બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/અમૃતવાણી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← રળિયામણી ઘડી બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
અમૃતવાણી
મહાદેવભાઈ દેસાઈ
બારડોલી તપાસસમિતિ સાથે →
અમૃતવાણી

[ આ ભાગમાં ગાંધીજી અને વલ્લભભાઈનાં વિજયોત્સવનાં અનેક ભાષણોમાંથી મહત્ત્વનાં ભાષણો આપ્યાં છે.  મ૦ હ૦ દે ]

૧૯૨૨ની પ્રતિજ્ઞા અને તેના પાલનની શરતો

૧૯૨૨ ના જે ઐતિહાસિક આંબા તળે સત્યાગ્રહની પ્રતિજ્ઞા લેવાઈ હતી તે આંબાની યાદ તાજી કરીને ગાંધીજીએ નીચે પ્રમાણે વિવેચન કર્યું હતું :

વણપળાયેલી પ્રતિજ્ઞા

મારે તમને એ વાત યાદ આપવી હતી કે ૧૯૨૨ માં ઊલટતપાસ પછી જે પ્રતિજ્ઞા લીધી હતી તે આજે હજી કાયમ છે. તે પ્રતિજ્ઞા એક વખત જ નથી લેવાઈ. અનેક વખત પાછળથી પાકી કરવામાં આવી છે. વાઇસરૉય પરનો કાગળ પાછો ખેંચ્યો તે સાથે પ્રતિજ્ઞા કાંઈ પાછી ખેંચી નથી. લોકો સાથે મસલત પછી એ પ્રતિજ્ઞા માટે સંગઠન પણ તાલુકામાં કરવામાં આવ્યું. બારડોલીની અંદર ચાલતા રચનાત્મક કામની એ ઉત્પતિ,. એ કામ કંઈ અહીં બધું વગર અડચણે, સરળપણે થયું છે એમ નથી. અહીં સ્વયંસેવકોને કેવી વિપત્તિઓમાંથી પસાર થવું પડયું, ભાઈ નરહરિને ઉપવાસ કરવા પડ્યા, એ તો એક એતિહાસિક બનાવ છે. પણ એમાં આજે હું ઊતરવા ઇચ્છતો નથી. આ પ્રતિજ્ઞાનું પાલન થયું નથી ત્યાં સુધી કોઈથી નિશ્ચિંત બેસી શકાય નહિ.

તેથી જો કે ઉત્સવ ઊજવવા તમે ભેગા થયા છો, તોપણ ફરજનું ભાન ભૂલો નહિ એટલા માટે ઉત્સવને આત્મનિરીક્ષણ સારૂ વાપરી લો. સ્વયંસેવક તો પોતાના ઉત્સવોને તેમ જ વાપરે. આ વિજય એ તો સમુદ્રમાંનું બિંદુ માત્ર છે. જ્યાં આવી સરદારી હોય ને નિયમપાલન  કરનારા સ્વયંસેવકો હોય ત્યાં આવા વિજય મેળવવા એ હું ભારે નથી. માનતો. આમાં રાજ્યની સત્તા પર હાથ નાંખવાનો નહોતો, અમુક અન્યાયના સંબંધમાં ઇન્સાફ જ માગવામાં આવ્યા હતા. મારો વિશ્વાસ છે કે આ સત્યાગ્રહની રીતે આવા ઇન્સાફ જેટલી સહેલાઈથી મેળવી શકાય છે તેટલી સહેલાઈથી બીજી કોઈ રીતે મેળવવા શક્ય નથી.

સત્યાગ્રહનો પ્રતાપ

હિંદુસ્તાને આ લડતથી આટલું આશ્ચર્યચકિત થવાનું કંઈ કારણ નથી. પણ તેને આશ્ચર્ય લાગ્યું તેનું કારણ છે. સત્યાગ્રહ પરનો વિશ્વાસ ડગી ગયો હતો. હિંદુસ્તાન પાસે તેનો આટલો જબરદસ્ત બીજો દાખલો નહોતો. બોરસદનાગપુરના દાખલાઓ થઈ ગયા એ ખરું. અને મેં કોઈ જગાએ હજુ દર્શાવ્યું નથી, છતાં હું માનું છું કે નાગપુરનો વિજય પણ સંપૂર્ણ હતો. આપણે સારે કે નઠારે નસીબે તે વખતે આપણને 'ટાઇમ્સ ઑફ ઇંડિયા’ના પ્રતિનિધિ જેવો આપણી જાહેરાત કરનાર કોઈ ન મળેલો. તેની વગોવણીથી હિંદુસ્તાનમાં જ નહિ, પણ આખા જગતમાં બારડોલીની પ્રસિદ્ધિ થઈ છે. બાકી આપણે કંઈ એવું ભારે કરી નાંખ્યું નથી. ભારે તો ત્યારે કર્યું ગણાશે કે જ્યારે ૧૯૨૨ ની અધૂરી રહી ગયેલી પ્રતિજ્ઞાનું પાલન કરીએ. ત્યારે જ બારડોલી પર કલંક આવ્યું છે તે દૂર થાય. પણ મેંં એ શબ્દ પાછો વાળી લીધો. કલંક આપણે ન કહીએ, કારણ બારડોલીમાં ન થયું તે કંઈ બારડોલી બહાર પણ ક્યાંયે આપણે કરી શક્યા નથી. પણ એને જવાબદારી ઉઠાવવાની કહો કે કલંક ધોવાનું કહો તેનો સમય હજુ બાકી જ છે. એ કરવામાં આ લડત મદદરૂપ થઈ પડશે તે માટે મેં તેને વધાવી લીધી છે.

સોળ આની જીત

આપણ કેવું સદ્ભાગ્ય કે બારડોલીમાં જ આવી લડતનો પ્રસંગ આપણને મળ્યો ને તેમાં સંપૂર્ણ સફળતા પણ પ્રાપ્ત થઈ. જે માગ્યું તે સોળેસોળ આના મળ્યું. આપણે માગી તેનાથી બીજી ઘણી શરતો માગી શકતા હતા, તપાસની શરતોમાં આપણે કહી શકતા હતા કે મહેસૂલ ઉઘરાવતાં જે જે જુલમો કરવામાં આવ્યા છે તેની તપાસ કરવી જોઈએ. પણ એવી માગણી આપણે નથી કરી એ વલ્લભભાઈની ઉદારતા. સત્યાગ્રહીને તાત્વિક વસ્તુ મળે એટલે તે રાજી થાય છે, અને લોભ કે આગ્રહ રાખતો નથી.

હવે શું કરવું ?

ત્યારે હવે આપણે શું કરવું ? આ ઉત્સવને આત્મનિરીક્ષણનો અવસર બનાવી દઈએ. જે સ્વયંસેવકો આ લડત પૂરતા જ આવ્યા હતા, લડત આટોપાય કે તરત પાછા જવાનું ધારીને આવ્યા હતા, તે જાય જ. પણ જેને તેમ જવાની જરૂર નથી, જે સ્વયંસેવક ઉપર વલ્લભભાઈની નજર ઠરી હોય તેઓ તો અહીં જ રહે, અને એમ જાણે કે આ જ કામ કરવાયોગ્ય છે. એ કામ તમારી કસોટી કરનારું નીવડશે.

યોદ્ધાઓ કેવળ લડાયક હોય છે?

જો કોઈ એમ જાણતા હો કે હિંદુસ્તાનનું સ્વરાજય લડાયક થઈને જ લઈ શકાશે તો તે ભ્રમ છે એમ હું કહેવા ઇચ્છું છું. હિંસક લડાઈમાં પણ યોદ્ધાઓ આખો વખત યુદ્ધના જ વિચાર કરતા હશે એમ કોઈ માનતું હોય તો તે ભૂલ છે. ગૅરબાલ્ડી તો ઇટાલીનો મહાન સેનાપતિ થઈ ગયો. લડવામાં તે ભારે વીરતા બતાવી ગયો; પણ લડાઈ ન હોય ત્યારે તો તે હળ હાંકીને ખેતી કરતો હતો. દક્ષિણ આફ્રિકાનો જનરલ બોથા કોણ હતો? બારડોલીના ખેડૂત જેવો એક ખેડૂત હતો. ૪૦ હજાર તો તે ઘેટાં રાખતો, ઘેટાંની તેના જેવી પરીક્ષા કોઈ ભરવાડ પણ કરી શકતો નહિ. તે વિદ્યામાં તે પારિસની પરીક્ષામાં પાસ થયો હતો. તેણે લડવૈયા તરીકે નામના કાઢી, પણ લડાઈના પ્રસંગ તો તેની જિદંગીમાં એાછા હતા. રચનાત્મક કામમાં જ જિંદગીનો વધુ ભાગ તેણે ગાળ્યો હતા. એટલો મોટો ધંધો ચલાવનારને કેટલી રચનાકૌશલ્યની જરૂર પડી હશે ! ત્યારપછી જનરલ સ્મટ્સનો દાખલો લઈએ. એ એકલો જનરલ જ નથી, એ તો ધંધે વકીલ છે. વકીલાતમાં ઍટર્ની જનરલ હોવા સાથે એટલો જ કુશળ ખેડૂત હતો. પ્રિટોરિયા પાસે તેની વિશાળ જમીનદારી આવેલી છે, ત્યાં જેવી સુંદર ફળફળાદિની વાડી છે તેવી એ આખા પ્રદેશમાં બીજા પાસે ભાગ્યે જ હશે. આ બધા જગતના જાણીતા જનરલો હોવા છતાં રચનાત્મક કાર્યના ફાયદા સારી પેઠે સમજેલાનાં દૃષ્ટાંતો છે.

આ બધી જાહોજલાલી દક્ષિણ આફ્રિકામાં કાંઈ મૂળથી નહોતી. ત્યાં તો હબસી લોકો રહેલા. પછી નવા લોકોએ આવીને મુલક વસાવ્યો. પણ શું તેઓએ લડાઈ કરીને વસાવ્યો હતો ? લડાઈથી તો મુલક સર કરાય, પણ વસાવાય તો રચનાત્મક કાર્યથી જ. તમે સૌએ લડતમાં તો વલ્લભભાઈની સરદારી સ્વીકારી. હવે રચનાત્મક કાર્યમાં પણ વલ્લભભાઈની સરદારી સ્વીકારી શકશો ખરા? એ તમારાથી બની શકશે? એ નહિ બને તો કરી કમાણી ધૂળ મળવાની છે એ યાદ રાખજો. પછી થોડા લાખ રૂપિયા બારડોલીના ખેડૂતોના બચ્યા તોયે શું, અને ન બચ્યા તોચે શું?

સફાઈ અને દુરસ્તી

બારડોલી ગામના રસ્તા જુઓ. અહીં રહેનાર સ્વયંસેવકોને સારુ એને સાફ કરવા એ એક દિવસનું કામ છે. તે પછી તો હમેશાં અડધો કલાક વખત આપી લોકોને શીખવે તોયે બસ થાય. તમે પૂછશો કે એને ને સ્વરાજને શો સંબંધ ? હું કહું છું કે બહુ નિકટનો સંબંધ છે. અંગ્રેજ સાથે લડીને જ સ્વરાજ નથી આવવાનું. જ્યાં આપણી સ્વતંત્રતામાં દખલ કરે ત્યાં લડીએ. પણ શું આપણે જંગલી માણસોના જેવું સ્વરાજ જોઈએ છે કે અંગ્રેજો જાય ત્યારપછી ગમેતેમ રહીએ ? ગમે ત્યાં ગંદકી કરીએ? કાલે જ અમે વાલોડથી બારડોલી મોટરમાં આવ્યા. એવા રસ્તામાં મારા જેવો નબળો માણસ તો થાકી જ જાય, તેમાં કોનો વાંક ? તેમાં સરકારનો જ વાંક કાઢવો ન જોઈએ. આપણો પણ વાંક તેમાં રહેલો છે. ગુજરાતના જેવી ચંપારણ્યમાં પણ સ્થિતિ હતી અને ત્યાં સ્વયંસેવકોએ રસ્તા દુરસ્ત કર્યા હતા. હું એમ નથી સૂચવવા ઇચ્છતો કે કાલે અમારે જવું હતું તેથી રસ્તાની ફરિયાદ કરું છું, પણ રસ્તાને હમેશાં આપણે જ સારા રાખતા થવું જોઈએ. એ કરવાની ફરજ ભલે સરકારની હશે, પણ આપણે જો એટલી સેવા કરીએ તો સરકાર કાંઈ ના નહિ જ પાડે.

છાવણીઓએ આરોગ્યના નિયમનો કેટલે અંશે પ્રચાર કર્યો છે ? આમાં તો છૂતઅછૂતનો પ્રશ્ન નથીને ? આ તો એ પ્રશ્ન છે કે આપણી દિલસોજી જે લોકો સાથે આપણે રહીએ છીએ તેમની સાથે કેટલી છે ? જો પોતાની આસપાસનું જ આંગણું સારું રાખવાથી આપણે સંતોષ માની લઈએ તો સ્વરાજ ન લઈ શકીએ. જ્યારે લોક તરફથી આટલો સહકાર ને અનુકૂળતા છે તો આ તાલુકાની જમીનને સુવર્ણભૂમિ કરી શકાય. અહીંની કાળી માટી તે સુવર્ણ જેવી છે જ. જો તેના રસ્તાઓ સાફ રાખીએ તો વીંછી, સાપ, વગેરેની જે ફરિયાદો રહે છે તે પણ ગામડાંમાંથી કાયમની ટળે. હું તમને મનાવવા ઇચ્છું છું કે આ કામ સ્વરાજનું જ અંગ છે.

મદ્યપાન નિષેધ

તેટલી જ દારૂના પ્રશ્નને લેવાની આપણી ફરજ છે. એમાં સરકાર શું મદદ કરી શકે ? તે તો બહુ તો પીઠાંના ઇજારા ન આપે. પણ લોકને પીવાની આદત પડી છે તેને સરકાર કેમ સુધારી શકે ? જે દિવસે ૨૫ કરોડની ઊપજ બંધ કરવાની શક્તિ સરકાર બતાવવા તૈયાર થશે તે દિવસે પણ લોક પાસે મદ્ય છોડાવવા ફૂલચંદભાઈની ભજનમંડળીને જ જવું પડશે. લોકના ઘા એ રીતે માથા ઉપર ઝીલવા તૈયાર થશો ? હિંદુ અને મુસલમાન એકબીજાનાં માથાં ફોડતા હોય ત્યાં છાતી પર ગોળી ઝીલવા તમે તૈયાર થશે ? તેની સામે આવા જ શુદ્ધ સત્યાગ્રહ કરી શકશો ? ૧૯૨૧ માં દારૂ પર ચોકી શરૂ કરેલી, પણ આપણાએ જ તે વખતે ત્રાસ છોડાવ્યો હતો. જેઓ પોતે પીનારા હતા તેમણે જ બીજાના પર જુલમ ગુજાર્યો, તેથી જ તે કામ બંધ કરવું પડેલું.

રેંટિયાશાસ્ત્રી બનો

ત્યારપછી રેંટિયા પર આવીએ. રેંટિયા વિષે તમારી શ્રદ્ધા જામેલી છે? તમને એટલી શ્રદ્ધા બેઠી છે કે રેંટિયા ન હોત તો આ લડત શક્ય જ ન બનત ? રાનીપરજમાં કેટલાક સુંદર સેવકોએ રેંટિયાથી સારી છાપ પાડી અને તેમની પ્રીતિ સંપાદન કરી હતી એ વસ્તુ જો સમજ્યા હો તો રેંટિયાશાસ્ત્રી થવા તૈયાર થશો ? રામ કે અલ્લાહનું નામ લેતા કે મૂંગા મૂંગા રેંટિયાનું કામ કરશો ? આજ આખા દેશમાં ત્રાક સુધારનાર માત્ર છ કે સાત માણસ છે. ઠરડ વિનાની ત્રાક હોવી જોઈએ એ શેાધ તો રેંટિયાયુગ શરૂ થયો ત્યારથી જ થઈ. માઇસોર રાજ્ય તરફથી રેંટિયાની પ્રવૃત્તિ થઈ રહી છે. તેમણે પણ સીધી ત્રાક બનાવવાનો પ્રયત્ન કરી જોયો છે, ત્યાંથી નમૂના આવ્યા પણ બધી ત્રાકો પાછી મોકલવી પડી. લક્ષ્મીદાસ શુદ્ધ ત્રાક માટે જર્મની સાથે પત્રવહેવાર કરી રહ્યા છે. જો દરેકને રસ પડી શકે તો સૌ પોતપેતાને હાથે કરી લઈ શકે. ત્રાક સીધી કરતાં જો દરેકને આવડે તો કેટલું સરળ કામ થાય ? રેંટિયાપ્રવૃત્તિમાં આવી જે બેચાર આંટી છે તે ઉકેલીએ તો આજ રેંટિયા મારફત ઘણું વધારે કામ લઈ શકીએ. એ કામમાં સરદાર તમને રસ પાડી શકશે? અથવા તમે કહેશો કે વલ્લભભાઈ એવું કામ નહિ બતાવે, એ તો પેલો સાબરમતીવાળો લપલપ કર્યા કરશે ? પણ તેને એ સિવાય બીજું કંઈ ન આવડે ત્યારે શું કરે ?

દલિત કોમોનો કોયડો

તે પછી ભયંકર કોયડો અંત્યજનો છે. તેમાં જ દૂબળાઓનો પ્રશ્ન સમાઈ જાય છે. રાનીપરજ સાથે ઉજળિયાત કહેવાતો વર્ગ ઓતપ્રોત થઈ શકશે? એ ન કરી શકો તોપણ શું તમને ભાસે છે કે તમે સ્વરાજ લઈ શકશો? શું તમને લાગે છે કે એકવાર સ્વરાજ મળશે એટલે પછી તેવા હઠીલાઓને મારી મારીને તમે સીધા કરી દેશો ?

જીતનો સાચો ઉપયોગ

જો આ જીતને આખા હિંદુસ્તાનને મુક્ત કરવામાં વાપરવા માગતા હો તો આ અને આવા બધા જ કોયડાઓનો ઉકેલ કાઢ્યે જ છૂટકો. જો આ નહિ ને બીજું કંઈ રચનાત્મક કામ તમે જાણતા હો તો ભલે તે કરો. લડાઈ તો થોડીવાર ચાલીને પાછી મંદ પડવી જ જોઈએ, પણ લડવાની શક્તિ તો વડવાનલ જેવી સુષુપ્ત દશામાં હોય જ. લોકોમાં કામ કરવાનાં ઘણાં છે, કેમકે આપણામાં સડો ઓછો ધોવાનો નથી. મિસ મેયોને ગાળો દેવી સહેલી છે. તેણે લખ્યું તે બધું દુશ્મનભાવે લખ્યું છે એ ખરું, પણ તેણે જે કંઈ લખ્યું છે તેમાં કશું રહસ્ય નથી એમ કોઈ કહે તો હું તે કબૂલ નહિ કરું. તેણે મુકેલા કેટલાક પુરાવા તો સાચા છે, જોકે તે પરથી તેણે ખેંચેલાં અનુમાન ખોટાં છે. આપણામાં જે બાળવિવાહ છે, આપણામાં જે વૃદ્ધવિવાહ છે, વિધવાઓ તરફ જે અમાનુષી વર્તાવ છે તે બધાનું આપણે શું કરશું?

ઠીક થયું કે બારડોલી તાલુકાની લડત દરમ્યાન હિંદુ, મુસલમાન, પારસી બધા સાથે રહી શક્યા. પણ તે પરથી એમ કંઈ માની શકાય કે બધા સંપૂર્ણ અને કાયમને સારુ એકદિલ થઈ ગયા છે? એકતા થઈ તેમાં સરદારની કુનેહ ઉપરાંત તેમની સાથે અબ્બાસસાહેબ અને ઇમામસાહેબ જેવા બેઠા હતા એ કારણ છે. પણ હિંદુસ્તાનમાં બીજે ગમે તેટલા કોમી ઝગડા ફાટી નીકળે તોયે અહીં તેના છાંટા ઊડે જ નહિ એવી સ્થિતિ હજી ન જ માની લેવાય. આ બધી બાબતોના નિકાલ કર્યા વિના સ્વરાજ આવવાનું નથી. વિલાયતથી બે ચોપડીઓ કાયદાની લખાઈ આવે તેનાથી સ્વરાજ્ય સ્થપાવાનું નથી. તેનાથી ખેડૂતો પર શો પ્રભાવ પડે ? પ્રજાને શો લાભ પહોંચે ? આ બધું ચલાવતાં આવડે ને આ બધી મુશ્કેલીઓના ઉકેલ કરતાં આવડે એનું જ નામ સ્વરાજ.

સ્વયં સેવકની નીતિ

અહીં જે સ્વયંસેવકો રહ્યા છે તેઓ પ્રજાનો પૈસો કૃપણ થઈ વાપરે કે બહોળે હાથે ? પોતા પ્રત્યે ઉદાર રહેવું તે તો મોટું દૂષણ છે. ઉદાર બીજા પ્રત્યે થવાય. પોતા પ્રત્યે કૃપણ અને બીજા પ્રત્યે ઉદાર રહેતાં આવડે ત્યારે જ પોતા અને બીજા વચ્ચેના સંબંધનો મેળ રહે. હું માનું છું કે તમે જે ખર્ચ કર્યું છે તે ઉડાઉ નહોતું, છતાં તે પૂરી કૃપણતાથી વપરાયું છે એમ આપણે સિદ્ધ કરી શકશું તો હું ઘણો ખુશી થઈશ. દેશના બીજા ભાગમાં આવે પ્રસંગે જે રીતે સ્વયંસેવકો વર્તે છે તેના કરતાં તમે ચડી ગયા છો એમ જોઈશ ત્યારે રાજી થઈશ.

આપણા જીવનનું ધારણ કેવું હોય ?

આપણો દેશ એક તો જગતમાં સૌથી કંગાળ વળી આપણી સરકાર એવી કે અમેરિકાને બાદ કરીએ તો દુનિયામાં સૌથી ઉડાઉ છે. આપણે અહીંની ઇસ્પિતાલો જોઈએ તો તેમાં ઇંગ્લંડને ધોરણે ખર્ચ થાય છે. સ્કૉટલંડની ઇસ્પિતાલો પણ આપણા જેટલો ખર્ચ ન કરે. કર્નલ મેડકે મને કહેલું કે અહીં જેમ વપરાયેલા પાટાનાં કપડાં ફેંકી દઈએ તેમ અમારે સ્કૉટલંડમાં ન ચાલે. ત્યાં તો અમે ધોઈ ને ફરીથી પાછા વાપરીએ. ઇંગ્લંડને એ બધું પાલવે, તેના લોકો ઘર છોડીને બહાર નીકળી પડેલા, તેમાં વળી હિંદુસ્તાન જેવું ક્ષેત્ર લૂંટવા મળી ગયું. પણ આપણું ખરું પ્રમાણ તો હિંદુસ્તાનના મોટા ભાગના લોકોને શું પહેરવાનું મળે છે, શું ઓઢવાનું મળે છે તે પરથી ઠરાવાય. તેના પ્રમાણમાં આપણને કેટલી જરૂર છે, એ વિચાર કરીને તમે તમારું ખર્ચ ચલાવો, તેમ નહિ કરીએ તો છેવટે હારી જવાય.

પ્રજાપ્રેમની પારાશીશી

જેને ધીરજ અને શ્રદ્ધા હશે તે તો આ બધાં કાર્યો ચલાવ્યા જ કરશે. મારા જેવા મરણકાંઠે પહોંચ્યા છે તેમને વરસમાં સ્વરાજ જોવાની ઇચ્છા હોય તે ભલે ન ફળે, પણ તમે તો તમારી જિંદગીમાં જોવા ઇચ્છો જ. તો પછી અંતરમાં ઊતરીને વિચારો કે જે સમુદાયને તમારે સુધારવો છે તેના પ્રત્યે તમને સાચો પ્રેમ, સાચી સહાનુભૂતિ છે કે નહિ ? તેમાંના કોઈનું માથું દુખે તો આપણું માથું દુખવા જેટલું દર્દ થાય છે કે નહિ ? તેમનાં પાયખાનાં મેલાં હોય તો તે સાફ કરવાને આપણે તૈયાર છીએ કે નહિ?

સ્વરાજ લેવું સહેલું છે

એ બધાં રચનાત્મક કાર્ય માટે આટલા સેવકો પૂરા નથી. આપણી એવી સ્થિતિ હોવી જોઈએ કે સરદારે કહ્યું કે ફલાણું કામ થાઓ કે થયું જ છે, વાસણ માંજવાનું કે પાયખાનાં સાફ કરવાનું કામ સોંપ્યું હોય કે મોટરમાં બેસવાનું કામ સોંપ્યું હોય — તે સરખા પ્રેમથી, સરખી પ્રામાણિકતાથી થયું જ છે. એ લાયકાત જો આપણામાં હોય તો જેટલી સહેલાઈથી આ જમીનમહેસૂલની નાની લડતમાં જીત મેળવી તેટલી જ સહેલાઇથી સ્વરાજ મેળવીએ એ વિષે મારા મનમાં શંકા નથી.

એ જ સરદાર પાસે સ્વરાજ લેવડાવે

બારડોલીની દશ હજાર માણસની સભા આગળ ગાંધીજીએ કરેલું ભાષણ આખું જ અહીં આપવું યોગ્ય લાગે છે :

આજના કામનો આરંભ આપણે ઈશ્વરભજનથી કર્યો છે. આપણને ચેતવણી મળી ગઈ છે કે વિજયનો ગર્વ કરવાનો ન હોય. પણ વિજયનો ગર્વ ન કરીએ એટલું બસ નથી. એટલું કહેવું કે બારડોલીનાં ભાઈબહેનોએ પોતાના પરાક્રમથી જશ પ્રાપ્ત કર્યો તે પણ બસ નથી. વલ્લભભાઈ જેવા સરદારના અથાક પ્રયત્નથી જય મળ્યો એ સાચું તોપણ એટલું બસ નથી. એમને વફાદાર, મહેનતુ અને સાચા સાથી નહિ મળ્યા હોત જય ન જ મળી શકત. પણ એટલું કહેવું તેયે બસ નથી. -સત્યાગ્રહનો એવો નિયમ છે કે કોઈને દુશ્મન ન ગણીએ, પણ એવા મનુષ્યો હોય છે જેમને આપણે દુશ્મન ન ગણીએ તોપણ આપણને દુશ્મન ગણે ને પેાતાને આપણા દુશ્મન મનાવે. આપણે તેવા મનુષ્યોનો નાશ નહિ, હૃદયપલટો ઇચ્છીએ.

અનેકવાર સરદારે તમને તેમજ સરકારને સંભળાવ્યું હશે કે જ્યાં સુધી સરકારી અમલદારોનો હ્રદયપલટો નહિ થાય ત્યાં સુધી સમાધાન થવું શક્ય નથી. હવે સમાધાન થઈ શક્યું છે તો ક્યાંક હૃદયપલટો થયો જ હશે. સત્યાગ્રહી એવો ગર્વ સ્વપ્ને પણ ન કરે કે પોતાના બળથી તેણે કાંઈ કર્યું છે. સત્યાગ્રહી એટલે તો શૂન્ય. સત્યાગ્રહીનું બળ એ ઈશ્વરનું બળ છે. તેના મોમાં એ જ હોય : ‘નિર્બલ કે બલ રામ.’ સત્યાગ્રહી પોતાના બળનું અભિમાન છોડે તો જ ઈશ્વર તેને મદદ કરે. ક્યાંક હૃદયપલટો થયો હોય તેને માટે ઈશ્વરનો આપણે આભાર માનીએ. પણ તે આભાર પણ પૂરતો નથી.

એ હૃદયપલટો ગવર્નરસાહેબનો થયો એમ આપણે માનવું જોઈએ. જો તેમનો હૃદયપલટો ન થયો હોત તો શું થાત ? જે કંઈ થાત તેનું આપણને તો કશું દુ:ખ નહોતું. આપણે તો પ્રતિજ્ઞા લીધેલી હતી, અને ભલે તોપ લાવે તોપણ આપણને તેની ચિંતા નહોતી. આજે જયનો ઉત્સવ કરીએ, હર્ષ મનાવીએ એ ક્ષંતવ્ય છે. પણ તે સાથે તેને સારુ જવાબદાર ગવર્નર છે એમ હું તમને મનાવવા ઈચ્છું છું. જો તેમણે તેમના ધારાસભાના ભાષણમાં બતાવી તે જ અકડાઈ કાયમ રાખી હોત અને નમતું ન આપ્યું હોત, અને જો તે ઇચ્છત કે બારડોલીના લોકને ગોળીબારથી ઉડાડી દેવા તો તે આપણને મારી શકત. તમારી તો પ્રતિજ્ઞા હતી કે તે મારવા આવે તો પણ તમે સામે મારવાના નથી; મારવાના નથી તેમ પૂંઠ પણ બતાવવાના નથી, તમે તેમની ગોળી સામે લાકડી કે આંગળી સરખી ઉપાડવાના નથી. તમારી એ પ્રતિજ્ઞા હતી. એટલે ગવર્નરે ઇચ્છ્યું હોત તો બારડોલીને જમીનદોસ્ત કરી શકત. તેમ કરવાથી તો બારડોલીનો તો જય જ થાત, પણ તે જુદા પ્રકારનો જય હોત. તે જય ઊજવવા આપણે જીવતા ન હોત, આખું હિંદુસ્તાન, આખું જગત તેની ઉજવણી કરત. પણ એટલું કઠણ હૃદય આપણા કોઈમાં - અમલદારમાં પણ - ન ઇચ્છીએ. આ બારડોલી તાલુકાની જંગી સભા કે જ્યાં ૧૯૨૨ની મહાન પ્રતિજ્ઞા લેનારા ભેગા થયા છો, ત્યાં આ વાત આપણે રખે ભૂલીએ. આપણામાં ક્યાંક પણ અભિમાન છુપાયેલું હોય તો તે કાઢવા મેં આટલી પ્રસ્તાવના કરી લીધી.

હું તો દૂર રહ્યો રહ્યો તમારો જય ઈચ્છતો હતો, પણ તમારી વચ્ચે આવીને કામ કરનારો નથી એ વાત સાચી છે. જોકે હું વલ્લભભાઈના ખીસામાં હતો અને જે ક્ષણે ધારત તે ક્ષણે મને તે બોલાવી શક્તા હતા, પણ આ તમારા જયનો યશ હું ન જ લઈ શકું. આ જય તમારા અને તમારા સરદારનો જ છે, અને તેમાં ગવર્નરનો ભાગ છે અને તેમનો ભાગ હોય તો તેમના અમલદારવર્ગનો, ધારાસભાના સભ્યોનો પણ ભાગ તેમાં હોય. જે કોઈએ શુદ્ધ હૃદયથી સમાધાનીની ઇચ્છા કરી તે સૌનો આ જયમાં ભાગ સ્વીકારવો જોઈએ. આ જય માટે ઈશ્વરનો આપણે પાડ માનીએ જ. પણ ઈશ્વર તો અલિપ્ત રહી માટીનાં પૂતળાંને નિમિત્ત બનાવી કાર્યો કરાવે છે. એટલે બાકીનાને જેમને જેમને ઘટે છે તે સૌને આ યશ આપણે વાંટી દઈએ. પછી આપણા પોતાના ભાગે ઓછું જ રહેવા પામશે અને ઓછું રહે તે જ ઠીક.

આ તો હજી તમારી પ્રતિજ્ઞાના પૂર્વાર્ધનું પાલન થયું છે. તેનો ઉત્તરાર્ધ હજી અમલમાં મૂકવાનો બાકી છે. સરકાર પાસેથી લેવાનું હતું તે તો આવ્યું, અને તેણે પોતાનો ભાગ આપ્યો, તો હવે તમારે જૂનું મહેસૂલ તરત આપી દેવું જોઈએ. એટલે હવે તે તરત આપી દેજો. વળી હવે જેમણે આપણો વિરોધ કર્યો હોય તેમની હવે મિત્રતા કરી લેજો. જૂના અમલદારો જે હજુ આ તાલુકામાં રહ્યા હોય તેમની સાથે પણ મિત્રતા કરી લેજો. નહિ તો તમે તમારી પ્રતિજ્ઞા ભંગ કરી કહેવાશે. આપણી પ્રતિજ્ઞાના પહેલા ભાગ માટે સરકાર પાસે જવાનું હતું, આ ઉત્તરાર્ધ આપણે પોતે જ સિદ્ધ કરવાનો છે. હૃદયમાં કોઈને માટે ગાળ ન રહે, કોઈને માટે ક્રોધ ન રહે, એમ કરવું એ આપણી પ્રતિજ્ઞાનો પાળવાનો રહેલો ભાગ છે.

હવે તેથીયે આગળ ચાલીએ. આ પ્રતિજ્ઞા એ તો આપણી નવી અને નાની સરખી પ્રતિજ્ઞા છે. તે તો સમુદ્રમાંનું બિંદુ છે. ૧૯૨૨માં જે પ્રતિજ્ઞા આ તાલુકામાં લેવાઈ હતી તે ભીષણ પ્રતિજ્ઞા હતી. એ ભીષ્મપ્રતિજ્ઞા હજી બાકી છે, તેના પાલનને માટે તમે આ તો તાલીમ લીધી છે. હવે એ મહાપ્રતિજ્ઞાનું પાલન પણ કરો એ હું તમારી અને ઈશ્વરની પાસે માગુ છું.

જે સરદારની આગેવાની નીચે રહી તમે આ પ્રતિજ્ઞાનું આવું સુંદર પાલન કર્યું એ જ સરદારની નીચે એ પણ કરો. આ સ્વાર્થ ત્યાગી સરદાર તમને બીજો નહિ મળે. એ મારા સગા ભાઈ જેવા છે છતાં એટલું પ્રમાણપત્ર તેમને આપતાં મને સંકોચ નથી થતો.

છાતીમાં ગોળી ખાવી એ હું એટલું કઠણ નથી માનતો, પણ રોજ કામ કરવું, ક્ષણેક્ષણે પોતા સાથે લડાઈ કરવી, પોતાની આત્મશુદ્ધિ કરવી એ કઠણ કામ છે. ગોળી તો એ રીતે બે જણ ખાઈ શકે છે. ગુનેગાર પણ ગુનો કરીને ખાય છે, પણ તેનાથી કંઈ સ્વરાજ મળે ? આત્મશુદ્ધિ કરીને જે ગોળી ખાવામાં આવી હોય તે જ સ્વરાજ લાવવાને સમર્થ છે. અને તે મુશ્કેલ છે. જેમને ખાવાનું નથી, જેમની પાસે પીવાનું નથી, જેમને પહેરવાનું નથી, તેમને ખાતાપીતા કરવા, ઉદ્યમી કરવા, તેમને ઓઢાડવા તેમાં ફાળો આપવો એ મુશ્કેલીનું કામ છે. ઉત્કલવાસીઓની કેવી દીનહીન દશા છે તે તમે ઘણી બહેનો અને ભાઈ જાણતાં નહિ હો. ત્યાંનાં હાડપિંજરની વાત મેં ખાસ કરીને બહેનોને ઘણીવાર કરી છે, જો તે તમને કહેવા બેસું તો તમારી અને મારી આંખમાંથી આંસુ ખરે. તમને અતિશયોક્તિ લાગશે. પણ ત્યાં તમને લઈ જાઉં તો તમે એ બધું નજરે જુઓ. હાડપિંજરમાં કંઈક ચરબી અને માંસ પૂરવાં એ કામ મુશ્કેલ છે, પણ એ આપણી પ્રતિજ્ઞા છે.

એ પ્રતિજ્ઞાનું પાલન ન કરો ત્યાં સુધી તમારે માથે કરજ રહેલું છે એમ સમજજો. તે ફરજ ફેડવાની ઈશ્વર તમને અને આપણને સૌને સન્મતિ અને શક્તિ આપે.

દેશને સંદેશ

સૂરતની વિરાટ સભા આગળ ગાંધીજી નીચે પ્રમાણે બોલ્યા હતા :

આજે સૂરતના શહેરીઓ આટલી બધી અગવડ સહન કરીને અહીં શાંતિથી બેઠા છે એ મને ૧૯૨૧ની યાદ કરાવે છે. આ જ મેદાનમાં મેં તમારી આગળ જે ભાષણ કર્યું હતું તેના ભણકારા હજી મારા કાનમાં વાગે છે. કદાચ તે તમારા કાનમાં પણ વાગતા હશે. તે વેળાના કાર્યક્રમમાં તમે જે નથી કર્યું તેની આજે તમને યાદ દેવડાવવા ઈચ્છું છું. બારડોલીના વિજયથી તમે અને બારડોલી શાંત થઈને બેસી ન જાઓ. સહભોજન કરીને તમને ધન્યભાગ્ય માની બેસશો તો સમજજો કે તમે બારડોલીનું રહસ્ય નથી જાણ્યું, બારડોલીની જીતમાંથી જેટલો લાભ ઉઠાવવો જોઈએ તે નથી ઉઠાવ્યો. હું તો વલ્લભભાઈ સાથે ચારપાંચ દિવસ રહ્યો તેટલામાં તેમની પાસે સાંભળી લીધું કે સરકારની સામે લડવું એ સહેલું છે પણ લોકની સાથે લડવું એ મુશ્કેલ છે. સરકારની સાથે લડવું એ સહેલું છે, કારણ સરકારનો રજ અન્યાય હોય તેને આપણને ગજ કરતાં આવડે છે કીડીના જેવડો અન્યાય પણ હાથીના જેવડો આપણને લાગે છે — અને લાગવો જોઈએ, જેને ન લાગે તે પ્રજા મૂર્છામાં છે — પણ આપણે જ્યારે પોતા થકી કશું કરવાનું આવે છે ત્યારે કર્તવ્યથી ભાગી છૂટીએ છીએ. એટલે મેં બારડોલીના લોકોને પહેલું કહ્યું: ‘તમે પ્રતિજ્ઞાનો પૂર્વાર્ધ પાળ્યો, હવે ઉત્તરાર્ધ પાળો.’ ઉત્તરાર્ધ જૂનું મહેસૂલ ભરી દેવામાં છે. એ મહેસૂલ તો ઝપાટાબંધ ભરી દેવામાં આવશે એવી મારી ખાતરી છે. પણ એ મહેસૂલ ભરવાના ગર્ભની અંદર રહેલી રચનાત્મક કાર્યની પ્રતિજ્ઞા હજી પાળવાની રહેલી છે. બારડોલીમાં જે અસીમ જાગૃતિ જોઈને હું આવું છું તે બહેનોની સેવા આપણે કઈ રીતે કરશું, તેમનાં દુ:ખ શી રીતે ટાળશું, એમાં તમે શહેરીઓ શો ભાગ ભરશો ? એ પ્રશ્નનો ઉકેલ તમારે કરવો રહ્યો છે. ૧૯૨૧ માં તમારી પાસેથી જઈને મેં વાઇસરૉયને લાંબો કાગળ લખેલો, એમ સમજીને તમે અને બારડોલી મારી પ્રતિજ્ઞામાં શામેલ રહેશો. પણ તે વેળા જે કરવાનું હતું તે આપણે આજ સુધી નથી કર્યું. સત્યાગ્રહની અંદર સવિનય ભંગ આવી જાય છે, આંધળી સત્તાના અમલનો સદા વિરોધ કરવાનું આવી જાય છે, પણ એ વિરોધનો જેના ઉપર આધાર છે તે આત્મનિરીક્ષણ, આત્મશુદ્ધિ, રચનાત્મક કાર્ય એ તમે કેટલું કરેલું છે તેનો હિસાબ માગું તો મને લાગે છે કે તમારી અને મારી આંખમાંથી આંસુ પડાવી શકું.

હું તો ૧૯૨૧ માં હતો તેનો તે જે આજે પણ છું, તે વેળા જે કઠણ શરત મૂકી હતી તે જ શરતો આજે મૂકનારો છું. એ શરતો વિના હિંદુસ્તાનમાં જે સુખ, શાંતિ, વૈભવ, સ્વરાજ, રામરાજ જોઈએ છે તે અસંભવિત માનું છું. જ્યાં સુધી અલબેલી કહેવાતી સૂરત નગરીના હિંદુમુસલમાન પાગલ બને અને ખુદાને નીંદીને ધર્મને ખોટે નામે લાઠીઓ ચલાવે, અને અદાલતમાં જઈને ઇન્સાફ માગે, ત્યાં સુધી તેમને સ્વરાજનું નામ લેવાનો અધિકાર નથી. મેં તે દિવસોમાં પણ કહેલું કે તમે ખરા બહાદુર હો તો તમને એકબીજા સાથે લડવાને અધિકાર છે, પણ અદાલતમાં જવાનો અધિકાર નથી. આજ સુધી જગતમાં એવા લડવૈયા નથી જોયા જે લડીને અદાલતમાં ગયા હોય. અંગ્રેજ અને જર્મનો તોપબંદૂકથી લડ્યા, પણ અદાલતની પાસે ન્યાય માગવા ન ગયા. એમાં અમુક અંશે બહાદુરી રહેલી છે. હિંદુમુસલમાન એમ કરે તો તે કરવાનો તેમને અધિકાર છે; જો તેઓ લડતની નીતિ અને મર્યાદા જાળવીને લડશે તો તેમનાં નામ ઇતિહાસમાં રહેશે. તેઓ જો વકીલની મદદ ન લે, પૈસાની મદદ ન લે, તલવાર પર ઝૂઝશે તો શૂરવીર કહેવાશે, પણ આજે આપણે જે ઢંગથી કામ લઈએ તે રીતે તો નામર્દ બનવાના છીએ. એમાં ધર્મ નથી. ધર્મ તો નમ્રતામાં છે, નમતું મૂકવામાં છે; મરવામાં અથવા લડતાં લડતાં મારીને મરવામાં છે, પણ લડીને અદાલતમાં જવામાં નથી. આજે આખા હિંદુસ્તાનની અંદર દીનહીન સ્થિતિ વ્યાપી રહેલી છે, એમાંથી નીકળી જવાના પાઠ આપણે બારડોલીમાં શીખ્યા છીએ. બારડોલીમાં શૂરાતન બતાવ્યું તેથી આપણને શું ઝાંઝપખાજ વગાડી રાચવાનો અધિકાર મળી જાય છે? (અહીં ખૂબ વરસાદ પડવા માંડ્યો, પણ લોકો પોતાને સ્થાનેથી ખસ્યા નહિ.) મેં તો તમને સત્યાગ્રહી તરીકે આત્મશુદ્ધિનો ધર્મ સમજાવ્યો. આપણે હિંદુસ્તાનમાં રહેનારા એક જ માટીમાંથી પાકેલા એક જ હિંદમાતાની ગોદમાંથી પેદા થયેલા છતાં વિધર્મી સગા ભાઈઓ તરીકે કેમ ન રહી શકીએ ?

બીજો એક કાર્યક્રમ તો છે જ. હિંદુઓ તરીકે આપણે હિંદુજાતિની સુધારણા કરી ચૂક્યા ? આપણી પતિત સ્થિતિ માટે આપણે કેટલા જવાબદાર છીએ? તમે તમારી મેળે જ હિસાબ કરશો તો જોશો કે એ શુદ્ધિ વિના સ્વરાજ ન મળે. બીજી કોઈ રીતે મને સ્વરાજ લેતાં આવડતું નથી. એ મારી મર્યાદા છે, એ સત્યાગ્રહની પણ મર્યાદા છે. જે સ્વરાજ બીજે કોઈ રસ્તે મળતું હોય તો તે સ્વરાજ ન હોય પણ બીજું જ કાંઈ હશે.

જેમ હિંદુધર્મનો સડો કાઢવાનો છે તેમ હિંદુ તેમજ બીજા ધર્મીઓનો હિંદુસ્તાનનાં હાડપિંજર પ્રત્યે શો ધર્મ છે? હિંદુસ્તાનનાં હાડપિંજરમાં તમે ચરબી અને માંસ દાખલ કરવા ઇચ્છતા હો તો રેંટિયા સિવાય એકે બીજો રસ્તો નથી. એનું નાનકડું કારણ હમણાં જ મારા જોવામાં આવ્યું તે સંભળાવી દઉં. ખેતીવાડી કમિશનનો રિપોર્ટ સેંકડો પાનાંનો બહાર પડ્યો છે, તેના ઉપર સર લલ્લુભાઈ શામળદાસની ટીકા વાંચી. તેમણે જણાવ્યું છે કે કમિશનના સભ્યો ભીંત ભૂલ્યા છે, ગ્રામ્ય ઉદ્યોગોના પ્રકરણમાં એમને રેંટિયાનું નામ લેવું પણ યોગ્ય નથી લાગ્યું. સર લલ્લુભાઈ કહે તેમ એ નામથી પણ તેઓ ભડક્યા અને અસ્પૃશ્ય માનીને આઘા ખસ્યા છે. એના ઉચ્ચારણથી પણ શરમાયા છે. એ શા કારણે હશે? જે રેંટિયા પાછળ કેટલાક ઘેલા થયેલા છે એનું નામનિશાન નહિ, અરે, એની નિંદા કે ટીકા પણ નહિ. એનું કારણ શું? એની શક્તિથી એ લોકો ભડક્યા છે, અને એમાં મને રેંટિયાનો જબરદસ્ત બચાવ મળતો લાગે છે. (વળી વરસાદનું ઝાપટું. અંગ્રેજી માલના બહિષ્કારની વાત ઉપર આવતા હતા, પણ ભાષણ અહીં જ પૂરું કર્યું.) મેં કહેવાનું કહી દીધું છે. હવે કાંઈ કહેવાનું બાકી રહ્યું નથી.

સરદારનો કોલ

બારડોલીમાં વિજયી ખેડૂતોની પાસે ભાવી કાર્યક્રમ રજૂ કરતાં વલ્લભભાઈ એ ખેડૂતોને નીચે પ્રમાણે કોલ આપ્યો હતો :

સરકાર સાથે લડવાનું તો મીઠું લાગે છે, પણ યાદ રાખજો મારે તો તમારી જોડે પણ લડવું પડવાનું છે. ખેડૂત પોતાની ભૂલોથી દુ:ખી થઈ રહ્યા છે. તે ભૂલો હું સુધારવા માગું છું. તેમાં હું તમારો સાથ માગુ છું. બારડોલી તાલુકાની બહેનો, જેમણે મારા પર આટલો પ્રેમ વરસાવ્યો છે, મને ભાઈ સમાન ગણ્યો છે તેઓ મને એ કામમાં સાથ આપે એ માગું છું. એમની મદદ સિવાય એમાંનું કંઈ પણ બનવું અસંભવિત છે.

હું તમને કહી દેવા ઇચ્છું છું કે સરકાર તમામ મહેસૂલ માફ કરી દે છતાં તમે જો ન ઇચ્છો તો સુખી ન જ થઈ શકો. સત્તાના જુલમો સામે તમે લડો એ તો મને પસંદ છે. પણ આપણે જાણવું જોઈએ કે આપણી પોતાની જ મૂર્ખાઈથી આપણે બહુ જ દુ:ખી થઈએ છીએ, આપણે પોતે જ આપણાં દુ:ખો માટે જવાબદાર છીએ, તો તે સામે શું આપણે ન જ લડીએ ? તે સારુ તો રાતદિવસ જંગ માંડવો જોઈએ.

તેથી હું હવે બારડોલી તાલુકાનાં તમામ મહાજનો અને પંચોને કહેવાનો કે તમારાં પંચોને સજીવન કરો, જૂનાં ખોખાંમાં નવું ચેતન રેડો. પંચો તો એવાં હોય કે જ્યાં ગરીબોનું રક્ષણ થતું હોય, જેના વડે આખી કોમનો પુનરુદ્ધાર થવા લાગે.

શું નાનાં નાનાં બાળકોને પરણાવી માર્યે કોઈ દિવસ કોઈ કોમનું કલ્યાણ થઈ શકે ? જે પ્રજા છાતી પર ગોળી ઝીલવાને તૈયાર થયાનો દાવો કરતી હોય તે પોતાનાં નાનાં નાનાં બાળકોને કદી પરણાવે ? તેને માટે શું સરકારને અમુક ઉંમર પહેલાં છોકરાં પરણાવવાની બંધી કરનારા કાયદા કરવા પડે ? જો સરકારને આપણા સુધારા માટે કાયદા ઘડવા પડતા હોય તો આપણે તેની સાથે કેમ લડી શકીશું ?

જેમ આપણે સરકારના દિલનો પલટો ઇચ્છતા હતા તેમ આપણાં પેાતાનાં હૃદયનો પલટો પણ કરવો પડશે.

પ્રભુને હાજ૨ જાણી લીધેલી એક પ્રતિજ્ઞામાંથી આપણે પાર ઊતર્યા અને આજે એ ફતેહની ઉજવણી માટે હર્ષથી ભેગા થયા છીએ. આ ઉજવણીમાં ભાગ લેવાનો સૌને અધિકાર છે. પણ આ ઉજવણીને અંતે આપણાં માથા પર કેટલી મોટી જવાબદારી રહેલી છે તેનું ભાન આપણને રહેવું જોઈએ. કાયમનાં કામો હવે આપણે ઉપાડવાં આવશ્યક છે, એવાં કામો કે પછી આવી લડતો લડવાપણું જ ન રહે.

હું પોતે તમે ઇચ્છો તેટલું તમારી વચ્ચે રહેવા તૈયાર છું. હું ગામેગામ ફરી તમને સમજાવીશ, બહેનોને તેમ બાળકોને મળીશ. પંચોને ભેગાં કરીને સમજાવીશ કે મોક્ષનો માર્ગ તો આપણા જ હાથમાં છે. તોપબંદુકની સામે ઝૂઝવાની કંઈ જરૂર નથી. કંઈક સંયમ શીખવાના છે, કંઈક પાપો ધોવાનાં છે, કંઈક મિથ્યાભિમાન હોય તે છોડવાનાં છે. એક વખત તોપગોળા સુધી પહોંચવાની તૈયારી કરી નાંખી હોય તેને માટે એ બધું કરવું મુશ્કેલ નથી. અત્યારે તો હું આટલું સૂચન જ કરી લઉં છું. હું તમારી સાથે જ રહેવાનો છું એટલે અત્યારે આવડી મેદનીમાં વધુ ઘાંટા નહિ ખેંચું.

એટલું જ કહીને તમારી રજા લઈશ કે તમે બધા આ લડત તો સુંદર રીતે લડ્યા, પણ હવે આથી ભારે કામ માટે તૈયાર થાઓ. તપાસસમિતિ નિમાશે તેને માટે પુરાવા એકઠા કરવાનું કામ છે. પણ તે તો નાનું કામ છે, અને તે કરનારાઓ તો મળી રહેશે. જો મારા સાથીઓ મારી વાત માનશે તો બારડોલી તાલુકામાં આપણે એવું કામ કરીશું કે જે આખા હિંદુસ્તાનમાં આદર્શરૂપ બનશે. એ કામ જ્યારે કરશો ત્યારે તમને મીઠું લાગશે.

જ્યારે આપણે સત્યાગ્રહની લડત ઉપાડી ત્યારે તેનાં પરિણામની તમને ખબર નહોતી. વખત જતો ગયો અને કસોટી થતી ગઈ તેમ તેમાં રસ પડતો ગયો, તેમતેમ તમારામાં ચેતન વધતું ગયું. એ જ પ્રમાણે હવે પછીના બેઠા અને ઠંડા કામ વિશે પણ ખાત્રી રાખજો. તે જેમ થતું જરો તેમ, જોકે તે કઠણ તો છે જ છતાં, ફળ તમને ખૂબ મીઠાં લાગશે.

તેથી મને ઉમેદ છે કે જેમ આ લડતમાં તમે સૌએ મને સાથ આપ્યો તેમ હવે પછીના કાર્યમાં પણ સાથ આપશો. ઈશ્વર એમ કરવાની બુદ્ધિ અને શક્તિ તમને આપો, અને પ્રભુ તમારું કલ્યાણ કરો.

હું પટ્ટશિષ્ય શેનો?

શ્રી. વલ્લભભાઈનું અમદાવાદનું ભાષણ તેમનાં અનેક ભાષણોનો સારરૂપ હોઈ આખું લીધું છે:

આજે સવારે જ્યારથી મેં આ શહેરમાં પગ મૂક્યો છે ત્યારથી અમદાવાદના શહેરીઓએ મારા પર જે પ્રેમ વરસાવ્યો છે તેથી હું  આભારની લાગણીથી એટલો બધો દબાઈ ગયો છું કે કયા શબ્દોમાં તમારો આભાર માનું એ મને સૂઝતું નથી. અત્યારે મારી લાગણીઓ એવી છે કે તમારી પાસે કંઈ પણ બોલ્યા સિવાય મૂંગો જ બેસું. છતાં જે માનપત્રો તમે આપ્યાં છે તેનો કંઈક જવાબ મારે આપવો જોઈએ. તેથી ટૂંકામાં બે શબ્દો કહું છું તે શાંતિથી સાંભળશો.

તમે અમદાવાદના શહેરીઓ તરફથી માનપત્ર આપ્યું તેમાં મને ગાંધીજીના પટ્ટશિષ્ય તરીકે વર્ણવેલો છે. હું ઈશ્વર પાસે માગું છું કે મારામાં એ યોગ્યતા આવે. પણ હું જાણું છું, મને બરાબર ખબર છે કે મારામાં એ નથી. એ યોગ્યતા મેળવવા માટે મારે કેટલા જન્મ લેવા જોઈએ એ મને ખબર નથી. સાચે જ કહું છું કે તમે પ્રેમના આવેશમાં જે અતિશયોક્તિભરેલી વાતો મારે માટે લખી છે તે હું પી જાઉં તો ચાલી શકે, પણ આ વાત ન ગળી શકાય એવી છે. તમે સૌ જાણતા હશો કે મહાભારતમાં દ્રોણાચાર્યને એક ભીલ શિષ્ય હતો, જેણે દ્રોણાચાર્ય પાસેથી એક પણ વાત સાંભળી નહોતી. પણ ગુરૂનું માટીનું બાવલું કરી તેનું પૂજન કરતો અને તેને પગે લાગી દ્રોણાચાર્ચની વિદ્યા શીખેલો. જેટલી વિદ્યા એણે મેળવી હતી એટલી દ્રોણાચાર્યના બીજા કોઇ શિષ્યે મેળવી નહોતી. એનું શું કારણ ? કારણ કે એનામાં ગુરુ પ્રત્યે ભક્તિ હતી, શ્રદ્ધા હતી, એનું દિલ સ્વચ્છ હતું, એનામાં લાયકાત હતી. મને તમે જેનો શિષ્ય કહો છે તે ગુરુ તો રોજ મારી પાસે પડેલા છે. એમનો પટ્ટશિષ્ય તો શું, અનેક શિષ્યોમાંનો એક થઈ શકું એટલી પણ યોગ્યતા મારામાં નથી એ વિષે મને શંકા નથી. એ યોગ્યતા જો મારામાં હોત તો તમે ભવિષ્યને માટે મારે વિષે જે આશાઓ બતાવી છે તે મેં આજે જ સિદ્ધ કરી હોત. મને આશા છે કે હિંદુસ્તાનમાં એમના ઘણા શિષ્યો જાગશે, જેમણે એમનાં દર્શન નહિ કર્યાં હોય, જેમણે એમનાં શરીરની નહિ પણ એમના મંત્રની ઉપાસના કરી હશે. આ પવિત્ર ભૂમિમાં કોક તો એવો જાગશે જ. કેટલાક લોકો કહે છે કે ગાંધીજી ચાલ્યા જશે ત્યારે શું થશે ? હું એ વિષે નિર્ભય છું. એમણે તો કરવાનું હતું તે કરી લીધું છે. હવે જે બાકી રહેલું છે તે તમારે ને મારે કરવાનું છે. આપણે એ કરીશું તો એમને તો કશું કરવાનું રહેતું નથી. એમને જે આપવાનું હતું તે એમણે આપી દીધું છે. હવે આપણે એ કરવાનું રહેલું છે. બારડોલીને માટે મને માન આપો છો તે મને ઘટતું નથી. કોઈ અસાધ્ય રોગથી પીડાતો દર્દી પથારીવશ હોય, આ દુનિયાને પેલી દુનિયા વચ્ચે ઝોલાં ખાતો હોય, તેને કોઈ સંન્યાસી મળે, તે જડીબુટ્ટી આપે, અને એ માત્રા ઘસીને પાવાથી દર્દીના પ્રાણ સ્વસ્થ થાય, એવી  દશા હિંદુસ્તાનના ખેડૂતોની છે. હું તો માત્ર એક સંન્યાસીએ જે જડીબુટ્ટી મારા હાથમાં મુકી તે ઘસીને પાનાર છું. માન જો ઘટતું હોય તો તે જડી આપનારને છે. કંઈક માન પેલા ચરી પાળનાર દર્દીને ઘટે છે જેણે સંયમ પાળ્યો અને તેમ કરીને હિંદુસ્તાનનો પ્રેમ મેળવ્યો, અને જેના પ્રતિનિધિ તરીકે મને આજે તમે માન આપો છો. બીજા કોઈને માન ઘટતું હોય તો મારા સાથીઓને છે, જેમણે ચકિત બનાવે એવી તાલીમ બતાવી છે, જેમણે મને કદી પૂછયું નથી કે કાલે તમે ક્યો હુકમ કાઢશો ? આવતી કાલે તમે શું કરવાના છો ? ક્યાં જવાના છો ? કોની સાથે સમાધાનની વાતો કરવાના છો ? ગવર્નરના ડેપ્યુટેશનમાં કોને કોને લઈ જવાના છો ? પૂને જઈને શું કરવાના છો ? જેમણે મારા પર જરાયે અવિશ્વાસ નથી રાખ્યો, સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો છે અને તાલીમ બતાવી છે, એવા સાથીઓ મને મળ્યા છે. એ પણ મારું કામ નથી. આવા સાથીઓ પાક્યા છે, જેમને સારુ ગુજરાત મગરૂર છે, તે એમનું કામ છે. આમ જો આ માનપત્રમાંનાં વખાણ વહેચી આપવામાં આવે તો બધાં વખાણ બીજાને ભાગે જાચ, અને મારે ભાગે આ કોરો કાગળ જ રહે એમ છે.

યુવકસંઘનું માનપત્ર જોઈને મારું દિલ લાગણીથી ભરાઈ ગયું છે. અમદાવાદના યુવકોને જો હું સમજાવી શકું તો કહું કે તમારે આંગણે ગંગાનો પ્રવાહ વહે છે. પણ ગંગાકાંઠે વસનારાઓને ગંગાની કિંમત નથી હોતી. હજારો માઈલથી લોકો ગંગામાં નહાઈ પવિત્ર થવા આવે છે. આજે જગતમાં પવિત્રમાં પવિત્ર સ્થાન કોઈ હોય તો તે આ અનેક પ્રવૃત્તિવાળા શહેરમાં નદીને સામે કાંઠે છે, જ્યાં જગતમાંથી અનેક સ્ત્રીપુરુષો પવિત્ર થવા આવે છે, જુવાનોને પવિત્ર થવાનો આ અવસર મળ્યો છે. જુવાનો જો સમજે તો એ ગંગામાંથી બહાર જ ન નીકળે.

ખેડૂતને માટે મેં કામ કર્યું તેને માટે મને માનપત્ર શું? હું ખેડૂત છું. મારી નસેનસમાં ખેડૂતનું લેાહી વહે છે. જ્યાં જ્યાં ખેડૂતને દુ:ખ પડે છે. ત્યાં ત્યાં મારું દિલ દુભાય છે. હિંદુસ્તાનમાં જ્યાં ૮૦ ટકા લોકો ખેડૂત છે ત્યાં યુવાનોનો ધર્મ બીજો શો હોય ? ખેડૂતોની સેવા કરવી હોય, દરિદ્રનારાયણનાં દર્શન કરવાં હોય તો ખેડૂતોનાં ઝુંપડાંમાં જાઓ. બારડોલીની લડતમાં યુવકસંઘે ભારે ફાળો આપ્યો છે. મુંબઈના યુવકોએ શરૂઆત કરી. ત્યાંની બહેનોએ આવીને સ્થિતિ જોઈ અને ચોધાર આંસુ પાડ્યાં. તેમણે મુંબઈ શહેરને જાગૃત કર્યું. પછી સૂરત અને અમદાવાદનાં યુવાનોમાં પણ ચેતન ફેલાયું છે. એ ચેતન જો ક્ષણિક ન હોય, એ પ્રકાશ દીવાની જ્યોત જેવો નહિ પણ સૂર્યના જેવો સ્થાયી હોય, તો દેશનું કલ્યાણ થવાનું છે. દેશનું કલ્યાણ નથી મારા હાથમાં કે નથી ગાંધીજીના હાથમાં, તમારા યુવાનોના હાથમાં છે. દરેક દેશમાં સ્વતંત્રતા યુવાનોએ મેળવેલી છે, પચાવેલી છે, અને ભવિષ્યના યુવાનોને આપેલી છે. આ માનપત્રનો અર્થ એ છે કે એ કામ તમને પસંદ છે, તમારું દિલ પલળેલું છે. મારી ઉમેદ છે કે બાકીનું જે મહાભારત કામ રહેલું છે તે આપણે સાથે મળીને કરીએ. હું પ્રભુ પાસે માગું છું કે તમે જે અતિશયોક્તિભર્યા શબ્દો મારે માટે વાપર્યા છે તેને માટે તે મને યોગ્ય બનાવે, અને તમે પોતાને માટે જે ઉમેદો બાંધી છે તે બર લાવવાની તમને શક્તિ આપે. પ્રભુ તમારું કલ્યાણ કરે.

સત્યાગ્રહનું રહસ્ય પચાવો

આખી ઉજવણીના ઉપસંહાર તરીકે ગાંધીજીનું અમદાવાદનું ટૂંકું અને ટચ ભાષણ સમુચિત છે:

આજના મેળાવડાની અંદર ન મને આવવાની આવશ્યકતા હોય, ન મને એકે શબ્દ બોલવાનું પ્રયોજન હોય. વલ્લભભાઈને માનપત્ર અપાય અને એમાં મારા જેવાની હાજરી હોય અને મને બોલવાનું કહેવામાં આવે એનો અર્થ એ કે અમે બંને ભેળા થઈને તમારી હાજરીમાં અને તમારી સંમતિથી એક પરસ્પર સ્તુતિકારક મંડળ બનાવીએ અને તેના અમે બે જણા સભાસદ બનીએ. એ અમદાવાદના ચતુર શહેરીઓએ ઘડીભર પણ સહન ન કરવું જોઈએ.

વલ્લભભાઈ નામે અને સાખે પટેલ છે. બારડોલીનો વિજય મેળવીને એમણે પટેલની સાખ કાયમ રાખી. જે માલધણી પોતાની સાખ કાયમ રાખે તેને કોઈ માનપત્ર આપે એવું જાણ્યું સાંભળ્યું નથી. મંગળદાસ શેઠ પોતાને ત્યાં આવતી બધી હૂંડીઓ સ્વીકારે તે માટે આપણે તેમને કેટલાં માનપત્ર આપ્યાં? અને હૂંડી ન સ્વીકારે તો તમે શું કરો તે નથી જાણતો.

તમે જો વિજયને માટે ધન્યવાદ લેવા માગો કે આપવા માગો તો વિજયનું ખરું રહસ્ય સમજો, અને સમજીને અનુકરણ કરો. ખરી રીતે કહું તો તમારાથી જેટલું હજમ થઈ શકે તેટલું પચાવો. પણ અનુકરણમાં જ સફળતા નથી રહેલી, અને અક્ષરશ: અનુકરણ સહેલું પણ નથી હોતું. પ્રસંગપ્રસંગમાં સામ્ય ભલે દેખાય, પણ જેમ મનુષ્યમનુષ્યમાં વ્યકિતત્વ રહેલું છે તેમ પ્રસંગોમાં પણ પોતપોતાનું વ્યક્તિત્વ રહેલું છે. એટલે જે માણસ સત્યાગ્રહના પ્રસંગોને સમજી, સિદ્ધાન્તનું રહસ્ય સમજી, તેને પચાવે, તેનો અનુવાદ કરી તેને વર્તનમાં ઉતારે તે જ સફળતા મેળવે.

અસહકાર, સત્યાગ્રહ, સવિનય ભંગ જેવા શબ્દોનું કરોડોવાર નામ લેવાય છે, એને નામે જેમ સારાં કામ થયાં છે તેમ કેટલીવાર જૂઠાં કામ પણ થયાં છે. એનું નામ લઈએ છીએ, કારણ દરેક પક્ષના કાર્યકર્તામાં સ્વરાજની ઝંખના રહેલી છે. પણ માત્ર ઝંખનાથી અર્થ નથી સિદ્ધ થઈ શકતો. તરસ્યા માણસની તરસ ‘તરસ’ ‘તરસ’ પોકાર્યે નથી છીપતી, પણ તળાવ, કૂવા ખોદાવે અથવા તેમાંથી પાણી મંગાવે, એટલે તરસ છીપવાનો ઉદ્યમ કરેલે જ છીપે છે. તેમ તમે અહીં સત્યાગ્રહની સ્તુતિનાં વચન સાંભળી કૃતકૃત્યતા માનશો તો ભૂલ કરવાના છો.

એટલે મારી તમને વિનંતિ છે કે તમે સત્યાગ્રહનું રહસ્ય સમજો. બારડોલીમાં વલ્લભભાઈ પટેલનો વિજય નથી થયો, સત્ય અને અહિંસાનો વિજય થયો છે. જો એ તમને બરોબર થયું છે એમ ભાસતું હોચ તો એનો પ્રત્યેક કાર્યમાં તમે પ્રયોગ કરો. એ પ્રયોગથી તમને સફળતા મળશે જ એમ તો હું ન કહી શકું. ઈશ્વરે આપણને ત્રિકાળદર્શી નથી કર્યા એટલે સફળતા સાચી મળી છે કે નહિ એની આપણને ખબર નથી પડતી. માણસ સફળ થયો કે અસફળ થયો તે આખર સુધી કહી નથી શકતો. એટલે જ મણિલાલ પેાતાનું અમર વાક્ય કહી ગયા છે : ‘કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.’ એટલે નિરાશ થઈને, નિષ્કામ ભાવથી જે સત્ય અને અહિંસાની વલ્લભભાઈએ આરાધના કરી તે સત્ય ને અહિંસાની તમે પૂર્ણ આરાધના કરશો તો તમને જયમાળા પહેરાવનારાં તો મળી જ રહેશે.