લખાણ પર જાઓ

હીરાની ચમક

વિકિસ્રોતમાંથી
હીરાની ચમક
રમણલાલ દેસાઈ
ગ્રામશિક્ષકનું એક ગૌરવ →


શ્રી રમણલાલ વસતલાલ દેસાઈ જન્મ શતાબ્દી ગ્રંથમાળા સંપુટ-૨
સંસ્કાર ગ્રંથાવલિ
એકસો ને એક મું
 

હીરાની ચમકરમણલાલ વ. દેસાઈ


આર. આર. શેઠની કંપની
પુસ્તક પ્રકાશક અને વિક્રેતા

મુંબઈ ૪૦૦ ૦૦૨ ⬜ અમદાવાદ ૩૮૦ ૦૦૧
શ્રી રમણલાલ વ. દેસાઈના પુસ્તકો

સંપુટ-૧

નવલકથાઓ

જયંત * શિરીષ * કોકિલા * હૃદયનાથ * સ્નેહયજ્ઞ * દિવ્યચક્ષુ * પૂર્ણિમા * ભારેલો અગ્નિ + ગ્રામલક્ષ્મી ૧થી ૪ * બંસરી * પત્રલાલસા * ઠગ * શોભના * ક્ષિતિજ * ભાગ્યચક્ર * હૃદયવિભૂતિ * છાયાનટ * પહાડનાં પુષ્પ * ઝંઝાવાત * પ્રલય * કાલભોજ * સૌંદર્ય જ્યોત * શૌર્યતર્પણ * બાલાજોગણ * સ્નેહસૃષ્ટિ * શચી પૌલોમી * ત્રિશંકુ * આંખ અને અંજન

સંપુટ-ર

નવલિકાસંગ્રહો

ઝાકળ * પંકજ * રસબિંદુ * કાંચન અને ગેરુ * દીવડી * સતી અને સ્વર્ગ * ધબકતાં હૈયાં * હીરાની ચમક

સંપુટ-૩

કાવ્યસંગ્રહો

નિહારિકા * શમણાં

નાટ્ય સંગ્રહો

શંકિત હૃદય * પરી અને રાજકુમાર * અંજની * તપ અને રૂ૫ * પુષ્પોની સુષ્ટિમાં * ઉશ્કેરાયેલે આત્મા * કવિદશન * પૂર્ણિમા * બેજુ બહાવરો * વિદેહી * સંયુક્તા

સંપુટ-૪

પ્રકીર્ણ

જીવન અને સાહિત્ય ૧-૨ * સુવર્ણ રજ * ગ્રામોન્નતિ * ગઈકાલ * મધ્યાહ્નનાં મૃગજળ * તેજચિત્રો * અભિનંદન-ગ્રંથ * ઊર્મિ અને વિચાર * ગુલાબ અને કંટક * અપ્સરા ૧ થી ૫ * રશિયા અને માનવશાંતિ * ગુજરાતનું ઘડતર * સાહિત્ય અને ચિંતન * ભારતીય સંસ્કૃતિ * માનવ સૌરભ * કલાભાવના * શિક્ષણ અને સંસ્કાર * ઊર્મિના દીવડા

ચિંતનમાળા

મહાત્મા ગાંધી * ન્હાનાલાલ-કલાપી * માનવી – પશુની દૃષ્ટિએ અને આત્મનિરીક્ષણ * ભારતીય કલા – સાહિત્ય - સંગીત * સમાજ અને ગણિકા * અંગત - હું લેખક કેમ થયો?

DESAI, Ramanlal V.

HIRANI CHAMAK, Short Stories
R. R. Sheth & Co., Bombay-Ahmedabad
1992
891-47301


© ડૉ. અક્ષયકુમાર ર. દેસાઈ

શ્રી ૨. વ. દેસાઈ જન્મ શતાબ્દી આવૃત્તિ-મે, ૧૯૯૨


મૂલ્ય રૂ. ૪૦-૦૦


પ્રકાશક
ભગતભાઈ ભુરાલાલ શેઠ,
આર. આર. શેઠની કંપની
મુંબઈ ૪૦૦ ૦૦૨ * અમદાવાદ ૩૮૦ ૦૦૧


મુદ્રક
પ્રવીણ પ્રિન્ટરી
ભગતવાડી,

સોનગઢ ૩૬૪ ૨૫૦


પહેલી આવૃત્તિની પ્રસ્તાવના

‘હીરાની ચમક’ મુ. ભાઈસાહેબનો પંદર ટૂંકી વાર્તાઓનો નવો વાર્તાસંગ્રહ. જુદાં જુદાં માસિક અને દીપોત્સવી અંકમાં આ વાર્તાઓ પ્રસિદ્ધ થઈ ચૂકી છે; હવે તે ગ્રંથસ્થ થઈ પ્રકાશન પામે છે.

“ઝાકળ”, “પંકજ”, “રસબિંદુ”, “કાંચન અને ગેરુ", “દીવડી”, “ભાગ્યચક્ર”, “સતી અને સ્વર્ગ” તથા “ધબકતાં હૈયાં” દ્વારા વિસ્તરેલું એમનું ટૂંકી વાર્તાઓનું સર્જન “હીરાની ચમક” સુધી ફેલાઈ સમાપ્ત થાય છે. હજી એમની કેટલીક ટૂંકી વાર્તાઓ જડતી નથી, પરંતુ આ કલાક્ષેત્રમાં મુ. ભાઈસાહેબનું સર્જન આ ગ્રંથથી સમાપ્ત થાય છે એમ કહીએ તો ચાલે.

લગભગ દોઢસોથી ઉપર નવલિકાઓનું તેમનું સર્જન સંખ્યાની દૃષ્ટિએ બહુ ઓછું કહી શકાય નહિ. હું ધારું છું ત્યાં સુધી ગુજરાતના બહુ જ થોડા નવલિકાકારોનો ફાલ આટલો વિપુલ હશે. જનહૃદયમાં એમની ટૂંકી વાર્તાઓ ઠીક પ્રમાણમાં પ્રવેશી ચૂકી છે. બંગાળી, હિન્દી અને બીજી ભારતીય ભાષાઓમાં પણ એમની વાર્તાઓના અનુવાદ થયા કરે છે. અંગ્રેજી અને બીજી યુરોપીય ભાષાઓમાં પણ એમની વાર્તાઓ પ્રસિદ્ધ થયે જાય છે. આમ વાચકો તેમની વાર્તાઓને રસપૂર્વક વાંચે જાય છે.

પરંતુ સાહિત્યના વિવેચકોની દૃષ્ટિએ તેમનું મૂલ્યાંકન શું ? વસ્તુ, પાત્ર, વાતાવરણ, સંવિધાન, વૈવિધ્ય, રસનિષ્પત્તિ અને વાચક ઉપર ‘એક જ છાપ પૂરેપૂરી મૂકી જવી’, ‘સંપૂર્ણ રીતે એક જ છાપ’ અગર ‘સમગ્રતા’ની છાપ પાડવાની શક્તિ વગેરે કલાતત્ત્વોની

દૃષ્ટિએ મુ. ભાઈસાહેબ કેટલા પ્રમાણમાં સફળતા પામ્યા છે એ સરવૈયું હું વિવેચકો ઉપર જ છોડું છું.

ગુજરાતમાં ટૂંકી વાર્તાનું સાહિત્ય હમણાં બહુ ઝડપથી વિકસતું જાય છે. મલયાનિલની ‘ગોવાલણ’થી શરૂ થયેલાં તેનાં કામણ ‘સવિતા’ માસિક તરફથી હમણાં જ પ્રસિદ્ધ થયેલા ગુર્જર વાર્તા વૈભવના સંગ્રહિત ગ્રંથો દ્વારા પણ હજી ચાલુ છે.

આ કલાપ્રકારનો પદ્ધતિસરનો ઇતિહાસ સમજવા મેં પુસ્તકો શોધવા પ્રયત્ન કર્યો. છુટાછવાયા લેખો સિવાય, સર્વાંગી ક્રમબદ્ધ વિવેચનનો અભાવ દેખાયો.

રામચંદ્ર શુક્લના નવલિકાસંગ્રહમાં, તેમ જ ‘બે ઘડી મોજ’ના ખાસ વાર્તા અંકોમાં આવેલા કેટલાક લેખો, શ્રી નરસિંહરાવ દિવેટિયા, શ્રી ધૂમકેતુ, શ્રી રામનારાયણ પાઠક, શ્રી વિશ્વનાથ મગનલાલ ભટ્ટ, શ્રી ગુલાબદાસ બ્રેકર અને શ્રી મનસુખલાલ ઝવેરી, તથા અન્ય થોડા લેખકના છૂટાછવાયા નિબંધ, એ આપણા નવલિકાસાહિત્યનો વિવેચનવિસ્તાર. આમાં આપણને આ ઇતિહાસ અને થોડું મૂલ્યાંકન મળે છે; પરંતુ તે ખૂબ જ અધૂરું લાગે છે.

બ્રિટિશ સાથેના સંપર્કથી વિકસી આવેલા, જૂની સામંતશાહી અર્થતંત્રમાંથી પ્રથમ બ્રિટિશ સંસ્થાન તરીકે અને પછી આઝાદ ભારત તરીકે નવા મૂડીવાદી ઔદ્યોગિક અર્થતંત્રવાળા ભારતીય સમાજમાં, જૂનાં સામાજિક જૂથો, સંસ્થાઓ, નિયામકબળો, સામાજિક સંબંધોના પ્રકારો, જીવનમૂલ્ય, કલ્પનાના રંગો અને ઊર્મિના આવેગોમાં પરિવર્તન થવા માંડ્યાં. ગુજરાતના અર્થતંત્રમાં, સમાજ વ્યવસ્થામાં અને મૂલ્યમાં આ પરિવર્તન એકંદરે વધુ પ્રમાણમાં થયું છે. જૂની જ્ઞાતિઓમાંથી નવા વર્ગો વિકસવા માંડ્યા, સામાજિક સંબંધોની કક્ષા બદલાવા માંડી. પરદેશી ધૂંસરી, નવું રાજ્યતંત્ર આર્થિક ઝંઝાવાતો, સામાજિક આંદોલનો અને રાજકીય ચળવળોથી

ગુજરાત નવું ચૈતન્ય અનુભવવા માંડ્યું. આ સર્વની અસર તળે ઊર્મિના નવા પ્રકારના ઝરા વહેવા માંડ્યા, કલ્પના નવા સ્વાંગ સજી ઉડ્ડયન કરવા માંડી. ઊર્મિ અમે કલ્પનાજીવનની આ ભૂમિકા ઉપર વર્તમાન સાહિત્ય અને કલા રચાવા લાગ્યાં. વિવિધ યુગોમાં વિવિધ સાહિત્ય અને કલાસ્વરૂપ ખીલવા માંડ્યાં.

આ ખૂબ જ ઝડપી જીવનપરિવર્તનને પ્રતિબિંબિત કરવાનું કાર્ય સાહિત્યનું. પછી તે કાવ્યરૂપે, વાર્તારૂપે, નાટકરૂપે, નિબંધરૂપે કે નવલકથારૂપે પ્રતિબિંબ પાડે. વિવિધ વર્ગોની ઊર્મિઓ, અનુભૂતિઓ અને દર્શન પણ જુદાં. સાહિત્યકાર પણ આખરે તો સામાજિક માનવી છે. તેની ઊર્મિ, તેનાં ઉડ્ડયનો, તેનાં મૂલ્યો અને તેની કલ્યાણભાવના પણ તે કયા વર્ગમાંથી આવે છે, કયા વર્ગોનાં હિતો વ્યક્ત કરે છે અને કયા પ્રકારનું તાત્વિક દર્શન ધરાવે છે તેના ઉપર જ આધાર રાખે છે.

બેલીન્સ્કી, પ્લેખેનૉફ, ટ્રોટ્સ્સ્કી , કૉડવેલ, થોમસન, લ્યુકાસ, ફૉક્સ, હાવર્ડ ફાસ્ટ, ફિંકલ્ટન, હાઉસોફર ડંકન અને બીજા ઘણાં રસશાસ્ત્રના મીમાંસકો આ સત્ય ઉપર આપણું ખાસ ધ્યાન દોરે છે. સાહિત્યકારનું સાચું સામર્થ્ય આ વાસ્તવને ઊર્મિ અને કલ્પના દ્વાર વ્યક્ત કરવાની તેની શક્તિ ઉપર જ આધાર રાખે છે.

ટૂંકી વાર્તા પણ દરેક કલાપ્રકારની માફક content- અંતસ્તત્ત્વ રહસ્ય કે વસ્તુ, અને form–આકાર, સ્વરૂપ-ની બનેલી હોય છે. સ્વરૂપ વસ્તુને પુષ્ટ કરે છે અને વસ્તુ સ્વરૂપને ઘડે છે.

કલાકાર સીધા પ્રચારક કરતાં વસ્તુને જુદી ઢબે રજૂ કરે છે. તે સીધી બુદ્ધિને સ્પર્શવાને બદલે તે જ વસ્તુમાંથી નિષ્પન્ન થતાં ઊર્મિ, ભાવના, લાગણી અને કલ્પનાનાં સપ્તકોને ઝણઝણાવી ઊર્મિ અગર કલ્પનાનાં બિમ્બો ખડાં કરી તે ઘટનાને વાચક, શ્રોતા અગર દ્રષ્ટાના હૃદયમાં અંકિત કરે છે અને આ ઊર્મિ, ભાવના, લાગણી

અને કલ્પનાનાં કયાં સપ્તકો ઝણઝણશે તે સર્જકનાં વર્ગમૂલ્યો ઉપર આધાર રાખશે.

ટૂંકી વાર્તાના સ્વરૂપ-આકારમાં અનેકાનેક અખતરાઓ થયા જ કરે છે. ઘણી વાર આ અખતરાઓ આકાર પરત્વેના જ હોય છે, એટલું જ નહિ પણ “અખતરા તરફની પ્રીતિના કારણે અથવા આકાર સૌંદર્યના લોભમાં,” વાર્તાના અંતસ્તત્ત્વ સાથે સમન્વય ખોઈને, અંતસ્તત્ત્વને પુષ્ટિ આપવાને બદલે તેને લગભગ નિશ્રેષ્ઠ બનાવી દે છે. શ્રી વિશ્વનાથ ભટ્ટનું મંતવ્ય ધ્યાન રાખવા સરખું છે. “કોઈ પણ સાહિત્યકૃતિની અંતિમ મૂલવણીમાં એની આયોજનકલા, રચનાપદ્ધતિ કે નિરૂપણશૈલીને આપણે ગૌણ ગણવી જોઈએ. અને મુખ્ય વિચાર તો એ બધી પ્રણાલિકા વાટે જે જે તાત્ત્વિક પ્રતિભા અને સારું સર્જનસામર્થ્ય વ્યક્ત થઈ રહેલ હોય તેનો જ કરવો જોઈએ.”

આપણા નવલિકાકારોમાં વિશિષ્ટ તાત્ત્વિક પ્રતિભા કઈ અને કેટલી ? સાચું સર્જનસામર્થ્ય કેટલું? માત્ર વસ્તુસંકલનાની અટપટી પટાબાજીથી પર જઈ સાચું પ્રતિભાવાન સાહિત્ય કોનું ? વિવિધ નવલિકાકારોની પ્રતિભા એકબીજાથી ભિન્ન ક્યાં હોય છે? આ સર્વ પ્રશ્નો વધુ પદ્ધતિસર ચર્ચાય અને તેમને સામાજિક પરિબળો સાથે સાંકળી તુલનાત્મક અભ્યાસ થાય એ બહુ જ આવશ્યક છે.

ગુજરાતમાં ટૂંકી વાર્તાનો વિકાસ અને તેના ઐતિહાસિક તબક્કાઓ કડીબદ્ધ નિદર્શન માગે છે. રામચન્દ્ર શુક્લનો “નવલિકા સંગ્રહ” માંનો અગ્રલેખ, અને શ્રી ગુલાબદાસ બ્રોકરની “શ્રેષ્ઠ નવલિકા” સંગ્રહની પ્રસ્તાવના તેમ જ બીજા લેખકોનાં આવાં વિવરાણો આ દિશામાં સ્તુત્ય પ્રયત્ન છે.

ગુજરાતી ટૂંકી વાર્તાને કલાસ્વરૂપે ખીલવનારા સર્જકોની ખૂબીઓ અને ખામીઓ અને તેમના પરસ્પર પ્રત્યાઘાતો યોગ્ય પ્રકાશ

માગે છે. આ કલાસ્વરૂપમાં શિલ્પીઓએ કઈ વસ્તુ કયાં મૂલ્યો, કયાં અંતસ્તત્ત્વો અને વાસ્તવને વ્યક્ત કર્યાં છે અને તે દ્વારા જીવનની અનુભૂતિઓને કેટલી અને કેવી રીતે સમૃદ્ધ કરી છે તેની સાત્વિક છણાવટ હવે જરૂરી બની છે.

ટૂંકી વાર્તા એ અન્ય કલાપ્રકારથી નોખો કલાપ્રકાર છે. આ ક્લાસ્વરૂપે કેવા આકાર લીધા, કેટલું વૈવિધ્ય વિકસાવ્યું, કથનશૈલીમાં તેણે કેટલો વૈભવ આણ્યો અને તે કોણે અને કયાં કારણોએ, તેનું અવલોકન હવે આવશ્યક બન્યું છે.

આ કલાપ્રકારનું અને આ કલાપ્રકારને ખીલવનારા કલા- સ્વામીઓનું સાચું વિશ્લેષણ અને સાચું સ્થાન આ રીતનો અભ્યાસ કરવાથી જ નક્કી કરી શકીશું.

શ્રી મનસુખલાલ ઝવેરીનો મનનીય અગ્રલેખ તેમ જ શ્રી ગુલાબદાસ બ્રૉકરની “શ્રેષ્ઠ નવલિકાઓ”ની બે પ્રસ્તાવના ટૂંકી વાર્તાના પદ્ધતિસરના વર્ગીકરણ માટે ભૂમિકા બાંધવા યત્ન કરે છે. શ્રી મનસુખલાલ ઝવેરીના મત અનુસાર ટૂંકી વાર્તાનાં પાત્ર, ક્રિયા અને વાતાવરણ એ મુખ્ય અંગો; એ અંગોને ધ્યાનમાં લઈ તેઓ ટૂંકી વાર્તાઓને મુખ્યત્વે પાત્રપ્રધાન, ક્રિયાપ્રધાન અને વાતાવરણ પ્રધાન એવા ત્રણ વિભાગોમાં વહેંચી નાખવા સૂચન કરે છે. આ વર્ગીકરણ અણીશુદ્ધ તર્કબદ્ધ છે કે નહિ તેની ચર્ચામાં ઊતર્યા વગર તેને ઉપયોગી માળખા તરીકે સ્વીકારી ટૂંકી વાર્તાઓનું વિસ્તૃત્વ વર્ગીકરણ કરીશું તો પણ આપણે ટૂંકી વાર્તાના પદ્ધતિસરના અવલોકન માટે અને તુલનાત્મક વિવેચન માટે ભૂમિકા ઉપજાવી શકીશું.

નવલિકાનાં સિદ્ધહસ્ત સ્વામીઓનું પણ આ ઢબનું વિસ્તાર પૂર્વકનું વિવેચન જરૂરી બન્યું છે. Content-અંતસ્તત્ત્વ’’ અને “form–સ્વરૂપ”ની દ્રષ્ટિએ આ સર્વનો પદ્ધતિસરનો અભ્યાસ હવે આવશ્યક છે.

શ્રી વિષ્ણુભાઈ, શ્રી મનસુખભાઈ, શ્રી ઉમાશંકર, શ્રી ગુલાબદાસ, શ્રી અનંતરાય રાવળ, શ્રી મંજુભાઈ મઝમુદાર, શ્રી જયંતી દલાલ, શ્રી નિરંજન ભગત, શ્રી સુરેશ જોશી તથા આપણે બીજા જાણીતા વિવેચક પાસેથી આ ખૂબ જ લોકપ્રિય કલાપ્રકારનું સળંગ વિવેચન જનતાના ઈર્મિજીવન અને કલ્પનાનાં ઉડ્ડયનોને ઘડવાની ટૂંકી વાર્તાની પ્રતિભાનાં કારણો સમજાવવામાં ખૂબ જ ઉપયોગી થઈ પડશે.

મુ. ભાઈસાહેબના સાહિત્યને ઘડતી તાત્વિક પ્રતિભા કઈ ? તેમના સાહિત્યનું સાચું સર્જનસામર્થ્ય શેમાં સમાયું છે?

ટૂંકી વાર્તાના સર્જક તરીકે તેમનું આ ઢબનું વિસ્તૃત અવલોકન થાય એટલી જ ઈચ્છા.

“હીરાની ચમક” એ શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ નથી. પરંતુ તેમના વાચકો તેમના બીજ વાર્તાસંગ્રહોની માફક આને પણ આવકારશે જ એવી આશા રાખું છું.

‘કૈલાસ’

રમણલાલ વ. દેસાઈ રોડ,
વડોદરા, ૨૪-૧૦-૫૭

અક્ષયકુમાર ર. દેસાઈ
 
અનુક્રમ


ગ્રામશિક્ષકનું એક ગૌરવ
સાચી અર્ધાંગના ૧૫
અણધાર્યો મેળાપ ૩૩
કલ્યાણી ૪૯
મારો એકનો એક આશ્રય ૬૨
દેહ અને દેહી ૭૪
કોણ છે? શૂદ્ર? ૮૮
કમલનયના ૯૮

મોક્ષ ૧૧૨
જીવન : પ્રભુપ્રીત્યર્થે ૧૨૮
ભક્તિ? કે પ્રભુકૃપા? ૧૪૦
દૂધમાંથી અમૃત ૧૫૮
કુલશેખર ૧૬૭
રૂપનો ઇજારદાર ૧૭૫
હીરાની ચમક ૧૯૨મુદ્રણો
નવેમ્બર : ૧૯૫૭
સપ્ટેમ્બર : ૧૯૬૪
માર્ચ : ૧૯૭૭
ચોથું પુનર્મુદ્રણ શતાબ્દી વર્ષ, મે ૧૯૯૨
પ્રત : ૧૬૫૦
રમણલાલ વ. દેસાઈ
વડલા શા વિશાળ કુટુંબની જવાબદારી વહેતાં, વડોદરા જેવા મહત્ત્વપૂર્ણ ને પ્રગતિશીલ રાજ્યમાં ઉચ્ચ કક્ષાની વહીવટી કામગીરી દક્ષતાથી બજાવતાં, સંગીત-વ્યાયામ-રમતગમત-પુરાતત્ત્વ-સામાજિક સેવાકાર્ય એવા અનેકવિધ શોખ સાથે લેખનને પૂરક-પોષક એવી સંશોધનપ્રવૃતિમાં સતત રમમાણ રહેતાં રહેતાં માતબર અને મબલખ સાહિત્યના સર્જન દ્વારા ગુજરાતને અડધી સદી સુધી આ સિદ્ધહસ્ત સર્જકે પોતાની સાથે રાખ્યું હતું. રમણલાલ વ. દેસાઈનાં સાહિત્યસર્જન પાછળ ગુજરાત ઘેલું હતું. એમની નવી નવલ ક્યારે બહાર પડે છે તે જોવા-જાણવા ગુજરાતનો વિશાળ વાચકવર્ગ
જન્મ : ૧૨-૫-૧૮૯૨
નિધન: ૨૦-૯-૧૯૫૪
ઉત્કંઠિત રહેતો. એમનાં પાત્રો પરથી સંતાનોનાં નામ પડાતાં ! ત્યારે સંસ્કારિતાનો એક માપદંડ ‘૨., વ. દે. નું સાહિત્ય વાંચ્યું છે કે નહિ’ તે હતો. કેટકેટલા નવોદિત અને પછીથી પ્રતિષ્ઠિત લેખકોનો પ્રેરણાસ્રોત હતા. ૨. વ. દે.. એક આખા યુગને એમણે પોતાના સર્જનમાં સમેટ્યો અને બીજા યુગોનાં ચિત્રણ-અર્થધટનમાંયે એને વિવિધ સંદર્ભે સાંકળી લીધો છે. આ યુગમૂર્તિ વાર્તાકાર આજેય હોશથી વંચાય છે, એમના વિપુલ સર્જનના અમર વારસાને એમની જન્મશતાબ્દી નિમિત્તે, ફરી એકવાર કલાત્મક કાયાકલ્પ કરી, પુનઃ પ્રકાશિત કરતાં ગૌરવ અને આનંદ અનુભવીએ છીએ...


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.