લખાણ પર જાઓ

દરિયાપારના બહારવટિયા

વિકિસ્રોતમાંથી
દરિયાપારના બહારવટિયા
ઝવેરચંદ મેઘાણી
1. કુમારી કારમન →
દરિયાપારના બહારવટિયા
ઍશ્ટન વુલ્ફના અંગ્રેજી પુસ્તક

‘આઉટલૉઝ ઓફ મોડર્ન ડેઝ’ પરથીઆવૃત્તિઓ
પહેલી 1932, બીજી 1946, પુનર્મુદ્રણ 1981
સમગ્ર મેઘાણી સાહિત્યના ગ્રંથ ‘બહારવટિયા-કથાઓ’માં 2014પ્રયોજકનું નિવેદન

શ્ટન વુલ્ફનું પુસ્તક ‘ધિ આઉટલૉઝ્ ઑફ મોડર્ન ડેઝ’ મારા હાથમાં મુકનાર શામળદાસ કૉલેજના તરુણ પ્રોફેસર ભરૂચા છે. છેલ્લાં છ વર્ષોથી પ્રસંગોપાત્ત ત્યાં મંડાતા મારા લોકસાહિત્યના દાયરાઓમાં એ ભાઈ અચૂક હાજર હોય છે. રસિક અને અભ્યાસી, એ બન્ને પ્રકારની દૃષ્ટિએ એમણે આ સાહિત્યનો સમાગમ કર્યો છે. મને આ પુસ્તક મોકલવામાં પણ એમની દૃષ્ટિમાં રસિકતા તેમજ તુલનાલક્ષી અભ્યાસીનો સંયોગ હતો. હું તો આ પુસ્તકના લેખન પર મુગ્ધ બનીને અને મારો એક સમાનધર્મી યુરોપમાં થઈ ગયો છે એટલી વાતનો સંતોષ લઈને કદાચ પતાવી લેત. પરંતુ ભાઈશ્રી ભરૂચાનું નિશાન એટલું જ માત્ર નહોતું. પુસ્તક પરથી આ ચાર કથાઓ મારે દોરવી - અને મારે જ દોરવી - એ એમન આગ્રહને જ આ ચોપડીનો જન્મ આભારી છે, એટલે હું એમનો આભારી છું.

યુરોપી બહારવટિયાઓનાં આ ચરિત્રો ખૂબ ભરોસાદાર છે, કારણ કે એક તો એ તાજેતરમાં બનેલા હોઈ કલ્પનાના કે લોકકથાના પોપડા એના પર ચડ્યા નથી ; બીજુ, એનો લેખક એક ગુના પકડનાર ચોક્કસ બુદ્ધિનો જબ્બર અમલદાર હતો; ને ત્રીજું, એ તમામ બહારવટિયાની સાથે લેખકનો જીવતો સંપર્ક થયો હતો. એશ્ટન વુલ્ફની દૃષ્ટિ આ અપરાધીઓ પ્રતિ કેવી હતી તે તો એણે એના નિવેદનમાં કહી આપ્યું છે, તે સિવાય એની દૃષ્ટિ તો આ ચરિત્રોની લખાવટમાં જ વણાઈ ચૂકી છે. મારે બહારવટિયાના સમગ્ર વિષય પર જે કહેવાનું તે મેં ‘સૌરઠી બહારવટિયા’ (ભાગ 3)ના લાંબા ઉપોદ્‌ઘાતમાં*[૧] કહી દીધું છે. ‘બહારવટિયા’ને એક વિદ્યાના વિષય તરીકે તપાસનારાઓ ઍશ્ટન વુલ્ફના આ પુસ્તકની પડખોપડખ ‘સોરઠી બહારવટિયા’ના ત્રણેય ભાગ જરૂર તપાસી જાય એવો આગ્રહ કરું છું અને એવી સમીક્ષાની પરવા જેને ન હોય તેને સારુ તો ખુદ આ ચરિત્રોની જ મોહિની ક્યાં ઓછી છે !

ગુજરાતીમાં આ ચરિત્રો ઉતારવામાં હું ઍશ્ટન વુલ્ફની હકીકતોને વફાદારીથી વળગી રહ્યો છું. દૃષ્ટિ પણ એની જ પકડવા પ્રયત્ન કર્યો છે. ભાષામાં ઊતરેલી પ્રેરકતા પણ એની જ છે. મારું કંઈ હોય તો તે છે મુગ્ધતા.

ઍશ્ટન વુલ્ફ ઇંગ્લંડના જગપ્રસિદ્ધ જાસૂસીખાતા ‘ધ સ્કૉટલૅન્ડ યાર્ડ’ના એક માતબર અધિકારી હતા. યુરોપની અનેક ભાષાઓ બોલનાર તરીકે દેશદેશની અદાલતો–કચેરીઓમાં એમનું સ્થાન એક ધુરંધર દુભાષિયાનું હતું. એમણે લખેલા ‘ધિ અન્ડરવર્લ્ડ’ નામે પુસ્તકમાં એની અનેક ભયંકર ગુનેગારો સાથેની આપવીતીનો, પોતાના મસ્ત સાહસ-પ્રેમનો અને અપરાધીઓ પ્રત્યેની દિલસોજ સમજબુદ્ધિનો ચિતાર છે. એમ પણ સાંભળ્યું છે કે એક વાર

એક ખૂનના તહોમતદાર કને જઈને આ બાપડાએ પેલાને વકીલાતફકીલાત કરવાનું કે બચાવફચાવનો અટપટો માર્ગ ત્યજાવી પોતાના પાપનો સીધો એકરાર કરી નાખવાનો બોધ આપેલો. વિલાયતના ધારાશાસ્ત્રીઓએ વુલ્ફની આવી માનવતાભરી દરમિયાનગીરી ઉપર તડાપીટ બોલાવી હતી પરિણામે વુલ્ફને સ્કૉટલેન્ડ યાર્ડમાંથી દૂર થવું પડેલું.

2-5-‘32
ઝવેરચંદ મેઘાણી
 
[બીજી આવૃત્તિ]

ચૌદ વર્ષો પરની આ ચોપડીનું, ‘વર્તમાનયુગના બહારવટિયા’ એવું મૂળ અંગ્રેજી પરથી રાખેલું નામ હતું. તેને આ વેળા ફેરવવાનું કારણ એ છે કે, આગલું નામ વિભ્રમકારી હતું : નામ માત્ર પરથી ખરીદનારને વિભ્રમ એવો થાય કે આ તો વર્તમાન યુગના કોઈ દેશી કે પરદેશી રાજદ્વારી બળવાખોરોની વાતો હશે. બીજી બાજુ, નામ ફેરવવાથી મારી કૃતિઓના ચાહક વર્ગને હું નુકસાન તો નથી કરતો ને ? – એ પણ વિચારી જોયું છે. નુકસાન થવાનો ભાગ્યે જ સંભવ છે. ચૌદ વર્ષો પર જેની ફક્ત એક જ હજાર પ્રતો કાઢી હતી તે ચોપડીની આ નવી આવૃત્તિ આજે જેમના હાથમાં જનાર છે તે વાચકસમૂહ તો લગભગ નવી પેઢીનો હશે.

અમદાવાદ : 7-2-’46
ઝવેરચંદ મેઘાણી
 મૂળ લેખકનું નિવેદન

દારુણ આવેશોમાંથી ઉદ્ભવેલાં જેઓનાં હિંસાકૃત્યો હું અત્રે વર્ણવવાનો છે. તે લોકોને મેં ‘બહારવટિયા’ નામ આપેલું છે. એમાં ‘ખૂની લૂંટારા’ તેમ જ ‘નેકીદાર બહારવટિયા’ એ બન્ને જાતનો સમાવેશ થાય છે. રોમાનેતી અને મેરિયો પિયાનેતી સાચોસાચ નેકપાક બહારવટિયા હતા, ખૂનીઓ નહોતા. બહારવટિયો એ કહેવાય કે જેણે પોતાના આત્મગૌરવ અને ઇજ્જત પર પડેલા કલંકને દુશ્મનના શોણિત વડે ધોઈ નાખ્યું હોય; બહારવટિયો એ બને છે કે જેને કાયદાની બારીકી ને આંટીઘૂંટી પરથી ઇતબાર ઊઠી ગયો હોય, ને જેને લાંબા અનુભવને પરિણામે એવું સમજાયું હોય કે ‘કાયદો તો રંક અને રાય સહુને માટે સરખો’ એવો ન્યાયાસનની પર કોતરાયેલો મુદ્રાલેખ કંઈ નહિ તો એના પોતાના દેશ પૂરતો તો સત્ય નથી.

આ એની માન્યતા સાચી છે કે ખોટી તે હું નહિ કહું. આ તો એનું એક દૃષ્ટિબિન્દુ છે. પરિણામે દલીલબાજી અને અદાલતી શબ્દપીંજણની ધીરજ ગુમાવીને એ તો આખા મામલાની પતાવટ કાં બંદૂકથી અથવા ખંજરથી કરીને અભેદ્ય પહાડઝાડીમાં ચાલ્યો જાય છે. એ નથી ચોરતો, નથી લૂંટતો, કે નથી બાન પકડતો. એનું નામ બહારવટિયો : રૉબિન હૂડ અને વિલિયમ ટેલ જેવો નેકપાક બહારવટિયો.

આમાંના કેટલાકને – રીમાનેતી અને પિયાનેતીને – હું સારી પેઠે પિછાનતો અને તેઓના દુર્ગમ ગુપ્તાવાસમાં પહોંચીને મળ્યો હતો. શા માટે મળ્યો હતો ? એટલા માટે કે સુધરેલી દુનિયાની સલામત ગોદમાં ઊછરેલા અને ખડિયામાં ખાંપણ રાખીને મર્દાઈથી જીવવાની તર્કવિહોણા રહી ગયેલા સમાજના બંદીવાનોને આવી નિર્ભય જવાંમર્દોનો સમાગમ અહોરાત કો અજબ આકર્ષણ – અજબ વશીકરણ કરી રહ્યો હોય છે.

મારા વ્યવસાયે તો મને કાયદાના રક્ષણહારોની વચ્ચે મૂકેલ છે; પરંતુ તેથી કંઈ આ એકલહથ્થા મર્દો પરની મારી ફિદાગીરી તેમ જ તેઓ વિશેની મારી દિલસોજ સમજ બૂઠી નથી બની ગઈ.

હું દેશદેશની ભાષાઓ જાણું છું, જિંદગીભર હું રઝળ્યો છું. ગુના પકડવાના વ્યવસાયને કારણે હું શહેર શહેર અને દેશોદેશ ભટક્યો છું. આ સુંદર અને રસભરી દુનિયામાં રઝળવાની મોહિનીને હું કદી રૂંધી શક્યો નથી. એટલે જ આ મારાં વૃત્તાંતો હું નિજાનુભવમાંથી આપું છું.

ઍશ્ટન વુલ્ફ
 ક્રમ

પ્રયોજકનું નિવેદન 413

મૂળ લેખકનું નિવેદન415

1. કુમારી કારમન 417
2. મેરિયો શિકારી 432
3. રોમાનેતી 448
4. કામરૂનો પ્યાર 464


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.
  1. * ‘બહારવટાની મીમાંસા’ એ નામે આ ઉપોદ્‌ઘાતને મેં ‘ધરતીનું ધાવણ’ (‘લોકસાહિત્ય’ ખંડ 2)માં શામિલ કરેલ છે.