૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન
| ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન ઇચ્છારામ દેસાઇ |
અથવા
ચન્દ્રગુપ્ત અને ચાણક્ય
નારાયણ વિશનજી ઠક્કુર
“ગુજરાતી” પ્રિન્ટિગ પ્રેસ
સાસુન બિલ્ડીંગ્સ, એલ્ફીન્સ્ટન સર્કલ, કોટ, મુંબઈ
“ગુજરાતી” પ્રિન્ટિગ પ્રેસ
સાસુન બિલ્ડીંગ, એલફીન્સ્ટન સર્કલ, કોટ, મુંબઈ
અથવા
ચન્દ્રગુપ્ત અને ચાણક્ય
ઠક્કુર નારાયણ વિશનજી
“ગુજરાતી ” પ્રેસના માલેક
પ્રસ્તુત ઐતિહાસિક નવલકથા ઘણાંક વર્ષ પૂર્વે મરાઠી ભાષાના સુપ્રસિદ્ધ નવલકથાકાર રા. રા. હરિ નારાયણ આપટેએ મરાઠી ભાષામાં લખી હતી. તેનું નામ 'ચન્દ્રગુપ્ત' રાખ્યું હતું. એ નવલકથાનો જ આ ગુર્જર અનુવાદ છે.
કેટલાંક પુરાણોમાં ચન્દ્રગુપ્ત અને તેના નન્દ નામથી ઓળખાતા પૂર્વજ રાજાઓના વંશનો અને તેમનાં નામોનો ઉલ્લેખ કરેલો છે. ચન્દ્રગુપ્ત, ગ્રીક સમ્રાટ એલેક્ઝાંડર્ ધિ ગ્રેટ્નો સમકાલીન હોવાથી કેટલાક ગ્રીક ગ્રંથકારોના લખેલા ગ્રંથોમાં પણ પાટલિપુત્ર, ચન્દ્રગુપ્ત અને તેના રાજ્ય આદિનું વર્ણન મળી આવે છે. ચન્દ્રગુપ્ત, બૌદ્ધધર્માભિમાની ચક્રવર્તી રાજા મહાન અશોક અથવા પ્રિયદર્શીનો પિતામહ થતો હતો, અને તેથી કેટલાક બૌદ્ધ ગ્રંથોમાં પણ એની કથાના પ્રસંગો આવેલા છે.
“મુદ્રારાક્ષસ” નામક સંસ્કૃત નાટકમાં ચાણક્ય અને ચન્દ્રગુપ્તનાં કારસ્થાનોનું જે વર્ણન કરવામાં આવ્યું છે, તે તો સર્વત્ર પ્રસિદ્ધ છે જ. એ સર્વ ગ્રંથોમાંથી મળ્યાં તેટલાં સાધનોને એકત્ર કરીને ઐતિહાસિક નવલકથાને અનુકૂલ થાય, તેટલી કલ્પનાના મિશ્રણથી આ નવલકથાની રચના કરવામાં આવી છે. એલેક્ઝાંડરે હિન્દુસ્તાન પર ચઢાઈ કરીને પોરસ-પર્વતેશ્વર-રાજાનો પરાભવ કર્યો અને પછીથી તેને પેાતાનો એક માંડલિક બનાવીને તેનું લઈ લીધેલું રાજ્ય પાછું આપી દીધું, આવો ઉલ્લેખ ઇતિહાસોમાં છે; પરન્તુ કોઈ સંસ્કૃત ગ્રંથમાં પોરસ-પર્વતેશ્વરને ઉલ્લેખ મળી શકતો નથી. “મુદ્રારાક્ષસ” નાટકમાં અને “મહાવંશ” નામક એક બૌદ્ધ ગ્રંથમાં જે પર્વતેશ્વર નામક રાજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે પર્વતેશ્વર એ પોરસ જ હોવો જોઈએ, એવી પ્રસ્તુત કાદંબરીમાં કલ્પના કરીને પોરસનો પર્વતેશ્વરના નામથી જ પરિચય કરાવવામાં આવ્યો છે. આવી રીતે અનેક સાધનેનોનો આશ્રય લેવા છતાં પણ એ તો ખરુ જ છે કે, પ્રસ્તુત નવલકથાની રચનામાં અન્ય સર્વ સાધનો કરતાં “મુદ્રારાક્ષસ" નાટકપર અધિક આધાર રાખવામાં આવ્યો છે; કારણ કે, એ નાટકની યેાગ્યતા જ એવા પ્રકારની છે.
આ નવલકથા "મુદ્રારાક્ષસ” નાટકના આધારે લખાયેલી છે; પરંતુ એક નવલકથાને અનુકૂળ થઈ પડે તેવું તેના સ્વરૂપમાં સર્વત્ર પરિવર્તન કરવામાં આવ્યું છે અને તે કરવું જ જોઇએ.
“મુદ્રારાક્ષસ" જેવું રાજનૈતિક અને રાજપ્રપંચપ્રદર્શક ૫રમોત્તમ નાટક અદ્યાપિ કોઈ પાશ્ચાત્ય ભાષામાં પણ ભાગ્યે જ લખાયું હશે- નથી જ લખાયું એમ કહેવામાં પણ કશોય પ્રત્યવાય નથી; અને તેથી જ સ્વર્ગીય પ્રોફેસર વિલ્સન, પ્રોફેસર મેક્સમૂલર અને વિ. પ્રોફેસર એ. એ. મેક્ડોનલ્ડ આદિ પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ એ નાટકની ઉત્કૃષ્ટતા વિશે અનેક સ્થળે પ્રશંસાપ્રદર્શક ઉદ્ગારો કાઢેલા છે. એવા એક ઉત્કૃષ્ટ નાટકના આધારે રચાયેલી નવલકથા પણ રા. રા. હરિ નારાયણ આપ્ટે જેવા યોગ્ય અને અનુભવી લેખકની લેખિનીથી લખાયલી હોવાથી ઉત્તમ થઈ હોય, તો તેમાં વિશેષ આશ્ચર્ય પામવા જેવું કાંઈ પણ નથી.
એલેક્ઝાંડરની હિન્દુસ્તાન પરની ચઢાઈ પછી ચન્દ્રગુપ્તે મગધ દેશના નન્દવંશનો નાશ કરીને ઇતિહાસપ્રસિદ્ધ રાજનીતિજ્ઞ ચાણક્ય નામક બ્રાહ્મણના સાહાય્યથી પાતલિપુત્રમાં આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે જે નવીન મૌર્ય નામક રાજવંશની સ્થાપના કરી હતી, તે ઐતિહાસિક કાળ પ્રસ્તુત નવલકથામાં લેવામાં આવ્યો છે; અને તદનુસાર ભારત વર્ષની તે સમયની ધાર્મિક, સામાજિક તથા રાજકીય પરિસ્થિતિનું એમાં યથાર્થ શાબ્દિક ચિત્ર આલેખવાનો પ્રયત્ન કરાયલો છે. સર્વનો આશ્ચર્ય અને દિઙ્મૂઢતામાં તલ્લીન કરી નાંખનાર સર્વથી વિશેષ અદૂભુત પાત્ર આર્ય ચાણક્ય છે. એક સાધારણ સ્થિતિનો અને દરિદ્રી બ્રાહ્મણ ચાણક્ય, નન્દરાજાને, તેણે પોતાના કરેલા અપમાનનું ફળ ચખાડવાના મૂળ ઉદ્દેશથી પાટલિપુત્રમાં ગુપ્ત વેશે રહી અનેક પ્રકારના રાજપ્રપંચના જાળને વિસ્તારી યુદ્ધ અને રક્તપ્રવાહના પ્રસંગને ન આવવા દેતાં નન્દવંશનું નિકંદન કરી પોતાના શિષ્ય ચન્દ્રગુપ્તનો પાટલિપુત્રમાં કેવી દક્ષતાથી રાજ્યાભિષેક કરે છે; એટલું જ નહિ, પણ નન્દરાજાના અત્યંત સ્વામિનિષ્ઠ પ્રધાન રાક્ષશને, તે ચન્દ્રગુપ્તના નાશ માટે ઉદ્યુક્ત હોવા છતાં, કેવા પ્રપંચથી ચન્દ્રગુપનો પ્રધાન બનાવે છે, એ સર્વ વાંચીને આશ્ચર્યચકિત અને દિઙ્મૂઢ ન થઈ જાય એવો વાચક ભાગ્યે જ કોઇ મળી શકશે. અર્થાત્ જ્યારે આપણે ચાણક્યનાં સર્વ કાર્યોનું સંપૂર્ણ અવલોકન કરીએ છીએ, ત્યારે એમ જ આપણા જાણવામાં આવે છે કે, મગધમાં કિંવા આર્યાવર્ત્તમાં નન્દવંશનો નાશ કરીને મૌર્ય નામક નવીન રાજવંશની સ્થાપના કરનાર ખરી રીતે જોતાં ચન્દ્રગુપ્ત નહિ, પણ ચાણક્ય જ હતો.
પાશ્ચાત્ય વિદ્વાનો ચાણક્યને ભારતવર્ષનો મેકિયાવેલ કહે છે. મેકિયાવેલનું પૂરું નામ નિકોલો મેકિયાવેલ હતું અને તે ઇટલી દેશનો એક મહા નામાંકિત રાજનીતિજ્ઞ પુરુષ થઈ ગયો છે. એ ઈ. સ. ૧૪૬૯માં જન્મી ઈ. સ. ૧પ૨૭ માં મરણ પામ્યો હતો. એણે 'પ્રિન્સ' નામક રાજનીતિ વિષયક એક ઉત્તમ ગ્રંથ લખ્યો છે અને તે અત્યારે પણ સમસ્ત યુરોપમાં રાજનીતિના વિષયમાં એક પ્રમાણભૂત ગ્રંથ મનાય છે. પરંતુ ચાણક્યની એના કરતાં જે એક વિશેષતા હતી તે એ કે, મેકિયાવેલ એક ગૃહસ્થ હતો અને તેથી રાજનીતિનાં કાર્યો કરતી વેળાએ તેની દેશહિતની ભાવના સાથે સ્વાર્થસિદ્ધિની ભાવના પણ કેટલેક અંશે મળેલી હોય તે તો સ્વાભાવિક હતું; અને ચાણક્યના મનમાં સ્વાર્થ સિદ્ધિના વિચારનો કદાપિ આવિર્ભાવ પણ થયો નહોતો. કારણ કે, તે “करतलभिक्षा तरुतलवास:” એવા પ્રકારનો સર્વ પ્રકારના પ્રપંચોથી મુક્ત નિ:સ્પૃહ બ્રાહ્મણ હતો અને તેથી જ જ્યારે નન્દવંશના નાશ માટેની તેની પ્રતિજ્ઞાની પૂર્તિ થઈ અને ગ્રીક યવનોને આર્યાવર્તમાંથી હાંકી કાઢવાના તેના ઉદ્દેશની સિદ્ધિ થઇ, એટલે ચન્દ્રગુપ્તના રાજ્યાભિષેક પછી તરત જ તેણે પાટલિપુત્રનો ત્યાગ કરીને પુન: પોતાના વનવાસનો સ્વીકાર કરી લીધો અને 'कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन' એ ગીતાવાક્યની સાર્થકતાને પ્રત્યક્ષ સિદ્ધ કરી બતાવી. ચાણક્યમાં વળી શત્રુના ગુણોને સ્વીકારવાનો એક અદ્વિતીય ગુણ હતો અને તે રાક્ષસ વિષે તેના મનમાં વસતા પૂજ્યભાવથી સ્પષ્ટ દેખાઈ આવે છે.
ચાણક્યનું ખરું નામ વિષ્ણુશર્મા અથવા વિષ્ણુગુપ્ત હતું અને નન્દવંશના નાશ માટેના કાર્યમાં તેણે કુટિલનીતિનો પૂર્ણ ઉપયોગ કરેલો હોવાથી તેને કૌટિલ્ય એવું એક બીજું ઉપનામ પણ અપાયલું છે. એ ચાણક્યે “ચાણક્ય સૂત્ર” નામક એક રાજનીતિવિષયક પુસ્તક લખ્યું છે; એ પુસ્તકને “ચાણક્ય શતક” અથવા “ચાણક્યનીતિ”ના નામથી પણ ઓળખવામાં આવે છે અને તેના અનેક પૌરસ્ત્ય તથા પાશ્ચાત્ય ભાષાઓમાં અનુવાદ પણ થઇ ચૂક્યા છે. એ જ ચાણક્ય પ્રસ્તુત નવલકથામાંનો સર્વ પ્રમુખ કાર્યાગ્રણી નાયક હોવાથી, આ ગ્રંથ મનેારંજક થવા સાથે બુદ્ધિ વિકાસક થવાનો પણ પૂરેપૂરો સંભવ છે.
| મુંબઈ તા૦ ૧૪-૮-૧૯૧૨ |
} | ઠક્કુર નારાયણ વિશનજી |
| આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૫ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1965 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |
