બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/અભિનંદન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સત્યાગ્રહનો જયજયકાર બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
અભિનંદન
મહાદેવભાઈ દેસાઈ
તાજા કલમ →૩૨
અભિનંદન

“બાપુનો સંદેશ ભાંગ્યોતૂટ્યો પણ લોકોને પહોંચાડનારા કેટલા ઓછા છે ? બાકી કોણ આપણે ? આપણે કર્યું શું ? બાપુએ નાહકના ચડાવી માર્યા.”

માધાનની વાત દેશમાં વીજળીની જેમ ફરી વળી, અને સરદાર ઉપર અભિનંદનના તારો વરસ્યા તથા દેશનાં સઘળાં વર્તમાનપત્રોમાં પ્રશંસાના લેખો ઊભરાયા.

એ બધાનો અહીં ઉલ્લેખ કરવો તો શક્ય નથી, પરંતુ લડતના અંત વિષેના મુખ્ય મુખ્ય નેતાઓના અભિપ્રાય ટાંકીશ. અહીં જે પુષ્પોની નાની માળા હું ગૂંથવા ધારું છું તેમાં સૌથી અગ્રસ્થાન શ્રીમતી સરોજિની દેવીના અભિનંદનને ઘટે છે. ગાંધીજી ઉપરના પત્રમાં તેમણે લખ્યું હતું:

“જેના ઉપર આવી પડે તેને રાત્રે કેવા આકરા ઉજાગરા કરવા પડે છે તેની જગતને ક્યાં ખબર પડે છે ? બારડોલીના લોકોએ રાતોની રાતો સુધી એવા કેટલાય આકરા ઉજાગરા કર્યા છે ! … પણ મને આનંદ થાય છે કે આજે રાત્રે તો એ ભયાનક દિવસોમાં જે લોકોએ ઊંઘ અને આરામ જાણ્યો નથી તેમને મીઠી નિદ્રા આવશે અને તેથીયે અધિક મીઠાં સ્વપ્નો આવશે. … સત્યાગ્રહીનું કાર્ય સમાપ્ત થયું એટલે તેને જે મીઠી નિદ્રા આવે છે તે તો દેવોની જ દીધેલી હોય છે. જર્મન ફિલસૂફના શબ્દો તમે જાણો છો ? — ‘તમારું કાર્ય એટલે યુદ્ધ, અને તમારી શાંતિ એટલે વિજય.’ બારડોલીમાં પણ એમ જ થયું. બારડોલીમાં આજે શાંતિની અને યુદ્ધના શાંત માર્ગની વિજયપતાકા ફરકે છે. … હમણાં જ મેં તમારા સત્યાગ્રહના ઇતિહાસનાં હૈયાને હલાવનારાં અને તાદૃશ  ચિતાર આપનારાં પાનાંમાંનું છેલ્લું પૂરું કર્યું, ત્યાં ટપાલમાં બારડોલીની સમાધાનીના ખુશખબર આવ્યા, જેને માટે ઘણા સમય થયા રાહ જોવાતી હતી. … સમાધાની બન્ને પક્ષને શોભે એવી છે. મેં ‘સરદાર’ વલ્લભભાઈને એક મહિના ઉપર લખ્યું હતું તેમ સત્યાગ્રહનો ઊંડો સાચો અર્થ ખરેખર ‘નિર્બલની સંપત છે’ — જેમને સાચી વસ્તુ મેળવીને સંતોષ છે, અને જેઓ અસત્યની માયા પાછળ ભમનારા નથી, તેમની સંપત છે. બારડોલી મારફત જગતને સત્યાગ્રહનો પદાર્થપાઠ આપવાનું તમારું સ્વપ્ન આજે બારડોલીએ પોતાની રીતે સફળ કર્યું છે.”

ગાંધીજી જેઓ તે પ્રસંગે બારડોલીમાં હતા તેમણે મુંબઈ સરકારને, બારડોલીના ખેડૂતોને અને શ્રી. વલ્લભભાઈને ‘યંગ ઈડિયા’માં અભિનંદન આપ્યું. તેમણે લખ્યું : “વલ્લભભાઈની દૃઢતા તેમજ નમ્રતા વિના આ સમાધાન થઈ જ ન શક્યું હોત.” “સત્યાગ્રહીઓએ જે માગ્યું હતું તે બધું તેમને મળ્યું છે. તપાસસમિતિના કર્તવ્યક્ષેત્રની આંકણી આપણે ઇચ્છીએ તેવી જ થઈ છે. એટલું છે કે મહેસૂલ વસૂલ કરવા માટે સરકારની દમનનીતિનાં કૃત્યોની બાબતમાં જે આક્ષેપો છે તે સંબંધમાં કશી તપાસ નથી થવાની. પરંતુ એ માગણી જતી કરવામાં શ્રી. વલ્લભભાઈ એ ઉદારતા દાખવી છે, કારણ ખાલસા થયેલી જમીનો, વેચાઈ ગયેલી જમીનો સુદ્ધાં પાછી મળવાની છે, તલાટીઓને ફરી પોતપોતાની નોકરી ઉપર ચડાવી દેવાના છે, અને બીજી ગૌણ બાબતો ઉપર પણ ધ્યાન આપવામાં આવનાર છે.”

લાલા લજપતરાયે ‘પીપલ’માં લખતાં જણાવ્યું : “સરકાર અને બારડોલીના ખેડૂતો વચ્ચેની લડતનું સમાધાન એ લોકપક્ષનો એક મહત્ત્વનો વિજય છે, તેમ જ સરકારને માટે પણ માનભરી વસ્તુ છે. સત્ય અને ન્યાયનો એ નૈતિક વિજય છે. વળી લોકમત જો સારી રીતે સંગઠિત કર્યો હોય અને તેની પાછળ બળ હોય તો તેના દબાણને સરકાર પણ વશ થાય તેવી છે એ આ સમાધાનમાં ચોકસ દેખાય છે. લડત મક્કમ અને સંગઠિત હોય અને તેની સાથે ભોગ આપવાની પૂરી તૈયારી હોય તો જ તે કાળે તેની અસર પડે જ છે.”

 સિમલામાં વલ્લભભાઈને દેખતાંની સાથે જ ‘ભલે પધારો બારડોલીના સરદાર ! તમે ઈતિહાસ ઘડ્યો છે’ એમ બોલીને ભેટી પડતા સ્વ. લાલાજીની મૂર્તિ હજી નજર આગળ તરે છે.

પંડિત મોતીલાલ નેહરુએ આ સમાધાનને કે ‘સુંદર વિજય’ કહીને ગાંધીજી અને શ્રી. વલ્લભભાઈ ને અભિનંદન આપ્યું.

શ્રી. રાજગોપાલાચારીએ લખ્યું : “ખરેખર આ વિજય અદ્ભુત છે, અને જે રીતે આ પરિણામ આવ્યું તે જોઈને મને બહુ આનંદ થાય છે. ગાંધીજીએ લખ્યું છે તેમ હજી તો બહુ કામ કરવાનું છે. હું આશા રાખું છું કે આખરે ખેડૂતોને ન્યાય મળશે જ. પરંતુ રાષ્ટ્રીયતાની અને નીતિની દૃષ્ટિએ વિજય મળી જ ચૂક્યો છે. આપણા દેશના ઇતિહાસમાં વલ્લભભાઈનું કાર્ય બહુ ભારે છે.”

પંડિત મદનમેહન માલવીયજીએ વલ્લભભાઈને અભિનંદન આપતાં કહ્યું : “સત્યાગ્રહની એક સચોટ જીત ચંપારણમાં થઈ હતી. બીજી અને તેના જ જેવી મહાન જીત બારડોલીની છે.”

શ્રી. કનૈયાલાલ મુનશીએ તાર કર્યો : “આપણા દેશના જાહેર જીવનના ઇતિહાસમાં અતિશય ઉજ્જવળ વિજય માટે અભિનંદન.”

શ્રી, સત્યમૂર્તિનો તાર હતો : “હાર્દિક અભિનંદન. સ્વરાજ્યના એકમાત્ર માર્ગમાં તમે આગેવાન થયા છો.”

શ્રી. શુભાશ બોઝે તારથી જણાવ્યું : “આ યશસ્વી વિજય માટે તમારી સાથે સારું હિંદ આનંદ અનુભવે છે. સત્યાગ્રહીઓ અને તેમના નેતાને વંદન.”

મૌ. શૌકતઅલી અને શ્વેબ કુરેશીએ ‘આપણા બહાદુર ભાઈઓ, સરદાર અને સાથીઓને’ તારથી અભિનંદન આપ્યા.

મિ. રિચર્ડ ગ્રેગે ગાંધીજી ઉપરના કાગળમાં લખ્યું: “બારડોલીના ખેડૂતોને, આપને અને શ્રી. વલ્લભભાઈ પટેલને હાર્દિક અભિનંદન. લડત ભવ્ય હતી અને સંગઠનની દૃષ્ટિએ તો આખા દેશને એક અસરકારક દૃષ્ટાન્તરૂપ તે થઈ પડશે. કિંમત તો ભારે આપવી પડી, પણ વિજયનાં પરિણામ સહન કરેલાં કષ્ટો કરતાં વધારે કીમતી છે. હું તો માનું છું કે ખેડૂતોની રગેરગમાં શરાબની માફક — જો આ ઉપમા સામે આપનો વાંધો ન હોય તો — એ ફરી વળશે.”

સર લલ્લુભાઈ શામળદાસે ‘ઇંડિયન નૅશનલ હેરલ્ડ’માં એક ખાસ લેખ લખ્યો. તેમાં તેઓ જણાવે છે, “તાલુકાના ખેડૂતોએ હિંસાનું એક પણ કૃત્ય કર્યા વિના આટલાં કષ્ટો સહ્યાં તેથી સારા હિંદુસ્તાનમાં જ નહિ પણ પરદેશમાં પણ તેમને માટે પ્રશંસા અને અજાયબી ઉત્પન્ન થઈ છે. ઉશ્કેરાયા વિના અને સામો ઘા કર્યા વિના લોકો કષ્ટો વેઠી લેશે એ વિષે હું અશ્રદ્ધાળુ હતો. આ લડતના કેટલાક આગેવાનો આગળ મારી અશ્રદ્ધા મેં વ્યક્ત કરી ત્યારે ખાસ કરીને શ્રી. મહાદેવ દેશાઈએ મને ખાતરી આપેલી કે જ્યાં સુધી આ લડત વલ્લભભાઈના કાબૂમાં છે ત્યાં સુધી ખેડૂતો તરફથી હિંસા થવાનો જરાય ભય નથી. સત્યાગ્રહની લડતને વિજયને અંતે પહોંચાડવાની લોકોની શક્તિ વિષેના મારા ખ્યાલમાં હું ભૂલ્યો હતો એ વસ્તુ હું ખુશીથી કબૂલ કરું છું. વલ્લભભાઈ સિવાય બીજા કોઈ આવી લડતમાં સફળ થાય નહિ. લોકોનો વિશ્વાસ તેમણે જેટલો જીતી લીધો તેટલો ભાગ્યે જ બીજો કોઈ જીતી શકે. ખેડૂતોએ પણ એટલી જ ધીરજ અને સહનશક્તિ બતાવ્યાં. પોતાના નેતાના પડ્યા બોલ તેમણે ઝીલ્યા છે.”

સરોજિની દેવીના મધુર પત્રથી આપણે આરંભ કર્યો. શ્રી. શ્રીનિવાસ શાસ્ત્રીના મધુરા પત્રથી આ પ્રકરણ સમાપ્ત કરશું :

“બારડોલી પ્રકરણનું પરિણામ સાંભળીને મને કેટલો આનંદ થયો છે ! બન્ને પક્ષને તે શોભા આપનાર છે. વલ્લભભાઈ પટેલ બહુ ઊંચે ચડ્યા છે. પૂજ્ય ભાવથી મારું મસ્તક તેમને નમે છે. તેમના ભાઈએ પણ ભલી કરી. અને ગવર્નરને પણ આપણે વીસરવા જોઈએ નહિ. તેમની મુશ્કેલીઓ પણ મોટી હશે જ. ઊંચા દરજ્જાના અમલદારોને કેટલાં બંધનો અને મર્યાદામાં રહીને કામ કરવું પડે છે તેનો ખ્યાલ આપણામાંના બહુ થોડાને હોય છે. પોતાની માનવલાગણીઓને બરાબર વ્યક્ત કરવાનું તેમને માટે શક્ય નથી હોતું, એટલા બધા તે તેમના હોદ્દાના અને તેને લગતી પરંપરાઓના ભાર નીચે દબાઈ ગયેલ હોય છે. ન્યાયપરાયણતાના સદ્‌ગુણથી અડધી અમલદાર આલમ તો ડરતી જ ફરે છે અને અડધી તેને દૂરથી પૂજે છે.

આ લડતમાંના તમારા હિસ્સા વિષે તો હું કાંઈ લખતો જ નથી. કારણ બાહ્ય દૃષ્ટિએ તમે તેથી અલગ રહેવાનું પસંદ કર્યું હતું, અને એની કીર્તિમાં તમારો કોઈ હિસ્સો ગણે એ તમને ગમે પણ નહિ. જેમ કેટલાક ફિલસૂફો માને છે કે ઈશ્વરે આ સંસારના સતત પ્રવર્તતા ચક્રને ગતિ આપી પણ પછી તે ચલાવવા માટે તેની આવશ્યકતા અનિવાર્ય ન રહી, અને છતાં તે ચક્રના પરિવર્તનનો અનિવાર્ય હેતુ તો તે રહ્યો, તેમ તમે પણ અદૃશ્ય માર્ગદૃષ્ટા અને ચેતનદાયી દૃષ્ટાન્તરૂપે સહુના હૃદયમાં પ્રવર્તતા અને સહુને સીધે પંથે રાખતા રહ્યા છો. સાચી વાત છે કે એમની કીર્તિમાં તમારો ભાગ નથી, કારણ તમારી કીર્તિ જ અનેરી છે, એમાં કોઈ ભાગ ભરી શકે એમ નથી, અને એને તમે ટાળી શકો એમ પણ નથી.”