હીરાની ચમક/સાચી અર્ધાંગના

વિકિસ્રોતમાંથી
← ગ્રામશિક્ષકનું એક ગૌરવ હીરાની ચમક
સાચી અર્ધાંગના
રમણલાલ દેસાઈ
૧૯૫૭
અણધાર્યો મેળાપ →





સાચી અર્ધાંગના

માનવીને પૂર્વજન્મ કે પુનર્જન્મ હશે ખરો? આર્ય ફિલસૂફી એમાં માને છે; આજની દુનિયાને એનો પુરાવો મળતો નથી. પરંતુ અતિ જૂની દુનિયાની અરુંધતીને તો વારંવાર ભણકારા વાગ્યા જ કરતા હતા, કે એકાદ મન્વંતર પૂર્વે તે બ્રહ્માની માનસપુત્રી હતી અને તેને સહુ કોઈ ‘સંધ્યા’ને નામે બોલાવતા હતા. સંધ્યાને એક પાસ તપશ્ચર્યાનું બહુ મન, અને બીજી પાસ કોઈ સુયોગ્ય તપસ્વી પતિ પ્રાપ્ત કરવાનું મન. સંધ્યા તપશ્ચર્યા કરવા બેસે ત્યારે તેની આંખ સામે રૂપભર્યો કોઈ યુવાન ઋષિપુત્ર જ દેખાયા કરે; અને ઋષિપુત્રના ધ્યાનમાં તે લીન બની જાય ત્યારે ઋષિના સૌંદર્ય કરતાં ઋષિના તપનો તેને મોહ લાગે. આમ મોહ અને તપ વચ્ચે સૌન્દર્ય અને વિરાગ વચ્ચે, તેનું મન સતત ઝોલાં ખાતું હતું.

તપશ્ચર્યાનો શોખ તેને તપોવનમાં ફેરવતો હતો. અને કોઈક ક્ષણે એક સુંદર તપસ્વી તેની દૃષ્ટિએ પડ્યો. અને એ તપસ્વી તેના હૃદયમાં ચોંટી ગયો. તપસ્વીને તેણે પૂછ્યું :

‘હે તપોનિધિ ! મારું મન તમે વાંચી શકો છો?’

‘હા’ તપસ્વીએ સ્મિતભર્યો જવાબ આપ્યો.

‘તો મારી ઇચ્છા આપ પૂર્ણ ન કરો?’ સંધ્યાએ કહ્યું.

તપસ્વી સમજી ગયો. તેને લાગ્યું કે આ યુવતી તેના ઉપર મોહ પામી છે. તપસ્વીને આ યુવતી ગમતી ન હતી એમ તો તપસ્વીથી પણ કહેવાય એવું હતું નહિ. પરંતુ ‘હા’ કહેવા જતાં તપસ્વીને ભાન આવ્યું કે હજી તેને યોગનાં કેટલાક સોપાનો ચઢવાં બાકી છે, એટલે ‘હા’ કહેવાને બદલે તપસ્વીએ તેને જવાબ આપ્યો ‘હે સુનયને ! ઈચ્છા પૂર્ણ કરનાર તો એક પ્રભુ છે, તેની પાસે ઈચ્છા વર માગો. મારું તો ત૫ હજી અધૂરું છે. તપ પૂર્ણ થયે હું આપને પ્રાપ્ત કરું તો તેને મારું સુભાગ્ય માનીશ.’

આટલું કહ્યું-ન-કહ્યું ત્યાં તે તપસ્વી યુવક અદૃશ્ય થઈ ગયો. સંધ્યા એકલી પડી. એને પોતાની જાત ઉપર સહેજ રીસ ચડી. આમ ના કહી ચાલ્યો જતો પુરુષ જ તેને મળવો જોઈએ અને તે પોતે પુરુષસમોવડી જ બનવી જોઈએ. એ જ સ્થળે બેસી એણે ઘોર તપ આદર્યું અને સાક્ષાત્ ભગવાન તેની સમક્ષ પ્રગટ થયા. તપસ્વિનીને ભગવાને કહ્યું :

‘શા અર્થે આ તપ આદર્યું છે, પુત્રી ?’

‘પ્રભુ ! માગું છું એ પતિ મને મળો.’ સંધ્યાએ કહ્યું.

‘તથાસ્તુ ! બીજું કાંઈ માંગવું છે?’ પ્રભુએ સંધ્યાને પ્રસન્ન થઈ બીજો વર માગવા કહ્યું.

‘પ્રભો ! હું પૂછું છું કે સંસારમાં ઉત્પન્ન થતા પ્રત્યેક પ્રાણીના હૃદયમાંથી કામ અદૃશ્ય થાય એમ ન બને ?’ સંધ્યાનો આ પ્રશ્ન પ્રભુને પણ હસાવી રહ્યો. પ્રભુએ કામવિકારને જ સંસારને આદ્ય આધાર બનાવ્યો હતો; સંસારનો સ્રોત બંધ કરવો હોય તો જ પ્રભુ કામવાસનાને ઉજાડી શકે. હસતાં હસતાં પ્રભુએ સંધ્યાને કહ્યું : ‘પતિને માગી રહેલી યુવતી, જીવ સૃષ્ટિમાં તો કામ મારી ઈચ્છાનો વાહક છે. એટલે તું પૂછે છે એમ કરવું એ તારા હિતમાં નથી. કામ નહિ હોય તો તારો પતિ તારે માટે પથ્થરનું પૂતળું બની જશે. છતાં તારી ઈચ્છા છે તો માનવીની બે અવસ્થામાંથી કામને અદૃશ્ય કરું છું.’

‘એ કઈ બે અવસ્થા? પ્રભો !’

‘એક બાલ્યાવસ્થા અને બીજી વૃદ્ધાવસ્થા. કૌમાર અને યૌવનમાં કામનું પ્રાબલ્ય ન રહે તો જીવન ખારોપાટ બની જાય.’

‘હું તો, પ્રભો ! યુવાવસ્થા ભોગવું છું. કામ રહિત અવસ્થા તો હવે મારે માટે નહિ જ ને ?’ સંધ્યાએ પૂછ્યું.

‘દેહ બદલવો પડશે, દીકરી !’

‘એ પણ એક સરસ રમત છે, નહિ પ્રભુ ! કામ રહિત અવસ્થામાંથી કામ કેમ પ્રગટ થાય છે તેનો અભ્યાસ કરતી હું મારા મનમાન્યા પતિને મેળવું અને સતત પતિસમોવડી બની પતિ સાથે જ સ્થાન પ્રાપ્ત કરું એવી મનેકામના પૂર્ણ કરો.’

‘તથાસ્તુ, સંધ્યા ! ચંદ્રભાગાને તીરે એક મહા તપસ્વી મેધાતિથિ બાર વર્ષથી જ્યોતિષ્હોમ યજ્ઞ કરી રહ્યા છે. એ યજ્ઞના ફળરૂપે હું તને એની પુત્રીનો અવતાર આપું છું. એ જીવનમાં તારી મનેકામના પૂર્ણ થશે.’ એટલું કહી પ્રભુ અદૃશ્ય થયા. સંધ્યાએ પોતાને દેહ છોડ્યો કે સદેહે યજ્ઞકુંડમાંથી પુત્રી રૂપે પ્રગટ થઈ, એનો ખ્યાલ અરુંધતીને સ્પષ્ટ ન હતો. પરંતુ અરુંધતીના પિતા મેઘાતિથિ તેને વારંવાર ‘યજ્ઞની પરમ પ્રસાદી’ તરીકે ઓળખવતા હતા, એટલે ધીમે ધીમે તેના મનમાં એ વાત તો દૃઢ જ બનતી ચાલી કે એ યજ્ઞકુંડમાંથી અવતરી છે.

પ્રત્યેક માનવજન્મ અગ્નિકુંડનો જ આવિર્ભાવ નહિ હોય એમ કોણે કહ્યું?

એ જે હોય તે, અરુંધતીને પોતાના પૂર્વજન્મનો આખો ખ્યાલ આવી ઢબે એક જ ક્ષણે અને એક જ દિવસે આવ્યો હોય એમ તો અરુંધતી પણ માનતી ન હતી. એના જીવન ટુકડા ભેગા કરતાં કરતાં તેને પૂર્વજન્મની આ ઢબે સ્મૃતિ જાગી હતી.

બાર બાર વર્ષ સુધી સળંગ યજ્ઞ કરના મેધાતિથિ એક સમર્થ મુનિ હતા, અને નાનકડી અરુંધતીનું અપૂર્વ વાત્સલ્યથી લાલન પાલન કરતા હતા. અરુંધતીને માતા હતી કે નહિ તે યાદ જ આવતું નહિ. યજ્ઞકુંડમાંથી યજ્ઞનારાયણના આશીર્વાદરૂપે અર્પણ થએલી અરુન્ધતીને જન્મ પામવા માટે માતાની જરૂર હોય કે નહિ તેનો ખ્યાલ ન હતો. જન્મ આપતાં જ કદાચ તેની માનવ માતા મૃત્યુ પામી હોય તો તેની પણ ખબર અરુંધતીને પડી ન હતી – પિતા મેધાતિથિએ એ ખબર પડવા દીધી જ ન હતી. અરુંધતીને મન મેધાતિથિમાં જ માતા અને પિતા સંક્રાંત થયાં હતાં. અને બાળકીની પરવરીશ મેધાતિથિ એટલી કુમળાશથી કરતા હતા કે અરુંધતીને માતા અને પિતાના હાથ વચ્ચે ફેર જરા પણ લાગ્યો ન હતો. મેધાતિથિ હતા તો અગ્નિહોત્રિ, વિરાગી અને કર્મકાંડી, પરંતુ અરુંધતીના ઉછેરનો પ્રશ્ન આવતાં એ ઉછેર જ તેમનો યજ્ઞ, વિરાગ અને કર્મકાંડ બની જતાં. ઋષિઆશ્રમમાં બાળકો તો હોય જ અને બાળકોને બાળઇચ્છાઓ પણ પ્રગટ થાય. બાળ-અરુંધતીની સર્વ બાળઈચ્છાઓ મેધાતિથિ પૂરી કરતા. અરુંધતીને તેઓ રમાડતા, નવરાવતા, જમાડતા, સુવાડતા; તેને ગમતી વાર્તાઓ કહેતા અને તેને વેદની ઋચાઓ, ગીતો અને હાલરડાં પણ સંભળાવતા અને શીખવતા. કોણે જાણ્યું કે એ અરુંધતી માટે ચીંથરાની ઢીંગલીઓ નહિ બનાવતા હોય, માટીના શિવ-પાર્વતી નહિ બનાવતા હોય, અગર બરૂના રાજમહેલ અને રાચરચીલાની આકૃતિઓ નહિ બનાવતા હોય?

જરૂર, મેધાતિથિની વાર્તામાં ઈંદ્ર અને ઈંદ્રાણી પણ આવતાં હતાં; અગ્નિ અને સ્વાહા આવતાં હતાં, સૂર્ય અને છાયા આવતાં હતાં, ચંદ્ર અને રોહિણી પણ આવતાં હતાં. પરંતુ આ સર્જનચક્રમાં દેવ અને દેવી, રાજા અને રાણી, તથા પુરુષ અને સ્ત્રી વારંવાર આવતાં હોવા છતાં તે શા માટે આવતાં હશે એની અરુંધતીને ખબર પણ ન હતી, અને એ જાણવાની જિજ્ઞાસા પણ તેને ન હતી. જન્મે છે, જીવે છે અને મરે છે એ ત્રણે સત્ય તેના માનસ ઉપર અથડાતાં ખરાં, પરંતુ એ કેવી રીતે જન્મે છે, જીવે છે અને મરે છે તેનો ખ્યાલ તેને આવતો નહિ. વાર્તામાં કોઈ દેવ જીતે તો અરુંધતીને આનંદ થતો, અને કોઈ રાક્ષસ જીતે તો શોક થતો; કોઈ દેવકન્યા કે ઋષિકન્યાને દુ:ખ પડ્યું એમ સાંભળે તો તે રડતી પણ ખરી, અને અણીને વખતે ઈશ્વર કોઈ કન્યાને બચાવી લેતા ત્યારે તે આનંદથી પુલક્તિ થઈ હસતી પણ હતી. એક રાજકુંવર બીજી રાજકન્યા સાથે પરણે એ તેની વાર્તામાં આવતું, પરંતુ તે શા માટે પરણે, કયા બળથી પ્રેરાઈને પરણે, એ બધું સમજવાની અરુંધતીને બાલ્યાવસ્થામાં જરૂર લાગી નહિ. શબ્દો તેને કાને પડતા અને તે દૃઢ થતા, પરંતુ એ શબ્દની પાછળ રહેલી બધી જ ભાવના તેને ભાગ્યે સમજાતી. પિતાને માટે તો તેને એટલી જ ખબર પડી કે તેને અગ્નિદેવે ઉપજાવી હતી અને અગ્નિદેવે મેઘાતોથિની માગણી પ્રમાણે તેને આપી હતી. જન્મ-પુનર્જન્મની વાર્તાવલી ઊકલતાં તે પિતાને પૂછતી :

‘પિતાજી ! પૂર્વજન્મે હું કોણ હતી ?’

મેધાતિથિ ઉત્તર આપતા :

‘દીકરી! તું પૂર્વજન્મે બ્રાહ્મણની પુત્રી હતી.’

જગતના સર્જક બ્રહ્માનાં જ બધાં પુત્ર અને પુત્રીઓ ગણાય ને? જેનાં માબાપ ન જડે એનાં માબાપ બ્રહ્મા !

‘મારું નામ પૂર્વજન્મે શું હશે?’ અરુંધતી પૂછતી.

‘તારું નામ... સંધ્યા હોવું જોઈએ. અરે, સંધ્યા જ હતું.’ મેધાતિથિ કહેતા.

ન પરખાતી કોઈ પણ વસ્તુનું નામ સંધ્યા કે નિશા પાડવામાં જરા પણ હરકત ન હોવી જોઈએ !

આમ તેને પૂર્વજન્મનો એક ટુકડો તો મળ્યો. સાથે સાથે પૂર્વજન્મે જે વરદાન પામી હતી તે પણ આ જન્મે સફળ થયું. એની બાલ્યાવસ્થામાં કામે પ્રવેશ કર્યો જ ન હતો. જોકે એ વરદાન એને યાદ આવ્યું એની યુવાવસ્થામાં.

આમ અરુંધતીના ઉછેરનાં પાંચ વર્ષ વીતી ગયાં એટલે મેઘાતિથિને એના વ્યવસ્થિત અભ્યાસની ચિંતા થઈ. પ્રાચીન કાળઅભ્યાસની દૃષ્ટિએ સ્ત્રી-પુરુષોના ભેદ સ્વીકારતો નહિ. જેમ છોકરાઓ ભણે તેમ જ છોકરીઓએ પણ ભણવાનું જ હતું. છોકરીઓ ત્યારે ઉપવીત પણ પામતી અને બ્રાહ્મવાદિનીઓના આશ્રમમાં રહી શાસ્ત્ર અને વ્યવહારનું જ્ઞાન પ્રાપ્ત કરતી હતી. એ યુગની બ્રહ્મવાદિનીઓમાં સાવિત્રી, ગાયત્રી, બહુલા, સરસ્વતી તથા દ્રુપદા વિશિષ્ટ, માનપાત્ર ગણાતી હતી. પુરુષોની સમી વિદ્રત્તા અને તપશ્ચર્યા તેમણે પ્રાપ્ત કર્યાં હતાં. અને અનેક કૂટ પ્રશ્નો ઉકેલવા પુરુષવિદ્વાનો પણ એ બ્રહ્મવાદિનીઓ પાસે માનપૂર્વક આવતા અને પ્રશ્નોની સ્પષ્ટતા કરાવી જતા. મેધાતિથિએ તપાસ કરાવી તો તેમને ખબર મળી કે આ સર્વ સન્નારીઓ માનસપર્વત ઉપર ભેગી થઈ છે. જનકલ્યાણની યોજનાઓ વિચારી રહી છે, અને જનકલ્યાણમાં સ્ત્રીઓનો કેવો ફાળો હોવા જોઈએ તેની યોજનાઓ ઘડી રહી છે.

પુત્રીને લઈને મેધાતિથિ માનસપર્વત ઉપર ગયા. સત્રમાં ભેગી થયેલી વિશ્વવિખ્યાત સન્નારીઓનાં તેમણે દર્શન કર્યા. મેધાતિથિ જેવા તપસ્વી તેમના સત્રમાં પધારે તેમાં સ્ત્રી સભાને પણ વિશિષ્ટતા લાગી. અંતે મેધાતિથિ પ્રમુખસ્થાને બિરાજેલાં સાવિત્રીની પાસે ગયા. અને અરસપરસ વિવેકવિધિ પૂર્ણ થતાં સાવિત્રીએ મેધાતિથિને પૂછ્યું : ‘આપ પધાર્યા તેથી બહુ આનંદ થયો. આપના વ્યાખ્યાન વગર તો અમે આપને ન જ જવા દઈએ ને ?’

‘આપની આ મહિલા પરિષદનાં મને દર્શન થયાં એ જ મારે માટે બસ છે. આપને હું શું વ્યાખ્યાન આપી શકું? હું તો માત્ર એક જ ઉદ્દેશથી અત્રે આવ્યો છું. આ મારી પુત્રી અરુંધતીનું ગુરુપદ આપ સ્વીકારો ને એને કલ્યાણને માર્ગે લઈ જાઓ.’ મેધાતિથિએ કહ્યું.

સાવિત્રીની આંખ તો ક્યારની અરુંધતી ઉપર ઠરી હતી. અંતશ : તેઓ સમજી પણ ગયાં હતાં કે મેધાતિથિ પોતાની પુત્રીના આશ્રમસંસ્કારણ માટે જ અહીં પધાર્યા હશે. તેમણે બાળ અરુંધતીને પ્રેમપૂર્વક પોતાની પાસે બોલાવી, બેસાડી, તેના મસ્તક ઉપર હાથ ફેરવી મેધાતિથિને કહ્યું : ‘અરુંધતી આપની પુત્રી છે એટલે એને કલ્યાણને માર્ગ તો મળી જ ચૂક્યો છે. અભ્યાસનો સમય એનો થયો છે એ વાત સાચી. આપ એને મારી કે બહુલાની પાસે ભલે મૂકતા જાઓ; એ અમારી પુત્રી જ બની રહેશે.’  ગુરુપદે પહોંચેલી તત્ત્વજ્ઞાની સ્ત્રીઓને વિદ્યાર્થિનીઓ પુત્રરૂપ જ હતી. અરુંધતીને પણ આ પરિષદની પ્રવૃત્તિઓ ખૂબ ગમી ગઈ અને સ્ત્રીઆશ્રમની નવીનતા પણ તેના દિલને સ્પર્શી ગઈ. પાસેના ડુંગરમાં અન્ય ઋષિ આશ્રમો પણ હતા. ત્યાં થોડા દિવસ મેધાતિથિએ નિવાસ કર્યો અને અરુંધતી, આશ્રમકન્યાઓ તેમ જ આશ્રમની અધિષ્ઠાત્રીઓ સાથે હળીભળી ગઈ ત્યાં સુધી મેધાતિથિ પાસે જ રહ્યા અને વારંવાર અરુંધતી પાસે આવતાજતા રહ્યા.

હવે બાળ અરુંધતીનો રીતસર અભ્યાસ શરૂ થયો. અક્ષરજ્ઞાન, વાચન, વ્યાયામ, રમતગમત, સૂપવિદ્યા એ સર્વમાં ક્રમશ:પ્રવેશ થવા માંડ્યો. અને અરુંધતીએ શિક્ષિકાઓને પણ આશ્ચર્ય ઉપજાવે એવી મેધા દર્શાવવામાં માંડી. આર્ય શિક્ષણનો પટ પણ કંઈ નાનોસુનો ન હતો. આજ પણ જૂની ઢબની વિદ્યા પ્રાપ્ત કરવા માટે ઓછામાં ઓછાં બાર વર્ષ તો ગાળવાં જ પડે છે. ચૌદ વિદ્યા અને ચોસઠ કળાનું શિક્ષણ પ્રાપ્ત કરનારને કદાચ આજના યુગના કોઈ પણ શિક્ષણની જરૂર ન રહે એવો આર્ય શિક્ષણનો પ્રાચીન વિસ્તાર હતો. ને એ વિસ્તાર ઉપર ફરી વળવાની જેમ પુરુષને છૂટ હતી તેમાં સ્ત્રીએને પણ છૂટ હતી. અરુંધતીએ શિક્ષણવિસ્તારમાં ડગ ભરવા માંડ્યાં અને વર્ષોવર્ષ આગળ અને આગળ વધતાં તેણે બાર વર્ષમાં તો એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી, કે ભારતવર્ષની વિદ્વાન સ્ત્રીઓમાં આ કિશોરીનું નામ સહજ સંભળાવા લાગ્યું. કદી કદી તેને પ્રમુખસ્થાને સત્રો ભરવાની પણ વિનવણીઓ આવવા લાગી; જે સાવિત્રીએ — આશ્રમની મુખ્ય અધિષ્ઠાત્રીએ–સ્મિતભર્યા મુખે નકારી પણ ખરી ! એ કહેતી :

‘હજી અરુંધતીને એક શાસ્ત્ર શીખવાનું બાકી છે. તે સિવાય એ પ્રમુખપદે શોભે નહિ.’

અરુન્ધતીને પણ જરા આ બોલ સાંભળી આશ્ચર્ય લાગતું ખરું. કયું એ શાસ્ત્ર શીખવાનું હજી બાકી હશે ? પરંતુ આમન્યાની ખાતર એણે અધિષ્ઠાત્રીને પૂછવાની હિંમત કરી નહિ. પરંતુ એક  પ્રભાતે નદી ઉપર સ્નાન કરવા જતાં એક સહીપણીને તેણે પૂછ્યું,: ‘હવે મારે કયું શાસ્ત્ર શીખવાનું રહે છે?'

સહીપણીએ એકદમ થોભી, અરુંધતીને પણ તેને ખભા પકડી થોભાવી. તેની સામે જોઈ રહી, નયનમાં તોફાન લાવી જવાબ આપ્યો : ‘તારા શરીર સામે તું કદી જુએ છે ખરી ?’

‘હા, ઘણું બદલાયું, હું આવી તે કરતાં.’ અરુંધતીએ જવાબ આપ્યો.

‘તું આવી ત્યારે પાંચ વર્ષની હતી. તારે આવ્યાને બાર વર્ષ તો થઈ ગયાં. તારું શરીર જ તને કયું શાસ્ત્ર શીખવું તે કહેશે.’ એમ કહી સખી ખૂબ હસી ને તેનો ખભો છોડી દીધો.

સખીનું આટલું સૂચન અરુંધતીને એના દેહ તરફ દોરતું ગયું. હાથના સ્પર્શે તેને કંપ ઉપજાવ્યો. વસ્ત્રો–વકલો–પહેરતાં તેણે કોઈ લજ્જાનો ભાવ અનુભવ્યો. સૂર્યનાં કિરણો તેને કદી સ્પર્શતાં ન હતાં તે હવે તેના મુખને સ્પર્શતાં હોય એમ લાગવા માંડ્યું. તે ચાલવામાં ભૂલ કરતી હતી કે કેમ તેનો એને ખ્યાલ કરવા માંડ્યો. કેમ બેસવું અને કેમ ઊભા થવું એનો કદી એને વિચાર આવ્યો ન હતો; હવે તેને એક પ્રકારનું ભાન થવા લાગ્યું કે બેસતાં, ઊઠતાં, તેણે દેહ તરફ વધારે ધ્યાન આપવું જોઈએ. આજ સુધી તેને મોટેથી બોલવામાં, મોટેથી હસવામાં જરા યે સંકોચ થતો ન હતો; હવે એકાએક તેને લાગવા માંડ્યું કે તેણે પોતાની સખીઓને બહુ મોટેથી બૂમ પાડી બોલાવવી ન જોઈએ, અગર સહુ સાંભળે તેમ તેણે હસવું પણ ન જોઈએ. કેશમાં ફૂલ ગૂંથતાં તેણે વધારે કલા વાપરવા માંડી; સ્થિર પાણીમાં પોતાનું મુખ વધારે વાર જોવા માંડ્યું. કોઈ અગમ્ય સંસ્કૃતિ અને આળસનો અનુભવ તેના દેહે કરવા માંડ્યો. ગાયને, વાછરડાંને ને આશ્રમમાં હરણ સસલાને વધારે પંપાળવાનું તેને મન રહ્યા કર્યું.

ઉપનિષદ્ કહેતાં હતાં કે આત્મા અનાસક્ત છે, અવિક્રીય છે,  ઉદાસીન છે, દ્રષ્ટા છે; ત્યારે આ નવાં સ્ફૂરણ માત્ર દેહ જ અનુભવતો હતો ? નહિ, અરુંધતીનાં મન, બુદ્ધિ, ચિત્ત ને અહં – એ સઘળાં કાંઈ ને કાંઈ નૂતનતા અનુભવતાં હતાં. આત્મા અસ્પૃશ્ય જ હોય તો આત્મા એનાં વેષ્ટનોને આ બધા ભાવ કેમ અડકવા દેતો હશે? દેહને આ આકાર આપનાર આત્મા કે આત્માને પ્રગટ કરનાર દેહ? જે હોય તે. બંને પ્રાગટ્યને માટે પરસ્પર અવલંબન લેતાં હોય તો તો આત્માને છેક અલિપ્ત કેમ કહી શકાય? આ બધાં દેહ અને મનનાં સંચલનો શું એમ તે નહિ સૂચવતાં હોય કે આત્મા જ કંઈક માગી રહ્યો છે, કોઈ અપૂર્ણતા પૂર્ણ કરવા મથી રહ્યો છે?

શું હશે ? કોને પુછાય? કોણ જવાબ આપે? શિક્ષિકાઓ તો ન્યાયમાં, વ્યાકરણમાં, નિરુક્તમાં અવિક્રીય બ્રહ્મને જ ઓળખાવ્યા કરે છે. બ્રહ્મને ઓળખતાં વચમાં કંઈ નવું ઓળખવાનું બાકી રહે છે શું ? અરુંધતી એકલી એકલી વિચાર કરતી, અને પોતાના મનની મૂંઝવણ મનમાં જ રાખતી. અનુભવી બ્રહ્મવાદિનીઓ બ્રહ્મને પિછાનતા પહેલાં જે જે સોપાન ચઢવા પડે તે તે સોપાન નહોતાં સમજતાં એમ નહિ. અરુંધતીની વિકલતા છુપાવ્યા છતાં સાવિત્રીની દૃષ્ટિથી છૂપી ન રહી.

એક દિવસ સાવિત્રીએ કહ્યું : ‘અરુંધતી ! સંધ્યા પહેલાં બહુલાના આશ્રમે જરા જતી આવજે. સાયંપ્રાર્થનામાં તારી જરૂર છે એમ બહુલાનો સંદેશો આવ્યો હતો. આજથી જ જવા માંડ.’

ગુરુની આજ્ઞા પ્રમાણે અરુંધતીએ બહુલાના આશ્રમમાં જવાની તૈયારી કરી. આમ તો અરુંધતી ઘણી સાદી ગણાતી હતી, પરંતુ આજ તેના વલ્કલમાં કંઈ અવનવો ખૂણો આવ્યો દેખાતો હતો. કાને તેણે કદી ફૂલ પહેર્યા ન હતાં; આજ તેણે કર્ણિકાર પુષ્પ કાને લટકાવ્યાં હતાં. એને જતી જોઈ એની સખીએ ‘વાહ વાહ !’ નો ભાવ વ્યક્ત કરતી મુદ્રા પણ કરી અને તેને કાનમાં ધીમે રહીને કહ્યું પણ ખરું: ‘અલી જોજે, કોઈ દેવ, દાનવ કે માનવ તને ઊંચકી ન જાય !’  ‘બળીને ભસ્મ કરું, એવી હિંમત કરનારને !’ અરુંધતીએ, કહ્યું અને મદભર્યા પગલાં ભરતી તે બહુલાના આશ્રમ તરફ ચાલી નીકળી. આશ્રમ બેત્રણ ગાઉ દૂર હતો, અને વચમાં વચમાં મુનિઓ અને શિષ્યોના આશ્રમો વિસ્તરેલા પડ્યા જ હતા. એટલે પર્વતનો માર્ગ અરુંધતીને મન અજાણ્યો ન હતો. મુખ્ય માર્ગને બદલે કેડીઓ પણ તેની જાણીતી હતી, અને એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં જવું એ આશ્રમવાસીઓને મન ત્યારે સામાન્ય કાર્ય હતું. હજી પૂરી સંધ્યા ઊતરી ન હતી. મંદ મંદ સમીર લહેરાઈ રહ્યો હતો નાનાંમોટાં વૃક્ષો અનુપમ સુવાસ ચારે પાસ વેરી રહ્યાં હતાં; પર્વત પાષાણના ઢગલા ને ઢગલા ઊભા કરી રહ્યો હતો. અને આખી સૃષ્ટિ સમૃદ્ધિ વેરી રહી હોય એમ લાગતું હતું. સૂર્ય એક શૃંગની પાછળ સંતાવાની તૈયારી કરતો હતો અને એને શોધવા ફિક્કો ફિક્કો ચંદ્ર આકાશમાં મંથન કરી રહ્યો હતો એમ પણ અરુન્ધતીને લાગ્યું. અકસ્માત તેના મનમાં વિચાર આવ્યો : ‘લાવ, આ શૃંગ ઉપર ચઢી સાંધ્ય સૂર્યનાં દર્શન કરી લઉં અને શૃંગની પાછળ જ ઊતરી બહુલાના આશ્રમમાં વહેલી પહોંચી જાઉં !’

સૂર્ય જ્યાં સંતાતો હતો તે શૃંગ ઉપર થઈને ખરેખર બહુલાના આશ્રમમાં વહેલાં પહોંચાય એવું હતું. અરુંધતીના પગમાં બળ હતું. શિખર ચડવું એ અત્યારે રમતવાત હતી. તે શિખર ઉપર ચઢી ગઈ, અને અકસ્માત સ્થિર બનીને ઊભી રહી. સૂર્ય ડૂબતો હતો. એ શિલા ઉપર કોઈ તપસ્વી તેને બેઠેલો દેખાયો. ત્યાં થઈને જ એને જવાનું હતું. બેઠેલા તપસવીના માથા પાછળ સૂર્ય તેજકિરણો વેરી રહ્યો હતો. અને અરુંધતીને લાગ્યું કે તે સાક્ષાત્ બ્રહ્મને સાકાર સ્વરૂપ ધારણ કરતા તો નિહાળતી નથી ? દર્શન કરી પાછા વળવું ? પાસે જઈ દર્શન કરવા અને આગળ વધવું ? શું કરવું અને શું ન કરવું ? પુરુષથી તે ડરતી હતી જ નહિં; એને પોતાને પુરુષસમોવડી બનવું હતું. અને આ પાસે, સામે દેખાતો પુરુષ ભય ઉપજાવે એવો તો હતો જ નહિ. બ્રહ્મ હોય કે બ્રહ્મનો ઉપાસક હોય તો તેનાં દર્શન  પણ કેમ ન કરવાં ? થોડીક ક્ષણ અરુંધતી ઊભી રહી, એટલામાં અરુંધતિને આ બધા વિચાર આવ્યા અને તે આગળ વધી. કોણ જાણે કેમ, બહુલાના આશ્રમની પ્રાર્થના તેને ખેંચતી હતી કે આ તપસ્વી પુરુષને વધારે સાનિધ્યમાં નિહાળવાની વૃત્તિ તેને આગળ ખેંચતી હતી ?

થોડાં ડગલાં અરુંધતી આગળ વધી અને પદ્માસનની તૈયારી કરતા મુનિ કુમાર પાસે આવી પહોંચી. રસ્તો જ ત્યાં થઈને જતો હતો, એટલે પણ અરુંધતીને એ તપસ્વી પાસેથી ગયા વગર છૂટકો ન હતો. પાસે આવતાં અરુંધતીએ મુનિકુમારને નમસ્કાર કર્યા અને તે સાથે જ મુનિકુમારે પણ સામે નમસ્કાર કર્યા.

‘કોણ હશો બ્રહ્મકુમારી? ક્યાં જશો?’ તપસ્વી યુવકે પૂછ્યું.

‘હું અરુંધતી, સાવિત્રીના આશ્રમમાં રહું છું અને બહુલાના આશ્રમમાં જાઉં છું.’

‘દર્શન પહેલાં જ શ્રવણે આપને ઓળખ્યાં હતાં.’

‘મને મારા, નામને શું આપ જાણતા હતા ? આપ કોણ છો?’ અરુંધતીથી પુછાઈ ગયું.

‘આપ ધારો છો એના કરતાં વધારે પ્રસિદ્ધ છો. આર્યાવર્તનો સ્ત્રીસમૂહ આપનામાં નૂતન બ્રહ્મવાદિની જુએ છે. નજરે તો પહેલી જ વાર પડ્યાં. મારું નામ વસિષ્ઠ. હું એક મુનિકુમાર છું. એક જ શૃંગ ઉપર બાર વર્ષ તપ તપ્યો. બ્રહ્મ દેખાય દેખાય અને અદૃશ્ય થાય ! આજે શૃંગ બદલ્યું છે. જોઉં કે આ સાયં સંધ્યામાં બ્રહ્મ મારા ધ્યાનમાં પકડાય છે કે નહિ ?’

‘મને, તો લાગ્યું કે બ્રહ્મ તમારો જ આકાર ધારણ કરી શૃંગ ઉપર ઊતરે છે. તમારી પાછળનાં સૂર્યકિરણોએ એ ભ્રમ ઊભો કર્યો !’ અરુંધતીએ કહ્યું અને વસિષ્ઠ આ કુમારીના નિર્દોષ મૌગ્ધ્યને સ્મિતપૂર્વક પિછાન્યું.

‘એ ભ્રમ જ હતો, કુમારી ! મારું ત૫ હજી અધૂરું છે. સહજ નીચે ઉતરશો એટલે બહુલાનો આશ્રમ દેખાઈ આવશે. હું આવું બતાવવા ?’

‘ના, જી ! આશ્રમ મારો જાણીતો છે, ને સંધ્યા મને ભય પમાડતી નથી.’

‘સાચું. મને તો ભ્રમ ન હતો. મેં દર્શન કર્યાં.’ વસિષ્ઠે કહ્યું અને ફરી અરુંધતીને નમન કર્યું.

અરુંધતી હજી ઊભી જ હતી. તેણે પૂછ્યું : ‘સંધ્યાનાં દર્શન ? ક્યાં કર્યાં આપે ?’

‘આપનામાં. આપ જ્યારે આ શૃંગ ચઢી ઉપર આવ્યાં ત્યારે પેલો ચંદ્ર આપની વેણીમાંથી નીકળી છૂટો પડી ગયો હોય એમ મને લાગ્યું. મને એમ પણ થયું કે એ ચંદ્રને હું પાછો તમારે અંબોડે પહેરાવી દઉં ! ઉષા અને સંધ્યા એ બંને અમ તપસ્વીઓના જીવનનાં બે પાસાં.’ વસિષ્ઠે કહ્યું.

એકાએક અરુંધતીને લાગ્યું કે તે આ વિવેકી તપસ્વીની સાયં-સંધ્યામાં વિઘ્ન બની રહી છે. તેણે દેહમાં ચંચળતા આણી વધતી જતી સંધ્યાને જોઈ અને પગ ઉપાડતાં વસિષ્ઠને નમન કરી તેણે કહ્યું : ‘ક્ષમા કરજો, મુનિકુમાર ! આપના ધ્યાનમાં મેં આવીને વિઘ્ન નાખ્યું.’

એટલું કહી ઝડપથી પગ ઉપાડી અરુંધતી શૃંગોની પાછળ અદૃશ્ય થઈ ગઈ. એને ફરી નિહાળવા માટે મુનિકુમાર વસિષ્ઠ ઊભા થયા હતા કે નહિ તેની ખાતરી કરવા તેણે દૂર દૂર જઈ પાછળ દૃષ્ટિ પણ કરી; પરંતુ એની દૃષ્ટિને કેટલાં યે શૃંગોએ અવરોધી લીધી હતી. આશ્રમમાં પહોંચતાં પહોંચતાં તેના મનમાં વિચાર આવ્યો : ‘સંધ્યા ? હું સાક્ષાત સંધ્યા ? પૂર્વજન્મનો કોઈ ભણકારો મને સંભળાય છે શું ? આવો જ પૂર્વજન્મે મને દેખાયેલો તપસ્વી કુમાર મારી પાસેથી ભાગી ગયો હતો, નહિ ? પ્રભુની મેં જ તપશ્ચર્યા કરી હતી, ખરું ? અને સંધ્યાનો દેહ છોડી અગનમાંથી ઉત્પન્ન થઈ હું પિતા મેધાતિથિને ઘેર જન્મી ! એ ભ્રમ મને અત્યારે જ ઉત્પન્ન થાય છે ? કે મારા પૂર્વજન્મની કથની હું ક્યારનીયે જાણું છું ?… વસિષ્ઠ નિત્ય અહીં ધ્યાનમાં બેસશે કે કેમ ?’

બહુલાના આશ્રમે પહોંચતાં પહોંચતાં અરુંધતીને અનેક વિચારો આવવા લાગ્યા. બહુલા અને એના આશ્રમની વિદ્યાર્થિનીઓ સાયં પ્રાર્થના માટે તેની રાહ જોઈને જ બેઠાં હતાં. અરુંધતીને જોતાં બરાબર સહુ પ્રાર્થના માટે ઊભાં થયાં. અને બહુલાએ અરુંધતીને કહ્યું : ‘બહુ વખતસર આવી તું, અરુંધતી ! તેં રચેલી ગાયત્રી પ્રાર્થના તારી પાસે જ સહુને સાંભળવી છે અને શીખવી છે; એક અઠવાડિયું તું આવ્યા કર.’

‘એના કરતાં અરુંધતી આખું અઠવાડિયું અહીં રહે તો કેવું ?’ એક આખાબોલી વિદ્યાર્થિનીએ અધિષ્ઠાત્રી બહુલાને પ્રશ્ન કર્યો. અરુંધતી વિદ્યાર્થિનીઓના વર્ગમાં સર્વત્ર પ્રિય અને માનીતી હતી. અરુંધતીને આ સૂયન ગમ્યું કે નહિ ? અહીં ને અહીં રહે તો રસ્તામાં તપ કરતા વસિષ્ઠનાં ફરી દર્શન શી રીતે થાય ? આવો વિચાર કરતી અરુંધતીને આશ્રમમાં રાખવાની સરળતા બહુલાએ ઉપજાવવા દીધી નહિ. સાવિત્રીનો આખો આશ્રમ અરુંધતીને માથે હતો એમ કહીએ તો ચાલી શકે. અરુંધતીએ પ્રાર્થના ગાઈ સંભળાવી, ને ગાયત્રીનું આહ્‌વાન સંગીતમાં કર્યું. કોણ જાણે કેમ, આજ અરુંધતીના કંઠમાંથી અદ્‌ભુત મીઠાશ વહેતી હતી ! આમે ય અરુંધતીનો કંઠ સુંદર જ હતો. છતાં આજનું સૌંદર્ય અરુંધતીને તેમ જ સહુ કોઈને ચમકાવે એવું સંભળાયું. વીણા વધારે મધુર કે અરુંધતીનો કંઠ ? એ પ્રશ્ન સહુને થઈ પડ્યો.

પ્રાર્થના થઈ ગઈ અને અરુંધતીને પાછા વળવાનો પ્રશ્ન ઊભો થયો. હજી વધારે રાત્રિ ગઈ ન હતી અને વિદ્યાર્થિનીઓને — વિશેષત: નીવડેલી વિદ્યાર્થિનીઓને — જાણી જોઈને રાત્રિએ જવા આવવાના પ્રસંગો ઊભા કરવામાં પણ આવતા હતા, જેથી સ્ત્રીઓ સાથે જોડાયેલી બીક અદૃશ્ય થાય !

પાછાં ફરતાં અરુંધતી વસિષ્ઠના તપમાર્ગે ન જતાં સીધા જાણીતા માર્ગે જ ગઈ, ને આશ્રમની કરવા જેવી વ્યવસ્થા કરી અધિષ્ઠાત્રી સાવિત્રી સાથે તે સૂતી પણ ખરી. કોણ જાણે કેમ, આખી રાત તેને નિંદ્રા જ ન આવી ! અને નિંદ્રા આવી તે સ્વપ્નોના ભંડાર ઉઘાડતી આવી. અલબત્ત, એ સ્વપ્નમાં રાજમહેલ નહોતા, રથસુખપાલ ન હતાં, દાસ દાસીઓ ન હતાં; સ્વપ્નોમાં તપોવન, તપ અને તાપના અનુભવો જુદે જુદે સ્વપરૂપે થયાં કરતાં હતાં. પરંતુ સાથે સાથે તપોવન, તપ, અને તાપ એ ત્રણેનું મધ્યબિંદુ એક તપસ્વી જ હતો ને એ તપસ્વી વસિષ્ઠ જ હતો એ વૈચિત્ર્ય વધારાનું !

અણધાર્યાં સ્વપ્ન યુવક અને યુવતી બંનેને અસ્વસ્થ બનાવ્યા વગર રહેતાં નથી. અરુંધતીની રાત્રિ તો અસ્વસ્થતામાં ગઈ. પરંતુ એનું પ્રભાત પણ બેચેનીમાં ગયું. તપોવનનું વાતાવરણ તો પવિત્ર જ હોય. ને આર્ય આશ્રમમાં વિકાર ભરેલું વાતાવરણનું સર્જન સુરુચિકર તો ન જ લાગે ને ? અરુંધતીએ વાંચ્યું – વિચાર્યું ઘણું હતું. શાસ્ત્રપ્રાવીણ્ય તેનું એટલું હતું કે સ્ત્રી-પુરુષના સંબંધો તો છેક ન સમજે એમ તો માનવું અશક્ય જ ગણાય. છતાં એ સંબંધે તેની બુદ્ધિમાં પ્રવેશ કર્યો હશે તોપણ તેના હૃદયે એ ભાવ કદી ઓળખ્યો ન હતો. આજ એકાએક ધોધની માફક કોઈક નવો જ ભાવ તેના હૃદયને ઊભરાવી રહ્યો હતો. એ પુણ્ય હશે ? એ પાપ હશે ? સાત્ત્વિક ભાવથી દૂર હડસેલનાર કોઈ પણ વૃત્તિ સદ્‌વૃત્તિ ન જ ગણાય એ આશ્રમનું શિક્ષણ. અને આજની રાત્રિ તો અરુંધતીએ એવાં સ્વપ્નમાં ગાળી હતી. કે જેમને સાત્ત્વિક ભાવ કહેતાં અરુંધતીને જરૂર સંકોચ થાય.

સખીઓ સાથે તે પ્રાતઃસ્નાન કરી આવી, આશ્રમનું પ્રાત:કાર્ય કર્યું, સંધ્યાવદન અને યજ્ઞયાગાદિ પણ થઈ ગયાં અને વિદ્યાર્થીનીઓ વિદ્યાભ્યાસમાં ધ્યાનસ્થ બની ત્યારે સાવિત્રીએ અરુંધતીને એકાંતમાં પોતાની પાસે બોલાવી પૂછ્યું : ‘દીકરી ! આજ કેમ તું અસ્વસ્થ લાગે છે ?’ અને એ પ્રશ્ન થતાં જ અરુંધતીની આંખમાં અશ્રુ ઊભરાયાં. તેનાથી કાંઈ જવાબ આપી શકાયો નહિ. સ્ત્રીહૃદયની અનુભવી અધિષ્ઠાત્રી સાવિત્રીએ અરુંધતીની પ્રથમ રુદનઊર્મિને વહી જવા દીધી. ને પછી તેને માથે હાથ ફેરવી ફરી પૂછ્યું : ‘પિતા યાદ આવ્યા? મેધાતિથિ પાસે જવું છે ? કે તેમને અહીં બોલાવું ?’

‘ના જી ! એ તો હમણાં જ અહીં આવી ગયા છે.’

‘ત્યારે આંખમાં આંસુ કેમ લાવે છે ?’

‘માતાજી ! મને લાગે છે કે હું કાંઈ પાપ કરી રહી છું.’ અરુંધતીએ રુદનભર્યા કંઠથી જવાબ આપ્યો.

‘પાપ ? તું એવી ઢબે ઊછરી છો કે તારાથી કદી પાપ થઈ શકે જ નહિ. તારું હૃદય જે કાંઈ વાંછતું હશે તે પુણ્ય જ હશે. ગભરાઈશ નહિ, દીકરી ! આપણી આસપાસ પાપ હોય જ નહિ. કહે, શા પરથી તને એમ લાગ્યું ?’ સાવિત્રીએ ધારણા આપી અરુંધતીની પાસેથી વાત મેળવી. ને ટુકડે ટુકડે, અચકાતાં અચકાતાં, અરુંધતીએ ગઈ કાલનું વસિષ્ઠ સાથેનું મિલન અને રાત્રિનાં સ્વપ્નનો સાર કહી સંભળાવ્યો. વાત પૂરી થયે અનુભવી સાવિત્રી ખડખડ હસી પડ્યાં અને કહ્યું :

‘અરુંધતી ! જે થાય છે તે સારું થાય છે. વસિષ્ઠના મિલનથી તારે ભય પામવાનું કારણ નથી. કદાચ પૂર્વજન્મથી જ એ તારે માટે સર્જાઈ ચૂક્યો હશે, ને તારી તથા તેની બ્રહ્મપ્રાપ્તિ ગૃહસ્થાશ્રમને માર્ગે થવાની હશે. આજે સાંજે પાછી એ જ માર્ગે થઈને બહુલાને આશ્રમે જજે અને વસિષ્ઠને પૂછજે, કે રાત્રે તેમને કોઈ સ્વપ્ન આવ્યું હતું કે કેમ ? એનો જવાબ મને કહેજે. કદાચ प्रजनश्वास्मिं कंदर्प : — પ્રભુ કંદર્પરૂપે પધારતા ન હોય !’ કહી સહેજ હસી સાવિત્રીએ અરુંધતીનો વાંસો થાબડી તેને કામકાજમાં રોકી.

સંધ્યા થતાં બરાબર અરુંધતી પાછી બહુલાને આશ્રમે જતાં જતાં વસિષ્ઠ મુનિની તપશીલા પાસે થઈને જ જવા લાગી. આજે વસિષ્ઠ આસનબદ્ધ ન હતા; જાણે તેઓ અરુંધતીની રાહ જોતા જ ઊભા ન હોય તેમ અરુંધતીને જોતાં જ નમન કરી કહ્યું : ‘કોણ જાણે કેમ, અરુંધતી ! તમારાં દર્શન સિવાય આજ ધ્યાનસ્થ નહિ જ થવાય એમ લાગવાથી તમારી રાહ જોઉં છું.’

‘તમને શી ખાતરી હતી કે હું આજ આ રસ્તે આવીશ જ ?’ અરુંધતીએ પૂછ્યું.

‘હા; મારા સ્વપ્નમાં તમે ગઈ રાતે જ એમ કહી ગયાં. એમ લાગે છે કે આપણે પૂર્વજન્મે મળ્યાં હોઈશું, અને આ જન્મમાં અરસપરસ મળવાનું વચન આપ્યું હશે.’ વસિષ્ઠે કહ્યું.

‘તમે તે મુનિ ! બ્રહ્મનું ધ્યાન ધરો છો કે કોઈ યુવતીનું ?’ અરુંધતીએ જરાક છણકાઈને પ્રશ્ન કર્યો.

‘બ્રહ્મનો ભરોસો જ નહિ. એ ગમે તે સ્વરૂપે એ આપણને પ્રત્યક્ષ થાય — સ્ત્રીરૂપે પણ !’

‘સ્ત્રીરૂપે પ્રભુ અવતરે એ તમને ગમે ખરું ?’

‘મને લાગે છે કે બ્રહ્મ માનવઆકાર ધારણ કરે તો તેને સ્ત્રી કરતાં વધારે સુંદર આકાર ન જ મળી શકે. મને બ્રહ્મનું સ્ત્રી-સ્વરૂપ જરૂર ગમે. કાલે આ માર્ગેથી જ જશો ને ?’

‘કાલની વાત કાલ ઉપર. મારો બ્રહ્મ પુરુષસ્વરૂપે મને આજ રાત્રે સ્વપ્નમાં દેખાશે તો હું જરૂર આ માર્ગે આવીશ.’ અરુંધતીએ કહ્યું અને બહુલાના આશ્રમે તે પાછી ચાલી ગઈ. બહુલાએ પણ અરુંધતીની અસ્વસ્થતા પરખી, અરુંધતી પાસેથી માહિતી મેળવી અને ત્રીજે દિવસે સાવિત્રી અને બહુલાએ ભેગા મળી નિશ્ચય કર્યો કે અરુંધતી અને વસિષ્ઠનાં બ્રહ્મલગ્ન કરવાં. વસિષ્ઠ ધાર્યા કરતાં વધારે અનુકૂળ નીવડ્યા. તેમણે પહેલે જ પ્રશ્ને અરુંધતી સાથેનાં લગ્નની હા પાડી. અરુંધતીમાં વસિષ્ઠે બ્રહ્મનો સ્ત્રીઅંશ જોયો અને વસિષ્ઠમાં અરુંધતીએ બ્રહ્મનો પુરુષઅંશ દીઠો. એકાએક પૂર્વજન્મની કોઈ સ્મૃતિ અરુંધતીને થઈ આવી... અથવા વસિષ્ઠ પ્રત્યેની તેની પ્રેમભાવનામાં પૂર્વજન્મના કોઈ પ્રેમઅંકોડાનું તેને ભાન થયું. અને યૌવનમાં કામ એ ધર્મ બની જાય છે એવું પ્રભુનું કંઈક વાક્ય પૂર્વજન્મમાં ઉચ્ચારાયેલું તેને યાદ આવ્યું. બંનેના લગ્ન થયાં. વસિષ્ઠ પણ એક મહાતપસ્વીની કીર્તિ પ્રાપ્ત કરી શક્યા હતા. અને  પુરાણો તો કહે છે કે એ લગ્નમાં ઋષિમુનિઓ અને બ્રહ્મવાદિનીઓ તો આવે પરંતુ બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને ઇન્દ્ર પણ સજોડે પધાર્યા અને વસિષ્ઠના ગૃહસ્થાશ્રમ પ્રવેશ ઉપર આશીર્વાદ વર્ષાવ્યા. આખા ગૃહસ્થાશ્રમને દેવોએ બિરદાવ્યો.

સમય જાય છે, કાળ વહી જાય છે, યૌવનની ઊર્મિઓ શાંત પડી જાય છે અને ગૃહસ્થાશ્રમનાં કેટલાંક વર્ષો વીતતાં સામાન્ય ગૃહસ્થાશ્રમીઓમાં પરસ્પર ઉદાસીનતા પણ કદાચ આવી જાય છે. પરંતુ વસિષ્ઠ અને અરુંધતીના ગૃહસ્થાશ્રમમાં શાંતિનો પટ ભલે ફેલાયો હોય, પરંતુ પરસ્પરનાં સંબંધમાં તલપૂર પણ ઉદાસીનતા આવી ન હતી. ગૃહસ્થાશ્રમના ભોગ પણ યોગ બની જાય છે – જો માનવી समस्वं योग उच्यते ગીતાવાક્ય ધ્યાનમાં રાખે તો ! અને વસિષ્ઠ ને અરુંધતીનો ગૃહસ્થાશ્રમ પણ સાચોસાચ યોગની એક ભૂમિકા બની રહ્યો.

વસિષ્ઠે જોતજોતામાં બ્રહ્મર્ષિપદ પ્રાપ્ત કર્યું અને અરુંધતીએ બ્રહ્મવાદિનીનું પદ પ્રાપ્ત કર્યું.

બ્રહ્મર્ષિઓમાંથી પણ ઊંચી ભૂમિકાએ પહોંચાડનારું સપ્તર્ષિનું એક પદ છે. છ સપ્તર્ષિઓ દેવમંડળ અને ઋષિમંડળને મળી ચૂક્યા અને સાતમા ઋષિ માટે વસિષ્ઠ પણ નિયુક્ત થઈ ચૂક્યા. પરંતુ આર્યસંસ્કૃતિએ કદી ન અનુભવેલો એક ભવ્ય સાંસ્કૃતિક ઊહાપોહ વસિષ્ઠના પદને માટે ઊભો થયો. અરુંધતી સદા વસિષ્ઠસમોવડી નીવડી હતી, અને વસિષ્ઠ પત્નીનું સમોવડિયું સ્થાન જીવનભર સવીકારી લીધું હતું. સપ્તર્ષિપદે વસિષ્ઠને સ્થાપન કરવાનો પ્રશ્ન ઊભો થતાં તેમણે આખા ઋષિસમાજને અને દેવસમાજને પણ કહી દીધું કે વસિષ્ઠ એકલો જીવતો નથી, વસિષ્ઠ અરુંધતી સાથે સહજીવન જીવે છે; વસિષ્ઠના બ્રહ્મર્ષિપદમાં અરુંધતીનું ચોખ્ખું અર્ધું સ્થાન છે. સપ્તર્ષિપદ પણ વસિષ્ઠ ત્યારે જ સ્વીકારી શકે, જ્યારે વસિષ્ઠની જોડાજોડ અરુંધતીનું સ્થાન હોય.

અને અનેક વાદવિવાદો, ચર્ચાઓ અને ઝઘડાઓને અંતે સપ્તર્ષિમંડળમાં વસિષ્ઠની જોડે, અરુંધતીને પણ સ્થાન મળ્યું, અને એક સ્ત્રી પુરૂષસમોવડી પુરવાર થઈ. આજ સપ્તર્ષિનું નક્ષત્ર પણ એ કથાની સાબિતી આપતું નિત્ય ચળકે છે. સપ્તર્ષિઓમાં વસિષ્ઠના તારાની સાથે અરુંધતી પણ પોતાનો સૌભાગ્યચંદ્ર ચમકાવતી આજ પણ દેખાશે.

અરુંધતી એટલે જ ધર્મ, વિકાસ, પ્રગતિને કદી ન રોધતી સ્ત્રી-પુરુષની એ સાચી અર્ધાંગના – પુરુષ જેટલી જ મહત્ત્વની – સંસ્કારમાં પ્રેમમાં, પ્રતિષ્ઠામાં અને તપમાં.