લખાણ પર જાઓ

૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/અમાત્ય રાક્ષસ

વિકિસ્રોતમાંથી
← ભાગુરાયણ સેનાપતિ ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન
અમાત્ય રાક્ષસ
નારાયણ વિશનજી ઠક્કુર
૧૯૧૨
અપરાધી કોણ ? →


પ્રકરણ ૧૭ મું.
અમાત્ય રાક્ષસ.

ત પ્રકરણમાં વર્ણવેલી ઘટના પછી બીજે દિવસે મધ્યાન્હ પછીના શાંત સમયે અમાત્ય રાક્ષસ પોતાના મંદિરના એક અંતર્ગુહમાં પોતે એકલો જ કાંઈ વિચાર કરતો બેઠો હતો. જ્યારે જ્યારે કોઈ બીજું આવીને પોતાને ત્રાસ ન આપે, એવી તેની ઇચ્છા થતી હતી, ત્યારે તે એ જ અંતર્ગુહમાં આવીને બેસતો હતો અને પોતાના પ્રતિહારીને એવી કઠિન આજ્ઞા આપતો હતો કે, “મારા સમક્ષ કોઇને પણ આવવા દેવો નહિ અને કોઈ આવ્યું હોય, તેની મને ખબર પણ ન પહોંચાડવી. માત્ર જો અમુક અમુક ગુપ્તદૂતો આવે, તો તેમને જ આવવા દેવા.” એ નિયમ પ્રમાણે આજે ૫ણ પ્રતિહારીને આજ્ઞા આપીને રાજપ્રધાન પોતાના ખાનગી ઓરડામાં કાંઇક ઊંડા વિચારમાં નિમગ્ન થઇને બેઠો હતો. આજે તેની મુખમુદ્રાએ કાંઈક વિચિત્ર ગંભીરતાનો ભાવ ધારેલો હતો.

અમાત્ય રાક્ષસ દેખાવમાં ઘણો જ તેજસ્વી અને શરીરે પણ ઊંચો અને ભરેલો પુરુષ હતો. તેનું શરીરબંધન તત્કાળ બીજાના મનમાં પ્રભાવ પાડી શકે એવું હતું. નેત્રો પાણીવાળાં અને સર્વગ્રાહી દેખાતાં હતાં. કપાળ ઉચ્ચ અને વિસ્તીર્ણ તથા છાતી ઘણી પહોળી અને વિશાળ હતી; એ સર્વે કારણોથી અને તેની મુખમુદ્રા ઘણી જ ગંભીર હોવાથી લોકોના મનમાં એનો ઘણો જ સારો પ્રભાવ પડતો હતો. અમુક કાર્ય કરવા માટેનો રાક્ષસનો નિશ્ચય થયો, એટલે તેથી વિરુદ્ધ મત કોઈ પણ આપી શકે તેમ નહોતું. પરંતુ એ પ્રભાવની સર્વના હૃદયમાં એક સરખી અસર થતી હોવાથી તે જેવો જોઇએ તેવા લોકપ્રિય હતો નહિ. જેટલો પ્રભાવ પોતાના દાસપર કે કોઈ કાયસ્થ (કારકુન) પર તે નાંખતો હોય, તેટલો જ પ્રભાવ પોતાની બરાબરીના અધિકારીપર પણ નાંખવાની તેને ટેવ હોવાથી તેવા સમાન પદધારી અધિકારીઓ તેને અંતઃકરણપૂર્વક માન આપતા નહોતા. તે રાજાનો પ્રતિનિધિ અને સ્વામિહિતદર્શી તેમ જ મહા ન્યાયનિષ્ઠ અને પોતાના હિતની લેશમાત્ર પણ પરવા રાખનારો ન હોવાથી લોકોમાં તેની કીર્તિ પણ વિશેષ હતી અને તે પ્રજાપ્રિય પણ હતો. વળી ગુપ્ત દૂતો દ્વારા ગુપ્ત સમાચારો મેળવવામાટે તે સદા તત્પર રહેતો હોવાથી સાધારણ રીતે પ્રજાજનો કે અધિકારીઓ કોઇપણ પ્રકારનું અયોગ્ય વર્તન કરવામાં ઘણા જ ખંચાતા હતા. પરંતુ તે મોટા મોટા અધિકારીઓની પણ સાધારણ લોકો પ્રમાણે જ તુલના કરતો હોવાથી મંત્રિમંડળમાં તેના માટે જોઇએ તેટલો સંતોષ હતો નહિ, મોટા અધિકારીઓ, આપણામાં પણ રાક્ષસ સર્વદા અવિશ્વાસ જ રાખે છે, એ વિચારથી નિરંતર ઉદાસીન રહેતા હતા. રાક્ષસના ચાતુર્યમાં માત્ર એટલી જ ખામી હતી કે, તેમના મનની સત્ય સ્થિતિનું તે દર્શન કરી શકતો નહોતો. હવે આપણે રાક્ષસના હાલના વિચારોનું અવલોકન કરીએ અને વાર્ત્તાના વળાને આગળ લંબાવીએ. ઉપર કહેલું જ છે કે, અમાત્ય રાક્ષસ આ વેળાએ માત્ર પોતે એકલો જ બેઠેલો હતો અને કોઈ ગૂઢ વિચારમાં નિમગ્ન થઈ ગયો હતો. રાજ્યની તાત્કાલિક સ્થિતિ તે એના વિચારનો મુખ્ય વિષય હતો અને તે સાથે મુરાદેવી, તેનો ભત્રીજો અને આર્ય ચાણક્ય એ ત્રયીનો વધારે સંબંધ સંધાયલો હતો. તેનો વિચારપ્રવાહ આ પ્રમાણે વહેતો જતો હતો. “મુરાદેવી બંધનમુક્ત થઈ, તે દિવસથી રાજાના મનમાં તેણે પોતાનો એટલો બધો પ્રભાવ પાડી દીધો છે કે, મને પણ રાજાને મળતાં અડચણ પડવા લાગી છે. એ સર્વ થયું કેમ?” એનું જ એને રહી રહીને આશ્ચર્ય થયા કરતું હતું. એણે પોતાની સઘળી ચતુરતાને એકત્ર કરી ઘણોય વિચાર કર્યો, પરંતુ જેમ જેમ તે વધારે અને વધારે વિચાર કરતો ગયો, તેમ તેમ આશ્ચર્ય પણ વધારે અને વધારે જ થવા લાગ્યું. અર્થાત્ બીજું કાંઈપણ પરિણામ થયું નહિ. “જો રાજા મુરાદેવીના મોહજાળમાંથી મુક્ત નહિ થાય, તો અંતે કોણ જાણે કેવું પરિણામ આવશે, એનો નિયમ નથી.” એમ પણ તેને ભાસવા લાગ્યું. પરંતુ મુરાદેવીએ પોતાના પાડેલા પ્રભાવને રાજાના મનમાંથી કાઢી નાંખીને પાછા તેને પૂર્વ સ્થિતિમાં લાવવા માટે શો ઉપાય કરવા, એની તેને સૂઝ પડી નહિ. “મુરાદેવી એક ક્ષણ માત્ર પણ દૂર થતી નથી અને કદાચિત્ દૂર થાય છે તો એવા પ્રસંગે કે જ્યારે રાજા સમક્ષ અન્ય કોઈ પણ મનુષ્ય હોય નહિ. બીજા કોઈના આવવાનો તેના મનમાં જરા પણ સંશય આવ્યો, કે ઝટપટ તે ત્યાં પાછી હાજર થઈ જાય છે. જેવી રીતે બીજાં સ્થાનોમાં મેં મારા ગુપ્ત દૂતો રાખેલા છે, તેવી જ રીતે હવે મુરાદેવીના મંદિરમાં પણ ગુપ્ત વાર્તાઓને જાણી લેવા માટે કોઈ વ્યક્તિને રાખવાની વ્યવસ્થા કરવી જોઈએ,” એવો તેણે મનમાં નિશ્ચય કર્યો. પોતાના અંતઃપુરની કોઈદાસીદ્વારા ત્યાંની કોઈ દાસીને ખૂટવવાની ધારણા કરી અને તે પ્રમાણે તેણે કાર્યનો ઉપક્રમ પણ કર્યો. મુરાદેવીની ઘણી જ પ્રિયપાત્રા અને વિશ્વાસુ દાસી વૃન્દમાલા છે, એ તેના જાણવામાં હતું. તેથી એને જ મેળવી લીધાથી વધારે લાભનો સંભવ છે, એવા નિશ્ચયથી એક વાર વૃન્દમાલાને બોલાવી તેની સાથે એકાંતમાં વાતચિત કરવાનો પ્રસંગ મળે, એવી તેણે યેાજના કરી. “જો વૃન્દમાલા જેવી દાસી મને અનુકૂલ થાય, તો તો ઘણું જ સારું, કારણ કે, મુરાદેવી કેવી રીતે બોલે છે અને કેવી રીતે ચાલે છે, તે સર્વ હું જાણી શકીશ અને એ બધી વાતો જાણવામાં આવી, એટલે પછી રાજાને ઠેકાણે લાવવામાં વધારે શ્રમ પડશે નહિ. જો વૃન્દમાલા એકવાર અહીં આવે અને તેની તથા મારી પરસ્પર વાતચિત થાય, એટલે તે મને અનુકૂલ થઈ જ સમજવી. એ સ્ત્રી કાંઈ સામાન્ય જનો કરતાં વધારે બુદ્ધિવાળી તો નહિ જ હોય.” એવું તેણે કાવત્રું કરવું ધાર્યું અને એકબે દિવસમાં તે સિદ્ધ થઈ શકે, એવી કેટલીક યોગ્ય વ્યવસ્થા પણ કરી દીધી.

મુરાદેવી વિશેના વિચારને હવે હૃદયમાંથી દૂર કરી તેનું સ્થાન તેણે ચન્દ્રગુપ્ત વિશેના વિચારોને આપ્યું. ચન્દ્રગુપ્તને જોયો, તે દિવસથી રાક્ષસ કાંઈક વિચિત્ર ચિન્તામાં પડી ગયો હતો. કોઈ તેજસ્વી, અત્યંત ચંચળ અને પીળું નાગનું બચ્યું જોવામાં આવે ત્યારે પ્રથમ આપણા મનમાં કાંઈક આનંદ અને કૌતુકનો ભાવ થાય છે, અને તેની ચપળતાથી મન મોહિત પણ થઈ જાય છે; પણ બીજી જ પળે એનાથી આપણો જીવ જોખમમાં છે, માટે એને પાસે રાખવું ન જોઈએ – વિરુદ્ધ પક્ષે દૂર કરવું કે એને મારી નાંખવું જોઇએ - એવો આપણો ભાવ બદલાઈ જાય છે, અને આપણે તેને મારવાનાં સાધનો શોધવા માંડીએ છીએ. એવી જ ચન્દ્રગુપ્તને જોતાં અમાત્ય રાક્ષસના મનની સ્થિતિ થએલી હતી. ચન્દ્રગુપ્ત, ઘણો જ સુંદર તેજસ્વી, ચતુર, સર્વ કળાએામાં પ્રવીણ અને સાહસી યુવક છે, એવો તેનો સર્વથા નિશ્ચય થઈ ગયો હતો, અને એ નિશ્ચય પ્રમાણે થોડા દિવસમાં અનુભવ પણ થયો. પરંતુ તેની મુખમુદ્રામાં કાંઈક એવી વિચિત્રતા હતી કે, જેથી એ બાળક મુરાદેવીના સંબંધથી પાટલિપુત્રમાં આવ્યો છે, એ સારું નથી, એને અહીં લાંબો સમય ટકવા દેવો ન જોઈએ અને જો ટકવા દીધો તો કોણ જાણે શું સંકટ આવશે ને શું નહિ, એનો નિયમ નથી. એવી તેના વિશે અમાત્યની ભયંકર ધારણા થઈ “મુરાદેવી આજ કાલ રાજાની જીવ કે પ્રાણ જ બની રહેલી છે. તેથી તેના ભત્રીજાના સંબંધમાં હું કાંઈ પણ ખટપટ કરું છું, એની જો રાજાને ખબર પડશે, તો રાજાની મારા પર ઇતરાજી થવાનો પણ સંભવ છે; માટે એ બાળકના વિષયમાં જે કાંઈપણ ઊંધું ચત્તું કરવું હોય, તે ગુપ્ત રીતે જ કરવું જોઈએ.” એવો તેણે નિશ્ચય કર્યો. પ્રથમ તો ચન્દ્રગુપ્ત તે ખરેખર મુરાદેવીના બંધુનો પુત્ર છે કે નહિ, એના શોધનો વિચાર કરીને તે પ્રમાણે હિમાલયમાંના પ્રદ્યુમ્રદેવના રાજ્યમાં તેને પુત્ર છે કે નહિ, એની ખબર મેળવવાના હેતુથી એક ગુપ્ત દૂતને મોકલવાને તે તૈયાર થયો. તેણે પોતાના પ્રતિહારીને બોલાવીને “હિરણ્યગુપ્તને બોલાવી લાવ.” એવી આજ્ઞા કરી, પ્રતિહારી જેવી આપની આજ્ઞા” એમ કહીને ઉભો રહ્યો. એટલે અમાત્યે કહ્યું કે, “કહેલું કાર્ય તત્કાળ કરી આવવાને બદલે તું ઊભો કેમ રહ્યો?” એવો પ્રશ્ન પૂછાતાં જ તે પ્રતિહારીએ હાથ જોડીને જવાબ આપ્યો કે, “અમાત્યરાજ હિમાલયમાંથી કોઈ ભિલ્લ દૂત પોતાના રાજાની પત્રિકા લઈને આવેલો છે અને તે આપને આપવાની ઇચ્છા કરતો બેઠો છે.” એ સાંભળતાં જ રાક્ષસ આશ્ચર્યચકિત થયો અને પોતાના મનમાં જ કહેવા લાગ્યો કે, “ભિલ્લ અને તે પોતાના રાજાની પત્રિકા લઈને આવેલો છે ? એ શું હશે વારુ? હિમાલયનો રાજા તો પ્રદ્યુમ્નદેવ જ ! પરંતુ જે વાર્તા પ્રત્યક્ષ છે, તે વિશે લાંબા લાંબા વિચારો કરવામાં શો સાર છે ? તેને બોલાવીને પત્રિકા વાંચી, એટલે બધો ખુલાસો થઈ જવાનો" એમ વિચારીને તેણે પ્રતિહારીને આજ્ઞા કરતાં કહ્યું કે, “ઠીક છે - ત્યારે તે ભિલ્લને અહીં લઈ આવ.”

પ્રતિહારી બહાર ગયો અને તે ભિલ્લને સાથે લઈને પાછો અંદર આવ્યો. ભિલ્લ જે કે શરીરે તો ઘણો જ કાળો - અમાવાસ્યાની રાત્રી જેવો હતો, પણ ઘણો જ દૂરથી ચાલતો આવેલો હોવાથી અત્યારે તેનું શરીર માર્ગમાં ઉડેલી ધૂળથી છવાયલું હતું. તેથી જાણે કૃષ્ણવર્ણ મેઘમંડળમાં, મહાસાગરમાં નિમગ્ન થએલા અસ્તાચલગત સૂર્યની ધૂસર કાંતિની છટા પ્રસરેલી હોયની ! તેવો ભાસ થતો હતો. અંદર આવતાં જ તે ભિલ્લે રાક્ષસને દંડવત્ પ્રણામ કર્યો અને એક થેલી તેના ચરણેમાં રાખીને વિનતિ કરી કે, “મહારાજ ! અમારા મહારાજે કુશલપ્રશ્નપૂર્વક આ પત્રિકા આપના નામે મોકલી છે. જો એનું કાંઈ૫ણ ઉત્તર આપવાનું હોય, તો તે લઈ જવાને દાસ તૈયાર છે.” ભિલ્લ એ પ્રમાણે બોલતો હતા, તેટલા સમયમાં રાક્ષસે પ્રથમ તે કોથળીને ધારી ધારીને જોઈ અને ત્યાર પછી તેમાંની ભૂર્જપત્રપર લખેલી પત્રિકા કાઢીને વાંચવા માંડી, તે નીચે પ્રમાણે;-

“સ્વસ્તિશ્રીમત્સકલ સામન્ત મુકુટમણિ રંજિત ચરણ નખર મહારાજ ધનાનન્દના અમાત્યવર રાક્ષસવર્માની સેવામાં – હિમાલય અંતર્ગત નિષાદ ખાસ પ્રાચ્યાધિપતિ મહારાજ પ્રધુન્નદેવની અનેક કુશલ પ્રશ્નો પશ્ચાત પ્રાર્થના કે, હાલમાં મહારાજ પ્રદ્યુમ્નદેવની ભગિની શ્રી મન્મહાદેવી મુરાનો ઘણો જ આગ્રહ થવાથી મહારાજે પોતાના પુત્ર યુવરાજ ચન્દ્રગુપ્તને ચાર દિવસ પાટલિપુત્રમાં રહેવા માટે અને ત્યાંની રાજ્યવ્યવસ્થા સમજી લેવા માટે મોકલેલા છે. યુવરાજ ત્યાંથી નીકળ્યા, તે વેળાએ આ પત્રિકા પણ તેમની સાથે જ આપને મોકલવાનો વિચાર હતો; પરંતુ લખેલી પત્રિકા કાંઈક દૃષ્ટિદોષથી ત્યાંની ત્યાં જ પડી રહી અને તેથી આજે તે શીધ્રગામી દૂતદ્વારા મોકલવાની જરૂર પડી છે. અમારી ભગિની મુરાદેવી પર મહારાજની પુનઃ પૂર્ણ કૃપા થએલી છે, એ સાંભળીને માતુશ્રીને અને મને પણ ઘણો જ આનંદ થયો છે અને આપને પણ હવે તેના વિશે કાંઈ સંશય અથવા તો રોષ નથી, એ જાણીને તો હર્ષની પરિસીમા જ થઈ છે. તેથી જ મુરાદેવીના આમંત્રણને માન આપી, યુવરાજને અહીંના એક ઋષિ સમાન પંડિત સાથે ત્યાં મોકલવામાં આવ્યા છે. યુવરાજને ભિન્ન ભિન્ન દેશો જોવાનો લાભ મળે અને આપના જેવા ચતુર તથા નીતિજ્ઞ અમાત્યશ્રેષ્ઠોનાં દર્શનનો પણ લાભ મળે, તેમજ આપની રાજ્યવ્યવસ્થા પણ તેના જોવામાં આવે, એટલા જ હેતુથી અમે યુવરાજને પાઠવ્યો છે. તે જ્યાં સુધી પાટલિપુત્રમાં રહે, ત્યાં સુધી આપના છત્ર તળે છે, તેથી જ હું નિશ્ચિંત થયો છું. આપના જેવા અમાત્યો કાંઈ બધા રાજાઓને મળી નથી શકતા, તેમ જ આપના જેવાનાં દર્શનનો અને આપ પાસેથી શિક્ષણનો લાભ પણ ઘણા જ થોડાને મળી શકે છે. પરંતુ એ દુર્લભ લાભ ચંદ્રગુપ્તને મળે, એવી ધારણાથી જ તેને ત્યાં મોકલવામાં આવ્યો છે. આર્ય ચાણક્ય ઘણો જ નિરપેક્ષ અને નિઃસ્પૃહી બ્રાહ્મણ છે - અર્થાત તેથી તે કોઈ મહાન પદવીધરને ઘેર ચાલી ચલાવીને જાય તેવો નથી. તેથી જ આ પત્રિકા મોકલવી પડી છે. ચન્દ્રગુપ્ત પોતાનો જ છે, એમ માનીને તેનાપર કૃપાદષ્ટિ રાખવી. ઈતિશમ્ લેખન મર્યાદા.”

એ પત્રિકા વાંચીને અમાત્ય રાક્ષસ ઘણો જ ચકિત થઈ ગયો. પ્રદ્યુમનદેવ આવા માન સન્માનથી પોતાપર પત્ર મોકલશે, એની તેને સ્વપ્ને પણ કલ્પના હતી નહિ, અને તેથી જ થોડી વાર પહેલાં તેણે પ્રદ્યુમ્નદેવના રાજ્યમાં ગુપ્ત દૂત મોકલવાનો અને ત્યાંની ગુપ્ત માહિતી મેળવવાનો વિચાર કર્યો હતો. પણ હવે જાસુસને મોકલવાની શી જરૂર હોય? એ ધૂલીધૂસર ભિલ્લ તેની પત્રિકા લઈને આવ્યો, ત્યારે હવે શંકા શી રહી ? ચન્દ્રગુપ્ત અને મુરાદેવીના રૂપમાં સામ્ય દેખાયું હતું, તે યોગ્ય જ હતું - હવે તેમાં આશ્ચર્ય જેવું કાંઈ પણ હતું નહિ. એવા એવા વિચારોથી અંતે તેણે નિશ્ચય કર્યો કે, “પ્રદ્યુમ્નદેવે આવી નમ્રતાથી પત્રિકા લખી છે અને હું તેનો અનાદર કરું તે ઠીક ન કહેવાય. ગમે તેવા હોય તોય તે પણ એક રાજા તો છે જ - જયારે એણે પોતે જ આવી નમ્રતા દેખાડી છે, ત્યારે હું પણ એ નમ્રતાને માન આપી તેના પુત્રમાં પ્રેમ રાખું, એ મારું કર્તવ્ય છે. મારા મનમાં જે શંકા હતી, તે નીકળી ગઈ છે. માટે હવે એ વિશે વિચાર કરવો વ્યર્થ છે.” એ નિશ્ચય પછી તેણે એ પત્રના ઉત્તરમાં એક ઘણું જ નમ્રતા અને વિનયથી ભરેલું પત્ર લખ્યું અને તે ભિલ્લને આપી તેને સારી રીતે જમાડીને રવાના કરવાનો તેણે પ્રતિહારીને હુકમ આપ્યો. ભિલ્લ ત્યાંથી ચાલતો થયો. ધારવા કરતાં પરિણામ વિચિત્ર જ આવ્યું.

થોડી જ વારમાં હિરણ્યગુપ્ત આવી પહોંચ્યો. હિરણ્યગુપ્ત તે અમાત્ય રાક્ષસના અત્યંત વિશ્વાસુ સેવકોમાંનો એક હતો. જેટલા દૂતો રાક્ષસની આજ્ઞાથી કાર્યો કરતા હતા, તે સર્વ કોણ છે અને કેવા છે, એની માહિતી માત્ર હિરણ્યગુપ્તને જ હતી. હિરણ્યગુપ્ત અંદર આવતાં જ દ્વાર બંધ કરીને રાક્ષસ તેને કહેવા લાગ્યો કે, “હિરણ્યગુપ્ત! જે ખાસ કારણ માટે તને બોલાવ્યો હતો, તે કામ થઈ ગયું; માટે તે વિશે હવે કાંઈ પણ વાતચિત કરવાની નથી. પરંતુ તે વૃન્દમાલા વિશે શી વ્યવસ્થા કરી, તે કહે જોઈએ.”

“સ્વામિન્ !” હિરણ્યગુપ્ત ઉત્તર આપતો બોલ્યો.“ વૃન્દમાલાને મેં પોતે મળીને અમાત્યે તને એકવાર પોતાને મળવાનું કહેલું છે એમ કહ્યું. પણ એ સાંભળતાં જ તે ઘણી જ ગભરાટમાં પડી ગઈ અને અધૂરામાં પૂરું જ્યારે મેં એમ કહ્યું કે, અમાત્ય તને એકાંતમાં મળવા માગે છે, ત્યારે તો તેના ગભરાટનો પાર જ રહ્યો નહિ. પરંતુ મેં તેને, તારી સ્વામિનીના કલ્યાણના હેતુથી તને બોલાવવામાં આવી છે - માટે તને બીવાનું કાંઈપણ કારણ નથી, ઇત્યાદિ વાક્યો કહીને પ્રહર પર્યન્ત સમજાવી, ત્યારે તેણે આજે આવવાની કબૂલાત આપેલી છે.” હિરણ્યગુપ્તનું એ ભાષણ સાંભળીને રાક્ષસે અસંતોષનો ભાવ દેખાડીને કહ્યું કે, “હિરણ્યગુપ્ત ! તું આટલાં વર્ષોથી મારે ત્યાં છે, પણ હજી તને કાંઈ પણ આવડતું નથી, એમ જ દેખાય છે. અરે ગાંડા ! તેને અહીં આવવા માટેનો સંદેશો તારે પ્રથમ તારી પત્ની દ્વારા કહેવડાવવો જોઈતો હતો, તેને બદલે આ તેં કાચું શું કાપ્યું? હિરણ્યગુપ્ત વૃન્દમાલાને મળ્યો હતો, એટલી જ જો મુરાદેવીને ખબર પડી, તો તેને અવશ્ય સંશય આવવાનો જ અને વૃન્દમાલામાંનો તેનો વિશ્વાસ પણ ઊડી જવાનો. અને જો વૃન્દમાલામાંનો તેનો વિશ્વાસ જતો રહે, તો પછી તે આપણને શા ઉપયેાગની ? હશે - જે થયું તે થયું. જો વૃન્દમાલા આજે જ આવી પહોંચશે, તો ઉપાય નથી, પણ કદાચિત્ ન આવે, તો તારી પત્ની તેને જઈને મારી પત્નીને મળવામાટે લઈ આવે, એવી વ્યવસ્થા કરજે. એકવાર એ નિમિત્ત તે અહીં આવી, એટલે ગમે તે ઉપાયે પણ હું તેને મળીશ. એથી તે અહીં શામાટે આવી અને કેમ આવી, એની વધારે તપાસ થવાનો સંભવ રહેશે નહિ. હિરણ્યગુપ્ત ! આવા વિષયોમાં ઘણી જ સંભાળથી કામ લેવું પડે છે, તાત!” રાક્ષસનું એ ભાષણ આટલીવાર હિરણ્યગુપ્ત શાંતિથી સાંભળતો બેઠો હતો. રાક્ષસનું બોલવું પૂર્ણ થતાં જ તે બોલ્યો કે, “મને પહેલાંથી જ એ સુઝ્યું નહિ. ઘણું કરીને તે આજે તે અહીં આવશે જ. પરંતુ જો ન આવી, તો હવેપછીની વ્યવસ્થા આપની આજ્ઞા પ્રમાણે જ કરીશ.” પરંતુ હિરણ્યગુપ્તનાં એ વાક્ય પૂરાં થયાં, ન થયાં, એટલામાં તો પ્રતિહારીએ આવીને જણાવ્યું કે, “સ્વામિન્ ! કોઈ દાસી, અમાત્યે મને બોલાવવાથી આવેલી છું, એમ કહે છે અને તે બહાર ઊભી છે. મેં તેને તું કેાણ અને કોની દાસી છે, ઇત્યાદિ પૂછતાં તેણે એટલું જ ઉત્તર આપ્યું કે, અમાત્ય બધું જાણે છે. વધારે તે કાંઈ બોલતી નથી. મહાસ્વામીની શી આજ્ઞા છે ?”

એ સાંભળીને રાક્ષસે કહ્યું કે, “હિરણ્યગુપ્ત ! જોયું કે? બહુધા એ તે જ હોવી જોઈએ. પરંતુ એ કાંઈક શાણી હોય એમ દેખાય છે. નહિ તો પ્રતિહારીએ પૂછતાં જ તેણે હું ફલાણી અને ફલાણીની દાસી એમ તત્કાળ જણાવી દીધું હોત. ઠીક છે - તેને અહીં મેાકલ. તેને તું અંદર પહોંચાડી જા અને ત્યારપછી તે ચાલી ન જાય ત્યાં સૂધી તું પાછો અહીં ફરકીશ નહિ.”

પ્રતિહારી “જેવી સ્વામીની આજ્ઞા” એમ કહીને ત્યાંથી ચાલ્યો ગયો. થોડી જ વારમાં તે દાસી અંદર આવી પહોંચી. અમાત્ય રાક્ષસે અર્ધ ઉત્થાનથી તેનો આદર કર્યો અને કહ્યું કે, “આવો – વૃન્દમાલાબાઈ ! આપની પ્રકૃતિ તો ઠીક છે ને ?” દાસી કિંચિત હસી અને કહેવા લાગી કે,” અમાત્યરાજ ! મારા જેવી એક શુદ્ર દાસીને આટલો આદર સત્કાર શાને કરો છો ? જે કાંઈ પણ આજ્ઞા કરવાની હોય તે કરો એટલે થયું.”

“વૃન્દમાલાબાઈ ! તમે દાસી થયાં તેથી શું થયું ? દાસી છતાં પણ જ્યારે તમને મેં મારા કોઈ ખાસ કાર્ય માટે બોલાવેલાં છે, તો મારે તમારો આદર સત્કાર પણ તેવો જ કરવો જોઇએ. તમારાં સ્વામિની તો કુશળ છે ને ! તમે શું કે અમે શું, આપણા સ્વામી અને સ્વામિનીનું કુશળ હોય, તેમાં જ પોતાનું કુશળ માનવાનાં - નહિ તો આપણું ક્ષેમકુશળ તો હોય કે ન હોય, એ બધું બરાબર જ છે. કેમ મારું બોલવું સત્ય છે કે નહિ ?” એમ કહીને અમાત્યે હસીને દાસીપ્રતિ દૃષ્ટિપાત કર્યો.

દાસી સ્મિત હાસ્ય કરતી કરતી કહેવા લાગી કે, “બાઈ ! આ તે શું કહેવાય? આપની અને મારા જેવી એક કપર્દિકાના મૂલ્યની દાસીની સમાનતા કેમ કરીને થઈ શકે? જો અમાત્યની આજ્ઞા થાય, તો તત્કાલ ..........."

“વૃન્દમાલાબાઈ ! આજ્ઞા તે શાની ? મહારાજ પોતે આજકાલ બહુ કરીને તમારી સ્વામિનીના મંદિરમાં જ રહે છે, તેથી તેમની કુશળ વાર્તા પૂરેપૂરી અમારા જાણવામાં આવી નથી શકતી, તેથી જ કાંઈ નવાજુની થઇ હોય, તો આપના મુખથી જાણી લેવાના હેતુથી જ તમને અહીં આવવાનો શ્રમ આપવો પડ્યો છે. વળી તમારી, સ્વામિનીમાં વિલક્ષણ નિષ્ઠા છે, એમ સાંભળીને તો તમારા અદ્વિતીય ગુણુમાટે તમને કાંઈક પારિતોષિક આપવાની પણ મારી ભાવના થએલી છે. તમે તો જાણતા જ હશો કે, સ્વામિનિષ્ઠ મનુષ્યો મને ઘણાં જ પ્રિય હોય છે.” અમાત્ય રાક્ષસે પોતાની ચતુરતાની જાળનો વિસ્તાર કરવા માંડ્યો.

“શાની સ્વામિનિષ્ઠા? પહેરાવેલાં વસ્ત્રોની અને ખવડાવેલા અન્નની અમે ચાકરડીઓ – અમારામાં વળી સ્વામિનિષ્ઠા તે ક્યાંથી આવી ? અને મારા જેવી એક ગરીબ દાસીએ પારિતોષિકને પણ શું કરવાનું છે?” વૃન્દમાલાએ પોતાની નિરભિમાનતા દેખાડનારાં વચનો ઉચ્ચાર્યાં.

“પારિતોષિક અમે પોતે જ આપતા હોઇએ તો તમને તે લેવામાં શી હરકત છે? લ્યો.” એમ કહીને અમાત્યે પોતે બેઠો હતો, તે આસન તળેથી બે સુવર્ણકંકણો કાઢ્યાં અને વૃન્દમાલાના હાથમાં આપ્યાં. તેણે પણ પ્રથમ થોડી હાના કરીને પછી તેનો તત્કાળ સ્વીકાર કર્યો.

ત્યાર પછી અમાત્ય રાક્ષસ તેને કહેવા લાગ્યો, “તમે મારા સમક્ષ જરા પણ સંકોચાશો નહિ. મારી તમને એટલી જ વિનતિ છે કે, તમારા મહાલયની સઘળી ખબર મને મળવી જોઇએ. પરંતુ ખબર પહોંચાડવાને તમારે પોતે અહીં આવવાની કાંઈ પણ અગત્ય નથી - આ હિરણ્યગુપ્ત તમારે ત્યાં આવતો રહેશે, એટલે કાંઈ નવા જૂની બને તેની એને ખબર આપશો, તો ચાલી શકશે. જ્યારે ખાસ તમારા આવવા જેવું જ હશે, ત્યારે હું, તમને કહેવડાવી મોકલીશ, અથવા તમે જ સંદેશો મેાકલજો કે, હું અમુક વેળાએ આવીશ – એટલે તમે આવો કે ત્વરિત અંતઃ પ્રવેશ કરી શકો, એવી વ્યવસ્થા હું આગળથી કરી રાખું. તમારે મારુ કાર્ય માત્ર એટલું જ કરવાનું છે કે, મુરાદેવીના અંતઃપુરમાં નિત્ય શું શું બને છે, તે મને જણાવવું. બીજું કાંઈ પણ નહિ, એમાં કાંઈ મહત્વનું હોય કિંવા ન હોય............”

“ભલે – હું કહીશ. એમાં મારી શી હાનિ છે? હું અમારા અંત:પુરની સર્વ કથા એને કહી સંભળાવીશ અને આપને મળવાની અગત્ય પડશે, ત્યારે પાછી અહીં આવીશ, હું તો જેવી મહારાજાની દાસી, તેવી આપની પણ દાસી, માટે જેવી આપની આજ્ઞા થાય, તેવી રીતે મારે વર્તવું જ જોઇએ.” વૃન્દમાલાએ વચમાં જ કહ્યું.

“પણ વૃન્દમાલા ! હું તને એ ખબર પૂછું છું અથવા તો મારો દૂત એ કાર્ય માટે તારે ત્યાં આવે છે, એની કોઇને જાણ થવી ન જોઇએ. સાંભળ્યું ?” અમાત્યે પોતાના રહસ્યને ગુપ્ત રાખવાની સૂચના કરી. “વારુ - કોઇને પણ જાણ થવા પામશે નહિ. પણ હું ક્યારની એક વાત કહેવાની હતી, તે વાતમાંને વાતમાં ભૂલી જ ગઈ. આપ મને વૃન્દમાલાના નામે બોલાવે છો તો ખરા, પણ હું કાંઈ વૃન્દમાલા નથી, કિન્તુ વૃન્દમાલાની સાથે જ રહી પોતાની સ્વામિનીની સેવા કરનારી વૃન્દમાલાની પરમ પ્રિય સખી છું. વૃન્દમાલા તો મુરાદેવી પાસેથી ક્ષણ પણ માત્ર દૂર થઇ નથી શકતી તેથી જ તેણે મને કહ્યું કે, “સખિ સુમતિકે! અમાત્યરાજનો મને આવો સંદેશે મળેલો છે, અને મારાથી તો નીકળી શકાય તેમ છે નહિ. પરંતુ તું અને હું કાંઈ જૂદાં તો નથી જ. માટે મારા બદલે તું જ ત્યાં જઇ આવ. અમાત્યરાજને જણાવજે કે, આવાં આવાં કારણોને લીધે વૃન્દમાલાથી આવી શકાયું નથી અને તેથી જ તેણે મને અહીં મોકલી છે. હું અને તે એક જ છીએ. તેથી વૃન્દમાલાને જે આજ્ઞા કરવાની હોય તે મને કરે, એટલે હું તેને કહી સંભળાવીશ, આ હું ક્યારનુંય કહેવાની હતી, પણ પીટ્યો અવસર જ મળ્યો નહિ - તે ઠેઠ અત્યારે કહેવાયું.” સુમતિકાએ પોતાનો ભેદ હતો, તે ખોલી નાંખ્યો.

અમાત્યને એ ભેદ જાણતાં મહાન આશ્ચર્ય થયું. તેણે કાંઇક ચમત્કારિક દૃષ્ટિથી હિરણ્યગુપ્ત તરફ જોયું; પરંતુ વિશેષ કાંઈ પણ ન બોલતાં તે, તે દાસીને કહેવા લાગ્યા કે, “ચિન્તા નહિ. તું હોય કે તે હોય, તે સાથે અમારે શું કરવાનું છે? તે તારી સખી છે, અને તેથી પોતાને બદલે તેણે તને મોકલી છે તો એમાં અયોગ્ય કર્યું નથી. તમારામાંથી કોઈ પણ મારું કાર્ય કરી આપે એટલે થયું.”

“કાર્યમાટે નિશ્ચિન્ત રહેવું. વારુ - ત્યારે છે હવે જવાની આજ્ઞા ?” દાસીએ કાર્ય કરી આપવાનું વચન આપીને જવાની રજા માગતાં પૂછ્યું.

અમાત્યે તેને આજ્ઞા આપી. દાસી ત્યાંથી નીકળી તે મુરાદેવીના મંદિરમાં ન જતાં ગંગાના તીર પ્રાન્તમાં જઈ પહોંચી.

—₪₪₪₪—