બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/લડત કેમ મંડાઈ?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ફળ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
લડત કેમ મંડાઈ?
મહાદેવભાઈ દેસાઈ
સરકારની ધમકીઓ →
પરિશિષ્ટ ૧
લડત કેમ મંડાઈ ?

સત્યાગ્રહ કરવાની બારડોલી તાલુકાના ખેડૂતોને સલાહ આપતા પહેલાં શ્રી. વલ્લભભાઈ પટેલે સરકારને એક વિષ્ટિનો પત્ર લખ્યો હતો, તેની પ્રથમ શિરસ્તા મુજબની પહોંચ આવી. શ્રી. વલ્લભભાઈએ સાત દિવસની મુદ્દત આપી તે વીતી ગઈ, તોપણ સરકારને તાર કે પત્ર દ્વારા કશું જણાવવાની જરૂર ન લાગી. પણ સત્યાગ્રહ જાહેર થયા પછી ચાર દિવસે ચોર શાહુકારને દંડે તેમ સરકારે લાંબો પત્ર લખી વલ્લભભાઈ ને જણાવ્યું કે લડત નહોતી માંડવી એમ કહેતા હતા, છતાં લડત માંડવાની ઉતાવળ તો તમે કરી. પત્રમાં મહેસૂલવધારાનો બચાવ પણ કર્યો, અને આખરે ધમકી આપી કે તમારા જેવા ‘બહારનાઓ’ બારડોલીને હલાવે તેની સરકારને કશી પરવા નથી. શ્રી. વલ્લભભાઈએ આ તોછડી ધમકીનો સચોટ ઉત્તર આપ્યો, અને તેનો વળી સરકાર તરફથી જવાબ આવ્યો. આ બધા પત્રવ્યવહારનું ભાષાન્તર અહીં આપીએ છીએ.

શ્રી. વલ્લભભાઈએ સરકારના છેલ્લા કાગળનો નીચે પ્રમાણે, ટૂંક જવાબ છાપાઓમાં આપ્યો હતો

કોણ અવળું ?

૨. પહેલા પ્રથમ તો સરકારે મારી સામે જે મોટામાં મોટો આરોપ મૂક્યો છે તેને જ પતાવી લઉં. સરકારના છેલ્લા પત્રના બે ફકરામાં કહેવામાં આવ્યું છે કે સરકારના હેતુઓ અને કાર્યોનો અવળો અનર્થ કરનારાઓનો શિરોમણિ હું છું. આ આરોપને મારા કરતાં એ આરોપ કરનારા જ વધારે પાત્ર છે એમ મારે જણાવવું જોઈએ. સરકારના હેતુઓ અને કાર્યોના અર્થ અને અનર્થ કરવાની જરૂર જ શા સારુ હોય ? તે હેતુઓ અને કાર્યો પોતે જ ઘાંટો પાડીને પોતાની જાત પોકારે છે. સરકારની મહેસૂલનીતિ કેવી ભક્ષક અને રક્તશોષક છે એ બતાવવાને માટે અનેક સેટલમેંટ કમિશનરોના રિપોર્ટમાંથી જોઈએ તેટલા ઉતારાઓ હું આપી શકું એમ છું. માત્ર માતર તાલુકાના સેટલમેંટ રિપોર્ટમાંથી એક ઉતારો હું આપીશ. માતર તાલુકાની દરિદ્રી સ્થિતિ છતાં ત્યાંના કલેક્ટર મિ. ઘોસલે દરમાં વધારો સૂચવ્યો હતો. એની ઉપર ટીકા કરતાં સેટલમેંટ કમિશનરને લાગ્યું કે કલેક્ટરે જે ભાષા વાપરી છે તે લૉર્ડ સૉલ્સબરીનું પ્રસિદ્ધ વાક્ય (‘હિંદુસ્તાનનું લોહી એટલું ચુસાઈ ગયું છે કે તે હવે ધોળી પૂણી જેવું થઇ ગયું છે’) યાદ કરાવે છે. આ રહ્યા સેટલમેંટ કમિશનરના શબ્દો : ‘એાછા કરેલા દરમાં મિ. ઘોસલ જે વધારો સૂચવે છે તે હું સ્વીકારી નથી શકતો. હું તો આસિસ્ટંટ સેટલમેંટ કમિશનર સૂચવે છે તેના કરતાં પણ વધારે ઘટાડો સૂચવું. દરદીને બંધક દવાઓ આપી તેથી ફાયદો નથી જણાયો. હવે રેચક આપી જોવી જોઈએ. પછી ૩૦ વર્ષે જો તે ખૂબ માતેલો દેખાય તો પછી આપણે ૧૯૪૭ માં વધારે પ્રામાણિકતાથી મહેસૂલ વધારી શકીએ છીએ.’ બારડોલીમાં તો થોડો વસ્તી વધારો થયો છે, એટલે સરકારની નજરે તો તાલુકો એટલો બધો માતી ગયો છે કે એનું લોહી થોડું ચૂસવું જ જોઈએ. એટલે પોતાના છેલ્લા કાગળમાં સરકાર ઠંડે પેટે લખે છે : ‘બારડોલીના લોકોએ દેવાળું તો નથી કાઢ્યું કે દેવાળું કાઢવાની અણિએ પણ નથી પહોંચ્યા એ ચોકસ છે.’ સરકારના પોતાના અમલદારોએ તૈયાર કરેલા આંકડાઓ અને તેમનાં વચનો સરકારને અનુકૂળ ન પડે એટલે તે સંબંધ વિનાનાં ગણાય, અથવા ન સ્વીકારવા જેવાં ગણાય ! સરકારના પહેલા પત્રમાં કશા કારણ કે આધાર વિના જણાવવામાં આવ્યું હતું : ‘ગુજરાત પ્રાંતને સરકારની જમીનમહેસૂલનીતિથી બહુ ખમવું પડ્યું છે એ તમારું વચન ગવર્નર અને તેની કાઉન્સિલ સ્વીકારવાને તૈયાર નથી.’ એના જવાબમાં આખા પ્રાંતની સ્થિતિ દર્શાવનારા આંકડાઓ સરકારનાં જ ચોપડાંમાંથી મેં ટાંક્યા. આનો જવાબ સરકાર એ આપે છે કે આખા પ્રાંતમાં સૂઝે તે સ્થિતિ હોય, બારડોલી અને ખેડાની વચ્ચે શું સંબંધ છે ? અગાઉના સેટલમેંટ કમિશનરે બારડોલી તાલુકાના કરજનો આંકડો આપેલો તે ટાંકી મેં કહ્યું કે ૩૦ વર્ષ ઉપર પણ તાલુકો ઠીકઠીક કરજદાર દશામાં હતો, તો સરકાર કહે છે: ‘કરજનો એ આંકડો અને આજનો આંકડો ગવર્નર અને તેની કાઉન્સિલ સ્વીકારી શકતાં નથી.’ આના કરતાં વધારે મોટી અવળાઈ કોઈ કલ્પી શકાય ?

નિષ્પક્ષ તપાસ જોઈએ

૩. બારડોલી તાલુકામાં ગણોતના ૩૫ ટકાથી વધારે મહેસૂલ લેવાતું નથી એમ કહેવામાં આવ્યું છે. આ આંકડાના જાદુ વિષે બે શબ્દ મારે કહેવા જોઈએ. સરકાર ભૂલી જાય છે કે જે ગણોત અને વેચાણના દાખલાઓ સેટલમેન્ટ કમિશનરે લીધા છે તે તદ્દન અવિશ્વાસપાત્ર છે એ મારી ફરિયાદ છે, કારણ વેચાણના અને ગણોતના દેખીતા દાખલાઓ તેમણે રદ નથી કર્યા, પણ બધા ગણતરીમાં લીધા છે. જો સાચાં ગણોતના દાખલાઓ કાઢવામાં આવ્યા હોત તો મહેસૂલ કદાચ ગણોતના ૫૦ ટકાથીયે વધવી જાત, પણ સરકારી કાગળમાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે: ‘સરકારનાં પહાણીપત્રકમાંથી લીધેલા દાખલાઓ અનિશ્ચિત કેમ ગણવામાં આવે છે એનું કારણ તો આપવામાં આવતું નથી.’ આ બાબતમાં મારા વિસ્તારથી આપેલો જવાબ કાંઈ પણ શંકાનું કારણ રહેવા દે છે એથી મને આશ્ચર્યો થાય છે. સરકારના પત્રકમાં ગણોત કે વેચાણનો દસ્તાવેજ નોંધ્યો હોય, પણ કયા સંજોગોમાં એ ગણોતની અથવા વેચાણની રકમ ઠરાવવામાં આવી એ નોંધેલું નથી હોતું. એ તો કોઈ પ્રામાણિક અમલદાર તપાસ કરીને ખોળી કાઢે ત્યારે ખબર પડે, ત્યાં સુધી ખબર ન પડે; અને તો જ તે સાચા અને ખોટા વેચાણ અને ગણોતના વ્યવહાર છૂટા પાડી શકે. સરકારી અમલદારોએ આપેલી જુબાનીમાંથી મેં જે મહત્ત્વના ઉતારાઓ મારા કાગળમાં આપ્યા છે તેમાં જ સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે કે સરકારનાં પત્રકો ઉપર કેમ વિશ્વાસ રાખી ન શકાચ. એટલે એ વિષે મારે વધારે વિવેચન કરવું ન જોઈએ. અહીં એટલું જ જણાવવાની રજા લઉં છું કે એ પત્રકો આજે નવાં નથી ઉત્પન્ન થયાં પણ કેટલાંયે સાલથી છે એમ એ અમલદારો જાણતા છતાં, તેમના અનુભવે તેમની પાસે ચેતવણી અપાવી છે કે એ પત્રકોમાંથી મળતી માહિતી ઉપર વિશ્વાસ રાખી ન શકાય, સેટલમેંટ અમલદારે પોતાનું કામ બરોબર રીતે કર્યું એ સરકારના વચનનો હું હજી પણ ઇનકાર કરું છું, અને સરકારને તપાસ કરવાનું આહ્વાન આપું છું. હું તો આગળ જઈ ને એ પણ કહું છું કે સરકારી પત્રકોમાંથી વેચાણદસ્તાવેજો બધા લેવામાં સેટલમેંટ અમલદાર લૅંડ રેવન્યુ કોડની કલમ ૧૦૭ માં આપેલી શરતને પણ પી ગયા છે. એ કલમમાં ઠરાવ્યું છે કે જમીનની કિંમતમાં અથવા તે ખેડવામાંથી થતા ફાયદામાં વધારે ખેડૂતની પોતાની મહેનતે અથવા પેાતાને ખર્ચે થયેલો હોય તો તે વધારો નવી આંકણી કરતી વખતે ગણતરીમાં ન લેવો.

૪. સરકારી કાગળના ૭મા પૅરેગ્રાફના સંબંધમાં મારે એટલું જ કહેવું જોઈએ કે છાપાં અથવા ભાષણ દ્વારા મને ટેકો આપનાર મિત્રો અને હું ટોળી બાંધીને બેઠા નથી. પણ મારે તેમના તરફથી જણાવવું જોઈ એ કે નાની નાની સરકારી જાહેરખબરો અને નિયમો અને કાનૂનોના અભ્યાસી હોવાની તેમની પાસે કોઈ આશા ન રાખે. તેઓ આવી હિલચાલને ટેકો આપે કારણ કે તેમને સામાન્ય રીતે સત્ય કોની બાજુએ છે તે સમજાઈ જાય છે, અને સરકારની સચ્ચાઈને વિષે તેમનો વિશ્વાસ ઊડી ગયો છે. છતાં અહીં પણ મારે કહેવું જોઈએ કે સરકારી જાહેરનામાં અને નિયમો અને કાનૂનોની ભૂલભૂલામણીમાં ઊતરવાની જે મહેનત લે છે તેને તેની મહેનતનું ભાગ્યે જ કશું ફળ મળે છે. કારણ સરકારની પાસે તો દરેક વખતે કંઈક નહિ તો કંઈક જવાબ હોય છે જ. તમારા આ નિયમનો તમે ભંગ કર્યો છે એમ કહીએ તો સરકાર જવાબ દે છે; આ પ્રથાને બદલે અમે હવે આ પ્રથા શરૂ કરી છે,’ ‘અમલી ખાતાના હુકમો સરકારને પોતાની ઇચ્છા પ્રમાણે બદલવાનો હક છે !’

પ. મને અને મારા સાથીઓને ‘બહારનાઓ’ કહીને જે અપમાન પહેલા કાગળમાં કરવામાં આવ્યું હતું, અને જેની સામે મેં વાંધો લીધો હતો, તે અપમાન સરકારના છેલ્લા કાગળના આઠમાં પૅરેગ્રાફમાં ગવર્નર અને તેની કાઉન્સિલની છાપ સાથે પાછું મારા માથામાં મારવામાં આવ્યું છે. એને અર્થ એટલો જ છે કે પશુબળ ઉપર આધાર રાખનારી જે રાજ્યપ્રથાને જ્યારેત્યારે પોતાનું ઉદ્ધત જોર બતાવવાની ટેવ પડી છે, તે પ્રથાને આ દેશમાંથી કાઢ્યે જ છૂટકો છે.

૬. પણ બારડોલી સત્યાગ્રહનો એ હેતુ નથી. એનો હેતુ તો પરિમિત છે. જે બાબત વિવાદાસ્પદ છે એમ આ પત્રવ્યવહારથી પ્રગટ થાય છે, તે બાબતમાં એક નિષ્પક્ષ પંચ માગવાનો જ સત્યાગ્રહીઓનો હેતુ છે. લોકો તો કહે છે કે બારડોલી તાલુકામાં મહેસૂલ વધારવાને માટે કશું જ કારણ નથી. પણ એ આગ્રહ રાખવાને બદલે મેં તો નિષ્પક્ષ પંચની જ લોકોની ના ન પડાય એવી માગણી ઉપર આગ્રહ રાખ્યો છે. સેટલમેંટ ઑફિસરના રિપોર્ટની યોગ્યતાનો મેં ઇનકાર કર્યો છે, સેટલમેંટ કમિશનરે જે ધોરણે કામ લીધું છે તે ધોરણની યોગ્યતાનો પણ મેં ઇનકાર કર્યો છે. સરકારની ઇચ્છા હોય તો એની તપાસ કરીને મને ખોટો ઠરાવે.

સત્યાગ્રહપ્રતિજ્ઞાથી પણ ખેડૂતો બે શરતે બંધાય છે — એક તો એ કે સરકાર જૂનું મહેસૂલ લઈને પૂરી પહોંચ આપે, અથવા તો નિષ્પક્ષ પંચ નીમે, તો તેઓ તુરત મહેસૂલ ભરી દે. ઓ બેમાંથી એક રસ્તો કોઈ પણ આબરૂદાર સરકારને લેવો મુશ્કેલ ન હોવો જોઇએ.


૧ લી માર્ચ, ૧૯૨૮.
લિ. આપનો,
વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ
 


વિષ્ટિનો પત્ર

(નામદાર ગવર્નરને શ્રી. વલ્લભભાઈનો પત્ર)

અમદાવાદ, ૨૬-૨-૧૯૨૮.
 

સાહેબ,

આપ નામદારને હું જે બાબત લખવાની રજા લઉં છું તેમાં ગુજરાતના એક લાખ ખેડૂતોના હિતનો પ્રશ્ન સમાયેલો છે. આ કાગળ હું આપને ભારે સંકોચ સાથે અને મારી જવાબદારીનો ચોકસ ખ્યાલ રાખીને લખું છું. વળી હું સીધો આપ નામદારને જ લખવાની છૂટ લઉં છું, કારણ એ બાબત અતિશય જરૂરી છે તથા લોકોને માટે અને કદાચ સરકારને માટે પણ બહુ મહત્ત્વની છે.

સૂરત જિલ્લાના બારડોલી તાલુકાના જમીન મહેસૂલની નવી આકારણીમાં ૨૨ ટકાનો વધારો કરવામાં આવ્યો છે, અને મહેસૂલી ખાતાના તા. ૧૯ મી જુલાઈ ૧૯ર૭ ના સરકારી ઠરાવ નં. ૭૨૫૯/ર૪ની રૂએ તેનો અમલ ચાલુ સાલથી થવાનો છે. આથી લોકોનાં દિલ બહુ ઉશ્કેરાયાં છે, અને પોતાને ભારે અન્યાય થયો છે એમ તેઓ માને છે. રાહત મેળવવાના બધા સામાન્ય ઇલાજો અજમાવી લીધા પછી તેમની એક પરિષદ બારડોલી મુકામે ખેડૂતોને એકતરફી, અન્યાયી અને જુલમી લાગતી આ નવી આકારણીનો વિરોધ કરવાનો વિચાર કરવા મળી. એ પરિષદનું પ્રમુખપદ લેવા તેમણે મને નિમંત્રણ કર્યું. છેલ્લા પખવાડિયામાં આ બાબત આ તાલુકાનાં અનેક ગામોની અરજીઓ મારી પાસે આવી હતી. પરિષદનું કામ શરૂ થતાં પહેલાં ૭૫ થી પણ વધારે ગામોના પ્રતિનિધિઓને હું મળ્યો. કોઈ પણ ગામનો એક પણ પ્રતિનિધિ એવો નહોતો જે આ આકારણીને અન્યાયી ન માનતો હોય. પાંચ ગામના પ્રતિનિધિઓએ મહેસૂલમાં થયેલો વધારો જ ફક્ત ન ભરવાની ઇચ્છા દર્શાવી. તેટલાં ગામો અપવાદરૂપે બાદ કરતાં બાકીનાં ૭૦ કરતાં વધારે ગામોએ, જ્યાં સુધી દાદ ન મળે ત્યાં સુધી આખું નવું મહેસૂલ ભરવા ના પાડવાનો પોતાનો નિર્ણય એકેઅવાજે જાહેર કર્યો. આમ બહુ ગામોનો મત જોઈ પેલાં થોડાં ગામોએ પણ પોતાનો વિચાર ફેરવ્યો. તેમના આ ઠરાવના કેવાં ગંભીર પરિણામ આવે તે મેં તેને સમજાવ્યું. આવી લડત લંબાય પણ ખરી. તેમાં અનેક સંકટો પડે અને જમીન પણ ખોવી પડે, એ વિષે પણ મેં વિવેચન કર્યું. પણ લોકો પોતાના નિર્ણયમાં મને મક્કમ લાગ્યા. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં સરકાર સાથે ભારે ઝગડો બનતાં લગી ટાળવાને હું ઇંતેજાર હોવાથી લોકોને પોતાનો નિર્ણય બરાબર તોળી જવાની મેં સલાહ આપી, અને છેવટનો ઠરાવ કરતાં પહેલાં હું આપ નામદારને લખી જોઉં એવી મેં માગણી કરી. તેમણે મારી સલાહ માની, અને એક અઠવાડિયું રાહ જોવાનું તથા આ વસ્તુનો ફરી વિચાર કરી લેવાનું કબૂલ કર્યું, અને ૧૨મી તારીખે ફરી મળવાનું ઠરાવ્યું. લોકોને પાકો વિચાર કરી નિર્ણય ઉપર આવવાને આથી વધુ વખત મળત તો મને બહુ ગમત, પણ તેમ કરવું શક્ય નહોતું, કારણ હપ્તાની પંદર દિવસની મુદ્દત તા. ૨૦મીએ પૂરી થાય છે.

સરકારની જમીન મહેસૂલની નીતિને લીધે કમનસીબ ગુજરાતને બહુ વેઠવું પડ્યું છે. તેનાં પરિણામ અમદાવાદ અને ખેડા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં તો સ્પષ્ટ દેખાય છે. સૂરતની દશા પણ કાંઈ વધુ સારી ન હોત. પણ ત્યાંના બારડોલી તથા બીજા કેટલાક તાલુકાઓમાં મુખ્ય પાક રૂનો છે, અને છેલ્લા મહાયુદ્ધને પરિણામે રૂના ભાવમાં થોડાં વરસો અસાધારણ ઉછાળાનાં આવી ગયાં. ખેડા જિલ્લાનો એક વખત માતબર ગણાતા માતર તાલુકો આજે ફરી ન ઊઠી શકે એવી પાયમાલીમાં આવી ગયો છે. એ જ જિલ્લાના મહેમદાવાદ અને બીજા કેટલાક તાલુકાઓની એવી દશા થવા બેઠી છે, અમદાવાદના ધોળકા અને ધંધુકા તાલુકાનાં ભવિષ્ય પણ સારા વરતાતાં નથી. આ બધું સરકારની મહેસૂલનીતિને પરિણામે થવા પામ્યું છે એ સહેજે સાબિત કરી શકાય એમ છે. વસ્તુસ્થિતિ આવી હોવાથી જ્યારે મેં તા. ૧૯મી જુલાઈ ૧૯૨૭ ના મહેસૂલી ખાતાના સરકારી ઠરાવ નં. ૭પ૪૪/૨૪ નું નીચે જણાવેલ છેલ્લું વાક્ય વાંચ્યું ત્યારે મને દુઃખ સાથે આશ્ચર્ય થયું:

“ઊલટું, ગવર્નર અને તેની કાઉન્સિલને તો શંકા જ નથી કે હમણાં મહેસૂલમાં વધારો કરવામાં આવ્યો છે તે છતાં આવતાં ત્રીસ વરસમાં તાલુકાનો ઇતિહાસ વધતી જતી આબાદીનો જ હશે.”

મારે એટલું ઉમેરવાની જરૂર છે ખરી કે ગુજરાતના બીજા ભાગો વિષેની આવી આગાહીઓ હમેશાં ખોટી પડી છે ?

સરકારની સદરહુ ઠરાવનો ૧૧ મો પૅરેગ્રાફ વાંચતાં પણ દિલગીરી ઊપજે છે સરકારને લોકોએ કરેલી અરજીઓમાં જે જે વાંધાઓ દર્શાવવામાં આવેલા છે તે બધા તેમાં એકીકલમે ઉડાડી દેવામાં આવ્યા છે. એ વાંધાઓ બહુ મહત્ત્વના અને ગંભીર પરિણામવાળા હોવા છતાં જે રીતે એ ઉડાડી દેવામાં આવ્યા છે તે બતાવે છે કે સરકારે તો કોઈ પણ હિસાબે વધારો લેવાનો ઠરાવ જ કરી નાંખ્યો છે.

મહેસૂલની આકારણી જેવી ભારે મહત્ત્વની બાબતમાં જે લોકોને તે ભરવું પડવાનું છે તેમને એ વસ્તુની જાણ કરવાની, અને દરેક ગામના પ્રતિનિધિઓ સાથે પૂરતી મસલત કર્યા સિવાય તથા તેમના અભિપ્રાયોને પૂરું વજન આપ્યા સિવાય કોઈ પણ જાતની ભલામણ નહિ કરવાની પોતાના અમલદારોને સૂચના આપવાની સરકારની સ્પષ્ટ ફરજ હતી. પણ અમલદારોએ આવું કશું કર્યું જણાતું નથી. તેમણે તો ‘ગણોતપટા અને સાંથના આંકડાઓ’ ઉપર જ બધી ઈમારત ચણી છે. સાથે સાથે અહીં મારે જણાવવું જોઈએ કે જમીન મહેસૂલના ઇતિહાસમાં મહેસૂલ નક્કી કરવાનું આ ધોરણ સરકારે પહેલી જ વાર આ તાલુકામાં અખત્યાર કર્યું છે. આકારણીઅમલદારે લોકોની વાત સાંભળી નહિ, અને તેને વજન ન આપ્યું, એ હકીકત બાજુએ રાખીએ તોપણ જમીન મહેસૂલ નક્કી કરવાનું આ ધોરણ જ બહુ વાંધાભર્યું અને સામાન્ય રીતે ખાતેદારોના હિતને બહુ નુકસાન પહોંચાડનારું છે.

વળી આ ધોરણ વાજબી છે એમ માની લઈ એ તોપણ સરકારે પોતે જ જાહેર કરેલી વાતની, દાખલા તરીકે ૧૯૨૭ના માર્ચમાં ધારાસભાની બેઠક દરમ્યાન મહેસૂલી ખાતાના મંત્રીએ જે વસ્તુ કહી હતી તેની, સરકાર બહુ જ ભારે કારણ સિવાય અવગણના કરી શકે નહિ. મહેસૂલી ખાતાના મંત્રીના કથનથી ઊલટા ચાલીને, આખી આકારણી, અસાધારણ વરસો દરમ્યાન જમીન અને પાકના વધી ગયેલા ભાવો અને તેને પરિણામે વધેલી સાંથ, તે ઉપર થયેલી છે.

વળી, બીજાં કેટલાલ કારણોથી પણ આખી આકારણી દૂષિત ઠરે છે. તે તરફ સંક્ષેપમાં આપ નામદારનું હું ધ્યાન ખેંચીશ. આકારણીઅમલદારે પોતાનું નિવેદન આકારણીની પ્રચલિત પ્રથા, જેમાં સાંથને ગૌણ સ્થાન આપવામાં આવે છે તે ઉપર ઘડ્યું એટલે લોકોએ પોતાના વાંધાઓ રજૂ કરતી વખતે તેને બહુ મહત્ત્વ આપ્યું નહિ. ત્યારબાદ આકારણી કમિશનરે આકારણીનું એક નવું જ ધોરણ સ્વીકાર્યું, એટલું જ નહિ પણ આકારણી અમલદારે ગામોમના જે વર્ગો પાડ્યા હતા તેમાં પણ ફેરફાર કરીને નવા જ ધોરણ ઉપર ગામનું નવું વર્ગીકરણ કર્યું. એવી ભલામણો મંજૂર રાખીને આકારણીના વિષયમાં સરકારે એક તદ્દન નવું જ તત્ત્વ દાખલ કર્યું છે. નવા વર્ગીકરણમાં કેટલાંક ગામો ઉપરના વર્ગમાં ચડાવવામાં આવ્યાં છે. એટલે એ ગામોને માથે તો ઉપરના વર્ગોનો ઊંચો દર અને વધારેલું મહેસૂલ મળીને ૫૦ થી ૬૦ ટકાનો વધારો પડ્યો છે. છેવટના હુકમ કાઢતાં પહેલાં આ બાબતની લોકોને ખબર આપવામાં આવેલી નથી. સરકારે તો સેટલમેંટ કમિશનરનું નવું વર્ગીકરણ સ્વીકાર્યું અને ૧૯૨૭ની ૧૯ મી જુલાઈ એ છેવટના હુકમ કાઢ્યા. ચાલુ વર્ષમાં નવી આકારણીનો અમલ કરવો હોય તો તે પહેલી ઑગસ્ટ પહેલાં જાહેર થઈ જવી જોઈએ.

આથીયે વિશેષ નિયમબહાર તો એ બન્યું છે કે, ૩૧ ગામોએ જુલાઈ માસના છેલ્લા અઠવાડિયામાં નોટિસો ચોડવામાં આવી કે જેમને વાંધાઓ રજૂ કરવા હોય તે બે મહિનાની અંદર પોતાના વાંધાઓ રજૂ કરે. એક રીતે તો ૧૯૨૭ ની ૧૭મી જુલાઈનો સરકારી ઠરાવ નં. ૭૨૫૯/૨૪, જેની રૂએ જમીન મહેસૂલમાં વધારો થયો તે સરકારનો છેલ્લો હુકમ હતો. પરંતુ પેલી નોટિસો ચોડાઈ એટલે એ હુકમ છેવટનો રહી શકતો નથી, અને છેવટનો હુકમ કાઢતાં પહેલાં વાંધાઓનો વિચાર કરી લેવાને સરકાર બંધાય છે. વળી છ મહિનાની અગાઉથી નોટિસ આપ્યા સિવાય ચાલુ વરસમાં નવો વધારો અમલમાં મૂકી શકાય નહિ.

પરંતુ તાલુકાને જે ઉઘાડો અન્યાય થયો છે તે બાબત હું લંબાણ કરવા માગતો નથી. મારી વિનંતિ એટલી જ છે કે લોકોને ન્યાય આપવા ખાતર સરકાર ઓછામાં ઓછું એટલું કરે કે નવી આકારણી પ્રમાણે મહેસૂલ વસૂલ કરવાનું હમણાં સરકાર મુલતવી રાખે અને આ કેસ નવેસરથી તપાસી જાય. એ તપાસમાં લોકોને પોતાની હકીકત રજૂ કરવાની તક મળે, અને તેમની રજૂઆતને પૂરતું વજન આપવાની ખાતરી આપવામાં આવે.

અતિશય નમ્રતાપૂર્વક આપ નામદારને જણાવવાની હું રજા લઉં છું કે આ લડત જે બહુ તીવ્ર સ્વરૂપ પકડે એવો સંભવ છે તે અટકાવવી આપના હાથમાં છે, અને તેથી આપને માન સાથે આગ્રહ કરું છું કે લોકોને પાતાનો કેસ પૂરતી સત્તાવાળા નિષ્પક્ષ પંચ સમક્ષ રજૂ કરવાની તક આપે.

આપ નામદારને એમ લાગે કે આ બાબતમાં રૂબરૂ મળવાજેવું છે તો બોલાવો ત્યારે આપને મળવા આવવા હું તૈયાર છું.

આપનો નમ્ર સેવક,
વલ્લભભાઈ ઝ. પટેલ
 

નામદાર સર લેસ્લી વિલ્સન જોગ

ઉપરના પત્રની પહોંચ
(ગવર્નરના ખાનગી મંત્રીનો જવાબ)
ગવર્નમેન્ટ હાઉસ,
મુંબઈ, ૮-૨-૧૯૨૮
 

શ્રીયુત પટેલ,

બારડોલી તાલુકામાં થયેલી નવી આકારણી બાબતનો તમારો તા. ૬ઠ્ઠીનો કાગળ નામદાર ગવર્નરસાહેબ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે, અને તે ઉપર વિચાર કરવા તથા તેનો નિકાલ કરવા મહેસૂલખાતા તરફ તે રવાના કરવામાં આવ્યો છે.

આપનો
જે. કેર
પ્રાઇવેટ સેક્રેટરી
 
સરકારનો લૂલો બચાવ
નં. ૭૨૫૯-બી/૨૪-૩૧૮૬
મહેસૂલખાતું
મુંબઈ, ૧૬-૨-૧૯૨૮
 


જે. ડબલ્યુ. સ્મિથ આઈ. સી. એસ.

મંત્રી, મુંબઈ સરકાર મહેસૂલખાતું, તરફથી
 

શ્રી. વલ્લભભાઈ ઝ. પટેલ જોગ,

બાબતઃ બારડોલી તાલુકાની નવી આકારણી

સાહેબ,

સૂરત જિલ્લાના બારડોલી તાલુકાની થયેલી નવી આકારણીના સંબધમાં નામદાર ગવર્નરને તા. ૬-૨-૧૯૨૮ના રોજ તમે જે પત્ર લખેલો તેનો નીચે પ્રમાણે જવાબ આપવાની ગવર્નર અને તેની કાઉન્સિલ તરફથી મને સૂચના થઈ છે.

ચોર શાહુકારને દંડે

૨. કાગળની શરૂઆતમાં તમે જણાવો છો કે સરકાર સાથે બનતાં લગી મોટો ઝગડો ટાળવા તમે ઇંતેજાર છો, અને તેથી નામદાર ગવર્નરને તમે લખી જુઓ ત્યાં સુધી તા. ૪ થીના રોજ મળેલી તેમની સભામાં કોઈ પણ નિર્ણય ઉપર આવવાનું મુલતવી રાખવાની તમે સલાહ આપી, અને તમારી સલાહ માનીને એક અઠવાડિયું રાહ જોવા તેમણે કબૂલ કર્યું. જો ૧૩ મીના ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’માં પ્રગટ થયેલી હકીકત ખરી હોય તો તમે તા. ૧૨મીના રોજ બારડોલી મુકામે મળેલી પરિષદમાં તમારા ભાષણમાં જણાવ્યું છે કે તમારો કાગળ મહેસૂલખાતા ઉપર નિકાલ માટે મોકલવામાં આવે છે એવો જવાબ તમને મળ્યો છે. વર્તમાનપત્રના અહેવાલમાં આગળ છે કે ‘શ્રી. પટેલે આ જવાબને અર્થ એ કર્યો કે નવી આકારણી બાબત પોતાના ઠરાવ ઉપર ફરી વિચાર કરવા સરકાર ના પાડે છે, અને તેથી મહેસૂલ નહિ ભરવાની લડત ચલાવવા ખેડૂતોને તેમણે સલાહ આપી.’ તમારા ધ્યાન ઉપર લાવવા માગું છું કે નામદાર ગવર્નર ઉપરનો તમારો કાગળ નિકાલ માટે મહેસૂલખાતા તરફ રવાના કરવામાં આવે તે સરકારી વહીવટને અનુસરીને જ થયું છે, અને તેથી તે ઉપરથી તમે જે અનુમાન કાઢ્યું છે તે વાજબી ન ગણાય. આ સંજોગોમાં, ઉપર ટાંકેલું તમારું વાક્ય મારા અનુયાયીઓને હું અંકુશમાં રાખી રહ્યો છું એવી મતલબના તમારા સૂચન સાથે બંધ બેસાડવું ગવર્નર અને તેની કાઉન્સિલને મુશ્કેલ જણાય છે. જો વર્તમાનપત્રના અહેવાલો ખરા હોય તો તો ધારાસભાના કેટલાક ગુજરાતી સભ્યો, જેમણે સભામાં સૂચવાયેલું પગલું લેતાં લોકોને ચેતવ્યા,— જોકે એ સજ્જનો પણ આકારણીની તો વિરુદ્ધ જ હોવાનું જાણવામાં છે,— તેમના કરતાં તમારું વલણ જુદું જણાય છે.

૩. તમે લખો છો કે સરકારી મહેસુલી નીતિને લઈ ગુજરાતને ઘણું ખમવું પડ્યું છે એ વસ્તુ ગવર્નર-ઈન-કાઉન્સિલ કોઈ પણ રીતે સ્વીકારી શકતા નથી, અને તેઓ નામદાર તો આ આકરણીને મંજૂરી આપતા સરકારી ઠરાવમાં જે કહેલું છે કે બીજી આકારણી સુધીનાં વર્ષોમાં આ તાલુકાનો ઇતિહાસ સતત વધતી જતી આબાદીનો હશે એ કથનને ફરી ભારપૂર્વક વળગી રહે છે. છેલ્લાં ત્રીસ વરસનો બારડોલી તથા ચોર્યાસી તાલુકાનો ઇતિહાસ આ આગાહીનું પૂરતું સમર્થન કરે છે.

૪. તમે જણાવો છો કે આકારણી નક્કી કરવામાં સરકારની સ્પષ્ટ ફરજ હતી કે જે લોકોને મહેસૂલ ભરવું પડવાનું છે તેમને સરકારે બધી બાબતોની જાણ કરવી જોઈતી હતી, અને સરકારી અમલદારોને સૂચના આપવી જોઈતી હતી કે ગામના પ્રતિનિધિઓ સાથે ખૂબ મસલત કર્યા વિના અને તેમના અભિપ્રાયોને યોગ્ય વજન આપ્યા વિના તેઓ કોઈ પણ જાતની ભલામણો ન કરે. તમે ઉમેરો છે કે સરકારી અમલદારોએ આવું કશું કર્યું નથી. તમને એટલી તો ખબર હશે જ કે સૂરત જિલ્લાના જે પ્રાન્તમાં બારડોલી તાલુકો આવે છે, તે પ્રાન્ત રેવન્યુ ખાતાના અનુભવી અમલદાર મિ. એમ. એસ. જયકરના હવાલામાં હતો અને તેમણે આ આકારણી તૈયાર કરેલી છે. દસ મહિના સુધી તેઓ તાલુકામાં ફર્યા છે અને દરેક ગામની તેમણે બરાબર તપાસ કરી છે. તેમણે ગામેગામ ખેતરો ઉપર જઈ ખેડૂતો સાથે વાતચીત કરી છે તથા તેમની સાથે મસલત કરી છે. આ ઇલાકામાં આકારણીનું કામ કરવાની જે પ્રથા હમેશની ચાલી આવી છે તે મુજબ જ તેમણે આમ કરેલું છે. અને આ બાબતમાં કાયમના હુકમો છે તેના અમલમાં કશો ફેરફાર તેમણે કર્યો નથી, એટલે લોકોને પોતાની ફરિયાદો સાંભળાવાની તક મળી નહોતી એમ કહેવું ખરું નથી.

૫. તમે આગળ કહો છો કે ‘સરકારી અમલદારોએ ગણોતપટા અને સાંથના આંકડાઓ ઉપર આધાર રાખ્યો છે, જે ધોરણ આ ઇલાકાના જમીનમહેસૂલના ઇતિહાસમાં આ વખતે સરકારે પહેલી જ વખત સ્વીકાર્યું.’ આ કથન તમે કયા આધારે કહો છો તે ગવર્નર અને તેની કાઉન્સિલ નક્કી કરી શકતા નથી. લૅંડ રેવન્યુ કોડની ૧૦૭ મી કલમ કહે છે કે જમીનમહેસૂલની આકારણી કરતી વખતે જમીનની કિંમત ધ્યાનમાં લેવામાં આવશે. વળી સેટલમેંટ મૅન્યુઅલ જે ૪પ વર્ષ થી અમલમાં છે તેમાં આકારણીઅમલદારને સૂચના આપેલી જ છે કે બીજી પણ કેટલીક બાબતો તેણે ધ્યાનમાં રાખવાની છે. આમાંની એક ગણોતપટા, વેચાણ તથા ગીરોના આંકડા વિષેની પણ છે. તમે કહો છો કે આકારણીઅમલદારે પ્રથમ પોતાનો રિપોર્ટ આકારણીની પ્રચલિત પ્રથા, જેમાં સાંથને ગૌણ બાબત ગણવામાં આવી છે તે ઉપર આધાર રાખીને કર્યો. અને તમે ઉમેરો છો કે આકારણી કમિશનરે આકારણીનું નવું ધોરણ સ્વીકાર્યું, એટલું જ નહિ પણ આકારણીઅમલદારે ગામોનું કરેલું વર્ગીકરણ રદ્દ કરી તદ્દન નવું જ ધોરણ ઉપર ફરીથી વર્ગીકરણ કર્યું છે. અને એ આકારણી કમિશનરની ભલામણો મંજૂર રાખીને સરકારે તદ્દન નવું જ ધોરણ દાખલ કર્યું છે. એટલી વાત તદ્દન સાચી છે કે આકારણી કમિશનર, જેમને આ જિલ્લાના પહેલાંના કલેક્ટર તરીકે તાલુકાનો ખૂબ પરિચય છે તેમણે વર્ગીકરણમાં કેટલાક ફેરફારો કર્યા, અને ગણોતપટા તથા સાંથના આંકડાઓ ઉપર આકારણીઅમલદારના કરતાં વિશેષ ભાર મૂક્યો; પરંતુ હું એટલો નિર્દેશ કરવા ઇચ્છું છું કે તેમના આ કાર્યથી લોકોના હિતમાં નુકસાન થવાને બદલે હકીકતમાં લાભ જ થયો છે. આકારણીઅમલદારની ભલામણોને પરિણામે ચાલુ મહેસૂલમાં ૩૦.૫૯ ટકાનો વધારો સૂચવાયો હતો ત્યારે આકારણીકમિશનરની ભલામણોને પરિણામે ર૯.૦૩ ટકાનો વધારો થાય છે. ત્યારબાદ નામદાર રેવન્યુ મેમ્બરે ધારાસભાની ૧૯ર૭ ના માર્ચની બેઠકમાં પોતાના ભાષણમાં, જેનો ઉલ્લેખ તમે કર્યો છે તેમાં, જાહેર કર્યા અનુસાર પોતાને મળેલા આંકડાઓ અને હકીકત ફરી તપાસી, અને છેવટે, લડાઈ દરમ્યાન અતિશય વધી ગયેલા ભાવોનું કારણ સંપૂર્ણ રીતે કાઢી નાંખવાના તથા અન્યાય થવાનો સંભવ પૂરેપૂરો ટાળવાના હેતુથી આકારણીઅમલદારે સૂચવેલા અને આકારણીકમિશનરે ફેરફાર કરી નક્કી કરેલા દરોમાં ખૂબ ઘટાડો કરી નાંખ્યો, જેને પરિણામે આકારણીઅમલદારના ૩૦.પ૯ ટકા તથા આકારણકમિશનરનાં ૨૯.૦૩ વધારાને બદલે ચોખ્ખો વધારો ૨૧.૯૭ ટકા નક્કી કરવામાં આવ્યો. તમે કહો છો કે જે રીતે બધા વાંધાઓ ઉડાડી દેવામાં આવ્યા તે બતાવે છે કે વાંધાઓ ગમે તેટલા મહત્ત્વના હોય અને પરિણામો ગમે તેટલાં ગંભીર હોય, છતાં આગ્રહપૂર્વક વધારો કરવાનો સરકારનો નિશ્ચય જ હતો. ગવર્નર અને તેની કાઉન્સિલ આશા રાખે છે કે ઉપર આપેલા આંકડાઓ જોયા પછી તમારી ખાતરી થશે કે તમારી વાતને હકીકતનો ટેકો મળતો નથી. સારાંશ, તમારી જે દલીલ છે કે ખેડૂતોની સ્થિતિ ધ્યાનમાં લીધા વગર અને તપાસ માટે જેટલાં સાધનો મળી શકે તે બધાં સાધનોનો સંપૂર્ણ વિચાર કર્યા વિના આ આકારણી દાખલ કરવામાં આવી છે તેનો ગવર્નર, અને તેની કાઉન્સિલ ભાર દઈને ઇનકાર કરે છે.

૬. તમે એવું સૂચવો છો કે જે ૩૧ ગામમાં ૧૯ મી જુલાઈ ૧૯૨૭ ના સરકારી ઠરાવ નં. ૭૨૫૯ / ૨૪, જે જમીન મહેસૂલના વધારાની બાબતમાં છેવટનો હુકમ હતો તેની સામે બે મહિનાની અંદર વાંધાઓ દર્શાવવાની નોટિસો જુલાઈના છેલ્લા અઠવાડિયામાં ચોડાઈ તેમાં નિયમનો ભારે ભંગ થયેલ છે. તેનો ખુલાસો એ છે કે આ જાતની નોટિસો તે જ ગામોમાં ચોડવામાં આવે છે જ્યાં આકારણીઅમલદારે સૂચવેલા દરો કરતાં પણ વધારે દરો નક્કી કરવામાં આવ્યા હોય. આવી નોટિસો કાઢવી જ જોઈ એ એવું કાયદાનું બંધન નથી, પરંતુ એ કાઢવાની વહીવટી પ્રથા એટલા ઉદ્દેશથી પડી ગયેલી છે કે આકારણીઅમલદારના સૂચવાયેલા દરોમાં સરકારને ફેરફાર કરવા જરૂરી જણાય છે તેની લોકોને ખબર પડે. એ વસ્તુ તો એક પ્રકારની રાહત છે, તેમાં ગંભીર નિયમભંગ શી રીતે થઈ જાય છે તે સમજવું મુશ્કેલ છે. તમે કહો છો કે આવી નોટિસોથી સાવ છેવટના હુકમરૂપ છે એ વસ્તુ નીકળી જાય છે. હું કહું છું કે આ ઠરાવો છેવટના હુકમરૂપ એટલા જ અર્થમાં નથી હોતા કે જો બે મહિનાની અંદર જે અરજીઓ આવે તે ઉપરથી સરકારને પોતાના ઠરાવમાં ફેરફાર કરવાની જરૂર જણાય તો સરકાર દરમાં ફેરફાર કરે, અને ઠરાવેલા દરો ગેરવાજબી છે એવી સરકારને ખાતરી ન થાય તો તે છેવટના રહે. તમે લખો છો કે આવી નોટિસોથી છેવટનો હુકમ બહાર પાડતા પહેલાં બધા વાંધાઓનો નિકાલ કરવાની સરકારની ફરજ થઈ પડે છે, અને છેવટના હુકમની છ મહિનાની નોટિસ મળ્યા વિના ચાલુ વર્ષમાં વધારેલા દરોનો અમલ કરી શકાય નહિ, આવી છ મહિનાની નોટિસની બાબતમાં કોઈ જાતનો કાયદો કે વહીવટી હુકમ હોવાનું ગવર્નર અને તેની કાઉન્સિલ જાણતા નથી, અને તમે શેનો ઉલ્લેખ કરો છે તે તેઓ સમજી શકતા નથી.

‘બહારનાઓ’

૭. છેવટમાં હું એટલું જણાવું છું કે પોતાના અમલદારોએ સૂચવેલા દરો કરતાં ઓછા દરો સરકારે ઠરાવ્યા છે, ખેડૂતો ઉપર કોઈ જાતની હાડમારી ન પડે તેની ખાસ કાળજી રાખીને જ તે પ્રમાણે સરકારે કરેલું છે, અને હવે નવી આકારણી પ્રમાણે વસૂલ લેવાનું મુલતવી રાખવા, અથવા આકારણીનો ફરી વિચાર કરવા, અથવા બીજી કોઈ પણ જાતની રાહત આપવા સરકાર તૈયાર નથી. આ પ્રમાણે જાહેર કરવા છતાં બારડોલીના લોકો પોતાની જ બુદ્ધિએ ચાલીને અથવા બહારનાઓની શિખવણીને વશ થઈને, મહેસૂલ ભરવામાં કસૂર કરશે તો લૅંડ રેવન્યુ કોડ અનુસાર જે પગલાં લેવાં જોઈશે તે લેતાં ગવર્નર અને તેની કાઉંસિલને જરા પણ સંકોચ નહિ થાય, અને તેને પરિણામે નહિ ભરનારાઓને ખસૂસ જે નુકસાનમાં ઉતરવું પડશે તેને માટે પોતે જવાબદાર નહિ રહે.

તમારો સેવક,
જે. ડબયુ. સ્મિથ
મંત્રી, મુંબઈ સરકાર જમીન મહેસૂલ ખાતું
 


વલ્લભભાઈનો રદિયો

શ્રી. વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ તરફથી

જે. ડબલ્યુ. સ્મિથ એસ્કવાયર, આઈ. સી. એસ.

મુંબઈ સરકારના રેવન્યુ ખાતાના મંત્રી જોગ

અમદાવાદ તા. ૨૬-૨-૧૯૨૮
 


સાહેબ,

મારા તા. ૬ ઠ્ઠી જાનેવારીના કાગળના જવાબમાં તમારા તા. ૧૬ મીનો લખેલ લંબાણ વીગતભર્યો કાગળ મળ્યો. તે માટે હું તમારો આભારી છું. તમે ઉઠાવેલા જુદાજુદા મુદ્દાઓનો હું ક્રમવાર જવાબ આપીશ.

૨. ગઈ ૧૨ મી તારીખે બારડોલી તાલુકાના લોકોને જમીન મહેસૂલ ભરવા ના પાડવાની સલાહ આપવામાં મેં જે વલણ અખત્યાર કીધું તેનો તમે કાઢેલો અર્થ જોઈ હું વિસ્મય પામ્યો છું. તા ૪ થીએ જ લોકો સત્યાગ્રહ કરવાનો ઠરાવ કરવાની તૈયારી કરીને આવેલા અને મારી સૂચનાને માન આપીને જ તેઓ ૧૨ મી તારીખ સુધી પોતાનો નિર્ણય મુલતવી રાખવા કબૂલ થયેલા એ બીના તમારા ધ્યાનબહાર રહી જણાય છે. મેં આ હકીકત મારા કાગળમાં સ્પષ્ટપણે જણાવી હતી. જવાબમાં મારા આટલી અગત્યના કાગળને રેવન્યુ ખાતા તરફ મોકલવામાં આવ્યો છે એમ જણાવતાં મામુલી પહોંચના કાગળ ઉપરાંત મજકૂર તારીખ સુધી જ્યારે કશો વધુ જવાબ મને ન મળ્યો ત્યારે મારે એવું અનુમાન કાઢવું જ રહ્યું હતું કે ખાતાએ મારા કાગળ પર ધ્યાન આપવાની જરૂર નથી જોઈ. જો તેમ નહોતું તો મારા કાગળનો વીગતવાર જવાબ તમે આપવાના છો એવી ખબર મને તા. ૧૨ની પહેલાં તારથી અગર બીજી રીતે કરવાને રસ્તા તમારે માટે ખુલ્લા હતા.

તા. ૧૬ મી જાનેવારીના ‘યંગ ઇંડિયા ’માં બારડોલી પરિષદનો જે સત્તાવાર અહેવાલ છપાયો છે તે પરથી તમે જોશો કે મારા ભાષણમાં મેં કહેલું કે જો સરકારે આપણી વષ્ટિ ચાલે ત્યાં સુધી મહેસૂલવસૂલી મુલતવી રાખવાના હુકમ કાઢ્યા હોત તો હું પણ રાહ જોવા આનાકાની ન કરત. ધારાસભાના સભ્યની બાબતમાં તો મારે એટલું જ કહેવાનું છે કે પહેલી જ સભા વખતે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પોતાને સૂઝ્યા તે બધા ઉપાયો અજમાવી ચૂક્યા છે, અને છેવટે ખેડૂતોને મારી પાસે જવાની સલાહ આપવા સિવાય બીજો કોઈ માર્ગ તેમને જડ્યો નથી. વળી, ખેડૂતોને તેઓ જે પગલું લેવા માગતા હતા તેનાં પરિણામને લગતી મેં આપેલી ચેતવણી મજકૂર સદ્‌ગૃહસ્થોએ આપેલી ચેતવણી કરતાં કદાચ વધુ જ આકરી હતી.

ગુજરાત કેટલું ખમે છે ?

3. તમારા કાગળના પૅરા ૩ માં તમે જે કહ્યું છે તેનો જવાબ આપવામાં હું તમે ધારણ કરેલા ધોકાપંથી સૂરની હરીફાઈ નહિ કરું. હું બીજી બાબતોમાંથી થોડીક આગળ તરી આવતી બાબતો પર જ નામદાર ગવર્નરસાહેબનું ધ્યાન ખેંચીશ. તે એ કે :

(ક) ગુજરાત એ આખા ઇલાકામાં સૌથી આકરામાં આકરાં જમીનમહેસૂલ ભરનારો પ્રાંત છે. આ સર્વ પક્ષે કબૂલ રાખેલી બીના છે.

(ખ) ખેડા જિલ્લાના કેટલાયે તાલુકાઓમાં હાલની પૂરી થયેલી મહેસૂલઆકારણીના ગાળા દરમ્યાન મજકૂર આકારણીને પરિણામે જે સ્થિતિ ઊભી થઈ તે સરકારને પોતાને પણ એટલી આકરી લાગેલી કે તેમને મજકૂર ગાળામાં સંખ્યાબંધ ગામડાંને અવારનવાર ૧૬ ટકા છૂટની રાહત આપવાની ફરજ પડેલી, અને અંતે એટલેથી પણ ન અટકતાં પાછળથી જ્યારે સ્થિતિ છેક કથળી ગઈ ત્યારે બે તાલુકાઓમાં તો ફેરઆકારણી પણ કરવી પડેલી.

(ગ) ઇલાકાના સારામાં સારા જિલ્લાઓના લોકવસ્તીના તેમજ પશુધનના આંકડા જોતાં મજકૂર જિલ્લાઓની આબાદી ઘટતી જઈ દિન પ્રતિદિન તેમનાં હીર ચુસાતાં જાય છે એમ જ માલુમ પડે છે. નીચલા આંકડા સરકારી વસ્તીગણતરી તેમજ ખેતીવાડીના અહેવાલમાંથી ટાંકું છું :

જિલ્લો
વસ્તી
ખેતીઉપયોગી ઢોર
૧૮૯૧ માં ૧૯૨૧ માં ૧૮૮૫-૮૬ માં ૧૯૨૪-૨૫ માં
અમદાવાદ ૯,૨૧,૫૦૭ ૮,૯૦,૯૧૧ ૧,૫૯,૩૯૦ ૧,૬૭,૯૨૫
ભરૂચ ૩,૪૧,૪૯૦ ૩,૦૭,૭૪૫ ૬૭,૬૩૧ ૫૬,૯૯૫
ખેડા ૮,૭૧,૭૯૪ ૭,૧૦,૪૮૨ ૧,૫૭,૭૪૪ ૧,૦૪,૧૬૩
સૂરત ૬,૪૯,૯૮૯ ૬,૭૪,૩પ૭ ૧,૪૬,૫૨૦ ૧,૧૨,૬૦૩

સૂરત જિલ્લાની વસ્તીમાં સહેજ વધારો દેખાય છે એ હું કબૂલ કરું છું. પણ એ આંકડો વાંચનારના મનમાં સાથે સાથે એ સવાલ પણ અહીં ઊભો કર્યા વગર નથી રહેતો કે શું આ જિલ્લાને પણ બીજા કસહીન જિલ્લાઓની હારમાં બેસાડવાનો ઇરાદો તો નવા મહેસૂલવધારાના મૂળમાં નહિ હોય ?

(પ) ખેડૂતોની વધતી જતી કરજદારીની દૃષ્ટિએ લેવામાં આવેલા વાંધાને સરકારી ઠરાવમાં અવગણનાપૂર્વક ઉડાડી દેવામાં આવ્યો છે. બિનસરકારી તપાસમાંથી એવું જણાયું છે કે આગલી આકારણી વખતે બારડોલી તાલુકાની વસ્તી ઉપર ૩૨ લાખ રૂપિયા જેટલું કરજ હતું, જ્યારે આજની કરજદારીનો આંકડો એક કરોડ રૂપિયાની આસપાસ થવા જાય છે.

૪. તમે જ જણાવો છો કે સેટલમેંટ ઑફિસરે પોતાની તપાસ ‘આ ઇલાકાના મહેસૂલતપાસના કામની પરંપરાને ચુસ્તપણે વળગી રહીને’ કરેલી. આ બાબતમાં ખેડૂતોના પ્રત્યક્ષ પ્રસંગમાં આવીને બારીક તપાસ કર્યા પછી હું કહી શકું છું કે મજકૂર તપાસણીઅમલદારે નામ લેવા જેવી કશી જ પૂછતપાસ કરી નહોતી, માત્ર પટેલતલાટીઓ પાસેના દાખલાઓ ઉપર જ આધાર રાખીને પોતાનો રિપોર્ટ ઘડેલો, અને પરિણામે જે જાતનાં કહેવાતાં જમીનવેચાણો તેમજ ગણાતપટાઓને પોતે પોતાની ગણતરીમાંથી બાદ રાખ્યાનો તેણે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે તેવાં વેચાણો તેમજ પટાઓ તેણે ગણેલાં છે. હું તેના મજકૂર દાવાનો ભારપૂર્વક ઇનકાર કરું છું, અને આ હકીકતોના આંકડાઓને લગતા તેના રિપોર્ટમાંના ‘જી’ તેમજ ‘એચ‘’ બેઉ પત્રકો પુરવાર કરી આપવા સારુ તપાસનું આહ્વાન કરું છું. એના રિપોર્ટમાં લોકોની જોડે ભળ્યાહળ્યાની ગંધ નથી, માત્ર ‘રેકૉર્ડ ઑફ રાઈટ્સ’ (પહાણીપત્રક, હકપત્રકો)માંથી મેળવેલી અનિશ્ચિત હકીકતો પર તેમજ અસાધારણ ઉછાળાનાં વરસાના ભાવો ઉપર ઘડેલો છે.

તમારા જ અમલદારો શું કહે છે ?

૫. તમારા કાગળના પાંચમા પૅરામાંની તમારી વિસ્તૃત દલીલનો મારે પણ કંઈક વિસ્તારથી જ જવાબ આપવો પડશે. તમે કહો છો કે નર્યા પટાઓ અને ગણોતના દરના આંકડાઓ ઉપરથી જ મહેસૂલકારણી કરવાનો સિદ્ધાંત આ ઇલાકામાં સરકાર આ પહેલી જ વાર અખત્યાર કરવા બેઠી છે એ મારું કથન મેં ‘શા આધારે કર્યું છે તે સરકાર ગોતી શકી નથી.’ જવાબમાં હું તમને નામદાર ગવર્નરસાહેબ આગળ સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ ‘જમીનમહેસૂલઆકારણી કમિટી મુંબઈ, એ કાઢેલા પ્રશ્નપત્રના જવાબો’ એ નામનું પુસ્તક મૂકવા વિનંતિ કરું છું. મજકૂર પુસ્તકમાંથી અહમદનગર જિલ્લાના ત્યારના કલેક્ટર અને હાલ ઉત્તર વિભાગના કમિશનર મિ. ડબલ્યુ. ડબલ્યુ. સ્માર્ટે મોકલેલ એક અનુભવી રેવન્યુ અમલદાર તરફથી આવેલ નીચલો જવાબ તેઓ નામદારને વાંચી સંભળાવજો :

“સવાલનું વલણ એકલા ગણોતના દરોને જ મહેસુલઆકારણી ઠરાવવાના આધાર તરીકે નક્કી કરવાની દિશામાં હોય એમ મને લાગે છે. જો મારું એ અનુમાન સાચું હોય તો મારો જવાબ નકારમાં છે. એટલું હું સ્વીકારું છું કે આકારણીઅમલદારે વધુમાં વધુ વધારાની પોતાની ભલામણ કરવામાં જેટલી બાબતો ગણાવવાની છે તેમાંની એક બાબત તરીકે આ ગણોતના દરોની વાતને ગણવી જોઈએ. પણ હું ધારું છું, આજ સુધી કોઈ દિવસ કેવળ ગણોતને આકારણીના ગજ તરીકે ગણવામાં નથી આવી.

ઉપરાંત ભરૂચ જિલ્લાના ત્યારના ઍક્ટિંગ કલેક્ટર શ્રી. મર્ઢેકર જેમને જમીનઆકારણીના કામનો બહોળો અનુભવ હતો તેમનો જવાબ જુઓ :

“જમીન મહેસૂલની આકારણી અગાઉ કદી નર્યાગણોતને આધારે નક્કી કરવામાં આવી નથી.”

હવે આમાં સમાતા સિદ્ધાંતની બાબતમાં તો હું મુંબઈ ઇલાકાના રેવન્યુ અમલદારોમાંથી ચારના જ અભિપ્રાયો ટાંકીશ. પહેલો ટાંકેલો જવાબ આપનારા અમલદાર ગણોતના પટાઓને જમીન આકારણી નક્કી કરવાની ધ્યાનમાં લેવાની બાબતોમાંની એક વસ્તુ તરીકે સ્વીકારવા એ પણ કેટલું બધું અસંતોષકારક છે એનાં કારણો આપતાં જણાવે છે :

“આવા ગણોતની આવક ઉપર રહેનારા જમીનવાળાઓનો વર્ગ જાતે ખેતી કરનાર ખેડૂતવર્ગના પ્રમાણમાં ઘણો જ નાનો હોય છે. ૧૯૨૧ની વસ્તીગણતરી જ જુઓને. તરત જ ખાતરી થશે કે ગણોતે જમીન ખેડાવનારા આવા લોકો સામાન્ય ખેડૂતોની કુલ વસ્તીના ૮ ટકાથી પણ ઓછા છે. આ તાલુકાનાં પહાણીપત્રક તપાસતાં તેમાં તેનાં કારણો તપાસવાની મને જિજ્ઞાસા થઈ. આ તપાસ કરતાં મને માલૂમ પડ્યું કે શિરપુર કસ્બાની આસપાસ આવેલાં ગામડાંની ઘણી જ જમીનો શિરપુરના શાહુકારોના હાથમાં ગયેલી છે. મજકૂર જમીન તેઓ જાતે ખેડતા નથી, પણ મૂળ જેમની જમીન હોય છે તેમને જ તે ગણોતે ખેડવા પાછી આપે છે. આ મૂળ ખેડૂતો પોતાની મૂળની જમીન ખેડવા ખાતર પણ પોતાના જ હાથમાં રહે અને બીજા ખેડનારાના હાથમાં ન જાય એ બાબતમાં ભારે આગ્રહી હોય છે. અને એમની એ લાગણીનો લાભ લઈને શાહુકારો દર નવો ગણોતપટો કરતી વેળાએ ગણોતની રકમ વધાર્યે જ જાય છે.”

મિ. સ્માર્ટે પોતે નીચે મુજબ કહ્યું છે :

“રૈયતવારી પ્રાંતમાં બહુ ઓછા ટકા જમીન ગણોતે ખેડાય છે, અને તેટલી ઓછીમાંથી પણ ઓછામાં ઓછી અરધી જમીન ખરી ઊપજને દરે અપાતી નથી. ઘણા ગણોતપટા કહેવાતા વેચનારને જ ખરીદનાર તરફથી કરી આપવામાં આવે છે, અને ગણોત તે ખરું ગણોત નહિ પણ માત્ર ‘વ્યાજ’ હોય છે. આ પ્રમાણે ગણોત એ મહેસૂલ આકારણીનો કાંટો બનાવી શકાય એટલું ચોકસ સાધન નથી.”

શ્રી. મર્ઢેકર પોતાના ઉપર ટાંકેલા જવાબમાં કહે છે :

“ખરાં ગણોત શોધી કાઢવાં સહેલ નથી. રોકડ ગણોત બહુ જ જૂજ લેવાયદેવાય છે, અને ભાગબટાઈનાં ગણોત સહેલાઈથી રોકડમાં બદલી શકાતાં નથી. વળી સર્વે ખાતાએ જમીનોના વર્ગીકરણને આધારે જે નંબરો પાડેલા હોય છે, તે મુજબ ગામેગામનાં તેમજ ખેતરખેતરનાં ગણોતમાં ફેર પડી જાય છે. જમીનની કિંમત આંકવામાં ગણોતના દર ભોમિયાની ગરજ સારે છે ખરા. પણ એને જ મહેસૂલની આંકણીનો એકમાત્ર આધાર બનાવવા એ આ ઇલાકાને માટે સલાહકારક નથી. જમીનની માગ ખૂબ હોય અને વસ્તીની ભીડ હોય ત્યાં ગણોતા મોંમાગ્યાં થઈ જાય છે. માગ નથી હોતી ત્યાં દર નીચા હોય છે. જો ગણોતના દરને મહેસૂલઆકારણીના એકમાત્ર આધાર તરીકે સ્વીકારવામાં આવે તો ખેડૂતો અવશ્ય દુ:ખીદુખી થઈ જાય, કારણ તેઓ બીજો ધંધો કરી ન શકે. તેથી મારો અભિપ્રાય એવો છે કે ગણોતને દિશાસૂચક તરીકે ગણવાં, આકારણીના કુલ આધાર તરીકે નહિ. આ જ સિદ્ધાંતને અનુસરીને આજ સુધીની બધી નવેસર મહેસૂલઆકારણીઓ થઈ છે, અને એમાં ફેરફાર કરી નવો ચીલો શા સારુ પાડવો એને સારુ હું કશું કારણ જોઈ શકતો નથી. આકારણીઅમલદારને તેનું કામ કરવાને જે નિયમો ઘડી આપવામાં આવેલા છે તે જ ચાલુ રહેવા જોઈએ.”

હવે એક જ વધુ ઉતારો હું ટાંકીશ, અને તે તમારો પોતાનો તમે ખેડા જિલ્લાના કલેક્ટર તરીકે અભિપ્રાય આપેલો :

“જમીનોનાં ગણોત એ મહેસૂલ આકારણી ઠરાવવાના કામને સારુ પૂરતો આધાર નથી. ઓછામાં ઓછું હિંદુસ્તાનના ભાગમાં તો નર્યા આર્થિક કારણોને આધારે ગણોત નક્કી થતાં નથી. વસ્તી ગીચ હોય ત્યાં જમીન માટે હરીફાઈ ચાલે છે. એવી હરીફાઈમાં ઘણીવાર ખેડૂતો કિંમત કરતાં વધુ આપે છે. જો એમ પૂછતા હો કે તો પછી એ લોકો ગુજારો કેમ કરતા હશે, તો એનો જવાબ એ છે કે મોસમ વીત્યે નવરાશના દિવસોમાં એ લોકો દોડીદપાટી કરે છે, બળદ અને ગાડાની મદદથી ભાડાં કરે છે, ઢોર રાખી ધીદુધ વેચે છે વગેરે. જમીનમાં ખાતર નખાયું હોય, મહેનત કરી સુધારી હોય, કૂવા હોય, ઇત્યાદિ કારણોથી જમીનજમીનની કિંમતમાં ફેર પડે છે. ઘણી જગ્યાએ ખેડૂતો ચોકસ ભાવના અગર લાગણીઓને વશ વર્તીને પણ પોતાની જમીનને વળગી રહે છે, અને આર્થિક દૃષ્ટિએ તેના તે પગલાનો કોઈ રીતે બચાવ થઈ શકે તેવું હોતું નથી. તેથી એમ સૂચવું છું કે ગણોત સિવાય બીજો જ કંઈક આધાર શોધવો એ વધુ વાજબી છે.”

આ બધાં કથનો સરકારને દફ્તરે પડેલાં છતાં ભવિષ્યમાં મહેસૂલ- આકારણીના એકમાત્ર આધાર તરીકે ગણોતના દરોને સરકાર સ્વીકારશે એવી અપેક્ષાથી સેટલમેંટ કમિશનરે ગ્રહણ કરેલી આ અવનવી રીત વિષે તમે સાવ અજ્ઞાન બતાવો છો એ જોઈ હું ભારે નવાઈ પામું છું. મારું નિવેદન છે કે બારડોલી તાલુકાના ગણોતપટાઓ, જેમના ઉપર સેટલમેંટ કમિશનરે પોતાની ગણતરીઓ બાંધી છે તેમાંનો ઘણો મોટો ભાગ ઉપર ટાંકેલા ઉતારાઓમાં વર્ણવ્યા છે તેવા એટલે આધાર માટે ગણતરીમાં ન લઈ શકાય તેવા પ્રકારના છે.

૬. સેટલમેંટ અમલદારની તેમજ સેટલમેંટ કમિશનરની ભલામણોને સરકારે જે હળવી કરી છે તેમાં પણ સરકાર ખેડૂતોને ન્યાય આપવાની ચિંતા પ્રગટ નથી થતી, પણ ગોટાળિયા અને વાંધાભર્યા આધાર પર, કૃત્રિમ ભાવો ઉપર અને ગણોતના દરોના અન્યાયી સિદ્ધાંતના જોર ઉપર કરવામાં આવેલી મહેસૂલવધારાની ભલામણમાં રહેલા હડહડતા અન્યાયની કચવાતે મને કરેલી કબૂલાત જ વ્યક્ત થાય છે. સરકારે સૂચવેલા ૨૨ ટકાનો ચોખ્ખો વધારો એવી માંડવાળ છે જેની હસ્તીને માટે આધાર કે દલીલ છે જ નહિ. એમાંથી એટલું જ ફલિત થાય છે કે હરબહાને ખેડૂતો ઉપર વધારાનો કર નાંખવાને સારુ સરકાર કૃતનિશ્ચય હતી.

૭. મારું નમ્ર નિવેદન છે કે આ દર નક્કી કરવાની બાબત માંડવાળની હતી જ નહિ. કાં તો સેટલમેંટ અમલદારોના રિપોર્ટ સાવ ગ્રાહ્ય છે, નહિ તો સાવ અગ્રાહ્ય છે; તે ગ્રાહ્ય નથી, કારણ એક તો તે અનિશ્ચિત અને પાંગળા પાયા ઉપર રચાયેલા છે, અને બીજી તેમની ભલામણો એવા સિદ્ધાંત ઉપર રચાયેલી છે, જે સિદ્ધાન્તને સરકારના જ સંખ્યાબંધ અમલદારોએ વાંધાભર્યો અને ખેડૂતોના હિતવિરુદ્ધનો ગણી તે વિરુદ્ધ સ્પષ્ટ શબ્દોમાં પોકાર કર્યો છે. આ સ્થિતિમાં અત્યંત નમ્રતાપૂર્વક અને તેટલી જ ધગશપૂર્વક જણાવવાની રજા લઉં છું કે આ આખા મામલાની તપાસ ચલાવવા એક નિષ્પક્ષ પંચ નીમ્યા વગર સરકારને છૂટકો નથી. આ તાલુકામાં જે સંખ્યાબંધ ગામડાંને ઉપલા વર્ગમાં ચડાવી દેવામાં આવ્યાં છે તેમની દશા તેમનાથી ઓછી આકારણીવાળાં ગામડાંના કરતાં પણ બૂરી છતાં, આ ફેરફારથી ૬૬ ટકા સુધી મહેસૂલવધારો ચોંટ્યો છે એ બીના જોડે તમને કશી નિસબત નથી જણાતી. સાથે સાથે એ પણ જણાવી દઉં કે વાલોડ પેટામાં આવેલાં આ ગામોની પડોશમાં જ આવેલાં ગાયકવાડી સરહદનાં ગામનું જમીનમહેસૂલ આ ગામના ૩૦ ટકા જેટલું છે.

૮. મેં સૂચવેલી નોટિસ ‘સર્વે ઍંડ સેટલમેટ મૅન્યુઅલ’ ના પૃષ્ઠ ૩૯૯માં ઉપર ટાંકેલા સરકારી ઠરાવની રૂએ ફરજિયાત હોય એમ જણાય છે. એ વાક્ય આમ છે ; ‘સેટલમેંટ અમલદારે કરેલી દરખાસ્તોમાં જો સરકાર ફેરફાર કરે તો નવેસર નોટિસ કાઢવી જોઈએ.’ અમલની શરૂઆતની તારીખની બાબતમાં હુકમ આમ છે : રેવન્યુ આકારણી હમેશાં ૧ લી ઑગસ્ટ અને મહેસૂલના પહેલા હપ્તાની વચ્ચે દાખલ કરવી જોઈએ. (પૃષ્ઠ ૪૦૨,) વસૂલીની બાબતમાં લૅંડ રેવન્યુ કોડની ૧૦૪ થી - કલમ ચોખ્ખું જણાવે છે: ‘ નવી આકારણી મુજબનું મહેસૂલ પછીના વરસથી જ લેવાવું જોઈએ.’ આ દાખલામાં સરકારે નવી આકારણી જુલાઈમાં દાખલ કરી. ગામલોકોના વાંધાઓ માગ્યા, અને તે ઉપર છેવટના હુકમો કદી કાઢ્યા જ નહિ. આમ જુલાઈમાં જ નવી આકારણી દાખલ થવામાં સેટલમેંટના મહત્વના કાયદાનું ઉલ્લંધન થયું છે, અને જે ગામોના વાંધાઓ માગવામાં આવ્યા તેમની ઉપર ચાલુ વરસે નવા વધારાની આકારણી એ પણ ગેરકાયદે છે.

૯. તમારા કાગળના ૭ માં પૅરામાં તમે જે કંઈ કહ્યું છે તેને માટે હું તમારો આભારી છું. દિલગીરી એટલી જ કે તેમ કરવામાં તમે જે ભાષા વાપરી છે તે સરકારના એક જવાબદાર અમલદારને શોભતી નથી. તમે મને તેમજ મારા સાથીઓને ‘બહારના લોક’ લેખતા જણાઓ છો. હું મારા પોતીકા લોકોને મદદ કરી રહ્યો છું એના રોષમાં તમે એ વાત ભૂલી જાઓ છો કે જે સરકારની વતી તમે બોલો છે તેના તંત્રમાં મુખ્યપદે બધા ‘બહારના લોક’ જ ખદબદે છે. હું તો તમને કહી જ દઉં કે જોકે મને પોતાને હિંદુસ્તાનના કોઈ પણ ભાગ જેટલો જ બારડોલીને પણ રહીશ સમજું છું, છતાં ત્યાંના દુ:ખી રહેવાસીઓને બોલાવ્યો જ હું ત્યાં ગયો છું અને કોઈ પણ ક્ષણે મને રજા આપવી એ એમના હાથમાં છે. હું ઇચ્છું છું કે તેમના હીરને અહોરાત્ર ચૂસનાર, બહારથી આવેલા ને તોપબંદુકને જોરે લદાયેલા આ રાજ્યતંત્રને પણ તેટલી જ સહેલાઈપૂર્વક રજા આપવાનું એમના હાથમાં હોત.

૧૦. અંતમાં એક નિષ્પક્ષ પંચ નીમવાની મારી સૂચનાનો ફરી એકવાર હું ઉચ્ચાર કરું છું, અને જો નામદાર ગવર્નર સાહેબ મારી સૂચના સ્વીકારવા ખુશી હોય તો હું તાલુકાના લોકોને જૂનું મહેસૂલ તાબડતોબ ભરી દેવા સલાહ આપીશ.

૧૧. નામદાર ગવર્નરસાહેબની સંમતિ હોય તો આ પત્રવહેવાર હું પ્રગટ કરવા માગું છું.

તમારો વિશ્વાસુ,
હું છું,
વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ
 


સરકારના છેલ્લો જવાબ

જે. ડબલ્યુ. સ્મિથ, આઈ. સી. એસ.

મુંબઈ સરકારના રેવન્યુ ખાતાના સેક્રેટરી તરફથી

શ્રીયુત વલભભાઈ ઝ. પટેલ જોગ

મુંબઈ, તા. ૨૭ ફેબ્રુઆરી, ૧૯૨૮
 

સાહેબ,

તમારા ૨૧મી તારીખના કાગળની પહોંચ સ્વીકારવાનું ગવર્નર અને તેની કાઉન્સિલ તરફથી મને ફરમાવવામાં આવ્યું છે. ૨. તમારા કાગળના ત્રીજા ફકરામાં તમે નામદાર ગવર્નરસાહેબનું કેટલીક બાબતો પર ખાસ ધ્યાન ખેંચ્યું છે. પ્રથમ તો તમે એવો દાવો કર્યો છે કે આખા મુંબઈ ઇલાકામાં ગુજરાત પ્રાંતમાં સૈાથી વધારેમાં વધારે જમીનમહેસૂલ આકારવામાં આવ્યું છે. આ સર્વસામાન્ય કથન સત્ય હો કે ન હો, પણ બારડોલી તાલુકામાં હાલ જમીનમહેસૂલ વધારેપડતું છે એમ સરકાર કોઈ પણ રીતે સ્વીકારવા તૈયાર નથી.

નાશિક જિલ્લાના બાગલાણ તાલુકામાં લગભગ આ જ દર, અને કેટલાક બીજા તાલુકામાં આના કરતાં પણ વિશેષ દર, વસૂલ કરવામાં આવે છે. આ તો ગણોત અને મહેસૂલના પ્રમાણને હિસાબે ગણતરી થઈ. પણ જો વીઘે અમુક રૂપિયાનો હિસાબ ગણીએ તો બારડોલીનો વીઘે આકાર ચોર્યાસી અને બીજા કેટલાક તાલુકા કરતાં વધારે આવે છે.

તમે ખેડા જિલ્લાની આકારણી વિષે ઉલ્લેખ કર્યો છે. ખેડા જિલ્લાના સંજોગો અને પરિસ્થિતિ અને ખેડા જિલ્લાથી દૂર અને તદ્દન નિરાળા જ જિલ્લામાં આવેલા બારડોલી તાલુકાના સંજોગો અને પરિસ્થિતિ વચ્ચે શો સંબંધ છે એ સરકાર સમજી શકતી નથી.

“બારડોલીએ દેવાળું નથી કાઢ્યું?

તમારા ત્રીજા મુદ્દામાં તમે પોતે કબૂલ કરો છો કે સૂરત જિલ્લાની વસ્તી વધી છે. અને બારડોલી તાલુકામાં તો માત્ર જનસંખ્યામાં નહિ, પણ ઢોરસંખ્યામાં પણ છેલ્લાં ત્રીસ વરસમાં ઠીકઠીક વધારો થયો છે એમ સેટલમેંટ રિપોર્ટ પરથી સાબિત થાય છે. તેથી સરખામણી કરવા માટે ગુજરાતના બીજા જિલ્લાઓના આંકડાઓના ઉતારાઓ કરવામાં તમારો શો ઉદ્દેશ હશે એ સરકાર કળી શકતી નથી. કદાચ એમ કરવામાં સરકાર પર નીચેનો કટાક્ષ સહેજે થઈ શકે એ જ તમારો હેતુ હશે : ‘શું આ જિલ્લાને પણ બીજા કસહીન જિલ્લાઓની હારમાં બેસાડવાનો ઇરાદો તો નવા મહેસૂલવધારાના મૂળમાં ન હોય ?’

સરકારના હેતુ અને કાર્યનો આવો અવળો અનર્થ કોઈ પણ જાહેર પુરુષે કદી પણ કર્યો હોય એવો એક પણ દાખલો ગવર્નર અને તેની કાઉન્સિલને યાદ નથી આવી શકતો.

ખેડૂતો પર દહાડેદહાડે વધતા જતાં દેવાંનો પ્રશ્ન તમે ચોથા મુદ્દામાં ઉઠાવેલ છે. પણ આ બાબતમાં સરકાર જૂના કે નવા આંકડા સ્વીકારવા જ તૈયાર નથી. દીવા જેટલું એ તો સ્પષ્ટ જ છે કે બારડોલીની પ્રજાએ દેવાળું કાઢ્યું નથી, તેમજ તે દેવાળા કાઢવાની અણિ પર પણ આવેલી નથી. તાલુકાની વસ્તી વધી છે અને હજુ પણ વધતી જાય છે, અનેદેવાળાનું એક પણ ચિહ્ન નજરે દેખાતું નથી.

૩, સેટલમેંટ અમલદારે પોતાનું કાર્ય બરાબર કર્યું છે એ સરકારના દાવાનો તમે તમારા કાગળના ચોથા ફકરામાં ઇનકાર કરો છો, અને વિશેષમાં એમ જણાવો છો કે તેનો રિપોર્ટ ‘રેકૉર્ડ ઑફ રાઈટ્સ’માંથી મળતી અચોકસ ખબરો પર, અને અસાધારણ વરસોમાં ચાલતા ભાવ પર જ મુખ્ય આધાર રાખી ઘડવામાં આવ્યો છે. જે ‘રેકૉર્ડ ઑફ રાઈટ્સ’માં ખાતેદારો વચ્ચે થતા જાહેર વ્યવહારની નોંધ રહે છે તે ‘રેકૉર્ડ ઑફ રાઈટ્સ’ની હકીકત અને આંકડા અચોકસ છે એમ તમે કયા કારણોસર માનો છો, એ તમે જણાવ્યું નથી. એ આંકડા અચોકસ છે એમ સરકાર તો માનતી જ નથી. રિપોર્ટના આંકડા અસાધારણ વરસમાં ચાલતા ભાવ પરથી ઠરાવવામાં આવેલા છે, એનો રદિયો ચોર્યાસી તાલુકાનું મહેસૂલ મંજૂર કરતી વખતે સરકારે પોતાના ઠરાવમાં પૂરેપૂરો આપી દીધો છે. સેટલમેંટના વિરોધ કરનારાઓ એમ પ્રતિપાદન કરવા માગે છે કે ઑગસ્ટ ૧૯૧૪ પછી સમસ્ત દુનિયામાં જે પરિસ્થિતિ ચાલી રહેલી છે તે અસાધારણ અને ક્ષણિક છે. અને ૧૯૧૪ના ઑગસ્ટ પહેલાં દુનિયાનો જે રંગઢંગ હતો તેવો જ રંગઢંગ વહેલામાં વહેલો થઈ જશે. પણ જે મહાયુદ્ધને સમાપ્ત થયે દશ વરસ વીતી ગયાં છે, છતાં પણ જેની કાયમી અસર હજુ પણ ટકી રહેલ છે તે વસ્તુને લક્ષમાં રાખ્યા સિવાય રજૂ કરવામાં આવતું દ્રષ્ટિબંદુ સરકાર માન્ય રાખી શકતી નથી.

અમલદારોના અભિપ્રાયો સાથે સરકારને શું લાગેવળગે ?

૪. તમે ગણોત અને સાંથનો પ્રશ્ન ઉઠાવી, સરકારના જ કેમ જાણે સત્તાવાર નિર્ણય હોય તેવી રીતે કેટલાક અમલદારોના અભિપ્રાયો ટાંક્યા છે. ચોકસાઈના દાવા કરી શકાય એવા આંકડાઓ અને પુરાવાઓ હાલ કેટલોક સમય થયાં જ મળતા થયા છે. એ અગત્યના મુદ્દાનું મહત્ત્વ ઉપરના અમલદારો બરાબર આંકી શક્યા હોય એમ લાગતું નથી. આવા આંકડાઓ ‘રેકૉર્ડ ઓફ રાઈટ્સ’માંથી હવે મળવા લાગ્યા છે. અને તેનો ઉપયોગ થોડાંક વરસો થયાં થઈ રહેલ છે એ સરકાર તરફથી તાજેતરમાં મંજૂર થયેલ આંકણીઓને લગતા તુમારો બારીકાઈથી જોવાથી સ્પષ્ટ થશે. સરકારે કઈ પદ્ધતિ સ્વીકારેલ છે તે જાણવા માટે તમારે ૧૯ર૭ ની ૧૭મી માર્ચના રોજ ધારાસભામાં નામદાર રેવેન્યુ મેમ્બરે પોતાના ભાષણમાં જે ધોરણ સત્તાવાર રીતે જાહેર કરેલ છે તે જોવું જોઈએ, કારણ કે એ ભાષણમાં જે ધારણ જાહેર કરેલ છે તેને જ અક્ષરશઃ ગવર્નર અને તેની કાઉન્સિલ હાલ પણ વળગી રહેલ છે.

૫. સરકારને ભલામણ કરવામાં આવી હતી તે મુજબના દરમાં ફેરફાર કરવામાં જે હેતુ સરકારે રાખ્યો હતો તેનો તમે ઘણો જ અવળો અર્થ તમારા કાગળના છઠ્ઠા ફકરામાં કર્યો છે. ઉપરના એક ફકરામાં સરકારના હેતુઓનો અવળો અર્થ કરવાનો જે આરોપ તમારા ઉપર મૂકવામાં આવ્યો છે તેવા જ આરોપને તમે આ બાબતમાં પણ પાત્ર થાઓ છો.

૬. તમારા કાગળના ૮ મા ફકરામાં ‘સર્વે અને સેટલમેંટ મૅન્યુઅલ’ ની જે નકલ પરથી તમે ઉતારો કર્યો છે, તે નકલમાં આજ સુધી થયેલા સુધારાઓ આવી જતા નથી જણાતા. તમે જે કલમ ટાંકો છો તેમાં થોડો સુધારો થયો છે, અને તે ઉપરથી તમે જોશો કે મેં ૧૬ મી ફેબ્રુઆરીના ૭રપ૯-બી/૨૪-૩૧૮૮ નંબરવાળા કાગળમાં જે ગામડાંના દરો વધારવામાં આવ્યા છે તેનો ખુલાસો આપ્યો હતો તે બરાબર છે. વળી તમે ૧૯૦૧ની ૨૭મી ફેબ્રુઆરીના ૧૦૪૭ નંબરના સરકારી ઠરાવનો વટહુકમ ટાંકી જણાવો છો કે નવી મહેસૂલપદ્ધતિ ૧ લી ઑગસ્ટ અને જમીન મહેસૂલના પહેલા હપ્તાની તારીખ વચ્ચેના દિવસોમાં અમલમાં મુકાવી જોઈએ. આ સંબંધી એટલું જ જણાવું છું કે અસલની પદ્ધતિ બદલીને વધારે વ્યવહારુ અને વાજબી પદ્ધતિ હવે ગ્રહણ કરવામાં આવી છે. અને નવી પદ્ધતિ અનુસાર, જે વરસે નવી પદ્ધતિનો અમલ કરવાનો હોય છે તે વરસના બધા હપ્તા ભરાઈ જાય તે બાદ જ નવી પદ્ધતિનો અમલ કરાય છે. આ જાતના ફેરફારો કાયદાની કલમોની હદમાં રહીને અમલી ખાતાના હુકમોની રૂએ થાય છે, અને તે હુકમમાં સરકારને ચાહે તે ફેરફારો કરવાની છૂટ હોય છે — એટલે નવી આંકણી દાખલ કરવામાં કશી અનિયમિતતા થઈ હોય એમ નથી.

૭. તમારા કાગળોમાં નહિ પણ ૧૯૨૮ ના ફેબ્રુઆરીની ૨૩ તારીખના ‘બૉંબે ક્રોનિકલ’માં ઉઠાવેલ મુદ્દા વિષે તમારું ધ્યાન ખેંચવા માગુ છું. મુદ્દાની મતલબ એ છે કે સરકાર ‘ઇગતપુરી કન્સેશન’ નામે જાણીતી થયેલી રાહત લોકોને આપી પ્રજાને પોતાના પક્ષમાં લેવા કદાચ પ્રયત્ન કરશે !’

આ લેખમાં જણાવવામાં આવ્યું છે કે ‘ઇગતપુરી કન્સેશન’ આપવાની માગણી થઈ ત્યારે સરકારે તેની ઘસીને ના પાડી, પણ હવે બારડોલીના ખેડૂતો લડી લેવા માગે છે એમ ખબર પડી છે એટલે સરકાર ‘ઇગતપુરી કન્સેશન’ આપવા તૈયાર થઈ છે. આ લેખકને ખબર લાગતી નથી કે ઇગતપુરી નામે ઓળખાતી રાહતનો અમલ ૧૮૮૫ની સાલથી થવા લાગ્યો છે. આ રાહત દક્ષિણ, ગુજરાત અને દક્ષિણ મરાઠા જિલ્લામાં અપાય છે, અને તે નિયમાનુસાર આપોઆ૫ અપાયા જ કરે છે. જ્યારે કોઈ પણ નવી આંકણી ચાલુ કરવામાં આવે છે, ત્યારે સરકારને આ રાહત આપવી કે ન આપવી તેનો વિચાર કરવાનો રહેતા નથી. એ રાહતના ઠરાવમાં સૂચવેલી શરતનું પાલન થતું હોય તો તરત જ આ રાહતો આપવામાં આવે છે જ.

સરકારે બારડોલી તાલુકામાં પ્રથમ ‘ઇગતપુરી રાહત’ આપવાની સૂચનાની ઘસીને ના પાડી હતી, અને પછી લોકોના દબાણને વશ થઈ રાહત આપવાનું ઠરાવ્યું છે એમ કહેવું એ બિલકુલ વાજબી નથી. આ તાલુકામાં તેમજ બીજા કોઈ પણ તાલુકામાં જ્યાં શરતનું પાલન થતું હશે ત્યાં હમેશાં ‘ઇગતપુરી રાહત’ આપવામાં જ આવશે. સરકાર આશા રાખે છે કે તમે તમને ટેકો આપનારાઓને આ બાબત વિષે સાચી સમજ પાડશો.

૮. ૧૯૨૮ ના ફેબ્રુઆરીની ૧૬ મી તારીખના ૭૨૫૯-બીના ૨૪-૩૧૮૮ નંબરવાળા કાગળ પર મેં સહી કરેલી હોવાથી એમાં દર્શાવેલ વિચારો માત્ર સરકારના એક સેક્રેટરીના છે, અથવા તો તેણે તે પોતાની જ અંગત જવાબદારી ઉપરથી જ લખેલા છે એમ તમે માનતા હો એમ તમારા કાગળના નવમા ફકરા ઉપરથી સૂચન થાય છે. પણ આ કાગળથી હું સ્પષ્ટ કરું છું કે આ કાગળની માફક, પેલા કાગળમાં પણ નામદાર ગવર્નર અને તેની કાઉન્સિલના જ પાકા વિચારો મૂકવામાં આવ્યા હતા, અને છે એમ જ તમે સમજશો.

છેવટે હું તમને જણાવી દઉ છું કે ગવર્નર અને તેની કાઉન્સિલ તમારા કાગળના દશમા ફકરામાં દર્શાવેલી સૂચના સ્વીકારવા તૈયાર નથી. વળી એ પણ જણાવી દઉં છું કે આપણી વચ્ચે થયેલ તમામ પત્રવ્યવહાર વર્તમાનપત્રોમાં જાહેર થાય તો સરકારને લેશમાત્ર વાંધો નથી. સરકારે જે નીતિ ગ્રહણ કરી છે તે તમારી સમક્ષ સંપૂર્ણપણે છેવટની મૂકી દીધી છે. અને હજુ પણ આ સંબંધી વિશેષ પત્રવ્યવહાર કરવાની તમને જરૂર લાગે તો જિલ્લાના કલેકટર મારફત પત્રવ્યવહાર કરવાની વિનંતિ કરું છું.

તમારો નમ્ર સેવક,
જે. વી. સ્મિથ
સેક્રેટરી, મુંબઈ સરકાર, રેવન્યુ ડિપાર્ટમેન્ટ
 

બારડોલી પ્રકરણ અને પછી

[ બારડોલી રિપોર્ટમાં બારડોલીનાં અને ચોર્યાસી ગામમાં બ્રૂમફીલ્ડ કમિટીએ ઠરાવેલા દરમાં ઘણાં ગામોને અન્યાય થતો હતો, ઘણાં ગામોમાં કરેલા વધારાને માટે કમિટી પાસે કશો આધાર નહોતો, તે વિષે શ્રી. વલ્લભભાઈ સરકાર સાથે પત્રવ્યવહાર ચલાવી રહ્યા હતા, તે હવે પૂરો થયો છે. એ પત્રવ્યવહારનો સાર લોકોની જાણને માટે અહીં આપવામાં આવે છે.]

રિપોર્ટથી થયેલો અન્યાય

તા. ૨૪ મી જૂને શ્રી. વલ્લભભાઈ એ સર જે. એલ. રૂને પહેલો પત્ર લખ્યો તેનો સાર નીચે આપવામાં આવે છે :

બારડોલી રિપોર્ટમાં અને અમલદારોએ રૈયતની ફરિયાદ વાજબી હતી એમ ઠરાવ્યું એથી ખેડૂતોને આનંદ થયો છે, પણ એ રિપોર્ટ મુજબ જે દરો ઠરાવવામાં આવ્યા છે તેથી તેમને ભારે અન્યાય થયો છે. એ દરો ઠરાવવાને માટે તેમની પાસે કશો જ પુરાવો નહતો. મારે આપને યાદ આપવું જોઈ એ કે ગયા ઑક્ટોબરમાં મેં આપને જણાવ્યું હતું કે પુરાવાથી સિદ્ધ ન થઈ શકે એવી ભલામણ થશે તો રૈયત પાસે ફરી સત્યાગ્રહ કરાવવાનો મને અધિકાર રહેશે. સંજોગો તો એવા જ છે, પણ અમલદારોએ જાણીબૂજીને અન્યાય કર્યો નથી એટલે સત્યાગ્રહ જેવું આકરું પગલું હું નથી લેવા ધારતો. માત્ર સરકારને અરજ કરી સદરહુ અન્યાય સરકારી હુકમ કરીને રદ કરશો એવી આશા રાખું છું,

ગણોતને આધારે સરકારધારો ઠરાવવાના સિદ્ધાન્તની સામેના મારા વાંધા દૂર રાખીને મારે જણાવવું જોઈએ કે ગણોતનો આધાર એકવાર કબૂલ રાખીએ તોપણ ઠરાવવામાં આવેલા દર વાજબી નથી, જેનાં અનેક કારણો છે:

૧. તાલુકામાં ગણોતે આપેલી જમીન સેંકડે ૮ થી ૧૧ ટકા જેટલી હશે એમ અમલદારોએ કબૂલ કર્યું છે છતાં કેવળ ગણોત ઉપર જ દરો ઠરાવવામાં આવ્યા છે. સેટલમેંટ મૅન્યુઅલ સાફ કહે છે કે ગણોતનું પ્રમાણ ઘણું મોટું હોય તો જ ગણોતનો આધાર લેવો.

૨. જે દર ઠરાવ્યા છે તે પણ એ જૂજજાજ ગણોતના આંકડાને આઘારે નથી, પણુ માત્ર ૪૦ ગામમાં જે આંકડા મળ્યા તેને આધારે છે. એમાંના ૧૭ ગામમાં તો અમલદારો પોતે જ કબૂલ કરે છે કે કશા જ આધારપાત્ર આંકડા નહોતા.

૩. જરાયતના દર વધારવાનાં કારણો સમજવાં જ મુશ્કેલ છે. જ્યાં કારણ આપવામાં આવ્યાં છે ત્યાં કેવળ ક્ષુલ્લક કારણો છે. અને એ કારણો વિચિત્ર ભાષામાં વર્ણવવામાં આવ્યાં છે : ‘અમુક વર્ગનો હાલનો દર વધારાપડતો ન કહેવાય;’ ‘અમુક વર્ગમાં કંઈક વધારો તો થઈ શકે એમ છે.’ પહેલા વર્ગનાં ૪૦ ગામેાનો દર ૧૨ ટકા વધાર્યો છે, તે કેવળ સરભોણ ગામનાં ૧૯૨૭–૨૮ નાં ગણોતને આધારે વધાર્યો છે. બીજા વર્ગમાં તો જે બેચાર ગામમાં ગણોત વધારે દેખાય છે ત્યાંયે શુદ્ધ ગણોતો નથી એમ કમિટી જ કબૂલ કરે છે. ત્રીજા વર્ગ માં ૧૧ ગામ તપાસ્યાં. હતાં, તેમાંનાં પ ગામામાં તો કશો ગણોતનો આધાર નથી છતાં તે સૌમાં ૧૮ ટકા વધારવામાં આવ્યા છે. ઉવા ગામમાં જૂનું મહેસૂલ જ ગણોતના ૩૭ ટકા જેટલું છે, છતાં ત્યાં પણ ૧૮ ટકાનો વધારો સૂચવાયો છે ! ચોથા વર્ગનાં ગામોમાંનાં ઘણાંખરાં પાંચમાંમાં ઉતારવામાં આવ્યાં છે ― એ કારણે કે ત્યાં દર બહુ વધારી શકાય એમ નથી, અને ઘણાંક તો તાલુકામાં ગરીબમાં ગરીબ છે : છતાં એ પાંચમા વર્ગનો દર જૂના ચોથા વર્ગના દર કરતાં ૮ ટકા વધારે છે !

૪. ગણોતનો આધાર લેવો હતો તો બધાં જ ગામોના આંકડા તપાસવા જોઈતા હતા. અથવા તો શ્રી. જયકરના આંકડા તદ્દન ખોટા લાગ્યા તો દર હતા તેના તે જ કાયમ રાખવા જોઈતા હતા.

પ. દરેક વર્ગની જરાયત જમીનનો આકાર વધારવામાં આવ્યો છે, છતાં એ જમીનના ૩૫,૬૧૧ એકર તો ઘાસની જમીન છે, જે ઘાસ લોકો ઢોરોને માટે જ વાપરે છે, અને કમિટી કબૂલ કરે છે કે એ બહાર મોકલવામાં આવતું નથી. એ ઘાસિયાંના દર શા સારુ વધારવામાં આવે ?

આ તો સામાન્ય ટીકા થઈ. કેટલાક ખાસ ગામોને હડહડતો અન્યાય થયો છે :

૧. અંબાચ, દેગામા અને વેડછી ગામા તો ‘શાઉકારથી ચુસાયેલાં’ ગામો તરીકે વર્ણવાયાં છે. એ ગરીબ ગામમાંના વેડછી ને અંબાચ અમારી રાનીપરજ ખાદીપ્રવૃત્તિનાં કેન્દ્ર છે જાણે એ ખાદીપ્રવૃત્તિને લીધે જ એમને ૨૫ ટકા વધારાની સજા કરવામાં આવી હોય એમ લાગે છે.

૨. બીજા વર્ગનાં આઠ ગામ ― આફવા, અકોટી, કંટાળી, ખોજ, પલસોદ, પારડીકડોદ, ઉવા, સમાથાણ એ ગામો જરાયત માટે બીજા વર્ગમાં છે જ્યારે ક્યારી માટે પહેલા વર્ગ માં મૂકવામાં આવ્યાં છે. તાલુકાનાં ૧૩૭ ગામોમાંનાં ૧૨૯ ગામમાં જરાયત અને ક્યારી બંનેની જમીન એક જ વર્ગમાં છે, ત્યારે આ આઠ ગામોને ક્યારી માટે ખાસ ઊચા વર્ગમાં શા સારુ મૂકવામાં આવ્યાં હશે ? ભાત તો લોકો ખાવાને માટે જ પકવે છે, અને ભાત વેચાય છે ત્યાં પણ તેના ભાવ ૧૯૧૪ ના જેટલા જ છે. આફવા ગામમાં તો ક્યારીની જમીન સાથે તળાવની જમીન ઉપર એટલો જ દર ચડે છે, જોકે એ જમીન માત્ર પાણીને માટે જ રાખવામાં આવે છે.

૩. દેલવાડા, કમાલછોડ, ઓરગોમ, સેજવાડ અને સિંગોદ ગામમાં ગણોતનો કશો આધાર જ નથી છતાં, અને ઉવામાં આજે જ સરકારધારો ગણોતના ૩૭ ટકા છે છતાં, વધારો થયો છે તે અન્યાય છે.

૪. પાંચમા વર્ગનાં બધાં જ ગામો.

ચોર્યાસીની પણ એ જ કથા છે. એ વિષે રા. બ. ભીમભાઈ જુદો કાગળ લખશે. ખરી વાત એ છે કે જરાયતમાં કશો જ વધારો કરવાનો આધાર નથી અને ક્યારીના દરમાં જે ઘટાડો થયો છે તેથી વધારે ઘટાડો થવો જોઈતો હતો. પણ એ ન થાય તો સરકાર જૂના દર કાયમ રાખે. કારણ બધાં જ રિવિઝન ફરી તપાસવાં પડવાનાં અને નવો કાયદો થશે એટલે તે બધા જ તાલુકાઓને લાગુ પાડવો પડશે. પણ એ થાય કે ન થાય, જે ગામોને હડહડતો અન્યાય થયો છે તે તો દુર થવો જ જોઈએ.

તમે ઇચ્છો કે આપણે મળવું જોઈએ તો હું મળવા તૈયાર છું.

નવો કાયદો બારડોલીચોર્યાસીને કેમ લાગુ ન પડે ?

ઉપરના કાગળનો તા. ૧૬ મી સુધી જવાબ આવ્યો એટલે શ્રી. વલ્લભભાઈ એ યાદ દેવડાવવા બીજો પત્ર લખ્યો તેમાં ઉમેર્યું :

સરકારે શ્રી. શ્રોફને પત્ર લખ્યું છે તેમાં સુધરેલી મહેસૂલનીતિનો જે નિશ્ચય કર્યો છે તે માટે હું સરકારને ધન્યવાદ આપું છું. પણ નવો કાયદો બારડોલી અને ચોર્યાસીને કેમ લાગુ ન પડે તે હું સમજી શકતો નથી. જો એનો અર્થ એ છે કે ગમે તે કાયદો થાય તો પણ બારડોલીચોર્યાસીમાં જે દર નક્કી થયા છે તેમાં વધારો તો થઈ જ ન શકે તો તો હું સરકારનો ઠરાવ સમજી શકું છું. પણ જો સરકારનો એવો આશય હોય કે નવો કાયદો થયા પછી જે રિવિઝનો થાય તેથી બારડોલીચોર્યાસીને ફાયદો થતો હોય તોપણ ન મળે તો તો મારે જણાવવું જોઈએ કે એ તાલુકાના લોકોને ભારે અન્યાય થશે. આવું થાય એમ હું માનતો નથી, પણ સરકારની ભાષાનો આ અર્થ પણ થઈ શકે છે એ મારે જણાવવું જોઈ એ. હું તો મારા ૨૪ મી જૂનના પત્રમાં જણાવી ચૂક્યો છું: ‘નવા દરોમાં જ અન્યાય રહેલો છે.’ લોકો હવે અધીરા થયા છે. કૃપા કરીને તુરત જવાબ આપો અને મેં શંકા કરી છે તે દૂર કરો.

મેરી બી ચૂપ, તેરી બી ચૂપ

આ બંને પત્રનો જવાબ સર જે. એલ. રૂએ ૨૧ મી જુલાઈના પોતાના પત્રથી આપ્યો, તેનો સાર નીચે પ્રમાણે :

૧. તમે જે અન્યાયના આરોપ મૂક્યા તેની તપાસ કરવામાં વખત ગયો એટલે જવાબ આપવામાં ઢીલ થઈ છે તે ખાતર દિલગીર છું.

૨. હું એ તપાસ પછી તમારા મત સાથે મળતો નથી થઈ શકતો, તમે જે ગામોને હડહડતા અન્યાય થવાની વાત કરી છે તે તે ગામોના ખેડૂતોને અન્યાય નથી થયોએમ કમિટીના રિપોર્ટમાં જણાવેલી હકીકતથી જણાય છે.

૩. કમિટિએ કેવળ ગણોત ઉપર દર કયાં નક્કી કર્યા છે ? રિપોર્ટનો મોટો ભાગ તો ગણોતના આંકડા એકલા કેમ ન વાપરી શકાય એ બતાવવા માટે લખાયેલો છે.

૪. તમને વધારાના કારણો અધૂરાં લાગે છે; મને લાગે છે કે પુરવણીમાં આપેલા આંકડા અને કારણો એ વધારો ઠરાવવાને માટે પૂરતાં છે. એટલાથી તમને સંતોષ ન થાય રો બીજું કારણ બતાવવાનું હું પ્રયોજન નથી જોતો.

૫. ઘાસ બહાર નથી મોકલવામાં આવતું તેથી ઘાસની કિંમત નથી એમ તો ન જ કહેવાય. ઘાસની કિંમત તો ઘાસિયાનાં ગણોતમાં જ રહેલી છે.

૬. છેવટે મારે એ વાત તમને જણાવવી જોઈએ કે કમિટીએ સરકારે મૂળ ઠરાવેલા દરમાં ઘણો મોટો ઘટાડો સૂચવ્યો છતાં સરકારે જરાયે સંકોચ વિના, અને ઘટાડાનાં કારણો બરાબર છે કે નહિ તે વિષે કશું જણાવ્યા વિના, તે ઘટાડા પૂરેપૂરા સ્વીકાર્યા. તો ખેડૂતો પણ કમિટીએ કરેલી ભલામણ સ્વીકારે એમ સરકાર આશા ન રાખે ? અને એમ સરકારને આખી તપાસ નવેસરથી કરવાનું શી રીતે પાલવે ? જો ખેડૂતની દૃષ્ટિથી એ તપાસ નવેસરથી કરવામાં આવે તો તો સરકારની દૃષ્ટિથી પણ એ નવેસરથી કરવી જોઈએ.

સરકાર તો સત્યાગ્રહને જ સમજે

આનો જવાબ શ્રી. વલ્લભભાઈ એ તા. ૨ જી ઑગસ્ટના પોતાના પત્રમાં આપ્યો :

મારે નવેસરથી તપાસ કરવી નથી. નવેસરથી તપાસ કરો તો રૈયતને કશો ગેરફાયદો થાય એમ તો નથી જ, પણ આ બાબતમાં એમ ફરીફરી તપાસ ન થઈ શકે એ સમજું છું. મેં જે માગણી કરી હતી એ તો જે લવાદપંચના નિવેડા વિષે પણ હમેશાં થાય છે તેની જ કરી હતી. નિવેડામાં પણ લવાદથી ચોખ્ખી ભૂલો થઈ હોય તો તે પાછળથી સુધારવામાં આવે છે. મારી નમ્ર માન્યતા છે કે મિ. બ્રૂમફીલ્ડ અને મિ. મૅક્સવેલે અતિશય મહેનતથી તૈયાર કરેલા રિપોર્ટ બીજી રીતે સ્તુતિપાત્ર છે છતાં તેમાં સ્પષ્ટ ભૂલો રહી ગયેલી છે, અને એવી ભૂલો વિષે મેં સરકારનું ધ્યાન ખેંચ્યું છે. પણ દુઃખની વાત એ છે કે જ્યારે અરજીઓ દ્વારા દેખીતા અન્યાય વિષે સરકારનું ધ્યાન ખેંચવામાં આવે છે ત્યારે સરકાર કશી દાદ દેતી નથી. દેખીતા અન્યાય અને સંકટના દાખલાઓમાં પણ સત્યાગ્રહ કરીને જ સરકારની આંખ ઉઘાડી શકાય એ શુભ ચિહ્ન નથી. મારે રૈયતને હવે વધારે સંકટ સહન કરાવવું નથી, એટલે મારા ધારવા પ્રમાણે જે દેખીતો અન્યાય છે તે પણ સાંખી લેવો રહ્યો.

તમારા કાગળમાં પેલી બીજી વાત વિષે તો કશો ઉલ્લેખ જ નથી ― જાણી જોઈને તો ન હોય ? બારડોલી અને ચોર્યાસીને નવા કાયદાનો લાભ મળશે જ એમ માની લઉં ?

આજથી કશું વચન ન અપાય

આ કાગળનો જવાબ સર જે. એલ. રૂએ ૮ મી ઑગસ્ટના પોતાના પત્રથી આપ્યો :

તમે તો સ્પષ્ટ અન્યાયની વાત કરો છો, પણ એ અન્યાય થયો છે એમ તો સિદ્ધ કર્યું નથી. અને વળી ભૂલો થાય તે બધી રૈયતના જ અહિતમાં હોય એમ પણ તમે કેમ માની લીધું ? સરકારના અહિતમાં પણ એ ભૂલો થતી હોય.

તમારા બીજા પ્રશ્નના જવાબમાં જણાવવાનું કે નામદાર ગવર્નરના ભાષણ ઉપરથી અને શ્રી. પાટસ્કરના ઠરાવ ઉપર મેં કરેલા ભાષણ ઉપરથી તમે જોયું હશે કે ભવિષ્યમાં જે નવો કાયદો થશે તે મુજબ બારડોલી અને ચોર્યાસીમાં થયેલી નવી જમાબંધી ફરી તપાસવામાં આવશે એવી કબૂલાત સરકાર આપી શકતી નથી.

સત્યાગ્રહ કરવાની ફરજ પાડશો !

ઉપરના કાગળનો શ્રી. વલ્લભભાઈ એ નીચે પ્રમાણે જવાબ આપ્યો, જે આ પત્રવ્યવહારમાં છેવટનો કાગળ છે :

બ્રૂમફીલ્ડ કમિટીના બીજી રીતે સરસ રિપોર્ટમાં દેખીતી ભૂલો વિષે હવે તમારી સાથે હું દલીલ ન કરું. મેં તો સમાધાની વેળા સરકારને કહ્યું હતું કે કમિટીની ભલામણો બંને પક્ષ અક્ષરશઃ સ્વીકારે એવી સમાધાનીમાં એક કલમ મૂકો, પણ તે સરકારે જ નહોતી સ્વીકારી. છતાં આ ભૂલોની ખાતર હું સરકારની સાથે સત્યાગ્રહ કરવા નથી ઇચ્છતો. જે એક ભવ્ય સિદ્ધાન્ત છે તેને મારાથી એમ સસ્તો નહિ કરી મૂકી શકાય.

બીજી બાબતમાં સરકારે જે વૃત્તિ ધારણ કરી છે તેથી મને અફસોસ થાય છે. એ બાબતમાં મને તો મારી ફરજ સ્પષ્ટ ભાસે છે, અને હું સરકારને નોટિસ આપું છું કે જો નવા કાયદાને પરિણામે જે નવાં રિવિઝન થાય તેથી બારડોલીચોર્યાસીને લાભ થતો હોય તો મારે એ તાલુકાના ગરીબ ખેડૂતોને માટે એ કાયદાના અમલના લાભ માટે આગ્રહ ધરવો પડશે, અને તેમ કરવા ખાતર સત્યાગ્રહ કરવાનું જોખમ ખેડવું પડશે તો તે પણ હું કરીશ.