લખાણ પર જાઓ

૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/મુરાદેવીનું કારસ્થાન

વિકિસ્રોતમાંથી
← અમાત્યે શું કર્યું ? ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન
મુરાદેવીનું કારસ્થાન
નારાયણ વિશનજી ઠક્કુર
૧૯૧૨
ચિત્તની ચંચળતા →


પ્રકરણ ૨૨ મું.
મુરાદેવીનું કારસ્થાન.

પોતાની પ્રાર્થનાને માન આપીને રાજાએ આવતીકાલે રાજસભામાં આવવાનું કબૂલ કર્યું એથી અમાત્ય રાક્ષસના મનમાં ઘણો જ આનન્દ થયો. રાજા ધનાનન્દ એકવાર મુરાદેવીના અંત:પુરમાંથી બહાર નીકળે અને ક્ષણમાત્ર પણ તેનાથી એકાંતમાં વાતચિત થાય, તો તેને પોતાની વક્તૃત્વ શક્તિનો પ્રભાવ બતાવીને તથા તેના સમક્ષ અનેક મહત્ત્વનાં કાર્યો રજૂ કરીને ઘણોક સમય તેને પાછા મુરાદેવીના મંદિરમાં જવા દેવો નહિ અને જ્યાં સૂધી તે દૂર રહે ત્યાં સૂધીમાં મુરાદેવીના કાવત્રાંની વાતો તેને કાને નાંખી તે ત્યાં જાય જ નહિ, એવી વ્યવસ્થા કરવાનો રાક્ષસનો મનોભાવ હતો. રાજાએ રાજસભામાં આવવાનું કબૂલ કર્યું, એ જાણે પોતાનું અર્ધો અર્ધ કાર્ય થયું, એવી માનીનતાથી તેને ઘણો જ ઉલ્લાસ થયો. તેને પોતે જાણે એક મહાભારત કાર્ય કરી નાંખ્યું હોય, એમ ભાસવા લાગ્યું.

રાક્ષસના ઊઠી ગયા પછી મુરાદેવી હસતી હસતી અને કટાક્ષપાત કરતી રાજા પાસે આવી અને કહેવા લાગી કે, “જોયો આ ચમત્કાર. આપના બોલવાથી કોઈ એવું જ અનુમાન કરે કે, હું જ તમને અહીંથી બહાર જવા નથી દેતી. રાજ્યકાર્યની વ્યવસ્થા માટે પણ આપે બહાર ન જવું, એમ મેં ક્યારે કહ્યું છે? છતાં પણ લોકોનો એવો અભિપ્રાય બંધાય છે અને તેઓ તેમ ખુલ્લી રીતે બેાલે છે પણ ખરા, એમ મારે કાને આવેલું છે.”

“લોકો અસત્ય અભિપ્રાય બાંધીને અસત્ય શા માટે બોલતા હશે!” રાજાએ ઘણા જ પ્રેમથી મુરાદેવીના સુંદર અને કેતકીવર્ણ કપોલને અંગુલી પ્રહાર કરવા સાથે હાસ્ય કરીને કહ્યું. રાજાના એ પ્રેમપ્રહારથી મનમાં આનંદ પામી, પરંતુ બહારથી કોપ બતાવી નેત્રકટાક્ષ ફેંકતી ભ્રૂને આકુંચિત કરીને મુરાદેવી કહેવા લાગી કે, “આપને પણ કહેવાનો એ જ ભાવાર્થ છે ને? ત્યારે બાઈ ! પારકા લોકો એમ કહે તેમાં તો શી નવાઈ? શું હું આપને રાજસભામાં જવાની ના પાડું છું કે ? તેમજ રાજકાર્યની વ્યવસ્થા આપે ન રાખવી, એમ પણ મેં ક્યારે કહ્યું છે? કહો તો ખરા ?”

“એકવાર નહિ પણ દશવાર કહેલું છે. જો એક જ વાર કહ્યું હોત તો તો અમુક સમયે અને અમુક દિવસે કહ્યું હતું, તે હું બતાવી શકત. પણ દશવાર કરતાં પણ વધારે વાર જ્યાં એવું ભાષણ થએલું, ત્યાં વેળા તો ક્યાંથી કહી શકાય વારુ? “રાજાએ પાછું મોઢું ઠેકાણે રાખીને ભડકાવ્યું.

મુરાદેવીએ એ સાંભળી અધિક ક્રોધનો આવિર્ભાવ કરીને કહ્યું કે “ખરું કહો છો ! આપના બહાર જવામાં મને ભયનો ભાસ થયા કરે છે, તેથી જ મેં એમ કહ્યું હતું, અને જ્યાં સૂધી મારી શ્વેતાંબરીનું મરણ શાથી થયું, એ પૂર્ણતાથી મારા જાણવામાં નહિ આવે, ત્યાં સૂધી એ ભયનો આભાસ રહેવાનો જ. અમાત્યરાજના મનમાં તો કાંઈ પણ હશે નહિ, પણ બીજાં કેટલાંક મનુષ્ય અવશ્ય આપના ઘાતની યોજનામાં છે જ, એવો મારા મનમાં પૂર્ણ સંશય છે. એવી સ્થિતિમાં આપને.......….……….”

પરંતુ મુરાદેવીનો કંઠ એટલો બધો રુંધાઈ ગયો અને નેત્રો અશ્રુથી ભરાઈ આવ્યાં કે, તેનાથી વધારે કાંઇ પણ બોલી શકાયું નહિ. સુમતિકા પેલી બાજૂ પાસે જ ઊભી હતી, તે મુરાની આવી દશા જોઇને કહેવા લાગી કે, “બાઈ સાહેબ ! આ શું ? ગઈ કાલે જ આપને ધાત્રેયિકાએ કહ્યું નહોતું કે, આપ અત્યારે જે સ્થિતિમાં છો, તે સ્થિતિમાં હવે કોઈ દિવસે રડવું નહિ, ગુસ્સે ન થવું અને હમેશાં આનંદમાં જ રહેવું ? અને આજ જ આ૫ પેલા આનંદના સમાચાર મહારાજને સંભળાવવાનાં હતાં ને ? એ સાંભળવાથી મહારાજને કેટલો બધો આનંદ થશે ?”

“સુમતિકે ! તને તે વળી વચમાં બોલવાનું કોણે કહ્યું? રહેતાં રહેતાં બાઈ ! તું પણ બટકબોલી થતી જાય છે ને શું !” મુરાએ છણકો કર્યો.

“બાઈ સાહેબ ! કોઇ આનંદનો પ્રકાર થયો અને તે મહારાજાને સંભળાવવાનું સ્મરણ કરાવી આપ્યું, એમાં બટકબોલાપણું શું થયું વારુ ? અને કદાચિત એ બટકબોલાપણું હોય, તોય સત્ય હોવાથી મહારાજા એને માટે કોપ કરવાને બદલે મને સારું ઇનામ જ આપશે; એવો મારો નિશ્ચય છે.” સુમતિકાએ ઉત્તર આપ્યું. “હવે મૂંગી મરને! હજી કેટલુંક બોલીશ?” મુરાદેવી ગુપ્તરીતે રાજાપ્રતિ નેત્રકટાક્ષ ફેંકીને અને તર્જનીને નાસિકાપર રાખી, દાસીને કહેવા લાગી, એટલે તે બહુબોલી દાસી પાછી કહેવા લાગી, “હું તો મૂંગી મરીશ; પણ આપના આ ક્ષણે ક્ષણે પીળા પડતા જતા ગાલો અને શરીરમાં આવતું આલસ્ય, અને વધારે કહીએ તો......... એ સર્વ ચિન્હો મહારાજાને એ વાત કહી નહિ દે કે ?”

“ઊભી રહે - રાંડ ! ચામઠી ! હું તારી જીભ જ તાળવેથી ચૂંટી કાઢું છું.”

એમ કહીને મુરાદેવી કૃત્રિમ કોપથી સુમતિકાને મારવાને દોડી. એટલે મહારાજાએ તેને અટકાવીને કહ્યું કે, “સુમતિકે ! આ તમારી વાત શી છે? મારાથી મુરાદેવી શું છૂપાવવા માગે છે ?”

“મહારાજ !” સુમતિકા ઘણા જ આનંદ અને પ્રેમના આવિર્ભાવથી કહેવા લાગી કે, “અમે ગમે તેટલું પણ છૂપાવીએ, તો પણ દેવી અન્તે વીરપ્રસૂ થનારાં છે, એ વાત કેટલા દિવસ છૂપી રહેશે વારુ?”

દાસીનું એ ભાષણ સાંભળતાં જ મહારાજને ઘણો જ વિસ્મય અને આનંદ થયો. તે એકાએક બોલી ઊઠ્યો કે, “સુમતિકા શું તું કહે છે તે ખરું છે ? દેવી ખરેખર વીરપ્રસૂ - વીરપુત્રને જન્મ આપનારી થવાની છે ? આજે તો તેં મને ઘણા જ સારા સમાચાર સંભળાવ્યા ! આ સમાચાર – વધાઈનું તને ઈનામ શું આપું !” એમ કહીને તેણે મુરાદેવી પ્રતિ દૃષ્ટિ કરીને જોયું. મુરાદેવીનાં નેત્રોમાંથી અશ્રુનું વહન થતું તેને દેખાયું, તેથી રાજા તેને પૂછવા લાગ્યો કે, “પ્રિયા મુરે ! તું વીરપ્રસૂ થનારી છે, એ સાંભળીને મને આનંદ થાય છે, ત્યારે તને આટલો બધો ખેદ શા માટે થાય છે વારુ ? આ પ્રસંગ ઉત્સવ કરવાનો છે કે શોક કરવાનો ?”

પરંતુ મુરાદેવીએ એનું કાંઇ પણ ઉત્તર આપ્યું નહિ. તેનાં નેત્રોમાંથી એક સમાન અશ્રુ પ્રવાહ ચાલ્યો જ જતો હતો, અને તેને તે પોતાની સાડીના પલ્લવથી લૂછતી જતી હતી. જેમ જેમ અશ્રુનો પ્રવાહ વધારે અને વધારે વધતો ગયો, તેમ તેમ રાજાનું મન પણ વધારે અને વધારે ખિન્ન થવા લાગ્યું અને મુરાના શોકને શમાવવા માટે તે અનેક પ્રયત્નો કરવા લાગ્યો, “પ્રિયે ! પોતાના વીરપ્રસૂ થવાના સમાચાર બીજાના મુખે સાંભળતાં જ તું આમ રડવા કેમ લાગી ? તારા હૃદયમાં એવી તે શી દુઃખદ ભાવના થઈ આવી ? મને તે જણાવ - મનમાં જરા પણ સંકોચ ન રાખતાં જે હોય તે કહી દે. જ્યાં સૂધી તું એનું કારણ નહિ જણાવે, ત્યાં સૂધી કોઈ પ્રકારે મારા મનનું સમાધાન થવાનું નથી, તું વીરપ્રસૂ થઈશ અને તેથી આપણા આ દૃઢ થએલા પ્રેમમાં વધારે દૃઢતા થાય, તેટલા માટે આ અપત્યરૂપ ગ્રંથિ બંધાશે, એ સાંભળીને મને તો ઘણો જ હર્ષ થયો, પણ તને તો મેં શોકમાં જ જોઈ. આનંદઅશ્રુને સ્થાને શોકનાં અશ્રુ શામાટે વર્ષાવે છે? વળી હું વિનતિ કરી કરીને થાક્યો, છતાં કાંઈ ઉત્તર પણ આપતી નથી. એમ આજે કેમ થઈ ગયું ? તને આમ શોકમાં ઘેરાયલી જોવાથી મારું મન પણ ઉદ્વિગ્ન થઈ જાય છે. બોલ - માત્ર બે શબ્દો બોલીને પણ તારા શોકનું કારણ તો કહી બતાવ. કેમ સુમતિકે ! તારી સ્વામિનીના રુદનનું કારણ શું છે, તે તું કાંઇ જાણે છે કે ?”

“મહારાજ ! બીજું કારણ તો શું હોઈ શકે વારુ ? દેવીને એમ લાગે છે કે, જેવી રીતે......... ” પરંતુ મુરાદેવીએ સુમતિકાને વચમાં જ બોલતી અટકાવીને કહ્યું કે, “ચુપ રહે. સુમતિકે ! ગમે તેવું સારું માઠું બકીને પોતાની વાચાળતાને વ્યક્ત ન કર.”

એ આજ્ઞા સાંભળતાં જ સુમતિકા એકદમ બોલતી બંધ થઈ ગઈ. પરંતુ રાજા ધનાનન્દ મુરાદેવીને ઉદેશીને કહેવા લાગ્યો કે, “વાહ ! પોતે કહેવું નહિ, અને બીજું કોઈ કહેતું હોય, તે તેને કહેવા દેવું નહિ. એનું શું પ્રયોજન? એ સુમતિકા બિચારી મને બધું કહી સંભળાવતી હતી, તેને વચમાં જ તેં શામાટે અટકાવી, કોણ જાણે? સુમતિકે ! તું જે હોય તે સંકોચ વિના કહી સંભળાવ. તારે કાંઇ પણ શંકા કરવી નહિ, તને મારી આજ્ઞા છે.”

“અરે ભગવાન ! હવે તો મારી દશા સૂડી વચ્ચે સોપારી જેવી થઈ પડી. અહીં મહારાજની આજ્ઞા અને અહીં મહારાણીની આજ્ઞા. હવે કોની આજ્ઞાનું પાલન કરું અને કોની આજ્ઞાનું ઉલ્લંઘન કરું? તથાપિ મહારાજ ! હું આપની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાને સર્વથા અસમર્થ છું. મહારાણીનું ધારવું એમ છે કે, પોતે વીરપ્રસૂ થશે તો ખરાં, પણ તેથી લાભ શો ? અંતે તે અવતરેલા બાળકને અરણ્યમાં મારાઓની તલવારની ઘાત જ થવાનો ને ?” સુમતિકાએ સંશયને તોડી નાંખ્યો.

સુમતિકાનો હજી પણ વધારે બોલવાનો વિચાર હતો, છતાં પણ તેને પોતાની ઇચ્છા વિરુદ્ધ વચમાં જ અટકી જવું પડ્યું; કારણ કે, એ વેળાએ રાણી મુરાદેવીનો શોક ઘણો જ વધી જવાથી તેણે મોટે મોટેથી રડવા માંડ્યું હતું અને એ રોદનને સાંભળી રાજાનું ચિત્ત પણ સર્વથા શોકથી ભરાઈ ગયું હતું – તેણે એકાએક પોતાની છાતી સાથે ચાંપીને રાણીને આશ્વાસન આપતાં કહ્યું કે, “પ્રિયતમે ! મુરે ! આ શું કહેવાય? જે વાત બની ગઈ છે, તે વિસરી જવાનો તારો અને મારો ઠરાવ હતો કે નહિ? ત્યારે હવે વ્યર્થ અા શોકનો આરંભ શા માટે કર્યો છે? ખરું પૂછે, તો હવે એવા શોકનું કાંઈ પણ કારણ નથી.”

“આર્ય પુત્ર ! કારણ નથી, એમ કેમ કહો છો વારુ? જેવી રીતે પૂર્વે પ્રસંગ આવ્યો હતો, તેવો જ પ્રસંગ આજે પણ આવી પહોંચ્યો છે. આપ આવતી કાલે તો અહીંથી પધારવાના. અમાત્ય રાક્ષસનાં ક૫ટતંત્રો કાંઈ મારાથી અજાણ્યાં નથી. આપને ગમે તે કારણ બતાવીને ચાર ઘડી મારાથી દૂર કરવા અને ત્યાં એકાંતમાં આપને આડું અવળું સમઝાવીને મારા મંદિરમાં પાછા આવવા દેવા નહિ, એવો જ એનો નિશ્વય હોય એમ દેખાય છે. આપ અહીં જ વસો છો અને જ્યારે એ આવે છે, ત્યારે હું માત્ર ચાર પગલાં જ દૂર રહું છું, એટલે એનાથી મન મોકળું કરીને કાંઈ પણ ગુપ્ત વાર્તા કરી નથી શકાતી; પરંતુ એકવાર આપ મારાથી દૂર થયા, એટલે પછી થઈ રહ્યું ! આપને ગમે તેમ સમજાવીને મારાવિશે આપનું મન કલુષિત કરવાનો જોઈએ તેટલો સમય મળશે. એટલે હવે કહો કે, હું રડું નહિ, તો બીજું શું કરું? આપ મારાથી દૂર ગયા, એટલે પછી મારી કેવી દુર્દશા થશે, તે તો પરમાત્મા જાણે ! સોળ સત્તર વર્ષ પહેલાંનો બનાવ આજે પાછો આવીને મારાં નેત્રો સમક્ષ ચિત્રરૂપે ઊભો રહ્યો છે ! હે જગદીશ્વર! મને તેં આ જગતમાં જન્મ જ શામાટે દીધો ! અને જન્મ આપ્યો તો મારી કુક્ષાથી બીજાં બાળકોને શામાટે ઉપજાવે છે ? અરે રે નિર્દોષ અર્ભકોનો ઘાત થાય છે અને આ અભાગિની માતા બાલઘાતીની ગણાય છે - ઓ દયાળુ પરમાત્મન્ ! મને હવે જલ્દી બોલાવી લે !!”

એવા દુઃખેાદ્દગાર કાઢીને મુરાદેવી અપરંપાર શોક કરવા લાગી. હવે એનું સમાધાન કેવી રીતે કરવું, એ રાજાને સૂજ્યું નહિ, અંતે વળી પણ તે કહેવા લાગ્યો કે, “ત્યારે હું રાજસભામાં જઈશ જ નહિ, પછી તો કાંઈ નથીને? જો કાંઈ અગત્યનું કાર્ય હશે, તો તેનો નિર્ણય અહીં જ સભા ભરીને કરીશું. બસ એ જ નિશ્ચય !”

“ના-ના-ના.” મુરાદેવી શોકને શમાવી નેત્રો લૂછીને કહેવા લાગી, “એમ કરવું ઉચિત નથી. ઠરાવ પ્રમાણે આપ રાજસભામાં ભલે પધારો પણ પાછા અહીં આવવાનું સ્મરણ રાખજો. પણ એ પીટ્યો રાક્ષસ આપને કારાગૃહમાં તો નહિ નાંખે, એવા સંશયથી મારું તો આખું શરીર કંપાયમાન થઈ જાય છે.” મુરાએ પાછી ચિણગારી મૂકી. “મને કારાગૃહમાં નાંખશે ? તું આજે ગાંડી તો નથી થઈને?” ધનાનન્દ હસીને બોલ્યો.

“કદાચિત્ એમ પણ બને ! એમાં આશ્ચર્ય જેવું શું છે ? આપના પ્રાણનાશનો પ્રયત્ન પણ જ્યારે થઈ ચૂક્યો છે, તો આપ એકવાર અહીંથી છૂટીને તેમના તાબામાં ગયા, એટલે આપને અહીં પાછા ફરતા અટકાવવા, એ સર્વથા અશક્ય છે અથવા તો તે એમ કરવામાં તે આગળ પાછળનો જરાપણ વિચાર કરશે, એવી મારી ધારણા તો નથી જ. આપને હું કાંઈ ન જવાનો આગ્રહ કરતી નથી - પણ જો જશો અને કાંઈ પણ વિપરીત થશે તો ! એની જ ક્ષણે ક્ષણે ભીતિ થયા કરે છે. પ્રથમ મારા પુત્રનો ઘાત કરાવીને મને કારાગૃહવાસિની બનાવી હતી, તેવો જ પ્રસંગ જો હવે પાછો આવવાનો હોય, તો મને પણ મારી નાંખવી, એટલી જ મારી આપનાં ચરણોમાં વિનતિ છે.” એમ કહી રાજાનાં ચરણોમાં પડી મુરાદેવી મહાન આક્રંદ કરવા લાગી. રાજા ગભરાઈ ગયો અને બોલ્યો, “પણ મારે જવું જ નથી તેનું કેમ ?”

“ના-ના,” મુરાદેવી એકાએક મસ્તક ઊંચું કરીને કહેવા લાગી. “એમ કરવાથી કાંઈ પણ લાભ થવાનો નથી. અમાત્યને જેવી રીતે વચન આપેલું છે, તેવી રીતે જો આપ વર્તન નહિ કરો, તો એને દોષ તેઓ મારે માથે જ ચઢાવવાના. તેના દેખતાં જ મેં આપને સભામાં જવાની ભલામણ કરી અને હવે આપ નહિ જાઓ, એટલે તેઓ એમ જ કહેવાના કે, મુરાદેવી અસત્યભાષિણી છે - એણે જ રાજાનું મન ફેરવી નાંખ્યું હશે, આમ મારો દોષ દેખાય એ સારું નહિ. આવતી કાલે તો અવશ્ય આપે એકવાર સભાગૃહમાં પધારવું જ જોઈએ. મારા વિશેના આપના હૃદયમાંના પ્રેમને જાગૃત રાખવાનું વચન આપો, એટલે પછી મારું બીજું કાંઈ પણ કહેવું નથી. મને મારા પોતાના વિશે જરા પણ દરકાર નથી. મને મારા જીવની....”

મુરાદેવી, એ બધું ભાષણ એટલા બધા શોકના અવિર્ભાવથી બોલી કે, તેથી રાજાના મનમાં તેના માટે પ્રેમનો ઘણો જ સારો ઉમળકો આવવાથી તેણે તેને દૃઢ આલિંગન આપ્યું. ત્યાર પછી તે દૃઢતાથી કહેવા લાગ્યો કે, “તારે લેશ માત્ર પણ ચિંંતા કરવી નહિ. તારી આજ્ઞા છે, તેથી જ આવતી કાલે હું સભામાં જઈશ, અને ઘડી બે ઘડી બેસીને તત્કાળ અહીં પાછો આવી પહોંચીશ.” મુરાદેવીને પોતાના સંયોગથી પુનઃ પુત્ર થવાના સમાચાર સાંભળી રાજાને ઘણો જ આનંદ થયો અને તેથી મુરા વિશેના તેના પ્રેમમાં એકાએક વૃદ્ધિ થઈ ગઈ. રાજા વારંવાર મુરાને એ વિશે ભિન્ન ભિન્ન પ્રશ્નો પૂછ્યા કરતો હતો. જયારે મુરાદેવીને પોતાની ઇચ્છા જણાવવા માટે ઘણો જ આગ્રહ કર્યો, ત્યારે મુરાદેવી તેને ઉદ્દેશીને ઘણી જ નમ્રતાથી કહેવા લાગી કે, “આપનો પ્રેમ મારામાં અખંડિત રહે અને મારો પુત્ર આપના અંકમાં રમતો હોય, તે જોવાનો મને પ્રસંગ મળે, એટલે મારી બધી ઇચ્છાઓ ! તૃપ્ત થઈ, એમ ધારવું.” એથી રાજા ધણો જ પ્રસન્ન થયો. એવી રીતે વાતચિત કરતાં કરતાં રાજાનાં નેત્રો લાગી ગયાં – તે નિદ્રાવશ થયો – એ નિદ્રા તેને સહજ સ્વભાવે આવેલી હતી કે કેમ, તે અત્યારે કહેવું જરાક કઠિન છે.

રાજા નિદ્રાવશ થતાં જ મુરાદેવી અને સુમતિકા ઉભય હાસ્ય કરીને એક ધ્યાનથી પરસ્પર એક બીજાના મુખને જોવા લાગી, કોઈ મનુષ્યને પોતાના કપટજાળમાં ફસાવવાનો કોઈ બે જણે મળીને પ્રયત્ન કર્યો હોય અને તે સફળ થયો હોય, તો તે સફળતાના આનંદ અને અભિમાનથી તે બન્ને એક બીજાને જોઈ રહેવાનો ધર્મ સ્વાભાવિક છે – એ નિયમને અનુસરીને જ એમણે પણ એક બીજાના મુખને જોઈ રહેવાનો વ્યાપાર ચલાવ્યો હતો. થોડીક વાર રહીને મુરાદેવી સુમતિકાને સંબોધીને કહેવા લાગી કે, “સુમતિકે ! તું જો મને આવી રીતે સહાયતા ન આપત, તો મારો સર્વ વ્યુહ ક્યારનોય નષ્ટપ્રાય થઈ ગયો હોત ! વૃન્દમાલા તો બિચારી ગાંડી અને ભોળી ભટાક છે, એને આ મારાં કારસ્થાનો જરા પણ ગમતાં નથી. છતાં પણ મારા માટે તેના મનમાં પ્રેમ તો જેવો ને તેવો જ છે, તેથી મારા રહસ્યનો તે ક્યાંય સ્ફોટ કરે તેમ તો નથી જ. આઠ પંદર દિવસમાં તે બુદ્ધધર્મની દીક્ષા લઈને યોગિની બનવાની છે. એનો સઘળો આધાર પેલા બુદ્ધભિક્ષુ અને યતિઉપર જ છે. એ તો ઠીક, પણ આર્ય ચાણક્ય ક્યારે આવશે વારૂ ? હવે તે આવવા તો જોઈએ.”

એ શબ્દો તેના મુખમાંથી નીકળ્યા ન નીકળ્યા કે દાસીએ આવીને તેને આર્ય ચાણક્યના આગમનના સમાચાર કહી સંભળાવ્યા. એથી મુરાદેવીના હૃદયમાં આનંદનો પાર રહ્યો નહિ.

આર્ય ચાણક્ય હવે મુરાદેવીને મુખ્ય ઉપદેષ્ટા - ગુરુશ્રેષ્ઠા થયો હતો. સુમતિકા એ બન્નેના પરસ્પર સંદેશા એક બીજાને જણાવવાનું કાર્ય કરતી હતી. અર્થાત્ સુમતિકા પણ આર્ય ચાણક્યની અત્યંત એકનિષ્ઠ ભક્તા થએલી હતી. આર્ય ચાણક્યે આજ્ઞા કરી, એટલે પછી તે સારી હોય કે નઠારી, પણ સુમતિકાને તો શિરસાવંદ્ય જ થવાની ! એ આજ્ઞાનું પાલન કરવું કે ન કરવું, એવો પ્રશ્ન જ કોઈકાળે તેના મનમાં થતો નહોતો. એટલે ચાણક્યને જોતાં જ બન્નેને સ્વાભાવિક આનંદ થયો. ચાણક્યને જ્યાં બેસવાનું કહેલું હતું, ત્યાં જઈને મુરાદેવી તેને કહેવા લાગી કે, “આર્યશ્રેષ્ઠ ! અમે આપની જ વાટ જોતાં બેઠાં હતાં - આપ આવ્યા તે ઠીક જ થયું. સુમતિકા રાક્ષસને આડું અવળું સમજાવીને બીજીવાર પણ અહીં લઈ આવી હતી. તેણે મહારાજને કોઈપણ પ્રયત્ને અહીંથી બહાર કાઢવાના હેતુથી આવતી કાલે સભામાં પધારીને પ્રજાને દર્શન આપવાનો આગ્રહ કરેલો છે. મહારાજ પ્રથમ તો હા-હા-ને ના ના કરતા હતા - મને છોડીને જવું તેમને સારું લાગતું નહોતું, પરંતુ મેં જ જ્યારે વચમાં બોલીને તેમના ત્યાં પધારવાનું રાક્ષસને અભિવચન અપાવ્યું, ત્યારે જ રાજાએ હા પાડી. એ કાર્ય કરીને મેં આપને સંદેશો કહાવ્યો હતો. કેમ હવે પછી કરવા ધારેલા કાર્યની બધી તૈયારી તો આપે કરી રાખી છે ને ?”

“હા – સર્વ તૈયાર છે. કરી રાખી છે એટલે શું ? રાક્ષસના મિત્ર ચન્દનદાસનું ગૃહ રાજમહાલયના નિકટમાં જ છે. તેના ગૃહમાંથી રાજમંદિરના દ્વાર પર્યન્ત એક ભોયરું ખોદીને દ્વારમાં કૃત્રિમ તોરણ બાંધેલું છે. દારુકર્મા નામના એક કુશળ શિલ્પશાસ્ત્રીની એ કાર્ય માટે યોજના કરેલી છે. ત્યાં શું કરવાનું છે, તે બધું મેં દારુકર્માને કહી રાખ્યું છે. ઉપરાંત એ તોરણના નીચેના ભાગમાં પણ સર્વ યથાસ્થિત તૈયારી કરી રાખેલી છે. હવે એમાં કાંઈ પણ કરવાનું બાકી રહ્યું નથી, સર્વ કાર્ય જેવી રીતે થવું જોઈએ તેવી રીતે થશે અને આપણા કાર્યની નિર્વિઘ્ને સિદ્ધિ થશે, એની ચિન્તા રાખીશ નહિ.” ચાણક્યે કહ્યું.

“ગુરુશ્રેષ્ઠ! આપ જે કાંઈપણ કરશો, તેમાં કદાપિ ન્યૂનતા આવવાની નથી, એ શું હું નથી જાણતી? મારે એની ચિન્તા શામાટે રાખવી જોઈએ વારુ ? પણ જે કાર્યનો આપણે આરંભ કરેલો છે, તે નિર્વિઘ્નને પાર પડે તો તો ઠીક, નહિ તો પરિણામ સારું નહિ આવે – જો એમાં કાંઈ પણ વિઘ્ન આવ્યું અને આપણા કારસ્થાનો ઉઘાડાં પડી ગયાં, તો પછી આપણા પ્રાણ બચવા અશક્ય છે!” મુરાદેવીએ પોતાનો મનોભાવ વ્યકત કર્યો.

“વત્સે મુરાદેવી ! આ ચાણક્યે જે વ્યૂહની રચના કરેલી હોય, તેમાં કોઈ કાળે પણ વિઘ્ન આવવાનું નથી, એ તારે નિશ્ચિંત માની લેવું, અર્થાત્ એ વ્યૂહને તારે સિદ્ધ થએલો જ સમજવો. દારુકર્મા ઘણો જ કુશળ શિલ્પશાસ્ત્રી હોવાથી તેને આ કાર્યમાં યોજવા માટે મેં ચન્દનદાસના મિત્ર ભૂરિવસુની સહાયતા લીધી છે. ભૂરિવસુ સર્વથા મારા વશમાં છે અને તેને લીધે ચન્દનદાસ પણ મારે આધીન થઈ ગયો છે. ચન્દનદાસ રાક્ષસનો મોટો સ્નેહી છે; તેથી દારુકર્માના હસ્તે રાજદ્વાર પાસે શું દારુણ કર્મ કરાવવાનું છે, એની મેં ચન્દનદાસને જરા જેટલી પણ ખબર પડવા દીધી નથી: અર્થાત્ આપણા ભેદોનો ઘડો ફૂટી જવાનો બિલકુલ સંભવ નથી. દારુ પૂરતી રીતે ભરી રાખેલો છે અને તેના બે ધડાકા થાય, તેવી વ્યવસ્થા કરેલી છે. જો બન્ને બાર સફળતાથી છૂટ્યા, તો સમસ્ત નંદવંશનો નાશ થયો જ જાણી લેવો. પછી બીજાઓ માટે પાછળથી જે યોજના કરવાની હશે, તે આપણે કરીશું. આવતી કાલે ધનાનન્દ પોતાના કુળસહિત અથવા તો એકલો અવશ્ય નષ્ટ થવાનો જ, એમાં રંચમાત્ર પણ શંકા જેવું નથી.” એમ કહીને આર્ય ચાણકય સ્વસ્થ બેઠો. મુરાદેવી એ સાંભળીને કિંચિત્ ચિંતાતુર થઈ ગઈ અને ધીમેથી કહેવા લાગી કે, “ઠીક, પણ ગુરુવર્ય ! મહારાજાનો ઘાત ન થતાં બીજા બધાનોને નાશ થઈ જાય, એવી યોજના કરી શકાય તેમ નથી કે ? જો કાળમુખા સુમાલ્યનો નાશ નહિ થાય અને મહારાજનો જ ઘાત થશે, તો સુમાલ્યના નામે રાક્ષસ રાજ્યકાર્યભાર ચલાવવા માંડશે અને મહારાજાના મૃત્યુનું કારણ શોધી કાઢશે. જો એમ થયું તો આપણી દુર્દશા કેવી થશે, એની હું કલ્પના પણ કરી નથી શકતી !” મુરાદેવીના એ વિચારો સાંભળીને ચાણક્ય ખડખડ હસવા લાગ્યા અને શાંત મુદ્રાથી તેને સમજાવતો કહેવા લાગ્યો કે;–

“મુરાદેવિ! હું તને અત્યારસુધી મોટી કાર્યદક્ષ અને નીતિશાસ્ત્રને જાણવાવાળી ધારતો હતો; પરંતુ હવે તો મને તારી બુદ્ધિ પણ બીજી સાધારણ સ્ત્રીઓ પ્રમાણે જ કટાયલી દેખાય છે. પુત્રિ ! ધનાનન્દનો નાશ રાક્ષસે જ કરાવ્યો, તેણે જ દારુકર્મોને ઉશ્કેરીને બધી યુક્તિ રચી, એવા પ્રકારની અફવા લોકોમાં ફેલાવવાની તજવીજ કીધા વિના હું રહીશ ખરો કે? એની કેટલીક વ્યવસ્થા તો હું કરી પણ ચૂક્યો છું. જો રાજા ધનાનન્દ મરશે, તો જે કાંઈ પણ કારસ્થાન થયું, તે રાક્ષસે જ કરાવ્યું અને રાજ્યકાર્યભારના લોભથી એ અમાત્યે જ રાજાનો નાશ કર્યો, એવો અપવાદ સર્વત્ર પ્રસરી જશે. એને માટે જવાબદાર હું છું. પ્રત્યેક મનુષ્ય એમ જ કહેતો સાંભળવામાં આવશે, કે આગ્રહ કરીને રાક્ષસે જ રાજાને રાજસભામાં બોલાવ્યો અને પોતાના મિત્ર ચન્દનદાસના ગૃહમાં ભોયરું ખોદીને રાજદ્વાર પાસે તોરણ બંધાવ્યું - એમાં રાક્ષસનો રાજાને મારવાનો જ હેતુ હતો. એ સર્વ નિર્વિઘ્નને પાર પાડ્યું, એટલે તારા ભત્રીજા ચંદ્રગુપ્તને આગળ કરી તેને સિંહાસને બેસાડીને તારી પ્રતિજ્ઞાની હું પૂર્તિ કરીશ. તું અત્યારે જે બીજી જ શંકામાં ઘેરાયેલી છે, તે શંકા છોડી દે.” એ ભાષણ સાંભળીને મુરાદેવીના સંતપ્ત મનનું અર્ધ સમાધાન તો થયું. હવે પોતાની ઇચ્છાની સિદ્ધિ થવામાં માત્ર એક રાત્રિનો જ અવકાશ છે, એ વિચારથી તેને સંતોષ થયો અને તેણે ચાણક્યને જવાની આજ્ઞા આપી.

પરંતુ રાત પડી ન પડી, એટલામાં તો તેના મનની સ્થિતિ પાછી બદલાઈ ગઈ. ગમે તેટલી શક્તિશાલિની અને કપટી હોય, તો પણ અંતે સ્ત્રી જાતિ. મુરાદેવીની નૈસર્ગિક કોમળતા તેની ઇચ્છાને આડી આવીને ઊભી રહી.