બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/ગૂંચઉકેલ ?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ખેતીનો નફો ! બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
ગૂંચઉકેલ ?
મહાદેવભાઈ દેસાઈ
ફળ →


ગૂંચઉકેલ ?

અમારો નફાતોટાનો હિસાબ તો અમલદારો ખોટો ન પાડી શક્યા, પણ મુંઝવાઈ રહ્યા. નાતાલની રજા સુધી એમની એ મૂંઝવણ ચાલુ રહી, છેલ્લી વાતચીત થઈ ત્યારે પણ તેમણે કહ્યું હતું કે ગણોતને અધારે મહેસૂલ ઠરાવવાના સિદ્ધાન્ત ઉપર અમને વિશ્વાસ નથી પણ એ સિદ્ધાન્ત ઉપર વિશ્વાસ ન હોય, અને અમારો હિસાબ એમને મૂંઝવનારો લાગતો હોય તો એ ગૂંચ ઉકેલવી શી રીતે ? એ ગૂંચ એમણે પાછા ગણોતના માર્ગે જ ઉકેલી. એ ગૂંચ ઉકેલતાં એમને ઘણી વાતોનું દર્શન થયું અને એ વાતની ઉપરનું વિવેચન એ અમલદારોના રિપોર્ટનો અમોલો ભાગ છે. અમલદારોની નફોતોટો શોધવાની દાનત નહોતી એમ નહિ, પણ એ શેાધતાં તો તેમને આખું વરસ કદાચ તાલુકામાં ગાળવું પડે અને અમારા આંકડાને ખૂબ છણવા પડે એટલે એ વાત જ એમણે પડતી મૂકી. માણસ પોતાની જમીન ખેડવાને બદલે અમુક રૂપિયે ગણોતે આપતો હોય તો તેટલી આવક એ એને જમીનમાંથી શુદ્ધ નફો થાય છે, અને તેને એટલો શુદ્ધ નફો થાય એટલે જે જમીન બીજાને ખેડવા ન આપતાં પોતે જ ખેડે છે તેને પણ એટલો નફો થતો હોવો જોઈએ એમ સ્વીકારી લીધે જ છૂટકો છે એમ અમલદારોને લાગ્યું. એ સિદ્ધાન્તની સાથે લડવાને માટે અમારી લડાઈ નહોતી, અમારે તો ચાલુ કાયદો અને ચાલુ રીતિ પ્રમાણે તપાસ કરવામાં આવે તો પણ બારડોલીને અન્યાય થયો છે એ બતાવવું હતું. તાલુકાની સામાન્ય સ્થિતિવાળા પ્રકરણમાં એ અન્યાય એક દૃષ્ટિએ સિદ્ધ થયેલો બતાવવામાં આવ્યો. હવે આ પ્રકરણમાં બીજી રીતે એ અન્યાય કેમ સિદ્ધ થયો એ જોશું, અને અમલદારોએ પોતાની ગૂંચ કેવી રીતે ઉકેલી તે જોશું.

પહેલા પ્રકરણમાં શ્રી. જયકરે ઉટાંગ આંકડા કેવા ઊભા કીધા છે તેનો પહેલો દાખલો અમલદારોએ તપાસેલા પહેલા જ ગામમાં તેમને મળ્યો એ આપણે જોઈ ગયા. ત્યારથી જ તેમને ફાળ પડી કે ખેડૂતોની ફરિયાદમાં કંઈ વજૂદ તો હોવું જોઈએ. જ્યાં સુધી શંકાની નજરથી જોતા હતા ત્યાં સુધી અમુક ગણોત એ સાચું ગણોત છે કે ગણોતિયાએ કરજે કાઢેલી રકમનું વ્યાજ છે એ વિષે પણ ખૂબ તપાસ થતી, અને ખાતરી થતી ત્યારે જ એ ગણોતને અમલદારો ગણત્રીમાંથી રદ કરતા. પણ તપાસના પાંચસાત દિવસમાં જ મોટી ભટલાવ ગામ એવું આવ્યું કે જેમાં પોણોસો ટકા ગણોત જ ખોટાં હતાં, એટલે કે વ્યાજનાં ગણોત હતાં અને તે દફતરથી જ સિદ્ધ થઈ શકે એમ હતું. લોકોની કરજ કરવાની પદ્ધતિ પણ વિચિત્ર. એક માણસ પોતાની જમીન બીજાને કરજ પેટે લખી આપે, બીજો માણસ પેલાને ગણાતિયો નહિ બનાવે પણ ત્રીજા જ માણસનું નામ ગણોતિયા તરીકે લખે ! આ બધું સાહેબને શી રીતે સમજાવવું ? અમે આ ગામે આવા શરતી વેચાણના કબાલાઓની એક વીગતવાર નોંધ તૈયાર કરી અને અમલદારોને કહ્યું કે ‘આટલા બધા ગણોતપટ્ટા વ્યાજના પટ્ટા છે.’ આ પછી સાહેબોને અમારે વિષે વિશ્વાસ પડવા માંડ્યો અને અમારા ખુલાસા એ તેમને મદદ કરવા માટે આપવામાં આવતા હતા એમ ખાતરી થઈ. અને પરિણામે રિપોર્ટમાં અમારે વિષે આ પ્રમાણે નોંધ કરવી પડી :

“આ સજ્જનોએ પોતાની રીતે ઘણી ઉપયોગી માહિતી ભેગી કરીને અમને રજૂ કરી, તે ઉપરાંત એઓ ગણોત અને વેચાણના બધા દાખલા આગળથી નોંધી રાખતા, અને દરેક કિસ્સા વિષે એટલી વીગતવાર ખબર મેળવી રાખતા કે અમને ઘણીવાર તેમની મદદથી સાચી અને ચોકસ માહિતી મળી શકી, જે એમ ને એમ ન જ મળી શકી હોત. ખરા દિલથી અને નિષ્પક્ષ ભાવે આપવામાં આવેલી આ મદદ આ તપાસમાં અમને ખરી મૂલ્યવાન થઈ પડી એમ કબૂલ કરતાં અમને આનંદ થાય છે.”

ચીવટથી કરેલી આ તપાસને અને મદદને પરિણામે નીચેના પ્રકારનાં ગણોતો તે ગણત્રીમાંથી બાતલ થયાં :

૧. વ્યાજનાં ગણોતો અને ગણોતિયો જેમાં જમીનના માલિકનો દેવાદાર હોય તેવાં ઘણાંખરાં ગણોતો.

 ૨. સગાવહાલાં વચ્ચેનાં ગણોતો. આ ગણોતો કેવળ ગામડાંના સ્વાર્થનો વિચાર કરીએ તો ગણત્રીમાં લેવામાં આવે એ અમને પોસાય એમ હતું, પણ ન્યાયને ખાતર અમે એવાં બધાં ગણોતો બાતલ કરાવ્યાં. કારણ કેટલીકવાર ગણોતની અને મહેસૂલની રકમ બંને સરખી જ હોય, અને એ ગણત્રીમાં લેવાય તો મહેસૂલ અને ગણોતનું પ્રમાણ ઓછું નીકળે. એક ઠેકાણે તો ધણી પોતાની સ્ત્રીનો ગણોતિયો હતો ! કુંભારિયા ગામમાં ભાઈભાઈઓ ગણોતિયા હોવાના ઢગલાબંધ દાખલા હતા.

૩. બીજી જમીનનો જેમાં સમાવેશ થતો હોય એવાં ગણોતો.

નીચેનાં ગણાતો વિશેષ પ્રકારનાં તરીકે નોંધાયાં, એટલે કે તેની સામે નોંધ લખાઈ, કે જેથી કરીને ગણોતની રકમ વધારે હોય તો તેનો ખુલાસો મળે :

૧. ઘાસિયાંનાં ગણોતો. ઘાસિયું ખેતર, માલિકની જમીનની પાસે હોય, વાડાવાળું હોય તો તેનું વધારે ગણોત ઠરાવવામાં આવ્યું હોય;
૨. જેમાં ઘર અથવા ઝુંપડાના ભાડાનો સમાવેશ થતો હોય;
૩. ઝાડના ભોગવટાવાળાં ગણોતો;
૪. જે જમીન ઉપર મૂળ માલિકે ખાતર નાંખવાનો, ખેતર સુધરાવવાનો, ખોદાવવાનો, વાડ કરવાનો, અથવા સાફ કરાવવાનો ખર્ચ કર્યો હોય, અથવા ટ્રેકટરથી જમીન નવી ફડાવવાનો ખર્ચ કર્યો હોય;
૫. કપાસના ભાવ બહુ ચડી ગયેલા હતા તે દરમ્યાન કરવામાં આવેલા ગણોતપટાઓ;
૬ . ગણોતિયો તદ્દન તારાજ થઈ ગયો હોય, તેની સામે હુકમનામું થયું હોય, ગણેાત બાકી રહ્યું હોય અથવા ન ભરાયાં હાય એવાં ગણોતો;
૭. કેટલીકવાર ગણોતમાં જમીન મહેસૂલનો સમાવેશ થતો હોય, અથવા ગણોત ઉપરાંત ગણોતિયાને જમીન મહેસૂલ પણ ભરવાનું હોય;
૮. જમીન ખેડૂતની જમીનની પાસે હોય માટે ગણોતે લીધી હોય; ઘણાંખરાં સાચાં ગણોતો બારડોલીમાં તો આવી જમીનમાં જ હતાં.

 ૯. જ્યાં જમીનમાં અમુક પ્રકારનો ખાસ લાભ હોય તેટલા ખાતર જ ગણોત અપાતું હોય. દાખલા તરીકે અડાજણમાં ર૭ ગુંઠા ક્ષેત્રફળનું અને ૧૦ રૂપિયા આકારનું એક ખેતર ૫૦ રૂપિયા ગણોતે અપાતું હતું. એનો ખુલાસો આપતાં પારસી ગણોતિયાએ કહ્યું કે મારી તાડીની વાડી એ ખેતર પાસે છે અને એ ખેતરમાં ઉત્તમ મીઠા પાણીનો કૂવો છે જે મારા મજૂરોને માટે બહુ સગવડકર્તા છે, અને એ પાણીને માટે જ ૫૦ રૂપિયા આપુ છું.
૧૦. કેવળ બીજાને બતાવવાની ખાતર ગણોતની રકમ ખોટી અથવા ભરાતી હોય તે કરતાં વધારે લખેલી હોય એવાં ગણોતો;
૧૧. ખાસ કબૂલાતથી થયેલાં ગણેતો. ચોર્યાસી તાલુકાના રૂંઢ ગામે ૪૦ એકરનું એક ખેતર એક કોળણે ગણોતે રાખેલું, એનું મહેસૂલ રૂ. ૬૮-૬, એનું ગણોત ૧૦૦૧ રૂપિયા ! આ ગણોત બીજાની સાથે ભેળવવામાં આવે તો ગણોતનો સરાસરી દર અતિશય વધી જાય, અમલદારો આગળ આવીને બાઈએ ખુલાસો કર્યો કે હજાર રૂપિયા મેં ઘાસના ઊંચા ભાવ વખતે કબૂલેલા, પણ આપુ છું રૂપિયા છસો, છેલ્લાં ત્રણચાર વરસથી તો મારા ઘરેણાં વેચીને ગણોત ભરું છું; વાણિયાએ મને કહેલું કે આ ગણોતપટ ચાલુ રાખીશ અને દર વર્ષે ગણોત ખરેખર ભરીશ તો દશ વીધાં જમીન તને મફત કાઢી આપીશ, આ લાલચે મહેસૂલ ભર્યા કરું છું !

અમલદારો પોતાની તપાસમાં જેમ જેમ આગળ વધતા ગયા તેમતેમ તેમણે જોયું કે ઉપર જણાવેલાં ગણત્રીમાં ન લેવાનાં ગણોતો શ્રી. જયંકરે બાદ કર્યાં નહોતાં, એટલું જ નહિ પણ ઉપરના ૧૧ પ્રકારનાં ગણોતને માટે તો તેમણે કશો વિચાર કર્યો હોય એવો જરાય પુરાવો નહોતો. શ્રી. જયકરે તો પોતાના રિપોર્ટમાં લખ્યું કે ૧૯૦૧ થી ૧૯રપનાં બધાં ગણોતા તેણે ચાળીને સાફ કરીને ઉતાર્યા છે. અમલદારો આ વચનની ધૃષ્ટતાથી આભા બન્યા. આ વસ્તુ જ અશક્ય છે એમ તેમણે જોયું. જેટલાં ગામો જોઈ શકાય તેટલાં જ ગામમાં છેલ્લાં થોડાં વર્ષનાં ગણોતો વિષે માહિતી મેળવી શકાય ― ૨૫ વર્ષની માહિતી  તો મેળવવી જ અશક્ય છે, એમ તેમણે અનુભવે જોયું, અને થોડાં વર્ષોની માહિતી મેળવતાં પણ કેટલો બધો સમય જાય છે તે તેમણે ઘડિયાળ રાખીને જોયું. દાખલા તરીકે વાંકાનેર ગામમાં છેલ્લાં સાત વર્ષ નાં ૩૧ ગણોતો તપાસતાં તેમને પાંચ કલાક લાગ્યા, કારણ કેટલાયે દાખલાઓમાં તો પક્ષકારો કાં તો મરી ફિટેલા હતા, અથવા હાજર નહોતા, અને હાજર હોય તો તેમને હકીકતની માહિતી નહોતી. વાલોડમાં ૨૪ ગણોત તપાસતાં ૨ કલાક, ડીંડોલીમાં ૧૧ ગણોત તપાસતાં બે કલાક, સૂપામાં ૯ ગણોત તપાસતાં ૧ાા કલાક લાગ્યો હતો એમ તેઓ રિપોર્ટમાં જણાવે છે. આ બધું બતાવીને તેઓ કહે છે કે શ્રી. જયકરને માટે છેલ્લાં સાત વર્ષનાં ગણોતો પણ પૂરાં તપાસી જવાં અશક્ય હતાં, છતાં અગાઉના એકબે રિપોર્ટની ભાષા ચોરી લઈને તેના તે જ શબ્દોમાં તેમણે જણાવ્યું છે કે એ બધાં ગણોતો તપાસવામાં આવ્યાં છે. વળી લોકોએ જે કહ્યું તેને વધારે પડતું વજન ન આપવાની ઇચ્છા છતાં અમારે જણાવવું જોઈએ કે એ તાલુકાનાં ૭૦ ગામો અમે જોયાં તેમાં શ્રી. જયકરે ગણોત તપાસી જોવાની તસ્દી પોતે જરાય લીધી હોય એમ અમને લાગ્યું નથી, એમ અમલદારો સ્પષ્ટ જણાવે છે.

પણ એ આંકડા બરાબર તપાસાયા છે એમ માનીને સેટલમેંટ કમિશનર મિ. ઍંડર્સને તેનો પૂરેપૂરો ઉપયોગ કર્યો, અને જ્યાં ગણોત મહેસૂલના કરતાં અનેકગણાં દીઠાં ત્યાં ગામના વર્ગો ચડાવ્યા. એક રમૂજી દાખલો અમલદારોએ ટાંક્યો છે તે અહીં આપવા જેવો છે:

“સમરોદ નામના ગામમાં ૧૯૧૮ થી ૧૯૨૫ માં ગણોતે અપાયેલી કુલ જમીન ૧૦૬ એકર ૩૫ ગુંઠા છે. તેનો આકાર રૂ. ૪૨૮-૫, અને ગણોત રૂ. ૨૬૦૨-૧૨ છે. આ પ્રમાણે જોઈએ તો ગણોત મહેસૂલ કરતાં છગણું છે એમ થયું. હવે જયકરના રિપોર્ટમાં એ જ સાત વર્ષના ગણોતના આંકડા આ આપ્યા છે : જમીન પ૩ એકર ૧૯ ગુંઠા, આકાર ૧૦૫ રૂપિયા, ગણોત ૧૧૮૬ રૂપિયા. ખૂબી એ છે કે ૧૯૧૮-૧૯ ના એક જ વર્ષના આંકડા સાથે આ આંકડા લગભગ મળતા આવે છે, કારણ કે વર્ષમાં કુલ ગણોતે અપાયેલી જમીન પર એકર ૨૬ ગુંઠા છે, અને ગણેાત રૂ. ૧૨૨૧-૪

છે, પણ એ જ જમીનનો આકાર રૂ. ૨૧૮-૬ છે (એટલે કે શ્રી. જયકરે આપેલી રકમનું બમણું છે). એટલે આ આંકડામાં ક્યાંક ભયંકર ગોટાળો હોવો જોઈએ, એટલે શ્રી. જયકરે ગણોત મહેસૂલનું ૧૧.૨૯ ગણું છે એમ જણાવ્યું છે તેને માટે જરાચ આધાર નથી. છતાં એ આંકડાને આધારે સેટલમેંટ કમિશનર ઍંડર્સને લખ્યું કે એ ગામને ત્રણ વર્ગ ચઢાવી પહેલા વર્ગમાં મુકાય છતાં એનો આકાર વધારે પડતો નથી એમ કહેવાય.”

હશે આ આંકડામાં વાચકને વધારે ઉતારવાની હું જરૂર જોતો નથી, જોકે રિપોર્ટમાં તો એ આંકડાના બેહૂદાપણા ઉપર અને મિ. ઍંડર્સને એના ઉપર આધાર રાખવાની જે ભૂલ કરી તે ઉપર પાનાનાં પાનાં ભર્યો છે.

બીજી એક શોધ અમલદારોએ એ કરી કે મિ. ઍંડર્સન તાલુકાની ત્રીજા ભાગની અથવા લગભગ અર્ધી જમીન ગણોતે અપાઈ છે એમ માનવામાં ભીંત ભૂલ્યા હતા : “શ્રી. જયકરનો સાત વર્ષનો ગણોતનો આંકડો ૪૨,૯ર૩ એકર લઈને મિ. ઍંડર્સને જમીનના કુલ આંકડા ૧,૨૬,૯૮૨ એકરની સાથે તેનું પ્રમાણ કાઢ્યું; જ્યારે ૪૨,૯૨૩ એકરનું પ્રમાણ તો એક વર્ષની કુલ જમીન સાથે ન નીકળે પણ ૧,૨૬,૯૮૨ એકરના સાત ગણા કરીને તેની જ સાથે નીકળી શકે. એટલે ગણેાતે અપાતી જમીન લગભગ અર્ધી છે એમ કહેવામાં મિ. એંડર્સને ભારે થાપ ખાધી છે.” અમલદારોની પોતાની ગણત્રી પ્રમાણે કુલ ગણોતે અપાતી જમીન સેંકડે ૯ ટકાથી ૧૧ ટકા જેટલી હોવી જોઈએ. અમે ૬ ટકાની અટકળ કરી હતી. અને એ અટકળ સાચી છે, કારણ એ કુલ ગણોતે અપાયેલીમાંથી કહેવાતી ગણોતે આપેલી બાદ જાય તો શુદ્ધ ગણોતે અપાયેલી કદાચ ૬ ટકા જ રહે.

વેચાણના દાખલાઓની પણ તપાસ તો શેની જ હોય? એ પણ અમલદારોએ કેટલાંક ગામોની તપાસ ઉપરથી જોયું. અને પરિણામે એ નિર્ણય ઉપર આવ્યા કે શ્રી. જયકર અને મિ. ઍંડર્સને ગણોતના આંકડાને આધારે ગામડાંના વર્ગોમાં જે ફેરફાર કર્યા છે તે આખા રદ કરવા જોઈએ.

ત્યારે અમલદારોએ પોતે શી રીતે ગૂંચ ઉકેલી? એ લોકો ભલા થયા હોત તો કહી શકતા હતા કે તાલુકાની સામાન્ય સ્થિતિ ઉપર તો મહેસૂલમાં વધારો થઈ શકે એમ નથી, ગણોતોના આંકડા તો સાવ પાયા વિનાના અને ખોટા માલૂમ પડ્યા છે. એટલે ગામડાંનું વર્ગીકરણ આખું રદ કરવું જોઈએ, અને અમે તો ૫૦ ગામ તપાસ્યાં છે એટલે આખો તાલુકો તપાસાય નહિ ત્યાં સુધી આખા તાલુકાના દર અમારાથી નકકી થાય નહિ એટલે જૂના મહેસૂલના દર અને ગામડાંના જૂના વર્ગ કાયમ રહે એવી અમારી ભલામણ છે.

પણ અમલદારોને એ વાત ન સૂઝી. એમને લાગ્યું કે પોતે જેટલી સામગ્રી — ગણોતોની – શેાધી છે તે ઉપરથી મહેસૂલના દર પણ નક્કી કરવા જોઈએ, અને એ નકકી કરવા માટે એમણે પોતાના સિદ્ધાન્તો નવા ઘડ્યા. આ પ્રકરણના આગલા ભાગમાં ગણોતોના જે અગિયાર પ્રકાર આપ્યા છે, તે ગણોતમાંથી કોની કેટલી કિંમત હોવી જોઈએ એ તેમણે નક્કી કયું, અને દરેક ગામ વિષે એમણે ગણોતનાં નવાં કોષ્ટક તૈયાર કર્યા, જેમાં પાંચ વિભાગ પાડ્યા. મહેસૂલના બમણાથી એાછાં, બમણાથી વધારે, તમણાથી વધારે, ચારગણાથી વધારે, પાંચગણાથી વધારે ગણોતો. આમાં જે ગણોતો તેમને ન ગણવા જેવાં લાગ્યાં તે તેમણે આસાધારણ તરીકે બાદ રાખ્યાં, અને બીજાં ગણોતો ઉપલા ખાનામાં મૂક્યાં, અને તેમ કર્યા પછી એ ઉપરથી પોતાને સામાન્ય ગણોતનો દર કેટલો લાગે છે એ કાઢીને દરેક ગામમાં જૂનું મહેસૂલ ગણોતના કેટલા ટકા છે એ હિસાબ કાઢ્યો. અને એ ટકા ઉપર નવા દરોની ભલામણ કરી. મહેસૂલ ગણોતના ૫૦ ટકા હોવું જોઈએ કે ઓછા હોવું જોઈએ એ પ્રપંચમાં અમલદારો પડ્યા જ નહિ, જોકે સરકારે અત્યાર સુધી એમ મનાવવાનો ડોળ કર્યો છે કે ચોખ્ખા નફાના વધારેમાં વધારે પ૦ ટકા મહેસૂલ લેવાય છે, અને ટેક્સેશન ઇંક્વાયરી કમિટીએ અને લૅંડ રેવેન્યુ ઍસેસમેંટ કમિટીએ ભલામણ કરી છે કે ચોખ્ખા નફાના વધારેમાં વધારે ૨૫ ટકા જેટલું મહેસૂલ હોવું જોઈએ. આનો નિર્ણય આપવાનું માથે ન લેતાં અમલદારોએ મનસ્વી રીતે અમુક મહેસૂલ આ તાલુકાએ એ આપવું જોઈએ એવો ઠરાવ કરી દીધો, અને તાલુકાની ઉપર ૬ ટકાનો કુલ વધારો ઠરાવ્યો. રિપોર્ટનો ખંડનાત્મક ભાગ કેવો અમૂલ્ય છે તે આપણે જોઈ ગયા. રચનાત્મક ભાગ કેવો નબળો અને પાયા વિનાનો છે તે આટલી એક વસ્તુ ઉપરથી જ જણાશે. પણ છ ટકા વધારવામાં પણ ગામોને કેટલો અન્યાય થયો છે તે જરા વીગતમાં ઊતરવાથી જણાશે.

કમિટીએ જે આંકડા તપાસ્યા તેમાં તાલુકાનો જૂજ ભાગ આવે છે એમ તેમણે કબૂલ કર્યું છે. એ જૂજ ભાગ એટલે કેટલો તે જોઈએ. કમિટીએ બારડોલીનાં ૧૩૭ ગામમાંથી ૪૯ ગામ તપાસ્યાં; આ ૪૯ માંથી ૪૦ ગામમાં જ ગણોતના આંકડા મળ્યા અથવા તપાસી શકાયા; અને આ ૪૦ ગામના આંકડામાં પણ ૧૭ ગામના આંકડા એટલા જૂજ હતા કે ત્યાં એકરે સામાન્ય રીતે કેટલું ગણોત ઊપજે છે તે વિષે અનુમાન કરવું અશક્ય છે એમ કમિટી કબૂલ કરે છે, એટલે બધું ૧૩૭ ગામનું મંડાણ ૨૩ ગામના આંકડા ઉપર રચાયેલું છે ! ક્ષેત્રફળની દૃષ્ટિએ ગણતરી કરીએ તો તાલુકાના ૧,૨૦,૦૦૦ એકરમાંથી ૮ થી ૧૨ મા ભાગ જેટલી જમીન ગણાતો અપાય, અને તેમાંથી માત્ર ૧,૬૧૦ એકરના આંકડા તપાસ્યા ! એટલે કુલ ક્ષેત્રફળના એક ટકા જેટલા હિસ્સાના આંકડા, અને ગણોતે આપેલી જમીનના ૮ થી ૧૦ ટકા જમીનના આંકડા. આ એક વાત. બીજી વાત એ કે આ આંકડા ભેગા કરવામાં અને એના ઉપર આધાર રાખવામાં તો પાર વિનાની કાળજી લેવી જોઈએ છતાં (એ બધી કાળજી કમિટીએ લીધી છે એ તેનો દાવો છે ખરો), અને કેટલાંક ગામોમાં કશું અનુમાન ન ખેંચી શકાય એ છતાં કમિટી માને છે : “જેટલા આંકડા ભેગા થયા તેટલામાંથી ઉત્તમ પરિણામ આવ્યાં છે, અને એ આંકડા ઉપર જ અમે બીજી કોઈ વસ્તુ કરતાં વધારે આધાર રાખ્યો છે.”

ખેડૂતો ખાધેપીધે સુખી છે એમ કમિટીના અમલદારોએ માની લીધું એમ આપણે અગાઉનાં પ્રકરણમાં જોઈ ગયા, એટલે ‘મધ્યમસર’નો વધારો સૂચવવાની અમલદારોને ફરજ લાગી, અને તે આટલા જૂજ આંકડાને આધારે સૂચવ્યો. બારડોલીમાં મૂળ શા દર હતા, વચગાળે સરકારે શા દર ઠોકેલા, અને કમિટીએ શા દર ઠરાવ્યા એ નીચેના કોષ્ટક ઉપરથી સમજાશે:

ગામનો વર્ગ
જૂના દર
સત્યાગ્રહ પહેલાં
સરકારે ઠરાવેલા દર
બ્રૂમફીલ્ડ કમિટીએ ભલામણ કરેલા નવા દર
શેરો
જરાયત
ક્યારી
જરાયત
ક્યારી
જરાયત
કેટલા ટકા
ક્યારી
કેટલા ટકા
રૂ.-આ. રૂ.-આ. રૂ.-આ. રૂ.-આ. રૂ.-આ.
વધારો
રૂ.-આ.
વધારો કે
ઘટાડો

૬-૦ ૧૨-૦ ૭-૪ ૧૫-૦ ૨-૮ +૮.૩ ૧૨-૦ ૪૦ ગામમાંથી ૬ ગામ
બીજામાં ઉતાર્યા

૫-૦ ૧૦-૮ ૬-૦ ૧૩-૨ ૫-૮ +૧૦.૦ ૧૦.૦ -૪.૮ ૩૨ ગામમાંથી ૫ ગામ
ત્રીજામાં ઉતાર્યાં.

૪-૦ ૯-૦ ૪-૧૨ ૧૧-૪ ૪-૧૨ +૧૮.૮ ૮-૮ -૫.૪ ૩૫ ગામમાંથી ૧૨ ગામ
ચોથામાં ઉતાર્યા

૩-૦ ૭-૮ ૩-૧૦ ૯-૬ ૪-૦ +૩૩.૩ ૭-૮ ૩૦ ગામમાંથી ૨૭ ગામ
પાંચમામાં ઉતાર્યા

૩-૪ +૮.૩ ૬-૮ -૧૩.૩ ૨૭ ગામોનો નવો વર્ગ

હવે આ દર વધારવા ઘટાડવામાં એમનાં કારણ તપાસીએ. જરાયત જમીનમાં બધા જ વર્ગોમાં વધારો સૂચવ્યો છે, એ જોવાજેવું છે. પાંચમો વર્ગ જે ગરીબ રાનીપરજ ગામોને માટે ખાસ બનાવવામાં આવ્યો છે ત્યાં પણ જૂના ચોથા વર્ગના ૩ રૂપિયાને બદલે રૂ. ૩-૪-૦ ઠરાવવાનું તેમને યોગ્ય લાગ્યું !

પહેલા વર્ગમાં ૪૦ ગામ હતાં. એમાં સાહેબોએ માત્ર આઠ ગામ તપાસ્યાં. આ આઠેમાંથી ત્રણ ગામમાં તો આંકડા જ એવા ન મળ્યા કે જેમાંથી કશું અનુમાન ખેંચી શકાય. બાકીનાં પાંચમાં બે ગામમાં તો દર દેખીતો જ વધારે લાગ્યો અને એક ગામ કમિટીને ઘણું ગરીબ લાગ્યું. એટલે એ ત્રણને નીચે ઉતારવાની પણ તેમને જરૂર જણાઈ. માત્ર એક જ ગામ સરભોણમાંથી તેમને ‘ઉત્તમ પુરાવો’ મળ્યો ― અને તે એવું બતાવનારો કે ‘મહેસૂલ બહુ વધારે પડતું લેવાતું નથી.’ ‘ બહુ ઓછું’ લેવાય છે એવો તો નહિ જ ! વારુ, અને એ પુરાવો પણ ૧૯૨૭-૨૮ની એક જ સાલના આંકડાનો અને બે હજાર એકર જેટલી જમીનમાંથી ૪૩ એકર ૨૬ ગુંઠાનો ! આ એક સરભોણના પુરાવાથી અમલદારોને લાગ્યું કે આ વર્ગ માં ૬ રૂપિયાને બદલે ૬ાા રૂપિયાનો દર કરવો જોઈએ ! જો સરભોણનો પુરાવો ‘ઉત્તમ’ હતો તો તે ક્યારી સારુ કેમ નહિ ? ક્યારીની જમીન ઉપર આ તપાસેલા વર્ષના આંકડા પ્રમાણે પણ જૂનું મહેસૂલ ગણોતના ૪૨ ટકા જેટલું હતું. તે ઓછું શા માટે ન કરવામાં આવ્યું તે કમિટી જાણે.

બીજા વર્ગનાં ગામમાં ૩૨ ગામમાંથી ૧૧ તપાસાયાં, જેમાંનાં ૪ ગમમાં આંકડા બહુ નજીવા હતા. બાકીનાં ગામોમાં એ ગામમાં જ ગણોત ભારે હતાં, અને તેમાંના એક ગામમાં તો ભારે ગણોતનું કારણ લોકો જમીન ખાતરીને આપતા હતા તે હતું. વળી આ ગામનાં ગણોતો વધારે છે તેનું કારણ ‘ઘાસિયા અને રૂના ભાવ’ છે પણ કમિટી જણાવે છે તેમ ‘થોડો વધારો તો થઈ શકે’ એમ તેમનો અભિપ્રાય થયો, અને ‘થોડો’ એટલે સેંકડે ૧૦ ટકા !

ત્રીજા વર્ગમાં ૩૫ ગામમાંથી ૧૧ તપાસાયાં, ચારમાં આંકડા નજીવા હતા. બાકીનાં સાતમાંથી એકમાં જ ગણોત વધારે અને મહેસૂલ ઓછું દેખાતું હતું. ઉવા ગામમાં તો જૂનું મહેસૂલ જ ગણોતના ૩૫ ટકા જેટલું છે. છતાં ઉવા અને બીજા કેટલાંક ગામોમાં ‘જરાયત જમીન ઉપર થોડો વધાતો થઈ શકે’ એમ કમિટીને લાગ્યું. ‘થોડો’ એટલે સેંકડે ૧૮ ટકા ! આમાંનાં કેટલાંક ગામો ચોથા વર્ગમાં ઉતારવામાં આવ્યાં, પણ ઊતરીને દર તેમનો હતો તેટલો ને તેટલો જ રહ્યો.

ચોથા વર્ગના ગામમાં ૩૦ માંથી ૧૦ તપાસાયાં. ચારમાં આંકડા નજીવા હતા. બાકીનાં છમાંથી એક જ ગામમાં ગણોત વધારે છે, અને બે ગામમાં તો ‘શાહુકારોને લીધે જ ગણોતનો દર વધારે દેખાય છે’ એમ કમિટી કબૂલ કરે છે. છતાં, ‘આખા વર્ગના આંકડા લઈ એ તો દર બહુ ભારે નથી દેખાતા.’ માટે, તે ભારે દેખાય એવા કરવા જોઈએ ? ૩૦માંથી ૨૭ ગામને માટે તો પાંચમો વર્ગ બનાવવો જોઈએ એમ કમિટીને લાગ્યું, કારણ ‘એમાંનાં કેટલાંક તો આખા તાલુકા અને મહાલમાં ગરીબમાં ગરીબ છે’ (આ કમિટીના જ શબ્દો છે). છતાં નવા વર્ગમાં ઊતર્યાથી પણ તેમનો જૂનો દર ૩ રૂપિયા હતો તેના ૩ા રૂપિયા થયો ! અને જે ત્રણ ગામ જૂના ચોથા વર્ગમાં રહ્યાં તે ત્રણ ગામને તો ૩ રૂપિયાને બદલે ૩ાાા ભરવાના ઠર્યા, એટલે ૨૫ ટકા વધારો થયો. જયકર અને ઍંડર્સનના સપાટામાં પણ આ ગરીબ ગામને આવો ફટકો નહોતો લાગ્યો ! અને આ ગામો તે કયાં ? દેગામા, અંબાચ અને વેડછી ― ત્રણેમાં રાનીપરજની જ મોટે ભાગે વસ્તી, અને છેલ્લાં બે ગામમાં તો ‘આશ્રમના લોકો જે પ્રગતિનું કામ કરી રહ્યા છે તેમાંથી લાભ થવાનો ચોખ્ખો સંભવ દેખાય છે’ એમ કમિટી કહે છે. લાભ થવાનો સંભવ દેખાય છે માટે જ કદાચ એમને ૩૩ ટકાનો દંડ દીધો હશે !

ક્યારીની જમીનનાં ગણોત તો બધે જ વધારે હતાં, એટલે ત્યાં મહેસૂલ વધારવાની તો વાત જ બોલી શકાય એમ ન મળે. ગણોતના આંકડા જ સારી પેઠે ઘટાડો સૂચવનારા હતા એટલે નછૂટકે તેમણે બીજા વર્ગમાં જૂજજાજ ઘટાડો અને છેલ્લા વર્ગમાં ૧૩ ટકા ઘટાડો સૂચવ્યો. કમિટી કહે છે : “જરાયત અને ક્યારીની જમીન ઉપર પડતા દરમાં બરાબર પ્રમાણ જળવાતું નથી એટલે ક્યારી ઉપરનો બોજો થોડો જરાયત ઉપર નાંખીએ તો યોગ્ય થશે.” આ બોજો ઉતારવા સારુ જરાયત ઉપર નાંખવો જોઈએ એનું શું કારણ ? પણ એ બોજો કેવી રીતે ઊતર્યો તે આ આંકડા બતાવશે : ક્યારીની જમીન ઉપર કુલ રૂ. ૩,૮૩૪ મહેસૂલ ઓછું કરીને કમિટીએ જરાયત જમીન ઉપર રૂ. ૩૪,૮૫૩ વધાર્યું છે !

પણ વધારે નહિ તો શું કરે ? સિવિલ સર્વિસના અમલદારોનો એક સિદ્ધાંત એવો લાગે છે કે મહેસૂલ બહુ ઓછું કરીએ તો કરજાઉપણું વધે છે ! ફર્નાન્ડીઝ નામનો અગાઉનો એક સેટલમેંટ ઑફિસર એવા જ ઉદ્‌ગાર કાઢી ગયો છે. તે ઉદ્‌ગારો આ અમલદારો ટાંકે છે, અને કહે છે કે દરના અમુક ધોરણથી ઊતરીએ તો લોકોના કરજનો બોજો ઊતરવાનો નથી એ વિષે શંકા નથી. તો શા સારુ લેતા આવ્યા તે ન લેવું, અથવા ચાર આના વધારે ન લેવું ?