બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/આરોપી ન્યાયાધીશ બન્યા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

← ‘બારડોલી દિન’ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
આરોપી ન્યાયાધીશ બન્યા
મહાદેવભાઈ દેસાઈ
ન્યાયના ભવાડા →
૨૩
આરોપી ન્યાયાધીશ બન્યા
“સરકારે મૂરખ માણસની વાત માની છે અને હવે સાપે છછૂંદર ગળી છે. હવે છોડાતી નથી, ગળાતી નથી.”

ખેડા સત્યાગ્રહના દિવસોમાં સરકારનું ખબરખાતું ખુલ્યું નહોતું. બોરસદ સત્યાગ્રહ વખતે એ ખાતાએ દર્શન દીધાં, અને લડત પૂરી થવા આવી ત્યારે ‘બૉંબે ક્રોનિકલ’ના છ સ્તંભ જેટલો સરકારનો બચાવ બહાર પાડેલો. એનો યોગ્ય ઉત્તર આપવામાં આવેલો અને એક અઠવાડિયામાં સર લેસ્લી વિલ્સને બે લાખ ચાળીસ હજારનો હેડિયાવેરો રદ કરેલો. પાંચ મહિના સુધી બારડોલી સત્યાગ્રહ પ્રકાશન ખાતાના, ‘નવજીવન’ના અને ‘યંગ ઇન્ડિયા’ના આરોપો સાંભળી સાંભળી રીઢા થઈ સરકારે પોતાનું ખબરખાતું ચાલું કીધું. બલ્કે પઠાણોએ એ ખાતું ચાલુ કરાવ્યું એમ કહીએ તો ચાલે. પઠાણોની ગેરવર્તણૂકનું વર્ણન મેં ‘યંગ ઇન્ડિયા’માં આપ્યું હતું તેના રદિયા આપવાનો સરકારી ખબરખાતાના વડાએ પ્રયત્ન કર્યો. આ પ્રયત્નમાં સરકારી નોકરો ઉપરના આરોપોની સ્વતંત્ર તપાસ કરવાને બદલે ગુનેગારને પોતાની પાસે બોલાવી, તેનો એકતરફી જવાબ સાંભળી, તોહોમત મૂકનારને હાંકી કાઢવાનો આ રાજ્યનો સનાતન રિવાજ જયાંત્યાં જોવામાં આવતો હતો. લોકોની ફરિયાદ ખરી કે ખોટી તે તપાસવા સ્વતંત્ર પંચ લોકો માગે તે સરકાર કેમ આપે ? ગુનેગાર અમલદારો એવાં પંચ કેમ આપવા દે ? અને એવાં પંચ આપે તો પછી ખરે ટાંકણે મદદ કરનારા હૈયાફૂટા અમલદારો શી રીતે મળે ?

 એક પઠાણ મીઠું ચોરતાં પકડાયેલ હતો એમ કહેવામાં આવે છે ત્યારે ખબરખાતાનો અમલદાર ન્યાયાધીશ બની કહે છે : ‘પોલીસને જણાયું છે કે આ કેસ ખોટા કેસમાં જ ગણવો જોઈએ.’ જ્યારે કહેવામાં આવે છે કે એક પઠાણે એક સત્યાગ્રહીની ઉપર છરી લઈને હુમલો કર્યો હતો ત્યારે પઠાણે છરી સાથે હુમલો કર્યો હતો એ વાતનો ઇનકાર નથી કરવામાં આવતો, પણ એમ કહેવામાં આવે છે કે તેણે કાંઈ છરી ભોકવાને માટે હુમલો નહોતો કર્યો ! પઠાણોના ગેરવર્તનનો લાંબો બચાવ કરવામાં આવે છે તેમાં પઠાણ કૂવા ઉપર નાગો ઊભો હતો એ વાતનો ઇનકાર નથી કરવામાં આવતો પણ પઠાણનો હેતુ મલિન નહોતો એમ કહેવામાં આવે છે ! અને એક પઠાણે એક ભેંસને મારી મારીને જીવ લીધો એ આરોપને તે ખબરખાતું ગળી જાય છે. ગમે તેમ હો, પણ આટલા બચાવ પછી પણ એ નમૂનેદાર પઠાણોને તુરત ખસેડવાનો હુકમ થયો. પણ સીંદરી બળે પણ સીંદરીનો વળ નહિ બળે, એટલે ગવર્નરે પોતાના એક કાગળમાં પઠાણોને ખેંચી લેવાનું કારણ લોકમતને માન આપવાનું બતાવ્યું, જ્યારે સરકારી ખબરખાતાએ લખ્યું : હવે વરસાદની મોસમ શરૂ થઈ એટલે પઠાણોની જરૂર થોડી જ રહેવાનો સંભવ છે ! બીજા એક કાગળમાં સરકારે જણાવ્યું : વાણિયા પઠાણોને ચોકીદાર તરીકે રાખે છે તેની સામે કેમ કોઈ કાંઈ કહેતું નથી, અને સરકાર રાખે તેમાં શો દોષ ? કેમ જાણે એક ગુનો બીજાને ઢાંકી શકતો હોય ! વળી વાણિયા કે બીજા કોઈ પઠાણોને રાખે તે લોકોને નથી ખૂંચતું એમ સરકારે શી રીતે જાણેલું ?

સરકારના ખબરખાતાએ ‘યંગ ઈંડિયા'ના મારા એક બીજા લેખનો બહુ સવિસ્તર જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હતો. એ જવાબમાં પણ અહીં ન ઊતરું કારણ એ તો બારડોલીમાં મહેસૂલવધારો કેમ ખોટો છે એ વિશે લોકોનો પક્ષ રજૂ કર્યો હતો તેના જવાબ હતો, અને એમાંની ઘણી દલીલો પ્રથમનાં પ્રકરણોમાં આવી ગઈ છે. એટલું જણાવી દઉં કે મિ. ઍંડર્સનના પેલા સાત વર્ષના ૪૨,૦૦૦ એકર ગણોતે આપેલી જમીનના આંકડાને એક  વર્ષના ગણવાની ભૂલનો આમાં આંખમાં ધૂળ નાંખનારો વિસ્તૃત બચાવ આપવામાં આવ્યો હતો. બ્રૂમફીલ્ડ કમિટીએ એ આંકડાને સાવ ખોટા ઠરાવ્યા છે એટલે હવે એ તકરાર નાહકની ઉતારીને સ્થળનો વ્યય ન કરું.

ખબરખાતાને પત્રિકાઓ કાઢવાનું શૂર ચડ્યું હતું એટલે રોજરોજ સરકારની ઇજ્જત ઉઘાડી પાડનારા નમૂના બહાર પડ્યે જતા હતા. એક પત્રિકામાં જણાવવામાં આવ્યું કે પટેલતલાટીઓનાં રાજીનામાં ધમકી અને દબાણથી લખાવી લેવામાં આવ્યાં છે. પટેલતલાટીઓએ તુરત જ આ જૂઠાણાને ઉઘાડું પાડ્યું, પોતાની સહીનો એક કાગળ પ્રકટ કરીને તેમણે જણાવ્યું કે એ વાત જૂઠી છે, અને એક તલાટીએ તો ઊલટું જણાવ્યું: ‘અમે તો કોઈએ દબાણની વાત નથી કરી; બાકી ડેપ્યુટી કલેક્ટરે મને બહુ આગ્રહ કરીને કહેલું કે રાજીનામું પાછું ખેંચી લો, અને મને પગાર વધારી આપવાની લાલચ પણ આપી હતી !’

પણ ખબરખાતાના વડાના શો વાંક કાઢીએ ? એનું તો એ કામ રહ્યું. બલ્કે સરકારનાં કૃત્યોનો બચાવ કરવાને માટે એને પગાર મળે, એને પેલા અમલદારો જે પ્રકારના બચાવ મોકલે તે જેમનો તેમ પોતાની ઑફિસમાં બેઠા બેઠા પોતાની સહીથી બહાર પાડવાનો. પણ ખબરખાતાના ઉપરીને ક્યાંક ટપી જાય એવાં તો કલેક્ટરનાં ‘ખેડૂતોનાં શુભ વચન’ હતાં. એમાં પહેલેથી છેલ્લે સુધી નર્યું અસત્ય અને અસભ્યતા હતાં. કલેક્ટર શ્રી. વલ્લભભાઈ અને તેમના સાથીઓને માટે નવાં વિશેષણોની નવાજેશ કરે છે : ‘દુરાગ્રહીઓ,’ ‘બારડોલી તાલુકામાં જેમને ગુમાવવાની બિલકુલ ખેતીની જમીન નથી તેવા પરદુ:ખોત્પાદક ઋષિઓ.′ કલેક્ટર બારડોલીના સત્યાગ્રહના વાતાવરણને હિંસાના વાતાવરણ તરીકે વર્ણવે છે, અને સરદાર જ્યારે કહે છે કે ખાલસા જમીન ખરીદનારાઓ તે જમીન ખેડે તે પહેલાં તેમને અમારા સ્વયંસેવકના લોહીની નીક વહેવરાવવી પડશે અને તેમનાં હાડકાંનું ખાતર કરવું પડશે, ત્યારે તેને કલેક્ટર આ પ્રમાણે ઉલટાવે છે : ‘હવે તો તત્ત્વજ્ઞાન અને શાંતિના પાઠો પણ  વિસરાવા માંડ્યા છે — શાંતિની વાતો હવે શાંત થવા માંડી છે અને લડાઈ અને લોહીલુહાણના ગંભીર ધ્વનિ એ પરદુ:ખોત્પાદક ઋષિઓને મુખેથી કાને પડવા માંડ્યા છે. ગોળીબાર અને હાડકાંનાં ખાતરો વગેરે વાતો શાંતિના ઉપાસકોને મુખેથી નીકળવા લાગી છે.’

પણ ખબરખાતાના વડા અને કલેક્ટરને શું કહીએ જ્યારે પ્રાંતના ગવર્નર સરકારની એટલે સરકારી અમલદારોની નીતિનો ખાસ વિસ્તીર્ણ બચાવ કરવા નીકળી પડે છે, અને તે બચાવ કરતાં પરિણામે ઊલટો સરકારને જ દોષપાત્ર સિદ્ધ કરે છે. આનું જરા વિસ્તારથી વિવેચન કરવું જરૂરનું છે.

મુંબઈના ઍડવોકેટ અને ધારાસભાના સભ્ય શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશી, જેમને વિષે વધારે વીગતવાર ઉલ્લેખ આવતા પ્રકરણમાં આવશે તેઓ આ લડતમાં રસ લેનારા જાહેર પુરૂષોમાં અગ્રગણ્ય કહેવાય. મે મહિનાની આખરે એમણે સર લેસ્લી વિલ્સનને બારડોલીની ઘટનાઓને વિષે ઘણા કાગળો લખેલા, અને લખતાં આરંભમાં જણાવેલું કે પોતે રાજબંધારણમાં માનનાર તરીકે કાગળ લખે છે, ‘કર ન ભરનાર અસહકારી તરીકે નહિ.’ આવી રીતે પોતાની સ્થિતિની ચોખવટ કરવાને લીધે જ કદાચ એમને નામદાર ગવર્નરની પાસેથી લાંબા કાગળો મળી શક્યા. શ્રી. મુનશીએ ગવર્નરને વીનવ્યા હતા કે તેઓ આ બાબતમાં વચ્ચે ન પડે તો બારડોલીના મુદ્દો છે તેના કરતાં બદલાઈ જશે. ગવર્નરે એક તરફથી શ્રી. મુનશી લોકમત તરફ ન ઢળે એ હેતુથી તેને રીઝવવા સારુ લાંબી દલીલના કાગળ લખ્યા, અને બીજી તરફથી પોતાના કાગળોમાં સહેજે સિદ્ધ થઈ શકે એવાં અસત્ય ચીતરી લોકો ને ખોટા પાડવા પ્રયત્ન કર્યો. બારડોલીનો મુદ્દો બદલાઈ ન જાય એટલા માટે શ્રી. મુનશી ના. ગવર્નરને વચ્ચે પડવાની વિનંતિ કરે છે, ના. ગવર્નર મુદ્દાને અવળો વાળીને કહે છે : ‘બારડોલીમાં સવિનય ભંગનું શસ્ત્ર ઉગામીને સરકારને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.’ જે વસ્તુ લોકો તરફથી, સરદાર તરફથી, ગાંધીજી તરફથી અનેક વખત સ્પષ્ટ કરવામાં આવી હતી તેના  ઇનકાર ગવર્નર જેવા જવાબદાર માણસ હજી પણ કરે છે, કેમ જાણે અસત્યને વખતોવખત બોલ્યાથી તે સત્ય ઠરી જતું હોયની ? નિષ્પક્ષ પંચ નીમવાની શ્રી. મુનશીની વિનંતિને વિષે ગવર્નરે પહેલા કાગળમાં તો જણાવ્યું :

“વધારે તપાસ થવાથી કશા નવા મુદ્દા નથી નીકળવાના. . . . જમીનમહેસૂલની ફરી આકારણી થઈ તે કેવી રીતે થઈ તેનો અભ્યાસ કરવાથી કોઈ પણ ન્યાયબુદ્ધિવાળા માણસની ખાત્રી થશે કે સરકાર વાજબી કરતાં વધારે સારી રીતે અને ઉદારતાથી વર્તી છે. . . . લોકોની તકરાર પછી પાછી તપાસ પણ થઈ ચૂકી છે. કારણ રેવન્યુ મેમ્બર મિ. રૂ રજા ઉપર ગયા ત્યારે મિ. હૅચ નામના અતિશય અનુભવી રેવન્યુ અમલદારે તેમની જગ્યા લીધી. મિ. હૅચ નિષ્પક્ષ બુદ્ધિથી બધા કાગળો તપાસી ગયા છે, અને તેમની ખાતરી થઈ છે કે ગણોતો વગેરે બાદ કરીએ તો પણ (કારણ ગણોતોની સામે વાંધો લેવામાં આવ્યો છે) માલના ભાવ, વેચાણ વગેરે ધ્યાનમાં લેતાં સરકારે જે વધારો સૂચવ્યો છે તે જોઈતો હતો તેના કરતાં ઓછા છે, અને જો ફરી તપાસ કરવામાં આવે તો મહેસૂલ ઘણું ઓછું થવાને બદલે ઊલટું વધારે વધવાનું પરિણામ આવશે. હું તમને ખાત્રી આપું છું કે સરકારનો એક પણ સભ્ય એવો નથી કે જેની ખાત્રી ન થઈ હોય કે સરકારે વધારેલું મહેસૂલ ન્યાયયુક્ત જ નહિ પણ ઉદારતા ભર્યું હતું.”

પણ લોકોને ઉદારતા નહોતી જોઈતી. લોકોને તો ન્યાય જોઈતો હતેા. ગવર્નરે તો કહ્યું: અરે, એવી કમિટી નીમવામાં આવે તો ઊલટા વધારે વધારાની એ ભલામણ કરે. ત્યારે તો તેમણે જરૂર લોકોની માગણી તરત સ્વીકારીને લોકોને બેવકૂફ બનાવવા જોઈતા હતા. બીજા પત્રમાં શ્રી. મુનશીએ લખ્યું :

“સરકાર જો બારડોલીના લોકોની વાજબી માગણી ન સ્વીકારે તો બારડોલીના લોકોનું નામનિશાન ન રહે અથવા ખુનામરકી થશે. અને બંને પરિણામ આવતાં હમેશને માટેનાં દુઃખ અને દર્દનો ડાઘ રહી જશે. આપ નામદાર કહો છો તે વાત સાચી હોય કે નવો ધારો કરતાં સરકાર ન્યાયી નહિ પણ ઉદાર થઈ છે તો તો એ ન્યાયી છે એટલું કબૂલ કરાવવાની તક શા સારુ સરકાર નથી લેતી ?”

 આના જવાબમાં સરકારનું પોત પ્રકાશ્યું. ગવર્નરે સાફ લખ્યું :

“તમે સૂચવો છો તેમ સરકાર પોતાનો રાજવહીવટ ચલાવવાનો નિર્વિવાદ અધિકાર કોઈ સ્વતંત્ર કમિટીને શા સારુ આપી દે ? દરેક રીતે હું પરિસ્થિતિને પહોંચી વળવા માટે આતુર છું, પણ કોઈ પણ સરકાર ખાનગી શખ્સોને પોતાની લગામ સોંપી દઈ ન જ શકે, અને એવું થવા દે તો એ સરકાર સરકારના નામને લાયક ન રહે.”

આ વિચિત્ર વિધાનના જવાબમાં ગાંધીજીએ ફરી એકવાર લોકપક્ષનું સત્ય સ્વરૂપ વ્યકત કરનારો લેખ લખ્યો, અને સરકારે આદરેલી ખોટી વૃત્તિને ઉઘાડી પાડી. આ રહ્યો તે લેખ:

“ગવર્નરસાહેબ કહે છે કે રાજ્ય અને પ્રજાની વચ્ચે સ્વતંત્ર તપાસ થાય જ નહિ. આમ કહીને તેઓ સાહેબ લેાકોની આંખમાં ધૂળ નાંખે છે. સ્વતંત્ર તપાસ પણ સરકારી તપાસ હશે. ન્યાયખાતું અમલી ખાતાથી સ્વતંત્ર હોય છતાં તે પણ સરકારી ખાતું છે. કમિટીની નિમણુક લોકો કરે એમ કોઈએ માગ્યું નથી. પણ તટસ્થ માણસો નિમાઈ જેમ અદાલતેામાં તપાસ ચાલે છે તેમ બારડોલીની મહેસૂલના કેસની તપાસ થાય એમ લોકોની માગણી છે. આમાં સરકારને રાજ્યની લગામ છોડી દેવાની વાત નથી, પણ જોહુકમી, નાદીરશાહી છોડી દેવાની વાત અવશ્ય છે. અને જો લોકોને સ્વરાજ્ય મળવું છે ને તેમણે તે મેળવવું છે તો આ નાદીરશાહીનો સર્વથા નાશ થવો જ છે.

આ દૃષ્ટિએ બારડોલીની લડતે હવે વ્યાપક સ્વરૂપ પકડ્યું છે, અથવા આપણા સદ્ભાગ્યે સરકારે તેને વ્યાપક સ્વરૂપ આપ્યું છે.

સત્યાગ્રહનું શસ્ત્ર ગેરકાયદેસર છે એવી શ્રી. મુનશીની દલીલ અથવા કબૂલાત દુ:ખકર છે. તે હવે તો અંકાઈ ગયેલું શસ્ત્ર ગણાય. દક્ષિણ આફ્રિકામાં જ્યારે તેનો ઉપયોગ થયો ત્યારે લૉર્ડ હાર્ડિંગે તેનો બચાવ કર્યો હતો. ચંપારણમાં બિહારની સરકારે તેનો સ્વીકાર કરી કમિટી નીમી હતી. બોરસદમાં શ્રી. વલ્લભભાઈએ તે જ શસ્ત્રનો ઉપયોગ કર્યો, ને હાલના જ ગવર્નરસાહેબે તેને માન આપી લોકોને દાદ આપી હતી. હવે તે શસ્ત્ર કેમ કાયદાવિરુદ્ધ ગણવું તે ન સમજાય તેવું છે.

પણ સત્યાગ્રહ કાયદાવિરુદ્ધ હોય કે ન હોય એ અત્યારે પ્રસ્તુત સવાલ નથી. લોકોની માગણી વાજબી હોય, તો લોકોની માગણી કરવાની રીત ગમે તેવી હોય છતાં તેની યોગ્યતા ઓછી નથી થઈ શકતી. ”