ઓખાહરણ
ઓખાહરણ
મહાકવિ પ્રેમાનંદ
રચના:આશરે સને-૧૭૩૪ પહેલાં. પ્રાચીન ગુજરાતી સાહિત્ય, પ્રકાશનાધિકારમુક્ત.
પરિચય
મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે અને ત્યાર પછી કુલ ૯૩ કડવામાં કથા વહેંચાયેલી છે. ઓખાહરણ એ ગુજરાતી ભાષાના આખ્યાન સાહિત્ય પ્રકારમાં ગણાય છે. આથી આ રચના પદ્ય રચના હોય છે. દરેક કડવું (પ્રકરણ) ચોક્કસ પ્રકારના રાગમાં ગાવાનું હોય છે. આખ્યાનકારો આ પ્રકારે આ આખ્યાનનું ગાન કરે છે. રાગની વિગત પણ દરેક કડવા સાથે આપેલી છે. અહીં આખ્યાનના પ્રકરણો માટે "કડવું" શબ્દ વપરાયો છે. જેનો ઉચ્ચાર "કડ઼વું" (કળવું) એમ થાય. જેની વ્યુત્પત્તિ જોતાં જણાય છે કે, મૂળ સંસ્કૃત શબ્દ "કટ" એટલે કે ’બાજુ’ પરથી; ’એક આખ્યાનનો અકેકો ભાગ; પ્રકરણ; અધ્યાય’ એમ અર્થ થાય છે. બીજી વ્યુત્પત્તિ સંસ્કૃત શબ્દ "કલાપ" મળે છે. જે પરથી તેનો અર્થ; ’એક જ રાગના કાવ્યની કેટલીક કડીઓના સમુદાય; કવિતાનું એક નાનું પ્રકરણ; એક પ્રકારનો કાવ્યપ્રબંધ’ એમ થાય છે. કડવાની બધી લીટી એક જ રાગમાં ગવાય. (સંદર્ભ:ભ.ગો.મં./કડવું)
કથાસાર
[ફેરફાર કરો]આ આખ્યાનનો સાર ટૂંકમાં જોઈએ તો, દૈત્યરાજ બળિ (બલિરાજા)નો પુત્ર બાણાસુર તપ વડે મહાદેવને પ્રસન્ન કરી અને બળવાન બને છે તથા મહાદેવ તેને પુત્રવત સન્માન આપે છે. બળના મદમાં બાણાસુર સર્વલોકે હાહાકાર મચાવે છે અને અંતે તેની સામે લડવા વાળું કોઈ ન રહેતા સ્વયં મહાદેવને પોતાની સાથે લડવા આહવાન કરે છે. અંતે શિવ તેને વચન આપે છે કે હું નહિ પણ મારું સંતાન તારી લડવાની ઇચ્છા પૂર્ણ કરશે. પણ ત્યાં સુધી તું રાહ જો. ત્યાર પછી ગણેશના જન્મની પ્રસિદ્ધ કથાનો અહીં સમાવેશ થયો છે. ગણેશની સાથે જ પાર્વતી દ્વારા એક પુત્રી પણ ઉત્પન્ન કરાયાની અને જ્યારે શિવ તપ કરી ઘરે આવે છે ત્યારે ગણેશ સાથેના યુદ્ધ, શિરચ્છેદ અને પુત્રીનું ડરને કારણે છૂપાઈ જવાની કથા છે. આ પુત્રી તે "ઓખા". જેને પોતાના ભાઈની વહાર કરવાને બદલે ડરપોક બની છૂપાઈ જવાની સજારૂપે પાર્વતી દ્વારા દૈત્ય વંશમાં જન્મનો શાપ મળે છે. અંતે ઓખાની કાકલૂદીથી પીગળી પાર્વતી તેને દૈત્યકુળમાં જન્મ છતાં દેવકુમાર સાથે લગ્ન થવાના અને તત્પશ્ચાત પોતાના દ્વારા તેનો સ્વીકાર થવાના આશીર્વાદ આપે છે.
આ ઓખા દૈત્યરાજ બાણાસુરને ત્યાં પુનઃજન્મ પામે છે. અને ઓખાના જન્મ સમયે આકાશવાણી દ્વારા બાણાસુરને ચેતવણી મળે છે કે, આ કન્યા દેવકુમારને પરણશે અને તે પરણશે ત્યારે જમાઈ દ્વારા તારા બળના અભિમાનનો નાશ થશે. તારા બાહુઓ છેદાશે. ઓખાને કદી પરણાવવી જ નહિ તેવા સંકલ્પ સાથે તેને પ્રધાનની કન્યા ચિત્રલેખા સાથે એકદંડિયા મહેલમાં, સઘળી રાજસી સુખ સુવિધાઓ સાથે એકાંતવાસ આપી દેવામાં આવે છે. ઓખા યુવાનીમાં આવે છે. સ્વપ્નમાં પોતાના થનાર પતિનું દર્શન કરે છે. ચિત્રલેખા, જે ચિત્રકલામાં પ્રવિણ છે, દેશદેશાંતરના રાજકુમારોના ચિત્ર બનાવી બનાવી ઓખાને બતાવે છે અને અંતે એ નક્કી થાય છે કે જે ભાવિ ભરથારના ઓખાએ સ્વપ્નમાં દર્શન કર્યા તે દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ. અને પછી સખી ચિત્રલેખા દ્વારિકા નગરી માંહેથી રાજકુમાર અનિરુદ્ધનું, ઊંઘમાં પોઢેલા અનિરુદ્ધનું, અપહરણ કરે છે અને ઓખાને ઓરડે લાવે છે. ઓખા-અનિરુદ્ધના છાનામાના લગ્ન થાય છે. જાણ થતા બાણાસુર કાળઝાળ બની અનિરુદ્ધ પર ત્રાટકે છે. સંઘર્ષ પછી અનિરુદ્ધ કેદમાં પડે છે. અનિરુદ્ધની વહારે કૃષ્ણ તો પોતાના ભક્ત બાણાસુરની વહારે શિવ આવે છે. શિવ અને કૃષ્ણના યુદ્ધની કથા છે. અંતે સૌ સારાવાના થાય છે. બાણાસુરનો મદ ભાંગે છે, કૃષ્ણ શિવ વચ્ચે સૂલેહ થાય છે અને ઓખા-અનિરુદ્ધ ગૃહસંસાર માંડે છે. આ બધું કવિ પ્રેમાનંદની કાવ્યાત્મક આખ્યાન શૈલીમાં અહીં વાંચવા મળશે. અને અંતે, હરણ (અપહરણ) તો અનિરુદ્ધનું થયું છતાં કહેવાયું ઓખાહરણ !