લખાણ પર જાઓ

હીરાની ચમક/કલ્યાણી

વિકિસ્રોતમાંથી
← અણધાર્યો મેળાપ હીરાની ચમક
કલ્યાણી
રમણલાલ દેસાઈ
૧૯૫૭
મારો એકનો એક આશ્રય →


કલ્યાણી

કૌશિક હતો તો બ્રાહ્મણ અને વસતો હતો નર્મદા કિનારે, પરંતુ એનાં કૃત્યો શૂદ્રને પણ શરમાવે એવાં હતાં. તે બ્રાહ્મણ માબાપને ઘેર જન્મ પામ્યો. ઉપવીત દ્વારા બ્રાહ્મણની છાપ પ્રાપ્ત કરનાર સહુ કોઈ બ્રાહ્મણ રહેતા જ નથી. બ્રાહ્મણત્વને પગ નીચે રગદોળનાર બ્રાહ્મણો આજે જ જન્મે છે એમ નહિ, પુરાણકાળમાં માર્કણ્ડેય ઋષિના યુગમાં પણ આવા બ્રાહ્મણ હતા, જેમાંનો કૌશિક એક હતો. બ્રાહ્મણોને તો શું, પરંતુ ચારે વર્ણને મના કરેલાં કાર્યો તે કર્યે જતો હતો. બધાં ય વ્યસનો એને ખરાં, પરંતુ ‘કામ’એ એનું મહાવ્યસન. સુંદર સ્ત્રીને જુએ અને તેનું હૃદય ધબકી ઊઠે. સૌંદર્યૌપભોગની તેને મર્યાદા ન હતી. જ્યાં જ્યાં સૌંદર્ય ત્યાં ત્યાં કૌશિકની ઉપભોગજાળ બિછાયેલી જ હોય.

સૌંદર્ય, માનવસૌંદર્ય, સ્ત્રીસૌંદર્ય સદા સર્વદા વિશુદ્ધ જ હોય છે એમ માનવાની જરૂર નથી. સૌંદર્યના અંચળા નીચે ઘણી વાર મનના, બુદ્ધિના કે દેહના રોગ ભરપૂર ભરેલા હોય છે. અને ઉપભોગની આતશ અનુભવતા રૂપભોગી પુરુષને તે વળગી પણ પડે છે. કૌશિકની કામવાસના એટલી તીવ્ર બની ગઈ હતી કે ઉપભોગને અંગે એ નહોતો જોતો સ્થળ કે સમય, ઘર કે બહાર, વર્ણ કે અવર્ણ, પાત્ર કે અપાક્ષ, અને તેનો દેહ ના પાડતો છતાં તેનું મન તેને વિસ્તૃત સ્ત્રી સમાજની તરફ જ દોર્યે જતું હતું. એમાંથી કોઈ કુષ્ઠ રોગી સ્ત્રીનો સંબંધ થતાં તેને કુષ્ઠરોગ લાગુ પડ્યો હતો. અને એ ઢાંકવાના અનેક પ્રયત્ન કરવા છતાં એના દેહ ઉપર તેનાં ચિહ્ન ઢંકાયેલા રહ્યાં નહિ. બીજાથી કદાચ થોડા દિવસ એ પોતાના રોગને છૂપો રાખી શકે, પરંતુ પોતાની પત્નીથી એ રોગ છૂપો રાખી શકાય એમ હતું જ નહિ.

આવા મહાકામી કૌશિકને એક પત્ની પણ હતી. માર્કણ્ડેય પુરાણ એ પત્નીનું નામ સ્પષ્ટ કરતું નથી, પરંતુ આપણે એને કલ્યાણી નામ આપીશું. અતિકામીઓને અનેક રોગ થાય છે. અને રોગિસ્ટપણું વળી કામજ્વાળાઓ વધારે પ્રદીપ્ત કરે છે. કુષ્ટરોગ એક એવા પ્રકારને રોગ છે એમ આજનું વિજ્ઞાન કહે છે. એ ફેલાતો અટકાવવાના વર્તમાન વૈદ્યકીય પ્રયત્નોમાં મોટામાં મોટા પુકાર એ જ હોય છે કે કુષ્ઠ રોગીઓની વાસનાને અવધિ નથી ! અને એ રોગ વાળા આનુવંશિક પણ હોય છે ! કૌશિકને રોગે ઘેરવા માંડ્યો તેમ તેમ એની વાસના વળી પ્રબળ થવા લાગી. કામીઓને માટે પત્ની પણ તૃપ્તિનું એક સાધન જ છે ને ? પતિપત્નીનાં સહજીવન જેમ મૈત્રીમાં પરિણામ પામે છે તેમ બીજી પાસ ઉપભોગનો અનિવાર્ય આશ્રય પણ બની રહે છે. કૌશિકના કુષ્ટરોગે એને જરા ય પાછાં પગલાં ભરાવ્યાં નહિ. રોગ વધતો ચાલ્યો, શક્તિ ક્ષીણ થતી ચાલી, છતાં સૌંદર્યલોલુપ આંખ કોઈ પણ સ્ત્રીદેહનાં અંગ-ઉપાંગ જોતાં થાકતી નહોતી.

કૌશિકનું એક જ મહાભાગ્ય કે એને કલ્યાણી સરખી એકનિષ્ટ પત્ની મળી હતી. એ હતી ઘણી સુંદર, પરંતુ માનવજાતના અનેક પતિઓની માફક કૌશિકનું પુરુષત્વ કે સૌન્દર્યભૂખ પત્નીના સૌંદર્યથી પણ વધારે મોટો સૌંદર્ય વિસ્તાર માગતાં હતાં. આજના યુગની માફક માર્ણ્ડેયના પુરાણયુગમાં પણ બુદ્ધિનો, તર્કનો અને દલીલ બાજીનો ખૂબ વિકાસ થયેલો હોવો જોઈએ. ઘણા ઘણા દોષોને બુદ્ધિ ગુણ તરીકે લેખાવવા મથે છે. કૌશિક બુદ્ધિબળ વાપરી પોતાના દોષને ઢાંકવા-ઢંકાવવા મથતો હતો. પરંતુ કલ્યાણીને કોઈ પણ તક કે દલીલબાજીની જરૂર ન હતી. સાચો કે ખોટો એક સિદ્ધાંત હૃદયમાં ઊંડો ઉતારીને એ પતિગૃહે આવી હતી : પતિ એટલે પરમેશ્વર ! સ્ત્રી પ્રાણી તરીકે અજબ છે, અને માનવી તરીકે પણ અજબ છે. સુખ આપીને, દુઃખ ખમીને, દેહને આહુતિમાં મૂકીને એ સર્જન કરે છે. એ કાર્યમાં જ એની પુરુષ કરતાં પણ વધારે માનવશ્રેષ્ઠતા સ્થપાઈ ચૂકી છે. સ્ત્રી સ્વભાવથી જ સતી હોય છે, પછી ભલે એને પતિત અવસ્થામાં ઉતારી દેવાતી હોય. કલ્યાણી સતીત્વની ભાવના લઈને પરણી હતી. પતિને પરમેશ્વરની માફક પૂજતી હતી. એ ભાવના સાચી છે કે કેમ, સ્ત્રીપુરુષના સરખા હક્કની ભાવના. આ ભાવનાથી વધારે ઉચ્ચ કક્ષાની છે કે કેમ, એવા એવા પ્રશ્નો આજની માફક પણ કદાચ ત્યારે ઊપજતા હશે. અને બંડખોર સ્ત્રીઓ એ યુગમાં પણ જાગતી હશે. પરંતુ સ્ત્રીવર્ગના મોટા ભાગની માફક ભાગ્યમાં આવેલો પુરુષ એ જ ભગવાન એમ માનીને કલ્યાણી ચાલતી હતી. પતિના વ્યસનો તેને ગમતાં નહિ જ. પતિની અનિયંત્રિત કામ વાસના પ્રત્યે કોઈપણ પત્નીની માફક કલ્યાણીને સદ્‌ભાવ ન જ હોય. તેને અણગમો પણ થઈ ગયો હતો. પતિ પ્રતિષ્ઠિત અને સુખી બને એવી તેની નિત્ય કામના રહેતી. પતિને સુધારવા માટે કદી કદી એ શિખામણ પણ આપતી. પરંતુ કામાન્ધ કૌશિકને એની કાંઈ પણ અસર થતી નહિ. કલ્યાણીએ આ સંજોગોમાંથી પોતાને કર્કશા તરીકે વિકસાવી હોય તો કેવું પરિણામ આવત એ પ્રશ્ન બીજાને ઊપજે, પરંતુ કલ્યાણીના હૃદયમાં એ પ્રશ્નો ઊપજ્યો નહિ. ક્લેશ, કંકાસ, કકળાટ, ધમપછાડ, ઘરની હવાનું સમુદ્રમંથન રિસામણાં કે પલાયન સરખા સ્ત્રીસહજ ઉપચારો કલ્યાણીની પતિભાવનાને માટે શક્ય ન હતા. એની પતિભાવનામાં તો એક જ સિદ્ધાંત સ્થિર થઈ ચૂક્યો હતો. પતિની સેવા એ જ પત્નીનો ઉદ્ધાર ! પતિ જો ખરેખર સારપનો અવતાર દેખાયા કરે તો એની સેવા માટેનો અવકાશ જ ક્યાં રહ્યો ? પતિની જેટલી વિચિત્રતા એટલી પત્નીની વિવિધતાભરી સાચી સેવા, અને પતિ જ જો પરમેશ્વર હોય તો આવાં દુર્ગુણનાંજ દર્શન દ્વારા એ પત્નીના સતીત્વની કક્ષા વધારે તીવ્ર અને ઊંચી કેમ બનાવતો ન હોય ? 

આ ઢબે પતિપત્નીનો વ્યવહાર ચાલ્યા કરતો હતો. કૌશિક ગાન, તાન, મોજ, મજાહ ને કામવૃત્તિના વિધવિધ પ્રયોગોને લઈને અતિ કુષ્ઠરોગી બની ઘરમાં પત્નીને દમવા લાગ્યો અને પોતાના મહારોગ માટે સારવાર પણ પામવા લાગ્યો. કલ્યાણીને તો પતિના આનંદમાં જ આનંદ, પતિના સુખમાં સુખ, અને પતિની સારવારમાં જ માનવસેવા સમાઈ ગયેલાં હતાં. રોગ શરીરમાં પ્રવેશ પામે એટલે એને વધતાં પણ વાર ન લાગે. કૌશિકનો રોગ વધતો ચાલ્યો. પગની આંગળીના ટેરવાથી શરૂ થયેલો કુષ્ઠરોગ ધીમેધીમે હાથ સુધી પહોંચ્યો, અને તેના મુખ ઉપર પણ રોગની રેખાઓ ઊપસવા માંડી. કલ્યાણી સારવાર કરે, વૈદ્યોને બોલાવે, તેમની દવા કરાવે, વ્રતવર્તુલા કરે, અને નિત્ય પ્રભુની ઉપાસનામાં પતિનો રોગ ટળી જાય એવી જ પ્રભુ પ્રત્યે પ્રાર્થના તેની હોય. પ્રાર્થના તો હવે કૌશિક પણ કરતો હતો. કારણ તેના અવરજવરમાં હવે મુશ્કેલીઓ પડવા લાગી; જે બજારુ સુંદરીઓનો તે સાથ સેવી રહ્યો હતો તેમણે એનો તિરસ્કાર કરવા માંડ્યો. અને ગાયન–વાદનના જલસામાં કદાચિત્ મુશ્કેલીએ પણ હાજરી આપે તો એને જોઈને જ એ સંગીતજલસા સમેટાઈ જતા. સગાંવહાલાં હવે એની શારીરિક સ્થિતિની તપાસ કરવા જતાં પણ ડરવા લાગ્યાં. મિત્રો કોઈ રહ્યા નહિ. અને સહુ કોઈ કૌશિકની દયા ખાવાને બદલે ‘જેવાં કર્મ કરે તેવાં ભોગવે’ એમ કહી વ્યવહારુ ડહાપણ આગળ કરતાં હતાં.

એવા સંજોગોમાં કૌશિક પ્રાર્થનાનો શોખીન થાય એ સમજી શકાય એવું છે. પોતાનો રોગ મટે એમ એ ચાહતો હતો. પરંતુ એ ચાહના અને પ્રાર્થના પાછળ તેની એક જ લાલસા હતી કે રોગ થતા પહેલાં જે આનંદનો એ અનુભવ કરતો હતો (તે) આનંદ એને પાછો પ્રાપ્ત થાય. દુઃખનું આછું પણ શમન થાય તે ક્ષણે એને નારીદેહનું સૌન્દર્ય, યુવતીઓના અલંકાર અને હાવભાવવાળાં નૃત્ય જ યાદ આવતાં હતાં. મર્યાદા રહિત ઉપભોગે તેની આ સ્થિતિ કરી હતી એમ હજી તેને ચીવટાઈથી લાગતું ન હતું. કુરૂપ બનતો દેહ તિરસ્કારાતો હતો, જ્યારે એ દેહમાં વસેલો જીવ આનંદપ્રમોદનાં સ્થળોએ રખડતો હતો.

સાર્વજનિક તિરસ્કાર પામતા પતિની પત્નીને પણ એ તિરસ્કારમાં ભાગ લેવો પડે છે. કલ્યાણીને પોતાનો તિરસ્કાર થાય એમાં કાંઈ હરકત લાગતી નહિ, પરંતુ એના પ્રત્યેની સહાનુભૂતિમાં એને પતિનો તિરસ્કાર થતો એ એને જરા પણ ગોઠતું નહિ. કદી કદી એની સખીઓ પૂછતી :

‘કલ્યાણી ! કેમ છે ઘરમાં હવે ?’

‘હવે ઠીક થતું જાય છે, વૈદ્યરાજ સાચા ધન્વંતરિ છે.’ કલ્યાણી જવાબ આપતી.

‘તારા મોંમાં ગોળ, બાઈ ! પણ જરા સારું થતાં તારો વર પાછો ભટકવે ન ચઢે એ જોતી રહેજે.’ સખીની સલાહ મળતી. અને એ સલાહ સાચી હોવા છતાં તેના પતિભક્ત હૃદયને પ્રજાળી મૂકતી. આવી સલાહો વધવા માંડી અને જનતા વચ્ચે જીવવું એને અતિશય દોહ્યલું થઈ ગયું ત્યારે તેણે એક યુક્તિ કરી. નગરની બહાર, એકાત સ્થળે શંકરનું એક મંદિર આવ્યું હતું. અને એ મંદિરની ધર્મશાળામાં કૌશિકના રોગના ઈલાજ કરનાર વૈદ્યરાજ રહેતા હતા. એ ધર્મશાળાની પાસે ઝૂંપડી બાંધી આઠે પ્રહર વૈદ્યની નજર નીચે રહેવાય તો ઈલાજનું પરિણામ વધારે અસરકારક આવે એવી તેણે પતિને વિનંતી કરી. રોગ વહેલો મટે એને પાછી જૂની રંગરાગ દુનિયા તેને મળે એવી પત્નીની સર્વવિનંતી સ્વીકારવાને માટે પતિ તૈયાર હતો. કલ્યાણીએ ધર્મશાળાથી થોડે એક ઝૂંપડી બાંધી, થોડો ઘરવખરી ભેગી કરી, અને આખો દિવસ અને રાત પતિને પાટાપિંડી બાંધવામાં, કાષ્ટમૂળ ઘસીઘસીને ચોપડવામાં, માટીચંદનના લેપ કરવામાં તેણે ગાળવા માંડ્યાં. રોગ તો ઘટવાને બદલે વધતો જતો હતો. કૌશિકના હાથપગ નિરુપયોગી બનવા લાગ્યા હતા, અને કલ્યાણીના ટેકા વગર હાલવું — ચાલવું પણ કૌશિક માટે મુશ્કેલ થઈ પડ્યું હતું. માત્ર આ સ્થળે એક જ સુખ કલ્યાણીને હતું. પતિની નિંદા કરનાર ભાગ્યે જ આ બાજુ દૃષ્ટિ કરતાં.

રાત્રિનો સમય હતો. બહાર અંધકાર વ્યાપેલો હતો. સોમપ્રદોષની એ રાત્રિ હતી. અને કૌશિકના અંગછેડાઓ અતિશય પીડા કરતા હતા. કૌશિકે આખી દુનિયાને ગાળો દીધી; પોતાના ભાગ્યને ગાળો દીધી; ઈશ્વરને પણ ગાળો દીધી. એટલું જ નહિ પણ તેની સતત સેવા કરતી પત્નીને પણ તેણે ગાળો દીધી. ઘણી વાર માનવીને દુઃખ પડે છે ત્યારે તે દુઃખનાં કારણ બીજાને માથે ઢોળવામાં આનંદ માને છે. કુષ્ઠરોગી પતિનું ભાગ્ય લઈને આવેલી કલ્યાણી જાણે એના કુષ્ઠરોગનું કારણ હોય એમ એણે તે રાત્રિએ વર્તન કરવા માંડ્યું. કલ્યાણી ગાળોને ગણકારતી ન હતી. એ જાણતી જ હતી કે પતિનો અસહ્ય રોગ પતિના મુખમાંથી ગાળો બોલાવે છે. રોગિષ્ઠ માણસોની વાચા પણ રોગિષ્ઠ બની જાય છે. એમાં માનવી જ એકલો દોષપાત્ર છે, એના કરતાં એનો રોગ વધારે દોષપાત્ર છે એમ કલ્યાણી માને એમાં નવાઈ ન હતી. કૌશિકના કષ્ટપછાડા જેમ જેમ વધતા ગયા તેમ તેમ કલ્યાણીના હૃદયમાં વધારે ને વધારે ચીરા પડતા ચાલ્યા. એ જાણતી હતી એટલા બધા ઈલાજો એણે શરૂ કરી દીધા. અને આંસુ ભરેલી આંખે કૌશિકના દેહને જેમ બને તેમ વહેલી ટાઢક વળે તેવા પ્રયત્નો તેણે મુખ મચકોડ્યા વગર કરી દીધા.

અને એકાએક કૌશિકની આંખમાં આછી આનંદની ચમક ચમકી ઊઠી. કલ્યાણીએ પણ એ ચમક જોઈને કૃતકૃત્યતા અનુભવી અને સહર્ષ પૂછ્યું :

‘હવે જરા આતશ શમ્યો ?’

‘આતશનું શમન શરૂ થઈ ગયું છે.’ પતિએ જરા વધારે પ્રફુલ્લ મુખ કરી કહ્યું. પતિની આંખ ઝૂંપડીને ન જોતાં ઝૂંપડીની બહાર કંઈ નિહાળી રહી હોય એમ કલ્યાણીને ભાસ થયો. કલ્યાણીએ પણ ઝૂંપડીની બહાર નજર નાખી પાસેની ધર્મશાળામાં વસતા ધન્વંતરિ સરખા વૈદ્યરાજને સાભાર યાદ કર્યા અને કહ્યું : ‘વૈદ્યરાજના હું શા શા આભાર માનું ?’

‘વૈદ્યરાજ !... અરે હાં ! એ તો ઠીક છે. પણ અત્યાંરે મને શાતા વળવાની શરૂઆત કેમ થઈ તેની તને હજી સમજ પડતી લાગતી, નથી.’ કૌશિકે કહ્યું.

‘ના, હું તો એક જ વાત જાણું : મારા પતિદેવને જેનાથી સુખશાંતિ થાય એ મારો પ્રભુ.’ એકનિષ્ઠ કલ્યાણીએ જવાબ આપો.

‘તો જરાક વધારે કાન માંડીને સાંભળ. કાંઈ સંભળાય છે ?’

‘ના; મને તો તમારા શબ્દ વગર બીજું કાંઈ સંભળાતું નથી.’

‘જીવનભર બબૂચક રહે, કલ્યાણી ! કાંઈક નૃત્ય થતું હોય એવું તને સંભળાતું નથી ?’ રસરોગી પતિ કૌશિકે પત્નીનું ધ્યાન ખેંચી પાસેના શિવમંદિરમાં ચાલતા નૃત્યઝણકાર અને વાદ્યરણકારનું સૂચન કર્યું. કલ્યાણી ચમકી આવા કષ્ટપ્રદ રોગમાં પણ કૌશિકને અસર કરે છે નૃત્યઝણકાર !

‘હા; કાંઈ સંભળાય છે ખરું.’ કલ્યાણીએ કહ્યું.

‘અરે, શું ગમાર જેવી વાત કરે છે ? હું આટલે દૂર રહ્યાં રહ્યાં એ કોનું નૃત્ય છે, અને કોનો સાજ છે, એ કહી આપું. કહે ન કહે પણ આપણા નગરની સર્વશ્રેષ્ઠ નર્તકી કીર્તિદા શિવમંદિરમાં નૃત્ય કરતી લાગે છે. વાહ !’ કીર્તિદાને ત્યાં કરેલી કેટલીયે ધીંગામસ્તી યાદ કરતો પતિ કૌશિક કુષ્ઠરોગના સણકા સહન કરીને ય પોતાનો ભૂતકાળ યાદ કરવા લાગ્યો.

‘હા, આ આજ સોમવાર છે. હું વૈદ્યરાજ પાસે શિવમંદિરમાં ગઈ ત્યારે મેં સાંભળ્યું હતું કે કોઈ નર્તકી શિવમંદિરમાં આવવાની છે.’ કલ્યાણીએ કહ્યું.

‘કલ્યાણી ! તું મારી પત્ની છે, નહિ ?’ પતિએ પૂછ્યું.

‘હા. સૂર્ય અને અગ્નિ સમક્ષ હું આપની પત્ની બની છું. કેમ એમ પૂછવું પડ્યું ? મારી સેવામાં કંઈ ખામી ?’ કલ્યાણી બોલી.

‘ના, ના, ના ! તારી સેવામાં તે ખામી હોય ?’

‘ત્યારે તમે એવો પ્રશ્ન કેમ કર્યો ?’ ‘તને કહું કે ના કહું?’ પત્નીની પતિભક્તિનો બને એ લાભ ઉઠાવવાની કળામાં કૌશલ્ય મેળવી ચૂકેલા પતિએ કળાનો ઉપયોગ કર્યો.

‘મને નહિ કહો તો કોને કહેશો ? તમારા મનને અને તે જે રીતે સુખ થાય, જે માર્ગે સુખ થાય, એ માર્ગે જવા હું આજન્મ બંધાયેલી છું.’

‘આજ સુધી મને કદી શંકા આવી નથી કે તું મારું સુખ વાંચ્છતી નહિ હોય.’ પતિએ કળા વિસ્તારવા માંડી.

‘તો આજ શું શંકા આવી?’

‘ના. પરંતુ ભવિષ્યમાં પણ કદી શંકા ઊભી ન જ થાય, એમ સિદ્ધ કરવા માટે હું તારી પાસેથી એક માગણી કરું છું.’

‘તો એમાં વાર કેમ લગાડો છે ?’

‘જો, તું મારા આવા કષ્ટમાં મને થોડી પણ સુખની ક્ષણ આપવા ધારતી હો તો મને ટેકો આપી શિવમંદિરમાં લઈ જા.’ પતિએ કહ્યું.

અને હવે કલ્યાણી ખરેખર ચમકી. આવા રોગમાં પણ પતિને નૃત્ય-ગીત અને નર્તકીઓની શૃંગારરમતનો મોહ જરા યે ખસ્યો દેખાતો નથી ! કલ્યાણીએ કહ્યું :

‘પણ એ તો નૃત્ય ને સેવા પણ કરવા આવી છે. હવે એ બીજા કોઈને પોતાનું નૃત્ય કે પોતાનો દેહ વેચે એમ નથી.’

‘એ જે હોય તે. હું યે ક્યાં એનો દેહ કે એનું નૃત્ય વેચાતાં માગું છું ? શિવમંદિરમાં ભક્તજન તરીકે હું અને તું બંને બેસી શકીશું.’ પતિએ સરળતાભર્યું કારણ રજૂ કર્યું.

‘કૌશિક ! હવે હદ થાય છે. આજ તને ના કહેવાનું મને મન થાય છે.’ કલ્યાણીએ સીમા બહાર પહોંચી ગયેલા પતિનાં દુષ્કૃત્યોની સીમા હજી પણ વધારે વિસ્તૃત બનશે એમ ધારેલું નહિ.

‘માટે જ મને શંકા આવી. તારી પતિસેવા એ સાચી સેવા છે કે કેમ એનું અત્યારે જ પારખું.’ પતિએ કહ્યું. ‘અતિ સેવામાં હું તમારી કુ-સેવા કરી રહી છું એમ મને લાગે છે.’ પત્નીએ કહ્યું.

‘કલ્યાણી ! તું મારું સુખ વાંચ્છે છે, નહિ ? મને આ ભયંકર રોગમાંથી થોડીક ક્ષણો પણ સુખની આપવી હોય તો મને મંદિરમાં લઈ જા અને શંકરનાં દર્શન કરવા દે.‘ પતિએ અત્યંત આર્જવ પૂર્વક પત્નીને વિનંતી કરી. પત્ની જાણતી હતી કે પતિ શંકરનાં દર્શન કરવા કરતાં નર્તકીના હાવભાવને અને દેહહિંડોળને નીરખવા માટે જ પ્રવૃત્ત થયા છે; પરંતુ એને ખ્યાલ આવ્યો કે ઔષધિ જે સુખ કે શાંતિ પતિને આપી શકતી ન હતી તે સુખ અને શાંતિ પતિને નર્તકીના દેહડોલનમાં મળતી લાગે છે. પત્નીનું શું કર્તવ્ય ? આ અતિકષ્ટની ક્ષણે ? પતિનું કષ્ટ ઘટે એમ કરવું કે જે દોષમાંથી કષ્ટ ઉત્પન્ન થયું હતું તે દોષ તરફ પતિને દોરવો ?

પતિમાં હવે વધારે દૂષિત થવાની પણ શક્તિ રહી ન હતી – નિદાન તેના દેહમાં તો નહિ જ. નર્તકી પણ શંકર પાસે પોતાના કલાદોષનું અંતિમ સમર્પણ કરવાને આવી હતી. સહુનું કલ્યાણ કરનાર શિવ એ સ્થળે બિરાજતા હતા, કદાચ કલ્યાણીનું – કહો કે કૌશિકનું અંતિમ કલ્યાણ સાધવા સાક્ષાત શિવ પતિને મુખે આ બોલ બોલાતા હોય તો ?

જીવનભર જેણે પતિમય માનસ બનાવ્યું હતું એ કલ્યાણીને પતિની ઇચ્છા પૂર્ણ કરતાં બહુ વાર લાગે એમ હતું જ નહિ. મંદિર અને ઝૂંપડી વચ્ચે ત્રણસો ચારસો ડગલાંનું અંતર હતું. પતિને ટેકો આપી કલ્યાણીએ ચલાવ્યો, પરંતુ ખવાઈ ગયેલાં આંગળાંવાળા પગ ક્યાંથી ચાલી શકે? કૌશિકનું મન મંદિરમાં નાચ કરતી નર્તકી તરફ દોડતું હતું, જ્યારે એના પગમાં દોડવાની શક્તિ પણ ન હતી અને દોડવાનું સાધન પણ ન હતું. એકાએક કૌશિકે ઈચ્છા અને ફળ વચ્ચેનું આટલું અંતર જોઈ કલ્યાણીને કહ્યું : ‘કલ્યાણી ! મને તું ઉપાડી ન લે ? હવે થોડાં ડગલાં રહ્યા છે, અને આ અંધકારમાં મને કે તને કોઈ દેખવાનું નથી.’

‘કોઈ દેખવાનું હોય તો પણ શું ?’ કહી કલ્યાણીએ પતિને ઉપાડવાની ચર્યા કરી. એટલામાં બાજુ ઉપરથી એક અત્યંત દુઃખિત પુરુષનો અવાજ સંભળાયો :

‘મને પાણી આપો !’

‘કોણ છે, ભાઈ તું?’ કલ્યાણીએ પૂછ્યું.

‘હું માંડવ્ય માનનો બ્રાહ્મણ છું. પાણી વગર હું મરતો પડ્યો છું. મને બચાવવો હોય તો દોડતી જઈને પાણી લઈ આવ.’ પાણી વગર તરફડતો બ્રાહ્મણ માંડવ્ય આર્જવપૂર્વક પાણી માગવા લાગ્યો.

એક બાજુ તૃષાતુર બ્રાહ્મણનો જીવ જતો હતો, બીજી બાજુએ મોહાતુર પતિનો પ્રાણ જતો હતો. પાંચપંદર ક્ષણમાં પતિને મંદિરમાં મૂકી તે પાણી લઈ આવે એમ હતું. એટલે કલ્યાણીએ કહ્યું:

‘ભાઈ માંડવ્ય ! પાંચ ક્ષણ ધીરજ રાખ. મારા પતિને મારે મંદિરમાં ઊંચકીને લઈ જવા પડે છે. ત્યાં મૂકી આવી તને પાણી પાઉં.’

‘નર્તનભોગી પતિની વાસના કરતાં અને મારી પાણીની જરૂર ઓછી લાગે છે, ખરું ? વાસનાવશ પતિને તૃપ્ત કરનારી તું સૂર્યોદય પહેલાં પતિવિહોણી થઈશ અને તારું સૌભાગ્ય નંદવાશે.’ માંડવ્યે કંપિત થઈને શાપ આપ્યો.

પતિસેવામાં તલ્લીન બનેલી કલ્યાણીથી પણ એકાએક બોલાઈ ગયું:

‘મારા પતિને મારાથી વિખૂટો પાડે એવો સૂર્ય કદી ઊગશે જ નહિ.’

અને કૌશિક, કલ્યાણી અને માંડવ્ય, ત્રણે એકદમ ક્ષુબ્ધ બની ગયાં. માંડવ્યે પતિને મૃત્યુ આપ્યું હતું; સતીએ પતિનું મૃત્યુ લાવનાર સૂર્યને જ અદૃશ્ય કરવાનો શાપ આપ્યો હતો; અને સૂર્ય ન ઊગે તે દિવસે આખા વિશ્વનું મૃત્યુ ઊપજે ! હવે શું કરવું ?

વિચારમાં ને વિચારમાં ત્રણે જણની રાત્રિ વીતી ગઈ. કૌશિકના દુઃખભરેલા દેહમાં એક વિચાર ઝબક્યો. આવો દેહ સજીવન રાખીને  પણ શો અર્થ ? એના કરતાં દેહ પડે તો આ રોગની જ્વાળામાંથી તે ઊગરી પણ જાય. અને ખરેખર એ પ્રસંગે રોગના દુ:ખે કૌશિકના દેહ ઉપર તેણે કદી ન અનુભવે હુમલો કર્યો, અને તેણે પોતાનું સત્વર મૃત્યુ ઇચ્છ્યું. સતી કલ્યાણી કૌશિકને મૃત્યુમુખે જવા દે એમ હતું નહિ. એક કુપિત બ્રાહ્મણનું વચન, અને એક કુપિત સતીનું વચન, બંને સામસામે ઘર્ષણમાં ઊતર્યાં. શિવપૂજન કરી, શિવને પોતાનું નર્તન અર્પણ કરી, વેશ્યાવૃત્તિને તિલાંજલિ આપી, વેશ્યા એ માર્ગેથી પ્રભાતની પળ આવતાં પાછી ફરતી હતી. તેણે આ હકીકત સાંભળી. એ નર્તકી કૌશિકને એના જુવાનીના સમયમાં સારી રીતે ઓળખતી હતી; એના રોગની વાત પણ એ સારી રીતે જાણતી હતી; અને કલ્યાણી સરખી સેવાભાવી પત્ની તેની શુશ્રુષા કરી જીવતો રાખી રહી હતી એ પણ આખા ગામ સાથે નર્તકી કીર્તિદા જાણતી હતી. શિવમંદિરની બહાર આમ શુદ્ધિનું વાતાવરણ છવાઈ ગયું. પીડા ભોગવતા કૌશિકને હવે મૃત્યુની જ તમન્ના લાગી હતી. દેહ ઉપર તેને પરમ વિરાગ આવી ગયો હતો. સારણ ઉપર ઘસાતા હથિયારની માફક તેના દેહે રોગમાં ઘસાઈ ઘસાઈને કામનાને તિલાંજલિ આપી દીધી. નર્તકીએ ગામમાં જઈને આ વાત ફેલાવી, અને સતીના શાપથી સૂર્યોદય થશે જ નહિ એવી આગાહીમાં તેણે આખા નગરને વ્યથિત પણ કર્યું.

માર્કંડેય પુરાણ તો કહે છે કે કેટલા યે દિવસ સુધી સતીની ઇચ્છાનુસાર સૂર્યોદય થયો જ નહિ અને આખા બ્રહ્માંડમાં હાહાકાર વ્યાપી ગયો. કદાચ કોઈ અકલ્પ્ય વાદળોએ, કોઈ અકલ્પ્ય ગ્રહે વચ્ચે આવી સૂર્યોદયને અટકાવ્યો હોય તો કોણ જાણે ! પરંતુ આખા ગામને અત્યંત ભય ઉત્પન્ન થયો. અને પાસે જ નર્મદાતટે આશ્રમ સ્થાપી રહેલાં અત્રિ- અનસૂયાની પાસે ગામના આગેવાનો દોડી ગયા. પતિના મહિમાને સતત બિરદાવતાં સતી અનસૂયા સૂર્યને રોકીને બેઠેલી કલ્યાણી પાસે આવ્યાં, અને પ્રસન્ન મુખે કલ્યાણીની હકીક્ત અને માંડવ્યની હકીક્ત સાંભળી લીધી, અને કહ્યું : ‘તમે ત્રણે સાચાં પડો એમ આપણે કરીએ તો?’

‘હું મારા પતિને કદી મરવા ન દઉં. ભલે સૂર્ય ન ઉગે અને બ્રહ્માંડ રસાતાળ ચાલ્યું જાય !’ કલ્યાણીએ કહ્યું.

‘કલ્યાણી ! આ દેહ તને ભાગ્યે જ ખપ લાગ્યો છે. એ દેહનો નાશ થાય એમાં જ એના દેહને સુખ છે. તું હઠ પકડીને બેસ નહિ. સૂર્યનો ઉદય થવા દે અને મારા આ પાપી દેહને પડવા દે !’ કહી કૌશિક જમીન ઉપર ઢળી પડ્યો. અતિ ઘસાયેલા તેના દેહમાં પ્રાણ રહ્યો નહિ એમ કલ્યાણીને લાગ્યું. અને એકાએક સૂર્યોદય થયો. અને આખી સૃષ્ટિ આનંદની ઊર્મિ અનુભવવા લાગી.

પરંતુ કલ્યાણી શૂન્ય બનીને બેસી રહી. પતિના દેહને અગ્નિ દાહ દેવાય તે પ્રસંગે સહગમન કરવાનો નિશ્ચય તેની આંખમાં તરવરી રહ્યો. સૂર્યે ઊગીને કલ્યાણીના પાતિવ્રત્ય ઉપર કલંક લગાડ્યું હતું. એવી તેના મનમાં ખાતરી થઈ ગઈ હતી. કલંકિત દેહ પતિના દેહ સાથે બળતાં વિશુદ્ધિ પામશે એમ ધારી તે સહગમનની રાહ જોતી બેઠી.

સતી અનસૂયાએ કૌશિકના દેહને ઉપાડી લીધો અને પાસેના જ નર્મદાતટ ઉપરના આશ્રમમાં લાવી એ દેહને મૂક્યો. પાસે એક મોટો ખાડો કર્યો. અને કૌશિકના દેહને બાળવાને બદલે સંન્યાસીની માફક પદ્માસન વાળી બેસાડી તેના ગળા સુધી માટી પૂરી લીધી. કલ્યાણીથી રહેવાયું નહિ. તેણે પૂછ્યું:

‘માતાજી ! આ બધું શું થાય છે? હું તો સહગમનની તૈયારી કરું છું. પતિના દેહને બાળો કે દાટો, પરંતુ એની સાથે મારી જગા રાખો.’

અનસૂયાના મુખ ઉપર જરા યે શોક હતો નહિ. તેમણે કહ્યું :

‘તું સાચી સતી છે. તારું સ્થાન તારા પતિ સાથે જ છે.’

‘ક્યાં છે મારો પતિ?’ કલ્યાણીએ પૂછ્યું.

‘ઘડી બેઘડી રાહ જો. એટલામાં તને તારો પતિ ન મળે તો હું મારે હાથે તને તારા પતિની ચિતા ઉપર ચઢાવીશ.’ કૌશિકનો દેહ બે ઘડી સુધી એ માટી ભરેલા ખાડામાં પુરાઈ રહ્યો. બે ઘડી વીતી અને કોશિકની મૃત આંખોમાં સહજ ગતિ આવી હોય એમ દેખાયું. આંખમાં ગતિ આવી એટલે તેના મુખમાં પણ જીવન આવતું દેખાયું. અને થોડી વારમાં તો તે બોલી પણ ઊઠ્યો :

‘કલ્યાણી ! મારો દેહ બહુ જ શાતા અનુભવે છે. મને આ માટીમાં જ રાખી મૂકશો તો મારું જીવન સુખમય જશે.’

કલ્યાણીના સતીત્વને પ્રભાવે, અનસૂયાના આશીર્વાદને પ્રભાવે કે અનસૂયાના આશ્રમની માટીના ઉપચારથી કૌશિકનો દેહ નીરોગી બન્યો અને ખાડામાંથી તેને બહાર કાઢલામાં આવ્યો ત્યારે કુષ્ઠરોગનું એક પણ ચિહ્ન ન દેખાતાં તેજસ્વી બ્રાહ્મણને શોભે એવો તેનો દેહ બની ગયો.

કૌશિકે કલ્યાણીને જોઈ. કલ્યાણીનું રૂપ જોયું. સતી અનસૂયાને જોઈ, અનસૂયાના રૂપને નિહાળ્યું, બન્ને સૌન્દર્યસંન્ન સાધ્વીઓ હતી. કૌશિકના હૃદયમાંથી કામવાસના અદૃશ્ય થઈ અને સ્ત્રીના માતૃત્વને, રક્ષક તત્ત્વને, ક૯યાણતત્ત્વને નિહાળી તે બન્ને સતીઓને સાષ્ટાંગ પ્રણામ કરી રહ્યો.

‘હવે આ સુવર્ણશુદ્ધ બનેલા દેહને ફરી ભોગ કે રોગમાં હું ન ઉતારું એવો મને આશીર્વાદ આપો.’

માર્કંણ્ડેય પુરાણની આ કથા સાચી છે કે ખોટી એનો નિર્ણય આજની બુદ્ધિને આપી શકાય એમ નથી.

પરંતુ હજી નર્મદા કિનારાની અનસૂયા ક્ષેત્રની માટી અનેક કુષ્ઠરોગીઓને આરામ આપે છે અને શાસ્ત્રીયતામાં માનતી આજની વૈદકીય વિદ્યા પણ એ સ્થળે દવાખાનું કાઢી મૃત્તિકા ઉપચારને જીવંત રાખે છે.

માર્કંણ્ડેય પુરાણને રચાયે હજારેક વર્ષ થઈ ગયાં એમ માનીએ તોપણ આજનું ઉપચારગૃહ હજાર વર્ષનો અંકોડો સાંધતું ઊભું છે એટલું જ આપણા બુદ્ધિયુગમાં આપણે કહી શકીએ.

—વાર્તા ભલે ખોટી હોય.