હીરાની ચમક/મારો એકનો એક આશ્રય

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કલ્યાણી હીરાની ચમક
મારો એકનો એક આશ્રય
રમણલાલ દેસાઈ
૧૯૫૭
દેહ અને દેહી →મારો એકનોએક આશ્રય

‘અખિલ વિશ્વધર્મ મંડળ’ ની આ વખતની બેઠકનો હું પ્રમુખ છું એટલે મારા જીવનવૃતાંતની નોંધ માટે અનેક વર્તમાનપત્રોની માગણીઓ આવે છે અને હું એ પૂરી પણ પાડું છું. પ્રમુખ ચૂંટાઉં તેમાં કશી નવાઈ નથી, કેમ કે હું એક વિખ્યાત ધાર્મિક માસિકનો તંત્રી છું– આજથી નહિ, વર્ષોથી. ગયે વર્ષે જ મારા એક ધાર્મિક માસિઅની રજતજયંતિ ભારે ધામધૂમથી ઉજવાઈ ગઈ. એ પ્રસંગે ‘ધર્મ’ નામનું એક ભવ્ય મકાન પણ બંધાવાઈ ખુલ્લું મુકાયું. એ મકાનનો પહેલો માળ હિમાલયમાંથી ભાગ્યે જ બહાર આવતાં એક મહામંડળેશ્વરને હાથે ખુલ્લો મુકાયો. બીજો માળ ઇલાકાના એક પ્રધાનને શુભ હસ્તે ખુલ્લો મુકાયો, ત્રીજો માળ અમારા ગામની મોટામાં મોટી મિલના માલિકને હાથે ખુલ્લો મુકાયો. મહામંડળેશ્વર અને મિલમાલિક બન્ને પોતાનાં સુવર્ણ રસ્યાં તાળાંકૂંચી પોતાની સાથે લઈ ગયા. પણ પ્રધાનસાહેબે પોતાનાં બનવાપાત્ર તાળાંકૂંચીની જાહેર હરાજી કરાવી તેના પૈસા સ્થાનિક અંત્યજોદ્ધાર મંડળમાં મોકલી દીધાં હોવાથી મારે મહામંડળેશ્વર અને મિલમાલિક બન્ને પાસેથી તેમનાં તાળાં મંગાવી લેવાં પડ્યાં. જેથી કોઈ પણ મહાન વ્યક્તિ વચ્ચે વહેંરોવંચો કર્યાનો આક્ષેપ મારા ઉપર આવે નહિ. હજી એ બન્ને તાળાંની હરાજી કરવાની બાકી છે અને પ્રધાનને હાથે હરાજ થયેલું તાળું સંતલસ પ્રમાણે મારી પાસે જ આવી ગયું છે. વાત જરા આડી ગઈ પણ કહેવાનું તાત્પર્ય એ છે કે હું કોઈ પણ સંમેલનનો પ્રમુખ નિમાઉં એમાં કોઈને પણ વાંધો લેવાનું કારણ મળે એમ નથી. આ તો માત્ર એક જ મકાનની વાત થઈ, જેને નીચલે માળે મારું છાપખાનું છે, બીજે માળે ‘ધર્મ’ માસિકની કચેરી છે અને ત્રીજે માળે હું જ રહું છું.

પણ એ સિવાય બનારસના ગંગાઘાટ ઉપર મેં એક સાર્વજનિક ધર્મશાળા પણ બંધાવી છે અને નર્મદા કિનારે સેવાશ્રમનું મકાન પણ બાંધ્યું છે. વળી ગોદાવરીતટે વિધવાશ્રમનું અને રામેશ્વરમાં યોગાશ્રમનું, એમ બીજાં બે મકાન પણ મેં બંધાવ્યાં છે. ઉપરાંત છપાયેલાં પુસ્તકો મૂકી રાખવાની એક વખાર જોડે છપાવવા માટે પડી રહેલાં હસ્તલિખિત પુસ્તકોની પાકી વખાર બંધાવી છે. મસુરીમાં હમણાં જ એક રાણીનો બંગલો મેં વેચાતો રાખ્યો છે, જ્યાં વર્ષમાં એક વાર રહી આવ્યા સિવાય હું મારા વધતા જતા કામને પહોંચી વળી શકતો નથી.

આમ સદ્ધરતાની અને સ્થાવર મિલકતની દૃષ્ટિએ વિચાર કરતાં હું કોઈ પણ વ્યાપારી કે ઔદ્યોગિક મંડળનો પ્રમુખ થવાને પાત્ર પણ લેખાઉં. મારી એવી પાત્રતા પછી ધાર્મિક સંમેલનના પ્રમુખ તરીકે મારી પસંદગી થાય એમાં કોને આશ્ચર્ય લાગશે ?

બેત્રણ વિદ્વાનોને હાથે મારું જીવનચરિત્ર લખાવવાનું મેં ક્યારનું ય શરૂ કરી દીધું છે. જેમ જેમ મારું જીવન લાંબું થતું જાય છે તેમ તેમ મારા જીવનચરિત્રનાં પાનાં વધતાં જ જાય છે; અને જોકે હું ધર્મગુરની ગાદીએ બેસી શક્યો નથી તેમ જ ગૃહસ્થાશ્રમી હોવાથી સંન્યસ્તનો અંચળો પણ ઓઢી શક્યો નથી, છતાં કોઈ પણ ધર્મ ગુરુને ઈર્ષ્યા ઉપજાવે એટલી સંખ્યામાં મારી છબીઓ પડી ચૂકી છે અને પડ્યે જાય છે. મારે હાથે કેટલાં યે ઉદ્‌ઘાટનો અને કેટલાં ય મકાનનાં ખાતમુહૂર્તો થયાં છે. એ સમયની મારી છબીઓ પડે એમાં આશ્ચર્ય નથી. હું વ્યાખ્યાન કરતો હોઉં ત્યારે તો મારી છબીઓ પડે જ પડે. એ સિવાય હું લેખ લખતો હોઉં, મારી કચેરીમાં કામ કરતો હોઉં, મહત્ત્વનાં માણસો સાથે વાત કરતો હોઉં, દેવપૂજા કરતો હોઉં કે પદ્માસન વાળી મગ્ન થયો હોઉં તે સમયની મારી છબીઓ સારા પ્રમાણમાં પડેલી છે. ધ્યાનસ્થ અવસ્થાની મારી છબીઓમાં મારા દેહની આસપાસ પ્રકાશનાં કિરણો ફેલાતાં હોય એવી યોજનાવાળી છબીઓ પણ પડેલી છે. એ પ્રકાશ ખરેખર જ પડતો હોવો જોઈએ. એ સિવાય છબીમાં ઝિલાય પણ કેમ ? માત્ર મારી આંખ તે વખતે મીંચાયેલી હોવાથી મારી આસપાસનો પ્રકાશ મેં જોયો જ છે એમ હું સોગંદ-પૂર્વક ન કહી શકું. મારી એ પ્રકાશમંડિત છબીઓ જોતાં હું કૃષ્ણ, ઈશુખ્રિસ્ત, બુદ્ધ કે જરથુસ્ત્રની કક્ષાએ બેઠો હોઉં એવું મને લાગ્યા વગર રહેતું નથી.

એ બધી જ છબીઓ મારા જીવનચરિત્રમાં યોગ્ય સ્થાને આવશે જ. પણ એ પહેલાં જેને જોવી હોય તેને માટે મેં મારી છબીઓ ત્રણ મજલાના મારા મકાનમાં સ્થળે સ્થળે અને ખૂણે ખૂણે ગોઠવી રાખી છે. આનો લાભ ગમે ત્યારે ગમે તે માનવી લઈ શકે છે. મને હવે લગભગ ધર્મગુરુ જેટલું માન મળી ચૂક્યું છે. અને તે પણ વિખ્યાત મઠાધીશ કે મિલમાલિક જેટલી મિલકત પણ મારી પાસે થઈ ચૂકી છે. મારી સાત પેઢી સુધી કોઈને પણ કમાવાની જરૂર ન રહે એટલી આર્થિક સદ્ધરતા મેં પ્રાપ્ત કરી છે અને આમ મેં મારા પ્રત્યેની, મારા કુટુમ્બ પ્રત્યેની ફરજ ક્યારની ય બનાવી લીધી છે. આ બધો પ્રતાપ ધર્મનો, ‘ધર્મ’ માસિકનો અને મારા ‘ધર્મ’ નામે મકાનનો જ છે એ વિષે મને ખાતરી થઈ ચૂકી છે. ધર્મ જ માણસને તારે છે એ બાબત મને હવે કશી શંકા રહી નથી મને તો ધર્મે જ તારી દીધો છે. માટે સહુને મારો આગ્રહ છે કે તેમણે ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખવી. મારા ‘ધર્મ’ માસિકનું વાચન કરવું અને વિકાસ પામતા જતા મારા ‘ધર્મ’ મહાલયમાં કદીક કદીક આવતાં જતાં રહેવું. એ મહાલયમાં અનેક યજ્ઞો, ઉત્સવો અને સમારંભો થાય છે તેમ જ વેદોક્ત, પુરાણોક્ત તથા વર્તમાનોક્ત અનેક વિધિઓ અને ક્રિયાઓ થયા કરે છે.

જ્યારથી ધર્મનો આશ્રય લીધો ત્યારથી જ મારી આર્થિક સ્થિતિ સુધરી છે. એ પહેલાંનો હું વિચાર કરું છું ત્યારે એ યુગ મને અનેક પ્રકારની યાતનાભર્યો યુગ લાગે છે. એ યુગમાં પ્રામાણિકપણે નોકરી કરી. પણ એ પ્રામાણિકપણાની પ્રતિષ્ઠા મારા માલિકને મળી અને મારા પરિશ્રમનો લાભ એની મૂડીને મળ્યો. પ્રામાણિકપણાની સીમા વટાવીને કામ કરવાનું મને માલિકનું ફરમાન થતાં મેં તે ફરમાન માન્યું નહિ એટલે મારા માલિકને મારા કામમાં દોષ દેખાવા માંડ્યો. મારો પગાર ઘટતો ગયો અને મારી માંદી પત્નીની સારવાર માટે મને મળતા આછાપાતળા પગારની જ્યારે મને અનિવાર્ય જરૂર હતી તે વખતે જ મને રજા મળી. આમ પ્રામાણિકપણાના બદલામાં મને બેકારી મળી.

એક પાસ બેકારી અને બીજી પાસ પત્નીની માંદગી ! મને લાગ્યું કે પ્રભુ મારી કસોટી કરે છે. મારે મારા ચારિત્ર્યમાં કે મારા પ્રામાણિકપણામાં જરા પણ ખામી આવવા દેવી જોઈએ નહિ. એટલે બેકારી સામે અને પત્નીની માંદગી સામે નૈતિક યુદ્ધ આદરવાનો મેં ઠરાવ કર્યો. જ્યાં જ્યાં નોકરીઓ મળવા સંભવ હતો ત્યાં ત્યાં મેં અરજીઓ કરી અને મારા પ્રામાણિકપણા ઉપર મેં ખૂબ ભાર મૂક્યો. એકબે સારી પેઢીઓમાંથી મને મુલાકાતનાં આમંત્રણ પણ મળ્યાં. એ મારી મુલાકાતનો અનુભવ હું કદી ભૂલી શકું એમ નથી. એક પેઢીના માલિકે મારી મુલાકાત લેતાં મને પૂછ્યું : ‘તમે તમારી અરજીમાં તમારા પ્રામાણિકપણાનાં બહુ વખાણ કર્યા છે. બીજું બધું ઠીક છે, તમે પ્રામાણિક હો એમ હું ઈચ્છું છું. માત્ર હું એટલું પૂછવા માગું છું કે આ તમારું પ્રામાણિકપણું મારી પેઢીને કેવી રીતે લાભ કરાવી શકે એમ છે ?’

આ પ્રશ્ન જરા ગૂંચવણભર્યો હતો ખરો, પેઢીના કબજાનો માલ ખરેખર સારો હોય તો તો તેનાં હું વખાણ કરું, પણ જાહેરાતમાં જણાવ્યા મુજબનો માલ ન હોય તો મારા પ્રામાણિકપણાએ એ વાત ગ્રાહકોને જાહેર કરવી કે ન કરવી ? જાહેર ન કરું તે હું અપ્રામાણિક ઠરું અને જાહેર કરું તો પેઢીના લાભની આડે આવું ! ખોટો પૈસો વાપરતા કારકુનની હું પ્રામાણિકપણે ચાડી ખાઉં તો મારી એ પ્રામાણિકતા માલિકને જરૂર ગમે. પરંતુ ચોખ્ખો માલ સીધો કાળા બજારમાં વેચી ભંગાર માલને સાચા માલ તરીકે ગ્રાહકને ઠસાવવાનું જો માલિક મને કહે અને તેમ હું ન કરું તો મારું પ્રામાણિકપણું પેઢીના લાભમાં ન જ ઊતરે ને ? આથી મેં જરા વિચાર કરી, સહેજ ગૂંચવાઈને જવાબ આપ્યો : ‘સાહેબ ! પ્રામાણિકપણું એ જ સાચામાં સાચો વ્યવહાર છે એમ સહુ કહે છે અને લાંબે ગાળે એમાં જ સફળતા રહેલી છે એટલે લાભની દૃષ્ટિએ પ્રામાણિકપણું જ ઉપયોગી ગણાય ને?’

‘એ બધાં સિદ્ધાંત હું જાણું છું. મને એ કહોને કે તમારી પ્રામાણિકતા કેટલું લાંબે ગાળે મને ઉપયોગી થઈ પડે ?’

‘એવી ગણતરી તે મેં કદી કરી નથી.’ મેં જવાબ આપ્યો.

‘તો હવે બરાબર ગણતરી કર્યા પછી મને ફરી અરજી કરજો. લાભ મળવાનો લાંબો ગાળો કેટલો તે મને જણાવવું પડશે. અત્યારે ભલે તમે જાઓ.’

આમ એ નોકરી મને ન મળી.

બીજી એક પેઢીના મેનેજર પાસે જવાનો પ્રસંગ આવતાં તેમણે મને પૂછ્યું : ‘હિસાબ લખતાં તે આવડે છે ને ?’

‘હા, જી. બહુ જ ચોખ્ખો હિસાબ રાખી શકું છું.’

‘અક્ષર તો તમારા સારા છે એ અરજી પરથી જ જોઈ શક્યો છું. હવે હું એમ પૂછું છું કે તમે એક વરસને ચોપડો કેટલા દિવસમાં લખી શકશો ?’

‘કેમ સાહેબ ? ચોપડા તો રોજના રોજ લખવા પડે. એમાં બીજી ગરબડ ચાલે જ નહિ.’

‘પણ આ તો વેપારનું કામ છે. બે ચોપડા જુદા રાખવા પડે. એ જુદા ચોપડા રાખવામાં તમારું પ્રામાણિકપણું વચ્ચે લાવો કે નહિ?’

‘એ તો સાહેબ ! સ્વાભાવિક છે, માટે જ તો મેં મારી પ્રામાણિકતા પર ભાર મૂક્યો છે.’ મેં કહ્યું.

મને લાગ્યું કે આ મેનેજર મારા પ્રામાણિકપણાની કસોટી કરવા મરે ગૂંચવી રહ્યા છે એટલે મારે જરા પણ ગૂંચવાયા વગર, મારા પ્રામાણિકપણા ઉપર મુસ્તાક રહીને, તેના પર છાપ પાડવી જ જોઈએ. પણ તેના પર છાપ પડવાને બદલે અવળું જ થયું. તેણે મને કહ્યું : ‘તમે ઘણા સારા માણસ છો એથી હું બહુ ખુશ થયો. પણ પ્રામાણિકપણાનો ભાર જરા હળવો થાય તે પછી તમે મારી પાસે આવજો. હું તે વખતે વિચાર કરીશ.’

આનો અર્થ એ થયો કે આ બંને મહાન પેઢીઓને મારા પ્રામાણિકપણાની જરૂર ન હતી. જાહેરાતમાં પ્રામાણિક કામ કરનાર માગ્યા હતા. મને સમજ ન પડી કે આ પેઢીઓને કેવા પ્રકારના પ્રામાણિક માણસો જોઈએ છે. આવા અનુભવ મને થયે જ ગયા. છેવટે મને ખાતરી થઈ ગઈ કે હું જે પ્રામાણિકપણું વાપરવા માગું છું તે પ્રામાણિકપણું આજના વેપારને જોઈતું જ નથી !

એ દરમિયાન મારી પત્નીને માટે ડૉક્ટરની સારવાર ચાલતી હતી તે એક ડૉક્ટરે બંધ કરી, કેમકે એક અઠવાડિયાની ફી અને દવાનું ખર્ચ ચઢી ગયાં હતાં. હું બીજા ડૉક્ટર પાસે ગયો. તેણે ચાર દિવસ સુધી ઉધાર દવા આપી અને પછી મને રૂખસદ આપી. ત્રીજા ડૉક્ટરે એક પણ દિવસ માટે ઉધાર દવા આપવાની ના પાડી. આ સંજોગો બદલાતાં મારે મારી પ્રામાણિકતાને પલટા ખવરાવો પડ્યો એટલે હવે મેં મારી નોકરીની શોધમાં મારા પ્રામાણિકપણાને ૫ડદે રાખી માલિક ને મેનેજર જેમ કહે તેમ હિસાબ રાખવાની મને તેમના પોકળ ગુણગાન ગાવાની કબૂલાત પણ આપી.

પરંતુ માલનાં મેં કરેલાં વિપુલ વખાણમાં માલિકને મુશ્કેલી માઈ અને બેને બદલે ત્રણ ચોપડા રાખવાની મારી હોશિયારીમાં મેનેજરને ફસાવાની યુક્તિ દેખાઈ. માલનાં મેં કરેલાં વખાણને લઈને શરૂઆતના ત્રણ દિવસ તો માલ ખૂબ વેચાયો પણ પછી માલ ખરાબ આપવા માટે માલિક પર દંડ ઊછળવા લાગ્યા. આનું કારણ જાણે હું જ હોઉં એમ માની લઈને મને નેકરીમાંથી દૂર કરવામાં આવ્યો. હિસાબ માટે મને રોકનાર પેઢીમાં માલિકે . હિસાબ રાખવાનું કહ્યું, મેનેજરે બીજો હિસાબ રાખવાનું કહ્યું અને વેચાણના ઉપરીએ ત્રીજો હિસાબ રાખવાનું કહ્યું. મેં તે પ્રમાણે હિસાબ રાખ્યો. માલિકના હિસાબમાં એક વખત ખોટ દેખાઈ એટલે તેણે મારી ખબર લેવા માંડી ત્યારે મારાથી કહેવાઈ ગયું કે મેનેજરના હિસાબમાં દસ ટકા નફો છે અને વેચાણ કરનારના હિસાબમાં ૨૦ ટકા નફો છે. માલિકે અમને ત્રણેને ભેગા રાખ્યા ને અમને ત્રંણેને ધમકાવવા માંડ્યા. પણ મેનેજર અને વેચાણ ઉપરી બેઉએ મારી અપ્રામાણિકતા આગળ કરીને મને જ અપરાધી ઠેરવ્યો અને પૈસા હું જ ખાઈ ગયો છું એ આરોપ મૂકી પોલીસને સોંપવા સૂચના કરી. મારા દેહમાં આવેશ આવી ગયો અને એ ત્રણે જણે મને પકડ્યો હોવા છતાં તેમના હાથમાંથી હું મારા દેહને છોડાવીને નાઠો – એવો નાઠો કે એ ત્રણમાંથી એકે દોડીને મને પકડી શક્યા નહિ.

નાસીને હું ઘેર આવ્યો. ઘેર આવતાં જોયું કે મારી પત્ની મરણશય્યા પર પડી છે. મેં પ્રભુને પ્રાર્થના કરી કે મારા દુઃખ- સુખની સહાયક મારી આ એકની એક પત્નીને બચાવે. પરંતુ પ્રભુ પણ ધનિકનું અને નોકરી આપનાર ઉપરીઓનું હૃદય ધારીને રે બેઠો હતો. મારી પત્ની સ્વર્ગવાસિની થઈ. એણે મરતી વેળા છેલા આટલા શબ્દો કહ્યા: ‘તમે ફરી પરણજો અને સુખી થજો!’

એ દિવસના મારા દુઃખનું વર્ણન હું કરતો નથી. પણ એટલું જ કે મારી પત્નીના મૃત્યુ ઉપર મારા હૃદયે જેટલો ક્લેશ અનુભવ્યો તેટલો કલેશ ફરી અનુભવ્યો નથી. આજ તો હું ક્લેશથી પર થઈ ચૂક્યો છું એટલે એ ક્લેશનો પડઘો પણ પ્રગટાવી શકું એમ નથી

પરંતુ કલેશમાં અને ક્લેશમાં તથા ઘરનું ભાડું પૂરું ન અપાય એની ચિંતામાં હું ઘર બંધ કરી ચાલી નીકળ્યો. ચાલી નીકળીને જવું પણ ક્યાં ? મોટા ભાગનાં ઘર ઉપર તો ‘પરવાનગી સિવાય અંદર નહિ.’ એવું લખેલું હોય છે અને પરવાનગી માગવા માટે ઘરની અંદર તો જવું જ પડે ને?

નદીકિનારે, સ્મશાનની પાસે એક ભગ્ન દેવાલય હતું, એના પર પરવાનગી સિવાય અંદર આવવું નહિ એવું પાટિયું ચોટ્યું ન હતું એટલે અંદર ગયો. મંદિરની જીર્ણ ધર્મશાળામાં એક સાધુ બાટી બનાવી રહ્યો હતો. કોણ જાણે કેમ પણ મને જોતાંવેંત જ તેણે મને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું : ‘બચ્ચા ! બહુ દુઃખી લાગે છે.’

‘મહારાજ ! વાત ન કરશો. મારા જેવો દુઃખી દુનિયામાં બીજો કોઈ નહિ હોય.’

‘ધર્મનો આશ્રય લે, બચ્ચા ! તારાં બધાં દુઃખ દૂર થઈ જશે.’

'મહારાજ ! ધર્મનો આશ્રય લીધો એમાં જ તો મેં નોકરી ખોઈ, પત્ની ખોઈ, અને સર્વસ્વ ખોયું.’

‘તો તારે માની લેવું જોઈએ કે જે ધર્મ તારે માથે આટલું બધું દુઃખ નાખે એ ધર્મ સાચો ધર્મ હોય જ નહિ.’

‘તો મહારાજ ! મને સાચો ધર્મ શીખવો.’

‘મારી સાથે ઠેરી જા અને ધર્મનો આશ્રય કેમ લેવો તે બરાબર શીખ.’ કહી સાધુએ મને આશ્વાસન આપ્યું. આશ્વાસન સાથે મને થોડી બાટી પણ ખાવા આપી; તે ઉપરાંત એક સ્થળે સંતાડેલા ડબ્બામાંથી તેઓ મીઠાઈ પણ લઈ આવ્યા અને તેમાં એક મોટો ભાગ પોતે રાખી તેમાંથી એકબે કકડા મને પણ આપ્યા. સ્મશાનને મોખરે આવેલા આ શિવાલયમાં આ સાધુને મીઠાઈ કોણ આપી ગયું હશે? રાત્રે બેસીને વાત કરતાં સાધુએ મને કહ્યું : ‘એક સ્ત્રીને પુત્ર થતો નહોતો. મારી સેવાથી તેની આશા ફળી અને પુત્રજન્મને અંગે તેણે મને આ મીઠાઈ પહોંચાડી.’ ધર્મે કહો કે પ્રભુએ કહો, એક ઝબકારો મને આપ્યો. વધુ વિગતમાં હું ઊતરતો નથી. પણ એ પ્રેરણાને અંગે સાધુની પુત્રદાન શક્તિનો મેં પ્રચાર કરવા માંડ્યો. મારા આ પ્રચાર દ્વારા ધીમે ધીમે સાધુની પ્રતિષ્ઠા એટલી બધી વધી ગઈ કે એકાદ વર્ષમાં એ સાધુના હજારેક શિષ્યો થઈ ગયા અને બીજા વર્ષમાં તે શહેરના મોટા મોટા શેઠિયાઓ પણ આવી તેમને પગે પડવા લાગ્યા. સંકટમાં આવી પડેલા કંઈક શેઠિયાઓને સાધુ મહારાજ વચનસિદ્ધ લાગ્યા. હું તો તેમનો ચોવીસે કલાકનો શિષ્ય અને સાથી બની રહ્યો હતો એટલે મારી મારફત સાધુની કૃપા મેળવવાના અનેકાનેક પ્રયાસો થતા હતા. કોઈ શેઠિયાને નફો વધારે જોઈતો હતો, કોઈને ખોટા ચોપડા લખ્યાના ગુનામાંથી છૂટી જવું હતું કોઈને પોતાની તંદુરસ્તી સાચવવી હતી તો કોઈને સ્ત્રીસુખની વાંછના હતી. સાધુને વચનસિદ્ધિ હતી એવી હવે તો હજારો માણસની માન્યતા થઈ પડી. તેમનાં ઘણાં ઘણાં વચન સાચા પડવા લાગ્યાં.

પછી તો એ સાધુ મહારાજને મેં આગ્રહ કર્યો કે તેમણે નિત્ય કંઈક પ્રવચન કરવું કે લોકોને બોધ કરવો. સાધુએ કહ્યું : ‘આમ તો હું ઠીક વાતો કરી શકું છું પણ ગ્રંથોનો મારો કશો અભ્યાસ નથી.’

મેં તેમની ચિંતા દૂર કરી. શેઠિયાઓને કહીને ધર્મ ગ્રંથોનો એક ઢગલો મંદિરમાં કરાવી દીધો. મંદિરનો જીર્ણોદ્ધાર થઈ ગયો એટલું જ નહિ પણ મહારાજે વેદ, ઉપનિષદ્, ગીતા, મહાભારત, રામાયણ અને પુરાણોની વાતો છાંટવા માંડી. પછી તો ગામની મધ્યમાં એક સરસ જગ્યા લઈ લોકોએ તેમને એક માળનો મઠ બાંધી આપ્યો.

અને એ જ મઠને મેં આજે ધર્મ મહાલમાં ફેરવી નાખ્યો છે. સાધુની પ્રતિષ્ઠા પણ વધવા માંડી એ સાથે મારી પ્રતિષ્ઠા પણ વધવા માંડી. અમારી મુલાકાતે ગરજાઉ શેઠશાહુકારો, તેમની પત્નીઓ, વિદ્વાનો, પ્રોફેસરો, લેખકો અને અમલદારો પણ આવવા માંડ્યા અમલદારોને પગારવધારો જોઈએ, વિદ્વાનોને ખૂબ સન્માન જોઈએ અને લેખકોને પ્રકાશક જોઈએ.

એક દુ:ખી લેખક વારંવાર મારી પાસે આવતા હતા. તે ફરિયાદ કરતા કે તેમનાં પુસ્તકો કોઈ પ્રકાશકો છાપતા નથી અને છાપે છે તો એ પુસ્તકો ખપતા નથી. મારા હૃદયમાં બેઠેલા ધર્મે મને પ્રેરણા આપી ને મારાથી પુછાઈ ગયું: ‘તમે કયા વિષયના ગ્રંથો લખો છો?’

‘નવલકથાઓ લખું છું, નાટકો લખું છું અને કવિતાઓ પણ લખું છું.’

‘તેમાં કંઈ ધર્મ વિશે લખાણ આવે કે નહિ ?’

‘ના. હું તો કલા અને સંસ્કારવર્ધન-સાહિત્ય સર્જું છું ને મેં એક માસિક પણ એ જ ઉદ્દેશથી કાઢયું છે.’

‘એના ઘરાકો કેટલા?’

‘પચાસ અને પોણોસોની વચ્ચે. ભારે ખોટમાં કામ કરું છું અને હવે ગળા સુધી દેવું થઈ ગયું છે.’

‘તો ભલા આદમી ! એ કલા ને બલા બધું છોડો’ ધર્મનો આશ્રય લો અને તમારા માસિકને અને તમારી જાતને તમે મને સોંપી દો. અહીં રોજના હજારો ભક્તો આવે છે, એ સર્વને ગ્રાહક બનાવીશું; એટલું જ નહિ પણ એમની મારફત બીજા દસ હજાર માણસોને આપણે પહોંચી શકશું.’

મારી આ વાત લેખકને ગળે ઊતરી ગઈ. અમારા ગુરુ સાધુ મહારાજને પણ ગમી. અને એ જ મહિનાથી “ધર્મ” નામનું માસિક ગુરુના આશીર્વાદ હેઠળ, મારા તંત્રીપણા હેઠળ અને પેલા લેખકની મહેનત હેઠળ પ્રગટ કરવા માંડ્યું. એ પ્રગટતાં જ એની હજારો નકલો ઊપડી ગઈ અને હજારોની માગણી આવતી ગઈ. મેં એ માસિકમાં કલા, કૌશલ્ય, સાહિત્ય, વિદ્વતા, જોડતી, શોધ, વિવેચન કે વાઙ્‌મય એવાં કશાં જ તૂત આવવા દીધાં નહિ. માત્ર ભગવાન, તેમના અવતારો, તેમની લીલા ક્રીડા, સંતસાધુઓ, ભક્તો ભક્તાણીઓની જ વાતો "ધર્મ" માસિકમાં આવવા લાગી. રંગબેરંગી ચિત્રો પણ આપવા માંડ્યાં. સંસ્કૃત સ્તોત્રોના ઉતારા આપવા માંડ્યા અને થોડા સમયમાં તો એ માસિક દુનિયાના કોઈ પણ માસિક કરતાં વધારે ફેલાવો પામેલું માસિક છે એવો છાપિત ગર્વ પણ હું લઈ શક્યો, જે આજ સુધી “ ધર્મ ” માસિકનાં અગ્ર પૃષ્ઠ પર આવ્યા જ કરે છે.

સાધુને મેં સંપૂર્ણ સુખ આપ્યું અને તેમનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો. બદલામાં તેઓ મને તેમની આખી મિલકતનો વારસ ઠરાવતા ગયા. એ મિલ્કત મને મળે કે ન મળે તેની પરવા ન કરું એવી સધ્ધર આર્થિક સ્થિતિમાં “ધર્મ” માસિકે મને મૂકી દીધો છે. એ “ધર્મ” માસિકને પ્રતાપે તો મારો આ ત્રણ મજલાનો “ધર્મ મહાલય” ઊભો થયો છે એટલું જ નહિ પણ અનેક લેખકોને, ચિત્રકારોને, કારકુનોને તેમ જ મજુરોને હું રોજી આપી શકું છું. હું એક મહાન ધાર્મિક પુરુષ તરીકે પ્રતિષ્ઠા પામી રહ્યો છું અને ચોથી વારનાં લગ્ન પણ હું કરી શક્યો છું.

રખે કેાઈ પૂછે કે મને લગ્નનો આટલો બધો શોખ ક્યાંથી ? મારી પાસે તેનું એક સબળ કારણ છે. શોખને લીધે નહિ પણ ધર્મને આધારે હું ચોથી વારનું લગ્ન કરી ચૂક્યો છું. ગુરુના ગુજર્યા પછી મેં અગ્નિહોત્ર વ્રત લીધું છે; અગ્નિ પૂજા કર્યા સિવાય હું જમતો નથી. અને વિધુરથી અગ્નિહોત્ર કરી શકાય એમ છે જ નહિ એટલે ધર્મને ખાતર મારે વારંવાર પરણવું પડ્યું છે ! પણ એથી મારી ધર્મભાવના કે ધાર્મિકતાની મારી પ્રતિષ્ઠા તલપૂર પણ ઘટી નથી એ સ્પષ્ટ છે.

સર્વે બેકારોને મારી એક અનોખી સલાહ છે અને તે એ જ કે જ્યારે બીજો કોઈ પણ આધાર ન હોય ત્યારે ધર્મનો આશ્રય લેવો અને ‘ધર્મ’ કે એવા જ કોઈ નામનું દૈનિક, અઠવાડિક, માસિક, ત્રિમાસિક કે વાર્ષિક કાઢવું. હું એનો ઇજારો લઈને બેઠો અને મારી બધી જ જરૂરિયાતો તો એ માસિકથી પૂરી પડે છે. પણ મને લાગે છે કે હજી લોકોની ધર્મભૂખ ભાંગી નથી. દિવસો જતા જાય છે તેમ તેમ ધર્મવાચનની જિજ્ઞાસા વધતી જાય છે. મારા સરખા ભાવિ બેકારોનો વિચાર કરીને હું હજી ધાર્મિક દૈનિક, સાપ્તાહિક, ત્રિમાસિક કે વાર્ષિક કાઢવાનો વિચાર કરતો નથી. મારો એ વિચાર બદલાય તે પહેલાં સર્વ શક્તિશાળી બેકારોને મારી વિનંતી તે કે તેમણે ધર્મપ્રચારના આ આયુધો હાથ કરી લેવાં.

ધર્મ સદાસર્વદા સહુનું રક્ષણ કરે છે તે એનું નામ !