બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/તાજા કલમ
← અભિનંદન | બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ તાજા કલમ મહાદેવભાઈ દેસાઈ |
રળિયામણી ઘડી → |
“જ્યાં સુધી પોતાની ભૂલ કબૂલ કરતાં સરકાર શરમાય છે ત્યાં સુધી આપણે સમજી શકીએ છીએ કે એના ઉદ્ધારનો હજી દિવસ આવ્યો નથી.”
ગયાં પ્રકરણો વાંચનારને કહેવાની જરૂર નથી કે બારડોલીની સમાધાની સરકારે રાજીખુશીથી નહોતી કરી. સરકાર નમી તે લોકોની માગણી ન્યાય્ય છે એમ સમજીને નહિ, પણ તેને લાગ્યું કે હવે ત્રાસનીતિ ઝાઝી ચાલી શકે એમ નથી તેથી.[૧] ૧૯૨૮ ના ઑગસ્ટ મહિનાના મધ્યમાં ‘યંગ ઇંડિયા’માં લખતાં ગાંધીજીને નોંધવું પડ્યું હતું કે સિવિલ સર્વિસમાં હૃદયપલટો થયો નથી. તેમણે લખ્યું હતું :
“એમ સાંભળીએ છીએ અને જોવામાં પણ આવે છે કે સિવિલ સર્વિસને સમાધાનીથી સંતોષ થયો નથી. જો તેને સંતોષ થયો હોત તો સરદાર અને તેમનાં કાર્યો વિષે જે જૂઠાણાનો ધોધ ચાલી રહ્યો છે તે બંધ થયો હોત. ”
અરે, બંધ થવાને બદલે એ વધ્યો, કારણ છેક બે માસ પછી જૂઠાણાંમાં જ પોતાનું જોર માનનાર સરકારના એ મુખપત્રે ‘બારડોલીની આફત’ નામનો પોતાના ખબરપત્રીનો એક પત્ર બહાર પાડ્યો હતો જેમાં તેણે લખ્યું હતું કે શ્રી. વલ્લભભાઈએ બારડોલીમાં સત્યાગ્રહસેના હતી તેવડી જ કાયમ રાખી છે, સરદાર સમાધાની થઈ છે એમ માનતા નથી, એટલું જ નહિ પણ તે અને તેમના સાથીઓ તપાસસમિતિને માટે પુરાવા એકઠા કરી રહ્યા છે, અને સમિતિની આગળ ઘણા ખેડૂતો પુરાવો આપે એમ ઈચ્છતા નથી, કારણ એકબીજાને તોડે એવો પુરાવો આપે તો તેમનો કેસ માર્યો જાય. આમાંથી એક વાત સત્ય નહોતી. કારણ શ્રી. વલ્લભભાઈ તો આખો વખત બારડોલીની બહાર હતા, અને તેમણે આ લેખ જોયો એટલે તુરત એનું પોકળ ખોલનારું એક નિવેદન બહાર પાડ્યું. વલ્લભભાઈનું આ નિવેદન એ વર્તમાનપત્રે પ્રસિદ્ધ તો કર્યું, પણ આગલાં જૂઠાણાં માટે ન દિલગીરી બતાવી કે તે ખેંચી લીધાં. ઊલટાં પેલાં મૂળ જૂઠાણાં લંડન જેમનાં તેમ તારથી મોકલવામાં આવ્યાં ! અને આ બધું બારડોલીની તપાસસમિતિના સભ્યોની નિમણૂક થઈ તેના બેપાંચ દિવસ અગાઉ.
આમ તપાસને ખરાબ કરનારા આવા પ્રયત્નો શ્રી. વલ્લભભાઈ સાંખી શક્યા નહિ એટલે તેમણે સરકારના રેવન્યુ મેમ્બરને એક કાગળ લખીને પુછાવ્યું કે કમિટીમાં કયા અમલદારોને નીમવા ઈચ્છો છો. તેમણે એ પણ જણાવ્યું કે સમાધાનીની આખી મસલત દરમ્યાન તેમની અને બીજા મિત્રોની સમજ એવી હતી કે ન્યાયખાતાનો અમલદાર મિ. ડેવીસ નીમવામાં આવશે, અને એની સામે શ્રી. વલ્લભભાઈને વાંધો નહોતો. સરકારે આ વાતનો તદ્દન ઇનકાર કર્યો. મિ. બ્રૂમફીલ્ડ અને મિ. મૅક્સવેલની નિમણૂક જાહેર કરી, પણ શ્રી. વલ્લભભાઈને તાર કર્યો કે પૂના આવી જાઓ તો મિ. ડેવીસને નીમવામાં અડચણો છે તે સમજાવવામાં આવે. શ્રી. વલ્લભભાઈ ગયા — સરકારની પાસે ખુલાસો મેળવવાની આશાથી નહિ પણ પેાતાને એક પ્રકારનો વસવસો રહેતો હતો તે દૂર કરવા. જ્યારે સમાધાનીની શરતો નક્કી થઈ ત્યારે સર ચુનીલાલ મહેતા અને વલ્લભભાઈની વચ્ચે કેટલીક બાબતો વિષે ચોખ્ખી સમજ હતી — એમાંની એક મિ. ડેવીસની નિમણૂક હતી, અને બીજી સત્યાગ્રહ દરમ્યાન ચેાથાઈ વગેરે જે દંડો ખેડૂતોની પાસે લીધા હોય તે માફ કરવાની. કેદીઓને છોડવામાં આવ્યા હતા અને જપ્ત કરેલાં લાઇસન્સ પાછાં આપવામાં આવ્યાં હતાં, પણ ચોથાઈ દંડ પાછા આપવામાં આવ્યા નહોતા. જે સત્યાગ્રહીઓની જંગમ મિલકત જપ્ત થઈ નહોતી અને જેમણે સમાધાની થઈ ત્યાં સુધી એકે કોડી ભરી નહોતી તેમને આ ચોથાઈ દંડ આપવાનો નહોતો તો જેમના ઉપર લડત દરમ્યાન જપ્તીઓ થઈ હતી અને જેમણે ઢોરઢાંખર ખોયાં હતાં તેમણે શા સારુ ચોથાઈનો વધુ દંડ આપવો જોઈએ ? દુઃખની વાત તો એ હતી કે જેઓ સત્યાગ્રહમાં જોડાયા નહોતા પણ કેટલોક સમય પૈસા ભર્યા નહોતા અને પાછળથી ભર્યા હતા તેમની પાસે પણ આ દંડ લેવામાં આવ્યો હતો. શ્રી. વલ્લભભાઈ સમાધાની થઈ ત્યારથી રા. બ. ભીમભાઈ નાયકને કહ્યા કરતા હતા કે આ દંડની રકમ પાછી મેળવી લો. રાવ બહાદુર કલેક્ટરને મળ્યા હતા, રેવન્યુ મેમ્બરને મળ્યા હતા, પણ કંઈ વળ્યું નહોતું. શ્રી. વલ્લભભાઈને આ વાત બહુ ખટકતી હતી, અને તેમને લાગતું હતું કે કમિટીના સભ્યોની નિમણૂક વિષે પોતે પોતાનો વાંધો ખેંચી લે તોપણ આ વસ્તુ તો છોડી દઈ શકાય એવી નહોતી જ. એટલે રેવન્યુ મેમ્બરે જ્યારે મિ. ડેવીસને નીમવાની સરકારની અશક્તિનો ખુલાસો આપ્યો ત્યારે શ્રી. વલ્લભભાઈએ તેમને કહ્યું કે મિ. ડેવીસ ન નિમાયા તે સાંખી લેવાને તૈયાર છું — કારણ એકવાર બે અમલદારની નિમણૂક જાહેર કર્યા પછી તે ફેરવવાની સરકારની મુશ્કેલી હું સમજી શકું છું, પણ આ ચોથાઈ દંડ પાછો આપવાનું ન બને તો તે સત્યાગ્રહીઓ તપાસસમિતિ વિના ચલાવી લેશે, કારણ સમાધાનીમાંથી જે વસ્તુ સ્વાભાવિક રીતે ફલિત થાય છે તેટલી પણ ન કરવામાં આવે તો સરકારની દાનત વિષે સૌ કોઈને શંકા થાય. રેવન્યુ મેમ્બર પ્રથમ તો એકના બે ન થયા, એટલે શ્રી. વલ્લભભાઈ તેમની રજા લઈને પોતાને મુકામે પાછા ફર્યા. પણ રેવન્યુ મેમ્બરને તરત પોતાની ગંભીર ભૂલ સમજાઈ, તે તુરત ગવર્નરની પાસે દોડ્યા, અને શ્રી. વલ્લભભાઈ પૂનાથી પાછા નીકળવા ઊપડે તે પહેલાં તેમને હાંફળા હાંફળા આવી મળ્યા અને કહેવા લાગ્યા : ‘નામદાર ગવર્નર કહે છે કે ચોથાઈ દંડની બાબત નજીવી છે એટલે તે વિષે કંઈ મુશ્કેલી ન હોવી જોઈએ, માત્ર શ્રી. વલ્લભભાઈએ કમિટીની નિમણૂક સ્વીકારવી જોઈએ.’ ફરી એકવાર સિદ્ધ થયું કે નામદાર ગવર્નર જ્યારે શાંતિને માટે ઉત્સુક હતા ત્યારે તેમના સલાહકારો કેવળ ન્યાય આપવાને પણ તૈયાર નહોતા અને લડત સળગાવતાં પાછું ફરીને જુએ એવા નહોતા.
આવું વાતાવરણ ચાલુ રહે તો ખેડૂતને ન્યાય શી રીતે મળે ? એટલે વિચક્ષણ સરદારે પૂનાથી નીકળતાં રેવન્યુ મેમ્બરને એક પત્ર લખ્યો તેમાં જણાવ્યું : “કમિટીની નિમણૂક તો હું સ્વીકારું છું, પણ તે એવી સ્પષ્ટ શરતે કે તપાસ દરમ્યાન કોઈ પણ વખતે મને લાગે કે ન્યાયસર કામ નથી થતું, અથવા તપાસને અંતે મને એમ લાગે કે કમિટીનો નિર્ણય પુરાવામાંથી નીકળી શકે એવો નથી અને અન્યાય્ય છે તો સરકારને પાછી લડત આપવાની મને છૂટ રહેશે.’ આનો જવાબ રેવન્યુ મેમ્બરે આપ્યો હતો તેમાં આ શરત વિષે તેમણે વાંધો લીધો નહોતો.
સરદારે તો ‘ચેતતો નર સદા સુખી’ એ સૂત્રને અનુસરીને જ આટલી સાવધાની રાખી હતી.
- ↑ * સને ૧૯૨૯ માં નવા ગવર્નરે બારડોલી વિષે બોલતાં જે ઉદ્ગારો કાઢ્યા અને રેવન્યુ મેમ્બર મિ. રૂએ જે ભાષણ કર્યું તે સરકારની નફટાઈ બતાવવાને માટે પૂરતાં હતાં. આ પ્રકરણ ૧૯૨૮ માં લખાયું હતું.