હીરાની ચમક/મોક્ષ
← કમલનયના | હીરાની ચમક મોક્ષ રમણલાલ દેસાઈ ૧૯૫૭ |
જીવન : પ્રભુપ્રીત્યર્થે → |
મોક્ષ
પતિ—પત્ની—પુત્રની ત્રિરેષા
૧
પ્રાચીન આર્ય યૌવનને તપનો ભારે શોખ. વનશ્રી ચારે પાસ ખીલી રહી હોય, સૃષ્ટિસૌંદર્ય સૃષ્ટિમાં સમાતું ન હોય. નદીઓ ખળખળ વહી રહી હોય, સુરીલાં પક્ષીઓ સંગીત વહાવી રહ્યાં હોય, અને એકાંત યૌવનને બહેકાવવા જાળ પાથરી રહ્યું હોય ત્યારે પણ આર્ય યુવકને તપ ગમે, સૌંદર્યના સર્જક તત્ત્વને શોધવાનું ગમે અને સૌંદર્ય કરતાં સૌંદર્યને અધિષ્ઠાનરૂપ બ્રહ્મનો સાક્ષાત્કાર કરવાનું ગમે.
એવો એક તપસ્વી કર્દમ, સિદ્ધક્ષેત્રની એક વનમાલામાં એકાંતિક પદ્માસન વાળી તપ કરતો બેઠો હતો, અને આખી સૃષ્ટિને સમેટીને સૃષ્ટિના અર્કરૂપ કોઈ મહાતત્ત્વની સાથે એકતા સાધી રહ્યો હતો. એકાએક તેને કાને કંઈક સાદ સંભળાયો અને તેની આંખ ઊઘડી ગઈ. આંખે કશું જોયું તો નહિ, પરંતુ કાને સંબોધન સાંભળ્યા કર્યું : ‘કર્દમ ! કર્દમ !’
તપ કરતા યુવકનું નામ કર્દમ જ હતું. તેણે ચારે પાસ નજર નાખી, દેખાયું તો કોઈ નહિ, પરંતુ સાદ સંભળાયા કર્યો : કર્દમ ! કર્દમ !’
‘આપ કોણ છો ? મને કેમ બોલાવો છો ? મારું ધ્યાન આપના સંબોધનથી ખંડિત થાય છે.’ કર્દમે સામે સાદ કર્યો.
‘તું જેનું ધ્યાન કરે છે તે જ હું છું.’ જવાબ મળ્યો.
‘શું આપ પરબ્રહ્મ છો ? તો મને પ્રત્યક્ષ થાઓ.’ ‘પરબ્રહ્મનાં વિશિષ્ટ સ્વરૂપો હોય છે. કહે, કયે સ્વરૂપે હું વ્યક્ત થાઉં ?’
‘બ્રહ્માનાં તો મને દર્શન થયાં છે. વિષ્ણુદર્શન માંગું ?’
‘ભલે, તને વિષ્ણુદર્શન થશે જ. પરંતુ બ્રહ્માએ તને શી આજ્ઞા આપી હતી તે તને યાદ છે ખરી ?’ અગમ્ય સાદે કહ્યું.
‘હેં ! હા હા; મને પ્રજા ઉત્પન્ન કરી પ્રજાપતિ બનવાની આજ્ઞા બ્રહ્માએ આપી હતી !’ કર્દમે જવાબ આપ્યો.
‘અને તેને બદલે તું એકલો એકલો તપ કરી રહ્યો છે ! ત૫ સારું છે, સાચું છે પરંતુ જરૂર પડે ત્યારે પ્રજોત્પત્તિ કરી, જીવન પ્રવાહને ચાલુ રાખો એ પણ તપકાર્ય બની રહે છે.’ અદૃશ્ય દેવનો સાદ સંભળાયો.
‘વાત સાચી, પ્રભો ! પરંતુ જીવનને સૌંદર્ય બનાવે એવી પત્ની અને પરબ્રહ્મને માનવાકાર આપે એવો પુત્ર મળે તો પ્રજોત્પત્તિનો કંઈ અર્થ. માનવ જંતુઓ ઉપજાવવા માટે બે-પાંચ વર્ષમાં સૌંદર્ય અને વિલાસ ખંખેરી નાખતી અલ્પયૌવના સ્ત્રી સાથે સંસાર માંડવામાં શો અર્થ રહ્યો છે, પ્રભો ?’ યુવાન તપસ્વી કર્દમે પોતાની પ્રજાપતિની વ્યાખ્યાને સ્પષ્ટ કરી.
અવકાશમાં અમૂર્ત પણ મધુર હાસ્ય ગુંજી રહ્યું. હસતાં હસતાં અદૃશ્ય પ્રભુએ પૂછ્યું :
‘તો તારી વાંછના સ્પષ્ટ કર. હું તે તૃપ્ત કરીશ.’
‘ભગવાન ! આપ મને પ્રજાપતિ બનવાની આજ્ઞા આપતા હો તો આપ પોતે જ મારા પુત્ર બનીને અવતાર ધારણ કરો. પ્રભુને જન્માવી ન શકે એ પ્રજાપતિ, પ્રજાપતિ નામને યોગ્ય નથી.’ યુવાન કર્દમે પ્રભુને જ પકડ્યા.
અદૃશ્ય દેવ હજી પણ વધારે રાજી થયા અને તેમણે કહ્યું :
‘કર્દમ ! તેં તો તપ કરીને પ્રજાપતિની પાત્રના સિદ્ધ કરી છે. તારા પુત્રરૂપે અવતાર ધારણ કરવામાં હું જરા યે શરમાઈશ નહિ. મારું વરદાન છે કે હું તારા પુત્રરૂપે જન્મ ધારણ કરીશ.’
‘મારું અહોભાગ્ય !… પણ પ્રભો ! આપને જન્મ આપે એવી કોઈ તેજસ્વી પત્ની હું ન મેળવું ત્યાં સુધી તો આપનો અવતાર અસંભવિત જ રહે ને ?’ કર્દમે પ્રજાપતિ બનવાની પાત્રતામાં જનનશાસ્ત્રનું પણ જ્ઞાન બતાવ્યું, અદૃશ્ય પ્રભુને ફરી પાછા હસાવ્યા.
‘સમજ્યો, સમજ્યો, યુવાન કર્દમ ! ત્રણ દિવસમાં જ તારી પાસે તારી ભાવિ પત્ની આવે છે. ત્રણ દિવસમાં જે યુવતી તારી આંખને ખેંચે તે યુવતી તારી પત્ની બનશે... અને તે એવી પત્ની બનશે કે જેની રસભાવના તારા સંન્યાસથી પણ આગળ દોડતી હશે. બસ ને ? સતત સૌંદર્ય અને સતત યૌવનવતી સ્ત્રી વગર હું કેમ કરીને જન્મ લઈ શકું ?... કારણ હું પોતે જ ચિરંજીવી સૌંદર્ય અને ચિરંજીવી યૌવન છું. જા આશ્રમમાં, અને પત્નીની રાહ જોતો બેસ... બને તો તારો ભુલાઈ ગયેલો રસશાસ્ત્રનો અભ્યાસ યાદ કરી જો !’ પ્રભુનો જવાબ મળ્યો અને સાદ આસરી ગયો.
કર્દમને પણ લાગ્યું કે પ્રભુ તપના ફળરૂપે પ્રગટ થયા અને પોતાને બ્રહ્મમય બનવાને બદલે જીવનનું સાતત્ય રચવાની આજ્ઞા આપતા ગયા.
એ તે સાચેસાચ પ્રભુ — વિષ્ણુ ભગવાન — હશે ? કે આ અદ્ભુત વનનું સૌંદર્ય બોલી ઊઠ્યું હશે ?
કદાચ કર્દમના યૌવને તો આ ટહુકો નહિ કર્યો હોય ? તો ય શું ? પ્રભુનું સ્વરૂપ ધારણ કરીને યૌવન બોલ્યું તો પણ તે પ્રભુનો જ સાદ હતો. પ્રભુનો સાચો સાદ હોય તો ત્રણ દિવસમાં તેની આંખને આકર્ષતી કોઈ સુંદરી તેને મળ્યા વગર નહિ જ રહે.
પરબ્રહ્મની એકતા સાધતો યુવાન મુનિ કોઈ યુવતીની રાહ જોવા લાગ્યો. પ્રભુને મેળવવાના કેટકેટલા ય માર્ગો હોય છે. સૌંદર્યદર્શન અને સૌંદર્ય ઉપભોગ એ પણ પ્રભુને પામવાનાં પગથિયાંમાંનું એક હોય એમ કોણ કહી શકે ? તેના આશ્રમમાં મયૂર ટહુકવા લાગ્યા. કોકિલાનાં કૂજન રેલાવા લાગ્યાં, અરે બપૈયા પિયુ પિયુ બોલતા ઊડવા પણ લાગ્યા.
૨
યુવાન કર્દમ સ્નાન કરી જલાશયને કિનારે એક સંધ્યાટાણે સાયં-ધ્યાન ધરી રહ્યો હતો. ધ્યાનસ્થ મુનિના ખભા ઉપર વિખરાયેલા કેશ એના સ્ફટિક ઉજ્જવલ દેહને એક રંગપીઠ આપી રહ્યા હતા. સશક્ત સીધો દેહ જાણે આથમતા સૂર્યને બદલે ઊગતા ચંદ્રને શોધી લાવતો હોય એવો સામર્થ્યવાન દેખાતો હતો. સૃષ્ટિસૌંદર્ય ભર્યું ભર્યું વેરાતું હતું તેની જાણે પરવા ન હોય એમ આંખ મીંચી ધ્યાન ધરી રહેલા કર્દમે સંધ્યા પૂર્ણ થતાં આંખ ઉઘાડી, અને સહેજ દૂર પોતાને ધ્યાનપૂર્વક નીરખતી એક રૂપયૌવનાને તેણે નિહાળી. કોણ હશે એ ? શા માટે એ કર્દમના ધ્યાનસ્થ દેહ તરફ તાકીને જોઈ રહી હતી ? આજ સુધી કર્દમને મન સ્ત્રીજાત માત્ર એક માનવપ્રાણી હતું; અત્યારે તેના તરફ જોતી સ્ત્રીમાં કંઈ અદ્ભુત લાવણ્ય કર્દમની નજરે પડ્યું. સ્ત્રી અને સૌંદર્ય આટલાં એક બની શકે ખરાં ?
કર્દમમુનિની આંખ સ્ત્રીસૌંદર્ય ઉપર થોડીક ક્ષણો સુધી સ્થિર થઈ રહી. ત્રણ દિવસ ઉપર સાંભળેલો અદૃશ્ય સાદ મુનિને યાદ આવ્યો. એ ગેબી સાદ શું સાચો પડતો હતો ? પ્રભુના જન્મને પાત્ર કોઈ સ્ત્રી તેમની સામે આવીને ઊભી રહી હતી શું ? સંધ્યાકાળે આમ આવેલી યુવતી કેમ એકલી આવી હશે ? અણધાર્યા બંનેના પગ સામસામાં ઊપડ્યા. કર્દમના જવાના માર્ગમાં એ યુવતી આવતી હતી. બંને સામસામે આવી ગયાં. યુવતીએ બે હાથ જોડી કર્દમ મુનિને પ્રણામ કર્યા, કર્દમે આશીર્વાદ મુદ્રામાં હાથ ઊંચો કરી પૂછ્યું :
‘દેવી ! કોણ છો આપ ? કોને શોધો છો… આવા અર્ધઅંધકારભર્યા એકાંતમાં ?’
‘મારું નામ દેવહૂતિ. વૈવસ્વત મનુની હું પુત્રી. શોધતી તો… કોણ જાણે કોઈને જ નથી; પણ મને એકાંત બહુ ગમે છે એટલે ફરતી ફરતી આમ ચાલી આવી.’ દેવહૂતિએ જરા ય સંકોચ વગર જવાબ આપ્યો.
‘ત્યારે તો... બ્રહ્માવર્ત ના સમ્રાટ, મનુ મહારાજનાં આપ પુત્રી ! અહીં ક્યાંથી?’
‘આપને ખબર નથી ? મારા પિતા લાવલશ્કર સાથે આજે અહીં પાસે જ પડાવ નાખી રહ્યા છે. હું તથા માતા શતરૂપા સાથે જ ચાલ્યાં આવ્યાં છીએ. આપ અને પિતાજી મળી ન શકો !’ દેવહૂતિએ કહ્યું. દેવહૂતિની વાણી વાદ્યતંત્ર સમી મીઠી હતી. એ સાંભળવાની કર્દમને આપોઆપ ઈચ્છા થઈ. કર્દમે વાત લંબાવી :
‘પ્રભાતમાં મને લાગ્યું ખરું કે પાસેથી કોઈ સૈન્ય પસાર થાય છે. પરંતુ હું તો ધ્યાનમાં હતો એટલે કોનું સૈન્ય છે એની તપાસ ન કરી...... અને મારા જેવા આશ્રમવાસીને જરૂર પણ શી ? અલબત્ત આપના પિતાનાં દર્શન હું જરૂર કરીશ. એ રાજર્ષિ મુનિઓને પણ પૂજ્ય છે... પરંતુ મને તો આપે ઓળખ્યો નથી અને આમંત્રણ કેમ આપો છો ?’
‘તો હવે ઓળખાણ આપો.’ દેહહૂતિએ જરા ય સંકોચ વગર જવાબ આપ્યો.
‘એ ઓળખાણને શું કરશો, રાજકુમારી ? બધા યે ઋષિઓ અને ઋષિપુત્રો સરખા. આશ્રમના એકાંતમાં રહે અને આત્મા–પરમાત્માને ઓળખવા મથે.’ કર્દમે કહ્યું.
‘તમને આત્મા કે પરમાત્મા ઓળખાયા ખરા?’ દેવહૂતિએ પૂછ્યું. અને કર્દમને આ નિર્દોષ દેખાતા પરંતુ અત્યંત કૂટ પ્રશ્નને સાંભળીને સહજ હસવું આવ્યું. કર્દમનું હાસ્ય દેવહૂતિને ગમી ગયું. હસતાં હસતાં કર્દમે જવાબ આપ્યો :
‘ભાસ થાય છે, ભ્રમ થાય છે; પણ હજી આત્મા કે પરમાત્મા પકડાયા નથી.’
‘ક્યાં સુધીમાં એ બની શકશે?’ દેવહૂતિએ પૂછ્યું.
‘એ તો જેવો મારો પુરુષાર્થ. ધ્યાનમાં વધારે સમય ગાળું, અનિત્ય વિશ્વને ભૂલી જાઉં અને કોઈ પણ પ્રકારના લોભ-મોહમાં ન ખેંચાઉં તો આવતી કાલે બની જાય.’ કર્દમે કહ્યું.
‘તમે ધ્યાનમાં જ રહી શકો, વિશ્વ તરફ દૃષ્ટિ કરવાની તમને જરૂર ન રહે, અને લોભ કે મોહ તમને ઘસડે નહિ એવી સ્થિતિ હું ઉત્પન્ન કરી આપું, તો તમને ફાવે કે નહિ?’ દેવહૂતિએ કર્દમને સહાયભૂત થવાની ઈચ્છા દેખાડી. કર્દમને આ રાજકુમારીનું આપ્તપણું ગમી ગયું. પરંતુ રાત્રિ વધતી હતી, ચંદ્ર આકાશમાં ઊંચે આવતો જતો હતો, એકાંત ગાઢ બનતું જતું હતું, અને યૌવનને ગુંજી ઊઠતાં વાર લાગતી નથી. આ સંજોગોમાં એકલ રાજકુમારીના સદ્દભાવનો કાંઈ પણ ગેરલાભ લેવાય તો એના તપને લાંછન લાગે એમ વિચારી કર્દમે કહ્યું :
‘કુમારી ! આપના સદ્ભાવને માટે હું આપનો આભાર માનું છું. આશ્રમમાં જે મળે છે એ કરતાં વધારે સગવડની મને જરૂર તો નથી. છતાં આપની કૃપાભાવના મને જરૂર યાદ રહેશે. એટલે હું આપને સ્થાને પહોંચાડી મારે આશ્રમે પાછો ચાલ્યો જાઉં...ચાલો આપણે પગ ઉપાડીએ.’
‘હું એકલી જઈ શકીશ. મને એકલાં જવું ગમે છે. અને મનુની પુત્રીને વળી વિશ્વમાં ભય શો?... ક્ષમા કરજો, આપનો સમય લીધો તે. પરંતુ આપે હજી આપનું નામ આપ્યું નહિ.’ દેવહૂતિએ કહ્યું.
‘મારું નામ કર્દમ.’ કર્દમે કહ્યું અને તેને ગૌરવભર્યું સહજ નમન કરી દેવહૂતિ ત્યાંથી ચાલી ગઈ.
ઋષિ કર્દમ આશ્રમમાં જઈ સ્વસ્થ બનવા મથન કરી રહ્યા. પ્રભુના અસ્થિર, ભ્રમ સરખા ઝાંખા સ્વરૂપને બદલે તેમની આંખ સામે દેવહૂતિની આકૃતિ તરવરી રહી. અવનવો માનસ ફેરફાર થતો હતો એ પરખી કર્દમ ઋષિએ એ ફેરફાર અટકાવવા વેદસંહિતાના મંત્રો અને ઉપનિષદનાં તાડપત્રો ઉકેલવા માંડ્યાં. પરંતુ વેદના મંત્રોમાં કોણ જાણે કેમ આજ સંધ્યાના અને ઉષાના જ મંત્રો નજર સામે આવતા હતા, અને ઉપનિષદનાં તાડપત્રોમાં કોરાયેલા શબ્દો અને
અક્ષરો દેવહૂતિની નાની નાની આકૃતિઓ રચતા હોય એમ મુને કર્દમને લાગવા માંડ્યું. મુનિના સાત્ત્વિક હૃદય સામે કોઈ ભરતી ચઢી આવતી હતી. અનિવાર્ય બળને ટાળવા મથવું એનાં કરતાં એ બળભેગા બળના પ્રવાહ તરફ જ તરવું એ ઘણી વાર સાચો માર્ગ બની રહે છે. લોભ અને મોહથી દૂર રહેવાનું શિક્ષણ તેમને સાધ્ય જ હતું. તો પછી આ દેવહૂતિનું દર્શન મોહ ઉપજાવી જતું તો નહિ હોય? એ વિચાર આવતાં જ તેમને ત્રણ દિવસ ઉપરનું આકાશ. ભાષિત યાદ આવ્યું... સતત સૌંદર્ય વગર પ્રભુ શી રીતે જન્મી શકે?... કર્દમની આંખને ખેંચનારી પહેલી સ્ત્રી તેની પત્ની બનશે એવું આકાશભાષિત શું સત્ય નીવડવાનું હશે?... પરંતુ ક્યાં ચક્રવર્તી રાજવી મનુ અને ક્યાં આશ્રમનિવાસી નિષ્કિંચન કર્દમ? બેના સંબંધ શક્ય જ ન હતા. ત્યારે એ રાજકુમારીએ એકાંતમાં લાંબા સમય ઊભા રહી કર્દમની સાથે શા માટે વાતચીત કરી ?... કદાચ રાજવૈભવ જોઈ જોઈને કંટાળેલી રાજકુમારીને અરણ્ય જોવાનું મન થાય, વનમાલા નિહાળવાનું મન થાય, તેમાં કર્દમ પોતે એક વનમાનવી તરીકે દેવહૂતિની જિજ્ઞાસા ઉશ્કેરી શક્યો હોય એટલું જ શક્ય તેને લાગ્યું. મન ઉપર અસાધારણ કાબૂ મેળવી ચૂકેલા કર્દમે મનની કળ ફેરવી નાખી અને પ્રભુસ્મરણમાંથી નિદ્રામાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો. એ પ્રયત્ન સફળ થયો ખરો. કર્દમને નિદ્રા આવી પણ ખરી, પરંતુ નિંદ્રામાં તેને પ્રભુ પણ સ્ત્રી સ્વરૂપે દેખાયા. અને એ સ્ત્રી તે સંધ્યાકાળે નિહાળેલી દેવહૂતિ જ હતી એમ પણ જાગૃત થતાં કર્દમને યાદ આવ્યું !
૩
રાત્રિનાં સ્વપ્ન સંભારણાં વિચારતો કર્દમ પ્રાતઃ હોમહવનમાં રોકાયો હતો. અને એકાએક તેને કર્ણે માનવી, અશ્વ અને રથના અવાજ નજીક આવતા સંભળાયા. સમ્રાટ મનુ કદાચ તેના આશ્રમની પાસે થઈને પોતાને માર્ગે જતા હોય એમ કર્દમે માની લીધું. અને જોત જોતામાં ખરેખર એક નાનકડું સૈન્ય તેના આશ્રમની પાસે આવતું દેખાયું. કર્દમને એક ક્ષણ માટે કૂતુહલ થયું કે તે મનુ સરખા મહાન રાજવીને જુએ !... અને સાથે સાથે પિતાની સાથે દેવહૂતિ પણ પસાર થતી હોય તો તેના સૌંદર્યભર્યા દેહ ઉપર છેવટની દૃષ્ટિ નાખી તે પોતાના તપમાં આખા સ્ત્રીસમુદાયને વીસરી જાય ! ક્ષણભર વિચાર આવ્યો તો ખરો, પરંતુ જે તપની કક્ષા ઉપર તે ઊભો હતો તે તેમની કક્ષા તેને રાજાઓ અને રાજકુમારીઓનાં દર્શનની લાલસામાં ઊતરી જતી લાગી. એટલેકે એક સામાન્ય દૃશ્યરસિયાની માફક આશ્રમની સીમાએ જઈ ઊભા રહેવાનું તેને થયેલું મન અંકુશમાં રાખ્યું, અને પોતાના હવનની સામગ્રી તૈયાર કરવામાં જ તેણે પોતાના મનને પરોવવા માંડ્યું.
એટલામાં એક આશ્ચર્ય થયું. આશ્રમની સીમાએ આખું સૈન્ય અટકી ગયું અને એક સુંદર રથમાંથી એક તેજસ્વી રાજવી, ગૌરવભરી રાજરાણી અને સૌંદર્યમૂર્તિ દેવહૂતિ પગે ચાલીને આશ્રમના દ્વારમાં થઈ પર્ણકુટિ તરફ આવતાં દેખાયાં, પર્ણકુટિના આંગણામાં હવનની સામગ્રી ગોઠવતા કર્દમે જોયું કે આ ત્રણે વિશિષ્ટ વ્યક્તિઓ તેના ભણી જ આવતી હતી. મુનિ તરત સમજ્યો કે તેમની બાજુએ આવનાર રાજવી મનુ છે અને મહારાણી શતરૂપા છે. મન્વંતર સ્થાપી શકનાર એ મહાન રાજવીને માન આપવું જોઈએ, અને માન આપવા ઋષિઓએ પણ સામે જવું એમ કર્દમને લાગ્યું અને તે પોતાનું કાર્ય પડતું મૂકી ત્રણે અતિથિઓની સામે ગયો. રાજવીએ અને મુનિએ પાસે આવતાં બરોબર પરસ્પર નમસ્કાર કર્યા અને કર્દમે નમસ્કાર ચાલુ રાખી વિવેક કર્યો:
‘મન્વતરના સ્થાપક, તેમનાં મહારાણી અને તેમનાં કુમારી મારા આશ્રમમાં પધારે એ બહુમોટી કૃપા !... પરંતુ તપસ્વીઓના આશ્રમમાં સત્કાર યોગ્ય બીજું તો શું હોઈ શકે, સિવાયકે દર્ભાસનો ? પધારો મહારાજ ! મારા ઉપર કેમ કૃપા થઈ?’
કર્દમની વિવેકભરી વાણી મહારાજ મનુને અને મહારાણી શતરૂપાને બહુ ગમી ગઈ. તપદંભી અને તપઘમંડી ઋષિમુનિઓ ઘણી વાર પોતાના તપશ્રેષ્ઠત્વમાં વિનય-વિવેક પણ ભૂલી જતા હતા એનો મનુને અનુભવ ન હોય એમ બને નહિ. કર્દમની સાથે જ પર્ણકુટિ તરફ ચાલતાં ચાલતાં મનુ મહારાજે જવાબ આપ્યો :
‘મહર્ષિ! ક્ષમા તો મારે માગવાની છે અને સંકોચ મને થવો જોઈએ. હું ખબર આપ્યા વગર આપની પાસે આવ્યો છું એ મારો અવિવેક જ છે... પરંતુ આ મારી પુત્રી દેવહૂતિએ મને તમારું પ્રશંસાભર્યું વર્ણન આપ્યું, અને મારા મનમાં એમ જ થયું કે હું મારું પહેલું પ્રભાતનું રાજકાર્ય આપના દર્શનથી જ શરૂ કરું... મારે આશ્રમમાં બેસવું છે અને આપને વધારે ઓળખવા છે.’
મહારાજાની વાણી સાંભળી કર્દમ આશ્ચર્ય પામ્યો. અને તેને એ પણ ખાતરી થઈ કે થોડો સમય પણ આ રાજકુટુંબ તેના આશ્રમમાં બેઠા સિવાય પાછું વળશે નહિ. આશ્રમની પરસાળમાં કર્દમે ત્રણ ચાર દર્ભાસનો પાથર્યાં. અને રેશમ મશરૂની ગાદી ઉપર બેસનાર રાજકુટુંબને દર્ભાસન ઉપર બેસાડી, આશ્રમમાં કેળનાં વૃક્ષો ઊગ્યાં હતાં તેમાંથી પરિપક્વ કદળી ફળ લાવી, દૂધ-દહીં સાથે અતિથિઓ પાસે મૂકી દીધાં, અને કર્દમને પત્રાવલી-પડિયા બનાવવાની સારી આવડત ન હોવાથી દેવહૂતિએ પોતે આશ્રમવાસી મુનિને અતિથિસત્કારમાં સહાય પણ આપી. ચક્રવર્તી રાજકુટુંબને ભૂખ તો હોય જ નહિ, છતાં વિવેક ખાતર ભોજનને ન્યાય આપતાં આપતાં મનુએ કર્દમ ઋષિને વાર્તાલાપમાં રોક્યા:
‘મહર્ષિ! આપનું નામ અને આપની કીર્તિ અમે સાંભળ્યાં છે. આજ આપને નજરે જોઈ અમે પાવન થયાં એવો ભાવ અનુભવીએ છીએ.’
‘આપને પાવન થવું બાકી નથી. આ૫ માત્ર ચક્રવર્તી મહારાજા નથી, આપ તે રાજર્ષિ પણ છો. મારા એકાંતક્ષેત્રમાં આપ પાવન થાઓ એવું શું હોય એ હું સમજી શકતો નથી.’ કર્દમે કહ્યું.
‘આપને પણ એકાંત લાગે ખરું કે મહર્ષિ?’ મહારાણી શતરૂપાએ કર્દમના એક શબ્દનો લાભ લેવા પ્રયત્ન કર્યો.
‘કદી કદી લાગે પરંતુ કોઈક વાર શિષ્ય અહીં રહી શાસ્ત્ર શીખે. અને નહિ તો મારી એકબે ગાય, સસલાં અને હરણ, મોર અને મેનાપોપટ, મારું એકાંત હળવું બનાવે ખરાં. અને અંતે પ્રભુ તો સભર ભરેલો જ છે ને ?’ કર્દમે એકાંતનો ઉકેલ બતાવ્યો.
‘પરંતુ આપને માનવીનો સહવાસ વધારે રુચિકર ન લાગે શું ?’ રાણીએ પૂછ્યું.
‘રુચિકર જરૂર લાગે.’ કર્દમે કહ્યું.
‘તો આપ કોઈ સાથીનો વિચાર કેમ કરતા નથી ? ઋષિઆશ્રમોમાં ઋષિપત્ની તો અવશ્ય જોઈએ જ. તે વગર આશ્રમ અધૂરો રહે.’ મહારાજ મનુએ આશ્રમની ખામી તરફ લક્ષ દોર્યું.
ઋષિ કર્દમ સહજ હસ્યા અને બોલ્યા :
‘એનો જ્યારે યોગ આવે ત્યારે ખરો; હજી સુધી તો મારો આશ્રમ ઋષિપત્ની વિહોણો છે એ વાત સાચી.’
કર્દમને દેવહૂતિ તરફ તે જ ક્ષણે નજર કરવાનું મન થયું. પરંતુ એ મન ઉપર તેમણે અંકુશ મૂકી દીધો. પરંતુ દેવહૂતિની આંખ ક્યારનીયે કર્દમના દેહને કેન્દ્ર બનાવી રહી હતી. માતાપિતાની અનુભવી દૃષ્ટિ આ વસ્તુસ્થિતિ પરખ્યા વગર રહે એમ ન હતું. મહારાણી શતરૂપાએ ઝડપથી કહ્યું :
‘એ યોગ અમે લાવી આપીએ તો ?’
‘આપ તો કૃપાળુ છો જ, પરંતુ એવા યોગ તો વિધિએ લલાટે જ લખેલા હોય છે. પ્રભુ તેમને પ્રત્યક્ષ કરી શકે.’ કર્દમે કહ્યું – જરા ચમકીને.
‘પ્રભુ ઘણી યે વાર માનવીને પોતાના ઉદ્દેશ અને આશયનું સાધન બનાવે છે એમ તો આપ કબૂલ કરશો ને ?’ મનુએ જ્ઞાની ઋષિ સમજે એવી ઢબે વ્યવહાર વાત રજૂ કરી.
‘અવશ્ય. પ્રભુ કોને સાધન ન બનાવે કહેવાય એમ નથી.’ કર્દમે રાજવીના કથનને સંમતિ આપી. ‘તો આ૫ માની લ્યો કે અમે જ પ્રભુના સાધન બની આવ્યાં છીએ; અને આપના આશ્રમને સાચવવા એક સહધર્મચારીણી મૂકી જઈએ છીએ.’ શતરૂપાએ કહ્યું અને કર્દમે દેહહૂતિ તરફ નજર કરી. દેવહૂતિની નજર તેના પોતાના પગઅંગૂઠા તરફ વળી.
‘હું કાંઈ સમજી શક્યો નહિ, મહારાજ ! સિવાય કે આપની અને મહારાણીની મારા ઉપર ઘણી કૃપા વરસી રહી છે.’
અને મહારાજ મનુએ અને મહારાણી શતરૂપાએ જે સમજ ઋષિને નહોતી પડતી કે અડધી પડધી હતી, તે સમજ પૂરેપૂરી પાડી.
મનુ—શતરૂપાની પુત્રી દેવહૂતિ સકલકલાસંપન્ન હતી; અને આજ સુધી એના હૃદયને ગોઠે એવો પુરુષ એને જડ્યો ન હતો. હવે કર્દમમાં એને ગમતી આકૃતિ દેખાઈ એટલે એ કર્દમને વરવા માટે આતુર હતી. એટલું જ નહિ, પરંતુ કર્દમને મળતાં દેવહૂતિનાં માતાપિતાની પણ એવા જ પ્રકારની ભાવના થઈ ચૂકી હતી.
ઋષિ કર્દમને છેલા ત્રણચાર દિવસોના અનુભવને અંતે આપોઆપ સર્જાતો આ યોગ ગમ્યો તો ખરો, છતાં એ ખરેખર આ જવાબદારી લઈ શકે કે કેમ તેની એને શંકા પડી. અને તેણે કહ્યું :
‘નહિ, મહારાજ ! હું નિષ્કિંચન આશ્રમવાસી, અને દેવહૂતિ એક ચક્રવર્તી રાજવીની રાજકુમારી ! આ સાધનવિહીન આશ્રમમાં એને રાખી દુઃખી કરવાનું પાપ હું માથે ન લઉં.’
ઈશ્વરને શોધતા કર્દમ મુનિના મુખ ઉપર લગ્નની શક્યતાએ વિકલતા ઉપજાવી. મનુ અને શતરૂપા સહજ હસ્યાં; અને દેવહૂતિનું મુખ પણ આ વિકલતા નિહાળી સહજ મલકાયું. મનુએ વિકલ બનેલા કર્દમને સ્મિતસહ જવાબ આપ્યો :
‘આ દેવહૂતિને રાજવીઓ અને રાજકુમારો ગમતા જ નથી. કોણ જાણે કેમ, એની દૃષ્ટિ મુનિવરો તરફ જ વળે છે અને કાલે આપને નિહાળી એણે લગ્નનો નિર્ણય કરી જ નાખ્યો છે. એ વૈભવમાં ઊછરી છે છતાં એને તપોવન અને પર્ણકુટિ નહિ ફાવે એમ ન માનશો. એ તો મહાલયમાં પણ મૃગચર્મો જ પાથરે છે.’ ‘અને નવખંડ ભૂમિના ચક્રવર્તી મનુને પુત્રીના સુખ માટે અરણ્યમાં પણ ઉદ્યાન રચતાં ક્યાં વાર લાગે એમ છે ?’ મહારાણી શતરૂપાએ કર્દમના પ્રશ્નનો સરળતાભર્યો ઉકેલ રજૂ કર્યો – જોકે એ ઉકેલ કર્દમને કે દેવહૂતિને ગમ્યો નહિ; કદાચ રાજાને ગમ્યો હશે.
અંતે કર્દમના સંકોચ ઉપર મનુના આગ્રહે વિજય મેળવ્યો. કર્દમ અને દેવહૂતિના વેદોક્ત વિધિથી લગ્ન થયાં, અને રાજકુમારી દેવહૂતિ તપસ્વી કર્દમની ઋષિપત્ની બનીને આશ્રમને – અને કર્દમને સંભાળતી આશ્રમરાણી બની ગઈ.
૪
કર્દમના આશ્રમમાં દેવહૂતિનો પ્રવેશ થતાં કેટલી યે અવ્યવસ્થા સુવ્યવસ્થા બની ગઈ. પર્ણકુટિની ભીંતે આશ્રમો, દેવસભાઓ અને પ્રકૃતિનાં ચિત્રો દોરાવા લાગ્યાં. પર્ણકુટિની સાદી ભૂમિ ઉપર ઓકળીઓ ઓપવા માંડી. આશ્રમને ઝાંપે અને પર્ણકુટિને દ્વારે જાઈજૂઈની વેલીઓ કમાન બનીને શોભવા લાગી. ગાય એક હતી તેની પાંચ થઈ અને તેની શિંગડીઓ રંગાવા લાગી. અનાજ ઉપજાવતી જમીન અને ઉદ્યાન ઉપજાવતી જમીન જુદી પડી ગઈ, અને મોટાં મોટાં વૃક્ષોએ બેત્રણ ઝૂલા પણ બંધાઈ ચૂક્યા. એ ઝૂલા ઉપર દેવહૂતિ પણ બેસતી અને તપ ન કરતા હોય ત્યારે કર્દમ પણ બેસતા. બ્રહ્માનંદ કરતાં સંસારાનંદ ઊતરતો હોય એમ કર્દમને લાગ્યું નહિ. પતિને પત્નીના અને પત્નીને પતિના સાહચર્યમાં પોતાની ઊણપો પુરાતી લાગી, અને દેહે તથા હૃદયે કદી ન અનુભવેલા નવનવા આનંદ ઉલ્લાસ ઊકલવા લાગ્યા, દેવહૂતિ માતા બની ચૂકી, કર્દમ પિતા બની ચૂક્યા અને આમ ગાર્હસ્થ્યનાં નવનવાં પડ ઊકલવા લાગ્યાં. દેવહૂતિને આશ્રમમાં, આશ્રમની વસ્તુઓમાં, વસ્તુઓના ઉપભોગમાં અને પુત્રીઓની પરંપરામાં આનંદ અને મમત્વ ઊપજવા લાગ્યાં. પરંતુ ધીમે ધીમે ઋષિ કર્દમને સમજાવા લાગ્યું કે સંસારનો ઉપભોગ તેમને મોક્ષમાર્ગથી જૂદે જ માર્ગે ડગલાં ભરાવી રહ્યો હતો. એક દિવસ કર્દમના હૃદયમાં ભારે ખટક ઉત્પન્ન થઈ અને તેમણે હિંચકે હીંચતી દેવહૂતિને કહ્યું :
‘દેવી ! હવે મને સંન્યસ્ત સાદ પાડી બોલાવતું સંભળાય છે.’
‘મારામાં, મારી વ્યવસ્થામાં, મારા ગાર્હસ્થ્યમાં, શું ખામી લાગી કંઈ ?’ સુખમય ઝૂલે ઝૂલતી દેવહૂતિએ ઝોલો અટકાવી એકદમ ચકિત થઈ પૂછ્યું,
‘ના; એ સઘળું એટલું સંપૂર્ણ છે કે હું એ સિવાય મહાતત્ત્વ કદાચ સમૂળું વીસરી જઈશ… અતૃપ્તિથી નહિ, સંપૂર્ણ તૃપ્તિની પ્રસન્નતા પામીને પછી હું સંન્યાસમાં પગ મૂકવા માગું છું. એ કક્ષા હવે આવી રહી છે.’ કર્દમે કહ્યું.
‘હજી જરા વાર છે.’ દેવહૂતિએ કહ્યું.
‘કેમ વાર છે ? શા માટે વાર છે ?’ કર્દમે દેવહૂતિ સામે જોઈને પૂછ્યું. દેવહૂતિની આંખો રમતી હતી, દેવહૂતિનું મુખ હસતું હતું અને દેવહૂતિના દેહે સૌંદર્ય હજી ઝૂલતું હતું. દેવહૂતિએ એક આંખ સહજ ઝીણી કરી કર્દમને કહ્યું :
‘જરા વધારે પાસે આવો તો કહું – કોઈ ન સાંભળે એમ !’
‘એવું શું છે ?’ કહી કર્દમ દેવહૂતિની છેક નજીક આવ્યા અને આસપાસ નજર નાખતાં કોઈ દેખાયું નહિ એટલે દેવહૂતિએ કર્દમને ધીમે રહી કારણ કહ્યું
‘હજી પુત્ર ક્યાં છે ? અને તમે તો આપણે ઘેર પ્રભુ પુત્રરૂપે અવતરશે એવી વાત કરતા હતા. પહેલાં પ્રભુને અવતારો અને પછી સંન્યસ્ત લ્યો.’
કર્દમ મુનિ ચમક્યા. તેમને જૂની આકાશવાણી યાદ આવી. હજી પ્રભુને પુત્રરૂપે પ્રગટાવવાનું અને સાચા પ્રજાપતિ બનવાનું કર્તવ્ય બાકી રહ્યું હતું તે યાદ આવ્યું. ખરેખર દેવવાણી સાચી પડવી જ જોઈએ એવો કર્દમના હૃદયમાં નિશ્ચય થયો અને સંન્યસ્ત પાછું લંબાયું !
દિવસો અને માસ વીત્યા. આશ્રમ વધારે ફળફૂલથી લચી રહ્યો. પ્રકૃતિ વધારે સુંદર અને વધારે પવિત્ર બનતી ચાલી. આશ્રમમાં મોર વધારે પ્રમાણમાં ટહૂકવા લાગ્યા; આસપાસ રમતાં હરણની સંખ્યા ખૂબ વધી ગઈ. પવન મલયાચલથી સીધો આવતો હોય એવો સુવાસિત બન્યો. વૃક્ષઘટામાં સૂર્યનો તાપ ઝિલાઈ રહેવા લાગ્યો. ચંદ્રમાં વધારે ચમક આવી, અને ચંદ્રવિહીન રજનીએ આકાશમાં અલૌકિક તારાના સાથિયા દોરવા માંડ્યા. કોઈ અવનવી તાજગી આખા આશ્રમમાં ફેલાઈ ગઈ. કર્દમને એ તાજગીમાં પ્રભુ વધારે પાસે આવતો લાગ્યો. દેવહૂતિને કોઈ એવી સુખમય સ્વસ્થતા પ્રાપ્ત થઈ કે જાણે તેનો દેહ સભરભર્યા અમૃતમાં રમી રહ્યો હોય !
અને કર્દમના આશ્રમમાં એક દિવસ દેવહૂતિએ પુત્રને જન્મ આપ્યો. કાંચનવર્ણા પુત્રદેહમાં પ્રભુ દેખાયા, ગાર્હસ્થ્યનું અંતિમ લક્ષ સિદ્ધ થઈ ચૂક્યું હોય એમ લાગ્યું. પુત્રને કપિલનું નામ આપ્યું. અને પુત્રનું વય સહજ વધતાં તેમણે દેવહૂતિ પાસે સંન્યસ્તની રજા માગી,
સંન્યસ્ત પણ પત્નીની આજ્ઞા સિવાય લઈ શકાય નહિ એવો આર્યનિયમ છે. સંન્યસ્ત એ પુરુષ કે સ્ત્રીજીવનને પરમ ભવ્ય પ્રસંગ ભલે હોય, છતાં એક દિવસ, એક માસ, એક વર્ષ, સંમતિ આપવામાં પ્રેમી પત્નીને જરૂર વાર લાગે, દેવહૂતિ પોતાના પુત્રમાં મગ્ન હતી. પરંતુ સાથે સાથે એ પુત્રના પિતાને પોતાનાથી અળગા કરવાને જરા યે રાજી ન હતી. કર્દમે સંન્યસ્તમાં પોતાના હિતની વાત બતાવી, દેવહૂતિના હિતની વાત બતાવી, કુટુંબના હિતની વાત બતાવી અને અંતે મહામુશ્કેલીએ દેવહૂતિની સંમતિ મેળવી વાનપ્રસ્થ કરતાં પણ કપરા સંન્યસ્તમાં પ્રવેશ કરી, પૂર્વાશ્રમના સંબંધો ત્યજી દઈ, તેઓ બ્રહ્મની ખોજમાં એકનિષ્ઠાથી લાગી ગયા. આશ્ચમ છોડી ગયેલા કર્દમને માટે હવે સંસાર સળગી ગયો હતો.
૫
પરંતુ દેવહૂતિને તો સંસાર વધારે વળગ્યો. કર્દમ ઓછાવત્તા વ્યવહારકામમાં લાગતા હતા તે ચાલ્યા ગયા, એટલે તેમનું કામ પણ દેવહૂતિને માથે આવી પડ્યું. તેનું પોતાનું કામ હતું તે ઉપરાંત પુત્રીઓને ભણાવવાની હતી. પરણવવાની હતી, પુરુષ સમોવડી બનાવવાની હતી; નાનકડા કપિલને યોગ્ય સ્થાન આપવાનું હતું, અને તેને વ્યવહારકુશળ આર્ય અને આધ્યાત્મિક કુશળ ઋષિ પણ બનાવવાનો હતો. આશ્રમમાં કૃષિ અને બાગબગીચા તો સાચવવાના હતા જ પશુપાલનને તો ભુલાય જ કેમ ? અને આર્યોના આશ્રમમાં યજ્ઞયાગાદિ ક્રિયાઓ તો ચાલુ રહેવી જ જોઈએ. દેવહૂતિ હતી તો ચક્રવતી મનુની પુત્રી, પરંતુ આશ્રમવાસી મુનિ સાથે પરણ્યા પછી, આર્ય સન્નારીના આદર્શને અનુસરીને, તેણે કદી પિતૃગૃહનો આશ્રય શોધ્યો જ ન હતો. આમ પતિ જતાં દેવહૂતિને વ્યવહાર વધારે વળગ્યો.
કિશોર કપિલ દેવહૂતિના વ્યવહારકાર્યમાં ભાગ્યે જ ઉપયોગી નીવડતો. પિતાની માફક જ્ઞાન મેળવવું અને ધ્યાનમાં રોકાવું, એ જ એનાં મુખ્ય કર્તવ્ય બની રહ્યાં. કપિલના જ્ઞાનની અને તપની કીર્તિ ચારે પાસ ફેલાઈ ગઈ. અને અત્યંત નાનું વય છતાં શિષ્યોનો સમુદાય ઘણો વધવા લાગ્યો અને પીઢ ઋષિમુનિઓ પણ કપિલનો સમાગમ સેવવા મોટા પ્રમાણમાં આવવા લાગ્યા. પુત્રીઓ તો મહર્ષિઓને પરણી ચાલી ગઈ. અને આશ્રમનું ભારણ દેવહૂતિના માથેથી જરા યે ઓછું થયું નહિ. આશ્રમની વ્યવસ્થા સાચવતાં સાચવતાં ઘણી વાર માતા દેવહૂતિ થાકી પણ જતાં. પુત્રપ્રેમ એટલો ભવ્ય હતો કે થાકને પણ ન ગણકારીને તેને કપિલને જ્ઞાનધ્યાનનો માર્ગ સરળ કરતાં જતાં હતાં.
ઋષિઓની એક મોટી જમાત આશ્રમમાંથી વિદાય થઈ અને મા-દીકરો આશ્રમમાં ઘણે દિવસે એકલાં પડ્યાં. થાકી ગયેલી માતાને ક્ષણભર નિંદ્રા આવી. પુત્રે માતાનું મસ્તક મૂકવા પોતાનો અંક આપ્યો, અને જ્ઞાની પુત્રના પડછાયામાં માતા સૂઈ ગઈ.
એ થોડીક ક્ષણની નિદ્રામાં પણ દેવહૂતિને સંસારનાં જ સ્વપ્ન આવ્યે ગયાં. પિતાનો વૈભવ, કર્દમનો પ્રેમ, પોતાની જ્ઞાનવિશિષ્ટતા, આશ્રમની સંભાળ અને સંભાળમાંથી લાગતો થાક, એ સ્વપ્નમાં પણ તેમને પીડવા લાગ્યાં. નિંદ્રામાંથી દેવહૂતિ ઊઠ્યાં અને તે પણ થાક સાથે. કંટાળીને તેમણે કહ્યું :
નિદ્રામાં યે આ સંસાર મને છોડતો નથી. દીકરા ! હવે આ સંસારભાર તમે ઉપાડી લ્યો.
‘મા ! કયો સંસાર ? કયો સંસાર બા ? અને કોણ ઉપાડી લે ? એમાંથી મન ખસેડી લેવાય તો એ ભાર આપોઆપ ઊકલી જ જવાનો છે.’ ? કપિલે માતાને કહ્યું.
‘મન ખેંચી લઉં તો, દીકરા ! તારી સંભાળ કોણ રાખશે ? આ આશ્રમ કેમ ચાલે ? અતિથિનો સત્કાર કોણ કરે ?’
‘મા ! તમે અહીં ન હતાં ત્યારે પિતાજી આશ્રમ ચલાવતા. તમે આવ્યા એટલે પિતાજીએ આશ્રમને ફેંકી દીધો, અને તમે વધતો જતો ભાર ઊપડ્યો. એ ભાર તમે ફેંકી દેશો તે દિવસે પણ આ આશ્રમ તો ચાલ્યા જ કરશે ! નહિ ?’
‘મને ન સમજાયું. આ કેળોને પાણી કોણ પાય ? તુલસીક્યારાની મંજરીઓ કોણ ચૂંટે ? ગાયોને સંભાળે કોણ ?…’
કપિલ મુનિએ સહજ સ્મિત કર્યું, અને સંસારની પાછળ રહેલાં પ્રકૃતિનાં ચોવીસ તત્ત્વો અને એ તત્ત્વોને જીવંત બનાવનાર પુરુષ સંબંધી આંખનાં પડળ ઊઘડી જાય એવું જ્ઞાનદર્શન માતાને કરાવ્યું. માતાએ પુત્રમાં વિષ્ણુનાં દર્શન કર્યા. આંખમાંથી બે અશ્રુ બિન્દુ પાડ્યાં : જેની સાક્ષી આજ પણ સિદ્ધપુરમાં બિન્દુ સરોવર પૂરી પાડે છે. અને હૃદયમાંથી સંસારભાર એટલો હળવો બનાવી દીવા કે તેમનો દેહ પાણી બની સરસ્વતીરૂપે વહી રહ્યો, અને તેમનો આત્મા પરમાત્મા સાથે એક બની ગયો.
પતિ, પત્ની અને પુત્ર એ ત્રણ રેખાઓ ભેગી મળતાં મોક્ષનું સર્જન થાય છે એ આર્યભાવના કર્દમ, દેવહૂતિ અને કપિલે સાચી પાડી.