બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/ગવાઈ રહેલું બારડોલી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← દાઝ્યા ઉપર ડામ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
ગવાઈ રહેલું બારડોલી
મહાદેવભાઈ દેસાઈ
ગાજવીજ →
૧૯
ગવાઈ રહેલું બારડોલી

“જો તમે તમારો પાઠ ભજવી શકશો તો દેશદેશાવરથી લોકો જોવા ઊતરવાના છે, અને આમાંથી જ એક દિવસ હિંદુસ્તાન જાગવાનું છે.”

મે મહિનાની આખરે તો બારડોલી હિંદુસ્તાનમાં ગવાઈ રહ્યું હતું. ઘણાએ નિરાશાવાદીઓની નિરાશા એણે ઉડાડી દીધી હતી, ઘણાએ કુશંકીઓની કુશંકાનું એણે કારણ રાખ્યું નહોતું. ‘આ વાણિયા કેમ ટકશે ?’ એમ પૂછવાની પણ હવે કોઈની હિંમત રહી નહોતી, એક બહાદુર પારસી ખુવાર થવાં તૈયાર થયો હતો તેને જોઈને આખી પારસી આલમ ખળભળી ઉઠી હતી, અને થોડા મુસલમાનોને હચમચાવનાર મુસલમાન મામલતદારના બારડોલીના અડગ મુસલમાનોની આગળ હાથ હેઠા પડ્યા હતા. બારડોલીની સ્ત્રીઓની બહારની બહેનો આરત કરતી હતી.

મુંબઈનગરીને પણ બારડોલીનો ચેપ લાગ્યો હતો, મહિના ઉપર મુંબઈ ગયો હતો ત્યારનું મુંબઈ અને આજનું મુંબઈ બેમાં બહુ ફેર જોયો. મહિના ઉપર ગયો ત્યારે બારડોલી વિષે અજ્ઞાન, શંકા, ઉદાસીનતા હતાં. આ વેળા બારડોલી વિષે જાણવાની આતુરતા, બારડોલી વિષે ધન્યવાદો, બારડોલી સત્યાગ્રહ પત્રિકાઓ મેળવી વાંચવાનો ઉત્સાહ, અને બારડોલી સત્યાગ્રહ માટે નાણાં મોકલવા વિષે પૂછપરછ.

સરદારે મે માહનાની ૯ મી તારીખ સુધી નાણાં માટે જાહેર માગણી બહાર પાડી નહોતી, પણ હવે બારડોલી સત્યાગ્રહની લડતે ગંભીર સ્વરૂપ પકડ્યું છે, ‘છાવણીમાં બહારથી તાલુકાની મદદે આવેલા લગભગ સો સ્વયંસેવકો કામ કરી રહ્યા છે, ભરતીનું કામ ચાલુ છે, અને જુદે જુદે સ્થળેથી સંખ્યાબંધ ખેડૂતો અને  બીજા મહેમાન લડતની રચના જેવા અને રહસ્ય સમજવા આવે છે,’ એટલે લડતનું ખર્ચ ગુજરાત અને બૃહદ ગુજરાત આપે એવી સરદારે માગણી કરી. તાલુકામાંથી આજ સુધી ૧૦,૦૦૦ ઉપરાંત રૂપિયા મળી ગયા હતા, એમાંના માત્ર ૨,૦૦૦ રૂપિયા બહારના હતા. બાકીની રકમમાં બારડોલી તાલુકાના દરેક ગામની સ્ત્રીઓના નાણાં તો હતાં જ, કેટલાક આસપાસનાં ગાયકવાડી ગામોનાં હતાં. સરદારની માગણીને ગાંધીજીએ ટેકો આપ્યો અને બીજે જ દિવસથી નાણાંની ધારા ચાલી. . મુંબઈમાં ઘણા મિત્રો ‘પૈસા ક્યાં મોકલવા ?’ એમ ઉત્કંઠાથી પૂછતા હતા. એક શ્રીમંત બહેન, જે પ્રેમથી બારડોલીના ઇતિહાસનું અધ્યયન કરી રહ્યાં હતાં, અને ગુપ્ત રીતે દાન મોકલતાં હતાં તેમણે વણમાગ્યું પોતાનું મે મહિનાનું દાન આપ્યું અને લડત ચાલે ત્યાં સુધી માસિક રૂ. ૫૦૦ મોકલવાનું વચન આપ્યું.

એ દિવસમાં મુંબઈથી સુરત આવતી એક ગાડીમાં કરેલા પ્રવાસ વિષે લખતાં મેં ‘નવજીવન’ માં લખેલું :

“ મુંબઈથી રાતની ગાડીમાં પાછા વળતાં ચાર વાગે વલસાડ આવ્યું અને બારડોલીની વાત સાંભળતાં જાગ્યો ત્યારપછી તો ઊંઘ આવે જ શેની ? બારડોલીના સત્યાગ્રહીઓ આટલા ગવાયા છે, તો બારડોલીનું પઠાણરાજ પણ ઓછું ગવાયું નથી. રામનું નામ ગવાય ત્યાં સુધી રાવણને કોણ ભૂલશે ? એક ભાઈ પઠાણાના ત્રાસની વાત કરતા હતા : ‘આ બધું સહન થાય, પણ પઠાણો ભેંસોને ત્રાસ આપે છે, જ્યાં ત્યાં પેસી જાય છે, વાડાઓ તોડે છે, બૈરાં ઉપર હાથ નાંખે છે તે કેમ સહન થાય ?’ મેં કહ્યું : ‘સહન કરવામાં જ તમારી લડત છે. એ સહન ન કરો તો તમે ગાંડા થાઓ તેની વાટ જોઈને સરકાર બેઠી છે.” એક ભાઈ એ સરભોણના જપ્તીદારનાં વર્ણન આપવા માંડ્યા: ‘અનાવલો છે. એમને ઘેર બૈરી નથી, દીકરો તેટલો ઝેર ખાઈને મરી ગયેલ છે. શાને સારુ આ પાપમાં પડતા હશે ?’

બપોરની ગાડીમાં સૂરતથી નવસારી ગયો હતો. પ્લેટફૉર્મ ઉપર સત્યાગ્રહ પત્રિકાઓ વંચાય, ટ્રેનમાં મુસાફરો મોટેથી વલ્લભભાઈનાં ભાષણો વાંચે અને બીજાઓ રસથી સાંભળતા હોય. એક જણ વાંચી રહ્યો એટલે પાસેના ખાનામાંથી આવીને તે વાંચવાને બીજાં લઈ ગયા. નવસારી  સ્ટેશનથી ઉતરી નવસારી શહેરમાંથી ખરે બપેારે ચાલતો જતો હતો; મારા ખભા ઉપર ખાદીની થેલી હતી. એક પારસીને લાગ્યું કે નક્કી આ કોઈ પત્રિકા વહેંચનારો હશે, એટલે મારી પાછળ દોડ્યા, અને કહે: ‘ભાઈ, બારડોલી પત્રિકા આપતા જાઓની !’”

આમ પ્રકાશનખાતામાંથી નીકળતી પત્રિકાએ ગુજરાતને ખૂણેખૂણે બારડોલી તાલુકાને ગવાતો કરી મૂક્યો હતો.

પણ સરદારને બારડોલીના મુદ્દાની હદ વધારવી નહોતી. શ્રી. રાજગોપાલાચાર્ય અને ગંગાધરરાવ દેશપાંડે આ અરસામાં અમદાવાદ આવ્યા હતા. તેમને બારડોલી આવવાનું બહુ મન હતું, પણ ગાંધીજીએ તેમને રોક્યા અને સરદાર બહુ રાજી થયા. શ્રી. રાજગોપાલાચાર્ય તામિલ પ્રાંતના નેતા, ગંગાધરરાવ કર્ણાટકના નેતા, બંને આવે, બંને ભાષણો આપે અને બારડોલીની લડતનું ક્ષેત્ર વધે એ ગાંધીજીને કે સરદારને ગમતું નહોતું. મગનલાલ ગાંધી ગુજરી ગયા, ‘આશ્રમના પ્રાણ’ ગયા એમ વલ્લભભાઈએ લખ્યું, વલ્લભભાઈનું અંતર વીંધાયું અને આશ્રમમાં જઈ આવવાનું તેમને મન થયું. ગાંધીજીએ લખ્યું : ‘મગનલાલની ખોટ પુરાય એમ નથી, પણ તમે ન આવતા. તમારાથી આજે બારડોલી ન છોડાય. મારી હાજરી તમારા ખીસામાં સમજજો.’ ગાંધીજી બારડોલી આવે એ કોને ન ગમે ? પણ ગાંધીજી આવે તો બારડોલીની વધારે પડતી પ્રસિદ્ધિ થાય અને નાહકના ઢગલો માણસો બારડોલીમાં આવે એ સરદાર નહોતા ઈચ્છતા.

પણ સરદાર ઈચ્છે કે ન ઈચ્છે, બારડોલી તો જગબત્રિશીએ ચડ્યું હતું. કમિશનરના કાગળમાં ‘લોકોના ઉપર જીવનારા અને તેમને આડે રસ્તે દોરવનારા ખેડાના ચળવળિયાઓનાં ધાડાં’ તરીકે સરદાર અને તેમના સાથીઓનું થયેલું વર્ણન આખા દેશને માથાના ઝાટકા જેવું લાગ્યું હતું. મહાસભાની કાર્યવાહક સભા મુંબઈમાં મળી તેણે બારડોલીને વિષે ખાસ ઠરાવ કર્યો, એ ઠરાવથી બારડોલીના સત્યાગ્રહીઓ દેશમાં ગાજી રહ્યા :

‘બારડોલી તાલુકામાં થયેલો મહેસૂલવધારો અન્યાય છે અને ખોટા અને અયોગ્ય આધારો પર સૂચવાયેલો છે તેથી તે વધારા વિષે તપાસ  કરવાને એક નિષ્પક્ષ અને સ્વતંત્ર કમિટી નીમવી એવી બારડોલી સત્યાગ્રહીઓની માગણી ન સ્વીકારી મુબઈની સરકાર તેમની સામે જે પગલાં લઈ રહી છે તેની સામે અડગ બહાદુરીથી ટક્કર ઝીલવાને માટે મહાસભાની આ કાર્યવાહક સમિતિ બારડોલીના સત્યાગ્રહીઓને ધન્યવાદ આપે છે; અને બારડોલી સત્યાગ્રહીઓની પડખે ખરે ટાંકણે અને મોટા ભોગો આપીને ઊભા રહેવાને માટે શ્રી. વલ્લભભાઈ પટેલ અને તેમના સાથીઓનો આભાર માને છે, અને મુંબઈ સરકારની મનસ્વી નીતિની સામે વિરોધ તરીકે મુંબઈની ધારાસભાના જે સભ્યોએ પોતાના સ્થાનનાં રાજીનામાં આપ્યાં છે તેમને ધન્યવાદ આપે છે;

અને મુંબઈની સરકારે સત્યાગ્રહીઓને દબાવવાને માટે જે ગેરકાયદેસર અને વધારે પડતાં પગલાં લીધાં છે તેની સખ્ત નાપસંગી જાહેર કરે છે;

આ સમિતિએ ઉત્તર વિભાગના કમિશનરે સુરતના એક ડાકટરને લખેલો પત્ર વાંચ્યો છે, જેની અંદર કમિશનરે શ્રી. વલ્લભભાઈ પટેલ અને અબ્બાસ તૈયબજી અને ડા. સુમંત મહેતા જેવા પ્રજાના કસાયેલા અને વિશ્વાસપાત્ર સેવકોને ‘લોકોના ઉપર જીવનારા અને તેને આડે રસ્તે દોરવનાર ચળવળિયાએાનાં ધાડાં' તરીકે વર્ણવ્યા છે, જેની અંદર અનેક ઘણી અતિશયતાભરેલાં વચનો એવાં છે કે લગભગ જૂઠાણાં કહેવાય; અને આ સમિતિ આ કાગળને અતિશય અપમાનભરેલો અને એક ઊંચો હોદ્દો ધરાવનારા અમલદારને ન છાજતો માને છે તેથી આ સમિતિ મુંબઈની સરકારને કહે છે કે એ કમિશનરની પાસે એ કાગળ માટે જાહેર માફી મગાવીને તે ખેંચી લેવાનો હુકમ કરો, અને તેમ ન કરે તો તેને બરતરફ કરવો;

અને આ સમિતિ મુંબઈની સરકારને વિનંતિ કરે છે કે તેણે સત્યાગ્રહીઓની નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ માટેની વાજબી માગણીને સ્વીકારવી, અને આ લડતે અખિલ ભારતીય સ્વરૂપ પકડયું છે એટલે પ્રજાને આગ્રહ કરે છે કે તેમણે સત્યાગ્રહીઓને તન, મન અને ધનથી મદદ કરવી. ”

આ ઠરાવ ઉપરથી માલૂમ પડશે કે મુંબઈની ધારાસભાના કેટલાક સભ્યોએ બારડોલીને કારણે પોતાનાં સ્થાનનાં રાજીનામાં આપ્યાં હતાં. એક આગલા પ્રકરણમાં આમાંનાં ચાર સભ્યોની બારડોલીની મુલાકાત વિષે ઉલ્લેખ થઈ ગયો છે. આમાંનાં રા. બ. ભીમભાઈ નાયક તો ૧૯૨૬ થી આ બાબતમાં રસ લેતા આવ્યા જ હતા,. અને સરકારની સાથે લખાપટ્ટી ચાલુ રાખી  હતી. હવે રેવન્યુ મેમ્બરના કહેવાથી તા. ૫ મીએ તેઓ કમિશનર મિ. સ્માર્ટને મળ્યા, પણ તેમની પાસેથી કશું નવું ન પામ્યા. જે વાત કમિશનરે શ્રી. વલ્લભભાઈને લડતની શરૂઆતમાં કરી હતી તે જ વાત તેમણે રા. બ. ભીમભાઈને કરી: ‘વધારા સાથે સરકારધારો ભરી દો તો થોડાં ગામમાં અન્યાય થયેલો હોય તેની તપાસ કરશું.’ આ પછી તેમણે ધારાસભાના બીજા ગુજરાતના સભ્યો અને પોતા તરફથી ના. ગવર્નરને કાગળ લખ્યો, તેના મંત્રી તરફથી અનેક ઉડાઉ અને ઉદ્ધત જવાબો આવ્યા.

આ પત્રવ્યવહારનો સાર સરકારની ઉદ્ધતાઈ અને દાનત બતાવવાપૂરતો આપવાની જરૂર રહે છે.

પોતાના કાગળમાં ધારાસભાના સભ્યોએ સરકારને ‘ઉદ્ધત’ કહી હતી, તે માટે સરકારે તેમના કાગળને ધ્યાનમાં લેવાની પણ ના પાડી. ધારાસભાના એ ભલા સભ્યોએ દિલગીરીનો પત્ર લખ્યો અને ‘ઉદ્ધત’ શબ્દ કાઢી નાંખ્યો, ત્યારે તેમને આ મતલબનો જવાબ મોકલ્યો: ‘અમને કશું કહેવાનું નથી. થોડાં ગામના વર્ગ ચડાવેલા હતા તે ઉતાર્યા, હવે અન્યાય શો રહ્યો ? બારડોલી તાલુકાના ખેડૂતોના પાકમાં ૨૦ ટકા વધારો થયો છે, એટલે ૨૦ ટકા વધારો મહેસૂલમાં થવો જોઈએ. વળી તમે ધારાસભાના મતની વાત તો ભૂલી જ જતા લાગો છો ! ૪૪ વિરુદ્ધ ૩પ મતથી બારડોલી ઉપર તમે હારી ગયા તે વસ્તુ શું બતાવે છે !’

ધારાસભાના સભ્યો કાંઈ નમ્રતામાં પાછા હઠે એમ નહોતું. તેમણે પાછી વિનંતિ કરી વળી લખ્યું: ‘તમે સરકારી અમલદાર તરફથી તપાસ થાય એવી અમારી મોળી માગણી પણ ન સ્વીકારી એ આશ્ચર્ય છે, અમારે રાજીનામું આપવું જ જોઈએ.’ એટલે ગવર્નરના ખાનગી મંત્રી તેમને બનાવે છે અને લખે છે : ‘ભલા માણસ, સરકારી અમલદાર મારફત તપાસની પણ ના પાડવાનું તમે લખો છો એ ખોટી વાત છે !’ ભલા સભ્યોને લાગે છે કે હવે તો બારી ખૂલી, એટલે તરત લખે છે :- ‘આપ સરકારી અમલદાર મારફતે તપાસ કરાવવા ખુશી છો જાણીને અમને આનંદ થાય છે. જો એટલું આપ કરો તો અમે તો વલ્લભભાઈ પાસે એવી તપાસ પણ સ્વીકારાવીએ.’ એટલે પેલો ખંધો મંત્રી જવાબ આપે છે : 'અરે, રામરામ ભજો, કોણે એવી તપાસ કમિટી નીમવાનું વચન આપ્યું ? એવી સમજ તમારી થઈ હોય તો તમારી ભૂલ છે.'

ઉદ્ધતાઈની કમાલના આ નમૂના પછી ધારાસભાના સભ્ય રાજીનામું આપવામાં કશું દુ:ખ ન માને એમાં કાંઈ આશ્ચર્ય છે ! રાજીનામાના પત્ર ઉપર શ્રી. દાદુભાઈ દેસાઈ અને શ્રી , જીવાભાઈ પટેલ ( ખેડાના સભ્ય ), શ્રી. જેઠાલાલ સ્વામીનારાયણ (અમદાવાદના સભ્ય), શ્રી. વામનરાવ મુકાદમ (પંચમહાલના સભ્ય ) : શ્રી. ભીમભાઈ નાયક અને શિવદાસાની ( સુરત જિલ્લાના સભ્ય ), અને શ્રી. દીક્ષિત ( સુરત શહેરના સભ્ય ), આ સાત સજ્જનોની સહી હતી. આ પત્રમાં તેમણે જણાવ્યું હતું :

“જ્યારે કોઈ સરકારે પોતાની જવાબદારીનું ભાન ભૂલી કાયદાનો ગંભીર ભંગ કરે છે, અને બારડોલીના લોકો જેવા ઉત્તમ અને નરમ લોકોને છુંદવાનો પ્રયત્ન કરે છે, ત્યારે સરકારની મનસ્વી નીતિની સામે વિરોધ તરીકે - ધારાસભામાં અમારાં સ્થાનના રાજીનામાં આપવાની અમારી ફરજ લાગે છે.”

આના થોડા દિવસ પછી શ્રી. અમૃતલાલ શેઠ અને શ્રી. હરિભાઈ અમીનનાં રાજીનામાં પણ ગયાં.

સરદાર મહાસમિતિને ટાંકણે મુંબઈમાં હતા. કાર્યવાહક સમિતિના સૌ સભ્યોએ તેમને ખૂબ આવકાર આપ્યો. જો સરદારે ઈચ્છ્યું હોત તો બધાંને બારડોલી ખેંચી લઈ જઈ શકત, પણ કોઈને આગ્રહ ન કર્યો. પંડિત મોતીલાલજીએ તેમને વિનોદમાં કહ્યું : ‘તમારી સ્વતંત્રતાનો વીમો ઉતારવાને કોઈ તૈયાર થાય તો કેટલું પ્રિમિયમ લે ?’ સૈાને લાગતું હતું કે સરદાર તુરતમાં સરકારની જેલના મહેમાન થશે, ગાંધીજીને તેમનું સ્થાન લેવા જવું પડશે, અને બારડોલી તુરત અખિલ ભારતીય પ્રશ્ન થઈ પડશે. પણ શ્રી. વલ્લભભાઈએ તો ન કોઈને આવવાનો આગ્રહ કર્યો, ન કોઈને સૂચના સરખી કરી. સરકારને બારડોલીના મુદ્દાનો અવળો અર્થ કરવાની તક મળે એ શ્રી. વલ્લભભાઈ કોઈ કાળે થવા દે એમ નહોતું.

 છતાં ડા. અનસારી, મૌલાના શૌકતઅલી, અને મૌલવી મહમદ બલોચ બારડોલી ગયા. બારડોલીમાં અનેક સત્યાગ્રહી મુસલમાનો હતા, અને સૂરતના મુસલમાનોનો પણ આગ્રહ હતો એટલે તેને વશ થઈને તેઓ ગયા. ખરી વાત એ છે કે ડા. અનસારી બારડોલી ન ગયા પણ સૂરતમાં રહીને તેમણે બારડોલીનું કામ કર્યું, તેમણે સૂરતના મુસલમાનોને બારડોલી સત્યાગ્રહમાં સક્રિય સાથ દેવાની અને સરકારને કશા પ્રકારની મદદ ન દેવાની સલાહ આપી. મૌલાના શૌકતઅલી અને મૌલવી મહમદ બલોચ તો બારડોલી ગયા અને સત્યાગ્રહીઓનું સંગઠન જોઈને ખુશખુશ થઈ ગયા.

બીજી તરફથી પારસી ખાતેદારોના ઉપર ગુજરતા ત્રાસથી ખેંચાઈને શ્રી. ભરૂચા અને શ્રી. નરીમાન બારડોલી આવ્યા, અનેક ગામમાં ગયા, અને લોકોને ઊલટપાલટ સવાલ પૂછીને ખાતરી કરી કે બારડોલી તાવણીમાંથી પસાર થશે. શ્રી. નરીમાને પોતાના એક ભાષણમાં સરકારની દમનનીતિ ઉપર સખ્ત પ્રહાર કર્યો:

“આપણને કહેવામાં આવે છે કે બ્રિટિશ રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા સ્થપાયાં છે અને ચોર, ડાકુ અને પીંઢારાનું નામ નથી રહ્યું. બીજે તો ગમે તેમ હોય, બારડોલીમાં આજે પઠાણ અને મવાલીનું રાજ છે. મુંબઈમાં જે પઠાણોની હિલચાલ ઉપર ચોવીસ કલાક પોલીસ ચોકી રાખે છે તેમાંથી આ પઠાણોને અહીં બોલાવ્યા છે. આ ભાડૂતી પઠાણો લાવીને સરકારે પોતાની જેટલી લાજ ખેાઈ છે તેવી બીજી કોઈ પણ રીતે ન ખોઈ હોત.”

શ્રી. ભરૂચા વળી એકવાર આવ્યા. આ વેળા સંતોક વકીલ તેમની સાથે હતા. બંનેએ મુંબઈ જઈને પારસી કોમને એક અપીલ કરી ને તેમાં જણાવ્યું કે પારસીઓએ બારડોલીમાં ચાલી રહેલા અત્યાચારોની સાથે સીધો અથવા આડકતરો જરાય સંબંધ ન રાખવો.

મુંબઈના યુવક સંઘની ભેસાણિયા બહેનો બારડોલીનાં ગામડાંમાં થોડા દિવસ ગાળવા આવી, લોકોની સ્થિતિ નજરે જોઈ, ચોધારાં આંસુ પાડ્યા, ‘અમારી જિંદગીની સાચી કેળવણી અમને આ દિવસમાં મળી’ એમ એકરાર કરીને તેઓ મુંબઈ ગઈ, અને ત્યાં પોતે જોયેલાં દ્રશ્યોનાં વર્ણન આપ્યાં જેથી મુંબઈનો યુવક અને વિધાર્થીવર્ગ ખળભળી ઊઠ્યો. આ પછી આ યુવકોમાં જે અજબ ચેતન દેખાયું, તેમણે મોટાં સરઘસો કાઢ્યાં, અને સત્યાગ્રહ ફંડને માટે ઘેરઘેર ફરીને જે ફાળા કર્યા એ બધું આ બે બહેનોની બરડોલીયાત્રાને પ્રતાપે હતું.

શ્રી. જયરામદાસ દોલતરામ (સિંધ તરફથી ધારાસભાના સભ્ય ) બારડોલી માટે ખાસ ભરાનારી સૂરત જિલ્લા પરિષદના પ્રમુખ ચૂંટાયા. બારડોલીનાં ગામડાં નજરે જોયા વિના એમને પ્રમુખપદ લેવું ઠીક ન લાગ્યું. એમણે ઘણાં ગામડાં જોયાં અને પોતાના ભાષણમાં જે જે જોયું હતું તેનો તાદૃશ ચિતાર ઉતાર્યો. જે પરિષદ બે મહિના ઉપર ભરવાની શ્રી. વલ્લભભાઈએ સલાહ નહોતી આપી તે ૨૭ મી તારીખે સૂરતમાં ભરાઈ. આવી પરિષદ સૂરતના લોકોની જાણમાં અગાઉ કદી ભરાઈ નહોતી.

હજારો માણસો જિલ્લાના દરેક તાલુકાના ખૂણા ખૂણાનાં ગામોમાંથી ઊભરાયાં હતાં. બારડોલીની ગાડીઓના ડબાનાં ચડવાનાં પાટિયાં ઉપર પણ મુસાફરો ઊભા હતા ! સહેજે ૧૦-૧૫ હજાર માણસો મંડપમાં હશે, અને મંડપમાં ન દાખલ થઈ શક્યા એવા હજારો બહાર રહી ગયા હતા. બારડોલીના સત્યાગ્રહ વિષે લોકોનો કેટલો ઉત્સાહ હતો તે જણાવવાને માટે આ અપૂર્વ દૃશ્ય પૂરતું હતું. બારડોલીથી રાનીપરજની બાળાઓને ખાસ સત્યાગ્રહનાં ગીતો સંભળાવવાને માટે લાવવામાં આવી હતી. એ સરળ ને નિર્દોષ બાળાઓને સભાક્ષોભ જેવી વસ્તુ નહોતી, ગાવાનું કહ્યું એટલે કોયલની જેમ ટહૂકી ઊઠી. બારડોલી ન જનારને પણ એ સત્યાગ્રહગીતો સાંભળવાનો લહાવો મળ્યો. મંડપના થાંભલાઓ ઉપર બારડોલીમાં જોવામાં આવતાં આજનાં પાપપુણ્યનાં દૃશ્યોનું ‘ચિત્રમય જગત’ ટાંગવામાં આવ્યું હતું.

શ્રી. જયરામદાસનું ભાષણ અનેક રીતે ઉત્કૃષ્ટ કોટિનું હતું. એમાં પ્રશ્નનો સુંદર અભ્યાસ હતો, અભ્યાસ જેણે ન કરેલો હોય તેને માટે આખા પ્રશ્નની વીગતોનું સટીક ટાંચણ હતું. એમાં નમ્રતા હતી, પણ તે સાથે નીડરતા હતી, સરકારની ત્રાસનીતિની સખત ઝાટકણી હતી. ગવર્નર બેત્રણ પ્રસંગે સ્વતંત્રતાથી વચ્ચે પડ્યા હતા તેવી રીતે આ ભયંકર અન્યાયની બાબતમાં વચ્ચે પડે એવી યુક્તિયુકત સૂચના હતી, અને ૧રમી જૂનનો દિવસ આખા દેશમાં ‘બારડોલી દિન’ તરીકે ઊજવવામાં આવે એવી દરખાસ્ત હતી. સરકારનું અનેકવાર ખોલવામાં આવેલું પોકળ શ્રી. જયરામદાસે પોતાની રીતે વધારે પોકળ કરી બતાવ્યું હતું, અને ગયા માર્ચના ધારાસભાનો ‘વોટ’ જેને સરકાર ડૂબતાના તરણાની જેમ પકડી રહી હતી તેનું મિથ્યાત્વ સરસ રીતે સિદ્ધ કર્યું હતું “સરકાર શા સારુ ઉઘાડું કહી નથી દેતી કે અમે નર્યા પશુબળ ઉપર અને સત્તાના જોર ઉપર ખડા છીએ ? જે વસ્તુનો નીતિની દૃષ્ટિએ કશો બચાવ ન થઈ શકે તેનો જૂઠાણાંવાળી અને ભ્રામક દલીલોથી બચાવ કરવામાં શું હાંસલ છે ? ” પઠાણરાજની ઝાટકણી કાઢતાં તેમણે કહ્યું, “ધોળે દહાડે પઠાણે ચોરી કર્યાના બનાવ પછી એક દિવસ પણ તેમને બારડોલી તાલુકામાં રાખવા એ આ સરકારને માટે અત્યંત શરમભરેલું છે.” બારડોલીમાં ચાલી રહેલા સિતમોનું અને તાલુકાની ભવ્ય શાંતિનું વર્ણન આપી તેમણે જણાવેલું : ‘‘સરકારી ચશ્માં ઉતારી તાલુકાના કોઈ પણ ગામડામાં ફરી આવો. બારડોલીનાં ખેડૂતો, સ્ત્રીઓ, બાળકો સૌ કોઈ આ આગેવાનો અને પ્રજાસેવકો ઉપર કેટલાં મરી ફીટે છે. મુંબઈ સરકારની જુલમ નીતિનો કાળો ડાઘ જેમ તેના તંત્રમાં કાયમ રહેવાનો છે તેમ તેના જવાબદાર વડા અમલદારોની પ્રજાસેવકો પ્રત્યેની ઉદ્ધતાઈનું આ ન ધોવાય એવું કલંક પણ તેની તવારીખમાં કાયમ રહેશે.”

આ પછી શ્રી વલ્લભભાઈને બોલવાની વિનંતિ કરવામાં આવી. કેટલોય સમય સુધી એમને વધાવનારા હર્ષધ્વનિ મંડપને ગજાવી રહ્યા, અને તેમણે બોલવા માંડ્યું એટલે શાંતિ છવાઈ. મંડપના ખૂણેખૂણામાં તેમને અવાજ પહોંચતો હતો. લોકો બીજું કાંઈ નહિ તો વલ્લભભાઈનું તે દિવસનું ભાષણ સાંભળીને જ પેાતાને કૃત્યકૃત્ય માનવા લાગ્યા — એટલું તે ભાષણમાં તેજ હતું, એટલી વીરતા હતી, એટલું સત્યનું બળ  હતું, સામાન્યમાં સામાન્ય માણસની બુદ્ધિમાં પણ આખી વસ્તુ પ્રવેશ કરે એવી વાણી અને વિચારની સરળતા હતી. આખા ભાષણનો ધ્વનિ એ હતો કે આજે બારડોલી નીડર બન્યું છે; બે ને બે ચારને બદલે બે ને બે ચૌદ કહેનારા અમલદારો ગમે તેટલા દબાવે, ધમકી આપે, જમીનો લઈ લે, તોપણ પોતાની ટેક છોડવાનું નથી; બારડોલીમાં આજે આબરૂદાર સરકારનું રાજ્ય નથી, પણ ગુંડાઓ અને ચોરલૂંટારાનું રાજ્ય છે એમ જણાવી સરકારની ત્રાસનીતિને તેમણે સરસ રીતે ઉઘાડી પાડી હતી.

સ્વાગતમંડળના અધ્યક્ષે દીનભાવે સરકારને સૂચના કરી હતી કે તે મૂંગા બળદ જેવા ખેડૂતો ઉપર રહેમથી વર્તે. શ્રી. વલ્લભભાઈ એ એ દીનતાને ખંખેરી નાંખવાનું કહ્યું અને જણાવ્યું કે ખેડૂત દયાપાત્ર પશુ નથી, પણ વીર પુરુષ છે; ખેડૂતના ઉપર સૌનો, સરકારનો સુદ્ધાં આધાર છે; અને એ ખેડૂતને ન્યાય આપ્યા વિના સરકારનો આરો નથી, ન ન્યાય આપે તો સરકારનું રાજ્ય રોળાવાનું છે.

આ પરિષદ બારડોલીમાં જે ચાલી રહ્યું હતું તેનું પ્રતિબિંબ હતી. બારડોલીમાં જે આપભોગની રેલ ચાલી રહી હતી તેના પ્રવાહમાં અવગાહન કરી પુનિત થવા જાણે લોકો ઊભરાયાં હતા. બહારના તાલુકાના કેટલાય ખેડૂતો જેમણે જિંદગીમાં કદી પરિષદ જોઈ નહોતી તે આ પરિષદમાંથી નવું તેજ અને જોમ લઈને ઘેર પાછા વળ્યા.

આ ચિત્ર છોડી વળી પાછા બારડોલી આવીએ. બારડોલી થાણામાં મહેમાનોની ભરતી ચડ્યા જ કરતી હતી. શીખભાઈઓ, જેમને ‘ગુરુ-કા-બાગ’નાં સ્મરણ તાજાં થતાં હતાં તેમણે ઘણીવાર તાર કરીને પોતાના સ્વયંસેવકો મોકલવાની માગણી કરી હતી, અને શ્રી. વલ્લભભાઈ એ તેનો સાભાર અસ્વીકાર કર્યો હતો. પણ હવે તો સરદાર મંગલસિંગ જાતે બારડોલી આવ્યા અને પંજાબમાં જઈને બારડોલીનાં ગુણગાન કરવા લાગ્યા. પંજાબ પ્રાંતિક સમિતિએ ડા. સત્યપાલને બારડોલીની લડત જોવાને માટે ખાસ મોકલ્યા હતા. તેમણે અનેક ઠેકાણે હરખઘેલાં ભાષણો કર્યાં.

 શેઠ જમનાલાલ બજાજ પોતાને બારડોલીના યાત્રાળુઓમાં ગણીને ધન્ય માનવા લાગ્યા, અને અનેક સભાઓમાં તેમણે કહ્યું, ‘હું તો બારડોલીનો યજ્ઞ જોઈને પુનિત થવા આવ્યો છું.’

મહારાષ્ટ્રથી શ્રી. જોષી અને પાટસ્કર તટસ્થભાવે બધું જોવા આવ્યા. ગાંધીજી કે અસહકારની સાથે તેમને ઝાઝું લાગતુંવળગતું નહોતું, પણ ખેડૂતોને માટે ઉપાડેલી લડત જોવાનો, અને સત્યાગ્રહ કેવી રીતે ચલાવાય છે તે જોવાનો તેમને રસ હતો. બારડોલીથી પાછા વળતાં શ્રી. જોષીએ એક અંગ્રેજ કવિનું પ્રસિદ્ધ વચન ટાંકીને કહ્યું, ‘ઠેકડી કરવા આવ્યા હતા પણ સ્તુતિ કરતા જઈએ છીએ.’

આમ આ બધા મંત્રમુગ્ધ શા સારુ થઈ જતા હતા ? આ અપૂર્વ લડત છે, બારડોલી ધર્મક્ષેત્ર છે એમ સૌ એકેઅવાજે કેમ પોકારતા હતા ?

અનેક વસ્તુઓ હતી. તાલુકામાં સરકારી રાજ્ય રહ્યું નહોતું અને જુદી જ સરકારનું રાજય ચાલતું હતું એ સૌ કોઈને ભાસતું હતું. લડત રાજ્ય સામે નહોતી પણ રાજ્યના સ્થાનિક પ્રતિનિધિઓની સાથેના અસહકારમાંથી આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી. સરકારના માણસોને કોઈ સગવડ જોઈએ તો તે બારડોલીના થાણામાં પૂછવા આવે; સરકારને પોતાના તારટપાલ મારફતે સંદેશા પહોંચે તેના કરતાં વધારે જલદી સરદારને પોતાનાં માણસો મારફતે સંદેશા પહોંચે.

લોકો કારાગૃહવાસ ભોગવી સરકારથી આમ સ્વતંત્ર થઈને બેઠા હતા, પણ બારડોલીનાં સવાસો ગામોમાં ભાગ્યે જ કોઈ એવું હોય કે જેને બીજા ગામમાં શું બનતું હતું તેની ખબર ન હોય. ગામોનું એ સંગઠન પણ બહારથી આવનારાઓને આશ્ચર્ય પમાડે એવું હતું. સત્યાગ્રહીઓમાંથી કેટલાક — સેંકડે એક ટકો જેટલા – પડ્યા હતા ખરા, પણ ઢગલાબંધ ગામો એવા અભેદ્ય દુર્ગ સમાં હતાં કે જેમાંથી એક કાંકરી પણ ખરી નહોતી. ઇસરોલી ગામે દરેકેદરેક ખાતેદારને ખાલસાની નોટિસ મળી હતી. તાલુકાનાં ચાર ગામમાં સરકારે વધારો કર્યો નહોતો તેમાંનું  આ એક ગામ હતું, અને વધારો ન કર્યો છતાં લડતમાં જોડાવાને માટે આટલી આકરી તાવણી ત્યાં થઈ હશે. બાકીનાં ત્રણ ગામો તો કોળી, રજપૂત અને દૂબળાનાં હતાં, પણ ચારે ગામો સરકારી નોકરોના મેલા હુમલાઓ છતાં અખંડ અડગ ઊભાં હતાં. ‘આખા તાલુકાની સાથે તરવું કે મરવું’ એ સરદારની વાત તેમની રગેરગમાં ઊતરી ગઈ હતી. સરભોણ જેવાં ગામ જે લડાઈમાં મોડાં ઊતર્યાં હતાં તે તો આખા તાલુકાના નાકરૂપ થઈ પડ્યાં હતાં. કાયદેસર પગલાં લેવા જતાં સરકારને ખબર પડી કે તેનાં હથિયાર કેટલાં નકામાં થઈ ગયાં હતાં. સરકારને કોઈ પગી નહોતો મળતો, લિલામની વસ્તુઓ લેનાર એકે પ્રામાણિક સજજન નહોતો મળતો, જમીન ખરીદનાર તાલુકાનો કે બહારનો એકે પ્રતિષ્ઠિત ખાતેદાર નહોતો મળતો.

એક બાજુથી આ ગ્રામસંગઠન અને બીજી બાજુથી સરદારની કુશળ વ્યુહરચના સૌને આશ્ચર્ય પમાડતી હતી. સરકાર કાયદેસર લડે તો તો બહુ મહેનત કરવાપણું નહોતું, પણ કાયદાને કોરે મૂકીને ચાલનારા અથવા તો કાયદામાં મૂકેલી મર્યાદાનો ભંગ કેવી રીતે કરી શકાય એના જ વિચારમાં નિશદિન ભમતા, કૂડકપટ, પ્રપંચ, જૂઠાપણાનો ડગલેડગલે આશ્રય લેતા સરકારના સ્તંભો સામે ઊભા રહેનારા ભડ થાણદારો સિવાય સરદાર પણ શું કરત ? એક તરફથી સરકારને ‘ મદથી છકેલા, જેમને જુવાની તેમજ અમલનો બેવડો મદ ચડેલો છે, અને તેને કાબૂમાં રાખવાને અક્કલ નથી એવા’ માણસો મળ્યા હતા. બીજી તરફથી સરદારને કુંદન જેવા સાથી મળ્યા હતા, સરદારને સાચી પરિસ્થિતિથી વાકેફ કરનારા, નબળાઈ ને ઢાંકનારા, અને સરદાર પણ જેની પવિત્રતાને નમે એવા સાથીઓ મળ્યા હતા.

અને આ થાણેદારોના કિલ્લા સ્વયંસેવકોની સેના વિના શી રીતે નભી શકત ? એ લોકોને તાપ, તડકો અને તરસ જેવી વસ્તુ નહોતી, ગમે તેવે રસ્તે કાળી રાતે જતાં એમની છાતી ડગતી નહોતી. પત્રિકાઓ વહેંચવા કે પત્રિકાનો મસાલો ભેગો કરવા ઉજાગરા કરીને પણ તેઓ અમુક સમયે મુખ્ય થાણે અને મુખ્ય  ગામે પહોંચવાનો આગ્રહ રાખતા. સરકારી ગુપ્તચર ખાતાને આશ્ચર્ય પમાડે એવી રીતે આ સ્વયં સેવકો સરકારની ડગલેડગલાની બાતમી મેળવતા, કલેક્ટર જેવા અમલદારની હિલચાલની તપાસ રાખતાં જરાય ડરતા નહિ, નાનામાં નાનું અને હલકામાં હલકું દેખાતું કામ કરવાના હુકમ ઉઠાવતાં તેમને નાનમ લાગતી નહોતી. એક રાનીપરજ સ્વયંસેવકે તો આવી સેવા કરતાં છાવણીમાં જ મૃત્યુભેટ કીધી. સરદારના આ તંત્રે સરકારના મોટા મોટા પગારદારોથી ચાલતા અમલદારના તંત્રને પાંગળું કરી મૂક્યું હતું.

અને સૌની મોખરે સરદાર ! આઠે પહોર કાલે શું કરવું તેની ચિંતા કરતો, કાળામાં કાળાં વાદળ આવશે તો તેને અમુક રીતે પહોંચી વળશું એવા ઘાટ ધડતો, પકડવાનો હુકમ કાલે આવશે એમ માની આજથી તેની તૈયારી રાખતો, હજાર હુકમ કાઢતો, અહીં આશ્વાસન દેતો, પણે હસાવતો, અહીં ઠપકો આપતો, પણે અમલદારને ઉઘાડા પાડતો, પોતાના જ મનાઈહુકમને પરિણામે રોજ પાંચ પાંચ સાતસાત ભાષણો કરવાની સજા સુખે ભાગવતો, ‘નિર્ભય તો છું, છતાં અત્યારે કાંટાની પથારી ઉપર સૂતેલો છું, કારણ તમે ભોળા છો,' એમ કહી સ્થાનેસ્થાને સૌને ચેતવતો, સર્વવ્યાપી સરદાર સૌ કોઈ નું આકર્ષણ કરે તેમાં નવાઈ શી ?

અને એ સૌના કરતાં વધારે આશ્ચર્યજનક હતી બારડોલીની બહેનોની જાગૃતિ. આ બહેનોએ પ્રેક્ષકોનાં આટલાં ધાડાં કદી જોયાં નહોતાં. આ બહેનોએ કદી સ્વપ્ને પણ એવો ખ્યાલ નહોતો રાખ્યો કે તેમનાં પરાક્રમ જોવાને માટે આખો દેશ બારડોલીમાં ઊલટશે. પણ એથી સાવ અક્ષુબ્ધ, સૌને નિર્મળ, સરળ ભાવે મળતી અને જવાબ આપતી, દિવસેદિવસે ચડતી જતી ત્રાસની ભરતીમાં ઉલ્લાસ માનતી, ઘરમાં પોતાના પુરુષોને હિંમત આપતી, આખો દિવસ ઘરમાં પુરાઈ રહી બાળબચ્ચાં અને ઢોરની સંભાળ રાખી, રાત્રે સરદારની સભાઓમાં ઊભરાતી એ વીરાંગનાઓને જોઈને કોને આશ્ચર્ય ન થાય ! અને એ અભણ બહેનોમાં તો વળી કવયિત્રીઓ જાગી હતી. કબીરને નામે ચાલતા ભજનની એકાદ કડી લઈને

બહેનોની એક સભાતેને ચાલુ લડત ઉપર ઘટાવી દઈ તેમણે રચેલાં સત્યાગ્રહગીતોમાંથી એક તો વરાડ વિભાગનાં ગામેગામમાં પ્રસિદ્ધ થઈ ગયું હતું :

સમજીને બાંધો હથિયાર રે, જ્ઞાનીને ઘેાડે–ટેક,
શીલ સંતોષનાં બખતર પહેરજો રે,
ધીરજની બાંધો તમે ઢાલ રે, જ્ઞાનીને ઘોડે૦
શૂરા હોય તે તો સન્મુખ લડશે રે,
ગાફેલ તો ખાશે માર રે, જ્ઞાનીને ઘેાડે૦
જુદ્ધનો મારગ સહેલો ના હોય જીરે,
ચડવાં ખાંડાં કેરી ધાર રે, જ્ઞાનીને ઘોડે૦
સતના સંગ્રામમાં ચડવું છે આપણે રે,
ચોંપે ચેતી ચાલો નરનાર રે, જ્ઞાનીને ઘોડે૦
જુલમના જુલમગારે ઝાડો ઉગાડીઆં રે,
રૈયતને કીધી બહુ હેરાન રે, જ્ઞાનીને ઘોડે૦
આજ સુધી તો અમે ઊંઘમાં ઊંઘીઆં રે,
મળીઆ ગુરુ ને લાધ્યું જ્ઞાન રે, જ્ઞાનીને ઘોડે૦
જુલમીની સાથે ભાઈઓ ન્યાયથી ઝૂઝવું રે,
આજે શીખ્યાં એ સાચો ધર્મ છે, જ્ઞાનીને ઘોડે૦
ધર્મની વારે મારો પ્રભુજી પધારશે રે,
હારી જાશે જૂઠો અધર્મ રે, જ્ઞાનીને ઘોડે૦

***

કહે છે વલ્લભભાઈ, સુણો નરનારીઓ રે,
અંતે જરૂર આપણી જીત રે, જ્ઞાનીને ઘોડે૦
વલ્લભભાઈનું વેણ તમે પાળજો રે,
એવી આ બહેનની આાશિષ રે, જ્ઞાનીને ઘોડે૦

આ બહેનો સભામાં આવતી હતી એ તો અનેકવાર લખાઈ ચૂક્યું, પણ હવે એ બહેનો પોતાની સ્વતંત્ર સભાઓ કરવા લાગી હતી. ગામડાની મુસલમાન બહેનો સભા કરે, તેમાં મણિબહેનને બોલાવી ભાષણ કરાવે અને તેમને સત્યાગ્રહને માટે થેલી અર્પણ કરે એ આ સત્યાગ્રહયુગમાં જ સંભવી શકે એમ સૌને લાગતું હતું. પણ બ્રાહ્મણ બહેનોની સભા, અને એ પછી અનેક સ્ત્રીસભાઓ, બહેનોને લડતમાં રસ લેતી કરીને સરદારે અર્ધી લડત જીતી લીધી હતી એમ કહેવામાં જરાય અતિશયતા નથી જ.

અંતે લડત ચલાવવામાં લોકો કેટલી ખામોશી રાખી રહ્યા હતા, સામાન્ય ખેડૂતો પણ કેટલું તેજ બતાવી રહ્યા હતા તેનાં એકબે ચિત્રો આપી આ લંબાયેલું પ્રકરણ પૂરું કરીશ.

સરભોણ ગામમાં પોણોસો વરસના એક પેન્શનર દેશાઈ જેમણે બિચારાએ સત્યાગ્રહપ્રતિજ્ઞા ઉપર સહી કરી નહોતી તેમને દબાવવાને માટે નવા જપ્તીદારસાહેબે તેમના બારણે રાતદિવસનો ઘેરો ઘલાવ્યો. આગલે બારણે બંદુકવાળો પોલીસ અને પાછલે બારણે બે પઠાણો ! અમે ત્યાં પહોંચ્યા ત્યારે ૧૫ કલાકનો એ પહેરો થઈ ગયો હતો. આગલી રાત્રે બેઅઢી વાગ્યાથી શરૂ થયો હતો. સામાન્ય રીતે ઘરમાં ભરાઈ રહેતાં છતાં સભાઓને માટે, હાજતોને માટે, માણસો બહાર નીકળતા. અહીં આવી રીતે બહાર નીકળવાનું બને કે તુરત જ ઘરમાં જપ્તી લઈ જવી એવા ઈરાદાથી ૨૪ કલાકનો ઘેરો ઘાલ્યો હતો, એટલે જપ્તીમાંથી બચવું હોય તો પિસાબપાણીની હાજતો પણ ઘરમાં કરવી, ઢોરોને પણ પાણી પાવાનાં સાંસાં ભોગવવાં એવું થઈ પડ્યું હતું. અને આ ‘ઘેરો’ તે કોની સામે ! એક પોણોસો વર્ષના પેન્શનર અને તેમની સ્ત્રી — ઘરમાં બે જ જીવ — એમની સામે. આ હેવાનિયતભરેલો ઘેરો બીજે જ દિવસે ‘ઉપરના’ હુકમથી ઉઠાવી લેવામાં આવ્યો હતો, પણ અમે ગયા ત્યારે તો ડોસો ડોસી બંને પ્રસન્નતાથી ઘેરા સામે ઝૂઝી રહ્યાં હતાં. મેડીની બારીએ બેસી ડોસી માળા જપતાં હતાં. વલ્લભભાઈ એ પૂછ્યું: ‘કેમ માજી ! ગભરાતાં નથી ના ?’ ‘ના, ભાઈ, તમારો આશરો છે ને !’ વલ્લભભાઈએ કહ્યું : ‘મારો નહિં, રામજીનો આશરો.’ કોઈએ પૂછ્યું : ‘પઠાણપોલીસ પડ્યા છે તે ?’ માજી કહે : ‘ભલે પડ્યા. એ ન આવ્યા હોત તો સરદારનાં પગલાં આપણે ઘેર કયે દિવસે થવાનાં હતાં !’

એકે તિરસ્કારનું કે ક્રોધનું વચન નહોતું, અધીરાઈ નહોતી; બીજાઓને થતા ક્રોધને પણ શમાવી દે એટલી માજીની શાંતિ હતી.

આ અરસામાં હું એક દિવસ બારડોલી ગયો ત્યારે રસ્તામાં રાયમ ગામના એક ખેડૂત ગોસાંઈભાઈ મોં મલકાવતા ગાડું જોડી જતા હતા. મને તેમણે ગાડામાં બોલાવી લીધો. એમના મલકાટનું કારણ શ્રી. મોહનલાલ પંડ્યાએ મને જણાવ્યું. પંચ થવાનો હુકમ ન માનવાને માટે એમને કોર્ટનું તેડું આવ્યું હતું. એમનો હરખ ન માય, ઘણા મહિનાની સજા થાય તો કેવું સારું એમ કહેતા હતા. ‘આ પહેલીવાર કોરટને પગથિયે ચડવાનો. મારા ગામમાંથી કોઈ પણ જણ છેલ્લાં પચાસ વર્ષમાં કોરટને બારણે ચડ્યો નથી,’ એમ તેમણે મને ખબર આપી. એમની સામે ફરિયાદ કરનાર ફોજદાર હતો. ફોજદારે ફરિયાદ કરી કે આ માણસને પંચ થવાનો હુકમ કર્યો, એણે ન માન્યું. કેવો હુકમ કર્યો, એમ પુછાતાં તેણે હુકમની નકલ રજૂ કરી. તેની અને મૅજિસ્ટ્રેટની વચ્ચે થતી વાતો એટલે તેની જુબાની તે જ બોલે અને તે જ સાંભળે ! આપણ ખેડૂતને જ્યારે આ જુબાની વાંચી સંભળાવવામાં આવી ત્યારે તે તો આભો જ બની ગયો. જ્યાં બેઠો હતો ત્યાંથી ઊછળી ઊભો થયો, અને ફોજદાર સામે જોઈને બોલવા લાગ્યો : ‘સાહેબ, ઈશ્વરને સાક્ષી રાખીને બોલો છો કે ? સાચું બોલો છો કે તમે મને લેખી હુકમ આપ્યો છે ?’ ફરી બોલ્યો : ‘ઈશ્વરને સાક્ષી રાખીને સાચું કહો.’ પણ ફોજદાર તેના તરફ જુએ શેનો ? ખેડૂતની આંખો લાલ થઈ. ‘ઈશ્વરના નામ ઉપર આમ અત્યાચાર થતો હશે ?’ એ વિચારથી તેનું હૈયું ઘવાયું. કોર્ટમાં જૂઠાણાની કાંઈ નવાઈ છે ? પણ આ બિચારો કોઈવાર એ ‘ન્યાયમંદિર’માં ગયો હોય તો ના ? પણ એ ફોજદારને વિષે પણ આ ખેડૂતને કડવું વેણ કહેતો ભાગ્યે જ કોઈ એ સાંભળ્યું હશે.

આ પ્રકારનું શાંત તેજ તાલુકામાં જ્યાંત્યાં જોવામાં આવતું હતું અને એ જોવાને લોકોનાં ટોળાં જ્યાંત્યાંથી ઊતરતાં હતાં. પ્રકરણને આરંભે ટાંકેલા ઉદ્‌ગારો સરદારે ચાર મહિના ઉપર કાઢ્યા હતા, અને તે અક્ષરશઃ સાચા પડ્યા હતા.