હીરાની ચમક/કુલશેખર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← દૂધમાંથી અમૃત હીરાની ચમક
કુલશેખર
રમણલાલ દેસાઈ
૧૯૫૭
રૂપનો ઇજારદાર →
કુલશેખર


શું બ્રાહ્મણ ? દ્વિજ ? નહિ નહિ. ભારતમાં તો અનેક શૂદ્રો પણ ભક્તો થઈ ચૂક્યા છે. શૂદ્ર વાલ્મીકિએ આખું રામાયણ રચી આર્યાવર્તને એક અમર સંસ્કારઝરો આપ્યો.

સંપત્તિ છોડીને બેઠેલા સંન્યાસીઓ જ શું ભક્ત થઈ શકે ? ના. સંપત્તિ, સત્તા અને સુખસાહેબીમાં ઉછરતા અનેક રાજવીઓ પણ આપણે ત્યાં અનુપમ ભક્તો બની ચૂક્યા છે.

ભારતીય સંસ્કૃતિનું એક મુખ્ય લક્ષણ એ કે બીજી કોઈ પણ સંસ્કૃતિએ નહિ ઉપજાવ્યા હોય એટલા ભક્ત અને સંસ્કારી રાજવીઓ ભારતીય સંસ્કૃતિએ ઉપજાવ્યા છે.

દક્ષિણના કેરલ પ્રદેશમાં મહારાજા કુલશેખરનો જન્મ. એ જ કેરલમાં શંકરાચાર્યનો પણ જન્મ. કેરલના દૃઢવ્રત નામના રાજવીને કોઈ સંતાન ન હતું. ધર્મી, અધર્મી, સહુને જીવનમાં કોઈક વાર સંતાનની ઈચ્છા થાય છે. મહારાજા દૃઢવતે પ્રભુ પાસે એક તેજસ્વી પુત્ર માગ્યો અને પ્રભુએ તે આપ્યો પણ ખરો. એ જ પુત્ર તે પરમ ભક્ત કુલશેખર. બાલ્યાવસ્થાથી રાજકુમાર કુલશેખરે શસ્ત્રમાં અને શાસ્ત્રમાં પ્રાવીણ્ય મેળવવા માંડ્યું. અને દૃઢવતે જ્યારે જોયું કે રાજકુંવર રાજ્યભાર વહન કરવાને માટે શક્તિમાન થયા છે એટલે રાજાએ પોતે રાજ્યાસન છોડી દીધું, યુવરાજને પોતાની નજર સામે રાજ્યાભિષેક કરાવ્યો અને પોતે વનમાં વસી વાનપ્રસ્થધર્મ સંપૂર્ણ રીતે પાળવા માંડ્યો. પ્રાચીન રાજાઓમાંથી ઘણા જીવતાં સુધી રાજ્યગાદી ઉપર ચીટકી રહેવાની ક્ષુદ્રતા દર્શાવતા ન હતા. કુલશેખર રાજવી તો  હતા, રાજ્યભાર વહન પણ કરતો હતો, છતાં એના હૃદયમાં એક ઝંખના જાગી હતી : ચર્મચક્ષુ પણ પ્રભુનાં જ દીધેલાં; એ ચક્ષુ સામે પ્રભુ આવીને કેમ ઊભા ન રહે ? માનવી ને તો ચર્મચક્ષુ અને દિવ્યચક્ષુઓના ભેદ ! પ્રભુ એ ભેદ કેમ રહેવા દે ?

મહારાજા કુલશેખરને સઘળી સત્તા હતી. ધારે તેને મારે અને ધારે તેને જિવાડે એ સત્તા હતી તો ખરી, છતાં કુલશેખર જોઈ શક્યો કે એનાથી ગમે તેને મારી શકાતું ન હતું... અને સર્વ માંદા કે સર્વ મૃતને જિવાડી શકાતું તો હતું જ નહિ. રોગગ્રસ્તોને રોગમુક્ત કરવા અને લાંબું જિવાડવા એણે ઔષધશાળાઓ અને સારવારગૃહો આખા રાજ્યમાં સ્થાપ્યાં એ ખરું, પરંતુ મૃતદેહને સજીવન કરી શકે એવા કોઈ કલાધર ઉપર એની સત્તા તો હતી જ નહિ. ઔષધો અને શસ્ત્રવૈદ્યો સાથે એણે ઘણી ચર્ચા કરી, પરંતુ મૃત દેહને સજીવન કરવાની વિદ્યા કે કલા કોઈ માનવીના હાથમાં ન હતી એમ સાબિત થયું. રાજવીની આમ અબાધિત ગણાતી સત્તા ખૂબ ખૂબ મર્યાદિત માલૂમ પડી.

કુલશેખરે કૃષિ અને વ્યાપાર ખૂબ આગળ કર્યા. અને તેની વહેંચણી એવી વ્યવસ્થિત રીતે કરી કે એની પ્રજાનું સંપૂર્ણ ભરણપોષણ થાય, સહુને આનંદ ઉત્સવ અને પ્રભુસ્મરણ કરવાનો સમય રહે, અને કોઈ પણ ધનિકના ધનને ઢગલો એવડો મોટો ન વધી જાય કે જેથી એ ધનના ઢગલાને જોનારનું કે એ ઢગલા ઉપર બેસનારનું મન ફટકી જાય ! વ્યક્તિ વ્યક્તિ વચ્ચે અને કામ કામ વચ્ચે, સમાનતા વ્યાપી જાય એવી એની રાજયકુશળતા.

જમીન ધાન્યના ઢગલા આપતી હતી એ વાત સાચી, પરંતુ મહારાજ કુલશેખર જોઈ શક્યા કે બાજરી વાવી બાજરી જ લણાતી; બાજરી વાલીને ચોખા ઉપજાવી શકાતા નહિ ! અને ચોખા વાવીને તેમાંથી ઘઉંનાં ખળાં ભરી શકતાં નહિ ! કુલશેખરે મિશ્રણના કંઈ કંઈ પ્રયોગ કર્યા–કરાવ્યા, પરંતુ રાજસત્તાને જાયફળમાંથી કેરી ઉપજાવવાની શક્તિ મળી હોય એમ લાગ્યું નહિ !  સૂર્ય એનો સમય થયે ઊગતો અને સમય થયે આથમતો. રાજા કુલશેખર સૂર્યને મોડો ઊગવાની આજ્ઞા કરે કે ચંદ્રને નીચે ઊતરી આવવાની આજ્ઞા કરે, એ આજ્ઞાઓ રાજાની હોવા છતાં સૂર્યચંદ્ર પાલન કરતા હોય એવી કુલશેખરને ખાતરી થઈ નહિ. રાજાનો પણ એક રાજા હતો એ કુલશેખરની સમજમાં આવેલું. ભક્તનો એ પુત્ર હતો એટલે એનામાં ભારે નમ્રતા તો હતી જ. રાજસત્તા અતિશય મર્યાદિત હતી એવી પણ એને ખાતરી થઈ ચૂકી. રાજસત્તા એ કુદરતી સત્તા નહિ, કુદરતી સત્ય પણ નહિ, માત્ર મર્યાદિત માનવોએ ટોળે મળી એક વ્યવસ્થાશ્રમ ઉપજાવ્યો એનું નામ રાજસત્તા. સાચી સત્તા તો કોઈ સાચા સત્તાધીશના હાથમાં છે જે સૂર્યચંદ્રને ઉગાડે છે, પૃથ્વીમાંથી જીવન પ્રગટાવે છે અને પાણીને પવનથી હલાવે છે ! એ સત્તાનું સૂત્ર જેના હાથમાં હોય તે સાચો સત્તાધીશ ! અને એ હશે કોણ ? આંખ બનાવનાર એ સત્તાધીશ આંખ સામે કેમ ન દેખાય ? અને કુલશેખરે આ ભાવના થતાં બરાબર એ મહાન સત્તાધીશને આંખ સામે પ્રત્યક્ષ કરવા માનસિક તપ આદર્યું.

એ સત્તાધીશનો આકાર શો ? એનું રૂપ શું? એની વાણી કેવી ? આકાર વગર એ માનવ ઈંદ્રિયોને પ્રત્યક્ષ થાય પણ શી રીતે ? ભક્તો કહેતા હતા કે માનવ જીવનમાં પ્રભુ રામ રૂપે, કૃષ્ણ રૂપે નારાયણ સ્વરૂપે પ્રગટ થયા છે. આંખને તો કોઈ નિરાકાર સત્તા પ્રગટ દેખાતી ન હતી. શા માટે મહારાજ કુલશેખર એ ભક્તોએ વર્ણવેલા રામ, કૃષ્ણ, વિષ્ણુ અને નારાયણના આકારને આંખ સામે સતત ન રાખી શકે ? સર્વશક્તિમાન પ્રભુ આકારહીન હોય તો યે એને વિગ્રહ-આકાર ધારણ કરવામાં હરકત કેમ આવે ? કુલશેખરે પ્રભુનું સ્મરણ થાય એમ નિત્ય કથાવાર્તા પોતાના મહેલમાં શરૂ કરાવી અને આખા નગરને નોતરવા માંડ્યું.

* **

રાજમહેલમાં રામાયણની કથા ચાલતી હતી. રામાયણની કથા.  અને તેમાં યે કથાકાર બહુ મોટો કલાવિદ્ –એની વાણીમાંથી રામાયણનાં પાત્રો સજીવન બની આકાર ધારણ કરતા હોય એવું એનું કવિત્વમય વક્તવ્ય હતું. વિશાળ શ્રોતામંડળ બેઠું હતું અને રાજ કુલશેખર તલ્લીન થઈ રામાયણની કથા સાંભળતા હતા. એક દિવસ રામાયણનો ખર-દૂષણ સાથેના યુદ્ધનો પ્રસંગ આવ્યો. આદર્શ ભ્રાતા લક્ષ્મણને સીતાજીનું રક્ષણકાર્ય સોંપી રામ એકલા પોતે ધનુષ-બાણ લઈ ખર દૂષણની ચૌદ હજાર રાક્ષસોની સેના સામે યુદ્ધ કરવા ચાલ્યા

चतुर्दशशस्त्राणि रक्षसां भीमकर्मणाम् ।
एकश्च रामो धर्मात्मा कथं युद्धं भविष्यति ॥

કથાકારે આ અસમાન યુદ્ધનું બહુ રોચક શબ્દોમાં વર્ણન આપ્યું. અને એના શબ્દોએ ચૌદ હજાર રાક્ષસો એક પાસ અને સામે એકલા રામ, જાણે પ્રત્યક્ષ કરી દીધા ! ભાવિક કુલશેખર તન્મય થઈને કથા શ્રવણ કરતો હતો. એણે તો પોતાની આંખ સામે આ યુદ્ધ રચાતું જોયું. એ વીસરી ગયો કે અહીં તો રામાયણની કથા ચાલતી હતી, ભાન ભૂલી મહારાજા કુલશેખર ઊભો થયો. પોતાનાં શસ્ત્રાસ્ત્રો તૈયાર કર્યા અને ઘોર શંખનાદ કરી આખી રાજસેનાને એકત્રિત કરી દીધી, સેનાનાયક પણ ભક્તરાજાના રાજ્યમાં અંશતઃ ભક્ત બની ગયો હતો. રાજાની પ્રવૃત્તિ જોઈ આખી સભા ચકિત થઈ અને સેનાપતિ પણ ચકિત થયો. રાજાના હૃદયમાં કોઈ અવનવો ઉત્પાત થયો છે કે હું, એવો તેમને ભય પણ લાગ્યો સેનાપતિએ નમ્રતાપૂર્વક પૂછ્યું :

‘મહારાજ ! શી આજ્ઞા છે?’

‘જોતા નથી, સેનાપતિજી ! કે રામ એકલા ચૌદ હજાર રાક્ષસ સામે યુદ્ધ કરવા જઈ રહ્યા છે? આપણે શું અહીં બેઠા રહેવું છે. અને રામને કષ્ટ પડે એ સગી આંખે નિહાળવું છે?’

‘પણ...’ સેનાપતિ કાંઈ કહેવા જતા હતા પરંતુ તેમને અટકાવી કુલશેખરે જવાબ આપ્યો :

‘પણ બણ કાંઈ નહિ, રામ સાથે આપણી જીવનભરની સંધિ અલિખિત. એની હાકલ થાય કે આપણે ઊભા જ થવું જોઈએ. ચાલો સૈન્ય લઈને.’

વ્યવહારની દૃષ્ટિ આને ઘેલછા કહે, ભુલાયેલા ભાન તરીકે ઓળખાવે અગર ભક્તિભાવનું ચક્રમપણું પણ નામ આપે ! એ જે હોય તે ! સેનાપતિને તો રાજાજ્ઞા પાળવાની જ હતી. કુલશેખરને એક બાજુએ એકલા રામ અને સામી બાજુએ ખર-દૂષણ અને તેમની પાછળના ચૌદ હજાર રાક્ષસો સ્પષ્ટ દેખાતા હતા. સૈન્ય તૈયાર હતું. સેનાપતિ પણ તૈયાર હતા, પરંતુ તેમણે ક્યાં જવું ? કોની સાથે લડવું ? કથા કહેનાર શાસ્ત્રી કુલશેખર જેવા પરમ ભક્ત તો હતા નહિ, પરંતુ એ વિચક્ષણ વિદ્વાન હતા, વાણીનો મહિમા સમજતા હતા અને ભક્તનાં હૃદય વાણીનો કેવો પડઘો પાડે છે એ પણ સમજતા હતા. તેમણે સમજી લીધું કે તેમની અસરકારક શૈલીએ આબેહૂબ રામ-રાક્ષસનું ચિત્ર કુલશેખરના ભક્તહૃદય પર પાડ્યું હતું. એકાએક તેમણે ખર-દૂષણ અને ચૌદે હજાર રાક્ષસો રામના એક જ બાણથી વીંધાઈ ગયા એવો એક શ્લોક લલકાર્યો અને ત્યારે કુલશેખરને ખાતરી થઈ કે ભગવાન રામને કોઈ માનવીની સહાય જરૂરની ન હતી... અને ધીમે ધીમે તેમને સમજાયું કે તેઓ માત્ર એક કથા સાંભળતા હતા !

***

ભક્તોને ઘણી વાર પોતાના શ્રેષ્ઠ સ્થાનનું ભાન રહેતું નથી. એને એ શ્રેષ્ઠ સ્થાન સાચવી રાખનારાઓને ભાન ભુલાવતી ભક્તિ જરાય ગમતી નથી. રાજ રાજદંડ ધારણ કરી સિંહાસન ઉપર બેસી ગંભીરતાભરી આજ્ઞા આપે એ રાજકર્મચારીઓને જરૂર ગમે; પરંતુ એ રાજા સિંહાસન છોડી પ્રભુની કોઈ મૂર્તિ સામે કરતાલ લઈ નાચે એ તેમને ન ગમે એ પણ સમજી શકાય એવું છે. સાચા ભક્તોને વ્યવહારની મર્યાદા નડતી નથી, પરંતુ વ્યવહારના અર્ક સમા રાજકારણમાં કારણમાં તો ડગલે ને પગલે મર્યાદા દોરાયે જાય. કુલશેખર પોતાનું રાજકાજ સારી રીતે કરતો હતો એ સાચું; પરંતુ એનો રાજવૈભવ. એનો રાજદબદબો અને એની સત્તાવાહી રાજાજ્ઞા, ધીમે ધીમે ભક્તિમાં પલોટાઈ અતિશય સૌમ્ય બનવા માંડ્યાં.

રાજદરબારીઓને અળગા કરી કુલશેખર સાધુસંતો અને ભક્તો તરફ વધારે ધ્યાન આપવા માંડે એ રાજપુરુષને ડંખવા લાગ્યું. અને રાજા તો વધારે અને વધારે પ્રમાણમાં સાધુસંતોને મહેલમાં અને પોતાની આસપાસ ફેરવતો થઈ ગયો; ભક્ત રાજવીની પ્રજા સુખી હતી. પ્રજાના સર્વ વર્ગો સંતુષ્ટ હોવાથી ગુનાઓ બનતા જ નહિ. પડોશના રાજવીઓ ભક્ત રાજવીનો પ્રદેશ ખૂંચવી લેવાને બદલે એની સીમાનું રક્ષણ થાય એવી મૈત્રી દાખવવા લાગ્યા; કારણ કુલશેખર તરફથી રાજકીય કે સૈનિક આક્રમણ થાય એવો ભય કોઈને હતો જ નહિ. ભક્તિની અતિશયતામાંથી, ભક્તોના ઝમેલામાંથી રાજાને મુક્ત શી રીતે કરવા એ મહાપ્રશ્ન દરબારીઓની પાસે પ્રત્યક્ષ થયો. અને એક દિવસ રાજમહેલમાં બૂમ ઊઠી કે રાજ્યના તોષાખાનામાંથી મૂલ્યવાન હીરાઓ ચોરાઈ ગયા છે.

રાજમહેલ રાજમંદિર રહ્યો ન હતો, પરંતુ તે સાધુસંતોનો એક અખાડો બની રહ્યો હતો. છતાં બૂમો ઊઠી તે મહારાજા કુલશેખરના કાન સુધી પહોંચ્યા વગર રહી નહિ. અને બૂમની સાથે આરોપ પણ ધીમે ધીમે ઘટ્ટ થવા માંડ્યો... રાજમહેલમાં સાધુસંતોનાં ઝુંડ ફર્યા કરે… ભક્તોની અવરજવર બધે જ... શયનગૃહ હોય કે સભાગૃહ હોય, રાત હોય કે દિવસ હોય, જોગટાઓ બધે જ ફરતા હોય !... ભક્તોને કહે કોણ ? અને કહે તો સાંભળે કોણ ? બધા સાધુઓ કંઈ સરખા હોય છે ? લક્ષ્મી દેખી મુનિવર ચળે… આમ જુદી જુદી ઢબે આરોપો પણ રાજા કુલશેખરને કાને પહોંચી ગયા.

રાજાએ કર્મચારીઓને બોલાવ્યા અને તપાસ શરૂ કરી. હીરા ખોવાયા હતા એ વાત સાચી. હીરા ખોવાય તેની રાજાને ખાસ ચિંતા પણ ન હતી; પરંતુ રાજવી તરીકે રાજમહેલમાં બનતો ગુનો શોધી કાઢવાની તેની ફરજ હતી. તપાસ શરૂ થઈ. પ્રજાજનો સુખી હતા. ગુનેગારોનું નામનિશાન રાજ્યમાં હતું નહિ રાજમહેલના કર્મચારીઓને ભરપટ્ટે પગાર મળતો હતો એટલે હીરા ચોરવાની કોઈ નોકરને તો જરૂર હતી નહિ; બાકી રહ્યા રાજમહેલમાં ફરતા સાધુ, સંતો અને વૈષ્ણવો !

રાજાએ એ યુગને છાજે એવો ગુનાશોધનનો પ્રકાર યોજ્યો. ગુનેગાર જડે નહિ ત્યારે એ શોધવાનું કામ દિવ્ય સત્ત્વને સોંપવામાં આવતું. રાજાએ એક દિવ્ય સોંપણી ગુનેગાર માટે રજૂ કરી અને સર્વ રાજમંદિર સાથે સંબંધ ધરાવનાર ભક્ત અને કર્મચારીઓને ભેગા કર્યા, અને હળાહળ વિષ ભરેલા એક સર્પનો કંડિયો લાવી સર્વની વચ્ચે મૂક્યો. રાજાને મન આ ગુનો બે પક્ષમાં વહેંચાઈ ગયો હતો. કાં તે સાધુ-સંતોએ હીરા ચોર્યા હોય, કાં તો દરબારી નોકરોએ. કંડિયો આવતાં બરોબર રાજાએ આજ્ઞા આપી :

‘ગુનેગાર શોધવાની હવે એક જ રીત બાકી રહી. આ કંડિયામાં ભયાનક સર્પ છે, વિષધર નાગ છે; એમાં સહુ કોઈ હાથ ઘાલે. ગુનેગાર હશે તેને સર્પદંશ થશે; ગુનેગાર નહિ હોય તે દંશથી મુક્ત રહેશે. ચાલો, કોણ શરૂઆત કરે છે ?’

દરબારીઓ સંકોચાયા, જ્યારે સાધુસંતોમાં કોણે પહેલો હાથ નાખવો એની હોંસાતોંસી થવા માંડી. રાજાના મનમાં તો ખાતરી જ હતી કે આ સાધુસંતોનું કામ નથી, પરંતુ સાધુસંતોથી કંટાળેલા રાજદ્વારી પુરુષોનું જ આ કામ છે. તેણે એકાએક પોતાનો હાથ ઊંચો કર્યો. સહુ સ્તંભી ગયા. ભેગી મળેલી સર્વ મંડળી સાંભળે એમ કુલશેખરે ગંભીર નાદે કહ્યું :

‘આ રાજમહેલમાં સાધુસંતો આવે છે મારા આમંત્રણે. એની જવાબદારી મારી છે. હું પોતે જ મારા પોતાના ઉપર સર્પદિવ્યનો પ્રયોગ કરું છું. અને જો સાધુસંતોમાંથી કોઈએ પણ હીરા ચોર્યા હોય તો મારી પ્રભુને પ્રાર્થના છે કે સર્પદંશ મને જ થાય !’

રાજા કુલશેખર આટલું કહીને અટક્યો નહિ. સંતો અને દરબારીઓ બંને રાજાને અટકાવે તે પહેલાં રાજાએ સર્પના કંડિયામાં પોતાનો હાથ ખોસી ઘાલ્યો. ક્ષણ વીતી, બે ક્ષણ વીતી, પા ઘટિકા વીતી. છતાં રાજાનો હાથ અંદરની અંદર સલામત રહ્યો અને તેના મુખ ઉપર દંશનું એક ચિહ્ન પણ દેખાયું નહિ. કંડિયાનું ઢાંકણું ખોલાતાં સહુ દેખે એમ રાજાએ નાગની સોડમાં પોતાનો હાથ અડાડી રાખ્યો. નાગે હાથ ઉપર ફણા કરી પરંતુ નાગ જરા પણ ડસ્યો નહિ અને ફણા સંકેલી કંડિયામાં પાછો સમેટાઈ ગયો. ભક્ત રાજવીની ક્ષત્રિયવટ સંતોને નિર્દોષ ઠરાવી રહી.

અલબત્ત, કર્મચારીઓને શરમ આવી. હીરા બધા જ જડ્યા. મહારાજ કુલશેખરને સંતોની ચુંગાલમાંથી ઉગારવાનો દરબારીઓનો આ બાલિશ પણ પ્રામાણિક પ્રયત્ન હતો એ જાહેર થયું; અને ભક્ત રાજવીને તો સદા યે ગુનાની શિક્ષા ક્ષમામાં જ હોય ! દરબારીઓનો શુભ ઉદ્દેશ વિચારી તેણે કોઈને કાંઈ શિક્ષા કરી નહિ, અને દરબારીઓએ પણ એ સમય પછી રાજાના ભક્તમાર્ગમાં સહજ પણ વિઘ્ન નાખવાનો પ્રયત્ન કર્યો નહિ.

ભકતશિરોમણિ ક્ષત્રિય રાજવી કુલશેખર રાજાઓ કરતાં ભક્તોમાં વધારે મોટું સ્થાન આજ સુધી પામી રહ્યો છે. દક્ષિણનો એ પરમ વૈષ્ણવ રાજવી.

‘મુકુંદમાલા’ નામનો એક સંસ્કૃત સ્તોત્રગ્રંથ આ રાજવીની વિદ્વતા અને ભક્ત પ્રદર્શિત કરતો આજ પણ ભક્ત અને વિદ્વાનોમાં બહુ આદર પામે છે.