરખાસ્ત ૪૪ વિરુદ્ધ ૩૫ મતે ઉડાવી દેવા પ્રેરાઈ હતી, તે સંબધી લોકોને જાણ થવા દેવામાં આવતી નથી. તેમના કાનમાં ડૂચા મારવામાં આવ્યા છે.

લોકોના ઉપર જીવનારા અને તેમને આડે રસ્તે દોરવનારા આ ખેડાના ચળવળિયાઓનાં ધાડાંથી ગરીબ બિચારા ખેડૂતો પાચમાલ ન થાય તે માટે મારા જેટલી બીજાને ચિંતા ન હોય. મેં રા. બ. ભીમભાઈ રણછોડજી નાયક, એમ. એલ. સી., સમક્ષ એ વાત સ્પષ્ટ કરી છે કે જે કોઈ ગામ પોતાનો વર્ગ ખોટી રીતે ચડાવી દેવામાં આવ્યો છે એમ માનવાને યોગ્ય કારણો બતાવી આપે તેનો કેસ તપાસવા માટે હું તૈયાર છું, પણ તે એવી શરતે કે આખા તાલુકા અને મહાલનો જે ૨૦ ટકા જેટલો વધારે થયો છે તે નહિ આપવાની વાત છોડી દેવામાં આવે.

મહેસૂલ વસૂલ કરવા માટે સરકાર બને તેટલા દરેક ઉપાય લેવાનું માંડી વાળી શકે નહિ, કારણ કે એમ નહિ થાય તો કાયદાપૂર્વક થયેલી દરેક જમાબંધીનો વિરોધ કરવામાં આવશે. આજના બારડોલીના ચળવળિયાઓ તે જ માણસો છે કે જેમણે ૧૯૧૮ માં ખેડા જિલ્લામાં કર  નહિ ભરવાની લડત ઉપાડેલી. અને જેઓ મહેસૂલ આપવા ઈચ્છે છે તેમને તે આપતા અટકાવવા માટે તેમણે લગભગ ખેડાના જેવી જ યુક્તિઓ અહીં અજમાવી છે, એટલે કે એવા મહેસૂલ ભરવા ઇચ્છનારા લોકોને નાતબહાર મૂકવાની, સામાજિક બહિષ્કારની અને દંડની ધમકીઓ આપવામાં આવે છે.

ખેડા જિલ્લાના પાંચ તાલુકાઓમાંથી આ ચળવળિયાઓ આવ્યા છે: એ તાલુકાઓનું રિવિઝન સેટલમેંટ રેલને કારણે બે વર્ષ માટે મુલતવી રાખવામાં આવ્યું છે. છેલ્લા સાત કે આઠ મહિનામાં ખેડા જિલ્લામાં રેલસંકટનિવારણ માટે સરકારે લગભગ અર્ધો કરોડ જેટલા રૂપિયા ધીર્યા છે. જો આ ચળવળિયાઓ બારડોલીમાં ફતેહમંદ થાય, તો તો પછી ખેડા જિલ્લામાં સરકારી મહેસૂલ અને તગાવીની વસૂલાતનું કામ જોખમમાં જ આવી પડે.

આપ આ પત્રનો આપને યોગ્ય લાગે તેમ ઉપયોગ કરી શકો છો. મેં જે કંઈ લખ્યું છે તે ખાનગી નથી પણ જે જાણીતા મુદ્દાઓ છે તે જ એ બતાવે છે.

લિ. આપનો
(સહી) ડબલ્યુ. ડબલ્યુ. સ્માર્ટ
 


થોડા જ દિવસ ઉપર મિ. સ્માર્ટે સરદારને એક કાગળ લખ્યો હતો તે અતિશય વિનયભર્યો હતો, અને તેમાં વલ્લભભાઈને ‘અંગત મિત્ર’ તરીકે જણાવ્યા હતા. આ જ મિ. સ્માર્ટે આ કાગળમાં સરદારના ઉપર ચૂંટેલાં વિશેષણોનો કેમ વરસાદ વરસાવ્યો હશે તે તે જાણે. પણ સરદારને તો એથી માત્ર હસવું જ આવ્યું. દશ વર્ષ ઉપર કમિશનર મિ. સ્માર્ટે ગાંધીજીની સામે ખેડામાં સરકાર તરફથી એટલું જ કટ્ટર યુદ્ધ ચલાવ્યું હતું, પણ તે પોતાના ભાષણમાં ગાંધીજીને ‘મિત્ર’ અને ‘પવિત્ર અને સાધુ પુરુષ’ તરીકે વર્ણવતા, અને વલ્લભભાઈને ‘મહેરબાન વલ્લભભાઈ સાહેબ’ તરીકે વર્ણવતા. મિ. સ્માર્ટે કદાચ ધાર્યું હશે કે વિરોધીને સભ્ય ભાષામાં ન વર્ણવાય. પણ વલ્લભાઈને મિ. સ્માર્ટની સભ્યતાની સાથે લડવું નહોતું. પણ એ કાગળમાં રહેલાં હડહડતાં જૂઠાણાં તો ખુલ્લાં પાડવાની તેમની ફરજ હતી. બારડોલીમાં એક પણ વાર આવ્યા વિના મિ. સ્માર્ટે લખ્યું, ‘સરકારી અમલદારો બારડોલીના લોકો સમક્ષ પોતાનો કેસ રજૂ કરી શકતા નથી, કારણ તેમને જાસૂસી હુલ્લડખોરી અને બીજા અપમાનોના ભોગ બનાવવામાં આવ્યા છે.’ શ્રી. વલ્લભભાઈએ કમિશનરસાહેબને એક જાહેર ભાષણમાં ખાતરી આપી કે જો તેમની ઇચ્છા હોય કે બારડોલીના ખાતેદારોની સભા બોલાવવી તો બારડોલીના ૧૭,૦૦૦ ખાતેદારોની સભા બોલાવી આપવા પોતે તૈયાર છે, પણ સાથે સાથે એ પણ જણાવ્યું કે વહેમ અને અવિશ્વાસના પ્રચલિત વાતાવરણમાં મિ. સ્માર્ટના હાથ નીચેના અમલદારોને લોકો દૂરથી જ નમસ્કાર કરવાના છે. છતાં એકવાર કલેક્ટરે લોકોની ઉપર આગ અને હિંસાના જે આરોપો મૂક્યા હતા તે આરોપો કમિશનરે ન મૂક્યા તેને માટે શ્રી. વલ્લભભાઈએ તેમનો આભાર માન્યો. ખેડાના ‘ચળવળિયાઓ’ ખેડામાં મહેસૂલ ન ભરવા દે એ આરોપના સંબંધમાં તો શ્રી. વલ્લભભાઈએ મિ. સ્માર્ટને યાદ દેવડાવ્યું કે જો આ ચળવળિયા પ્રલયપીડિત ગુજરાતની વહારે ન ધાયા હોત, અને તેમને પોતાના જીવના જોખમે, અન્ન, વસ્ત્ર, વાવવાનાં બી, વગેરે વખતસર ન પહોંચાડ્યાં હોત તો સરકારનું તંત્ર તો ભાંગી પડ્યું હોત, અને ખેડૂતો વાવણી વખતસર ન કરી શકત એટલે સરકારને એક કોડી મહેસૂલ પણ ન મળી શકત. વળી એમ પણ જણાવ્યું કે આ જ ચળવળિયા હતા તો સરકારે આપેલાં નાણાંનો સદ્વ્યય થયો, ઘણે ઠેકાણે સસ્તાં બી અને લાકડાં વગેરેની દુકાનમાંથી એ લોકોને લીધે જ સરકાર પૈસા બચાવી શકી.

પણ આ વિપરીત બુદ્ધિથી પ્રેરાયેલા કાગળથી દેશમાં થયેલા ખળભળાટનું દર્શન ગાંધીજીના લેખ જેટલું ભાગ્યે જ ક્યાંય વ્યક્ત થતું હતું. એ લેખ અહીં લોકલાગણીના માપ તરીકે જ નહિ પણ ગાંધીજી દરેક પ્રસંગે બારડોલીની લડતના મુદ્દાની ચોખવટ કરવાને કેટલા આતુર હતા, અને લોકોને મર્યાદામાં રાખવાની કેટલી કાળજી ધરાવતા હતા તે બતાવવાને માટે અક્ષરશઃ અહીં ઉતારું છું :

“બારડોલીની લડતનો રંગ જામ્યો છે. ખાલસાની નોટિસો જે ઝપાટાથી અપાઈ રહી છે તે જોતાં એમ લાગે છે કે આખો બારડોલી  તાલુકો સરકારના કબજામાં આવી જશે, અને તેમની છ લાખ રૂ૫રડીના બદલામાં તેઓ ચાહે તો છ અબજ વસૂલ કરી લઈ શકે એમ છે. બારડોલીના લોકો બહાદુર હશે તો આ જમીન જવાથી તેમના પેટમાંનું પાણી હાલવાનું નથી. તેમની મિલકત જશે, પણ દરેક સજ્જન અને સન્નારીને વહાલામાં વહાલી વસ્તુ જે આબરૂ તે તેમણે જાળવી હશે. જેના હૃદયમાં શૌર ભર્યું છે, અને જેના હાથપગમાં કામ કરવાની શક્તિ છે તેને મિલકત ખોવાનો જરાય ડર ન હોવો જોઈએ.

પણ ખાલસાની નોટિસથી ધારેલું કામ — લોકોને ડરાવવાનું કામ — પાર ન પડ્યું એટલે હવે કાર્યકર્તાઓને જેલમાં પૂરવાનું શસ્ત્ર સરકારે ઉપાડ્યું છે. પંજાબમાં માર્શલ લૉ ચાલતો હતો તે વેળા ન્યાયનાં ફારસો થતાં તેવાં ફારસો આજે ચાલી રહ્યાં છે. સરકારી વકીલ આરોપીની ખો ભુલાવી દે એવી સજાની માગણી કરે છે, અને એ કામને માટે ખાસ નિમેલો મૅજિસ્ટ્રેટ તેમની માંગણી વધાવી લઈ ખો ભુલાવી દે એવી સખ્ત કેદની સજા કરે છે, જેમ ખાલસાથી લોકોના ઉપર કશી અસર થતી નથી તેમ મોઢે માગી લીધેલી આ સજાઓની પણ કશી અસર નથી થવાની. સ્વેચ્છાએ ભોગવેલું કષ્ટ કષ્ટ ભોગવનારને કશી હાનિ કરતું નથી.

પણ જે વસ્તુ ખૂંચે છે તે અમલદારોની અપ્રામાણિકતા અને ઉદ્ધતાઈ છે. ઉત્તર વિભાગના કમિશનરે તેમને કાગળ લખનાર એક જણ ઉપર કાગળ લખ્યો છે, જેમાં અપમાનભરેલા કટાક્ષો અને અસત્યો ભર્યાં છે.

આ લડત ખેડાના ચળવળિયાઓએ ઊભી કરી એ કટાક્ષમાં હડહડતું અસત્ય છે. એ લડત શરૂ કરનારા બારડોલીના જ લોકો હતા. હા, તેમણે માત્ર શ્રી. વલ્લભભાઈ પટેલની મદદ અને સલાહ લઈ ને એ લડત ઉઠાવી, અને શ્રી. વલ્લભભાઈને તો હું ધારું છું કે કમિશનર કંઈક ઓળખે છે. કમિશનરે જે અર્થમાં ‘ચળવળિયા’ શબ્દ વાપર્યો છે તે અર્થમાં શ્રી. વલ્લભભાઈને ચળવળિયા કહેવાય કે કેમ તે તો વાચકને વિચારી લેવાનું સોંપું છું.

વળી કમિશનરે પોતાના કાગળમાં સરકારી અમલદારો ઉપર જાસૂસી હલ્લા અને એવા જ અપમાનજનક ત્રાસ વર્તાવવામાં આવે છે એમ જે કહ્યું છે તે પણ જૂઠાણું જ છે.

વળી કાર્યકર્તાઓને ‘બારડોલીના લોકો ઉપર જીવનારા અને તેમને અવળે માર્ગે દોરવનારા ચળવળિયાનું ટોળું’ કહીને વર્ણવવામાં આવ્યા છે. આ અપમાન એવું છે કે વધારે સારા વખતમાં અને પ્રજાને પોતાના બળનું ભાન હોત તો કમિશનરની પાસે જાહેર માફી મગાવવામાં આવે. તેમને હું  ખબર આપું છું કે જેમને તે ક્રોધ અને સત્તાના મદમાં ‘ચળવળિયાઓનું ટોળું’ કહે છે તેઓ પ્રજાના આબરૂદાર સેવકો છે, જેઓ પોતાની સેવા બારડોલીને મોટો ત્યાગ કરી આપી રહ્યા છે. આમાં વલ્લભભાઈ પટેલ બૅરિસ્ટર ઉપરાંત વયોવૃદ્ધ અબ્બાસ તૈયબજીસાહેબ પણ છે. તેઓ પણ બૅરિસ્ટર છે, અને એકવાર વડોદરામાં મુખ્ય ન્યાયાધીશ હતા. આમાં ઇમામસાહેબ બાવઝીર છે, જેઓ ફકીર જેવા છે અને બારડોલીની પાસે કોડીની તેમને સ્પૃહા નથી. વળી ડા. સુમંત મહેતા અને તેમનાં તેમના જ જેવાં સંસ્કારી પત્ની શારદાબહેન છે. ડા. સુમંતની તબિયત તો કેટલોક સમય થયાં બહુ નબળી છે, પણ તેઓ પોતાના આરોગ્યના મોટા જોખમે બારડોલી ગયા છે. આ ચારે ખેડાના નથી એ કમિશનરસાહેબને રોશન થાય. આ પછી ઢસાના દરબારસાહેબ છે, અને તેમનાં ભડ પત્ની ભક્તિબા છે. બંનેએ દેશને માટે પોતાના રાજનો ભોગ આપ્યો છે. તેઓ બારડોલીના લોકો ઉપર પેટ ભરતાં નથી. આ ઉપરાંત ડા. ચંદુલાલ અને ડા. ત્રિભુવનદાસ ત્યાં કામ કરી રહ્યા છે, તેઓ પણ ખેડાના નથી. આ ઉપરાંત ફૂલચંદ શાહ અને તેમનાં પત્ની તથા તેમના સાથી શિવાનંદ જે હવે તો જેલમાં જઈ પહોંચ્યા છે, તે પણ ખેડાના નથી; અને કેટલાંયે વર્ષોથી તેમણે મૂંગી સેવાને પોતાનાં જીવન અર્પણ કર્યાં છે. આ બધાં અને બીજાં જેમનાં નામ આપી શકું છું તેઓ બારડોલીની હાય સાંભળીને ત્યાં ગયાં છે. જો કમિશનરમાં આબરૂનો છાંટો પણ હોય તો તેમણે આ સજ્જનો અને સન્નારીઓની સ્વેચ્છાએ માફી માગવી જોઈએ. સાચું જોઈએ તો બારડોલીમાં કામ કરતાં કાર્યકર્તાઓમાં ખેડાના કાર્યકર્તાઓની સંખ્યા બહુ ઓછી છે.

કમિશનરે પોતાના કાગળમાં બારડોલી વિષે મુંબઈ ધારાસભાના ઠરાવનો આડંબરભર્યો ઉલ્લેખ કર્યો છે. પણ એ અગાઉ એ જ ધારાસભાએ સરકારની વિરુદ્ધ બેવાર મત આપેલો અને તેને સરકાર ઘોળીને પી ગઈ છે તે વાત તો તેઓ સાહેબ ખાઈ ગયા છે. કારણ તેનો ઉલ્લેખ કરવામાં સરકારની જ નામેાશી છે.

વળી સત્યાગ્રહ આદર્યાં પહેલાં બારડોલીના ખેડૂતોએ ‘રાજમાન્ય’ કહેવાતો દરેક ઉપાય લીધો હતો અને તેમાં તેમનું કશું વળ્યું નહોતું, એ મહત્વની હકીકત પણ કમિશનરસાહેબ ગળી ગયા છે.

કમિશનર જણાવે છે: ‘જો બારડોલીના સંકટમાં પડેલા ખેડૂતો પોતાની લડત છોડી દે તો ખોટા વર્ગમાં મુકાયેલા હોય એવા કોઈ પણ ગામડાના મહેસૂલને તેઓ ફરી વિચાર કરવાને રાજી છે.’ આમ કહીને  તે લોકોની આંખમાં ધૂળ નાંખવા માગે છે. કારણ મૂળ મુદ્દો એ નથી કે અમુક ગામ યોગ્ય વર્ગમાં મુકાયેલું છે કે નહિ. મૂળ મુદ્દો તો એ છે કે મહેસૂલ જે રીતે વધારવામાં આવ્યું છે, તે રીત તદ્દન અયોગ્ય છે. અને બારડોલીના લોકો એવો આગ્રહ નથી કરતા કે તેમનો મુદ્દો સ્વીકારવામાં આવે. તેમનો આગ્રહ તો એટલો જ છે કે તેમની ફરિયાદ કેટલી સાચી છે તે તપાસ કરવાને માટે એક સ્વતંત્ર અને નિષ્પક્ષ પંચ નીમવામાં આવે, અને પંચનો ગમે તે ઠરાવ હોય તેનો અમલ કરવામાં આવે. આમાં મહેસૂલ ન આપવાની વાત જ ક્યાં છે ? અમુક ખેડૂતો કે અમુક ગામોને દાદ મળવાની વાત જ ક્યાં છે ? આખો પ્રશ્ન જ સિદ્ધાન્તનો છે. યોગ્ય તપાસ વિના મહેસૂલ વધારવાના સરકારના હકનો બારડોલીના લોકો ઇનકાર કરે છે. આની સાથે હું એ પણ જણાવું કે આ લડત સ્વરાજ્ય મેળવવાને માટે યોજાયેલી કર ન ભરવાની લડત નથી. આ લડત તો એક આખા તાલુકાના લોકોની ચોકસ ફરિયાદની દાદ મેળવવા માટે જ છે.

એટલે કમિશનરના પત્રનાં નીચેનાં વાક્યોમાં ઉદ્ધતાઈની પરાકાષ્ટા અને હડહડતું જૂઠ્ઠાણું ભરેલાં છે:

‘જે ચળવળિયાઓનું ટોળું ગરીબ ખેડૂતો ઉપર જીવે છે અને તેમને ખોટે રસ્તે ચડાવે છે તેમનાથી એ બાપડાઓનું સત્યાનાશ ન વળે તે વિષે મારા કરતાં વધારે ચિંતા બીજાં કોઈને નહિ હશે. . . . . . . ખેડા જિલ્લાના પાંચ તાલુકાઓમાંથી આ ચળવળિયા આવે છે. એ તાલુકામાં રેલને લીધે બે વરસ સુધી મહેસૂલમાં ફેરફાર કરવાનું મુલતવી રાખવામાં આવ્યું છે. છેલ્લા સાતઆઠ મહિનામાં સરકારે ખેડા જિલ્લામાં પ્રલયસંકટનિવારણને માટે લગભગ અડધો કરોડ રૂપિયા આપ્યા છે. જો આ ચળવળિયાઓ બારડોલીમાં ફાવી જાય તો ખેડા જિલ્લામાં જમીનમહેસૂલ અને તગાવી વસૂલ થવાના સાંસા પડે.’

સરકારને હું ખાતરી આપું છું કે જો ‘ચળવળિયાઓ’ ફાવશે તો તગાવી વસૂલ થવામાં તો કશી મુશ્કેલી ન આવે. જો એ લેનારાઓ ન ભરે તો તે વસૂલ કરવા માટે ‘ચળવળિયાઓ’ના સરદાર વલ્લભભાઈ પટેલ તેમને વગરપગારના કલેક્ટર મળી રહેશે. પણ સાચી વાત તો એ છે કે જો ‘ચળવળિયાઓ’ ફાવશે તો ઉત્તર વિભાગના કમિશનરે લોકોના માનવંતા સેવકોનું અપમાન કરવાની અને જૂઠાણાં બોલવાની હિંમત ધરી છે તેવી હિંમત સરકારી અમલદારો નહિ ધરશે, અને બારડોલીના વધારા જેવા ભયંકર, અયોગ્ય અને અન્યાયી વધારા સામે લોકોને કંઈક દાદ મળશે.

 હવે લોકોને બે બોલ. સરકારનું રાજ્ય ફૂટ પડાવવાની નીતિ ઉપર જ નભી રહ્યું છે. એ આંખમાં ખૂંચે એવી રીતે બતાવવાને માટે સરકારે મોટે ભાગે હિંદુવસ્તીવાળા તાલુકામાં મુસલમાન અમલદારો અને ભાડૂતી પઠાણો ઠસાવવાનું ડહાપણ ડોળ્યું છે. સત્યાગ્રહી તરીકે લોકો સહેલાઈથી સરકારના પેચને પહોંચી વળી શકે એમ છે. અમલદારો ને પઠાણોને તેઓ મિત્ર સમજે, તેમનો અવિશ્વાસ ન કરે, અથવા કોઈ પણ રીતે તેમનો ડર ન રાખે અને તેમને પજવે નહિ. એ અમલદારો આપણા દેશબંધુઓ છે, અને એ પઠાણો આપણા પડોશીઓ છે, સરકારને પોતાની ભૂલની ખબર પડવામાં અને હિંદુની ઇજ્જત મુસલમાનને અને મુસલમાનની ઇજ્જત હિંદુને સરખી જ પ્યારી છે એમ સમજાવવામાં વાર નહિ લાગે. આ વસ્તુ પ્રત્યક્ષ રીતે સિદ્ધ કરવાની તક બારડોલીના લોકોની પાસે પડેલી જ છે. સત્યાગ્રહનું શસ્ત્ર એ પ્રેમનું શસ્ત્ર છે. એનું તેઓ પૂરેપૂરું પાલન કરશે તો તેઓ આપખુદ કમિશનરનું પાષાણ હૃદય પણ પિગળાવી શકશે.”

આ અલ્પ દેખાતા કાગળે કેવો મોટો ખળભળાટ મચાવ્યો એ તો આ પછીનાં પ્રકરણોમાં જોઈશું.