હીરાની ચમક/કોણ છે? શૂદ્ર?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← દેહ અને દેહી હીરાની ચમક
કોણ છે? શૂદ્ર?
રમણલાલ દેસાઈ
૧૯૫૭
કમલનયના →કોણ શ્રેષ્ઠ ? શૂદ્ર ?


વર્ણોમાં કયો વર્ણ શ્રેષ્ઠ ?

સામાન્ય માન્યતા તો એવી છે કે સહુથી શ્રેષ્ઠ બ્રાહ્મણ, એથી નીચે આવે ક્ષત્રિય, ત્રીજો ક્રમ વૈશ્યનો અને સૌથી નીચો ક્રમ આવે શૂદ્રનો !

ગીતામાં કહ્યું છે તેમ ગુણ અને કર્મથી ચતુર્વણ વિભાગો ઈશ્વરે જ પાડ્યા. ગુણ અને કર્મથી વિભાગ સચવાતા હોય તો તેમની વિરુદ્ધ કોઈ કંઈ કહે નહિ. પરંતુ ગુણકર્મથી વર્ણ પામેલા માતાપિતાને ઘેર જન્મ લેનાર બાળકોને પણ તેમના ગુણકર્મની પરીક્ષા થયા સિવાય વર્ણની છાપ સમાજે ચોંટાડવા માંડી અને ધીમે ધીમે જન્મ એ જ વર્ણની છાપ બની ગયો. બ્રાહ્મણ છાપ પામેલાં માતાપિતાને ઘેર જે બાળક જન્મ લે એ જન્મથી જ બ્રાહ્મણ ગણાય અને લગભગ જીવે ત્યાં સુધી બ્રાહ્મણપણાને પકડી રાખે; ગુણકર્મ ભલે બ્રાહ્મણના ન હોય તોપણ ! શૂદ્ર માતાપિતાને ઘેર જન્મેલું બાળક જીવનભર શૂદ્ર રહે : પછી ભલે તેનામાં બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્યના ગુણ હોય !

ગામોના નિવાસ સ્વાભાવિક રીતે જ કોઈ જળાશય ઉપર રચવામાં આવે; અને એ જળાશય સતત વહેતી નદી હોય તો વળી એ નિવાસ્થાન વધારે અનુકૂળ. સતયુગ હોય કે કલિયુગ હોય તો પણ ગ્રામરચના આ જ ધોરણે થવાની. નર્મદાનો સુંદર કિનારો અને તેના ઉપર એક સુંદર ગામ વસ્યું હતું. ચાર વર્ણના લોક એમાં વસતા હતા અને વર્ણવ્યવસ્થા જડીભૂત થયેલી હોવાથી બ્રાહ્મણો બ્રહ્મપુરીની આસપાસ રહેતા હતા; ક્ષત્રિયો વાંટાને નામે ઓળખાતા વિભાગમાં રહેતા હતા, વૈશ્યો અવરજવરનો માર્ગ – વસ્તુઓની ખપતનો માર્ગ – જોઈ વિચારીને પોતાનું નિવાસસ્થાન બાંધતા, અને શૂદ્રોને તો ગામનો છેવાડાનો જ ભાગ મળે ને ? ઊંચ વર્ણ પોતાની પસંદગી કરી લે ત્યાર પછી શૂદ્રોએ પોતાનાં ઝૂંપડાં બાકી રહેલી જમીનમાં ઊભાં કરવાનાં અને સગવડ-અગવડ વેઠી ગામને છેવાડે રહેવાનું. એટલે શૂદ્રો તો ખાડાટેકરાવાળો ભાગ રહ્યો હતો તેના ઉપર વસી ગયા.

વર્ણ ભલે હોય ! વર્ણની જુદાઈ ભલે હોય ! પરંતુ પરસ્પરનું અવલંબન એ સાચામાં સાચી વસ્તુ બની રહેતું, બ્રાહ્મણને શૂદ્રોનો પણ ખપ અને વૈશ્યને ક્ષત્રિયનો પણ ખ૫. સંસ્કારકક્ષા સગવડ પ્રમાણે ભલે જુદી જુદી હોય, પરંતુ માણસાઈ અંગે અમુક અમુક ગુણલક્ષણ તો ચારે વર્ણમાં ઉદ્‌ભવ્યા સિવાય રહે જ નહિ. ગામનો શૂદ્રનિવાસ પણ પ્રમાણમાં ચોખ્ખો હતો. શૂદ્રોને વેદ ભણવાનો ભલે અધિકાર ન હોય છતાં શૂદ્રને પણ પ્રભુ કોઈ ને કોઈ સ્વરૂપે આછા પાતળા દેખાયા વગર ન જ રહે – પછી તે પીપળાના વૃક્ષનું સ્વરૂપ હોય, તુલસીનો પૂજનીય ક્યારો હોય કે પછી પથ્થરના પાળિયાનું સ્વરૂપ હોય. વેદની ઋચાઓ ભણનાર બ્રાહ્મણને વેદોચ્ચારથી જેટલો સંતોષ થાય એટલો જ આધ્યાત્મિક સંતોષ શૂદ્રોને પોતાના એક તારા સાથેના ભજનકીર્તનમાં પણ થયા જ કરે.

એ શૂદ્રનિવાસમાં તુલાધાર નામનો એક શૂદ્ર રહેતો હતો. બે ટંક શૂદ્રને ઘટતું સૂકું લુખ્ખું ખાવાનું મળે એટલી અંગમહેનત કરી એ પોતાનો વખત પ્રભુભક્તિમાં ગાળતો હતો. શાસ્ત્ર ભણ્યા વગર પણ પ્રભુ અણુઅણુમાં વસી રહ્યા છે એવો ભાવ તે અનુભવતો. પ્રભુને ધરાવ્યા સિવાય તે જમતો નહિ. ત્રણે ઉચ્ચ વર્ણની સ્થિતિ આર્થિક રીતે સારી એટલે તેમાંથી કોઈને સ્વાભાવિક રીતે જ ચોરી કરવાનું મન ન રહે. શૂદ્રોને તો બધી જ વસ્તુઓની ખોટ, અને સમાજ જેને ગુનો કહે એવી ઢબ સિવાય જોઈતી વસ્તુ મેળવવાનો બીજો માર્ગ જ નહિ, એટલે કદી કદી તેમનું વલણ એ તરફ વળે અને ઊંચી

ક્ષણે વર્ણ તેમના તરફ તિરસ્કારભર્યું વલણ દાખવે જ. પરંતુ ભક્ત તુલાધારને પોતાનો શ્રમ જે આપે તે સિવાય બીજુ કાંઈ પણ મેળવવાની ઇચ્છા રહી ન હતી. એટલે તેની પ્રતિષ્ઠા શૂદ્રોમાં જ નહિ પરંતુ ચારે ય વર્ણમાં ઠીક ઠીક જામી હતી. તેમાં યે વિદ્વત્તાની વાચાળતા અને જ્ઞાનના ઘમંડ વગરની તેની બક્તિ તુલાધારને લોકપ્રિય બનાવી શકી હતી. ભક્ત તરીકે તે ચારે ય વર્ણમાં જાણીતો થયો હતો – જોકે પંડિત, શાસ્ત્રી, કે વેદપાઠીને જે માન મળે તે ભક્તને ન જ મળે ! ઘોડે ચડેલા ગરાસિયાને સલામો થઈ શકે, પરંતુ ભક્તને ભાગ્યે જ સલામપાત્ર ગણાય. ધનિકોનાં વસ્ત્રઘરેણાં આંખનું જેટલું આકર્ષણ કરે એટલું આકર્ષણ ભક્તની તુલસીમાળામાં ન જ હોય ! ઠીક. ભક્ત એટલે ? નમસ્કાર કે સલામને પાત્ર વ્યક્તિ નહિ, પરંતુ ‘કેમ ભગત ?’ કહીને કદીકદી દૂરથી અર્ધકટાક્ષયુક્ત સંબોધનને લાયક એક માનવ પ્રાણી !

ભક્ત તુલાધારને કોઈ ભક્ત કહે કે ન કહે તેની પરવા હતી નહિ; પ્રભાતમાં તે સહુથી વહેલો ઊઠી નદીકિનારે જઈ સ્નાન કરે અને પોતાના ઘરમાં તે સ્થાપેલા ભગવાનની પૂજા કરી પોતાને કામે વળગે. તેની પત્ની પણ તેને અનુકૂળ હતી. ગરીબીનો તુલાધારને ગભરાટ ન હતો. દેહ ઢાંકવા માટે ફાટ્યાંતૂટ્યાં એકાદ બે વસ્ત્ર તેમને બસ થઈ પડતાં. નહાતી વખતે હાથે જ કપડાં ધોઈ તેઓ સ્વચ્છ બની પ્રભુ પાસે આવતા. ગામમાં કોઈ જાહેર કથાવાર્તા હોય તો તેઓ ઉચ્ચ વર્ણને સ્પર્શ ન થાય એમ દૂર બેસીને કે ઊભા રહીને કથાનું હાર્દ સમજતા, અને રાત્રે પોતાની વાણીમાં પોતાના ભાવને ઉતારતાં ગીતો સ્વાભાવિક રીતે રચી ભક્તિમાં લીન રહેતા.

ઈશ્વર વિદ્વતાની વસ્તુ નથી, વાચાળતાની વસ્તુ નથી, વાદવિતંડાની વસ્તુ નથી, પરંતુ સાચી દૃષ્ટિ અને સાચા હૃદયની વસ્તુ છે. તુલાધારનાં ભજનોમાં શબ્દો સાદા આવતા હતા, પરંતુ એની ચોટ જબરદસ્ત હતી કે ભલભલા વિદ્વાન બ્રાહ્મણોને પણ તુલાધારનાં ભજનો આકર્ષતાં હતાં. તેમનાં ભજનો ચારેય વર્ણમાં વ્યાપક બનવા લાગ્યાં. પાંડિત્યને અને ભક્તિને ભાગ્યે જ બને છે. સંસ્કૃત ભાષા ઉપર પ્રભુત્વ મેળવેલા બેપાંચ મહાપંડિતોને શૂદ્રનાં ભજનો બાહ્મણવાડામાં ગવાય તે રુચ્યું નહિ, એટલે તેમણે આજ્ઞા કરી કે તુલાધારનાં પ્રાકૃત, અશુદ્ધ ભજનોને બદલે ઋષિમુનિ રચિત સંસ્કૃત સ્તોત્રો જ બ્રાહ્મણોએ ગાવાં !

કોઈ ભાવિક બ્રાહ્મણે કે બ્રાહ્મણની સ્ત્રીએ આ આજ્ઞાનો સહજ વિરોધ કર્યો અને કહ્યું કે આવા પ્રભુપ્રેમી ભક્તનાં ભજનો ગાવામાં બ્રાહ્મણતત્ત્વ ખામીભર્યું બનતું નથી.

‘અંતે તુલાધારની જાત તો શૂદ્ર જ ને ?’ મહાપંડિતે કહ્યું.

‘પરંતુ કેટલું સ્વચ્છ હૃદય છે? બ્રાહ્મણની માફક કદી એ દાન સ્વીકારતો નથી.’ બ્રાહ્મણ સ્ત્રીએ ભક્તની તરફેણમાં આટલું કહ્યું. મહાપંડિતને તે રુચ્યું નહીં. તેમણે જવાબ આપ્યો :

‘દાન પણ અધિકારી જ લઈ શકે છે. આ તો જાતિએ શૂદ્ર રહ્યો. બે ટુકડા મીઠાઈના ફેંકીએ તો તે પણ ઉપાડી લેશે, જરૂર.’

‘તુલાધાર ભક્ત એવા નથી લાગતા.’ બ્રાહ્મણ સ્ત્રીએ જરા જક પકડી.

‘જાત ઉપર ભાત કેમ પડે તેનો પરચો હું તને કાલે જ કરાવું. પછી તો માનીશ ને? બે ભજનો ગાયાં એમાં શું? અંતે શૂદ્ર તે શૂદ્ર જ.’ મહાપંડિતે પોતાના બ્રાહ્મણત્વને આગળ કર્યું અને શૂદ્ર ભક્ત ઉપર બ્રાહ્મણની શ્રેષ્ઠતા સાબિત કરવાનો અખતરો રાતમાં વિચારી રાખ્યો.

પ્રભાત થયું ન હતું. આકાશમાં તારા ટમટમતા હતા. પાછલી રાત્રિ ઉતાવળાં પગલાં માંડી રહી હતી. ચારેય વર્ણમાંથી કોઈ પણ વર્ણનું માનવી નદીકિનારે સ્નાન માટે હજી આવ્યું ન હતું. ત્યાં તો ભક્ત તુલાધાર ધીમું ધીમું પ્રભુનું ગીત ગાતા નદી કિનારે આવી પહોંચ્યા. શીતલ જળમાં તેમણે સ્નાન કર્યું, બ્રાહ્મણ સરખું પ્રભુનું ધ્યાન ધર્યું અને ભળભાંખળું થતાં તેઓ પાછા ઘર તરફ-એટલે કે પોતાની ઝૂંપડી તરફ ચાલતા થયા. માર્ગના એકાન્તમાં એક ખુલ્લું શંકરનું મંદિર હતું. તે ખુલ્લું હોવાથી શૂદ્રોને પણ તેમના દર્શન કરવામાં હરકત આવતી નહિ. તુલાધારને એનાં દર્શન કરવાનો નિત્યક્રમ હતો. મંદિરમાં તેમણે આજે એક અવનવું દૃશ્ય જોયું. સુંદર ચાંદીના થાળમાં પાંચ પકવાન તેમને સ્પષ્ટ દેખાય એમ મૂકવામાં આવેલાં હતાં !

શૂદ્રોની કલ્પનાસૃષ્ટિમાં પણ ન આવે એવાં સ્વાદિષ્ટ એ પકવાન હતાં. એ પકવાનનું દર્શન અને એ પકવાનની સુવાસ, ભલભલા યોગીની સ્વાદેન્દ્રિયને જાગૃત કરે એવાં હતાં. તુલાધારે આસપાસ નજર ફેરવી. હજી કોઈ પશુ, પક્ષી કે માનવી આસપાસ જાગૃત હોય એમ તેમને લાગ્યું નહિ. ભગવાનને ધરાવવાનો આ થાળ હોય તો તેમનાથી આટલો દૂર એ કેમ મુકાયો હશે એની તુલાધારને સમજ પડી નહિ. ભગવાનની સમક્ષ તુલાધાર પોતે સેવક થઈને એ થાળ મુકવા જાય, અને કોઈ ઉચ્ચ વર્ણના ભક્તની એ સામગ્રી હોય તો તે અભડાઈ જાય એમ વિચારી તેમણે થાળને સ્પર્શ કરવાનો પણ વિચાર માંડી વાળ્યો. અને થાળ એમને એમ રહેવા દઈ મીઠો મીઠો પ્રભાત રાગ ગાતા ભક્ત તુલાધાર પોતાની ઝૂંપડીએ ગયા અને ત્યાં ભગવતસ્મરણ આરંમ્ભ્યું.

થોડો સમય વીત્યો. વર્ણશ્રેષ્ઠ બ્રાહ્મણોમાંથી કોઈ કોઈ વિદ્વાન ઊઠીને પ્રાતઃસ્નાન માટે નદી ઉપર જવા માંડ્યું. સ્નાન કરીને પાછા! આવતાં સહુને માટે ખુલ્લા મંદિરવાળો માર્ગ નક્કી થઈ ચૂક્યો હતો. તુલાધાર પછી પ્રથમ સ્નાન માટે ગયેલા બ્રાહ્મણ એક સમર્થ શાસ્ત્રી હતા, અને તેમણે અનેક મુશ્કેલ પ્રસંગો શાસ્ત્રને આધારે ટાળ્યા હતા. સ્નાન કરી પાછા આવતાં પ્રખર શાસ્ત્રીની નજરે પકવાનનો થાળ પષ્યો, અને જોકે તેઓ મહાપવિત્ર ગણાતા હતા, છતાં તેમની સ્વાદેન્દ્રિય જાગૃત થઈ. થાળ કોણે મૂક્યો હશે ? શા માટે મૂક્યો હશે ? પ્રસાદ હાય તો લીધા સિવાય જવાય કેમ ? વગેરે કેટલાય વિચાર તેમના મનમાં ઝડપથી આવી ગયા, અને અંતે પ્રભુના પ્રસાદને ન્યાય આપ્યા વગર ત્યાંથી ખસવું એ પાપ છે એ શાસ્ત્રાધાર વારંવાર તેમની નજર સમક્ષ ખડો થયો. તેમણે આસપાસ નજર કરી, કોઈ હતું નહિ. મિષ્ટાન્નપ્રિય બ્રાહ્મણે સહેજ સંકોચપૂર્વક મિષ્ટાન્નનો એક કકડો લીધો, બે લીધા, ત્રણ લીધા અને તે ચાખી જોયા; મિષ્ટાન્ન કે પ્રસાદનો કેટલોક ભાગ ઘેર પણ લઈ જવાને પાત્ર હતો એનો તેમને સ્વાનુભવ થયો; અને પાસેના વૃક્ષમાંથી પાંદડાં તોડી, તેમને યોગ્ય લાગ્યો એટલો પ્રસાદ થાળમાં રહેવા દઈ, બીજો પોતાની પત્રાવલીમાં લઈ શાસ્ત્રીજી પોતાની પર્ણકુટિમાં પહોંચી ગયા.

મહાપંડિત અને તેમનાં પત્ની એક અનુકૂળ સ્થળે સંતાઈને આ બંને દૃશ્ય જોઈ શક્યાં. ચાંદીનો આખો થાળ સાથે જ શાસ્ત્રીજી પ્રસાદને કેમ ઉપાડી ન ગયા એનો વિચાર કરતાં બન્ને પતિપત્ની પોતાને ઘેર આવ્યાં. શૂદ્રભક્ત એ બંનેની કસોટીમાં પાંડિત્ય અને શાસ્ત્રજ્ઞાનથી પણ પર થઈ ચૂકેલો પ્રભુનો ભક્ત હતો એમ સમજાયું. અને એ મહાપંડિતે પણ હવે સંસ્કૃત સ્તોત્રને સ્થાને તુલાધારનાં પ્રાકૃત પદ ગાવા માંડ્યાં !

ગામના ક્ષત્રિય ઠાકોર બહુ વટવાળા હતા. સરસ ઘોડા ઉપર સવારી કરે, જામાસાફા પહેરે, મુકુટ ધારણ કરે, હાથમાં સુવર્ણ કડાં અને કાને હીરાની મરચીઓ પહેરે અને સુંદર કારીગરી ભરેલી મૂઠવાળાં તલવાર-જમૈયા કમ્મરે ખોસે. તેમની ગઢી પાસે થઈને તુલાધાર ફાટેલાં વસ્ત્રો સહ એકતારા સાથે કંઈક ભજન ગાતાં પસાર થતા હતા. ઠકરાણી ગઢીને ઓટલે સૂર્યપૂજન કરતાં હતાં તે તુલાધારને જોઈ નીચે આવ્યાં અને ભક્તને નમસ્કાર કર્યા.

‘ઠકરાત અમર રહો તમારી, બહેન !’ એટલું નમસ્કારના જવાબમાં કહી તુલાધાર ત્યાંથી ચાલ્યા ગયા. રણશૂરા ઠાકોરે આ જોયું અને સાંભળ્યું. ઠકરાણી ઘરમાં આવ્યાં એટલે ઠાકોરે તેમને પૂછ્યું :

‘પેલા ભગતને કંઈ આપ્યું નહિ કે ?’

‘ના. ભગત કોઈનું દાન લેતા નથી.’ ઠકરાણીએ કહ્યું.

‘આપણે ક્યાં કંઈ દાન ભરીકે આપવું હતું? એકાદ સારું પહેરણ કે સારા જામો એને આપ્યો હોત તો આખું વર્ષ ચાલત. જો ને, એણે પહેરેલું વસ્ત્ર પાંચ જગ્યાએથી તો સાંધેલું હતું !’

‘એ ભગત જાતમહેનત સિવાય બીજા કોઈનું કાંઈ લેતા નથી.’ ઠકરાણીએ કહ્યું. રજપૂત ઠાકરનો સીનો ફરી ગયો. ક્ષત્રિય દાન કરે બક્ષિસ આપે તેની ના પાડનારો દુનિયામાં કોઈ જ જ નથી, એવો ભાવ તેની મુદ્રામાં દેખાઈ આવ્યો.

‘ઠકરાણી ! મારી ભેટ મારા કહ્યા સિવાય તમારો ભગત લઈ લે તો તમે શું કરો?’ ઠાકોર બોલ્યા.

‘તો હું ભગતને પગે લાગવાનું જિંદગીભર છોડી દઈશ.’ ગરાસણી બોલી.

અને ત્રીજે દિવસે એક ચમત્કાર બન્યો. એ જ છત્ર રહિત દેવાલય પાસે એક નાનકડા વૃક્ષ ઉપર રત્નજડિત મૂઠવાળી તલવાર, સોનેરી જામો, કસબી સાફો અને રત્નજડિત મુકુટ, હીરાનો હાર અને કીનખાબી મોજડી, ભરાવેલાં હતાં. અને આખું ગામ સૂતું હતું ત્યારે સ્નાન કરવા આવેલા તુલાધાર ભક્તે સ્નાન કરી પાછા ફરતાં આ રજવાડી કિંમતી વસ્તુઓ અને આભૂષણો નિહાળ્યાં. નજર તો તેમની પડી. થોડા દિવસ પહેલાં અચાનક પકવાનના ચાંદીના થાળ પડ્યા હતા; આજ કોઈ રજવાડી ઠાઠનો પોશાક પણ એ જ સ્થળે મુકાયા હતા. તુલાધારના દેહ ઉપર નાનકડા ફાટેલા વસ્ત્ર સિવાય બીજું કાંઈ ન હતું. ચારે પાસ કોઈ હતું જ નહિ. આટલી વસ્તુઓ ઉપાડી અને તુલાધાર ગામમાંથી ભાગી જાય તો પણ બીજે ગામ સહકુટુંબ જીવનપર્યંત સુખથી રહે એટલી આ પોશાકની કિંમત હતી. પરંતુ તુલાધારની દૃષ્ટિએ આ ચમત્કારે જુદું જ સ્વરૂપ ધારણ કર્યું.

‘કોઈ રાજવી આ પવિત્ર નર્મદામાં સ્નાન કરવા ગુપ્ત રીતે આવ્યા છે. એનો પોશાક પ્રભુ સાચવી રાખો અને સ્નાનપુણ્યભર્યા એના દેહ ઉપર વીરાજી પોશાક પણ પવિત્ર બનો !’

આવો વિચાર કરી દેવનાં દર્શન કરી પોશાક પાસે થઈને તુલાધાર પોતાની ઝૂંપડીએ આવીને ધ્યાનમાં બેઠા. આંખે ઊડીને

વળગે એવા પોશાક તરફ તેમણે બીજી નજર પણ નાખી નહિ. તીખો રજપૂત તીખાશને છોડીને તુલાધારનાં પગરખાં વગરનાં પગલાં સામે જોઈ રહ્યો. અને ઠકરાણીની વિજયદષ્ટિ સામે ન જોતાં એ પગલાંને બે હાથે નમન કર્યું.

ક્ષત્રિય કરતાં શૂદ્ર ક્ષત્રિયના જ હૃદયમાં ઊંચા આસને બેઠો.

અઠવાડિયા પછી તુલાધારે ત્રીજો ચમત્કાર એ જ સ્થળે જોયો. પ્રત્યેક ગ્રામવાસી કરતાં વહેલા ઊઠી નર્મદાસ્નાન કરનાર તુલાધારે એ પ્રભાતે તે ચકિત થઈને થોડીક ક્ષણ સુધી વૃક્ષને નિહાળ્યું પણ ખરું. વૃક્ષ ઉપર સુવર્ણ ફળ અસંખ્ય લટકી રહ્યાં હતાં.

“આ સ્થળે શો ચમત્કાર થાય છે?...કોને માટે આ ચમત્કાર થાય છે ?...પ્રભુ કોઈને કાંઈ આપી રહ્યો છે ? કે તાવી રહ્યો છે ?... એક દિવસ પકવાન, બીજે દિવસે પોશાક અને ત્રીજે દિવસે સુવર્ણ ફળ ! ...પ્રભુ ગામને આબાદી આપવા ઊતરતો દેખાય છે ! પ્રભુનાં આવાં પગલાં આ ગામે નિત્ય ઊતરો !'

તુલાધારના મનમાં આવા વિચારો આજે ઊભરાઈ રહ્યા. રોજ કરતાં મંદિર પાસે તેઓ વધારે વાર ઊભા રહ્યા. ખાતરી કરવા માટે બીજી વાર સુવર્ણફળ તરફ દૃષ્ટિ કરી પણ ખરી. પરંતુ એ દષ્ટિમાં ન લોભ હતો, ન તૃષ્ણ હતી, ન આશા હતી. પ્રભુએ આ બધી વસ્તુઓ મૂકી હોય તોપણ પોતાને માટે મૂકી છે એવો ક્ષણભર પણ તેમને અંદેશો સુદ્ધાં આવ્યો નહિ. અને પ્રભુને સ્મરતાં, પ્રભુને પોતાના હૃદયમાં વધારે પ્રકટ કરતાં, પ્રભુમાં વધારે ને વધારે ઊંડા ઊતરતાં. ચમત્કારને પોતાના હૃદયમાં છૂપો રાખી, તેઓ ઝૂંપડીએ પહોંચ્યા અને આઠે પહોર ખાધાપીધા વગર ભજન કીર્તન જ કર્યા કર્યું. તુલાધારનાં પત્ની અને તેમના ભક્તોને તો એમ જ લાગ્યું કે તુલાધારને તે દિવસે કાંઈ પ્રભુનાં ચમત્કાર ભર્યાં દર્શન થયાં જ હતાં, કારણ તુલાધારની સતત કિર્તનભક્તિમં પ્રભુનાં પ્રત્યક્ષ, દર્શનની જ ભાવના ઊભરાઈ રહી હતી.

ચમત્કારના ઉકેલની ભક્તને પરવા ન હતી ચમત્કાર હોય કે  ન હોય તો પણ પ્રભુ વગર પાંદડું પણ હાલતું નથી એવી શ્રદ્ધા ધરાવનારને જીવનમાં સર્વ વ્યવહાર પ્રભુની લીલારૂપ જ લાગે છે.

પરંતુ ગામના સર્વશ્રેષ્ઠ ધનપતિને તો આમાં પ્રભુના ભક્તનો ચમત્કાર વધારે દેખાયો. ધનપતિના કુટુંબને કોઈ ધર્મ ઊભરાની ક્ષણે એ ખ્યાલ આવ્યો કે પોતાને ઘેર એક ભજનમંડળી રાત્રે બેસાડવી અને તેમાં તુલાધાર ભક્તને નોતરવા. તુલાધારે હરિજનોમાં એ રાત્રે.ભજન માટે જવાનું કબૂલ કર્યું હતું. એટલે નમ્રતાપૂર્વક શેઠને ત્યાં જવાની ના પાડી. શેઠે કોઈ ધનિક માણસ પણ લલચાય એટલી ભેટ ધરવાનું કહેણ મોકલ્યું, પરંતુ એથી વધારે નમ્રતા સાથે તુલાધારે કહેણ નકાર્યું, અને એ જિલ્લાના જિલ્લા ખરીદી લેનાર શેઠનું અભિમાન ઘવાયું. પ્રભાતના પહોરમાં જ આ ભક્ત લલચાયા વગર રહે નહિ એવી યોજના કરવા માટે તેમણે એક આખું વૃક્ષ સોનાનાં ફળથી ભરી દીધું. શેઠ અને શેઠાણી બંને ભક્તની કસોટી કરવા માટે સંતાઈને ઊભાં રહ્યાં. તુલાધારે સુવર્ણ ફળ તરફ નજર કરી એટલે તેમને લાગ્યું કે ભક્ત લલચાયો. પ્રભુના દર્શન માટે એણે ચાર ડગલાં ભગ્નમંદિર તરફ ભર્યા અને તેમને લાગ્યું કે હવે આ ભક્ત સુવર્ણ ફળ તોડવા માંડશે. સુવર્ણ ફળ લીધા વગર પાછા ફરતા ભક્તે સુવર્ણ ફળ તરફ આંગળી પણ ન ઉપાડી...! છતાં આગળ જઈને પણ ફરી ફળ તરફ દૃષ્ટિ કરી એટલે તેમને લાગ્યું કે ભક્ત ઉપર ધનનો હવે વિજય નક્કી થયો. પરંતુ પ્રભુની સાથે સુવર્ણ ફળના ચમત્કારને પણ નમન કરી તેમને અડક્યા વગર પાછા ફરેલા તુલાધારને નિહાળતાં શેઠશેઠાણીનું ધનાભિમાન ગળી ગયું અને બંનેએ ભક્તના પડેલાં પગાંમાંની ચપટી ધૂળ ઊંચકી પોતાને માથે મૂકી.

બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, એ ત્રણે કરતાં છેલ્લી વર્ણનો શૂદ્ર ઉચ્ચ કક્ષાનો નીવડ્યો. ચારે ય વર્ણ તુલાધાર ભક્તની ભક્ત બની ગઈ.

તુલાધારનું શું થયું ? એ ગરીબ રહ્યો કે તવંગર બન્યો એ પૂછવાને અધિકાર કોઈને હોઈ શકે ?  પ્રભુએ તુલાધારને અને તુલાધારે પ્રભુને ઓળખ્યા !

ચક્રવર્તી કરતાં પણ પ્રભુમિલનનો વિજય નાનો હશે ખરો ? વેદપઠન કરતાં પ્રભુનાં દર્શન ઊતરતાં ગણાય ખરાં ?

વિશ્વભરની સંપત્તિ કરતાં પ્રભુમયતા નાની ગણાય ખરી ? તલાધારે પ્રભુને મેળવ્યા હતા; એ ભક્ત હતો.