હીરાની ચમક/જીવન : પ્રભુપ્રીત્યર્થે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← મોક્ષ હીરાની ચમક
જીવન : પ્રભુપ્રીત્યર્થે
રમણલાલ દેસાઈ
૧૯૫૭
ભક્તિ? કે પ્રભુકૃપા? →જીવન : પ્રભુપ્રીત્યર્થે


ચોલા અને પાંડ્ય રાજ્યો દક્ષિણ ભારતનાં ઘણાં પ્રાચીન મહારાજ્યો. ઉત્તર ભારતનાં મહારાજ્યોની માફક દક્ષિણના છેક છેલ્લા ખૂણામાં આવેલાં એ રાજ્યોએ પણ ભારતીય સંસ્કૃતિના વિકાસમાં ભારે ફાળો આપ્યો છે, એ ભારતીય સંસ્કૃતિના અભ્યાસીઓએ સમજવું બહુ જરૂરી છે. કૃષ્ણભક્તિ, રામભક્તિ, શિવભક્તિ જેમ ઉત્તરમાં હતી તેમ જ દક્ષિણમાં પણ હતી. આઠમી સદીથી દક્ષિણ ભારતે જ આપણા મોટા ભાગના આચાર્યો આપ્યા છે.

પાંડ્યવંશના રાજાઓની રાજધાની મદુરાનગરીમાં. બળદેવ નામે એક પ્રજાપ્રિય રાજવી હજાર બારસો વર્ષ ઉપર ત્યાં રાજ્ય કરતો હતો. સારા રાજવીઓનું એક મુખ્ય લક્ષણ એ હતું કે પ્રજાનાં દુ:ખ–સંકટ પોતાની આંખે જુએ અને તેનું તત્કાળ નિવારણ કરે. રાજા વિક્રમની પેઠે અંધારપિછેડો ઓઢવો, રાતમધરાત નગરચર્ચા કરવી, સારાખોટાનું પારખું કરવું, દંભીઓને ઉઘાડા પાડવા, અને દુઃખદર્દનો ત્યાં જ સ્થળ ઉપર, કાગળ પત્રોની રમત વગર, નિકાલ કરવો એ સારા રાજવીઓનું મહત્વનું કામ હતું.

એક વાર પાછલી રાત્રિએ રાજ બળદેવર્મન મદુરાનગરીની શેરીઓમાં છૂપા વેશે ફરતા હતા. ફરતાં ફરતાં તેઓ એકાંત સ્થળ ઉપર આવ્યા. જ્યાં એક વિશાળ વૃક્ષની ઘટા નીચે, જમીન ઉપર, એક પુરુષને સૂતેલો જોયો. રાજાને કુતૂહલ થયું. તેની આખી પ્રજાને અન્ન, વસ્ત્ર અને ઘર ક્યારનાં મળી ચૂક્યાં હતાં. આ ઘર વગરનો માનવી ક્યાંથી અહીં આવી નીચે નિદ્રા લેતો હતો ? એને ખરેખર ઘર ન હોય તોપણ એ રાજાનો જ પ્રશ્ન ગણાય. પરદેશથી નાસી આવી નગરીમાં ભરાયેલો કોઈ દૂત હોય તો ય તે રાજનો પ્રશ્ન ગણાય. પત્નીથી રિસાઈ કે કંટાળીને ઘર બહાર ભાગી આવી અહીં કોઈ સૂતો હોય તો એ કૌટુંબિક પ્રશ્ન પણ અંતે તો રાજાએ જ ઉકેલવો રહ્યો. એ પુરુષ એવી સુંદર નિદ્રા લેતો હતો કે એ કોઈ ગુનેગાર હોય, દુશ્મન રાજ્યનો દૂત હોય, કે દુ:ખી ગૃહસ્થ હોય એમ મહારાજાને લાગ્યું નહિ. તેનાં વસ્ત્રો તેને કોઈ ધનિક કે સત્તાધીશની કક્ષાએ મૂકતાં ન હતાં. સ્વચ્છ, પરંતુ ધનિકતાનો અભાવ સૂચવતાં એનાં પરિધાન હતાં – જોકે તેની મુખમુદ્રા ઉપર તેજ લખલખી રહેલું દેખાતું હતું.

કુતૂહલ ન શમતાં મહારાજને સૂતેલા પુરુષને વિવેકપૂર્વક જાગૃત કર્યો. પ્રસ્સનમુખ પુરુષે રાજાની મહત્તાને ઓળખી અને કહ્યું : ‘રાજન્ ! રાજધર્મ તો સરસ બજાવો છો. પરંતુ હું કાંઈ દુઃખી, દરિદ્રી કે ગુનેગાર માનવી નથી.’

‘તો આપ આવી જમીન ઉપર કાંઈ પણ સાધન વગર કેમ સૂઈ રહ્યા છો ? નગરમાં જોઈએ એટલાં વિશ્રામસ્થાનો છે. મારા મહેલમાં પણ આપ પધારી શકો છો.’ મહારાજાએ સાધુને કહ્યું.

‘ધન્યવાદ, રાજવી ! આમ જ રાજ્ય કરતા રહેજો. હું તો હવે આગળ તીર્થધામોમાં ચાલ્યો જઈશ. વિષ્ણુપાદોદકી ગંગામાં સ્નાન કરી દક્ષિણનાં તીર્થોમાં ફરી વળું છું. અને અમારે, પ્રભુસેવકોને, તો ભગવાનની ભક્તિ એ જ મહેલ રૂપ છે. પ્રભુનો આશ્રય સ્વીકારનારને તો ફૂલશય્યામાં પણ નિદ્રા આવે, અને ધૂળ રેલીમાં પણ નિદ્રા આવે. વરાહ ભગવાને ઉદ્ધારેલી આ પવિત્ર પૃથ્વીમાં શી મણા હોય ? અમને ભૂમિશયન જ ગમે.’ સૂતેલા પુરુષે જાગૃત થઈ વાર્તાલાપ શરૂ કર્યો હતો. પરંતુ એ વાર્તાલાપ આગળ વધારવાની તેની જરા યે ઇન્તેજારી દેખાઈ નહિ. એ તો પોતાનાં વસ્ત્ર, ઝોળી અને લોટો બટોરીને આગળ વધવાની તૈયારી કરવા લાગ્યો. પરંતુ રાજ બળદેવવર્મનનું કુતૂહલ વધારે તીવ્ર બન્યું. મહેલનો ઘુમ્મટ અને વૃક્ષનો ઘુમ્મટ આ માનવીને સરખો લાગતો હતો ! સુખશય્યા અને ભૂમિશયન એ બંનેમાં આ પુરુષને સહેજ પણ ફેર લાગ્યો નહિ ! વાત પણ સાચી. ભૂમિશયન તેના મુખ ઉપર જરા યે વિક્રિયા ઉપજાવી શક્યું ન હતું. વધારામાં કૂલશય્યા ઉપર એ સૂતો હોય એવું એનું મુખ નિદ્રામાં પ્રસન્ન દેખાતું હતું. રાજાની પાસે બધી સત્તા હતી; ઝૂંપડીમાંથી એ મહેલ પણ સર્જી શકે, અને કીચડમાંથી બાગ પણ સર્જી શકે. રાજવીની સત્તા રંકને ધનવાન કરી શકે અને ધનવાનને રંક પણ કરી શકે. પરંતુ રાજસત્તા આ પ્રસન્નમુખ પુરુષ આગળ આવીને અટકી જતી. મહેલ આપવા માંડ્યો ત્યારે આ પુરુષે એને વૃક્ષઘુમ્મટ સરખો બનાવી દીધો; સુખશય્યા આપવા માંડી ત્યારે તેને ભૂમિશય્યા એના સરખી જ સુખદ લાગી. રાજા પોતાની સત્તા સાથે, પોતાની સમૃદ્ધિ સાથે, પોતાના જ્ઞાન સાથે જે કરી શકતો ન હતો તે આ સંતપુરુષ રાજાના દેખતાં કરી શક્યો.

‘સાધો ! ક્ષણભર થોભો. મારી વિનંતી છે કે આપ મારા નગરને જ પાવન કરો. મારે આપની સાથે ઘણી વાત કરવી છે.’ રાજાએ જવાની તૈયારી કરતા સાધુને કહ્યું.

‘રાજન્ ! સાધુ તો ચાલતો જ ભલો, રાજા પવિત્ર હશે એ નગરી પણ પવિત્ર જ હશે. અને… હું તો કોઈ વિદ્વાન નથી, પંડિત નથી, શાસ્ત્રી નથી, યોગી નથી, કે જેથી મારા વાક્‌ચાતુર્ય દ્વારા હું તારા ઉપર છાપ પાડી શકું. વાતચીતનો કંઈ અર્થ જ નથી, એવી અમારી અજ્ઞજનોની માન્યતા.’

‘તો આપ છો કોણ ? આપને ઓળખવા શી રીતે ? વાતચીત સિવાય બીજી કઈ રીતે હું આપની નજીક આવી શકું ? આપના જેવી પથ્થર અને સુવર્ણ એક માનતી માનસિક શક્તિ મારે જોઈએ છે. આપ જ મને એ આપો.’ રાજાએ આર્જવપૂર્વક સાધુને કહ્યું.

‘હું છું પ્રભુના ચરણની રજ, પહેલાં જ મેં મને ઓળખાવ્યો. વાતચીત તો મારી સાથે શી કરવાની ! હું અજ્ઞાનીની સાથે ? સાચી વાતચીત પ્રભુ સાથે થાય, રાજન્‌ ! અને એ વાણીનો વિષય નથી; હૈયા ઉકલતની વાત બની રહે છે. અને મારા જેવી શક્તિ ? સુવર્ણ અને પથ્થરને એક માને એવી ? રાજન્ ! સુવર્ણ અને પથ્થર બનાવનાર પ્રભુ ! માગો એ શક્તિ એની પાસે.’

‘એ ક્યારે મળે ?’

‘પ્રભુને ઓળખો, પ્રભુમાં તન્મય થઈ જાઓ, તે દિવસે પ્રભુની સઘળી રિદ્ધિસિદ્ધિઓ તમારી આસપાસ રમ્યા કરશે. કલ્યાણ થાઓ, રાજન ! જય શ્રીકૃષ્ણ !’

રાજા બળદેવર્મન વિચાર કરતો ઊભો રહ્યો અને પરવા વગરના સાધુને ઈશ્વરસ્મરણ કરતો જતો જોઈ રહ્યો. મહારાજાને લાગ્યું કે તે પોતે ધર્મિષ્ઠ હતો. રાજાને યોગ્ય આચરણ પણ કરતો હતો, અને તેની રૈયત પણ સુખી હતી; છતાં, સર્વસત્તાધીશ રાજા હોવા છતાં, હજી એની પાસે એ ન હતું. જે આ ચાલ્યા જતા સાધુ પાસે હતું. એ કયું તત્ત્વ? પ્રભુ ! પ્રભુનું સાન્નિધ્ય ! એ સિવાયની સઘળી પ્રાપ્તિ અધૂરી તો ખરી જ ને ?

ધર્માચરણ કરતા રાજાને અંધારપિછોડો ઓઢીને નગરમાં ફરતાં રાજ્યની ખામી તો કાંઈ દેખાઈ નહિ, પરંતુ તેની પોતાના હૃદયની કોઈક ખામી દેખાઈ આવી. બળદેવવર્મન રાજાના હૃદયને એ જ એ ક્ષણથી ચોટ લાગી. રાજાને પણ સામાન્ય માનવીની માફક પ્રભુ પાસે તો પગે ચાલીને જ જવાનું ને ! રાજકાજ એ કરતો, મહારાજવીઓ સાથે સંધિવિગ્રહમાં ઊતરતો, પ્રજાની ફરિયાદ સાંભળતો, આજ્ઞા આપતો, અને તેનું પાલન પણ કરાવતો; છતાં તે સર્વની પાછળ એક ડંખ તેને વાગી જ રહેલો હતો; હજી પરમ તત્ત્વ પિછાનવાનું તો બાકી જ ને ?

એની વિકલતા પ્રધાનો, સામંતો, અધિકારીઓ અને કુટુંબીઓને પણ પરખી ગયા. એક વખત રાજ્યપુરોહિતને પણ મહારાજાએ કહ્યું કે, પુરોહિત સરખા વિદ્વાન કર્મકાંડીએ રાજાને પ્રભુપ્રાપ્તિનો માર્ગ બતાવવો. પંડિતે પોતાની અશક્તિ જાહેર કરતાં કહ્યું :

‘મહારાજ ! હું તો ભૂલ વગરનું કર્મ કરાવું અને શાસ્ત્રના  આધારો કાઢી બતાવું. પ્રભુદર્શનનો માર્ગ તે ન્યારો જ છે ! એ તો કોઈ વિરલ સંત કે ભક્તની કૃપાથી આપને ખબર પણ ન પડે અને માર્ગ જડી જાય.’

'એ ભક્ત સંત આપણને ક્યાં મળે ?' રાજાએ પૂછ્યું.

‘રાજન ! એવા ભક્ત કે સંત ન વેશથી પરખાય, ન સ્થાનથી. પરખાય, ન રૂપથી પરખાય, ધર્મકર્મ કરીએ, યાત્રા પર્યટનમાં ફરીએ, અગર સાચા ખોટાંનો વિચાર કર્યા વગર સાધુસંતને સતત નોતરીએ, એમાંથી કોઈક સ્પર્શમણિ સરખો સંત આપણને મળી જાય.’ પુરોહિતે કહ્યું.

મહારાજ બળદેવવર્મન પુરોહિતની વાણી સાંભળી રહ્યો. રાજાનું હૃદય તો સ્વચ્છ થવા જ માંડ્યું હતું. પુરોહિતે તેના જ વિચારનો પડઘો પોતાની વાણીમાં પાડ્યો હતો. વિચાર હતો. વિચાર અને વાણી સુધી રાજ બળદેવવર્મન પહોંચ્યા. હવે તેને કર્મમાં પગલું મૂકવાનું હતું. અને રાજા બળદેવવર્મને તે મૂક્યું પણ ખરું.

રાજા બળદેવવર્મને તીર્થયાત્રાઓ કરી અને ન હતાં ત્યાં તીર્થધામો ઊભાં પણ કર્યા. યજ્ઞયાગાદિ કાર્યો પણ તેણે કરવા માંડ્યાં, સાધુ તેને નોતરવા માંડ્યા અને વિદ્વાનોની મોટી મોટી પરિષદ તેણે ભરવા માંડી. તીર્થાટનમાં તેને લોભી તીર્થગુરૂઓ મળ્યા, યજ્ઞયાગાદિમાં દક્ષિણા તરફ નજર કરતા કર્મઠો જ તેની સામે ભટકાયા અને અન્નક્ષેત્રમાં સાધુસંતોને બદલે નિર્માલ્ય ભિક્ષુકોનાં ટોળાં ઊભરાતાં તેને દેખાયાં.

અને વિદ્વાનોની સભાઓ, પરિષદ અને સમિતિઓ તો એને તદ્દન લુખી જ લાગી. રાજાના ચિત્તને સંતોષ આપે એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરનારને એક ભાર સોનું આપવાની રાજાએ જાહેરાત પણ કરી. અને પછી તે મદુરાના વિધવિધ ધર્મોના પંડિત અને શાસ્ત્રીઓની અવરજવર શરૂ થઈ ગઈ. શૈવ પંડિતો પણ આવે, વૈષ્ણવ  પંડિતો પણ આવે, અને શાક્ત પંડિતો પણ ત્યાં આવે; સૂરોપાસક પણ ત્યાં ખરા, પાશુપતો પણ ત્યાં ખરા અને ગાણપત્યો પણ ત્યાં ખરા. માયાવાદીઓની પણ ભરતી થાય, સાંખ્યવાદીઓ પણ પ્રવચનો કરે. અને વૈશેષિકો પણ હોતાના સિદ્ધાંતો રાજને સંભળાવે. જૈનો, બૌદ્ધો અને આજીવકો પણ રાજના દરબારમાં આવી વેદનું ખંડન પણ સંભળાવતા; અને મહારાજ બળદેવ એ બધું સાંભળતો પણ ખરો. ઘટાકાશ અને પટાકાશ, અણુ અને પરમાણુ, વૃદ્ધિ અને સ્ફુલ્લિંગ, એવી એવી બુદ્ધિજન્ય સંભાવનાઓ રાજાની બુદ્ધિને તો ચાપલ્ય આપતી ચાલી, પરંતુ તેના હૃદયમાં તલપૂર પણ સંતોષ થતો ન હતો; કારણ આ વિદ્વાનોના અટાપટામાં પ્રભુ તરફ તેની તલપૂર પણ પ્રગતિ થતી નહિ. રાજાનું હૃદય હવે તડપવા માંડ્યું; તેના હૃદયમાં ભારે વ્યથા થવા માંડી; સાચા સાધુની ઝંખના આઠે પહોર જાગૃત રહેવા લાગી. સભાના વાદવિવાદો સાંભળી સભા પૂરી થયે કંટાળેલા રાજવી વિદ્વાનોને યોગ્ય પારિતોષિક આપી એકલો જ મસ્તકે હાથ દઈ સભાસ્થાનમાં બેઠો હતો. હજી સુધી તેને કોઈ સાચો સંત મળ્યો ન હતો એનું કષ્ટ હૃદયમાં થયા કરતું હતું. અને દ્વારપાળે આવી તેને ખબર આપી:

‘મહારાજ ! વિષ્ણુચિત્ત નામધારી કોઈ વ્યક્તિ આપની સમક્ષ આવવા માગે છે.’

‘એ પંડિત છે કે સાધુ?’ રાજાએ જરા કંટાળીને પૂછ્યું. એને વિદ્વાનોનો મોહ હવે રહ્યો ન હતો.

દ્વારપાળને તો એ બે વચ્ચેનો તફાવત શાનો સમજાય ? તેણે જવાબ આવ્યો; ‘મહારાજ ! મને એ સમજ ન પડી.’

‘તો જઈને વિષ્ણુચિત્તને કહે કે આજની વિદ્વાનપરિષદ તો પૂરી થઈ ગઈ છે. આવતી કાલે પધારો.’

પાર્ષદ ગયો, અને તત્કાળ પાછો આવ્યો આવીને તેણે કહ્યું :

‘મહારાજ ! વિષ્ણુચિત્ત તો કહે છે કે તેમને આ ક્ષણે જે આપને મળવું છે. ભગવાન વિષ્ણુની આજ્ઞાથી જ તેઓ અહીં પધાર્યા છે.’  ‘ભગવાન વિષ્ણુની આજ્ઞાથી ? જા જા, આ ક્ષણે જ બોલાવી લાવ. મારે તેમના દર્શન કરવાં છે.’ રાજાએ આજ્ઞા આપી. કોણ જાણે કેમ, તેના હૃદયમાં એકાએક ભાસ થયો કે વ્યથા નિવારવામાં માટે જ ભગવાને કોઈ સંતને તેની પાસે મોકલ્યા છે.

વિષ્ણુચિત્ત પાવડી ખટખટાવતા સભા ગૃહમાં ચાલ્યા આવ્યા. તેમના પહેરવેશમાં કશું વિશિષ્ટ તત્વ ન હતું : તેમની ચાલમાં શસ્ત્રી-પંડિતનો અડંબર પણ ન હતો પરંતુ તેમના મુખ ઉપર એવી પ્રસન્નતા હતી કે જે પ્રસન્નતા રાજા બળદેવવર્મને વર્ષો પહેલાં પાછલી રાતે વૃક્ષ નીચે સૂતેલા એક બેપરવા સાધુના મુખ ઉપર જોઈ હતી. રાજા એકાએક ઊભો થયો અને વિષ્ણુચિત્તના ચરણમાં તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.

‘ઉઠો... રાજન ! ઊભા થાઓ. આવા પ્રણામ તો પ્રભુને શોભે, મને નહિ.’ વિષ્ણુચિત્તે રાજાનો સ્પર્શ કરી તેમને ઊભા કર્યા અને સ્પર્શ થતાં જ રાજાને લાગ્યું કે પ્રભુનાં દર્શન કરાવનાર કોઈ સાચો સંત તેની પાસે આવીને તેને પ્રભુ તરફ દોરી રહ્યો છે. સહજ ગદ્‌ગદ વાણીમાં રાજાએ બે હાથ જોડી વિષ્ણુચિત્તને કહ્યું.:

‘ગુરો ! પ્રભુ તરફ એક વાર આપે અંગુલિનિર્દેશ કર્યો; હવે પ્રભુનાં દર્શન કરાવો–પ્રત્યક્ષ.’

‘રાજન્ ! તારો પ્રભુદર્શનનો અધિકાર હવે થઈ ચૂક્યો લાગે છે. સાક્ષાત નારાયણે મને આજ્ઞા આપી તારી પાસે મોકલ્યો છે.’

‘સ્વપ્નમાં આજ્ઞા આપી શું, મહારાજ ?‘’

‘સ્વપ્ન–જાગૃતની જડ જંજાળમાં તું શું કરવા પડે છે ? જાગતાં, સ્વપ્ન કે સુષુપ્ત : જે અવસ્થામાં પ્રભુદર્શન થાય એ જ સાચી અવસ્થા, કહે, તારી સભાઓ પૂરી થઈ ગઈ? શું શીખ્યો તું પંડિતો પાસેથી ?’

‘શીખ્યો ઘણું ઘણું; લગભગ બધાં જ ધર્મશાસ્ત્રોના સિદ્ધાંત. પરંતુ એકે ય સિદ્ધાંત મને હજી પ્રભુની પિછાન કરાવી શક્યો નહિ.’

‘પ્રભુની દૃષ્ટિ હવે મારા ઉપર થઈ છે, એટલે તારી દૃષ્ટિ  પણ પ્રભુ તરફ વળે છે. પ્રભુ હવે હાથવેંતમાં જ છે.’

‘પરંતુ વિદ્વાનો તો ઉપનિષદનો મંત્ર આપે છે કે પરમાત્મા પ્રભુ. સહુથી પહેલા દૃષ્ટિએ પડે, શ્રવણે પડે, પછી તેમનું મનન થાય, અને ત્યાર પછી તેમનું ધ્યાન ધરાય. आश्मा वा रे द्रष्टव्यो, श्रोतव्यो मंतव्यो, निदिध्यासितव्ये ।...

‘રાજન ! સંસ્કૃત, પ્રાકૃત અને શાસ્ત્રવાણીના એ બધા ચમત્કારો આપણે બાજુએ રહેવા દઈએ. ને ટૂંકામાં ટૂંકો છે, સહેલામાં સહેલો, અને પ્રભુને પળે પળે પ્રત્યક્ષ કરાવે એવો મંત્ર સંભળાવું?’ વિષ્ણુચિત્તે પૂછ્યું.

‘હું એ જ શોધી રહ્યો છું. કૃપા કરી મને અબઘડી એ મંત્ર સંભળાવો’

‘તો સાંભળ ! આત્મા, પરમાત્મા, સાકાર, નિરાકાર, સગુણ, નિર્ગુણ-એ બધું બાજુએ મૂક. સતત નારાયણનું નામ દે, સતત નારાયણનું ધ્યાન ધર, અને તું જે કાંઈ કરે તે નારાયણપ્રીત્યર્થે જ કરે છે એમ માનીને ચાલ; તું રાજ્ય કરે તે નારાયણપ્રીત્યર્થે જ કરજે !’ આટલું કહી નમન કરતા રાજવીને મસ્તક હાથ મૂકી વિષ્ણુચિત્ત સભાગૃહમાંથી ચાલ્યા ગયા. પરંતુ રાજાનું ગુરુસ્થાન પ્રાપ્ત કરી ચૂકેલા વિષ્ણુચિત્તને રાજા જાહેર સન્માન વગર જવા દે એમ હતું જ નહિ. વિષ્ણુચિત્તને મન તો સન્માન અને અપમાન બંને સરખાં જ હતાં. મહારાજાએ મદુરાનગરીમાં એક ભવ્ય સન્માનસરઘસ કાઢ્યું અને વિષ્ણુચિત્તને હાથીને હોદ્દે બેસાડી આખા ગામને તેમનાં દર્શન કરાવ્યાં. વિષ્ણુચિત્ત પાસે નારાયણના નામ સિવાય બીજો મંત્ર જ ન હતો. તેઓ પગે ચાલે છે હાથીને હોદ્દે બેસે, પરંતુ નારાયણના નામસ્મરણ સિવાય એમને જીવનમાં બીજી કોઈ મહત્તા દેખાતી જ ન હતી. આ સાધુચરિત પુરુષનો આટલામાં જ એવો પ્રભાવ પડી ગયો કે આખુ મદુરાનગર નારાયણના નામનો ઉચ્ચાર કરતું બની ગયું. 

વિષ્ણુચિત્તને રાજાઓ અને રાજદરબારો સાથે કોઈ વિશિષ્ટ કામ હતું જ નહિ. તામિલ પ્રદેશના વિલ્લીપુર નામના સ્થળમાં આવેલા પોતાના આશ્રમમાં તે પાછા આવી ગયા. અને આશ્રમમાં નારાયણપ્રીત્યર્થે પોતાનું જીવન વ્યતીત કરતા ચાલ્યા. હજી રાજા બળદેવવર્મનના મનમાં એક શંકા રહી ગઈ હતી : જીવનમાં સર્વ કાર્યો નારાયણપ્રીત્યર્થે કેમ કરીને થાય? તે પોતે રાજવી હતો. રાજકાજમાં ચિત્ત પણ પરોવવું પડે અને ગુનેગારોને દંડ પણ દેવા પડે. આ બધું ઈશ્વરપ્રીત્યર્થે બને છે એમ કેમ કહેવાય? તેના મનનું સમાધાન ન થયું એટલે તરત એને ખ્યાલ આવ્યો : ગુરુ વિષ્ણુચિત્ત જે રીતનું જીવન વિતાવતા હોય એ રીતના જીવનમાંથી તેને પણ માર્ગ દર્શન થઈ રહેશે. એ વિશ્વાસમાંથી બળદેવવર્મનને વિષ્ણુચિત્તના આશ્રમમાં હવે જવરઅવર શરૂ કરી. આશ્રમ તો નાનકડો, સાદો, વૈભવ અને એશઆરામથી રહિત હતો. ત્યાં તો કોઈ નોકર-ચાકર હોય જ નહિ. સહુ કોઈ ભક્ત, અને સહુ કોઈ એકબીજાના નોકર-ચાકર. જેમ ભક્તિભાવ વધારે તેમ અન્યની ચાકરી વિશેષ. સહુથી મોટા આશ્રમના સેવક તો વિષ્ણચિત્ત પોતે જ. એમના આશ્રમમાં રંગનાયકી નામે એક કુમારી કન્યા ફરતી હતી. એ જ વિષ્ણુચિત્તની પરમ સેવાભાવનાનું ફળ.

એક દિવસ પ્રભુભક્તિમાં લીન શ્રી વિષ્ણુચિત્ત ભગવાનની પુષ્પમાળા બનાવવા પોતાની નાનકડી વાડીમાં પુષ્પ વીણતા હતા, અને એકાએક તુલસીક્યારામાં તરતની જન્મેલી એક બાળકી પડેલી તેમણે નિહાળી. ભગવાનની આપેલી આ બાળકી કઈ ન્યાતની હતી, કઈ જાતની હતી, કોની હતી, કાયદેસર જન્મેલી હતી કે બિનકાયદે, એ કશાનો વિચાર કર્યા વગર તેમણે બાળકીને પણ નારાયણ અર્પણ કરી અને તેને નારાયણની જ પ્રસાદી માની તેમણે ઉછેરવા માંડી. આશ્રમમાં કોઈ સ્ત્રી તો હતી નહિ, છતાં વિષ્ણુચિત્તે પ્રભુઆશ્રયે આ બાલિકાનો  ઉછેર આરંભ્યો અને એ બાલિકા ઊછરી પણ ગઈ. વિષ્ણુચિત્ત પાસે એ બાલિકા ઉચ્ચારણ પણ પ્રભુનામ સિવાય બીજું શું સાંભળે ? બાળકીના મુખનો પહેલો બોલ પણ ‘હરિ’ નામનો જ હતો. જેની વાણીમાં પહેલો બોલ પ્રભુનો જ હોય એ બાળકી પણ પ્રભુ તરફ દોરાયા વગર કેમ રહે ? રંગનાયકીની નજરમાં વીસે કલાક વિષ્ણુચિત્ત અને તેમનું કાર્ય રહ્યા કરે. પ્રભુનું નામસ્મરણ પ્રભાતથી જ સાંભળવાનું હોય. વિષ્ણુચિત્ત ફૂલ વીણવા જાય અને બાળકી પણ પાલક પિતાની સાથે સાથે અને પાછળ ફર્યા કરે; અને જે જે કાર્ય વિષ્ણુચિત્ત કરે તે તે કાર્યમાં બાળકી પોતે પણ પરોવાય. બાળકીને ખાવું પીવું ઘણું ગમે; રમવું કૂદવું ઘણું ગમે; વાત સાંભળવી, ગાવું, વગાડવું એ તો બાળકના જ પ્રિય વિષયો. અને વિષ્ણુચિત્તને ત્યાં એ બધું જ મળતું. માત્ર વિષ્ણુચિત એ સઘળી વસ્તુને એક ટકોરો મારી પ્રભુનિમિત્ત બનાવી દેતા. ફુલ ચૂંટવાં બાળકીને ગમે, અને ફૂલ પહેરવાં પણ બાળકીને ગમે. વિષ્ણુચિત્ત રંગનાયકીની પાસે ફૂલ વિણાવે, અને માળા ગૂંથાવે. પરંતુ તે પ્રભુને અર્પણ થાય અને ત્યાર પછી રંગનાયકી પોતાના દેહ ઉપર ધારણ કરે. વિષ્ણુચિત્ત પાલક દીકરીને માળા પહેરેલી જોઈ બહુ રાજી થાય અને કહે:

‘વાહ, દીકરી ! શું સરસ માળા તને શોભે છે? જાણે પુષ્પે પુષ્પે પ્રભુ પધાર્યા !’

અને રંગનાયકીને પોતાને પણ એમ જ લાગે કે પુષ્પે પુષ્પે એના દેહ ઉપર પ્રભુ જ પધારે છે.

ખાવાપીવાનું પણ પ્રભુને ધરાવીને. પ્રભુને ધરાવવાને માટે આ સારામાં સારું બનવું જોઈએ. અને સારામાં સારું ન બન્યું હોય તોપણ પ્રભુને ધરાવેલી વસ્તુમાં દોષ કે ખોડ કાઢી શકાય જ નહિ એ ભાવના વિષ્ણુચિત્તના હૃદયમાંથી રંગનાયકીના હૃદયમાં ઝિલાઈ. રંગનાયકી ધીમે ધીમે એક સુંદર પાકપ્રવિણા થઈ.

એને રમવું કૂદવું હોય, વૃક્ષ ઉપર ચઢવું હોય, ગાયવાછરડા  સાથે વાતો કરવી હોય, વિષ્ણુચિત્તે રંગનાયકીની આખી રમતસૃષ્ટિ પ્રભુમય બનાવી દીધી. પ્રભુ ગેડીદડા પણ રમતા, ગાયો ચરાવતા વાંસળી વગાડતા, કદંબના વૃક્ષ ઉપર ચઢતા... અને એક વખત તેમણે માટી પણ ખાવા માંડી. અને જસોદા માતાએ તેમને ધમકાવ્યાં એટલે માટીના અણુમાં પ્રભુએ આખું બ્રહ્માંડ દેખાડ્યું ! વૃક્ષે વૃક્ષે રંગનાયકીને બાળપણથી જ યમલાર્જુન અને તેમના તારક કૃષ્ણ દેખાવા લાગ્યા. આમ તેની રમત પણ વિષ્ણુચિંત્તના પરિચયમાં પ્રભુમય બની ગઈ.

અને પછી તો જેમ જેમ તેનો દેહવિકાસ અને મનવિકાસ થવા માંડ્યો તેમ તેમ તેના મનમાં પ્રભુ પ્રત્યે ગોપીભાવ ઉત્પન્ન થવા માંડ્યો. અને માનવ પુરુષો પ્રત્યે આકર્ષાવાને બદલે મંદિરમાં બિરાજતા કૃષ્ણ—કહો કે રંગનાયકીના હૃદયમાં બિરાજતા કૃષ્ણપ્રત્યે તેણે પતિભાવ વિકસાવ્યા. પોતાના દેહ પ્રત્યે એ વારંવાર જોતી, આયનામાં નિહાળતી, અને પોતે સાક્ષાત્ કૃષ્ણની પત્નીની પાત્રતા મેળવી શકી છે કે કેમ તે જોયા કરતી હતી. બગીચામાં ખૂબ સુંદર પુષ્પ ખીલી રહ્યાં. પ્રભુ માટે રંગનાયકી નિત્ય માળા ગૂંથતી. આજ તેને જ એ માળા પહેરવાનું મન થયું. તેણે વિચાર કર્યો કે આ માળા પહેરી હું પ્રભુ સામે ઊભી રહું તો હું પ્રભુની પ્રસન્નતા મેળવી શકું. માળા પહેરી પ્રભુ સામે ઊભી પણ રહી. અને મંદિરના પૂજારીએ જ્યારે તેને નિત્યક્રમ અનુસાર માળા લાવવા કહ્યું ત્યારે તેણે પોતાના ગળામાંની જ માળા કાઢી પૂજારીના હાથમાં મૂકી દીધી.

‘કોઈની ઊતરેલી માળા પ્રભુને આમ પહેરાવાય?’ પૂજારીએ રંગનાયકીને જરા કૃદ્ધ થઈને કહ્યું. અને વિષ્ણુચિત્તે પણ એ વાર્તાલાપ સાંભળ્યો, પુત્રીને પ્રભુપૂજાનું મહત્ત્વ સમજાવ્યું અને તાજાં પુષ્પની નવી માળા તેમણે પ્રભુને અર્પણ કરી. પરંતુ પ્રભુને એ તાજાં પુષ્પની માળા ચઢાવતાં જ આખી માળા કરમાઈ ગઈ અને આખું ભક્તમંડળ વિચારમાં પડી ગયું. અંતે વિષ્ણુચિત્તે પુત્રીને પૂછ્યું :  ‘દીકરી ! તું કયા ભાવથી પ્રભુને માળા ધરાવતી હતી ?’

‘પિતાજી ! દિવસોથી ગોપીભાવે હું પ્રભુ તરફ નિહાળું છું. પણ જાણે કેમ, એક દિવસ મારાથી જ એ માળા પહેરાઈ ગઈ... અને હવે મારી પહેર્યા વગરની માળા ધરાવાય છે તે બધી પ્રભુને કંઠે અર્પણ થતાં જ કરમાઈ જાય છે.’ પુત્રીએ જરાક શરમાતા શરમાતાં જવાબ વાળ્યો અને વિષ્ણુચિત્ત સમજી ગયા. દીકરીની પહેરેલી જ માળા તેમણે પ્રભુને અર્પણ કરી અને પુષ્પો હતાં એ કરતાં વધારે ખીલ્યાં, અને વધારે સુવાસિત બન્યાં !

આ પ્રસંગ પછી કેટલેક સમયે રંગનાયકીનાં પ્રભુની મૂર્તિ સાથે જાહેરમાં લગ્ન પણ કરવામાં આવ્યાં. અને વિષ્ણુચિત્ત તથા તેમની પાલક પુત્રી બંનેએ મંદિરમાં રહી લાખ્ખો પદ રચ્યાં; જે ગાતાં ગાતાં તામિલ પ્રદેશનો મોટો ભાગ વૈષ્ણવતા સ્વીકારી રહ્યો, અચાનક મળી આવેલી બાળકીને પાળી, પોષી, ઉછેરી, ભણાવી, પ્રભુમય બનાવી દેનાર પ્રભુભક્ત વિષ્ણુચિત્તના આશ્રમમાં વારંવાર આવી ગુરુની ચર્ચા નિહાળી જતા રાજા બળદેવવર્મનને પ્રભુમય કેમ થવું તેનું પ્રત્યક્ષ શિક્ષણ મળી ગયું. સર્વ કાર્ય સ્વચ્છતાપૂર્વક, સૌંદર્યપૂર્વક, પ્રભુપરાયણતાપૂર્વક, અને પ્રભુને અર્પણ કરીને થઈ શકે છે એવું વિષ્ણુચિત્તનું વર્તન હજારો અને લાખ્ખો સામાન્ય માનવીઓને પણ પ્રભુમય બનાવી શકે. દક્ષિણના પરમ ભક્ત ગણાતા અલ્વારોમાં વિષ્ણુચિત્ત અને રંગનાયકી અગ્રસ્થાન પામ્યાં.

રંગનાયકી કઈ જ્ઞાતિની બાળકી હતી, કોની બળકી હતી, વિધિપુર:સરનાં થયેલા લગ્નમાંથી જન્મેલી બાળકી હતી કે કેમ, એ બધા વિષ્ણુચિત્તે ન પૂછ્યા, ન ત્યાર પછી આજ સુધી કોઈએ પૂછ્યા. ન્યાત, જાત, કુળ અને પ્રાકૃત ધર્મથી પર લઈ જતો સનાતન ધર્મ આમ રાયરંકને એક કક્ષાએ મુકતો હજી પ્રચલિત છે.