હીરાની ચમક/દેહ અને દેહી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← મારો એકનો એક આશ્રય હીરાની ચમક
દેહ અને દેહી
રમણલાલ દેસાઈ
૧૯૫૭
કોણ છે? શૂદ્ર? →


દેહ અને દેહી


આપણા પ્રાચીન ઋષિમુનિઓ દેહ સાથે, આત્મા સાથે અને પ્રકૃતિ સાથે અનેકાનેક આશ્ચર્યજનક પ્રયોગો કર્યે જતા હતા. ભૃગુવંશી ઋષિકુળમાં એક જરત્કારુ નામનો યુવાન થઈ ગયો. એનું નામ જે હોય તે; પરંતુ એનું સાચું નામ ભુલાઈ ગયું છે, ને ઇતિહાસ ગ્રન્થોએ તેને જરત્કારુને નામે ઓળખ્યો. જરત્ શબ્દ ક્ષીણતાવાચક છે અને ક્રિયાવાચક કારુ શબ્દ માનવીના શરીરનો- દેહનો-સૂચક છે. દેહ અને દેહની ક્ષીણતા ઉપર વિચારો અને પ્રયોગો કરતા આ ભૃગુવંશી યુવાન મુનિનો દેહ પણ એવો ક્ષીણ બનતો ચાલ્યો કે જરત્કારુ નામ તેણે પોતે જ હસતે મુખે સ્વીકારી લીધું.

દેહ ઉપર તે અનેક પ્રયોગો કરતો રહ્યો. આખી માનવજાતનો દેહ અન્નથી ટકે. જરત્કારુએ અન્ન સિવાય દેહ ટકાવવાના પ્રયોગો - કરવા માંડ્યા ને તેને લાગ્યું કે દેહ તો ફળથી પણ ટકી શકે છે, ફૂલથી પણ ટકી શકે છે અને વૃક્ષપર્ણથી પણ ટકી શકે છે. દેહની પાછળ રહેલા આત્મતત્વને શોધવાનો પ્રયત્ન કરવામાં તેને દેહ બિનજરૂરી લાગ્યો, અને આત્માની શોધમાં તેણે દેહને પાણી ઉપર, પર્ણ ઉપર અને ઘણી વાર હવા ઉપર પણ રાખવા માંડ્યો. અલબત્ત, દેહ પોષણ માગતો હતો. અને પોષણ ન મળતાં તે જર્જરિત પણ થતો જતો હતો. તેની આ મુનિને પરવા પણ ક્યાંથી હોય ? અન્ન સિવાય દેહ કેમ ટકે તેના પ્રયોગો ચાલ્યા જ કરતા હતા. દેહ કાંઇ માત્ર અન્ન માગીને જ બેસી રહેતો નથી. દેહને સ્નેહ જોઈએ છે, પ્રેમ જોઈએ છે, વાસનાતૃપ્તિ જોઈએ છે. પરંતુ જરત્કારુ દેહ જે માગે તે આપવાને ભાગ્યે જ તૈયાર રહેતા. વાસનાનો સંયમ વાસનાતૃપ્તિ કરતાં વધારે ઉચ્ચ કક્ષાની માનવતા છે એમ માનનાર આ યુવાન ૠષિએ સૌંદર્ય સામે આંખ મીંચી, આહ્‌લાદ સામે આંખ મીંચી અને સ્ત્રી સામે પણ આંખ મીંચી. દેહ સંયમને માર્ગે વધારે વિકસિત થાય કે ઉપભોગને માર્ગે, એ વિષે પ્રાચીન કાળથી મતભેદ ચાલ્યા જ કરે છે, અને ઉપભોગ માગતું માનસ પણ સંયમને પોતાનાથી ઊંચી કક્ષાએ બેસાડે છે – સંયમ પાળતો હોય કે ન હોય તોપણ. દેહદમનનું વ્રત લઈ બેઠેલા જરત્કારુને તો ઉપભોગ ન જ આકર્ષી શકે એ સહજ ગણાય. સંભવિત છે કે સૌંદર્યોપભોગ દેહને ખિલાવટ આપતો હોય, ને સંયમ દેહને રુક્ષ પણ બનાવતો હોય. જરત્કારુના દેહને ઉપવાસ જર્જરિત બનાવતો જતો હતો, સાથે સાથે ઉપભોગના ઉલ્લાસ વગર જરાત્કારુનો દેહ રુક્ષ, દીપ્તિ રહિત, પ્રફુલ્લતા રહિત પણ બનતો જતો હતો. જેમ જરત્કારુનું ધ્યાન કોઈ યુવતીએ ખેંચ્યું નહિ, તેમ જરત્કારુના દેહે પણ કોઈ રાજકન્યા કે ઋષિ- કન્યાને આકર્ષી નહિ. પર્વતશૃંગ ઉપર, ડુંગરાની ગુફામાં, અરણ્યના એકાંતમાં કે વન-ઉપવનના રાફડાઓમાં બેસી આત્મા અને પરમાત્માની શોધમાં પડેલા આ યુવાન મુનિનું યૌવન પણ જર્જરિત બની રહ્યું હતું.

દેહ અને મન વાત્સલ્ય પણ માગે. જરત્કારુનાં માતાપિતા તેમની બાલ્યાવસ્થાથી જ ગુજરી ગયાં હતાં, એટલે વાત્સલ્યનું માર્દવ- પણ તેમણે નહિ જેવું જ અનુભવ્યું હતું. તેમને એક જ લગની લાગી હતી : દેહની પાછળ જઈ, દેહનું મન્થન કરી, દેહીને શોધી કાઢવો. પરંતુ હજી સુધી જરત્કારુના દેહને દેહી જડ્યો હોય એમ લાગ્યું નહિ. તપસ્વીનાં તપ અને તપસ્વીની વિકળતા આવા સંજોગોમાં વધી જાય એમાં આશ્ચર્ય નહિ.

પરંતુ માનવીના વિકાસક્રમમાં દેહનું સ્થાન હોય – દેહતંત્રને સમજી, ઓળખી, આગળ વધવાનું હોય તો દેહને ખંડણી આપ્યા વગર માનવીનો વિકાસક્રમ જરૂર અટકી જાય. પાપને રસ્તે કે પુણ્યને રસ્તે દેહને તૃપ્ત કર્યા સિવાય દેહી પાસે પહોંચવું અશક્ય બની જાય છે. જરત્કારુના દેહે પણ બહુ વિચિત્ર રીતે પોતાની બાંગ પુકારી અને પોતાનો સંતોષ વાંછ્યો. સામાન્ય માનવીને, બુદ્ધિવાદી માનવીને સમજ ન પડે એવી રીતે જરત્કારુના દેહે તૃપ્તિ માટે પુકાર કર્યો.

દેહીને શોધતો જરત્કારુનો વિકળ બનેલો દેહ પરિભ્રમણમાં પડ્યો. ફરતાં ફરતાં એક નિર્જન સ્થળે જરત્કારુ પસાર થતા હતા એવામાં તેમણે કોઈ અગમ્ય દુઃખભર્યો અવાજ આવતો સાંભળ્યો. એ કરૂણ નાદને સાંભળ્યો – ન સાંભળ્યો કરીને ખસી જવાય એમ હતું નહીં, ત્યાગી જરત્કારુને પણ લાગ્યું કે આ આર્તનાદની ખોજ કર્યા સિવાય ત્યાંથી ખસી શકાય નહીં જ. કરુણ અવાજ આવ્યે જ જતો હતો. શોધતાં શોધતાં તેઓ કૂવા પાસે આવી ચઢ્યા. કુવામાં પાણી ન હતું; પરંતુ એક વિચિત્ર દૃશ્ય જરત્કારુના જોવામાં આવ્યું. પાણી વગરના આ ખંડિયા કૂવામાંથી નીકળી આવેલા કોઈ મજબૂત ધાસ કે વૃક્ષનો ટેકો લઈને ઊંધે મસ્તકે વિચિત્ર દેહ, કે દેહાભાસ, લટકતા દેખાયા. એ લટકતા દેહના કંઠમાંથી આર્તનાદ આવતા હતા. એક દેહ સ્ત્રીનો હતો અને એક દેહ પુરુષનો હતો. વધારે કરુણ પરિસ્થિતિ તો એ હતી, કે જે વનસ્પતિને આશ્રયે દેહ લટકી રહ્યા હતા, તે વનસ્પતિને એક જબરદસ્ત ઉંદર બેઠો બેઠો કાતરી નાખતો હતો. કયે વખતે આ ઊંધા લટકેલા દેહ જલવિહીન કૂવામાં પડી ભગ્ન થશે એ કહી શકાય એમ ન હતું.

કૂવાને કાંઠે આવી ઊભેલા જરાત્કારુએ આ બંને જર્જરિત સ્ત્રીપુરુષને પૂછ્યું : ‘આપ કોણ છો ?’

‘અમે સ્વર્ગ પહોંચવા મથતા પિતૃઓ છીએ, પરંતુ સ્વર્ગને બદલે અમારી અધોગતિ થતી અમે અનુભવીએ છીએ.’

‘આપ કોના પિતૃ છો?’ જરત્કારુએ પૂછ્યું.

‘જરત્કારુ નામના એકમાર્ગી બ્રહ્મચારીનાં અમે માતાપિતા છીએ. એ મૂર્ખ છોકરો આત્માની શોધમાં પોતાના દેહનાં પગથિયાને બાજુએ મૂકી ઊંચે ફલાંગ મારવા મથે છે, અને તેનું પરિણામ અમારે ભોગવવું પડે છે.’ એક પિતૃએ જવાબ આપ્યો. ‘એ શી રીતે ?’ જરત્કારુએ પૂછ્યું.

‘અમારું તપ ચાલે છે ત્યાં સુધી અમારા કર્મના મૂળ પકડી હજી અધ્ધર લટકી રહ્યાં છીએ; તપ ક્યારે ખૂટશે તે કહી શકાતું નથી. પેલો કાળરૂપી ઉંદર અમારા સત્કર્મને કોરી રહ્યો છે. અમારાં સત્કર્મોના મૂળમાં અમારો જ પુત્ર પોતાનાં સત્કર્મરૂપી પાણી રેડી તેમને પ્રફુલ્લિત કરે તો અમે કાળને વટાવી સ્વર્ગે પહોંચી શકીએ. પરંતુ એ તપઘેલો યુવક ગૃહસ્થાશ્રમને યોગ્ય થયો હોવા છતાં હજી પરણતો નથી, એટલે એનું પિતૃતર્પણ એમને પહોંચતું નથી અને આમ ને આમ દુઃખી અવસ્થા અમે ગાળ્યા કરીએ છીએ. અમારી વિનંતી છે કે આપ જરત્કારુને આ સમાચાર પહોંચાડો.’

‘અરે, અરે ! જરત્કારુ તો હું પોતે જ છું ! મને ખબર નહિ કે મારાં માતાપિતાની અજાણતાં મેં આ દશા કરી છે !’ જરત્કારુથી બોલાઈ ગયું.

‘તો દીકરા ! વહેલી તકે પરણી જા. ગૃહસ્થ બન્યા વગર તારું તર્પણ અમને ન પહોંચે.’

જરત્કારુના હૃદયમાં એક વિદ્યુતધક્કો લાગ્યો. શાસ્ત્રપુરાણ વાંચી ચુકેલા એ તપસ્વીને કોઈ વાર ગૃહસ્થાશ્રમનો વિચાર આવ્યો તો હતો જ, પરંતુ તેના તપલોભે તેની પાસે એક ઝડપી માનસ સંકલ્પ પણ કરાવી લીધું હતું : ‘માનવીને ગૃહસ્થાશ્રમ જરૂરી ખરો. પરંતુ હું લગ્ન ત્યારે જ કરું, કે જ્યારે મને મારું જ નામ ધારણ કરનારી પત્ની મળે.’

પરમાત્મદર્શનની ઉત્કંઠામાં એક વાર ગૃહસ્થાશ્રમ યાદ આવતાં તેણે બીજો પણ એક ઝડપી સંકલ્પ કરી લીધો : ‘ગૃહસ્થ બનીને કુટુંબપોષણની જાળમાં હું પડું તો મારી તો પરમાત્મપ્રાપ્તિ કદાચ સ્ખલિત થઈ જાય. કદાચ પરણવું પડે તોપણ હું એવી પત્નીને પરણું કે જે મારા કુટુંબના પોષણનો સંપૂર્ણ ભાર ઉઠાવી લે.’

આજ સુધી તેનું જ નામ ધારણ કરનારી પત્ની મળી ન હતી...અને તેના પોષણની જવાબદારી સ્વીકારે એવી પણ કોઈ પત્ની મળી ન હતી. તપસ્વીની આવી બેહૂદી ઈચ્છાઓ તૃપ્ત કરવાની જગતને ફૂરસદ ન હતી. એટલે તપસ્વી જરત્કારુ એ વાતને વિસારે પાડી પોતાને તપમાર્ગે આગળ વધ્યે જતો હતો. માતાપિતાના પ્રેતની સાથે વાતચીત કરતાં જ તેને પોતાના એ સંકલ્પો યાદ આવ્યા અને લગ્ન વિષેની પોતાની બે મુશ્કેલીઓ નમ્રતાપૂર્વક પોતાની માતાપિતા આગળ જાહેર કરી.

માતાપિતાએ તેને આશીર્વાદ આપ્યા :

‘જરત્કારુ ! બેટા ! લગ્નનો તેં વિરોધ કર્યો નથી એટલું અમારે બસ છે. તારા સંકલ્પો ફળશે એવી અમને શ્રદ્ધા છે અને તારા તર્પણથી જ અમારો ઉદ્ધાર થશે એવી ખાતરી છે. હવે લગ્નજીવન માટે નવી શરત ઊભી ન કરીશ.’

જરત્કારુને પોતાની જીવનભૂલ સમજાઈ. માતા પિતાના આશીર્વાદને તેણે માથે ચઢાવ્યા, અને આત્મા પરમાત્માની ખોજ સાથે તેણે તેના જ સરખા નામવાળી અને તેના પોષણનો ભાર ઉઠાવે એવી કબૂલાત આપનારી પત્નીની ખોજ પણ શરૂ કરી દીધી.

પત્નીની ખોજ એટલે સ્ત્રીની ખોજ; અને સ્ત્રીની ખોજ એટલે સૌંદર્યની, માર્દવની નાજુકીની ખોજ. જીવનમાં કેટલીક વાર કીટ-ભ્રમરનો ન્યાય સાચો પડે છે. સ્ત્રી સૌંદર્યની શોધમાં પડેલા જરત્કારુની આંખે સૌંદર્ય જોવા માંડ્યું, માર્દવ જોવા માંડ્યું, લાલિત્ય જોવા માંડ્યું. કાળમીંઢ પહાડપથ્થર ઉપર કદી કદી ઘાસ કે વૃક્ષ જોવામાં આવતાં તે નવી પ્રફુલ્લતા અનુભવતો; ચંદ્ર અત્યાર સુધી તેને ઘાટઘૂટ વગરનો, એકાકી તેજગોલક હોય એમ લાગતો હતો. સ્ત્રીનો વિચાર કરતાં ચંદ્રની શીતળતામાં તેને સ્ત્રીસાનિધ્યની શીતળતાનું ભાન થવા લાગ્યું. ખળખળ વહેતી નદીઓ આજ સુધી તેને સ્નાનનું સાધન પૂરું પાડતી, હવે એ માત્ર સ્નાનનું સાધન મટી ગઈ. સમુદ્રને મળવા તલસતી કોઈ નારીને દેહનું તેને નદીમાં રૂપ દેખાયું. આમ તેની રુક્ષ આંખમાં સૌંદર્યનું અંજન અંજાઈ ચૂક્યું.

આટલું જ નહિ, તેના દેહમાં પણ તેણે કંઈક ફેરફાર થતો અનુભવ્યો. તપશ્ચર્યામાં તેણે પહેલાં દેહની કાળજી રાખી ન હતી; એ જ દેહને તેણે સ્વચ્છ અને તેજસ્વી પણ બનાવવા માંડ્યો. સ્નાન કરતાં કરતાં એણે પોતાનાં અંગઉપાંગને માલિશ કરી વધારે જાગ્રત કર્યા, પોતાની જટાને તેણે એવો પણ આકાર આપવા માંડ્યો કે જેથી તેના મુખને એ જટા દિપાવે. તેની ચાલ – વાણીની ઢબમાં પણ કંઈક નવી છટા આવવા લાગી. આમ આ સૂમડો તપસ્વી જરા બાંકો બ્રહ્મચારી બનતો હોય એમ તેને પોતાને પણ લાગ્યું. હવે તેની સામે સ્ત્રીઓએ પણ આડી આંખે અગર સીધી આંખે જોવા માંડ્યું હોય એવો તેને ભાસ થયો. વધારે નવાઈ જેવું તો તેને એ લાગ્યું કે સ્ત્રીઓની આડી, સીધી નજર તેને ગમતી હતી !

વચમાં વચમાં તે ચોંકી ઊઠતો. આત્મજ્ઞાનને માર્ગે જતાં જે જીવનમાધુર્ય તેના અનુભવમાં આવતું નહિ તે જીવનમાધુર્ય એને પત્નીની શોધમાં મળતું લાગ્યું ! આ ભ્રમ તો નહિ હોય? વિપથ લઈ જતી કોઈ જાદુઈ જાળ તો નહિ હોય ? પત્નીની ખોજમાં એના આત્માની ખોજ ભુલાઈ જશે તો? પરંતુ તે અંતે મન વાળતો કે તેનાં માતાપિતાના કલ્યાણ અર્થે આત્માની શોધમાં જરા વાર લાગે તો તે ચલાવી લેવું જોઈએ. ઘડી ઘડી તો આત્મા અને પરમાત્માને યાદ કરતો અને સાથે સાથે પોતાના જ નામધારી કોઈ યુવતી મળી આવે છે કે કેમ તેની ઝીણવટથી તપાસ પણ કરતો.

તપ કરતો, ફરતો અને તપાસ કરતો જરત્કારુ નાગપ્રદેશમાં આવી ચડ્યો. નાગપ્રદેશ એટલે વનરાજિઓનો પ્રદેશ, પહાડપર્વતનો પ્રદેશ, નદીનાળાંનો પ્રદેશ: અર્ધસંસ્કૃત, આનંદી અને મસ્ત પ્રજાનો પ્રદેશ. લોકો ઘડીમાં દેખાય અને ઘડીમાં અદૃશ્ય થઈ જાય એવો એ પ્રદેશ. એક પહાડમાં થઈને તે જતો હતો એટલામાં જ તેને કાને અવાજ પડ્યો.

‘જરત્કારુ ! જરત્કારુ !’ જરત્કારુ ચમક્યો. પોતાના નામનો ઉચ્ચાર અહીં કોણ કરતું હતું ? કોણ યોગી મુનિ પોતાને ઓળખીને તેને હાંક પાડતો હતો. સહેજ ઊંચે ચઢીને તેણે જોયું તો પર્વતના એક વિશાળ મેદાનમાં વૃક્ષઝુંડની અંદર અને તેની આસપાસ યુવક અને યુવતીઓ, વિચિત્ર પોશાક અને વિચિત્ર પીછાં ધારણ કરી રમતાં હતાં, નાચતાં હતાં, ગાતાં હતાં, અને એકબીજાને હસીહસીને બોલાવતાં હતાં. મહાપ્રવાસી જરત્કારુએ જોયું કે નાગપ્રજાનાં સ્ત્રીપુરુષો અહીં ખેલી રહ્યાં છે. એને આ રમતમાં વિશેષ રસ ન હતો – જોકે દૂર દૂર રમતી અને દોડતી સ્ત્રીઓ તેને ગમી ખરી; પરંતુ તેને આ રમતમાં જઈને ઊભા રહેવાની જરૂર દેખાઈ નહિ.

છતાં વારંવાર ‘જરત્કારુ !’ એવા ઉ‌દ્‌ગારો કેમ આવે જતા હતા ? એ મંડળીમાં કોઈ ઓળખીતું મળી આવે તેવો તેને સંભવ લાગ્યો. અને પોતાના જ નામનું વધારે સંબોધન થતાં તેણે ટેકરી ઊતરી મેદાનમાર્ગે જવા માંડ્યું. સ્વૈરવિહારમાં રમતા નાગ યુવકયુવતીઓએ આ આર્ય તપસ્વીને જોયો, પણ તેને આવતાં રોક્યો નહિ. એટલે હિંમત ધરી જરત્કારુ રમતમાં ગૂંથાયેલાં નાગ નર-નારીની પાસે પહોંચી ગયો. અને જતાં બરોબર તેણે ફરી પાછું સંબોધન સાંભળ્યું,

‘જરત્કારુ ! જો, જો. આમ આવ. કાંઈ દેખાડું.’ અને જરત્કારુની આસપાસ હસતાં રમતાં પંદર યુવયુવતીઓ આવી ભેગાં થઈ ગયાં.

રમત, ગમત, નૃત્ય અને હાસ્ય પણ એક જાતનો નશો ઉ૫જાવે છે. યુવક-યુવતીના દેહ અને મુખ પ્રફલ હતાં. વિચિત્ર પોશાક તેમના સૌંદર્યને વધારતો હતો, અને સર્વ દેહમાં ઊભરાતી મસ્તી ખરેખર આકર્ષક બની ગઈ હતી. બે યુવતીઓ એક અત્યંત રૂપાળી નાગયુવતીને ખેંચીને જરત્કારુ સામે લઈ આવી અને તેને કહેવા લાગી

‘જો જરત્કારુ ! તને મન હતું ને કોઈ આર્ય તપસ્વીને જોવાનું. જો, આ તારી સામે જ કોઈ આર્ય તપસ્વી દેવે મોકલ્યો લાગે છે.’ જરત્કારુ નામની ઘસડી આણેલી નાગયુવતીની એક સખીએ તેને કહ્યું, અને જરત્કારુ મુનિ વિસ્મય પામ્યો, વિસ્મય પામી તેણે પૂછ્યું :

‘હું નાગપ્રદેશમાં છું એ તો હું સમજી શક્યો, પરંતુ આપ સર્વ કોણ છો એ હું ઓળખતો નથી. મને વધારે આશ્ચર્ય તો એટલા માટે જ થયું કે મારું નામ અહીં વારંવાર પોકારાયા કરે છે. હું પૂછું છું કે અહીં મને કોઈ ઓળખે છે ખરું ?’

‘આપને ? આપ તો કોઈ આર્ય ક્ષેત્રમાંથી આ બાજુએ આવી ચડેલા ઋષિમુનિ લાગો છે. એથી વધારે કોઈ આપને ઓળખતું હોય એમ લાગતું નથી. છતાં જરા ઊભા રહો. હું અમારા રાજવી વાસુકિ નાગને પૂછી જોઉં. કદાચ એ આપને પિછાનતા હોય.’ એક યુવતીએ કહ્યું અને તે નાગરાજવીને બોલાવવા એકદમ દોડી ગઈ. નાગરાજવી પણ પાસે જ રમતમાં ગૂંથાયેલ હતા. જરત્કારુને વાસુકિનો અંગત પરિચય કદી થયો ન હયો – જોકે એક વિશાળ વનરાજ્યનો વાસુકિ રાજવી હતો એટલી ખબર તેને હતી.

પાસે ઊભેલી યુવતીઓમાંથી એકે બીજી યુવતીને – ખેંચી લાવેલી યુવતીને કહ્યું : ‘હવે કેમ મૂંગી ઊભી રહી છે? તારે જે કાંઈ ઋષિમુનિઓ વિષે પૂછવું હોય તે આ સામે ઊભેલા તપસ્વીને પૂછી જો.’

‘મારે કંઈ પૂછવું નથી.’ યુવતીએ કહ્યું.

‘કેમ એમ ? રોજ તો કહેતી કે તારે કોઈ આર્ય ઋષિ- મુનિ સાથે જીવન ગાળવું છે. પૂછી જો, એ જીવન કેવું છે તે આ આર્યમુનિને !’ એક સખીએ કહ્યું.

‘નામ તો પૂછી જો, જરત્કારુ !’ બીજી સખીએ પેલી યુવતીને રમતમાં જ આગ્રહ કર્યો અને જરત્કારુ પુરુષ એકાએક ચમક્યો. તેનાથી બોલાઈ ગયું :

‘જરત્કારુ ? એ તે મારું નામ છે. હું જરત્કારુ મુનિ, ભૃગુવંશીય તપસ્વી. અહીં તમે બીજા કોને જરત્કારુને નામે સંબોધ્યાં છે ?’

‘આ અમારી સખીને ! એવી તોફાની છે, અને એના દેહરૂપનો રૂપનો એને એટલો ઘમંડ છે, કે તે ભૂલવવા એના જ ભાઈ વાસુકી નાગરાજે એનું નામ જરત્કારુ રાખ્યું છે, અને આખા નાગપ્રદેશે તે સ્વીકારી લીધું છે. સખીએ પુરુષ જરત્કારુને સ્ત્રી જરત્કારુની હકીકત કહી.

‘પણ, જરત્કારુ તો મારું પણ નામ છે !’ હસીને મુનિ જરત્કારુએ પોતાની હકીક્ત કહી. પોતાની ઇચ્છા અને માગણી પ્રમાણે પોતાના જ નામની યુવતી અકસ્માત મળી એ પ્રસંગ ખરેખર રમૂજી હતો. સાથે સાથે તેની પ્રતિજ્ઞાનુસાર નાગકન્યા જરાત્કારુ તેની પોતાની પત્ની થાય તો તે પણ તેને ગમે એમ હતું. આર્ય સ્ત્રીઓનાં અતિસભ્ય અને ઠાવકા મુખ કરતાં આ નાગકન્યાનું મુખ – અને દેહ જરા ય ઓછાં આકર્ષક ન હતાં. એક સમયે દેહને તુચ્છકારતા મુનિને નાગકન્યાના દેહ ઉપર ભાવ ઉત્પન્ન થયો, અને આર્ય તપસ્વીઓને સુરઅસુર અને નાગ જાતિઓમાં મળતાં માન પ્રમાણે જરત્કારુને નાગરાજ વાસુકીએ આગ્રહ કરી મહેમાન પણ બનાવ્યા.

કોઈક સમયે નાગરાજ વાસુકિને સ્વપ્ન આવ્યું હતું કે આખી નાગ કોમને કોઈ આર્યરાજા અગ્નિમાં હોમે છે, પરંતુ વાસુકિના વંશને નાગકુમારી જરત્કારુને કોઈ પુત્ર એ મેધમાંથી બચાવી લે છે ! સ્વપ્ન સાચાં પડે કે ન પડે એ વાત જુદી છે, પરંતુ પ્રત્યેક યુગ સ્વપ્નની અસરમાંથી મુક્ત રહેતો નથી. અને સાચી કે ખોટી રીતે સ્વપ્નને આગાહી તરીકે ગણ્યા વગર પણ રહેતો નથી. વાસુકિના મનમાં આ સ્વપ્ન દૃઢ થઈ ગયું હતું. એટલે કોઈ યશસ્વી આર્ય સાથે પોતાની બહેન જરત્કારુનું લગ્ન થાય એમ એ ઈચ્છતો હતો. નાગકન્યા - જરત્કારુને પોતાને આર્યો અને આર્યમુનિઓ પ્રત્યે, કોણ જાણે કેમ પક્ષપાત હતો. આર્યમુનિઓનાં અર્ધવસ્ત્રો, તેમની ઝૂંપડીઓ, તેમના અરણ્યનિવાસ અને તેમનાં તપ – નિદિધ્યાસન, નાગકન્યાને ખૂબ ગમતાં. ઘણી વાર રમતમાં અને રંજનમાં તે આર્ય ઋષિકન્યાનો વેશ પણ ધારણ કરતી, અને તે ઇચ્છતી પણ ખરી કે તેના પતિ તરીકે કોઈ તેજસ્વી અને તપસ્વી આર્યમુનિને તે પરણે. સ્ત્રીની શોધખોળમાં તપની રુક્ષતા છોડી સૌંદર્યને વરેલા મુનિ જરત્કારુનું પૌરુષ હવે રૂપાળું, ફૂટતું અને સ્ત્રીઓને પણ ગમે એવું થયું હતું. એની તો પ્રતિજ્ઞા જ હતી કે લગ્ન કરવું તો તે પોતાનું નામ ધારણ કરનારી સ્ત્રી સાથે જ કરવું. અને લાંબી શોધખોળને અંતે જરત્કારુને પોતાનું જ નામ ધારણ કરનારી યુવતી મળી પણ ખરી ! આમ આખી પ્રસંગયોજના દરેક રીતે અનુકૂળ નીવડી. અને પ્રેમ જ્યારે તોફાને ચડે છે ત્યારે પ્રેમપાત્રોને ઝડપથી શોધી પણ લે છે. મુનિ જરત્કારુને લાવણ્યવતી નાગકન્યા જરત્કારુ ગમી ગઈ. નાગકન્યાની આર્ય મુનિની ઝંખના હતી; એ ઝંખના તેને જરત્કારુ મુનિમાં સ્ફુટ થતી દેખાઈ. નાગરાજ વાસુકિને એ બંનેના લગ્નમાં પોતાના કુળનો ભાવિ ઉદ્ધારક ઉત્પન્ન થતો દેખાયો. અને જરત્કારુ મુનિના થોડા જ સમયના નાગપ્રદેશન નિવાસમાં તેણે નાગકન્યા જરત્કારુ સાથે લગ્ન પણ કરી લીધું. લગ્ન પહેલાં જરત્કારુએ પોતાની ભાવિ પત્ની પાસે માત્ર એક શરત કબૂલ કરાવી લીધી.

‘નાગકુમારી ! આપણે લગ્ન કરીએ છીએ તે અરસપરસના પ્રેમથી કરીએ છીએ એમાં જરા યે શંકા ન હોય. પરંતુ અમે આર્ય તપસ્વીઓ બહુ વિચિત્ર હોઈએ છીએ.’

‘તે હું જાણું છું. તમારી વિચિત્રતા હું પૂરી કરી શકીશ.’ — નાગકન્યાએ કહ્યું.

‘તું તો રાજકુમારી છે અને હું તો નિષ્કિંચન, ઝૂંપડીમાં વસનારો મુનિ છું. હું તને તારા રાજવૈભવને શોભે એવી રીતે કેમ રાખી શકીશ?’

‘તેની હરકત નહિ. હું રાજકન્યા છું એટલે મારું અને તારું વ્યવહારભારણ હું પોતે જ ઉપાડીશ. પછી છે કંઈ?’ પત્ની બનવા ચાહતી જરત્કારુએ કહ્યું.

મુનિને વ્યવહારભારણની ચિંતા તો ઘટી ગઈ. પરંતુ લગ્ન કદી પણ તેના માર્ગમાં વિઘ્નરૂપ ન નીવડે એવી ખોળાધરી મેળવવા તેણે એક શરત નવી વધારી, ‘નાગસુંદરી ! લગ્નનો અનુભવ હું તારાથી લઈશ. મારી પહેલી પ્રતિજ્ઞા જ છે, કે હું મારી નામધારી પત્નીને જ પરણીશ. પરંતુ હું ઇચ્છું છું કે જે ક્ષણે તું અગર લગ્ન મારા માર્ગની આડે આવે છે એમ લાગશે, તે ક્ષણે હું તને અને મારા ગૃહસ્થાશ્રમને છોડી ચાલ્યો જઈશ.’ મુનિએ કહ્યું.

‘ભલે ! એમ બનવાનો સંભવ જ નથી. છતાં હું તો એટલે સુધી આગળ વધીને કહું છું કે તમારી મરજી વિરુદ્ધ કશું પણ મારા તરફથી થાય તો તમે મને છોડીને ચાલ્યા જવાને મુખત્યાર છો.’ જરત્કારુએ કહ્યું.

અને અકિંચન મુનિ જરત્કારુ અને સમૃદ્ધિશીલ નાગકન્યા જરત્કારુનાં લગ્ન બહુ જ ધામધૂમથી નાગપ્રદેશના પાટનગરમાં થઈ ગયાં. અને વાસુકિ નાગે એમાં આર્યો અને નાગજનતાના સમન્વયની રૂડી ક્ષણ જોઈ.

મુનિને રાજકન્યા ગમે, પરંતુ રાજવૈભવ લાંબા સમય સુધી ન જ ગમે. રાજવંશી ઠાઠથી થયેલાં લગ્નથી પરવારી જરત્કારુ મુનિ તો પાછા અરણ્યમાં, નદીકિનારે, આશ્રમ સ્થાપી રહ્યા. અને પુરુષની ઘેલછાને આદિકાળથી પોષતી આવેલી સ્ત્રી તરીકે તેની પત્ની પણ તેની સાથે આશ્રમજીવનમાં આનંદપૂર્વક આવીને રહી. અત્યંત પ્રેમ અને આનંદથી જરત્કારુ દંપતીનો ગૃહસ્થાશ્રમ ચાલ્યો. મુનિની ધર્મની જિજ્ઞાસા અને મુનિના સંયમ મોજીલી નાગકન્યાને ખૂબ ગમી ગયાં; અને નાગકન્યાનું રૂપ, નાગકન્યાનું તોફાન અને નાગકન્યાનું હાસ્ય મુનિને અણદીઠ સુંદર જીવનપ્રદેશો દેખાડી રહ્યાં. જીવનમાં પ્રેમ પ્રવેશ પામે છે ત્યારે તે નવી દુનિયાને ઊભી કરે છે. મુનિએ પત્નીના સહચારમાં નવી દુનિયા અને નવા જીવનરંગ નિહાળ્યાં.

તે એટલે સુધી કે ઘણી વાર મુનિ જરત્કારુને એમ પણ લાગતું કે બ્રહ્મસાક્ષાત્કારની જે કલ્પના છે તે સ્નેહસાક્ષાત્કારનો જ પડઘો કદાચ હોઈ શકે. નિર્ગુણ, નિર્વિકલ્પ અને નિરાકાર બ્રહ્મ કરતાં અનેક ગુણથી ભરેલી, અનેક રંગી કલ્પનાઓના પુંજ સરખી અને સૌંદર્યના અખંડ આકાર સરખી પત્ની તેમના ધ્યાનમાં વધારે સહેલાઈથી ખેંચી જવા માંડી. વધારે નવાઈ જેવું તો એ હતું કે પર્ણકુટીને આંગણે બેઠેલી લાવણ્યમયી પત્ની પરબ્રહ્મની માફક પણ બની રહેતી હતી. ચંદ્રમાં ઘણી યે વાર નાગસુંદરીનું મુખ ચિતરાઈ રહેતું. શુક્રનો તારો ઘણી યે વાર જરાત્કારુની આંખ સ્મૃતિમાં લાવી દેતો. મંદમંદ સમીરમાં વનરાજિ હાલી ઊઠતી ત્યારે રાજકન્યાનાં મોહક વસ્ત્રો ઊડી રહ્યાં હોય એમ મુનિને લાગતું. અને વનમાં કોકિલા કૂજતી ત્યારે મુનિને એમ થતું કે નાગકન્યા કોઈ વૃક્ષની ડાળમાં સંતાઈ રહી છે.

તપ-સ્વાધ્યાયમાં પણ વચ્ચે વચ્ચે નાગકન્યાની મૂર્તિ ધ્યાનમાં આવીને ઊભી રહેતી. અને પછી તે એક સમય એવો આવ્યો કે મુનિ જરત્કારુ પત્નીનો ખોળો ભાગ્યે જ છોડતા–અલબત્ત જે તપમાં એમણે કાયા ક્ષીણ કરી નાખી હતી તે તપના ભણકારા મુનિને ઘણી વાર કહેતા કે તેનું તપ ઉપભોગમાં વહ્યું જાય છે અને પરબ્રહ્મ તરફનાં આગળ વધતાં ડગલાં એટલે અંશે પાછાં પડતાં જાય છે.

રાજકન્યા જરત્કારુના મુખમાં હવે કંઈ અવનવો ફેરફાર થયો. મુનિએ સમજી લીધુ કે પત્ની માતૃત્વમાં હવે પ્રવેશ કરી ચૂકી છે. એક દિવસ ત્રીજે પહોરે મુનિ જરાત્કારુ પત્નીના આનંદ પ્રેરિત અંકમાં મસ્તક મૂકી પોઢી ગયા. પ્રેમીને પ્રિયતમાનો અંક મળે ત્યારે યોગનિદ્રા સરખી ગાઢનિદ્રા આવી જાય છે. પત્નીને તો પતિનું શયન ઘણું ગમ્યું. પરંતુ ત્રીજો પ્રહર પૂરો થવા આવ્યો તો પણ મુનિ નિદ્રામાંથી જાગૃત થયા નહિ. સંધ્યાકાળ થવાની તૈયારી હતી. મુનિનાં તપ- ધ્યાન ઓછાં થયાં હતાં એ ખરું, પરંતુ એની ત્રિકાળ સંધ્યા હજી ચાલુ હતી, અને નાગકન્યાને પણ આર્યત્વનાં ચિહ્નો સરખી એ ત્રિકાળ સંધ્યા આવશ્યક લાગતી હતી એટલું જ નહિ, પરંતુ તેને ગમતી પણ હતી. જે આર્યત્વથી મોહીને નાગકન્યા જરત્કારુ મુનિને પરણી હતી તે આર્યત્વ ત્રિકાળ સંખ્યામાં સચવાઈ રહેતું તેણે જોયું. લાંબી નિદ્રામાંથી તેણે પતિને જગાડવાના કુમળા પ્રયત્નો કર્યા, પરંતુ સુખમય અંક છોડવો તે મુનિઓ માટે પણ મુકેલ છે.

અંતે સંધ્યાકાળ ઘેરો બનતાં પત્નીએ જરત્કારુને જરા ઢંઢોળી જગાડ્યા. જાગવાની અનિચ્છા તેમણે અર્ધનિદ્રામાં દર્શાવી, તે છતાં પત્નીએ પોતાના અંકને હલાવી ચલાવી મુનિની નિદ્રાનો ભંગ કર્યો અને કોણ જાણે કેમ મુનિ કુપિત થઈ બેઠા થયા.

‘મારી અનિચ્છા હતી છતાં તેં મને જગાડ્યો ?’ મુનિએ જરા ક્રોધ કરીને પ્રશ્ન કર્યો.

‘આ સૂર્ય આથમી જાય છે. અને નિદ્રામાં તમારી સાયંસંધ્યા પડે એ હું જરૂર ન ઇચ્છું, એટલે મેં તમને જગાડ્યા.’ પત્નીએ સૌમ્યતાપૂર્વક જવાબ આપ્યો.

‘હું સાયંસંધ્યા કરું નહીં ત્યાં સુધી સૂર્યથી કદી અસ્તાચળ ઉપર ઊતરી શકાય જ નહિ ! તું જાણે છે કે હું કે ભારે તપસ્વી છું ! સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીને પણ હું થંભાવી દઉં – ધારું તો !’

‘એ ખરું હશે. પરંતુ હવે તો તમારું તપ, બ્રહ્મની ઉપાસનાને બદલે મારા સૌંદર્યની ઉપાસનામાં સંક્રાંત થયું છે. મને ડર લાગ્યો કે કદાચ તમારા તપોબળથી સૂર્યાસ્ત બંધ ન રહે તો તમારી આટલી સાયંસંધ્યા પણ નિષ્ફળ જાય. એટલે મેં તમને જગાડ્યા.’ હસીને પત્નીએ પતિને ધર્મમાર્ગ દર્શાવવાનો પોતાનો ધર્મ બજાવ્યો.

અને જરત્કારુના હૃદયમાં એક તણખો ચંપાઈ ગયો. બ્રહ્મને મૂકીને જરત્કારુ મુનિ ભામિનીમાં એટલા લુબ્ધ થઈ ગયા હતા કે તેમની પત્નીને પોતાને જ તેમના તપમાં ઓટ આવતી દેખાઈ. એકાએક જૂના તપબળે તેમને એક બળવાન નિશ્ચય આપ્યો, અને તેમણે પત્નીને ગંભીર સ્વરે કહ્યું :

‘દેવી તારાથી બને એવું સુખ આપવામાં તેં કશી જ ખામી રાખી નથી. પરંતુ તેં મને હવે સાચેસાચ જગાડ્યો છે. હવે બ્રહ્મપ્રાપ્તિ પ્રાપ્તિ થયા સિવાય આ જગત ઉપર મારી દૃષ્ટિ પણ ઠરશે નહિ અને મારું અસ્તિત્વ આ ગૃહસ્થાશ્રમમાં રહી શકશે નહિ. સાયંસંધ્યા સાથે જ હું તને અને આશ્રમને છોડું છું.’

પત્નીની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યાં. પત્નીએ રુદનભર્યે સ્વરે કહ્યું :

‘મને ક્ષમા કરો ! આપને સૂવાની જ ઇચ્છા હતી અને આપને મેં ઇચ્છા વિરુદ્ધ જગાડવાનું પાપ કર્યું.’

‘તને યાદ હશે, દેવી ! કે લગ્ન પહેલાં આપણે એક શરત કરી હતી કે મારી ઈચ્છા વિરુદ્ધ તું કાંઈ પણ કરે તો મારે ચાલ્યા જવું. એમાં તારો દોષ નહિ, પરંતુ મારા જીવનનો એમાં ઉકેલ હશે. વિલાપ પણ પ્રેમ જેટલો જ બંધનકારક થઈ પડે છે. પ્રિયતમા ! પ્રેમને યાદ ન કરીશ, અશ્રુ ન પાડીશ અને મને મારે માર્ગે જવા દે. તેં જ માર્ગ સૂચવ્યો છે અને એ માર્ગની વચ્ચે તારાથી – મારી સહચરીથી અવાય જ નહિ. તારા જીવનવ્યવસાય માટે તને પુત્ર મળે છે અને પુત્ર મળતાં મારાં માતાપિતાનાં પ્રેતને પણ મુક્તિ મળશે. મને અને તને સદેહે મુક્તિ મળે એ માટે મને મારે માર્ગે જ જવા દે, જવા દે — જવા દે. કદાચ વિયોગ એ જ સાચો સંયોગ હોય.’

નાગકન્યા જરત્કારુએ અશ્રુને અટકાવી દીધાં. મુનિ જરત્કારુએ સાયંસંધ્યા કરી, પત્નીનું મુખદર્શન કરી આશ્રમ છોડ્યો. અને આર્ય બની ગયેલી નાગકન્યાએ આસ્તિક નામના પુત્રને જન્મ આપી મુનિઓને પણ પૂજ્ય એવું બ્રહ્મવાદિનીનું પદ મેળવ્યું.

નાગકન્યા આર્યોના તપને પરણી હતી, નહિ કે માત્ર દેહને !