હીરાની ચમક/ગ્રામશિક્ષકનું એક ગૌરવ

વિકિસ્રોતમાંથી
હીરાની ચમક
ગ્રામશિક્ષકનું એક ગૌરવ
રમણલાલ દેસાઈ
૧૯૫૭
સાચી અર્ધાંગના →



ગ્રામશિક્ષકનું એક ગૌરવ

શિક્ષકના જીવનમાં સાહસ ક્યાંથી હોય ? અને તે શિક્ષક પણ વળી ગામડાનો ! ગિરિજાશંકર માસ્તર ઠીક ઠીક ભણ્યા હતા. ભણતરના લાભ સમજતા પણ હતા, અને મોટા કુટુંબનું તેમને પોષણ કરવાનું હોવાથી તેમણે તાત્કાલિક મળી ગયેલી શિક્ષકની નોકરી પોતાના જ ગામડામાં સ્વીકારી લીધી હતી. માતા, પિતા, ભાઈ, ભાંડું, પુત્ર, પરિવાર, એ સૌનો આધાર તેમની નોકરી ઉપર જ હતો. માતા - પિતા તેમની સતત સેવા માગે એવી પરિસ્થિતિમાં હોવાથી ગિરિજા શંકરથી ગામ છોડીને બહાર નીકળાય એમ હતું જ નહિ એટલે ગામમાં ને ગામમાં તેમણે માસ્તરગીરી કરી, સરકારી પ્રાથમિક શાળા લાંબા સમય સુધી ચલાવી અને વર્ષોવર્ષ નવનવા વિદ્યાર્થીઓને તેમણે તૈયાર કર્યા.

વિદ્યાર્થીઓની ગ્રામશાળામાં તૈયારી એટલે કોઇ બહુ મોટી વાત નહિ. ચારપાંચ ચોપડી ભણી, થોડી ઘણી કવિતાઓ મોઢે કરી, લેખાં હિસાબની મૂળ વાત સમજી, વિદ્યાર્થીઓ શાળામાંથી બહાર પડતા અને ખેતી, મજૂરી કે સુથારી લુહારી ધંધામાં પડી શાળાને અને ભણતરને એક સ્વપ્ન સરખો આભાસ બનાવી દેતા. ગિરિજાશંકર માસ્તરે શીખવેલી કેટલીક કવિતાઓ કેટલાક ગ્રામનિવાસીઓને મોઢે ચઢી ગયેલી. એટલે મજૂરી કરતાં, ધાર્મિક ભાવો ઊભરાઈ આવતાં, અગર જીવનથી કંટાળતાં કદી કદી એ કવિતાઓ ગામવાસીઓને મુખેથી સરી પડતી. અને કદાચ કોઈ સરકારી કાગળમાં કે દસ્તાવેજમાં સહી સાક્ષી કરવાં ૫ડે તો સહીના અક્ષરો લાંબા ટૂંકા લખાઈ જતા, એટલો ગિરિજાશંકરના શિક્ષણનો અવશેષ ગામમાં રહ્યો હતો. ઉપરાંત સાતઆઠ વર્ષનાં નવનવાં બાળકો તેમની પાસે આવી વર્ષો વર્ષ ભણ્યે જતાં હતાં એટલી જ ગિરિજાશંકર માસ્તરની મહત્તા.

ગામલોકો ગિરિજાશંકર પ્રત્યે ખૂબ માનવૃત્તિ ધરાવતા, તેમની ગાય માટે બાર માસનું ઘાસ ભરી આપતા, અને ઘરની એાસરી પડાળીનાં નળિયાં ખસી ગયાં હોય તો તે ઠીક પણ કરી આપતા. કદી કદી ગામલોકો તેમની સલાહ પણ લેતા અને ગિરિજાશંકર માસ્તર સહુને સાચે માર્ગે જવાની સલાહ આપી ગામ ખટપટમાંથી વેગળા રહેતા. ગામના તલાટી પટેલ સાથે તેઓ સારો સંબંધ રાખતા, અને કોઈ અમલદારનો મુકામ ગામે આવે તો ગામના સંભવિત સદ્દગૃહસ્થો તરીકે અમલદારને મળવાનું ગિરિજાશંકરને આમંત્રણ પણ મળતું. ગામનાં સ્ત્રી, પુરુષ અને બાળક એ સર્વનાં તેઓ મિત્ર હતા અને તેમના સારા કામની કદર તરીકે શાળા ઉપરાંત ગામની ટપાલનું કામ સાતેક રૂપિયા વધારે આપી તેમને હસ્તક સોંપ્યું હતું,

પચીસ વર્ષ સુધી ગિરિજાશંકરે શાળા અને ટપાલકામ ચલાવ્યું. છેવટે એમાં વિક્ષેપ આવ્યો. આ ગામથી શાળા બંધ કરી પાંચેક ગાઉ દૂર આવેલા વધારે મોટા ગામની શાળા સાથે ભેળવી દેવાનો સરકારી હુકમ આવ્યો. અને નોકરીના પાછલા ભાગમાં ઘર છોડીને મદદનીશ શિક્ષક તરીકે જવાનો ગિરિજાશંકરને પ્રસંગ આવ્યો. મોટા અમલદારોને બદલી એક ઉત્સવનો પ્રસંગ હોય છે એટલે તેમને સમજ પડતી નથી કે નાના નોકરો એક ગામથી પાસેના જ બીજે ગામ જવામાં શા માટે આનાકાની કરતા હશે. પરંતુ ગિરિજાશંકરે પરગામ જવાની ના પાડી, જે મળતું હોય તે પેન્શન આપવા ઉપરીને વિનંતી કરી, અને શાળા બંધ થઈ તે દિવસે તેમના હૃદયનો એક ભાગ તૂટી ગયો હોય એવી લાગણી અનુભવતા ગિરિજાશંકર ઘેર આવી દુઃખી બનીને બેઠા; અને બેસી રહેવું ન ગમ્યું એટલે ગામની બહાર લટાર મારતાં ભીડભંજન હનુમાનને મંદિરે વિચારશૂન્ય દશામાં પહોંચી ગયા. હનુમાનની દેરી આગળ ખુલ્લું ચોગાન હતું, વૃક્ષની ઘટા હતી, અને બેસવા માટે એક છોબંધ બાંકડો હતો. સંધ્યાકાળનો સમય હતો. હનુમાનની પૂજા કરનાર બાવા સાથે ગિરિજાશંકરે થોડી વાતચીત કરી અને બાવો ગામમાં લોટ માગવા નીકળી પડ્યો. એકલા પડેલા ગિરિજાશંકર પોતાના આખા જીવનનો સરવાળો-બાદબાકી કરતા ત્યાં જ બેસી રહ્યા. એમની દૃષ્ટિ સમક્ષ પોતાની નિષ્ફળતાનાં અનેકાનેક ચિત્રો તાદૃશ પ્રગટ થવા લાગ્યાં. તેમનો જ બાલમિત્ર જયકૃષ્ણ ગામની બહાર નીકળ્યો અને આજ મહાન કથાકાર બની મુંબઈ અમદાવાદમાં શેઠિયાઓનું ગુરુપદ પામી પોતાના સ્વતંત્ર બંગલાઓ પણ શહેરમાં બંધાવી શક્યો.

તેમની જ પાસે હિસાબ કિતાબ શીખીને તૈયાર થયેલો કાન્તિ લુહાણો આફ્રિકા પહોંચી ગયો અને ત્યાં તે લખપતિ બની ગયાના પણ સમાચાર ગિરિજાશંકરે થોડાં વર્ષો ઉપર સાંભળ્યા. અને એ જ કાન્તિએ તેમને આફ્રિકા જવાનું આમંત્રણ આપ્યું, પરંતુ ગામને, શાળાને અને કુટુંબને છોડીને ગિરિજાશંકરથી શી રીતે જવાય ? કાન્તિએ તો વિશ્વાસ આપ્યો હતો કે પાંચ વર્ષ માસ્તર સાહેબને આફ્રિકા રાખી તે હજારોની કમાણી તેમને કરાવી આપશે. પણ ગામમાં દટાઈ ગયેલા ગિરિજાશંકરના પગ ગામ બહાર જવા ઊપડ્યા જ નહિ!

વરજીવન કાપડિયો ખભે ગાંસડી ભેરવી ગામડે ગામડે કાપડ વેચતો. આખા કુટુંબને લઈને એ કલકત્તે નીકળી ગયો, અને આજ કલકત્તા અને કાનપુરમાં કાપડની મોટી પેઢી ચલાવે છે, અને કહે છે કે એનો દીકરો તો વિલાયત – અમેરિકા જઈ સાહેબોને ટક્કર મારે એવું અંગ્રેજી બોલતો થઈ આવ્યો છે !...શું એનું નામ ?

જે છોકરીને એ પરણ્યો હતો એનું નામ તો હતું જયા – જડીનું જયા નામ કરી નાખેલું તે ! અને એ છોકરી ભણેલી ન હતી એટલા માટે એનું વેવિશાળ તોડવા પણ એ છોકરો તૈયાર થયો હતો. પણ એ છોકરી બડી હોશિયાર ! ચટ લઈને નામ એણે બદલી નાખ્યું અને ગિરિજાશંકર માસ્તર પાસે તેણે ભણવા માંડ્યું. ભણતાં ભણતાં અધવચ જ જયા અને એનાં માબાપ આ ગામમાંથી કલકત્તા ઊપડી ગયાં અને સાંભળ્યા પ્રમાણે જયાનાં લગ્ન પણ તે જ છોકરા સાથે થઈ ગયાં. કેટલી યે વાર જયાએ ગિરિજાશંકરને કાગળો લખ્યા અને જગન્નાથજીની જાત્રાએ જવા માટે કાયમ આમંત્રણ પણ આપ્યું. ગામ છોડીને, બે પાંચ વીઘા જમીન છોડીને. આદર્શોની સૃષ્ટિ રચીને ચલાવેલી શાળાને છોડીને, અને કલ્લોલ કરતા બેત્રણ બાળકો અને પતિનું જ અવલંબન લઈ સુશીલ, ગરીબ સ્વભાવની પત્નીને છોડીને ગિરજાશંકરથી જાત્રા માટે પણ ક્યાં નીકળાતું હતું ?

અને હવે તો આખું જીવન વેડફી ઉછરેલી શાળા પણ તેમના હાથમાંથી ચાલી ગઈ હતી અને ગામનાં નાનકડાં બાળકોનો નિર્દોષ સાથ પણ આજથી ચાલ્યો ગયો હતો ! ગિરિજાશંકરે એક ઊંડો નિઃશ્વાસ નાખ્યો. જીવતી જાગતી, ધબકતી, શહેરી દુનિયાની પ્રતીક સરખી બે મોટરકાર હનુમાનની દેરી પાસેથી પસાર થઈ. ધોરી રસ્તો દેરી પાસે જ થઈને જતો હતો.

ધોરી રસ્તા ઉપર આજના સમયમાં કદી કદી ધનિકોની મોટરકાર પણ જાય, ખાનગી વાહન-વ્યવહારના ચાલકોના ખટારા પણ જાય અને સરકારી કે અર્ધસરકારી બસ પણ જાય. ગિરિજા શંકરનો વાહનઅનુભવ ખટારા સુધી પહોંચેલો હતો; બસ કે કારમાં પગ મૂકવાની તેમનામાં હજી સુધી શક્તિ આવી ન હતી. જીવતી જાગતી શાળા તેમના હાથમાંથી ચાલી ગઈ; ચમકતી, પ્રકાશના બબ્બે ત્રણ ત્રણ સૂર્ય ને આગળ પાછળ રાખતી કાર સાથે તો તેમને સંબંધ હોઈ જ કેમ શકે ? કાર સાથે તેમને નિસબત પણ ન હતી, કારની તેમને તૃષ્ણા પણ ન હતી. સંધ્યા જરા ઘેરી થઈ છતાં તેઓ દેરીની બેઠક ઉપર બેસી જ રહ્યા. બાવાજી પણ એટલામાં લોટ લઇને ઉતાવળા પાછા આવ્યા. આવતાં બરોબર ગિરિજાશંકરને બેઠેલા જોઈ બાવાજીએ કહ્યું :

‘હજી અહીં જ છો, માસ્તર સાહેબ?’

‘હા, બાવાજી ! આજ તો શાળા ગઈ છે એટલે ઘેર જવું પણ ગમતું નથી.’ ગિરિજાશંકરે કહ્યું.

‘પણ માસ્તર સાહેબ ! તમારે ઘેર મહેમાન આવ્યા છે; બહુ મોટા માણસો લાગે છે. તેમને ખબર નથી? મોટર અહીંથી જ ગઈ તે તમે ન જોઈ? જાઓ જલદી કરો; તમને ખબર આપવા જ હું ઉતાવળો આવ્યો છું.’ બાવાજીએ સમાચાર આપ્યા.

‘કોઈ ભૂલા પડેલા લોકો હશે. મારે ત્યાં કારમાં આવે એવા કોઈ મહેમાનો આવે જ નહિ.’ ઊભા થતાં ગિરિજાશંકરે જવાબ આપ્યો.

‘અરે, તમારા ઘરમાંથી જ મને કહ્યું ને – હું લોટ માગતો હતો ત્યારે ? જાઓ જાઓ, ઝડપ કરો; કોઈ બાઈ પણ છે – ઠકરાણી જેવી !’ બાવાજીએ કહ્યું.

મહેમાનો આવવાની ખબર ન મળી હોત તો પણ ગિરિજાશંકર ઊઠવાની તૈયારી કરતા હતા. જીવનભરમાં કારમાં બેઠેલો કોઈ મહેમાન તેમને ઘેર હજી સુધી આવ્યો ન હતો; આજ શાળા ખુંચવાઈ ગઈ તે જ દિવસે કોણ સધન મહેમાન તેમને ઘેર આવી શકે ? ઊંડા વિચારમાં તેઓ ઊતરી ગયા. નાનકડા ગામના નાનકડા માસ્તરને યાદ કરી કોણ ધનપતિ કારમાં બેસી પોતાને ઘેર આવી શકે; એનો તેમણે ઊંડો વિચાર કરવા માંડ્યો... જયંતી કલકત્તામાં; મનસુખલાલ મુંબઈમાં પેલા ચબરાક વલ્લભને આફ્રિકામાં ભારે પૈસા મળ્યા. પરંતુ એ બધા પોતપોતાનાં ગામ છોડી આ નાનકડા ત્યજી દીધેલા ગામમાં શા માટે આવે ? ગિરજાશંકરને કંઈ સમજ પડી નહિ.

એટલામાં તેમનું ઘર આવી ગયું. આછા અજવાળામાં તેમના ઘર પાસે જ બે ગાડી ઊભી રહેલી તેમણે જોઇ. બહાર કાથીના ભરેલા બે ખાટલા પાથરેલા હતા. બંને ખાટલા ઉપર ધનિકોને મેલાં લાગે છતાં ગિરિજાશંકરના ઘરમાં સ્વચ્છાંમાં સ્વચ્છ પાથરણાં પાથરેલ હતાં, અને તેના ઉપર એક સફાઈ ભરેલાં વસ્ત્રોવાળો યુવાન અને એને પણ ટપી જાય એવાં વસ્ત્રપરિધાન કરેલી યુવતી ખાટલા રોકી બેઠાં હતાં. ગિરિજાશંકરનાં બાળકો સ્તબ્ધ બનીને આવેલા મહેમાનોને નિહાળી રહ્યાં હતાં, અને ગિરિજાશંકરનાં પત્ની સહજ ગભરાટ ભર્યાં સ્વચ્છ લોટા પવાલાં લાવી તેમની પાસે ભરતાં હતાં. ગિરિજાશંકરને એટલી ખાતરી તો થઈ જ કે આવનાર, કહો કે ન કહો, તેમને ઘેર જ આવ્યાં હતાં. ગામની આગેવાની ગઈ, તે છતાં કદાચ કોઈ રસ્તે જનાર ગૃહસ્થ આગેવાનનું ઘર પૂછી પોતાને ત્યાં આવ્યા હોય એમ સંભવિત લાગ્યું. નમસ્કાર કરતા ગિરિજાશંકર માસ્તર આગળ આવ્યા. તેમના ઘરને આંગણે નવા માણસોને જોવા સ્ત્રી, પુરુષ અને બાળકનું ટોળું ભેગું થઈ ગયું હતું. તેમને આવતા જોઈને જ ખાટલા ઉપર બેઠેલી દમામદાર યુવતી ઊભી થઈ અને ચમકી ઊઠેલા ગિરિજાશંકર માસ્તરના મેલા પગને પોતાના સ્વચ્છ હાથ અડાડી તેણે પોતાની આંખે લગાડ્યા.

‘હાં, હાં, બહેન ! આ શું ? આજના યુગમાં હવે આમ કોઈ પગે ન જ લાગે ! અને હું વળી કોણ પગે લાગવાની યોગ્યતાવાળો ? બિરાજો. બહેન ! મારું કંઈ કામકાજ હોય તો આપ કહી શકો છો.

‘રસ્તો તો ભૂલ્યાં નથી ને ?’ ગિરિજાશંકર આશ્ચર્ય અનુભવતા હતા છતાં તેમનું શિક્ષકનું ગૌરવ તેમની વાણીને બંધ કરે એ અશક્ય હતું. બહુ વિવેકપુરઃસર પોતાને પગે લાગતી સુંદરીને આશીર્વાદ આપી ઊભી કરી ગિરિજાશંકરે તેના અભિનયનો જવાબ આપ્યો. ગિરિજાશંકરના મોટા પુત્રે ઘરમાં એક સ્ટુલ હતું તે લાવી પિતાને બેસવા માટે પણ સાધન કરી આપ્યું, ગિરિજાશંકરએ સ્ટુલ ઉપર બેઠા, પરંતુ પેલી યુવતી હજી સુધી પોતે પ્રથમ રોકેલા ખાટલા ઉપર બેસતી ન હતી.

‘બહેન ! કેમ બેસતાં નથી ?... વાત સાચી; અમારા ગામડાંની બેઠકો આપને ન જ ફાવે.’ ગિરિજાશંકરે યુવતીને બેસાડવા માટે વિવેક કેર્યો.

‘માસ્તર સાહેબ ! આપે મને ઓળખી હોય એમ લાગતું નથી.’ સહજ સ્મિત મુખ ઉપર લાવી પેલી યુવતીએ કહ્યું. તેનો કંઠ એવો રણકારભર્યો હતો કે ગિરજાશંકરને એ દેહ, એ રૂપ અને એ કંઠ જરા ય યાદ આવ્યાં નહિ – સ્મૃતિને તેમણે ખૂબ ઢંઢોળી જોઈ છતાં.

‘ના, બહેન ! તમને જોયાં હોય એમ અત્યારે યાદ આવતું નથી. હું ક્યાં નરસિંહ મહેતો છું કે મારે ઘેર તમારા સરખી લક્ષ્મી આવે તેને ઓળખી શકું ?’ ગિરિજાશંકરે જવાબ આપ્યો.

‘ત્યારે હું શું એટલી બધી બદલાઈ ગઈ છું? માસ્તર સાહેબ ! તમારી પાસે તો હજારો છોકરા છોકરીઓ શિક્ષણ લઈ ગયાં એટલે આપ મને ન ઓળખો એ સંભવિત છે; પરંતુ હું આપના ઉપકારને અને આપને કેમ ભૂલી શકું ? જે કંઈ સુખ, સંપત્તિ, વૈભવ મારી આસપાસ છે એ બધાં જ આપને લીધે છે.’ હજી ઊભી રહેલી યુવતીએ ગિરિજાશંકરને પોતાને પરિચય આપવો શરૂ કર્યો, પરંતુ ગિરિજાશંકરની સ્મૃતિમાં આવી કોઈ યુવતી સળવળતી દેખાઈ નહિ.

‘બહેન ! કાંઈ ભૂલ થતી ન હોય. હું તો માત્ર આ ગામડા- ગામમાં બાળકો ભણાવતો. અને કદી કદી આવતી લોકોની ટપાલ ગોઠવતો. તમારા સરખાં સન્નારીને હું વૈભવ કે સંપત્તિમાં દોરી શકું એવી શક્તિ મારામાં છે જ નહિ. આપ કોઈ જુદા જ ગામે અને અણધાર્યા માણસની સામે આવ્યાં લાગો છો – તેની કાંઈ હરકત નહિ, આજ રાત આપ મારાં મહેમાન !’

ગામડાનો શિક્ષક, ગામડાનો આગેવાન, ગ્રામગુરુ આજે જ બેકાર બન્યો હોવા છતાં આતિથ્ય ભૂલતો ન હતો.

‘ત્યારે ખરેખર હું બદલાઈ ગઈ છું? માસ્તર સાહેબ ! પેલી જયા કદી યાદ આવે છે ખરી ?’ સહજ લાડભર્યું હાસ્ય કરી યુવતી ગિરિજાશંકર સામે તાકીને જોઈ રહી.

અને એકાએક ગિરિજાશંકર માસ્તર સ્ટુલ ઉપરથી ઊભા થઈ ગયા, યુવતીની પાસે આવ્યા, યુવતીના ખભા ઉપર આખી વસતિ સમક્ષ તેમણે બન્ને હાથ મુક્યા, અને તેમનાથી બોલાઈ ગયું :

‘તું ? જયા ? ખરેખર ? હવે તેને ઓળખી, દીકરી ! નાની હરણી જેવી તું અહીં નાચતી કૂદદી હતી. હોય એના કરતાં સોગણું સુખ અને અખંડ સૌભાગ્ય તને મળો ! ...દીકરી ! બહુ બદલાઈ ગઈ. પ્રભુ તને સુખી રાખે !’ ગિરિજાશંકરના શબ્દો ભાવ પૂર્વક બોલાયે જતા હતા. જયા પોતાના દેહને, પોતાના મસ્તકને ગિરજાશંકરના વક્ષ સમક્ષ રાખી નીચું જોઈ ઊભી રહી હતી. વાત્સલ્યના ધોધ વરસાવતા ગિરિજાશંકરના હસ્ત જયાને મસ્તકે, સ્કંધે અને વાંસે વહી રહ્યા હતા અને એક વખતના સોટીધારી, કડક, માનવંત શિક્ષકની આંખ પણ અશ્રુનો પડઘો પાડી રહી હતી.

ભેગો થયેલો આખો ગ્રામસમૂહ સ્તબ્ધ બની રહ્યો. રાજકુંવરી સરખી અલંકૃત, ચમકદાર યુવતી ચમક રહિત વસ્ત્રોવાળા એક મધ્યવયી, અર્ધમેલા પુરુષના વાત્સલ્ય, આશીર્વાદ અને હસ્તને કેટલી યે ક્ષણો સુધી ઝીલી રહી હતી ! ગુરુથી બોલી શકાયું નહિ એટલે જયાને ખાટલા ઉપર બેસાડી, ગિરિજાશંકર પોતે પણ તેની સાથે જ બેઠા. પાસે પડેલ જળપાત્રમાંથી પ્યાલો ભરી ગુરુએ શિષ્યાને પોતાને હાથે પાણી પાયું. શિષ્યાએ સાભાર તે પીધું, આંખો લૂછી નાખી અને ગુરુની સામે જોઈ તે હસી–જોકે આભારથી ઊર્મિભર્યું રુદન હજી મુખ ઉપર સેરડા પાડી જતું હતું ખરું !

‘દીકરી ! ઘરનો રાજવૈભવ છોડી આ ધૂળિયા ગામમાં તું ક્યાંથી અકસ્માત આવી ચઢી ?’ ગિરિજાશંકરે પૂછ્યું.

‘માસ્તર સાહેબ ! તમે ન જ આવ્યા એટલે હું શું કરું? પરણ્યા પછી પહેલી વાર પગે લાગવાની આટલે વર્ષે તક મળી ! તમે ન આવ્યા એટલે હું આવી – જોકે મારે બહુ વહેલાં આવવું જોઈતું હતું.’ જયા બોલી. ગિરિજાશંકર માસ્તરનું સાન્નિધ્ય હજી જાણે તેને જોઈતું જ હોય એમ તેનું મન કહી ૨હ્યું હતું. ‘હજી એ વાત સાંભરે છે ખરી ? પંદર-સોળેક વર્ષનીતું હોઈશ. આજ તો એ પ્રસંગને બાર પંદર વર્ષ વીતી ગયાં. હું તો આખી વાત લગભગ ભૂલી ગયો હતો; અને કદી કદી સાંભળતો હતો કે તારો સંસાર સુખભર્યો છે એટલે મને સંતોષ થતો.’ ગિરિજાશંકરે વાત આગળ લંબાવી.

‘એ પ્રસંગને હું કેમ વીસરું ? — જનમ જનમ વીતી જાય તો યે ? તમે ન હોત તો મારું સુખ અને મારું સૌભાગ્ય હતું જ ક્યાં ?’

અને વીજળીની ચમક ચમકે એમ ગિરિજાશંકરના જીવનમાં બની ગયેલો એક નાનો સરખો એકલવાયો પ્રસંગે તેમની સ્મૃતિમાં ચમકી ગયો.

જડી—જયાના પિતા એક દિવસ એક કાગળનું પરબીડિયું લઈ માસ્તર સાહેબ પાસે આવ્યા; થોડી વાર પછી જયાની માતા પણ પતિની પાછળ આવી પહોંચી. જ્યારે પિતાએ ગિરિજાશંકર માસ્તર પાસે તે પરબીડિયું મૂકી દીધું અને કહ્યું :

‘માસ્તર સાહેબ ! જરા વાંચો ને?’

માસ્તર સાહેબે પત્ર વાંચ્યો. વાંચતાં જ તેમનું મુખ ગંભીર બની ગયું. જયાનું વેવિશાળ જે યુવક સાથે થયું હતું એ યુવકને ગામડાની અભણ કરી સાથે પરણવાનું મન ન હોવાથી સગપણ તોડી નાખવાની ઈચ્છા દર્શાવતો જયાના સસરાનો પત્ર જયાના પિતા ઉપર આવેલો હતો. માતાપિતા આ પત્ર વાંચી હતાશ થઈ ગયાં હતાં. ધનિક અને સુખી કુટુંબના વડીલ પુત્ર સાથે પોતાની પુત્રીનું લગ્ન થાય એવી અભિલાષા–ખાતરી કેટલા સમયથી જયાનાં માબાપ રાખી રહ્યાં હતાં. અને જયા પણ લગ્નની રાહ જોતી સુખી જીવનનું સ્વપ્ન સેવી રહી હતી. એને પણ આ વાતની ખબર પડી અને આખું કુટુંબ ક્લેશ અનુભવી રહ્યું.

ગામમાં સાચી સલાહ આપનાર હતા માત્ર એક ગિરિજાશંકર માસ્તર, એટલે જયાનાં માતાપિતા તેની પાસે જ આવ્યાં અને અશ્રુભરી આંખે માર્ગદર્શન માંગ્યું. ગિરિજાશંકરને પણ આ ઘટનાનો ઉકેલ લાવતાં સહજ ગૂંચવણ પડી. થોડી વાર વિચાર કરી તેમણે ગામડાંનાં માબાપને ગળે ઝટ ન ઉતરે એવું એક સૂચન કર્યું :

‘આમાં મને એક જ રસ્તો દેખાય છે. આજના સુધરેલા છોકરાઓ શહેરમાં રહે અને ભણેલી, ટાપટીપવાળી, સોરીસમારી વહુ માગે. આપણી જડીનું નામ બદલી જયા કરી નાખો અને એની પાસે જ એના ભાવિ પતિને એક સરસ કાગળ લખાવીએ – એવો સરસ કે એ છોકરો પણ કાગળ વાંચે તો એક વાર ના પાડતાં વિચાર કરે...’

‘હાયહાય, બાપ ! હજી પરણવાનું તો ઠેકાણું નથી, તે પહેલો : જડી પાસે કાગળ લખાવવો છે?’ જૂની ઢબનાં માતુશ્રીએ આશ્ચર્ય પ્રગટ કર્યું.

‘આજનો વખત જ એવો છે. સંભવ છે કે એ કાગળ વાંચીને વેવિશાળ તોડવાને બદલે આપણી દીકરીનો આગ્રહ જ જવાબમાં આવે.’ માસ્તર સાહેબે નવી દુનિયાનું જ્ઞાન આપ્યું.

‘પણ એ બિચારી જડી ! ...નહિ પૂરું ભણેલી ! નહિ અક્ષરનાં ઠેકણાં ! એનાથી કાગળ શી રીતે લખાય ?’ માતાની મુશ્કેલી કરતાં પિતાએ જુદી જ મુશ્કેલી દેખાડી.

'એ મારા ઉપર છેડી દો... પણ એક શરતે. કાગળ જાય પછી જડીને છ મહિના સુધી તમારે મને સોંપી દેવી અને એ મારી દીકરી છે એમ માનીને ચાલવું.’ માસ્તરે આગળ ઇલાજ દર્શાવ્યો.

‘એટલે ?’ માતાને સમજ ન પડી કે યૌવનના પ્રવેશથી પોતાની દીકરી સાથે આ બધી શી રમત ચાલવાની છે ? અલબત્ત ગિરજાશંકર માસ્તર માટે એટલી તો સહુને ખાતરી હતી કે આખા ગામની વહુદીકરીઓ તેમને મન બહેન દીકરી સમાન હતી.

છતાં ગિરિજાશંકર માસ્તરે માતાને અને પિતાને સમજાવ્યું કે પહેલો કાગળ જયાના નામને તેઓ પોતે જ લખશે; પરંતુ પરણનારને છેતરવાની સ્થિતિમાં ન મુકવા માટે જયાનું ભણતર માસ્તરે પોતે જ હાથમાં લેવું પડશે, અને પ્રથમ કાગળ જેવા જ ઘૂંટાયેલા અક્ષર અને એવા જ પત્રો ફરીથી લખવાની શક્તિ જયામાં જલદીથી આવે એવી કેળવણી પણ તેને માસ્તરે પોતે જ આપવી પડશે. દીકરીનું લગ્ન કરવા માટે અને એ લગ્ન સુખી નીવડે એ જોવાની માબાપે ફરજ બજાવવી હોય તો ગિરિજાશંકરને મતે આ એક જ માર્ગ હતો.

બીજો ઈલાજ ન હોવાથી માતાપિતાએ ગિરિજાશંકરની સલાહ માન્ય કરી; ગિરજાશંકર હતા તો ગામડાના માસ્તર છતાં ભાવનાશીલ હતા, વાચન શોખીન હતા; એમની ગુંજાયશ અનુસાર માસિકો, કવિતાસંગ્રહો અને વાર્તાઓ મંગાવી તેના વાચનમાં જ પોતાની ભાવનાસિદ્ધિ વેરી દેતા હતા. આવો મુશ્કેલ પ્રસંગ આવતાં તેમને પણ એક નવલકથાને શોભે એવી આ કલ્પના સ્ફુરી અને તેનો તેમણે અમલ પણ કર્યો. પોતાની પુત્રીને જ મર્યાદામાં રહીને આખી પરિસ્થિતિ સમજાવતા હોય એમ તેમણે જડીને સમજાવી. જડીનું નામ તેમણે જ જયા પાડ્યું. અને શરમના શેરડા અનુભવતી જયાને પોતે જ તેના પતિને લખેલો પત્ર વાંચી સંભળાવ્યો – જે જયાને અડધો સમજાયો અને અડધો ન સમજાયો. ગિરિજાશંકરે લખેલા પત્રમાં કોઈ ખામી તો હોય જ નહિ. પત્ર નાનો પરંતુ પ્રેમાનંદ અને કલાપીનાં એકબે અવતરણોથી શુશોભિત બનાવેલો હતો. જયાની સહી પણ માસ્તર સાહેબે પોતે જ કરી હતી. શરમાતાં શરમાતાં જયાએ એ પત્ર પોતાની પાસે એક દિવસ રાખ્યો પણ આખરે પોસ્ટ માસ્તર પણ ગિરિજાશંકર જ હતા. એટલે તેમણે એ પત્રને ટપાલમાં નાખ્યો પણ ખરો; અને જે જવાબ આવ્યો તે પણ તેમણે પિતા સરખી આતુરતા અનુભવી ફોડી વાંચ્યો પણ ખરો; અને જયાના સસરાની જ નહિ પરંતુ જયાના ભાવિ પતિની પણ જયા સિવાય બીજી કોઈ પણ યુવતી સાથે લગ્ન કરવાની દૃઢ અનિચ્છા જયાનાં માબાપને તેમણે વાંચી સંભળાવી.

પરંતુ સાથે સાથે તેમણે અત્યંત કડકાઈથી જયાનું શિક્ષણ  હાથમાં લીધું. કડકાઈની જરૂરી પૂરી એક અઠવાડિયું પણ ન ચાલી. અડધું પડધું લખતી વાંચતી જયા ઘરકામ સાથે રાતદિવસ હવે લેખનવાચનમાં જ લીન થઈ ગઈ, અને ચારેક માસમાં તો માસ્તર સાહેબને ત્યાં હતાં એટલાં કવિતાનાં અને વાર્તાનાં પુસ્તકો જયાએ વાંચી નાખ્યાં, અને સરસ પ્રેમપત્રો લખવાની આતુરતાપૂર્વક શક્તિ કેળવી.

પછી તો ધનિક વેવાઈએ જયાના આખા કુટુંબને શહેરમાં બોલાવી લીધું, જયાના પિતાને ભારે વ્યાપારમાં ભાગીદાર બનાવ્યા અને જયાના ધામધૂમથી લગ્ન પણ થયાં. પતિ સાથે જયા પરદેશ પણ જઈ આવી અને એ કુટુંબ સુખી છે એટલું જાણી સંતોષ મેળવી ગિરિજાશંકર માસ્તરે એ આખી વાતને પોતાની અનેક સ્મૃતિએના પુંજમાં સામાન્ય સ્મૃતિ તરીકે મૂકી રાખી.

પરંતુ સુખી જીવન અનુભવી રહેલી જયા આ પરમ ભવ્ય ઉપકાર કેમ ભૂલે ? આમંત્રણ આપ્યા છતાં કદી પોતાના નગરમાં ન આવતા આ ગૌરવશાળી શિક્ષક પાસે અંતે એ સુધરેલી શણગારાયેલી જયા પોતે જ આવી, અને પોતાના જીવનમાં પરિવર્તન કરનાર મહાન શિક્ષકને આંસુભરી આંખે પગે પડી.

સ્મૃતિનું પડ તો ખૂલેલું જ હતું. શાળા ગઈ તે જ દિવસે એક જીવનને શિક્ષક તરીકે સુખી કર્યાનો ઇતિહાસ અજબ રીતે માસ્તર સમક્ષ રજૂ પણ થયો. એમાં પોતે કંઈ વધારે કર્યું હોય એમ એમને લાગ્યું પણ નહિ. માત્ર એટલું જ કે પોતાના ભણતરનો ઉપયોગ થયો ! અલબત્ત, એમાં જૂઠાણું તો હતું જ; અને વર્ષો સુધી તેમના મનમાં એ પ્રશ્ન ડહોળાતો પણ હતો કે તેમણે જે જૂઠાણા ઉપર જયાના સુખની રચના કરી હતી તે પાપ હતું કે પુણ્ય? શિક્ષકહૃદયમાં આવા ડહોળાણ વખતોવખત થયા કરે છે ખરાં. એ પ્રશ્ન ફરી પણ અત્યારે તેમના મનમાં ઉદ્‌ભવ્યો. એ પ્રશ્નનું જોર ન વધે એ માટે તેમણે જૂની સ્મૃતિને ઝડપથી સંકેલી લઈ પૂછ્યું :

‘આ સાથમાં કોણ છે?’  બીજા ખાટલા ઉપર બેસી ગુરુ અને શિષ્યની ચર્ચા જોયા કરતા યુવાનના મુખ ઉપર સ્મિત રમી રહ્યું. અને જયાના મુખ ઉપર પણ સ્મિત રમી રહ્યું. જયાના મસ્તક ઉપરથી ક્યારની યે સાડી નીકળી ગઈ હતી. વર્તમાન યુગની યુવતીઓને માથાઢાંકણની પરવા પણ હોતી નથી. પરંતુ ગિરિજાશંકર માસ્તરનો આ પ્રશ્ન સાંભળી સ્મિત સહ શરમાઈને જયાએ સાડી વડે મસ્તક સહજ ઢાંક્યું અને કહ્યું :

‘જેનું હિંદુ સંસારમાં નામ ન દેવાય તે !’

‘લુચ્ચી કહીંની ! તારું પોકળ ફોડી દઉં?’ ગિરિજાશંકર માસ્તરે હસતાં હસતાં જયાને કહ્યું.

‘બધી વાત મેં જ એમને કહી દીધી છે. બન્નેનાં જીવન સુખી કરનાર મહાપુરુષને જોવા માટે એ મારી સાથે જ આવ્યા છે... ઊભો થા, જય ! અને મારા ગુરુને પગે લાગ !’

પત્નીઆધીન પતિ ઊભો થયો અને ગિરિજાશંકર માસ્તરને પગે લાગ્યો. ક્ષણભર ગિરિજાશંકરને પણ વિચાર આવ્યો કે તેમની શિષ્યાએ આવા ભણેલાગણેલા ધનિક પતિને શું આવો મારેલ કરી મૂક્યો હશે? તેઓ આ વિચારે સહજ હસ્યા પણ ખરા. પરંતુ તેમને મારેલ લાગેલા પતિએ જ્યારે વાતચીત કરી ત્યારે તેમનો વિચાર બદલાઈ ગયો. તેમને હવે પણ યાદ આવ્યું કે જડી જોવા ગામડિયા નામની સ્ત્રીના પતિનું નામ સુધરેલું જ્યન્ત હતું અને એને જ એ જડી જયા બનીને જય તરીકે સંબોધતી હતી.

‘માસ્તર સાહેબ ! હું આ મોટરકાર અહીં મૂકી જાઉં છું. પાસેના શહેરમાં જ આવ્યો છું. મારે પણ મારા બાપદાદાનું ઘર જોવું હતું. આપને ઠીક પડે ત્યારે આપ બે દિવસે, ચાર દિવસે, બધાને લઈને મારે ગામ આવો અને પછી જયા સાથે આપણે આસપાસનાં બધાં જ જાત્રાનાં ધામ જોઈ લઈએ. આપ નહિ આવો ત્યાં સુધી અમારી જાત્રા શરૂ નહિ થાય. મારાં માતાપિતા પણ એ માટે સાથે જ આવ્યાં છે.' જયન્તે કહ્યું.  માસ્તર ગિરજાશંકરને આજ લાગ્યું કે તેમની શાળા હાથમાંથી ગઈ હોવા છતાં શિક્ષકનો ધંધો છેક સાહસ અને ગૌરવરહિત છે એમ તો ન જ કહેવાય. તેમનો રહ્યો સહ્યો અસંતોષ દૂર થયો અને ગુરુસ્થાનનું ગૌરવ તેમના મુખ ઉપર લખલખી રહ્યું.

એટલું જ બસ છે. પછી તેઓ પોતાની શિષ્યાએ મૂકેલી કારમાં જાત્રાએ ગયા કે નહિ, શિષ્યા અને તેના પતિનું તેમણે કેટલું સ્વાગત કર્યું, અને શિષ્યાએ અને તેના પતિએ ઉપકારવશ બની આ જ ગામમાં એક ભવ્ય શાળા બંધાવી તેના ખર્ચની મબલખ જોગવાઈ કરી આપી, એટલું જ નહિ પરંતુ આજે એ શાળા કેળવણીકારોમાં આદર્શ શાળા ગણાય છે. એ બધી વસ્તુઓ અહીં અપ્રસ્તુત છે. એ કશું ન બન્યું હોત તો પણ ગિરિજાશંકર માસ્તરે એ રાત્રે શિક્ષક તરીકેના ગૌરવનો પરમ ભવ્ય અનુભવ કર્યો.

શિક્ષકને બીજું કાંઈ નહિ તો નમન મળ્યા વગર રહેતું જ નથી. સ્વાર્થહીન નમન આ દુનિયામાં શિક્ષક સિવાય કોને મળે છે?

નમન પણ મળ્યાં ને ન મળ્યાં એ ઠીક છે. પરંતુ પ્રકાશની ફૂલકણીઓ ફેંકતાં ફેંકતાં શિક્ષકની વાણીઓ અને શિક્ષકની કાળજીએ કેટલાંય જીવનમાં નૂતન જ્યોત સળગાવી નહિ હોય ?

કેટલાંય જૂઠાણાં પાપ ન પણ હોય, એવી ખાતરી ગિરિજાશંકર માસ્તરને એ રાત્રે થઈ ગઈ.