બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/સરકારની ધમકીઓ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← લડત કેમ મંડાઈ? બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
સરકારની ધમકીઓ
મહાદેવભાઈ દેસાઈ
સમાધાનીનો પત્રવ્યવહાર →
પરિશિષ્ટ ૨

સરકારની ધમકીઓ

૩૧ મી મેનું સરકારી જાહેરનામું

વેચાયેલી જમીન પાછી ન મળે

બારડોલી તાલુકાના અને વાલોડ મહાલના ખેડૂતોએ બહારના લોકોની મદદથી ગયા ફેબ્રુઆરીથી નવી જમાબંધી મુજબનો સરકારધારો ભરવાનો એકસામટો ઇનકાર કર્યો છે. સેટલમેંટ ઑફિસરે ૩૦ ટકાનો વધારો સૂચવ્યો હતો, સેટલમેંટ કમિશનરે ૨૯ ટકાની ભલામણ કરી હતી, સરકારે ખૂબ કાળજીપૂર્વક તપાસ કર્યા બાદ અને ખેડૂતો તેમજ ધારાસભાના કેટલાક સભ્યો તરફથી ઉઠાવવામાં આવેલા વાંધાઓનો પૂરેપૂરો વિચાર કરીને છેલ્લાં ત્રીસ વર્ષથી ચાલતા આવેલા જૂના મહેસૂલ ઉપર ૨૦ ટકાનો વધારો ઠરાવ્યો હતો. એપ્રિલની અધવચ સુધી તો મહેસૂલી અધિકારીઓએ ફક્ત ચોથાઈ નોટિસો જ કાઢી હતી, અને જપ્તીના પ્રયત્નો માત્ર જ કર્યા હતા. પણ વ્યવસ્થિત રીતે અખાડા થવાથી, ઘરોને તાળાં લગાડેલાં હોવાથી તેમજ ગામના પટેલોને અને વેઠિયાઓને બહિષ્કાર તથા નાતબહારની ડરામણી દેવાયાથી જપ્તીની ગોઠવણ તૂટી ૫ડી હતી.

સરકારે એ પછી નાખુશી સાથે જમીન તથા ભેંસ અને જંગમ મિલકત જપ્ત કરવાનું વ્યવસ્થિત રીતે શરૂ કર્યું. જપ્તીના કામ માટે તથા જપ્ત કરેલાં ઢોરોની સંભાળ રાખવા માટે મામલતદાર અને મહાલકરીઓની મદદમાં ૨૫ પઠાણો મેળવવામાં આવ્યા હતા. આ પઠાણોની સામે બિનપાયાદાર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. સરકારને ખાતરી છે કે એમની ચાલચલગત દરેક રીતે નમૂનેદાર છે. જપ્તીમાં લેવાયેલી ભેંસોની સંભાળ રાખવા માટે મોટાં થાણાં ઉપર, અને મામલતદાર તથા ચાર મહાલકરીઓની દેખરેખ નીચે જપ્તી કરવા માટે પાંચપાંચની ટુકડીમાં તેમને રોકવામાં આવ્યા છે. સરકારના એક જવાબદાર અમલદારની દેખરેખ નીચે પાંચપાંચની પાંચ ટુકડીઓમાં કામ કરતા પઠાણો, કેટલાંક છાપાંમાં આક્ષેપ કરવામાં આવ્યો છે તેમ ૯૦,૦૦૦ વસ્તીને, ત્રાસ પમાડી શકે એ ખ્યાલ માત્ર પણ માનવા જેવો નથી. આમ છતાં, અસહકારી આગેવાનો વેઠિયાઓને દમદાટી આપતા બંધ પડશે અને તેમને તેમનું કાયદેસરનું કામકાજ કરવા દેશે, એટલે પઠાણોને રાખવાની જરૂરત રહેશે નહિ અને તેમને પાછા મોકલી દેવામાં આવશે.

મહેસૂલ નહિ ભરનારા બિનખાતેદારોને જપ્તીની નોટિસ આપવામાં આવી છે, અને સાથે ચેતવણી પણ આપવામાં આવી છે કે તેમને આપવામાં આવેલી નોટિસની મુદ્દત પૂરી થતાં તેમની જમીનો પડતર તરીકે સરકારમાં નોંધવામાં આવશે તેમજ વખત આવ્યે એના માગનારને વેચી દેવામાં આવશે; અને આવી રીતે વેચી દેવામાં આવેલી જમીનો ફરીથી તેમને પાછી આપવામાં નહિ આવે.

આજ તારીખ સુધીમાં આવી ૧,૪૦૦ એકર જમીનનો નિકાલ કરી દેવામાં આવ્યો છે, અને બીજી ૫,૦૦૦ એકર જેટલી જમીન તેના ઉપરની મહેસૂલ બાકી જલદીથી ભરવામાં નહિ આવશે તો સમય થયે વેચી નાંખવામાં આવશે.

આ બધી જમીન ખરીદવા માટે હિંદુ, મુસલમાન અને પારસી અરજી આપે છે, અને અરજી આપનારા ઉમેદવારોમાંના ઘણા તો સૂરત જિલ્લાના જ રહેવાવાળા છે. આ ઉપરથી ખુલ્લું છે કે આ ઉમેદવારોને મહેસૂલ ભારે છે અને તેઓ તે ભરી શકશે નહિ એવો કશો જ ભય નથી.

મોટી જમીન ધરાવનારા ખાતેદારોની જમીનનો નાનો ટુકડો એવી જ રીતે પતાવી દેવામાં આવ્યો છે.

બીજા ખેડૂતોની હોય એવી જમીનોને જપ્ત કરવા વિષેની નોટિસો કાઢવામાં આવી છે અને કેટલાક દાખલાઓમાં વેચાણની જાહેરાત પણ કરવામાં આવી છે. આવી રીતે જેમનો નિકાલ કરવામાં આવ્યો છે એવી જમીનનું ક્ષેત્રફળ સારું જેવું છે.

સરકાર બારડોલી અને વાલોડના ખેડૂતોનું આ સત્ય હકીકત તરફ ધ્યાન દોરવા ઇચ્છે છે. અસહકારી આગેવાનો કહેતા હતા કે સરકારને જમીનનો એક પણ ટુકડો જપ્ત કરતાં ડર લાગશે, અને જપ્ત કરે તોપણ કોઈ તેનો કબજો લેવા આગળ આવી શકશે નહિ. વળી તેઓ કહેતા હતા કે જપ્તીમાં લીધેલી ભેંસોને કોઈ પણ જણ ખરીદ કરવાની હિંમત ધરી શકશે નહિ. આ બધું કહેવું સાવ ખોટું ઠર્યું છે. તેઓ આગળ ઉપર વળી કહેતા હતા કે કશું પણ મહેસૂલ ભરાશે નહિ, આ કથન પણ આગળ જેવું જ ખોટું છે. અત્યારસુધીમાં, તાલુકા અને મહાલના મહેસૂલની વસૂલાત પેટે સરકારને લાખ રૂપિયા મળી ગયા છે; એટલે કે કુલ જમીનમહેસૂલના છઠ્ઠા ભાગ જેટલું ભરાઈ ગયું છે, આ પણ નોંધવાજેવું છે કે પડોશના ચોર્યાસી તાલુકામાં, બારડોલી કરતાં નવી જમાબંધીવધુ હોવા છતાં તેમજ આ જ વર્ષે તે દાખલ કરવામાં આવી હોવા છતાં મહેસૂલનો નવદશાંશ કરતાં યે વધુ ભરાઈ ગયો છે.

બધી નાતજાતના જમીન ધરાવનારાઓ તરફથી બારડોલી અને વાલોડમાં મહેસૂલ આવી ગયું છે. પરન્તુ નાતબહારના સામાજિક બહિષ્કાર અને દંડથી અસહકારી આગેવાનો સરકારને તેમનું કાયદેસરનું દેણ ભરનાર લોકોને દમદાટી આપે છે — તેમને પજવવામાં નહિ આવે એ હેતુથી સરકારી અમલદારોએ તેમનાં નામો ગુપ્ત રાખ્યાં છે.

સરકાર માને છે કે બીજા ઘણા ભરવાને આતુર છે, અને સરકાર તેમને પૂરતી તક આપવા તેમજ તેમ કરીને તેમને જમીન ખોવામાંથી બચાવવા ઇચ્છે છે. તેથી તેમને જણાવવામાં આવે છે કે (૧) મહેસૂલ નહિ ભરનારાઓને ચોથાઈ દંડમાંથી મુક્ત રાખવાની કલેક્ટરને સત્તા છે તથા જેઓ ૧૯ મી જૂને કે તે પહેલાં મહેસૂલ ભરી દેશે તેમને જ તે આવી રાહત આપી શકશે, અને (૨) મહેસૂલભરણું ગમે તે સરકારી અમલદાર દ્વારા કે તાલુકા, મહાલ અથવા હજૂર તિજોરીમાં થઈ શકશે.

ફરી તપાસ માગીને પસ્તાશો

જમીનમહેસૂલની ફરી આકારણી થઈ તે કેવી રીતે થઈ તેનો અભ્યાસ કરવાથી કોઈ પણ ન્યાયબુદ્ધિવાળા માણસની ખાતરી થશે કે સરકાર વાજબી કરતાં વધારે સારી રીતે અને ઉદારતાથી વર્તી છે. … લોકોની તકરાર પછી પાછી તપાસ પણ થઈ ચૂકી છે, કારણ રેવન્યુ મેમ્બર મિ. રૂ રજા ઉપર ગયા ત્યારે મિ. હેચ નામના અતિશય અનુભવી રેવન્યુ અમલદારે તેમની જગ્યા લીધી. મિ. હેચ નિષ્પક્ષ બુદ્ધિથી બધા કાગળો તપાસી ગયા છે, અને તેમની ખાતરી થઈ છે કે ગણોતો વગેરે બાદ કરીએ તોપણ (કારણ ગણોતોની સામે વાંધો લેવામાં આવ્યો છે) માલના ભાવ, વેચાણ વગેરે ધ્યાનમાં લેતાં સરકારે જે વધારો સૂચવ્યો છે તે જોઈતો હતો તેનાં કરતાં ઓછો છે, અને જો ફરી તપાસ કરવામાં આવે તો મહેસૂલ કશું ઓછું થવાને બદલે ઊલટું વધારે વધવાનું પરિણામ આવશે. હું તમને ખાતરી આપું છું કે સરકારનો એક પણ સભ્ય એવો નથી કે જેની ખાતરી ન થઈ હોય કે સરકારે વધારેલું મહેસૂલ ન્યાયી જ નહિ પણ ઉદારતાભર્યું હતું. (નામદાર ગવર્નરનો શ્રી. મુનશીને પત્ર તા. ૨૯ મે, ૧૯૨૮.)

ગવર્નરનું આલ્ટિમેટમ

(૨૩મી જુલાઈએ ધારાસભા આગળ કરેલા ભાષણમાંથી ઉતારો)

ગયા બુધવારે હું સૂરત જઈ આવ્યો છું. છતાં કશું સમાધાન આવી શક્યું નથી, અને સરકારને પોતાના આખરી નિશ્ચયો બહાર પાડવામાં વિલંબ કરવો હવે ચાલી શકે એમ નથી. સરકાર માને છે, અને મને ખાતરી છે કે તમે સહુ માનવંતા સભાસદો પણ તેમાં સંમત થશો કે આવી અગત્યની બાબત વિષે ઈલાકાના લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગળ કોઈ પણ જાહેરાત કરવી ઘટે; ખાસ કરીને છેલ્લા કેટલાક મહિનાઓના બનાવોને લીધે અને અંદાજપત્રની બેઠક વખત આ ઉપર લેવાયેલા મતને લીધે આ માર્ગ યોગ્ય છે, એટલું જ નહિ પણ એ બંધારણપુરઃસર છે; અને મારા ઓદ્ધા દરમ્યાન મેં બંધારણસર જ ચાલવાનો પ્રયત્ન કર્યો છે. આથી અત્યારની પરિસ્થિતિ વિશેના સરકારના અભિપ્રાયો અને હિંદી સરકારે બહાલ રાખેલા સરકારના ચોકસ અને વિચારપૂર્ણ નિર્ણયો આ માનવંત સભા આગળ હું રજૂ કરવાની તક લઉં છું.

હું ઈરાદાપૂર્વક કહું છું કે આ નિર્ણયોને હિંદી સરકારે બહાલી આપી છે, કારણ કે બારડોલીમાં ઊભા થયેલા મુદ્દાઓમાં વ્યાપક તત્ત્વ સમાયેલું છે અને ખરેખર એ સવાલે આખા હિંદુસ્તાનનો હોવાનું સ્વરૂપ લીધું છે. છેલ્લાં અઠવાડિયામાં આ વિષચ ઉપર જાહેર પુરુષો અને બીજાઓએ એટલાં તો વિવેચનો કર્યાં છે કે વિચારોનો કાંઈ ગૂંચવાડો થાય તેમાં કશી નવાઈ નથી. મારી સરકારે તેમના ઉપર હમેશાં ઠસાવ્યું છે કે મુદ્દાનો સવાલ સ્પષ્ટ છે — બારડોલી તાલુકાના જમીનદારોની મહેસૂલઆકારણી વાજબી છે કે ગેરવાજબી. પણ જો હમણાં અપાતાં અને લખાતાં ભાષણો અને કાગળો ઉપર તેમજ જિલ્લાના કારોબારમાં હાથ નાંખનારાં લેવાયેલાં અને હજી લેનારાં પગલાં ઉપર સરકારે જે મુદ્દાનો નિકાલ બાંધવાનો હોય તો તો સવાલ વિશાળ સ્વરૂપ લે એમ છે — ખરી રીતે એક વાક્યમાં તે આમ મૂકી શકાય : નામદાર શહેનશાહના ફરમાનનો અમલ ચાલે કે કેટલીક બિનસરકારી વ્યક્તિઓનું રાજ ચાલે છે ? એ સવાલને, અને એ જ સવાલ હોચ તો તેને, સરકાર પોતાની પાસે છે તે સર્વ સામગ્રીશક્તિથી પહોંચી વળવા તૈયાર છે; અને તપાસ સ્વીકારવાનું વચન આપવામાં આવે તે પહેલાં તે માટે સરકારે મુકેલી જરૂરી શરતો જિલ્લાના પ્રતિનિધિઓ સ્વીકારે છે કે નકારે છે તે ઉપરથી સરકાર અને ઇલાકાની પ્રજા તેમજ હિંદી સરકાર આગળ મુદ્દાનો કયો સવાલ ઊભો છે તે સ્પષ્ટ રીતે દેખાઈ આવશે.

જો નવા મહેસૂલના ન્યાયી કે અન્યાયીપણાનો જ સવાલ હોય તો તો, આખું મહેસૂલમાગણું ભરાઈ જાય તે પછી અને અત્યારની હિલચાલ સદંતર બંધ કરવામાં આવે તે પછી સરકાર, સરકારી યાદીમાં જણાવવામાં આવેલી સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર તપાસકમિટીને આખો સવાલ સોંપવા તૈયાર છે. આ દરખાસ્તો મૂકવામાં સરકારને સૌથી વિશેષ એ ઈંતેજારી રહી છે કે બારડોલી તાલુકાના ખેડૂતો આજે મહેસૂલ નહિ ભરવાની હિલચાલને પરિણામે, — જે હિલચાલના ન્યાયીપણા વિષે આ સભાના કેટલાક સભ્યોને શંકા છે, — જે કમનસીબ પરિસ્થિતિમાં પટકાયા છે તેમાંથી તેમને જેમ બને તેમ તેમ જલદી ઉગારી લેવા. આથી, બારડોલી તાલુકાના ખેડૂતોના પ્રતિનિધિ તરીકે મને સૂરત ખાતે મળવા આવેલાઓ આગળ મેં સરકાર વતી જે દરખાસ્તો રજૂ કરી હતી તે જ માનવંતા સભાસદો આગળ હું મૂકું છું. એ દરખાસ્તો છાપામાં આવી ગઈ છે એટલે તે ફરીથી કહી જવાની જરૂર નથી, પણ આટલું તે મારે સ્પષ્ટ કરવું પડશે કે એ દરખાસ્તો કંઈ સમાધાનીના ભાગ તરીકે નહિ પરન્તુ સરકારના ચોકસ અને છેવટના નિર્ણયરૂપે જ છે. એ દરખાસ્તો વાજબી છે, અને ગમે તે વિનીત માણસને તે માન્ય રહે એવી છે. તે દરખાસ્તોમાં ફેરતપાસ માટે આવશ્યક એવી કેટલીક શરતો જણાવવામાં આવી છે, અને તેમાં કશો ફેરફાર કરી શકાય નહિ. આ દરખાસ્તોમાંનો મુદ્દો લઈશ, અને તે નવી આંકણી મુજબનું સરકારી મહેસૂલ ભરપાઈ કરવા વિષેનો. આ શરત મૂળમુદ્દાની છે, અને તે કાયદેસર તેમજ બંધારણસરની માંગણી છે. એને ઇનકાર કરવા એ બિનકાયદેસર અને રાજબંધારણ વિદ્ધ છે. સુરત ખાતે મને જણાવવામાં આવ્યું હતું કે આ નવું મહેસૂલ ભરવા વિષેની શરત સ્વીકારી શકાય એમ નથી, અને પરિણામે સમાધાની થઈ શકે નહિ. આમ છતાં, માનવંતા સભાસદોને હું યાદ દેવા ઈચ્છું છું કે તેમને, અને ખાસ કરીને બારડોલી તાલુકામાં રહેતા લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિરૂ૫ સભ્યોનો, તેમના મતદારોની વતી અને તેમના હિતમાં બોલવાનો બંધારણપુરઃસરનો અધિકાર છે. તે સભ્યોનાં અને આ સભાના માનવંતા સભાસદોનાં મનમાં ખેડૂતોના કલ્યાણનો જ વિચાર આગળપડતો હશે એ વિષે મને ખાતરી છે, અને હું ખરા દિલથી વિશ્વાસ રાખું છું કે માનવંતા સભાસદો આ વિષય વિષે આ જ વિચારોથી પ્રેરાશે. નિઃસંશય, આ વસ્તુસ્થિતિને વધુ ચાલવા દઈ શકાય જ નહિ, અને આખરી નિર્ણય જેમ બને તેમ જલદી થવો જ જોઈએ. સરકાર આથી લાગતાવળગતા સભ્યોને જણાવે છે કે ફેરતપાસને માટે અવશ્ય પળાવી જોઈએ એવી શરતો તેઓ તેમના મતદારોની વતી સ્વીકારે છે કે નહિ તે તેમણે આજથી ચૌદ દિવસમાં નામદાર મહેસૂલખાતાના સભ્યને લખી જણાવવું.

હું નથી માની શકતો કે આ શરતોના ઈનકારથી આવતાં પરિણામો જેવાં કે ખેડૂત ઉપર પડતી જબરી હાડમારી, ઊભી થતી કડવાશની લાગણી અને સરકાર તેમજ લોકો વચ્ચે આવી લડતનું આવતું ચોકસ પરિણામ — જોતાં આ શરતો ફેંકી દેવામાં આવે, છતાં પણ, હું સાફ કહેવાની ફરજ સમજું છું કે આ શરતો સ્વીકારવામાં નહિ આવે, અને પરિણામે સમાધાની સધાચ નહિ, તો સરકાર કાયદાની પૂર્ણ સત્તા જાળવવા માટે જરૂરી અને વાજબી લાગે એવાં પગલાં લેશે, અને સરકારની કાયદેસરની સત્તા હરરસ્તે પળાય એટલા સારુ પોતાની સર્વ શક્તિઓનો તે ઉપયોગ કરશે. ખાનગી વ્યક્તિઓ કાયદાથી ઉપરવટ રહેવાનો પ્રયત્ન કરે કે બીજાઓને તેમ કરવાને પ્રેરે એવાં બંધારણોમાં ભાગ લે તે ન તો મુંબઈ સરકાર કે ન તો કોઈ પણ બીજી સરકાર સાંખી શકે. આવું ચાલવા દેવું એટલે સરકારનો મૂળમૂદ્દેથી છેદ ઉરાડી દેવો; અને સરકાર નામને લાયક એવી કોઈ પણ સરકાર, કોઈ પણ દેશમાં, આવાં કામને અટકાવવા કે દબાવવા પોતાની સર્વસત્તા ન અજમાવે એ કલ્પનામાં પણ ન આવી શકે — પછી ભલેને આના પરિણામો ગમે તે આવે.

મેં આ ઉદ્‌ગારો કાઢ્યા છે તે કોઈ પણ રીતે ધમકી તરીકે લેખવાના નથી. મારા મનમાં એવું કશું જ નથી. એ વસ્તુસ્થિતિની માત્ર રજૂઆત છે. છતાં મારી સ્પષ્ટ ફરજ છે કે સરકારની સ્થિતિ વિષે ફરીવાર ગેરસમજ કે ખોટી રજૂઆત થાય નહિ એટલા ખાતર મારે એ આ માનવંતી સભાને અને બારડોલી તાલુકાની રૈયતને ખુલ્લું કહેવું જોઈએ.

અત્યારે બારડોલી તાલુકામાં સવિનય કાનૂનભંગની હિલચાલ ચાલી રહી છે એની તો ખરેખર કોઈ માનવંત સભાસદ ના પાડી શકે એમ નથી, અને સવિનય કાનૂનભંગ એક અંધાધૂધી જ છે એ વિશે માનવંતા સભાસદોને યાદ આપવાની મારે ભાગ્યે જ જરૂર હોય ભલે ને આમાં સામેલ રહેનારાઓને પાકે પાયે ખાતરી હોય કે તેમનો દાવો ન્યાયપુરઃસરનો છે, પરંતુ અંધાધૂંધી તે અંધાધૂંધી જ છે — ભલે ને તે અંધાધૂંધી પેદા કરાવનારા કે તેમાં સામેલ રહેનારાએ પોતાના વિચારમાં મક્કમ હોય, અથવા તો ભલે ને એ અંધાધૂંધીથી કેટલાંક સ્ત્રીપુરુષોમાં બીજાં સારાં કાર્યોને ચોગ્ય હોય એવા ગુણો આવે. વળી, કોઈ પણ રાજદ્વારી બંધારણે કાયદાની અવગણના કરવાથી આવનારાં અનિવાર્ય પરિણામોનો જાહેર પ્રજામતને સ્પષ્ટ સમજ હોવી જોઈએ. એક વખત માણસોને ખાતરી થઈ જાય કે કાયદેસર રીતે સ્થપાયેલી કારોબારી સત્તાને ઊંધી પાડવી એ વાજબી છે, તો તો પછી ધારા બનાવવાનું કાર્ય કરતી ધારાસભાને પડકારી નાંખતાં કે કાયદાની અર્થવ્યાપ્તિ આપતા ન્યાયખાતાને પક્ષપાતનો આરોપ ઓઢાડતાં તેમને કશી વાર લાગવાની નથી. આમ સામાજિક જીવનના પ્રત્યેકક્ષેત્રમાં કાયદા માટેનું માન એ તલસ્પર્શી મુદ્દો છે, અને કોઈ શહેરી કેશહેરીઓના તરંગથી તેને ઉથલાવી નાંખવાનો પ્રયત્ન કરવો એનો અર્થ સીધી અરાજતા જ છે.”