લખાણ પર જાઓ

૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/ચાણક્યચક્રચાલન

વિકિસ્રોતમાંથી
← માર્જારીનું મરણ ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન
ચાણક્યચક્રચાલન
નારાયણ વિશનજી ઠક્કુર
૧૯૧૨
ભાગુરાયણ સેનાપતિ →


પ્રકરણ ૧૫ મું.
ચાણક્યચક્રચાલન.

ન્દ્રગુપ્તને મુરાદેવીના મંદિરમાં રાખવા પછી ચાણક્યે પોતાના પ્રથમ કાર્યનો આરંભ કર્યો. એ કાર્ય તે પાટલિપુત્રમાં પરસ્પર વૈરભાવ ધરાવનારા કોણ કોણ છે અને બીજા કોના કોનામાં વૈર થવાનો સંભવ છે, એનો શોધ કરવાનું હતું. રાજા ધનાનન્દ હવે મુરાદેવીના પાશમાં પૂરેપૂરો ફસાઈ ગયો છે અને કોઈ મગરમચ્છે કોઈ મનુષ્યનો પગ પકડ્યો હોય, તો તેને પાણીમાં પૂરેપૂરા ડુબાવીદેવા પહેલાં તે છોડતો નથી. તેમ જ મુરાદેવી પણ રાજાને પોતાના પંજામાંથી વીલો મૂકવાની નથી. એ વિશે ચાણક્યનો દૃઢ નિશ્ચય થઈ ગયો હતો. જો મુરાદેવીનો પ્રયત્ન કાંઈ પણ નબળો પડે કિંવા કોઈ કાર્ય તેની શક્તિ ઉપરાંતનું હોય, તો તેને સહાયતા આપવા માટેનો અને તેના પ્રયત્નને પુનઃ બળવાન્ બનાવી દેવાનો, એટલે કે તેની મહત્ત્વાકાંક્ષા અને વૈર વાળવાની ઇચ્છાની વૃદ્ધિ કરી આપવાનો ચાણક્ય પાસે એક રામબાણ ઉપાય હતો. એ રામબાણ ઉપાયની યોજના કોઈ કટોકટીના પ્રસંગે જ કરવાનો તેનો મનોભાવ હતો. જ્યાંસુધી અમાત્ય રાક્ષસ રાજ્ય કાર્યભારની દેખરેખ રાખે છે, ત્યાં સુધી જ નંદરાજા આમ ને આમ નિંદ્રિત અને નિશ્ચિન્ત રહેવાનો; કારણ કે, અમાત્ય રાક્ષસ તે રાજાનો તેવો જ અદ્વિતીય વિશ્વાસપાત્ર હતો અને તે વિશ્વાસને યોગ્ય હતો પણ ખરો. આખા રાજ્યમાં નંદરાજાના હિતમાટે નેત્રોમાં તૈલ આંજીને અહોરાત્ર પ્રયત્ન કરનારો કોઈ સ્વામિનિષ્ઠ સેવક હોય, તો તે એકલો અમાત્ય રાક્ષસ જ હતો અને બીજા અધિકારીઓ તથા પ્રજાજનોમાં તેનો પ્રભાવ પણ તેવો જ હતો. પરંતુ રાજાનો પોતાનો એનામાં આટલો બધો વિશ્વાસ છે અને રાક્ષસ કરે તે જ પૂર્વ દિશા, એવી સ્થિતિ છે, બીજા કોઈને પણ રાજા કાંઈ સલ્લાહ પૂછતો નથી. મુરાદેવીના મહાલયમાં નિવાસ કરીને રહ્યા પછી કોઈથી પણ રાજાના દર્શનનો લાભ લઈ શકાતો નથી; એ સઘળું જોઈને ચાણક્યને ઘણો જ આનંદ થયો. કારણ કે, એથી કેટલાકોના મનમાં રાક્ષસ વિશે દ્વેષ ઉત્પન્ન થએલો તેના જોવામાં આવ્યો. રાક્ષસ પોતે સત્ય અને સ્વામિનિષ્ઠ હતો. તે પોતાના હિતમાં લેશ માત્ર પણ લક્ષ આપતો ન હતો - તેનું ચિત્ત સદા સર્વદા રાજ્ય અને રાજાના હિતમાં જ લાગેલું રહેતું હતું, એ તેનું સત્ય વર્તન બધાને માન્ય હતું, પરંતુ જે કાર્યો રાજાએ પોતે કરવાં જોઈએ, તે પણ તે પોતે કરતો હતો અને સ્વભાવિક રીતે જોતાં તે પોતે જ રાજા બની બેઠો હતો. એથી જ તેના માટે કેટલાકોના મનમાં વૈમનસ્ય ઉત્પન્ન થયું હતું એવી, સ્થિતિથી રાક્ષસ વિશે અસૂયા ઉત્પન્ન થઈ અને જો એ એકલો જ સ્વામિનિષ્ઠ છે, તો શું બીજા સ્વામીદ્રોહી છે ? એવી ધારણાથી કેટલાકેાને રાજાનો એ અન્યાય ભાસવા લાગ્યો. પાટલિપુત્રમાંના અધિકારિવર્ગની અંત:સ્થિતિને ચાણક્ય ક્યારનો એ જાણી ચૂકયો હતો. રાજા પોતે રાજ્યની કાંઈ પણ વ્યવસ્થા જોતો ન હોવાથી અને રાજપુત્ર સુમાલ્ય અદ્યાપિ વયમાં ન્હાનો હોવાથી રાક્ષસને શિરે ઇચ્છા ન છતાં પણ કેટલીક વાર ભૂપાલ પ્રમાણે જ આજ્ઞાઓ આપવાનું કાર્ય આવી પડતું હતું. અર્થાત્ રાક્ષસ એવા પ્રકારની આજ્ઞાઓ કરે, તે ભાગુરાયણ આદિ સેનાપતિઓને રુચતું નહોતું, પરંતુ તેમની એ રુચિ કે અરુચિ કોઈ ધ્યાનમાં લે તેમ હતું નહિ. ખળભળી ખળભળીને તેઓ પાછા શાંત અને સ્વસ્થ બની બેસી રહેતા હતા.

કોઈ પણ રાજ્યમાં જો એવી સ્થિતિ હોય, તો તે પરિણામે ઘણી જ હાનિકારક થઈ પડે છે. અમાત્ય ગમે તેટલો સારો અને સર્વના માન સન્માનને યોગ્ય હોય, તો પણ સર્વ સત્તા તેના જ હાથમાં હોય અને રાજા કાંઈ પણ દેખરેખ રાખતો ન હોય, તો તે બીજા અધિકારીઓથી દેખી નથી શકાતું. તેમના મનમાં એવા વિચારો આવવા માંડે છે કે, “હવે કાંઈ આપણા ગુણોની કીંમત થવાની નથી – હવે તો આપણને માખો મારતા જ બેસી રહેવું પડશે.” અને એવા વિચારોનો પ્રભાવ એ થાય છે કે, ધીમેધીમે તેમનામાં અસંતોષનો વધારો થતો જાય છે. પરન્તુ જો રાજા પોતે જ રાજ્યવ્યવસ્થાને જોનારો હોય, તો “અાજ નહિ, તો ચાર દિવસ પછી પણ આપણા ગુણો રાજાના જોવામાં આવશે અને તે વેળાએ આ૫ણને તેનો બદલો પણ મળશે.” એવી આશાથી અધિકારીઓ બહુધા શાંત અને સંતુષ્ટ રહે છે. પરંતુ એ રીતિનો સર્વથા નાશ થએલો હોવાથી ભાગુરાયણ આદિ વરિષ્ઠ અધિકારી જનોનાં હૃદય પણ અસંતોષ અને અસૂયાથી છલાછલ ભરાઈ ગયાં હતાં. ચાણક્યે એ બધું જાણી લીધું અને પોતે પ્રધુમ્રદેવના પુત્ર સાથે આવેલા ઉપાધ્યાયના મિષથી તે એક દિવસે સેનાપતિ ભાગુરાયણને ત્યાં ગયો, સેનાપતિ ભાગુરાયણે તેનું સારું આદરાતિથ્ય કર્યું અને ચાણક્યના ચાતુર્યપૂર્ણ ભાષણથી તે ઘણો જ સંતુષ્ટ થયો, તે એટલે સૂધી કે, ચાણક્ય જ્યારે ત્યાંથી જવા નીકળ્યો, ત્યારે ભાગુરાયણ પણ તેની સાથે તેને પર્ણકુટી સુધી પહોંચાડવાને ગયો. પર્ણકુટીમાં દરિદ્રતાનું દર્શન કરીને તેણે ચાણક્યને કાંઈક દક્ષિણા આપવાની ઇચ્છા દર્શાવી. પરંતુ તેનો અસ્વીકાર કરીને “હું કોઈની પાસેથી એક કપર્દિક પણ દક્ષિણાના નામથી લેવા ઇચ્છતો નથી, તેમ જ બીજા કોઈની કોઈ પણ પ્રકારની સહાયતાની મને આવશ્યકતા નથી.” એવું ચાણક્યે સ્પષ્ટ ઉત્તર આપ્યું. એથી ભાગુરાયણના મનમાં ચાણક્ય વિશે વિશેષ આદર- બુદ્ધિ ઉત્પન્ન થઈ. અમુક મનુષ્ય ઘણો જ નિઃસ્પૃહી છે, એવો નિશ્ચય થયો, એટલે તેના માટે મનમાં ઘણો જ સારો ભાવ થાય છે અને ભાવ થયો એટલે રહેતે રહેતે ભક્તિ પણ થઈ જાય છે, એવો એક વિશ્વવ્યાપી નિયમ જ છે. એ જ અવસ્થા ભાગુરાયણની પણ થઈ ચાણક્ય તે એક મહા-વિભૂતિ–પ્રાચીન કાળના વસિષ્ઠ વિશ્વામિત્રના જેવો જ કોઈ મહર્ષિ છે, એવી તેની ભાવના થઈ ગઈ અને ત્યારથી એક દિવસ પણ તેણે ચાણક્યના દર્શનનો લાભ લીધા વિના જવા દીધો નહિ. દરરોજ ઠેરવેલે વખતે તે ચાણક્યની પર્ણકુટીમાં આવવા લાગ્યો. એવી રીતે ભાગુરાયણને પોતાનો ભાવિક ભક્ત બની ગએલો જાણીને, પ્રચંડ ચાણક્યના મનમાં અવર્ણનીય આનંદ થવા લાગ્યો. રાજાના મુખ્ય અંગો માત્ર બે જ કહેવાય છે; એક સેનાપતિ અને બીજો અમાત્ય, કેટલીક વાર તો અમાત્ય અથવા તો સચિવ કરતાં પણ સેનાપતિની પ્રબળતાનું માહાત્મ્ય અધિક હોય છે. કારણ કે, રાજ્યની મુખ્ય શક્તિ જે સેના, તે તેના અધિકારમાં હોવાથી માનો કે આખું રાજ્ય તેના જ હાથમાં હોવા જેવું હોય છે. વ્યાધ રાજાપર સ્વારી કરનાર સેનાપતિ એ ભાગુરાયણ જ હતો, અને એણે જ મુરાદેવીનું હરણ કરીને તેને રાજાનાં ચરણોમાં આપી હતી. એથી જ્યારે મુરાદેવીએ રાજપુત્રને જન્મ દીધો, ત્યારે સ્વાભાવિક રીતે એના હૃદયમાં અત્યંત હર્ષ થયો હતો. વ્યાધ રાજા ખરો ક્ષત્રિય વીર છે અને મુરા ક્ષત્રિય કન્યા જ છે, એમ રાજાને તેણે અનેકવાર કહેલું હતું; પરંતુ તેના એ કહેણને કોઈએ ધ્યાનમાં લીધું નહિ. એથી જો કે તેને ખેદ તો ઘણો જ થયો, પરંતુ તે વેળાએ બીજા અમાત્યોએ રાજાના ચિત્તને ભ્રમિષ્ટ કરી નાંખેલું હોવાથી ભાગુરાયણનો પોકાર સાંભળવામાં આવ્યો નહિ. વિરુદ્ધ પક્ષે, મુરાદેવીને એ જ હરી લાવેલો હોવાથી તેનો પક્ષ કરીને એ લડવા નીકળે તો તેમાં કાંઈપણ અજાયબી જેવું નથી, એમ બોલીને કેટલાકોએ સ્હામી તેની અવહેલના પણ કરી અને કેટલાકોએ તો, જો મુરાનું પ્રાબલ્ય વધશે, તો પોતાનું પ્રાબલ્ય પણ વધશે, એવી આશાથી જ એણે મુરાનો પક્ષ લીધો છે, એવો સ્વાર્થપરાયણતાનો પણ તેને શિરે આરોપ ચઢાવ્યો. તે સમયથી જ ભાગુરાયણનું અંતઃકરણ અતિશય ખિન્ન થઈ ગયું હતું. મુરાદેવીના પાછા સારા દિવસો આવેલા જોઇને પાછો તેને સંતોષ થયો. “હું જે પ્રમાણે પ્રથમ રાજાને કહેતો હતો, તેનો હવે રાજાને અનુભવ થયો. તે જાગૃત થયો અને નિરપરાધિની મુરાદેવીને પુનઃ તેણે પોતાની કૃપાપાત્ર બનાવી, એ ઘણું જ સારું થયું.” એ વિચારો તેના ક્ષુબ્ધ મનમાં પુનઃ શાંતિનો ભાસ કરાવવા લાગ્યા હતા.

એક દિવસ સાયંકાળે અને ચાણક્ય સંગમતીરે એકાંતમાં રમ્ય અને શીતળ ગંગાકરણવાહી વાયુનો ઉપભોગ લેતો બેઠો હતો - તેવામાં ભાગુરાયણે, પોતે મુરાદેવીને કેવી રીતે હરી લાવ્યો અને રાજાને અર્પણ કરી ઇત્યાદિ વૃત્તાંત ચાણક્યને કહી સંભળાવ્યો અને ત્યારપછી તેણે એક પુત્રને જન્મ આપવાની અને તેની સોક્યોએ તેને અને તેના પુત્રનો દ્વેષ કરી અમાત્યો સાથે મળી કેવાં કાવત્રાં કર્યા હતાં અને તે વેળાએ મુરાદેવીનો પક્ષ કરવા છતાં પોતાનું કાંઈ પણ ચાલી ન શક્યું ઇત્યાદિની અથેતિ સમસ્ત કથા કહી સંભળાવી. અને તે સહજ સ્વભાવે બોલ્યો કે, “મુરાદેવીના પુત્રને મેં સારી રીતે જોયો હતો - તેની હસ્તરેષામાં ચક્રવતીં રાજાનાં સર્વ ચિન્હો સ્પષ્ટ હતાં. આજે જો તો જીવ્યો હોત, તો સુમાલ્યના કરતાં પણ કાંઈક મોટો હોત. રાજાએ પ્રપંચીજનોનાં વચનોને સત્ય માનીને તે પુત્રનો પોતે જ ઘત કરાવ્યો, શો ઉપાય? રાજાના એ અવિચારી કૃત્ય માટે મારા મનમાં જે કોપ થયો હતો, તે આજે પણ જેવો ને તેવો જ કાયમ છે.” ભાગુરાયણનું એ ભાષણ સાંભળીને ચાણક્ય થોડીક વાર તો સ્વસ્થ બેસી રહ્યો અને ત્યાર પછી પોતાના કપટજાળને વિસ્તારવાનો આ પ્રસંગ ઉત્તમ છે, એમ ધારીને તે બોલ્યો કે, “સેનાધ્યક્ષ ભાગુરાયણ ! સત્યપક્ષને માટે તમારો પક્ષપાત જોઇને મને ઘણો જ આનંદ થાય છે. જો કે રાક્ષસની તેની સ્વામિનિષ્ઠા માટે સર્વત્ર ઘણી જ વિખ્યાતિ છે, પરંતુ તેના હૃદયમાં સત્યની નિષ્ઠા કેટલીક છે, તે તો પરમાત્મા જાણે ! તારી સત્યનિષ્ઠાનું ફળ તને સત્વર જ મળશે, ચિન્તા કરીશ નહિ. તું જેવા વિશ્વાસથી મને આ તારી વીતેલી વાર્તા સંભળાવે છે, તેવી જ રીતે મારો પણ એક બે વાતો તને જણાવવાનો મને ભાવ થએલો છે. પણ પ્રથમ હું એક પ્રશ્ન કરું તેનું તું યથાર્થ ઉત્તર આપ. સમજ કે, મુરાદેવીનો એ પુત્ર મરી નથી ગયો પણ હજી જીવતો જ છે, એમ જો તારી કોઈ પક્કી ખાત્રી કરી આપે - એટલું જ નહિ પણ તેને તારા સમક્ષ લાવીને ઊભો રાખે, તો તેના લાભ માટે તું શો પ્રયત્ન કરવાને તૈયાર થઈશ વારુ? એ બાળક ખરેખર જીવતો જ છે અને હું જ તેને લાવી આપીશ, એમ સમજવાનું નથી – હું તે માત્ર તને વિનોદમાં જ પૂછું છું અને તારો શો મનોભાવ છે, તે જાણવા માગું છું.”

“બ્રાહ્મણવર્ય ! તમે વિનોદમાં જ પૂછો છો, તો હું પણ વિનોદમાં જ જણાવું છું કે, જો મુરાદેવીનો પુત્ર ખરેખર જ મારા જોવામાં આવે તો હું તેને અવશ્ય યૌવરાજપદ અપાવવાનો પ્રયત્ન કરીશ અને તેમ કરતાં પ્રસંગ ગંભીર થશે, તો અંત પર્યન્ત તેના માટે હું લડીશ અને આ આખું રાજ્ય તેને અપાવીશ. મારી એવી ધારણા હતી કે, એ બાળકને જો રાસક્ષ આદિએ ઘાત કરીને મારી નાંખ્યો ન હોત, તો મહારાજાધિરાજ બનીને તેણે કોઈમોટા સામ્રાજ્યની સ્થાપના કરી હોત. તેના જન્મના ગ્રહો જ એવા હતા અને તેનાં સામુદ્રિક ચિન્હો પણ એ જ ભવિષ્ય દર્શાવતાં હતાં, પરંતુ વિધિની કેવી વિચિત્રતા કે પ્રફુલ્લ થવાના સમયે જ કુસુમ કરમાઈ ગયું.”

“તું તેને રાજ્ય અપાવવાની ઇચ્છા રાખે છે, પણ તે પૂરી કેવી રીતે થશે ? સઘળું સૈન્ય તારી સત્તાતળે હોય, તો પણ રાજા અને સચિવનાં નાશના કાર્યમાં તો તને અનુકૂળ થશે કે નહિ, એની શંકા જ છે, અર્થાત્ માત્ર તારા સૈન્ય પર જ આધાર રાખવાથી કાંઈ પણ વળવાનું નથી. મને રાજનીતિ ઘણી જ પ્રિય હોવાથી હું પ્રશ્નોત્તર કરીને તારા સંગે માત્ર વિનોદ જ કરું છું. હવે આપણે એવી કલ્પના કરીએ, કે તું પોતાની ઇચ્છાને પૂર્ણ કરવાની સઘળી યોજના કરી ચૂક્યો ને તે રાજા તથા પ્રધાનથી વિરુદ્ધ છે, એમ જાણવા છતાં પણ સૈનિકો તારી આજ્ઞાને માન આપશે ખરા કે? કદાચિત્ તારા સૈનિકો તારી આજ્ઞાને માન્ય ન કરે તો તારી કેવી દુર્દશા થાય વારુ? જો એવો પ્રસંગ આવી પડે, તો તે વેળાએ તું કેવી યુક્તિથી પોતાનું કાર્ય સાધે, તે કહી બતાવ.” ચાણક્યે કહ્યું.

“બ્રાહ્મણવર્ય ચાણક્ય મુને ! આવા શુષ્ક વાદમાં કાંઇ પણ સાર સમાયલો હોય, એમ મારું ધારવું તો નથી જ ! મારો એ તો દૃઢ નિશ્ચય છે કે, મારી સેનાના સૈનિકો સર્વથા મારી આજ્ઞામાં જ છે. હું જે કહું, તેનાથી જરાપણ વિરુદ્ધ કાર્ય તેઓ કરવાના નથી. વધારે તો હું અત્યારે કાંઈ પણ બોલતો નથી, પણ જો એવો પ્રસંગ આવી જ પહોંચ્યો - જો કે તેવો સંભવ તો નથી જ - તો આપને જે મેં કહેલું છે, તે અક્ષરે અક્ષર સત્ય છે કે નહિ, તે હું તમને બતાવીશ.” ભાગુરાયણે પોતાની સત્તાની દૃઢતાનું પ્રબળતાથી દર્શન કરાવતાં કહ્યું.

“તારા બોલવામાં સત્યતા નથી, એમ મારું માનવું નથી. વિરુદ્ધ પક્ષે મારી તો એવી જ ધારણા છે, કે તું એક મહા સત્યપરાયણ પુરુષ છે. પણ ભાગુરાયણ ! સત્યના સંરક્ષણ માટે માત્ર સત્યનિષ્ઠા જ ઉપયોગી થતી નથી. તેમાં થોડોક દંડનીતિનો પણ ઉપયોગ કરવો પડે છે. નીતિશાસ્ત્રના મહાગુરુ કણિકે પણ કહેલું છે કે, શત્રુને પટકી મારવાનો યોગ્ય સંધિ આવે ત્યાં સૂધી તેને ખભે ઉપાડીને લઈ જવાની જરૂર પડે તો તેમ કરવામાં પણ કાંઈ ચિન્તા નથી - તેમ કરવું અને યોગ્ય વેળા આવે એટલે તેને પછાડી મારવામાં પળમાત્રનો પણ વિલંબ કરવો નહિ. એ ન્યાયને અનુસરીને જ હું કહું છું કે, સત્ય હોય તો તેને પણ થોડીકવાર છૂપાવીને બહારથી અસત્યનો જ આશ્રય લેવો. જો તું એમ નહિ કરે, તો તારી સત્યનિષ્ઠા કાંઈ પણ ઉપયોગી થવાની નથી. હું કહું છું, તે વિશે દીર્ધ વિચાર કર. આ પણ એક નીતિશાસ્ત્રનો પાઠ જ છે.”

ચાણક્યનો એ નીતિવાદ સાંભળીને ભાગુરાયણ બોલ્યો, “બ્રહ્મન્ ! તમારાં વચનો સર્વથા સત્ય છે. જો એવો સમય આવશે, તો હું કપટનીતિનું અવલંબન નહિ કરું, એમ તમારે ધારવું નહિ. પરંતુ આવી કાલ્પનિક વાર્તાઓમાં ધ્યાન પરોવીને વ્યર્થ વાદવિવાદ કરવામાં શો સાર છે? એ બાબતને હવે છોડી જ દઇએ તો સારું છે. મુરાદેવીનો પુત્ર હવે કાંઈ પાછો જીવતો થવાનો નથી અને આપણે કાંઈ કરવાના નથી. એ તો બધી કલ્પના જ છે. કેમ નહિ?”

“હા - છે તો તેમ જ ” ચાણક્ય કિંચિત્ વિચાર કરીને બેાલ્યો. “પરંતુ તારા જેવા રાજપુરુષનો અને રાજકાર્યધુરંધરનો મેળાપ થયો હોય અને આવા રાજનીતિના વિષયો કાઢીને વાદવિવાદ ન કરીએ, તો બીજા કોની સાથે આવો પ્રસંગ પાડીએ વારુ? હું તને એક યુક્તિ બતાવું છું - તે તને રુચે છે કે નહિ? પાટલિપુત્રના નિકટમાં જ પર્વતેશ્વરનું રાજ્ય આવેલું છે. તેની સભામાં રાક્ષસના નામે એક દુત મોકલીને એમ કહેવડાવવું કે, તું આવીને પાટલિપુત્રનો ઘેરો ઘાલી બેસ, હું તને અંદરથી સહાયતા આપીને પાટલિપુત્ર હસ્તગત કરાવી આપીશ. રાક્ષસને પોતાને જ અનુકૂલ થએલો જોતાં જ પર્વતેશ્વરને ઘણો જ હર્ષ થશે, કારણ કે, પાટલિપુત્રપર તેની આજે ઘણા લાંબા વખતથી દૃષ્ટિ છે. રાક્ષસના સંદેશા ખરેખર રાક્ષસ તરફથી નથી આવતા, એ બાબત તેને જાણ ન થવા દેવાની સખત સંભાળ રાખવી જોઇએ. રાક્ષસ તેને જાણે એવો સંદેશો કહેવડાવે કે, “હું બહારથી તો મારા રાજનિષ્ઠાના વેષને કાયમ રાખી તારાથી વૈરભાવ હોય, તેવું જ દેખાડીશ. એટલે ધનાનન્દના મનમાં મારા વિશે જરા પણ સંશય રહેશે નહિ, અંદરખાનેથી તને પૂર્ણ રીતે સહાયતા આપી તારા હાથે ધનાનન્દનો નાશ થાય, તેમ કરીને રાજ્યની લગામ તારા જ હાથમાં સોંપીશ.” એ યુકિત જો સફળ થાય તો આશાથી પર્વતેશ્વર પોતાનું સૈન્ય લઇને અહીં આવશે, અને તે આવ્યો કે, એ રાક્ષસના આમંત્રણથી જ આવેલો છે, એવી આપણે સર્વત્ર અફવા ઉડાડવી, પર્વતેશ્વર તરફથી પણ આપણા કહેવાનો પૂરાવો મળશે જ. ત્યારપછી નંદનો નાશ થાય ત્યાં સૂધી તારે અને તારી સેનાના સૈનિકોએ સ્વસ્થતાથી બેસી રહેવું. નંદનો નાશ થયો કે મુરાદેવીના પુત્રને આગળ કરીને તેની વતીએ તારે અને તારા સૈન્યે પર્વતેશ્વરથી લડવું. એથી લેાકેાનું ચિત્ત તારા તરફ આકર્ષાશે અને તું સત્ય સ્વામિનિષ્ઠ ઠરવાથી તેમના મનમાં નંદનો એ એકલો જ વંશજ બાકી રહેવાથી મુરાદેવીના પુત્ર માટે સ્નેહ પણ ઉત્પન્ન થશે. આ સઘળી વાતો હું કલ્પનાથી રચીને જ કહું છું; પણ જેવી રીતે ચોપટ અથવા શતરંજની રમત રમવામાં આવે છે, તેવી રીતે હું તારા સમક્ષ નીતિશાસ્ત્રનો એક પેચદાર દાવ માંડું છું. એથી મારે જોવાનું છે કે, તું એ દાવ જિતવામાં કેટલો અને કેવો ચતુર છે. એમાં મારો બીજો કશો પણ હેતુ સમાયેલ નથી. આ તો આપણા ટાઢા પહોરના ગપાટા જ છે બીજું શું !” ચાણક્યે એ ભાષણથી પોતાના બુદ્ધિબળનો ચતુરતાથી વિસ્તાર કરવા માંડ્યો.

“મને તો એમ જ લાગે છે કે, તમે કહો છો, તે દાવ જો સવળો આવે તો તો ઘણું જ સારું, પણ યદાકદાચિત્ જે અવળો થઈ જાય તો આપણું સર્વસ્વ અને અંતે જીવના નાશનો સંભવ પણ ધારી શકાય ખરો. જો આપણી ધારણા સફળ થાય, તો તો રાક્ષસની બધી ખોડ ભૂલાવી શકાય. એને પોતાની રાજનીતિ વિશારદતાનું ઘણું જ મોટું અભિમાન છે ! પરંતુ કોઈ દિવસે તે એ અહંકારનો આગાર ખાલી થવાનો જ !” ભાગુરાયણે પોતાની અનુમતિ દર્શાવી.

“પણ હવે એ દાવને સવળો કરવામાં તને અશકયતા શી દેખાય છે ? રાક્ષસ એવા સ્વામિદ્રોહનો સંદેશો ન જ મોકલે, એમ ધારીને પર્વતેશ્વર દૂતનો વિશ્વાસ નહિ કરે, એમ તને ભાસે છે ? જો એમ ભાસતું હોય તો તે ખોટું છે. પર્વતેશ્વર અવશ્ય તે દૂતને વિશ્વાસપાત્ર ગણવાનો જ, એવી મારી દૃઢ ધારણા છે. રાજા ધનાનંદ મુરાદેવીના મોહપાશમાં ફસાઈને ન કરવા જેવાં કૃત્યો કરવા લાગ્યો છે, એથી હવે મને એના દાસત્વનો કંટાળો આવી ગયો છે એ શુદ્ર નારીની શીખવણીથી કોઈ વેળાએ કોણ જાણે તે શુંય અનર્થ કરી નાંખશે, એનો ભરોંસો નથી - તેથી જ હું તને બોલાવું છું - ઇત્યાદિ અગડમ બગડમ કહેવડાવી મોકલ્યું કે, પાટલિપુત્રનું રાજ્ય લેવાના લોભે અંધ થએલો પર્વતેશ્વર ભ્રમિષ્ટ થઈને એકદમ અહીં આવશે અને પાટલિપુત્રને ઘેરો ઘાલશે. રાક્ષસના આમંત્રણથી જ પર્વતેશ્વરની પાટલિપુત્રમાં પધરામણી થવાની અફવા લોકોમાં એકવાર પ્રસરી, એટલે બીજું શું જોઇએ ? બધું અનુકૂલ થઈ જશે. માત્ર તારે તારી સેનાને પેાતાના સ્થાનેથી ખસવા દેવી નહિ, એટલે તારો દાવ સવળો થએલો જ જાણવો. કેમ હું કહું છું તે ખરું છે કે ખોટું?” ચાણક્યે યુક્તિનું દર્શન કરાવતાં કહ્યું.

“આર્ય ચાણક્ય ! રાજપુત્રનું મરણ થયું છે, એ બીના જો હું જાણતો ન હોત, તો તે જીવતો છે અને તેની તમને સારી રીતે ખબર છે - તેથી જ તમે આમ બોલો છો – એમ જ મેં માન્યું હોત. કારણ કે, તમે યુક્તિઓની જે રચના કરવાનું સૂચવો છો, તે એવી રીતે જ સૂચવો છો કે, જાણે તે હમણાં જ કરવાની હોયની ! કૃત્રિમતાનો એમાં કિંચિત્માત્ર પણ ભાસ થતો નથી.” ભાગુરાયણે કહ્યું.

“સુજ્ઞ સેનાનાયક ! બુદ્ધિમાનો એ વિનોદવાર્તા પણ એવી કરવી જોઇએ કે, જેથી જ્ઞાનની પણ કાંઈક વૃદ્ધિ થઈ શકે. મેં તને હમણાં જ જણાવ્યું હતું કે, મને રાજનીતિશાસ્ત્ર અને તેમાં પણ કુટિલ નીતિશાસ્ત્રનો ઘણો જ નાદ છે. તેથી જ આવી નાના પ્રકારની કાલ્પનિક રચનાઓ કરીને હું મારા મનને બે ઘડી આનંદિત કરું છું. સોક્યોએ અને અમાત્યએ મળીને માત્ર દ્વેષભાવથી જ મુરાદેવીના પુત્રનો ઘાત કર્યો, તેને માટે તારા મનમાં આટલો બધો ખેદ થતો જોઈને મારા મનમાં સહજ એવી કલ્પના થઈ આવી કે, જો એ પુત્ર જીવતો હોય અને તેને તારા સમક્ષ લાવીને ઉભો કરવામાં આવે તો તું શું પ્રયત્ન કરી શકે તેમ છે, તે જોવું. તેથી જ આટલા પ્રશ્નો તને મેં પૂછ્યા. હું જાણી શક્યો કે, જો મારા કહેવા પ્રમાણે જ સર્વ રચના કરવામાં આવે તો દાવ અવળો પડે નહિ અર્થાત્ એથી કાર્યસિદ્ધિનો પૂરેપૂરો સંભવ છે, કેમ નહિ કે ? ચાલો-હશે– આપણો સંવાદ પૂરો થયો.” ચાણક્યે ભાગુરાયણના મનોભાવને યુક્તિથી જાણી લીધો અને ગંભીર વિષયને વિનોદમાં ઉડાવી દીધો.

ભાગુરાયણ અને ચાણક્યના એ પરસ્પર સંભાષણમાં ઘણો જ સમય વીતી ગયો. એટલે ચાણક્ય પોતાની પર્ણકુટીમાં જવાને અને ભાગુરાયણ પોતાના મંદિરમાં જવાને નીકળ્યો. ભાગુરાયણ માર્ગમાં ચાલ્યો જતો હતો, તે વેળાએ તેના મનમાં એવી શંકા આવી કે, “મારાપર કોઈપણ નજર રાખીને મારી પાછળ પાછળ તે ચાલ્યો આવે છે. કદાચિત્ એ રાક્ષસનો જ કોઈ ગુપ્ત દૂત હશે.” એ શંકાથી તેને મનમાં ધણું જ માઠું લાગ્યું અને ક્રોધ ૫ણ આવ્યો; પરંતુ નીતિશાસ્ત્રની કલ્પનાથી તેણે પોતાના મનનું સમાધાન કરી લીધું. તે ગૃહે જઈને સાયંસંધ્યાદિ કરીને ભોજન માટે બેસતો હતો; એટલામાં અમાત્ય રાક્ષસ તરફથી આમંત્રણ આવ્યું કે, જેવી સ્થિતિમાં હો તેવી જ સ્થિતિમાં આપને પ્રધાનજી બોલાવે છે. એ આમંત્રણ સાંભળતાં જ ભાગુરાયણ મનમાં પાછો વધારે છેડાયો; પણ તે કોપને શમાવી ભેાજન લીધા વિના જ રાક્ષસ પાસે જઈ પહોંચ્યો. તેને જોતાં જ રાક્ષસે જે પ્રથમ પ્રશ્ન કર્યો, તે આ હતો.

“ આપ જે બ્રાહ્મણ પાસે જઈને આજ કાલ રોજ ઘણો જ સમય વીતાડો છો, તે બ્રાહ્મણ કોણ છે એ જણાવશો કે ?”

એ પ્રશ્ન સાંભળતાં જ ભાગુરાયણના કપાળમાં વળ પડી ગયા.

—₪₪₪₪—