લખાણ પર જાઓ

૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/ચાણક્ય હાર્યો !

વિકિસ્રોતમાંથી
← રાક્ષસ અને શાકલાયન ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન
ચાણક્ય હાર્યો !
નારાયણ વિશનજી ઠક્કુર
૧૯૧૨
રાક્ષસ અને ચાણક્ય →


પ્રકરણ ૪૦ મું.
ચાણક્ય હાર્યો !

ચાણક્ય પોતાની પર્ણકુટિકામાં સિદ્ધાર્થક સાથે વાતચિત કરતો બેઠો હતો. સિદ્ધાર્થકે હમણાં જ તેને એક નવી ખબર આપી હતી અને તે સાંભળીને ચાણક્ય કાંઈક આશ્ચર્યમાં પડી ગયો હતો. તેની મુખમુદ્રામાં ગંભીરતાનો ઘણો જ ભાવ દેખાતો હતો. તે ઘણીવાર સુધી સ્વસ્થ થઈને બેસી રહ્યો અને ત્યાર પછી એકદમ બોલ્યો કે, “સિદ્ધાર્થક ! સંવાહકના વેશમાં તું ગયો અને રાક્ષસે તને ન જ ઓળખ્યો, એ વિશે તારો પૂરેપૂરો નિશ્ચય છે કે કાંઈ શંકા જેવું છે ?” “જરા પણ શંકા જેવું નથી. અમાત્યના મનમાં જરા પણ સંશય આવવા ન પામે, તેટલા માટે તેના ઘરમાં પ્રવેશ કરવા પૂર્વે જ મેં શાકલાયનને કહી રાખ્યું હતું કે, મને ચન્દ્રગુપ્તે આપની પાસે મોકલ્યો છે, એવો ઉચ્ચાર જ કરશો નહિ અને શાકલાયન એ ઉપદેશને અનુસરીને એવું કશું પણ બોલ્યો નહોતો. હું તો માત્ર ત્યાં મૂકસ્તંભ પ્રમાણે બેસીને તે બન્નેનું સંભાષણ સાંભળ્યા કરતો હતો. મેં મનમાં વિચાર કર્યો કે, કદાચિત હું કાંઈ બોલીશ અને રાક્ષસ ઓળખી કાઢશે, તો બધી બાજી બગડી જશે, વળી રાક્ષસ મારા વિશે કાંઈ શંકા તો નહિ કરે, એવી ભીતિ પણ મને ક્ષણે ક્ષણે થયા કરતી હતી. રાક્ષસ મને સંશયયુક્ત દૃષ્ટિથી તો નથી જોતો, એ જોવા માટે હું વારંવાર રાક્ષસને જોયા કરતો હતો. મેં મારાં નેત્રોને તેનામાં જ પરોવી રાખ્યાં હતાં એથી મારો નિશ્ચય થઈ ગયો છે કે, રાક્ષસ મારા સત્ય સ્વરૂપને બિલ્કુલ જાણી નથી શક્યો. હું કોઈ શાકલાયનનો સેવક છું અને તેથી છદ્મ વેશથી આવ્યો હોઈશ, એમ જો કે તેણે અનુમાન કર્યું હશે; પણ હું ખરેખર કોણ છું, એ તો તે જાણી શક્યા નથી જ. અને જાણી શકે પણ કેવી રીતે ? રાક્ષસ કાંઈ આપના જેવો કુટિલનીતિ વિશારદ નથી. તેને આપનાં સર્વ પ્રકારનાં કૌટિલ્યોની કલ્પના પણ નહિ હોય. અર્થાત્ તે શાકલાયન સાથે સંભાષણ કરવામાં સર્વથા લીન થઈ ગએલો હતો.” સિદ્ધાર્થકે પોતાના નિશ્ચયનું દર્શન કરાવનારુ ઉત્તર આપ્યું.

સિદ્ધાર્થકના એ ભાષણમાં આરંભે ક્ષણ બે ક્ષણ ચાણક્યનું લક્ષ હતું, અને ત્યાર પછી શાકલાયન અને રાક્ષસનો જે પરસ્પર સંવાદ થયો, તેમાં રાક્ષસને પોતા વિશે કાંઈ પણ સંશય ન આવ્યો, એ નિશ્ચયપૂર્વક જાણતાં જ તેના મનમાં જુદા પ્રકારના વિચારોનો પ્રવાહ વહેવા માંડ્યો. એટલે સિદ્ધાર્થકના બોલવામાં તેનું ધ્યાન રહ્યું નહિ, એ વિચારનો પ્રવાહ વહેતો વહેતો ઠેઠ એટલે સૂધી પહોંચ્યો કે, તે વિચારના પ્રભાવથી ચાણક્ય એકદમ ઊઠીને ઊભો થઈ ગયો અને જાણે રાક્ષસ પોતાના સમક્ષ જ ઊભો હોયની ! તે પ્રમાણે મોટેથી પોકાર કરીને બેાલવા લાગ્યો કે, “શાબાશ ! રાક્ષસ ! તારી સરળતા સમક્ષ મારી કુટિલતાનું કાંઈ પણ બળ ચાલવાનું નથી, એ સિદ્ધાન્ત હવે નિર્વિવાદ સિદ્ધ થયો, તારી સ્થિતિમાં જો હું હોત અને જે સ્થિતિમાં મેં તને લાવી મૂક્યો છે, તે સ્થિતિમાં તેં મને લાવી મૂક્યો હોત, તો મેં તો તત્કાળ મલયકેતુને મળીને મગધદેશનું રાજ્ય યવનોના અધિકારમાં આપવાનો જ પ્રયત્ન કર્યો હોત. ગમે તે પ્રયત્ને પણ મને ઠગનારાઓનો નાશ કરી નાંખ્યા વિના મારા મનને સંતોષ જ ન થાત. એ યવનોનો પૂર્ણ નાશ થાય અને તેઓ આ આર્યાવર્ત - પંજાબની સીમા છોડીને ચાલ્યા જાય, એ જ મારો મુખ્ય હેતુ છે અને એ હેતુને સિદ્ધ કરવા માટે જ હું મગધદેશમાં આવ્યો હતો. પણ ધનાનન્દે મારું અપમાન કર્યું, એટલે જેવી રીતે પ્રથમ તેના જ વંશવૃક્ષનો સમૂલ અને સશાખ ઉચ્છેદ કરવાની પ્રતિજ્ઞા લીધી અને તે પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે કોઈ પણ પ્રયત્ન અવશેષ રાખ્યો નહિ; બ્રાહ્મણ છતાં પણ ગમે તેવાં નૃશંસ કર્મ કરીને તે પ્રતિજ્ઞા પાર પાડી – તેવી જ રીતે અંતે નિરુપાય થઈને યવનોની સહાયતા લઈ મેં તારો પણ નાશ કર્યો હોત. મગધદેશ યવનોના અધિકારમાં જાય છે, એનો નિદાન તે વેળાએ તો મેં વિચાર ન જ કર્યો હોત. પરંતુ રાક્ષસ ! નન્દવંશમાં અને મગધદેશમાં તારો ખરો ભાવ સમાયલો છે અને તે ભાવના પ્રભાવથી મને પણ તે પરાજિત કર્યો છે. કાંઈ ચિન્તા નથી. કુટિલ યુક્તિથી તો કાંઈ વળવાનું નથી, ત્યારે હવે હું સરળતાથી જ તારે ત્યાં આવીશ અને તને વિનવીને ચન્દ્રગુપ્તનો સચિવ બનાવીશ, ચન્દ્રગુપ્તને તારા જેવા એકનિષ્ટ સચિવની ખરેખરી આવશ્યકતા છે. ભાગુરાયણ જેવા અનિશ્ચિત મનના મનુષ્યથી સચિવપદવી સંભાળી શકાય તેમ નથી.”

ચાણક્ય એ સર્વ બોલતી વેળાએ સિદ્ધાર્થક પાસે જ બેઠેલો છે, એ વાતને સર્વથા વિસરી ગયો હતો; નહિ તો આવા સ્પષ્ટ ભાવો તેણે પોતાના મુખથી પ્રદર્શિત કર્યા હોત કે નહિ, એની શંકા જ માની શકાય. ચાણક્યનું એ ભાષણ સાંભળીને તે ક્ષપણક કાંઈક સ્તબ્ધ થઈને બેસી રહ્યો; પરંતુ તેના મનમાં જે બોલવાની ઇચ્છા થઈ હતી, તે બોલ્યા વિના તેનાથી રહી શકાયું નહિ. એટલે તે ચાણક્યને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે, “આર્ય ચાણક્ય ! રાક્ષસને જ ચન્દ્રગુપ્તનો સચિવ બનાવવામાં એટલો બધો તે શો લાભ સમાયલો છે? ખરું પૂછો તો એના જેવો અંધ સચિવ બીજો એકે નથી. આપે આટલાં બધાં કારસ્થાનો તેનાં નેત્રો સમક્ષ રચ્યાં, છતાં, પણ તેની એને જરાય શંકા આવી નહિ, માટે એ પ્રધાનપદવીને તે શી રીતે સંભાળશે? આપ આટલા મોટા નીતિનિપુણ પુરુષ હોવા છતાં ચન્દ્રગુપ્તને બીજો સચિવ લાવી આપવાની આવશ્યકતા શી છે ? મારા મત પ્રમાણે તો રાક્ષસ જેવો સચિવપદ માટે અયોગ્ય પુરુષ બીજો કોઈ ભાગ્યે જ નીકળશે.”

સિદ્ધાર્થકના એ ભાષણ શ્રવણથી ચાણક્યને સ્વાભાવિક જ હસવું આવ્યું અને તે પ્રત્યુત્તર આપવાના હેતુથી કહેવા લાગ્યો કે, “સિદ્ધાર્થક ! તું અદ્યાપિ મારા મનના હેતુને જાણી શક્યો નહિ કે? મેં નન્દનો નાશ કરવાની અને ચન્દ્રગુપ્તને સિંહાસનારૂઢ કરવાની જે પ્રતિજ્ઞા લીધી હતી, તે પૂરી થઈ ચૂકી છે. હવે એ રાજ્ય ચિરસ્થાયી થાય, ત્યાં સૂધી મારાથી અહીં રહેવાય તેમ નથી. એ જ પ્રતિજ્ઞા પૂર્ણ કરવામાટે એક બ્રાહ્મણને સર્વથા અનુચિત એવાં કેટલાંક નૃશંસ કર્મો પણ મેં કર્યા; એ પાપોના નિવારણ માટે હિમાલયની કોઈ કન્દરામાં બેસીને હું ઘનઘોર તપશ્ચર્યા કરીશ. એથી જ મારા પુનર્જન્મના કાંઈક ભલાની આશા છે; નહિ તો પાછો. હું આ ભવપાશમાં બંધાઈશ અને પુનઃ પુનઃ આવાં જ નૃશંસ કર્મો કરતો રહીશ. માટે હવે મારી સંસારમાં રહેવાની ઇચ્છા નથી. જે થયું છે, તે સંપૂર્ણ છે. સિદ્ધાર્થક ! તું જ વિચારી જો કે, એવું કયું મહાપાતક અવશિષ્ટ રહ્યું છે, કે જે મારા હસ્તે ન થયું હોય ? અસત્ય આચરણ અને અસત્ય ભાષણો તો કેટલાંય થયાં હશે, એની ગણના પણ નથી; પરંતુ મુખ્ય ગણાતી રાજહત્યા, બાલહત્યા અને સ્ત્રીહત્યા પણ હું કરી ચૂક્યો છું. અર્થાત્ હવે ભવિષ્યમાં એવાં કર્મોમાં પ્રવૃત્ત રહી ચન્દ્રગુપ્તના પ્રધાનની પદવી ભોગવવાની મારી લેશ માત્ર પણ ઇચ્છા નથી. વળી જ્યાં સૂધી રાજ્યની પ્રાપ્તિ નહોતી થઈ ત્યાં સૂધી ચન્દ્રગુપ્ત મને જેવા માનની દૃષ્ટિથી જોતો હતો, તેવા માનની દૃષ્ટિથી રાજા થવા પછી જોશે કે નહિ, એની શંકા જ છે. જે નૃશંસ કૃત્ય કરીને મેં એનું હિત કર્યું અને પૂર્વ રાજાનો નાશ કર્યો, તેવાં જ કૃત્યો પાછાં કરીને આ મારો અને મારા વંશનો પણ નાશ કરીને બીજા કોઈને સિંહાસને બેસાડશે, એવી શંકા ચન્દ્રગુપ્તના મનમાં આવવાની જ. એવી શંકા એના મનમાં આવે ને એ મારો દ્વેષ કરવા માંડે, તે પહેલાં જ મારે અહીંથી પ્રયાણ કરી જવું, એ વધારે સારું છે. સિદ્ધાર્થક ! સત્ય માનજે કે, હું સર્વથા નિરિચ્છ મનુષ્ય છું - મને એક ફૂટી કપર્દિકાની પણ અપેક્ષા નથી. મારા અપમાનનું પરિમાર્જન કરવાની જ માત્ર મારી પ્રતિજ્ઞા હતી અને તે હું પૂરી કરી ચૂક્યો છું; હવે મારી માત્ર એટલી જ આશા અથવા ઇચ્છા છે કે, મારા દેખતાં આ યવનોનું પારિપત્ય થાય; અને તેમ થવાનો પ્રસંગ પોતાની મેળે જ આવી લાગ્યો છે. રાક્ષસે આપણા વિરુદ્ધ પક્ષમાં જવાનો વિચાર ન કર્યો, એટલે ધાર કે, કાર્ય સફળ થઈ ચૂક્યું. એમાં વળી રાક્ષસનો આવો નિશ્ચય હોય, એટલે પછી બીજું જોઈએ જ શું? સિદ્ધાર્થક ! રાક્ષસનો નન્દવંશમાં અને મગધદેશમાં ખરો ભક્તિભાવ છે. એ જ ભક્તિભાવ ચન્દ્રગુપ્તમાં રાખવાનું જો તે મુખથી એકવાર બોલે, એટલે હું મને આ જંજાળમાંથી સર્વથા છૂટો થએલો સમજું, રાક્ષસ યવનોને કોઈ કાળે પણ આગળ વધવા દેવાનો નથી જ, તેમ જ............” “જ્યારે આપના હૃદયમાં આટલો બધો પશ્ચાત્તાપ થાય છે, ત્યારે આ૫ ભગવાન બુદ્ધના માર્ગનું અવલંબન કેમ નથી કરતા ? ભગવાન વસુભૂતિ મહા આનંદથી આપને દીક્ષા આપીને પોતાના વિહારમાં રાખશે. વૃન્દમાલા દીક્ષિત થઈ ચૂકી છે અને તેણે હવે સુમતિકાને આગ્રહ કરવા માંડ્યો છે કે, મેં લીધી તેવી રીતે તું પણ દીક્ષા લે – એ વિના કરેલાં પાપકર્મોથી તારો છૂટકારો થવાનો નથી ! આપ પણ જો તેમ જ કરશો તો, રાજવંશના ઘાતના મુખ્ય હેતુ થએલા આપણે બધા સહજમાં નિર્વાણની પ્રાપ્તિ કરી શકીશું. હું અત્યારે આપને વિનતિ કરું છું, તેવી જ રીતે ભગવાન વસુભૂતિ પણ આપને એકવાર ઉપદેશ આપવાના છે, એમ તેઓ મને કહેતા હતા.” ચાણક્યને બોલતો અટકાવીને વચમાં સિદ્ધાર્થકે પોતાના ધર્મની મહત્તા દર્શાવીને ચાણક્યને પણ બુદ્ધભિક્ષુ થવાનો ઉપદેશ આપ્યો.

ઉપર્યુક્ત વિવેચન વાંચીને શાકલાયનને ત્યાં સંવાહકરૂપે જઈ તેને સંવાહકનો વેશ આપીને રાક્ષસ પાસે લઈ જનાર સંવાહક કોણ હતો, એ વાચકો જાણી શક્યા હશે જ “શાકલાયન મલયકેતુ પાસેથી ઘર્ષણપત્રિકા લઈને આવેલો છે, એટલે સાહજિક આપણને કાંઈ ને કાંઈ અંત:કલહ મળી આવશે અને અંદરખાનેથી અગ્નિ પણ પ્રજળાવી શકાશે. જો તેમ થયું તો એને યુક્તિથી ફસાવવો જ.” એવો ચાણક્યે નિશ્ચય કર્યો. ઉપરાંત પર્વતેશ્વરને પકડેલો છે, માટે તેને છોડવવામાટે અને તેને જે અપમાન આપવામાં આવ્યું છે, તેનું વૈર વાળવામાટે મલયકેતુ યવનોની સહાયતાથી મગધદેશપર ચઢી આવે, તો રાક્ષસ પોતાના વૈરનો બદલો લેવાના હેતુથી ચન્દ્રગુપ્તના નાશ માટે તેને અનુકૂલ થઈને સહાયતા આપે છે કે નહિ, એ પણ ચાણક્ય જોવા ઇચ્છતો હતો. એવાં કેટલાંક કારણોથી જે વેળાએ “માર્ગના શ્રમથી શરીર અસ્વસ્થ થએલું છે, માટે બે દિવસ વિશ્રાંતિ લઈને પછી મલયકેતુનો સંદેશો આપને જણાવીશ.” એવો શાકલાયનનો સંદેશો આવ્યો, તે વેળાએ જ ચાણક્યે ભવિષ્યમાં કરવા ધારેલા વ્યૂહની રચના કરી રાખી હતી. તેણે સિદ્ધાર્થકને સંવાહકના વેશમાં શાકલાયન પાસે મોકલ્યો અને રાક્ષસ વિશેના લોકોના અભિપ્રાયો બદલાતા જાય છે, એમ સમજાવીને રાક્ષસ પાસે જવાની અને તેની સહાયતા માગવાની સિદ્ધાર્થક દ્વારા તેણે તેને સૂચના કરાવી. શાકલાયને તે પ્રમાણે કર્યું અને તેનું તથા રાક્ષસનું જે પરસ્પર ભાષણ થયું, તે બધું સાંભળીને સિદ્ધાર્થકે આવી આદિથી અંતપર્યન્ત ચાણક્યને કહી સંભળાવ્યું. ચાણક્યે એ બધો વૃત્તાન્ત સાંભળ્યો, એટલે તેના મનનું ઘણું જ સમાધાન થયું. રાક્ષસની દેશનિષ્ઠા અને સ્વામિનષ્ઠા કેટલી બધી વિલક્ષણ હતી, એની અદ્યાપિ ચાણક્યના હૃદયમાં જોઈએ તેવી કલ્પના થઈ નહોતી. એનું મૂલ્ય હવે તે બરાબર આંકી શક્યો અને તેથી તેણે નિશ્ચય કર્યો કે, “આનો ઉપાય તો કરવો જ. કુટિલતાથી કાર્ય સિદ્ધ નથી થતું તો સરળતાથી તેને સિદ્ધ કરીશ. कार्यं वा साधयामि देहं वा पातयामि એ જ મારી પ્રતિજ્ઞા છે. કાર્ય સિદ્ધ થયું કે પછી આનંદથી હિમાલયની કંદરામાં તપશ્ચર્યા કરવા માટે ચાલ્યો જઈશ.” હવે સરળતા વિના ચાણક્યમાટે બીજો માર્ગ જ નહોતો.

સિદ્ધાર્થક અને ચાણક્યના પરસ્પર સંભાષણની સમાપ્તિ થયા પછી ચાણક્યે સિદ્ધાર્થકને જવાની આજ્ઞા આપી અને પોતે પોતાના તપ્ત મસ્તકને શાંત કરવાના હેતુથી હિરણ્યવતી નદીના તીરપ્રદેશમાં ચાલ્યો ગયો. જ્યાં સુધી અમુક એક કાર્ય કરવું અને કરવું એવો ધ્વનિ મસ્તિષ્કમાં ગુપ્ત રીતે થયા કરે છે, ત્યાં સૂધી મનુષ્યના મનમાં આવેશની ઘણી જ પ્રબળતા રહે છે. પરંતુ તે કાર્ય સિદ્ધ થયું અને દુર્દેવવશાત્ તે કાર્ય યોગ્ય ન હોય અને તેમાંથી લાભ જેવું કાંઈપણ ન નીકળ્યું કે પછી તેના સ્મરણથી મનને સામો ત્રાસ ભોગવવો પડે છે. આપણે કર્યું એ ઠીક ન કર્યું, એમ આપણું મન જ આપણને કહેવા માંડે છે. પરંતુ ભાગ્યયોગે તે જ કાર્ય સારું હતું, એમ કદાચિત્ ભાસે છે, તો તેથી થનારા સંતોષનો વધારે વાર અનુભવ કરતા રહેવાની ઇચ્છા આપણને થતી નથી. એ સંતોષ અને એ આનન્દને આપણે અનુભવીએ નહિ, તો વધારે સારું, એવી જ વાંચ્છના થયા કરે છે. જેઓ મનસ્વી છે, તેમની આવી સ્થિતિ નથી થતી, એમ નથી; પરંતુ પોતાના મનની એવી સ્થિતિનું તેઓ બીજાને દર્શન કરાવતા નથી. પોતાના મનમાં થતો પશ્ચાત્તાપ જગતના જોવામાં ન આવે, એ માટેના તેમના પ્રયત્નો સતત ચાલૂ હોય છે. આ પ્રયત્નો બહુધા સફળ પણ થાય છે અને પોતાની દુર્દશાને જગતની દૃષ્ટિથી તેઓ છૂપાવી શકે છે; પણ પોતાના મનમાં થતા પશ્ચાત્તાપને પોતાની દૃષ્ટિથી તેઓ છૂપાવી શકતા નથી. જ્યાં સૂધી એવા મનસ્વી મનુષ્યો બીજાઓના સંગમાં હોય છે, ત્યાંસુધી તો એવા પશ્ચાત્તાપને તેઓ છૂપાવી શકે છે; પરંતુ સર્વદા અને સર્વ સમયમાં તેમનાથી એ પશ્ચાત્તાપ ગુપ્ત રાખી શકાતો નથી. કોઈ ને કોઈ પ્રસંગ એવો તો આવી જાય છે કે, તે વેળાએ તે પશ્ચાત્તાપ અથવા તો પોતાના મનની સંતપ્ત સ્થિતિ પોતાની મેળે જ બહાર નીકળીને બીજાના જોવામાં આવી જાય છે. ચાણક્યને હમણાં હમણાં પોતાનાં કુકૃત્યો માટે ઘણો જ પશ્ચાત્તાપ થવા લાગ્યો હતો. “મેં જે કૃત્યો કર્યા અને કરાવ્યાં, તે યોગ્ય તો નહોતાં જ મારું અપમાન થયું, તેથી કોપીને મેં સમસ્ત નન્દવંશનો નાશ કર્યો અને તેમાં રાજહત્યા, બાલહત્યા તથા સ્ત્રીહત્યા પણ થઈ” એ બનાવથી એ બ્રહ્મનિષ્ઠ અને તપોનિષ્ઠ બ્રાહ્મણના મનમાં ખરેખર ઘણો જ ખેદ થવા લાગ્યો. ચન્દ્રગુપ્તને ગોપાલકો પાસેથી ઉઠાવી લાવીને રાજા બનાવ્યો અને હવે તેના હસ્તે દિગ્વિજય કરાવીને સમસ્ત ભારતવર્ષને પાદાક્રાન્ત કરાવવાનો ચાણક્યનો હેતુ હતો, પરંતુ તે હેતુ સફળ થાય ત્યાં સૂધી પાટલિપુત્રમાં રહીને તેનાં કૌતુકો જોતા બેસવાનું ચાણક્યને યોગ્ય લાગ્યું નહિ. પોતે જ જ્યાં આવો મહાન નરમેધ કર્યો હતો, ત્યાં હવે વધારે સમય ગાળવાનું તેને દુ:ખ સમાન ભાસવા લાગ્યું. રાક્ષસના ગળામાં સચિવપદવીનું ક્ષેપણ કરીને પોતે મુક્ત થઈ જવામાં પણ તેનો એક ખાસ હેતુ હતો, એમ કહીશું તો તે અસત્ય તો નહિ જ ગણાય. સિદ્ધાર્થક અને ચાણક્યનું પરસ્પર સંભાષણ થવા પૂર્વે ચાણક્યના પશ્ચાત્તાપની વાત કોઈના પણ જાણવામાં આવી નહોતી. પરંતુ ઉપર્યુક્ત ભાષણના પ્રસંગે અકસ્માત તે પશ્ચાત્તાપ ચાણક્યના મુખદ્વારા બહાર નીકળ્યો અને તે સિદ્ધાર્થકના જોવામાં આવ્યો. મનમાં જ્યારે વિચારોની વિપુલતા થઈ જાય છે અને જ્યારે તેમનું પરસ્પર યુદ્ધ થવા માંડે છે, ત્યારે ન પચેલા અન્ન પ્રમાણે તેઓ એકાએક મુખદ્વારમાંથી બહાર નીકળી પડે છે. સિદ્ધાર્થક પાસે બેઠો છે, એનું ભાન ન રહેતાં ચાણક્યે પોતાના સર્વ વિચારો બહાર કાઢી નાંખ્યા અને ત્યારપછી એ કૃત્ય માટે પોતાને ક્ષીણ બુદ્ધિની ઉપમા આપતો તે બહુ જ શોક કરવા લાગ્યો. મનુષ્યના મનને એક ચમત્કારિક યંત્રની જ ઉપમા આપી શકાય, માટે એનું કયું ચક્ર કઈ વેળાએ ફરશે, એનો નિયમ હોતો નથી. વળી ફરીને તે ચક્ર કેવો ગોટાળો કરશે, એ પણ કહી શકાતું નથી. મનના એ તત્ત્વને ચાણક્ય સારી રીતે જાણતો હતો અને તેથી જ પાટલિપુત્રમાં હવે ન રહેવાનો તેણે નિશ્ચય કરેલો હતો.

આવા પ્રકારના અનેક વિચારોમાં લીન થઈને તે હિરણ્યવતી નદીના તીરે ઘણીક વાર સૂધી બેસી રહ્યો. “રાક્ષસને ઘેર જઈ સ્પષ્ટતાથી તેને વિનતિ કરીને તું ચન્દ્રગુપ્તનો સચિવ થા, એટલે મગધનું રાજ્ય અને નન્દનો વંશ એ ઉભય સ્વતંત્ર રહેશે, નહિ તો આ દેશનું કેવું અને કેટલું અનિષ્ટ થશે, એ કહી શકાય તેમ નથી, એમ તેને કહેવું અને હું પોતે હિમાલયમાં જઈ ગિરિકંદરામાં બેસી તપશ્ચર્યા કરવાનો છું, એ પણ તેને જણાવી દેવું” એવો તેનો વિચાર થયો. “તમો પરદેશીઓને હું કોઈ પણ પ્રકારે સહાયતા આપવાનો નથી. મગધદેશમાં યવનોના અધિકારની સ્થાપનાનો હું કદાપિ હેતુ થવાનો નથી.” એવું રાક્ષસે શાકલાયનને આપેલું ઉત્તર સિદ્ધાર્થકના મુખેથી સાંભળતાં જ રાક્ષસવિશે ચાણક્યના મનમાં ઘણો જ આદર અને પૂજયભાવ પ્રકટ્યો હતો. પરકીયોને એકવાર આપણા દેશમાં પ્રવેશ થવા દીધો, એટલે પછી તેમને પાછા કાઢી મૂકવાનું કાર્ય ઘણું જ કઠિન થઈ પડે છે; કિંબહુના અશક્ય જ થાય છે, એમ કહીએ તોપણ ચાલે. કૌટિલ્યથી કદાચિત તે સાધ્ય થઈ શકે, એવો સંભવ હોય છે, પરંતુ કૌટિલ્ય બધાથી સાધી શકાતું નથી અને સર્વ કાળમાં કુટિલનીતિની સફળતા થઈ શકતી નથી. રાક્ષસે ઘણા જ બળથી શાકલાયનની વિનતિનો અસ્વીકાર કર્યો, એમાં જ તેની ખરી મહત્તા દેખાઈ આવી. “રાક્ષસ કુટિલનીતિને જાણનારો નથી. અર્થાત્ એની નીતિ સરળ હોવાથી જ મારી કુટિલનીતિનો એ ભોગ થઈ પડ્યો. એનો પોતાના દૃઢ વિશ્વાસથી જ પરાજય થયો. રાજસચિવે અહોરાત્ર જે જાગૃતતા રાખવી જોઈએ, તે એણે રાખી નહિ અને પોતાના આસપાસના તથા હાથ નીચેના અધિકારીઓ સાથે જેટલા સૌમ્ય ભાવથી વર્તવું જોઈએ, તેટલા સૌમ્ય ભાવથી એ ન વર્ત્યો, એટલો જ એનો અપરાધ. પરંતુ એ દોષનું હવે પછીના નવા અનુભવથી નિવારણ થઈ જશે. પરમનિષ્ઠા - પોતાના સ્વામીમાં અને પોતાના દેશમાં પરમનિષ્ઠાનો મનુષ્યમાં જે મુખ્ય ગુણ જોઈએ, તે ગુણ એના અંગમાં રોમ રોમ વ્યાપી રહ્યો છે. ભાગુરાયણમાં એ ગુણનો સર્વથા અભાવ છે. જેવી રીતે ભાગુરાયણ મારા કુટિલનીતિમય ભાષણથી બદલી ગયો, તેવી રીતે રાક્ષસ કોઈ કાળે પણ બદલે તેમ નથી. માટે સચિવપદવી તો રાક્ષસને જ આપવાનો મારે પ્રયત્ન કરવો જોઈએ. હું એને ઘેર જઈને એને નાના પ્રકારે સમજાવીશ અને અન્તે એના મુખે હા ભણાવીને જ ત્યાંથી ઊઠીશ, એટલી શક્તિ હજી મારામાં છે. રાક્ષસ વશ થાય અને તે તથા ભાગુરાયણ રાજ્યરથની ધુરા પોતાના સ્કંધભાગે ધારણ કરે, એટલે સર્વ વ્યવસ્થિત થઈ જાય. ચન્દ્રગુપ્ત તો સારો અને રાજ્યકાર્યમાં નિપુણ છે જ, માટે એકવાર રાજ્યરથ સાવધાનતાથી ચાલવા લાગ્યો, એટલે પછી એ દિગ્વિજય તો અવશ્ય કરવાનો જ. હું તપશ્ચર્યાનો આરંભ કરું, ત્યાં સૂધીમાં એના દિગ્વિજયનો જયજયકાર ધ્વનિ મારા સાંભળવામાં આવે, એટલે પછી મારા જન્મની સાર્થકતા થઈ ચૂકી – મારા અવતાર કૃત્યની સમાપ્તિ થઈ.” એવા નાના પ્રકારના વિચારો કરતો કરતો ચાણક્ય પોતાની પર્ણકુટીમાં ગયો, અને ત્યાંથી ચન્દ્રગુપ્તના મહાલયમાં ગયો. ત્યાં ગુરુશિષ્ય ઉભયનું કેટલીકવાર સુધી સંભાષણ થયું અને ત્યાર પછી એક શિષ્યને સાથે લઈને ચાણક્ય રાક્ષસના મંદિર પ્રતિ જવાને ચાલતો થયો.

—₪₪₪₪—