બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/બારડોલી તપાસસમિતિ સાથે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અમૃતવાણી બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
બારડોલી તપાસસમિતિ સાથે
મહાદેવભાઈ દેસાઈ
આરંભના દિવસો →


બારડોલી તપાસસમિતિની સાથે

ગયા ભાગમાં તપાસસમિતિ કેવી રીતે નિમાઈ અને શ્રી. વલ્લભભાઈએ તે કેવી શરતે સ્વીકારી એ જણાવ્યું છે. ૧૮મી ઑક્ટોબર ૧૯૨૮ ના ઠરાવથી કમિટીની નિમણૂક જાહેર થઈ અને તા. ૧ લી નવેંબરથી મિ. બ્રૂમફીલ્ડ ( ન્યાયખાતાના અમલદાર ) અને મિ. મૅક્સવેલ (મુલકી ખાતાના અમલદાર) પોતાના કામ ઉપર ચડ્યા, અને પહેલું પખવાડિયું રિપોર્ટો વાંચવાની અને આરંભિક તૈયારીમાં ગાળ્યું. પાંચમી તારીખે અમલદારોની સાથે એક ગુફતેગુ થઈ જે દરમ્યાન મુંબઈના પ્રસિદ્ધ ઍડવોકેટ શ્રી. ભૂલાભાઈ દેસાઈએ લોકપક્ષ કહી સમજાવ્યો. તપાસનું કામ તા. ૧૪ મી નવેંબરે શરૂ થયું, અને જાન્યુઆરી મહિનાની આખરની તારીખે બારડોલીમાં અને ફેબ્રુઆરીની આખરની તારીખે ચોર્યાસી તાલુકામાં પૂરું થયું.

શ્રી. વલ્લભભાઈની ઇચ્છા મુજબ લોકોના તરફથી હકીકત રજૂ કરવાનું કામ ભાઈ નરહરિ પરીખ, રામનારાયણ પાઠક અને મેં માથે લીધું હતું. અમને મદદ કરનારા તો પુષ્કળ ભાઈઓ હતા — શ્રી. મોહનલાલ પંડ્યા, કલ્યાણજીભાઈ, ચોખાવાળા, વગેરે. એમની મદદ એવી કીમતી હતી કે અમારાં પત્રકો વગેરેની અને બીજી તૈયારી જોઈને અમલદારોને અદેખાઈ થતી, અને ઘણીવાર કહેતા : ‘તમારા જેવી તૈયારી અમારી પાસે નથી, સરકારે એવી સગવડ અમને નથી કરી આપી. તમને તો આખો તાલુકો મદદ કરવાને તૈયાર છે.’ આનંદની વાત છે કે પોતાનો રિપોર્ટ સરકારને રજૂ કરતાં અમલદારોએ જે કાગળ લખ્યો છે તે કાગળમાં તેમણે અમારી સાથેના પોતાના સંબંધને ‘અતિશય મીઠા સંબંધ’ તરીકે વર્ણવ્યો છે, અમે આપેલી મદદને ‘કીમતી મદદ’ તરીકે વર્ણવી છે, અને લેાકોની વૃત્તિ ‘તદ્દન વિરોધ વિનાની, અને અમારી તપાસમાં અમે આશા નહોતી રાખી એટલો સહકાર આપવાની’ તરીકે વર્ણવી છે.

વાચકને સ્મરણ હશે કે સત્યાગ્રહના આરંભમાં ચોર્યાસી તાલુકાને લડતમાં જોડવાની સૂચના લઈને કેટલાક ખેડૂતો બારડોલી આવ્યા હતા, અને તેમને સમજાવીને શ્રી, વલ્લભભાઈએ પાછા વાળ્યા હતા. ત્યારપછી અનેક ભાષામાં શ્રી વલ્લભભાઈએ સરકારની નીતિ ઉઘાડી પાડતાં કહ્યું હતું : “ચેાર્યાસીને અન્યાય થયો છે એમ કબૂલ કરતા હો તો તેને આજથી જ ન્યાય આપો, તેણે તો લડત પણ માંડી નથી. તમે તો તેણે પૈસા ભર્યા તેનો અવળો અર્થ કરીને એમ સમજાવવા માગો છો કે ત્યાં થયેલો વધારો ન્યાયી હતો એમ લોકો માને છે.” લોકોને શ્રી. વલ્લભભાઈએ વારંવાર કહેલું, અને તા. ૧૯ મી જૂન ૧૯૨૮ ને રોજ ચોર્યાસી તાલુકાના ખેડૂતોની આગળ ભાષણ આપતાં પણ કહેલું: “તમારા ચોર્યાસી તાલુકાનો પ્રશ્ન તો શરૂઆતથી બારડોલી સાથે સંકળાયેલો છે જ, અને આ લડતમાંથી બારડોલીને જે કાંઈ ઇન્સાફ મળે તે ચોર્યાસીને મળ્યા વિના રહેનાર નથી. . . . બારડોલીના ખેડૂતો જે દુ:ખ ખમશે તેને પરિણામે જો ન્યાય મળશે તે સાથે તમને પણ મળવાનો છે એ ખચીત માનજો.” આ વચનો સાચાં પડ્યાં, અને બારડોલીની સાથે ચોર્યાસીને પણ પોતાને થયેલો અન્યાય સાબિત કરવાની તક મળી. સાહેબો અમને વારંવાર પૂછે: ‘તમે ચોર્યાસીમાં પણ આવવાના ?’ અમે કહીએ, ‘હા.’ એટલે તેમને આશ્ચર્ય થાય. ‘ચોર્યાસી સત્યાગ્રહમાં ભળેલો નહિ, છતાં સત્યાગ્રહીઓનું ત્યાં શું લાગે વળગે ?’ એમ તેમને થતું હશે. પણ અમે જ્યારે આગ્રહપૂર્વક કહ્યું કે લોકો ઈચ્છે છે કે અમારે તેમના તરફથી પણ કેસ રજૂ કરવો, એટલે સાહેબના મનનું સમાધાન થયું. એટલે ચોર્યાસી તાલુકાનાં ગામોની તપાસ દરમ્યાન પણ અમે જ હાજર રહ્યા હતા. બારડોલીમાં પ૦ ગામો અને ચોર્યાસીમાં ૨૦ ગામો તપાસાયાં.

તપાસ દરમ્યાન દરેક અઠવાડિયે ‘નવજીવન’માં હું તપાસના હેવાલ મોકલતો. એ હેવાલ જેમના તેમ છાપવાની ઇચ્છા પહેલાં તો હતી, કેટલાક ‘નવજીવન’ના વાચકે પણ એવી ઈચ્છા બતાવી હતી, પણ સામાન્ય વાચકના ધૈર્ય ઉપર એથી બહુ મોટો બોજો પડે એમ સમજીને એ વિચાર માંડી વાળ્યો. આ પછીનાં પ્રકરણોમાં સામાન્ય વાચકને રસ પડે એવી રીતે આખી તપાસનું અને તેના પરિણામનું સામાન્ય વર્ણન આપવામાં આવ્યું છે.