હીરાની ચમક/રૂપનો ઇજારદાર

વિકિસ્રોતમાંથી
← કુલશેખર હીરાની ચમક
રૂપનો ઇજારદાર
રમણલાલ દેસાઈ
૧૯૫૭
હીરાની ચમક →





રૂપનો ઈજારદાર

માનવી જાતે પોતે જ પોતાના સુખની આડે ન આવતો હોત તો તે તેની આસપાસ સુખનું સ્વર્ગ રચાયે જ જતું હોત. પરંતુ મોટે ભાગે માનવી પોતે જ પોતાના સુખને પકડી ખેંચી રાખવા માગે છે. મૂઠીમાં, પેટીમાં કે પહેરામાં સંતાડી રાખવા માગે છે અને રખે કોઈ એ સુખમાં ભાગ પડાવી જાય એનો ભય સેવ્યા કરે છે, એટલે એનું સુખ પણ એને કંઈ કામમાં આવતું નથી.

શરદ એક સુખી યુવાન હતો; ભણેલો હતો સંસ્કારી હતો. અને ધનિક પિતાનો પુત્ર હોઈ એની નાની વયથી જ ધનના વ્યવસાયમાં તે લાગી ચૂકેલો હતો. કેટલાક યુવાનોનાં માતાપિતા તેમના યૌવનને આંગણે જ મૃત્યુ પામી યુવાનોને મિલકતના માલિક બનાવી આભારી કરે છે. શરદનાં માતાપિતા પણ તેની રર–૨૪ વર્ષની વયે મૃત્યુ પામ્યાં હતાં અને તેને આખી મિલકતનો વારસ અને વ્યવસ્થાપક બનાવતાં ગયાં. ભણતર, બુદ્ધિ અને અનુભવ ત્રણેએ મળીને તેને એક સફળ ધંધાદારી બનાવ્યો અને સ્વર્ગમાં બેઠેલાં માતાપિતા બહુ રાજી થઈ આશીર્વાદ વરસાવે એવી કુશળતા અને કુનેહપૂર્વક શરદે પોતાનો ધંધો ધપાવ્યે રાખ્યો. એમાં એની પ્રતિષ્ઠા પણ વધતી ગઈ અને જનતામાં તેનો સામાજિક ઉપયોગ પણ સરસ થવા લાગ્યો. આમ માનવી માગી શકે એટલું સુખ શરદને શરદનો પૈસે આપી શકે તેમ હતું,

તેને અત્યંત રૂપાળી પત્ની પણ મળી હતી. પત્નીનું નામ માધવી. માધવી રૂપાળી જ માત્ર ન હતી; તે સારું ભણેલી હતી, ચબરાક હતી અને ખૂબ આનંદી પણ હતી. સુંદર પત્ની હોવી એ સદ્‌ભાગ્યની નિશાની છે. છતાં સુંદર, સુશીલ અને સુશિક્ષિત પત્ની હોવી એ વળી મહાભાગ્યની નિશાની છે. શરદને એ મહાભાગ્ય પ્રાપ્ત થયું હતું. અને જનતા માગતી હતી કે શરદ જેવો ભાગ્યશાળી માનવી આ વિશ્વમાં ભાગ્યે જ બીજો કોઈ હશે. શરદે પોતે પણ શરૂઆતમાં એમ જ માની લીધું. એના પોતાના સુખનો પાર ન હતો. પત્નીને હીરા-મોતીના દાગીનાની ખોટ ન હતી, રેશમી અને જરીનાં વસ્ત્રોની ખોટ ન હતી, અને સુખી દંપતીને જવરઅવર માટે, રૂપપ્રદર્શન માટે, ધનપ્રદર્શન માટે, તેમ જ કલાપ્રદર્શન માટે વિસ્તારભરેલ પ્રદેશ પડ્યો હતો. નાટક, સિનેમા, પાર્ટીઓ અને જલસાઓ, સભાઓ અને સંમેલનો, કલામંડળો અને કલાપ્રદર્શનો, હરકોઈ જ્ઞાન, રૂપ, શૃંગાર, ચાતુર્ય અને ધન દર્શાવવાનાં વિપુલ સાધનો બની રહે છે; અને શરદે તથા તેની અત્યંત લાવણ્યવતી પત્ની માધવીએ આ સાધનોનો સારા પ્રમાણમાં ઉપયોગ પણ કરવા માંડ્યો.

પછી તો શરદની આસપાસ—કહો કે માધવીની આસપાસ—મિત્રોની, પ્રશંસકોની, ઓળખીતાઓની અને ઓળખાણ માગનારાઓની ઠીકઠીક ટોળી જાવા માંડી. ચા ઉપર, નાસ્તા ઉપર, જમણ ઉપર, ફરવા માટે, સિનેમા જોવા માટે, શરદને અને માધવીને આમંત્રણો મળવા લાગ્યાં અને આ આમંત્રણો સ્વીકારાય એટલે સામાં આમંત્રણ તેમને આપવા પણ પડ્યાં. ધનિકોને તો કામ હોય છે, પરંતુ ધનિકોની પત્નીઓને પોતે સ્વીકારે એટલું જ કામ કરવાનું રહે છે. એટલે આવાં ઘણાં આમંત્રણોમાં શરદને જવું મુશ્કેલ થઈ પડતું, અને તે આવા કેટલાંયે રૂબરૂ આમંત્રણોમાં પોકારી ઊઠતો :

‘આમ બધે જવું તો મને ન જ પાલવે.’

‘પણ હવે આમંત્રણ આવ્યું જ છે તો આપણે ગયા વગર કેમ ચાલે ? તને ખરેખર કામ હોય તો હું જઈ આવીશ; પણ છેક આમંત્રણ નકારવું એ અભિમાનમાં ગણાશે.’ માધવી શરદને જવાબ આપતી, અને કેટલીક વાર શરદને મૂકીને પણ તેને જવું પડતું. અને માધવી તેને જ્યાં સુધી આમ કહેતી ત્યાં સુધી એને એ સ્વાભાવિક લાગતું. પરંતુ કદી કદી આમંત્રણ આપનારાઓ પણ તેને કહેતા :

‘આપને તો અનેક વ્યવસાયો હોય એટલે આપ ના પાડો એ સમજી શકાય; પરંતુ માધવીબહેનને તો આપ જરૂર મોકલો.’

અને માધવીને વિશેષ કામ ન હોવાથી તે જતી પણ ખરી.

કોણ જાણે કેમ, પરંતુ માધવી પોતાને મૂકી એકલી જાય એ શરદને ગોઠ્યું નહિ. એક વસ્તુ ન ગોઠતા અનેક વસ્તુઓ અણગોઠતી બની જાય છે. રસ્તે જતા લોકો પોતાના કરતાં માધવી સામે વધારે નજર કરે છે, ઓળખીતાઓ પણ શરદ કરતાં માધવીને મળવામાં વધારે રાજી હોય છે, પોતાની આસપાસનાં ટોળાં કરતાં માધવીની આસપાસ મિત્રમંડળનું ટોળું વધારે પ્રમાણમાં જામી જાય છે. અને ઘણી વાર તો શરદને બાજુએ મૂકી, શરદને વેગળો રાખી, માધવી સાથે વધારે પ્રમાણમાં ચબરાકીભરી હસી- ટીખળ થાય છે. આમ તેને ધીમે ધીમે લાગવા માંડ્યું; અને એક દિવસ તો આવા કોઈ પ્રસંગે તેના મનમાં માધવીનું પોતાની માલિકીનું રૂપ બીજાઓની દૃષ્ટિએ પડીને સાર્વત્રિક બની જાય છે એમ પણ હૃદયખટકા સાથે તેને લાગી આવ્યું. તે જ ક્ષણથી તેને ઈશ્વરે, સમાજે અને લગ્ને આપેલું માધવીનું રૂપ, આનંદ અને સુખ આપવાને બદલે ક્લેશ અને દુઃખ આપતું બની ગયું.

આજ સુધી શરદ પોતાની પત્નીનું રૂપ નિહાળતો હતો, ધારી ધારીને નિહાળતો હતો અને પોતાને ભાગ્યશાળી માનતો હતો. આજથી તેને એ રૂપ માટે ચટપટી ઉત્પન્ન થવા માંડી. જે રૂપ તેનું એકલાનું હતું, એકલાની માલિકીનું હતું, તે ઉપર જાપ્તો અને પહેરો મૂકવાની જાણે જરૂર ઉત્પન્ન થઈ ન હોય એમ શરદને લાગવા માંડ્યું ! માધવી પત્ની શરદની અને એના મિત્રો એ પત્નીના રૂપ સામે શા માટે જુએ ? લગ્ને માધવીનો હાથ શરદને આપ્યો હતો એ હાથને એના ઓળખીતાઓ પકડી હસ્તધૂનન શા માટે કરે ? એના કરતાં એવી પાર્ટીઓમાં ન જવું એ શું વધારે સારું નથી ? ક્લબમાં જઈને બેડમિન્ટન રમે કે પત્તાં રમે. અને એ રમતમાં તે બેહોશી બતાવે અને ચબરાકીભરી વાતો કરે ! એની સારી રમતને લોકો તાળીઓથી વધાવે  ! અને કદી કદી ‘ડ્રીન્કસ’ ને બહાને માધવીને પોતાનાથી છૂટી પડીને તેઓ હસે અને માધવીને હસાવે ! માધવી હસતી ત્યારે તે હતી તેના કરતાં પણ વધારે રૂપાળી લાગતી હતી. પરંતુ તેને હસાવવાનો સાચો અધિકાર તો શરદને જ હોય ને? પત્તાં કે બેડ મિન્ટન રમવામાં તેના જીવનભરના ભાગીદારને બાજુએ મૂકી તે તત્કાલીન અને કામચલાઉ ભાગીદારોને કેવી રીતે પસંદ કરી શકે ? ચોવીશ કલાકના શરદના હક્કમાંથી કેટલા કલાકની આ ચોરી અને લૂંટ ચાલતી હશે? શરદનો આનંદ ઓસરતો ચાલ્યો અને સાથે સાથે તે દિવસે દિવસે ચીડીઓ થતો ચાલ્યો. એક દિવસ તો માધવીએ જ શરદને પૂછ્યું :

‘શરદ ! તારા મુખ ઉપર કેમ આમ ગ્લાનિનો દેખાવ દેખાય છે?’

‘કાંઈ નહિ, અમસ્તો’ જરા તોછડાઈથી શરદે જવાબ આપ્યો.

‘તારી તબિયત સારી લાગતી નથી. ચાલ, આપણે ડોક્ટરને ત્યાં જઈ આવીએ.’ માધવીએ કહ્યું.

‘ડૉક્ટરને ત્યાં જવાની શી જરૂર છે ? એ તો અહીં રોજ આવે છે. એક વાર નહિ, બે વાર.’

‘આવે પણ ખરા. આપણે એ માટે પૈસા આપીએ છીએ.’

‘આપણી શરતમાં એક વાર આવવાનું બંધન છે, બે વાર નહિ.’

‘એટલો એ સારો માણસ !... એક ને બદલે બે વાર આવે છે તે.’

‘ઘણો સારો માણસ !... તને સમજ પડતી નથી એ શા માટે બે વાર આવે છે તે ?’

‘મને શી સમજ પડે ?’

‘તને જોવાને, તારી સાથે વાતચીત કરવાને, અને તારો હાથ પકડવાને માટે એ આવે છે !’

‘કેમ આજે આમ છે ? કોઈ દિવસ નહિ ને આજ ડૉક્ટર ઉપર ગુસ્સો ?’

‘તારી આંખથી લાલાશ જોવાને બહાને એણે તારા ગાલનો સ્પર્શ કર્યો ત્યારથી મને એ ડૉક્ટર ઉપર અણગમો આવ્યો છે. હું એને રજા આપી દેવાનો છું.’

‘એમ ઘેલાં ન કાઢ. આવો વહેમી ક્યાંથી થઈ ગયો ?’

‘ઘેલાં કાઢવાની તને એકલીને જ છૂટ મળે એમ તું ઈચ્છે છે, નહિ ?’ શરદે કહ્યું, અને માધવીએ બેચાર ક્ષણ શરદની સામે તાકીને જોયું. તે કાંઈ પણ બોલી નહિ. અને બંને વચ્ચે ફેલાયેલી અશાંત શાંતિનો ભાર અસહ્ય થઈ પડવાથી માધવી ઊભી થઈ અને પોતાના ખંડમાં ચાલી ગઈ. શરદ પોતાને સ્થાને બેસી જ રહ્યો હતો; તે ઊઠ્યો નહિ. એના મનમાં ઊભરાતા અનેક તર્કવિતર્કને ઢાંકીને તે બેઠો હતો. ઘણું ઢાંકવા છતાં તેનું મુખ વ્યગ્રતાનું ભાન કરાવ્યા સિવાય રહ્યું નહિ. અડધે કલાકે સુંદર વસ્ત્રાભૂષણ સજી માધવી તેની પાસે પાછી આવી ત્યારે પણ શરદના મુખ ઉપર ઘેરાયેલું વાદળ નિર્મળ બન્યું ન હતું. માધવીને જોતાં શરદની જે આંખો આનંદથી ચમકી ઊઠતી તે આંખમાં આનંદને સ્થાને કટાર ચમકતી હોય એવો ભાસ માધવીને થયો. શરદની પાસે ઊભા રહી માધવીએ બહુ જ સૌમ્યતાપૂર્વક કહ્યું :

‘તૈયાર થવું નથી, શરદ ?’

‘ના.’

‘પણ તેં તો જવાનું વચન આપ્યું છે. તું નહિ આવે તો એ મિત્રોને ખોટું લાગશે.’

‘ભલે મેં વચન આપ્યું; મારે એ વચનનો ભંગ કરવો છે.’

‘અરે પણ તેમને ખોટું લાગશે તેનો તેં વિચાર કર્યો ?’

‘હા, મેં વિચાર કર્યો છે. તું એકલી જઈશ તો તેમને ખોટું નહિ પણ વધારે સારું લાગશે.’ ‘શરદ ! તને આજે શું થયું છે ? તું કોઈના ઉપર ચિડાયો છે ? મારા ઉપર કાંઈ ખોટું લાગ્યું છે ?’ માધવીએ જરાક તેની બાજુમાં બેસી તેનો હાથ પકડી પૂછ્યું.

‘મને જે થયું હશે તે ખરું. તું તારી મેળે જા. અને જેટલા મિત્રો, ઓળખીતાઓ અને સગાંવહાલાંઓ હોય તેમને રાજી કર.’

માધવીનું મુખ એકાએક તંગ બની ગયું. સ્વપ્ને પણ નહિ ધારેલા ભાવ પોતાના પતિના હૃદયમાં ઊછળી રહ્યા હતા એ તેને અસહ્ય લાગ્યું. તે ઊભી થઈ. ક્ષણભર પતિ સામે જોયું. અને વાંકી ભ્રૂકુટિ કરી તેણે જરા પગ પછાડી ચાલવા માંડ્યું.

એકાએક શરદ ઊભો થયો અને તેણે બૂમ પાડી :

‘ક્યાં જાય છે?’

‘તું જાણે છે પછી મને કેમ પૂછે છે?’ માધવીએ પણ જરા સખતાઈથી જવાબ આપ્યો.

‘મને મૂકીને શું જવું છે?’

‘મેં ક્યાં કહ્યું કે હું તને નથી લઈ જવાની ? તને સાથે લેવા માટે તો હું અહીં આવી છું.’

‘એટલે તું મને સાથે લે’ એમ ? મારી સાથે તું નહિ, ખરું ને?’

‘તને કંઈ વળગાડ તો નથી વળગ્યો ને?’ સહેજ હસીને મુખ ઉપરની તંગ રેખાઓ હળવી બનાવીને માધવીએ કહ્યું. માધવીને લાગ્યું કે કોઈ પણ કારણે આજ હઠ અને રોષમાં આવેલા પતિને સહજ હળવાશથી, સહજ હાસ્યથી, મુલાયમ બનાવી શકાશે. પરંતુ શરદના મુખ ઉપર એક હઠની રેષા વધારે વધી અને તેણે કહ્યું :

‘હા, મને વળગાડ વળગ્યો છે.’

‘તો કોઈ ભૂવાને બોલાવીએ !’ હજી હાસ્ય ચાલુ રાખી માધવીએ કહ્યું.

‘જેમાં તેમાં તેને પરપુરુષ જ સાંભર્યા કરે છે ! બોલાવવામાં પણ ભૂવો... જા, તારે જ્યાં જવું હોય ત્યાં.’

‘મારે કોઈ પણ જગાએ જવું નથી. આજથી આ ઘરના ઉમરાની બહાર હું નીકળીશ નહિ, બસ ને?’ માધવીએ કહ્યું.

અને જરાક તિરસ્કારપૂર્વક હસીને શરદ બોલ્યો : ‘જોઈએ, એ પણ કેટલા કલાક ચાલે છે તે !’

અને આ સાંભળતાં જ માધવીએ પોતાના ગળામાં પહેરેલો મોતીનો કંઠો તોડી જમીન ઉપર પટક્યો અને બહાર નીકળવાને બદલે તે પાછી પોતાના ખંડમાં ચાલી ગઈ.

એ દિવસ પછીથી માધવી કદી ઘરની બહાર નીકળી નહિ અને તેને મળવા અને નીરખવા આવતાં પુરુષોનાં ટોળાંને પોતાની સમક્ષ આવવાની મના કરી. એ ક્ષણથી શરદ પણ જાણે તેને અણગમતો થઈ પડ્યો હોય તેમ માધવીએ શરદ સામે હસીને પ્રેમથી ફરી જોયું જ નહિ.

શરદને પોતાને તો પોતાનો ઈજારો કાયમ થયો હોય એમ લાગ્યું. માધવીનું રૂપ તેને જોઈતું હતું, સ્મિત તેને જોઈતું હતું, પ્રેમ તેને જોઈતો હતો. માધવીની અતિલોકપ્રિયતામાં એ સઘળું વેડફાઈ જતું અટકાવવાનો જ તેનો દૃઢ નિશ્ચય હતો. એ તેનો નિશ્ચય ફળીભૂત થયો; અને જો કે માધવીનું રૂપ તેનું સ્મિત અને તેનો પ્રેમ અત્યારે ઢંકાઈ ગયાં હતાં છતાં એક દિવસ વીતે, અઠવાડિયું વીતે મહિનો માસ વીતે, એ સંપૂર્ણપણે સર્વ હક્કપૂર્વક સ્વાધીન થઈ જશે એવી તેની ખાતરી થઈ અને એ ખાતરીમાં તે સહજ મુખ મલકાવી પણ શક્યો.

શરદનું મુખ તો મલક્યું , પરંતુ એ આનંદમુદ્રા બહુ લાંબા સમય સુધી ચાલી નહિ. માધવીનું સ્મિત પોતાનું એકલાનું જ બને એ માટેના તેના પ્રયાસમાંથી પરિણામ એ આવ્યું કે માધવીનું સ્મિત તદ્દન અદૃશ્ય થઈ ગયું, અને તેના મુખ ઉપર માર્દવતાને સ્થાને  રેખાઓ દોરાવા લાગી. માધવીના પ્રેમને પોતાના તરફ વાળવાની તરકીબમાંથી એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ કે માધવીનો પ્રેમ થીજી ગયો હતો કે વહી શકે એવો હતો તેની શંકા શરદને ઉત્પન્ન થવા લાગી. પરપુરુષોનો માધવીએ ત્યાગ કર્યો જ હતો, પરંતુ શરદને હવે લાગવા માંડ્યું કે માધવીનો દેહ અને માધવીનું મન તેનો પણ ત્યાગ પુકારી રહ્યાં છે. બોલાવ્યા સિવાય માધવી શરદની પાસે આવતી નહિ. આવતી ત્યારે તે કાંઈ બોલતી નહિ. અને તેના મુખ ઉપર સ્મિત લાવવાના શરદના સઘળા પ્રયાસો મિથ્યા જતા હતા. આભૂષણનો માધવીએ ત્યાગ જ કર્યો હતો, માત્ર હાથની બંગડી અને લગ્નની વીંટી સિવાય. વસ્ત્રોમાં તેણે એવી સાદાઈ લાવી દીધી કે તેનાં અને તેની નોકરબાઈનાં વસ્ત્રો વચ્ચે ભાગ્યે જ કાંઈ તફાવત દેખાય.

શરદનું જીવન એકાએક ખારું બની ગયું, અને એ ખારાશને પ્રતાપે તેના પુરુષત્વના વાગેલા ઘાવમાં લૂણ ઉમેરાયું. શરદના દિલમાં પુરુષ સહજ ક્રૂરતા જાગી અને એ ક્રૂરતામાંથી માધવીના રિસાયલા છંછેડાયલા, સંકોચાયલા, સ્વત્વ ઉપર તેણે ચોકી પણ મૂકી દીધી. માધવીના વર્તનમાં ધીમે ધીમે તેને સ્ત્રીચરિત્ર દેખાયું. સ્વપત્નીમાં સ્ત્રીચરિત્ર જોનાર પતિ ચોવીસ કલાક તેનો રખેવાળ બની રહે છે. સ્ત્રીચરિત્ર એટલે જ પતિને ભોળવવાની ક્રિયા; પછી એ ભોળવવાની ક્રિયા સ્મિતથી પણ થાય, રીસથી પણ થાય અને આંસુથી પણ થાય. માધવીની રીસમાં શરદને માધવીનું કાંઈ કરતૂક દેખાવા લાગ્યું, અને તેણે માધવીની આસપાસ જાસૂસી જાળ પણ બિછાવી દીધી. પતિથી પત્નીની પહેરેગીરી પણ ચોવીસે કલાક તો ન જ થાય. વિશાળ ઉદ્યોગનો શરદ ચાલક હતો. અનેક વ્યવસાયોમાં તે ઊંડો ઊતરેલો હતો, અને ઘર છોડીને બહાર નીકળવાના તેને અનેકાનેક પ્રસંગો આવતા હતા.

એક દિવસ શરદ ઘેરથી નીકળી પોતાની ઑફિસે ગયો. એ દરમિયાન એના જેવડા જ એક યુવાન પુરુષે ઘરમાં આવી પ્રથમ શરદને મળવાની ઈચ્છા પ્રગટ કરી, અને શરદ ન હોવાથી શરદની પત્ની માધવીને મળવાની ઈંતેજારી દર્શાવી. શરદને મળવા માટે તેને 

ઑફિસે જવાનું કહેવામાં આવ્યું, અને માધવીને મળવાનું કહેતાં તેને એવો જવાબ મળ્યો કે માધવીની તબિયત સારી ન હોવાથી તે કાઈને મળી શકે એમ હતું જ નહિ.

‘માધવીની તબિયત સારી ન હોય તો તો મારે એને અવશ્ય મળવું જોઈએ.’ એ યુવકે કહ્યું.

‘પરંતુ એ અશક્ય છે. ડૉકટરોની મના છે.’ નોકરે અને નોકરબાઈ બંનેએ એ યુવકને ખબર આપી.

‘ડૉકટરોની મના બધા માટે ન હોય. મારું નામ દેશો તો માધવી પોતે જ મને બોલાવી લેશે... અને મારી હાજરીથી તેની માંદગીમાં તેને સારું પણ લાગશે.’ યુવકે કહ્યું.

‘આપનું નામ શું ?’ નોકરે પૂછ્યું.

‘મારું નામ ગિરીશ.’ યુવકે કહ્યું. અને નોકર માધવી પાસે આ નામ લઈ જવાનો દેખાવ કરીને પાછો આવ્યો : પાછાં આવીને તેણે કહ્યું :

‘માધવીબહેન કોઈને પણ મળી શકશે નહિ.’

‘મને પણ નહિ ?’ ગિરીશે જરા આશ્ચર્ય દર્શાવ્યું.

‘આપને જો ખરેખર મળવાની ઈચ્છા જ હોય તો ઘરના માલિક શરદકુમાર ઘરમાં આવે ત્યાર પછી આવો. એમની હાજરી વગર કોઈ પણ પુરુષને માધવીબહેન મળતાં નથી.’ નોકરે જવાબ આપ્યો. અને અણધાર્યું સત્ય જાહેર પણ કરી દીધું.

‘વારુ, આજ તો મારે કામ છે. એક કલાકમાં મારે અહીંથી ચાલ્યા જવાનું. ફરી ક્યારે આવીશ તે હું કહી શકતો નથી. પરંતુ મારું આટલું કાર્ય તમે ન કરો ?’ ગિરીશે કહ્યું.

‘હા જી, શું છે?’

‘આટલી મારી ભેટ માધવી પાસે લઈ જાઓ તો હું તમારો આભાર માનીશ.’ કહી ગિરીશે પોતાના ખિસ્સામાંથી એક ડબી કાઢી. એ ડબી ઉઘાડી અને નોકરોને બતાવી. એ ડબીમાં બહુ સુંદર હીરાની બે બંગડીઓ અને બે હીરાનાં એરિંગ હતાં. એ ડબી પાછી બંધ  કરી ગિરીશે નોકરબાઈના હાથમાં મૂકી અને એના ઉપર એક જાડા કાગળના ચકતામાં લખ્યું :

‘માધવીને ગિરીશ તરફથી બાળપણના એક ચિરસ્મરણીય પ્રસંગની યાદમાં.’ ડબી સાથે કાગળ પણ તેણે મૂકી દીધો, અને જરા નિરાશ થઈને બહાર નીકળ્યો. બહાર શરદના બંગલાની પૉર્ચમાં શરદની કારને પણ આંટે એવી એક કાર ઊભી હતી તેમાં ગિરીશ બેસી ગયો. અને એ ભારે કાર ત્યાંથી ચાલી ગઈ.

માલિકો ધારે એનાં કરતાં વધારે ઊંડાણથી નોકરો ઘરના વાતાવરણને સમજી જાય છે. કેટલાયે દિવસથી શેઠ અને શેઠાણી વચ્ચે બિયાબારું ચાલતું હોય એવી નોકરોને ખાતરી થઈ ગઈ હતી. અને વિશ્વાસપાત્ર નોકરો જાસૂસી કરતા જ હતા. એટલે તેમને ખાતરી થઈ કે જે પ્રસંગની તપાસ માટે શેઠ આતુર હતો એ જ પ્રસંગ આજ બની ગયો. ગિરીશ જેવા સોહામણા અને ધનિક યુવક માટે જ પતીપત્ની વચ્ચે ઝઘડો થયો હોવો જોઈએ અને શરદની ગેરહાજરીમાં ગિરીશ આવી માધવીને મળે નહિ અગર ક્યાંય લઈ જાય નહિ, અથવા કાંઈ બંને વચ્ચે આપ-લે થાય નહિ, તે જ જોવાની વિશ્વાસુ નોકરોની ફરજ આજ બજાવાઈ શકાઈ એમ નોકરોને લાગ્યું. અને બંને નોકર અને નોકરબાઈ માધવીને કાંઈ પણ ખબર આપ્યા સિવાય, શરદની ઈંતેજારીપૂર્વક રાહ જોવા લાગ્યાં.

નિત્યની માફક સંધ્યાકાળે શરદ આવ્યો. ઘરનું વાતાવરણ હતું તેવું ને તેવું જ શોકગ્રસ્ત હતું. હસતે મુખે તેને લેવા સામે આવતી માધવી કેટલા યે દિવસથી તેની સામે આવતી ન હતી; ઘરમાં હાસ્ય તો સંભળાતું જ ન હતું; અને માધવીની અવરજવરથી જાગૃત રહેતું આખું ઘર ખાલી ખાલી જ લાગ્યા કરતું હતું. માધવી પોતાના ખંડમાં ખાલી આંખે, અને શૂન્ય મસ્તકે, એક ખુરશી ઉપર બેસી રહી હતી. શરદ કદી કદી આવતો અને તેને એકાક્ષરી જવાબમાં પતાવી પાછા જવાની માધવી ફરજ પાડતી. આજ પણ કંઈ નિત્ય-પ્રયોગ આદરવામાં આવ્યો. પહેલાં કપડાં કાઢી સ્વસ્થ થઈ શરદ  માધવીના ખંડમાં આવી જતો. આજ વૈમનસ્ય પહેલાંની ઢબે પહેરેલા કપડે જ શરદ માધવીના ખંડમાં આવ્યો. માધવીએ તેના તરફ જોયું નહિ એટલે શરદ તેની સામે આવ્યો અને કહ્યું :

‘માધવી !’

‘હં !’ શરદની સામે જોયા વગર માધવીએ જવાબ આપ્યો.

‘હવે આમ કેટલો વખત ચલાવવું છે?’

‘ઈશ્વર ચલાવે ત્યાં સુધી.’

‘નાહક ઈશ્વરને વચમાં ન લાવીશ. એમ કહે કે ગિરીશ ચલાવે ત્યાં સુધી.’

‘ગિરીશ ?’ જરા સતેજ બની શરદની સામે જોઈ માધવીએ પુછ્યુ

‘હા, ગિરીશ. તું તેને ઓળખતી લાગે છે.’

‘હું ગિરીશને જ નહિ, પરંતુ એ સિવાય ઘણા ઘણાને ઓળખું છું.’

‘પરંતુ આ ગિરીશનું ઓળખાણ કંઈ અવનવું જ લાગે છે.’

‘શા માટે અવનવું ? જેવાં બીજાં એાળખાણ તેવું આ પણ ઓળખાણ.’

‘એના કરતાં કાંઈ વિશેષ લાગે છે. ગિરીશના ઓળખાણમાંથી ભેટ સોદાગરના ભંડાર ખૂલતા લાગે છે.’

‘એ કશી ખબર મને નથી. હું એટલું જાણું છું કે મારા બાળપણમાં ગિરીશ નામનો એક મિત્ર મારી સાથે ભણતો હતો.’

‘મિત્ર ! હીરામેતીના દાગીનાની તને ભેટ આપી શકે એવો એ તારો મિત્ર હતો, નહિ ?’

‘ના એ ગરીબ માબાપનો પુત્ર હતો. એ કદી મને ભેટ મોકલાવે એમ હું માનતી નથી.’

‘તો–જો, જરા આંખો ખોલીને, આ ડબી અને ડબીમાં મૂકેલા અલંકાર તથા ભેટ આપનારનું નામ.’

કહી શરદે પોતાના ખિસ્સામાંથી ડબી કાઢી એક નાના સ્ટુલ ઉપર માધવીની આગળ મૂકી દીધી  જાસૂસ નોકરોએ શરદને ભેટની ડબી, અને ભેટ આપનારાનું વર્ણન આપી દીધાં હતાં.

‘મારે એ ડબી જોવી નથી : મને ધરેણામાં કશો રસ નથી.’ માધવીએ કહ્યું.

‘પરંતુ ગિરીશનાં આપેલાં ઘરેણાંમાં તને જરૂર રસ પડશે.’ કહી શરદે ચાંપ દાબી ડબી ખોલી નાખી અને તેમાંથી ઝબકતાં ચાર હીરાનાં ઘરેણાં પ્રકાશી ઊઠ્યાં.

માધવીએ ઘરેણાં સહિત ડબી ઉઠાવી પાસેની બારીમાંથી બહાર ફેંકી દીધી.

‘એમ દેખાવ કરે દોષ ઢંકાશે નહિ. કોણ છે એ ગિરીશ?’ શરદે ધમકાવીને કહ્યું.

‘દોષ ! દોષ હવે ઢંકાય એમ છે જ નહિ. તારી આંખ જ દોષથી ભરેલી છે, એટલે બીજો ઇલાજ નથી. ગિરીશનું જે વર્ણન હું આપીશ તે તને ખોટું જ લાગવાનું છે. મારે એને ઓળખાવવો નથી.’ માધવીએ જવાબ આપ્યો.

‘મારી આંખમાં દોષ? તારા દોષ ભરેલા દેહને જરા કહેવા દે કે ગિરીશ કોણ છે. એ જાણ્યા વગર હું રહેવાનો નથી જ.’

‘આ આડાઈનું પરિણામ શું આવશે તે તું જાણે છે ?’

‘જે પરિણામ આવ્યું છે તેના કરતાં બીજા કોઈ ખરાબ પરિણામની હું આશા રાખતી નથી. મારું અને તારું જીવન ભાંગીને તેં ભૂકો કરી નાખ્યું છે.’

‘અને છતાં તું મારા ઘરમાં ચેનપૂર્વક રહી શકે છે એ ભૂલીશ નહિ.’ પુરુષ વિકરાળ બને છે ત્યારે તે સ્ત્રીનું અહં ઘવાય એવી જ વાણી ઉચ્ચારે છે. શરદે માધવીના અહં ઉપર છેલ્લો ફટકો માર્યો.

માધવીની આંખમાથી અગ્નિ ખર્યો. એણે કંઈ પણ જવાબ ન આપતાં ઊભાં થઈ ખંડની બહાર જવા માંડ્યું. અપમાનિત શરદ બૂમ પાડી ઊઠ્યો :

‘ક્યાં જાય છે, માધવી ?’

માધવીએ પાછું ફરી ન જોતાં આગળ ડગલાં મૂક્યે રાખ્યાં. અને ગૃહના પ્રવેશદ્વાર નજીક આવી ચઢી. ઉશ્કેરાયેલો શરદ તેની પાછળ ગયો, અને ઘરની બહાર પગ મૂકતાં જ માધવીનો હાથ ઝાલી તેણે કહ્યુ:

‘બહાર ક્યાં જાય છે ?’

‘મને જયાં ફાવશે ત્યાં હું જઈશ મારો હાથ છોડો.’

‘હું તારો પતિ છું તે વાત તું ભૂલી જાય છે, ખરું ?’

‘હું નથી ભૂલતી, તું ભૂલે છે. રક્ષણ આપી શકે તે પતિ, રક્ષણ ન આપે તેને શું નામ આપવું એની મને ખબર નથી. તું મારો પતિ નથી. તું મારો એક જુલમી પહેરેગીર છે. તારા પહેરામાં હું હવે નહિ રહી શકું.’

‘રીતસરનાં લગ્ન કરી આપણે પતિપત્ની બન્યાં છીએ, એ તને યાદ આપવું પડશે?’

‘હા, એ મને યાદ આપવું પડશે, અને તે અદાલતમાં જઈને તારી પત્નીનો કબજો મેળવવા તું કોર્ટમાં દાવો લાવજે. તે સિવાય તારો કબજો મેં ફેંકી દીધો છે.’ કહીં માધવી હાથ છોડાવી એકાએક ઘરનાં પગથિયાં ઊતરી ઝડપભેર કમ્પાઉન્ડની બહાર ચાલી ગઈ. શરદને માટે આ અનુભવ તદ્દન નવો હતો. સ્ત્રી રિસાઈ ઘરમાં બેસી રહે એ શક્ય હતું. પરંતુ આવી સુંદર ભણેલી, પ્રતિષ્ઠાસંપન્ન પત્ની તેનું ઘર છોડીને જાય, અને તે આમ નોકરચાકરોના દેખતાં, એ તેને કંપાવનારું દૃશ્ય થઈ પડ્યું હતું. માધવીની ઉગ્રતા અત્યારે સૌમ્ય બને એવી તેને લાગી નહિ. પ્રતિષ્ઠા તેને રોકતી હોત તો તે આમ ખુલ્લે છોગે તેનો હાથ છોડાવી કદી ચાલી ગઈ હોત નહિ. ગિરીશ નામના તેના કોઈક પ્રેમીએ માધવીને ભરમાવી છે, ચઢાવી છે, અને કંઈ ન બને તો ભગાડવાનો પણ પ્રયાસ કર્યો છે એમ એક પાસ તેને લાગ્યું. શું કરવું તેની એને કંઈ સૂઝ પડી  નહિ. માધવી પાછી ફરશે એમ પણ તેને એક સંભવ લાગ્યો. પરંતુ માધવીને ગયે પા કલાક થયો, અડધો કલાક થયો, અને છતાં માધવી પાછી ફરી નહિ ત્યારે શરદનું હૃદય ધડકી ઊઠ્યું. અને કલાક થયો ત્યારે તો શરદનું મન હાથમાં રહ્યું નહિ અને આખું ભરેલું ઘર અને ભરેલું શહેર તેને તદ્દન ખાલી લાગી ગયું. તેના હૃદયમાં પણ વ્યથા ઉપજાવતી શૂન્યતા વ્યાપી રહી અને એકાએક તે ઊભો થયો, કાર મંગાવી અને કારમાં બેસી તેણે શૉફરને હુકમ આપ્યો :

‘ઝડપ વધારે રાખો.’

‘ક્યાં લઈ જાઉં, સાહેબ ?’ શોફરે પૂછ્યું.

‘જ્યાં લઈ જવાય ત્યાં. માધવીની પાછળ જવું છે અને એને પાછી લાવવી છે.’ શરદે કહ્યું. એનો હુકમ તદ્દન અદ્ધર હતો. બંગલામાં કાંઈ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો છે અને ‘બાઈસાહેબ’ કાંઈક ચાલ્યાં ગયાં છે એટલી હકીકત શૉફર સુધી પહોંચી હતી. અને આછીપાતળી જાસૂસી કરી ચૂકેલા શૉફરને આ બનાવની પાછળનું વાતાવરણ સહેજ માલૂમ હતું. ઓળખીતા, મિત્રો અને સગાંસંબંધીઓને ત્યાં શૉફરે કાર દોડાવી. અને બાઈ સાહેબની ભાળ કાઢવા પ્રયત્ન કર્યો. પરંતુ માધવીનો કોઈ પણ સ્થળે પત્તો લાગ્યો નહિ.

‘તળાવ ઉપર લઈ જા.’ કારમાં બેઠેલા શરદે શૉફરને આજ્ઞા કરી. કદાચ રીસ ચઢાવીને માધવી તળાવમાં ડૂબી જવા માટે ચાલી ગઈ હોય એવો હૃદય હલાવતો થડકારભર્યો અંદેશો શરદના મનમાં આવ્યો,

શોફરે ગામના સુંદર સરોવર ઉપર કાર લીધી. પૂનમનો ચંદ્ર આકાશમાં ખીલી રહ્યો હતો, અને આછાં વાદળાં ચંદ્રના તેજમાં રમતાં દોડતાં હતાં. ચંદ્રના પ્રકાશમાં સરોવર ઉપર એક નાનું મંદિર જોવામાં આવ્યું અને મંદિરની પાસે એક કાર ઊભેલી પણ શૉફરને દેખાઈ.

‘પેલી કાર દેખાય છે એ નવી કાર ગામમાં આવેલી લાગે છે.’ શોફરે શરદને કહ્યું. ‘જોઈ આવ, કોની કાર છે?’ શરદે કહ્યું.

અને શૉફરે મંદિર પાસે ગાડી લાવી ઊભી રાખી. તે નવી દેખાતી કાર પાસે ગયો, અને કારમાંથી સૂચના મળતાં શૉફર અંદરની અંદર તપાસ કરવા માટે ઝડપથી ગયો. શરદ પણ કારમાંથી નીચે ઊતરી સરોવરને કિનારે ચંદ્રની ચાંદનીમાં ડગલાં ભરવા લાગ્યો. અત્યારે ચંદ્રની ચાંદની તેના ઉપર અગ્નિ વરસાવતી હોય એમ તેને લાગ્યું. માધવી વગરનું જીવન શરદને અકારું થઈ પડ્યું.

એકાએક શૉફર દોડતો આવ્યો અને શરદને કહેવા લાગ્યો :

‘સાહેબ ! બાઈસાહેબ અંદર મંદિરમાં છે.’

‘અંદર શું કરે છે?’ અત્યંત જિજ્ઞાસાથી દોડવાની તૈયારી કરતા શરદે પૂછ્યું. શૉફરના મુખ ઉપર જરા ગ્લાનિ ફરી વળી.

તેણે ધીમે ધીમે લથડતે અવાજે જવાબ આપ્યો :

‘અંદર તો કંઈ...ધાર્મિક વિધિ થતી દેખાય છે.’

‘ધાર્મિક વિધિ ? શેની?’ જરા ચોંકીને શરદે પૂછ્યું.

‘બાઈસાહેબ એક પાટલા ઉપર બીજા કોઈ પુરુષ પાસે બેઠાં છે; પુરુષ પણ પાટલા ઉપર જ બેઠો છે. અને બાઈસાહેબ એને ચાંલ્લો કરતાં મને દેખાયાં.’

‘એમ ! શરદની આંખમાંથી ઝેર વરસી રહ્યું. શરદની જે શંકા હતી તે સાબિત થઈ. હજી ઘરમાંથી ગયે બે કલાક પણ થયા નથી એટલામાં છતે પતિએ માધવી બીજા પુરુષને ચાંલ્લો કરી રહી હતી. મંદિરમાં ધસી ગયેલા શરદે અંદર જતાં શૉફરનું વર્ણન સાચું પડતું જોયું. માધવી એક સુંદર યુવાનનો હાથ પોતાના હાથમાં લઈને બેઠી હતી, પરંતુ શરદને ચમક સાથે લગ્નના હસ્તમેળાપ કરતાં કંઈક જુદો જ હસ્તમેળાપ દેખાયો.

માધવી એ પુરુષને હાથ પોતાના હાથમાં લઈ તેને રક્ષા બાંધતી હોય એવો ભાસ થયો. એટલું જ નહિ, માધવીનો સુકોમળ કંઠ પણ શરદને સંભળાયો.

‘ભાઈ ગિરીશ ! આટલે વર્ષે પણ તું મને યાદ કરી મારી  પાસે રાખડી બંધાવવા આવ્યો ! બહેનની આશિષ છે કે તું સો વર્ષનો થા, અને કદી પણ શંકા ન ઊપજે એવી પત્નીને પામ !’

ધસીને આવતા શરદનો રોષ એકાએક ઊતરી ગયો. સાપની કાંચળી જેમ ખંખેરાઈ ખરી જતી હોય તેમ શરદ બીજો જ શરદ બનીને આગળ આવ્યો. ગિરીશે અને માધવીએ શરદને નિહાળ્યો માધવી કાંઈ બોલી નહિ. ગિરીશે ધારી લીધું કે આવનાર યુવક માધવીનો પતિ શરદ જ હોવો જોઈએ. તેણે કહ્યું :

‘પધારો, શરદભાઈ !’ અને પાસે પડેલો એક પાટલો લેવા તેણે અંગુલિનિર્દેશ કર્યો.

‘હવે બેસવું નથી. માધવી અને માધવીના ભાઈને મારે ઘેર તેડી જવા આવ્યો છું.’

‘પણ શરદભાઈ ! હું માધવીનો સગો ભાઈ નથી. પરંતુ હું ભણતો ત્યારે અમારી બાલ્યાવસ્થામાં બહેને મને રાખડી બાંધી. એ રાખડીને પ્રતાપે હું અત્યંત ગરીબ અને નિરાધાર બાળક આજ મોટો ધનિક બની ગયો છું. મને લાગ્યું કે આજની બળેવે મારે ફરી બહેન પાસે રક્ષા બંધાવવી અને નવો આશીર્વાદ મેળવવો. વચમાં વર્ષોનાં વર્ષો વીતી ગયાં પરંતુ હું અને માધવી મળ્યાં ન હતાં. એટલે આજ સો માઈલ છેટેથી કાર લઈને હું બહેન પાસે આવ્યો છું.’ ગિરીશે પોતાનો લાંબો ઇતિહાસ ટૂંકાણમાં કહ્યો. શરદે પૂછ્યું નહિ કે ગિરીશ સીધો પોતાને ત્યાં કેમ આવ્યો ન હતો. શરદ તો જાણતો જ હતો. ગિરીશ ભેટ લઈને તારે ઘેર આવ્યો જ હતો પરંતુ શરદની આજ્ઞાએ તેને ઘરમાં પેસતો અટકાવી દીધો હતો. કદાચ માધવી ઘર બહાર નીકળી ત્યારે ફરીથી કાર લઈને ગિરીશ શરદના ઘર ભણી આવ્યો હોવો જોઈએ. અને રિસાયલી માધવીને જોઈ તેને કારમાં લઈ તે આ મંદિરના પોતાના ઉતારા ઉપર ચાલ્યો હોવો જોઈએ. વધારે પૂછપરછ કરવાની શરદમાં હવે શક્તિ રહી ન હતી. તેણે તો માત્ર એટલું જ કહ્યું :

‘માધવી ! ભાઈને ઘેર લઈ લે. અને ત્યાં મીઠું મોં કરાવ.’  ‘ભાઈથી બહેનને ઘેર ઊતરાય જ નહિ.’ ગિરીશે કહ્યું.

‘આપને હું પાછા મોકલીશ, મોં મીઠું કરાવીને.’ શરદે કહ્યું.

‘એક શર્તે ભાઈ આવશે. તારા બધા જ મિત્રોને આજે રાત્રે બોલાવ અને બધાને જ હાથે હું રાખડી બાંધું ત્યારે.’ માધાવીએ ટકોર કરી.

‘તારી એક પણ શર્ત હવે એવી નહિ હોય કે જેને મારી મંજૂરીની જરૂર પડે. તારો બોલ એ જ મારો જીવનમંત્ર.’

ચંદ્રના મુખ ઉપરની કાળું વાદળું ઓસરી ગયું. શરદ અને માધવીના મુખ ઉપર પણ પથરાયેલો શ્યામ પડદો ખસી ગયો અને માધવીએ આખી દુનિયાના પતિદેવોની મશ્કરી કરી. શરદ અને ગિરીશ બંને ખડખડ હસ્યા :

‘પછીથી દરરોજ આખા શહેરના પુરુષોને હું રાખડી બાંધીશ અને શરદ સિવાયના બધા જ પુરુષોને હાથે રક્ષાબંધન બંધાઈ રહે ત્યાં સુધી હું આંખે પાટા બાંધીને ફરીશ.’ માધવીએ કહ્યું.

‘એમ કેમ ?’ ગિરીશે પૂછ્યું.

‘એમ જ હોય ! દરેક પતિ પત્નીના રૂપનો ઇજારદાર છે !’ માધવી બોલી.

શરદ હસ્યો ખરો પરંતુ એણે ફરી માધવી ઉપર પહેરો ભરવાનું છોડી દીધું અને એનું ગૃહ હાસ્યથી કલ્લોલતું બની ગયું.