ઓખાહરણ/કડવું-૮૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← કડવું-૮૩ ઓખાહરણ
કડવું-૮૪
પ્રેમાનંદ
કડવું-૮૫ →


કડવું ૮૪મું
અનિરુદ્ધને લગ્ન કરવા ઘોડેસવાર થઈને જાય છે
રાગ : દેશી ઘોડલીનો

અનિહાંરે અનિરુદ્ધની ઘોડલી. ટેક૦

અંત્રિક્ષથી ઘોડી ઉતરી રે, પૂજીએ કુમકુમ ફૂલ;
ચંચળ ચરણે ચાલતી રે, એનું કોઈ ન કરી શકે મૂલ. અનિરુદ્ધજીની ઘોડલી૦ ૧.

મોરડો મોતી જડ્યા રે, હિરા જડિત પલાણ;
રત્ન જડિત જેનાં પેગડાં રે, તેના વેદો કરે છે વખાણ. અનિરુદ્ધ૦ ૨.

અંગ જેનું અવનવું, ઝળકે તે ઝાકમઝાળ;
ઝબુકે જેમ વીજળી રે, તેને કંઠે છે ઘુઘરમાળ. અનિરુદ્ધ૦ ૩.

દેવ દાનવ માનવી રે, જોઈ હરખ્યા તે સુંદર શ્યામ,
થનક થનક ચાલતી રે, એનું પંચકલ્યાણી છે નામ. અનિરુદ્ધ૦ ૪.

રૂપવંતી ઘોડી ઉપર, અનિરુદ્ધ થયા અસવાર;
પાનનાં આપ્યા બીડલારે, શ્રીફળ ફોફળ સાર. અનિરુદ્ધ૦ ૫.

હીંડે હળવે હાથીઓ રે, ઉલટ અંગ ન માય,
સુરીનર મુનિજન જાએ વારણે રે, આગળ ઈંદ્ર રહ્યા છડીદાર. અનિરુદ્ધ૦ ૬.

સનકાદિક શિર છત્ર ધરે, નારદ વીણા વાય;
ચંદ્ર સૂરજ બેઉ પેંગડે રે, આગળ વેદ ભણે બ્રહ્માય. અનિરુદ્ધ૦ ૭.

વાજા છત્રીસ વાગતાં રે, નગર અને પરદેશ;
લોક સર્વ જો મળ્યું, શોણિતપુર દેશ. અનિરુદ્ધ૦ ૮.

રાયે નગર સોવરાવિયુ રે, સોવરાવી છે વાટ,
ધજાપતાકા ઝળહળે રે, જશ બોલે બંધીજન ભાટ. અનિરુદ્ધ૦ ૯.

દેવ સરવે તે આવીઆ રે, જશ બોલે બંધીજન,
જાચક ત્યાં બહુ જાચનારે, જેને હરિ ટાળે નિરધન. અનિરુદ્ધ૦ ૧૦.

રામણ દીવો કર રુક્ષ્મણી રે, લુણ ઉતારે બેની ધીર;
ગાન કરે છે અપ્સરા રે, ત્યાં તો જોવા ઇચ્છે જદુવીર. અનિરુદ્ધ૦ ૧૧.

એવી શોભાએ વર આવીઓ રે, તોરણે ખોટી થાય;
વરરાયને સાળો છાંટે છાંટણાં રે, મળી માનુની મંગલ ગાય. અનિરુદ્ધ૦ ૧૨.

ધુસળ મુસળ રવઈઓ રે, સરીઓ સંપુટ ત્રાક;
ઈંડી પીંડી ઉતારતાં રે, વરને તિલક તાણ્યું નાક. અનિરુદ્ધ૦ ૧૩.

નાચે અપ્સરાય ઈંદ્રની રે, નારદ તંબુર વાય,
મધુરી વીણા વાજતી રે, એવો આનંદ ઓચ્છવ થાય. અનિરુદ્ધ૦ ૧૪.

પુંખવા આવી પ્રેમદા રે, માથે મેલી મોડ;
રામણ દીવો ઝળહળે રે, રુક્ષ્મણીએ ઘાલ્યો મોડ. અનિરુદ્ધ૦ ૧૫.

ગળે ઘાટ ઘાલી તાણ્યા રે, આવ્યા માંહ્યરા માંહ્ય;
આડા સંપુટ દેવરાવીઆ, ત્યાં વરત્યો જેજેકાર. અનિરુદ્ધ૦ ૧૬.

ઘોડી ગાય ને સાંભળે તેને ગંગા કેરું સ્નાન;
વાંઝીઓ પામે પુત્રને રે, નિરધનીઓ પામે ધન. અનિરુદ્ધ૦ ૧૭.