લખાણ પર જાઓ

૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/સુવર્ણકરંડમાંનો અપૂપ

વિકિસ્રોતમાંથી
← ચાણક્યની સ્વગત વિચારણા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન
સુવર્ણકરંડમાંનો અપૂપ
નારાયણ વિશનજી ઠક્કુર
૧૯૧૨
માર્જારીનું મરણ →


પ્રકરણ ૧૩ મું.
સુવર્ણ કરંડમાંનો અપૂપ.

ન્દ્રગુપ્ત જ્યારથી મુરાદેવીના મહાલયમાં વસવા લાગ્યો, ત્યારથી મુરાદેવીના અંત:કરણની સ્થિતિ કાંઈક ચમત્કારિક થઈ ગઈ હતી; તેનું પ્રથમ દર્શન કર્યું ત્યારથી જ તેનું ચિત્ત કાંઈક આનંદિત અને કાંઈક ખિન્ન થઈ ગયું હતું. પોતાના બંધુનો પુત્ર આવો મદનસુંદર, શૂર અને ગુણી નીકળ્યો છે, એ જોઈને તેને ઘણો જ આનંદ થયો અને આજે જો મારો પુત્ર જીવતો હોત, તો તે પણ આવડો જ અને એના જેવો જ સુંદર, શૂર વીર અને સદ્દગુણી થયો હોત, એ વિચાર મનમાં આવતાં તે ખિન્ન થઈ જતી હતી. તેણે ચન્દ્રગુપ્તને રાજાના દર્શનનો લાભ અપાવ્યો, તે વેળાએ રાજાને તેણે આ પ્રમાણે કહ્યું હતું, “ મહારાજ ! આ મારા બંધુનો પુત્ર છે - પ્રદ્યુમનદેવનો પુત્ર થોડા દિવસ મારે ત્યાં રહેવાને આવેલો છે. મારા આગ્રહથી મારાં માતા અને બંધુએ એને અહીં મોકલ્યો છે. જો આપની અનુમતિ હોય, તો એને અહીં રાખીએ.” એ વાક્યો ઉચ્ચારતી વેળાએ તેનો કંઠ રૂંધાઈ જવાથી તેનાં નેત્રોમાંથી અશ્રુની ધારાનું ખલખલ વહન થવા લાગ્યું. એટલે રાજાએ તેને “તું રડે છે શામાટે ?” એવો પ્રશ્ન કર્યો. એથી તો તેનો શોક બમણો થયો અને તે મોટેથી ડુસકાં ભરી ભરીને રોદન કરવા લાગી. ધનાનન્દે તેના રોદનનું કારણ જણાવવાનો ઘણો જ આગ્રહ કર્યો, પરંતુ તેણે કાંઈ પણ જણાવ્યું નહિ. છેવટે રાજાએ તેને પોતાની ગોદમાં લઈ છાની રાખવાનો પ્રયત્ન કરીને ઘણી જ નમ્રતાથી પૂછ્યું ત્યારે રડતાં રડતાં રાણીએ જવાબ આપ્યો કે, “આર્યપુત્ર ! હું શું કહું? જે વાર્તાને ભૂલી જવાની અને પુનઃ તેનું સ્મરણ ન કરવાની આપની આજ્ઞા થએલી છે, તે વાર્ત્તાનું હવે મારાથી આપના સમક્ષ સ્મરણ કેવી રીતે કરી શકાય? પણ આર્યપુત્ર, આપની આજ્ઞા ન હોવાથી તેનું ઉચ્ચારણ આપ સમક્ષ ન કરવું, એ મારા વશની વાત છે, પરંતુ મારા અંત:કરણમાં પણ તેનું સ્મરણ ન થવા દેવું, એ મારા વશની વાત નથી. પુત્રનું સ્મરણ માતાને ન થાય, તો બીજા કોને થાય ! ચન્દ્રગુપ્તને જોયા પછી મારો પુત્ર પણ આજે આવડો જ હોત............” પરંતુ વધારે તેનાથી બોલી શકાયું નહિ. તેનાં નેત્રોમાંથી અશ્રુનો પ્રવાહ તો હવે એટલી બધી પ્રબળતાથી વહેવા માંડ્યો કે, તેથી રાજાના સ્કંધ પ્રદેશ અને વક્ષ:ભાગનાં વસ્ત્રો પણ ભીંજાઈ ગયાં. તેના મનનું સમાધાન કરતાં કરતાં રાજા અંતે કંટાળી ગયો. અંતે તે કાંઈક હસતો હસતો કહેવા લાગ્યો કે, “પ્રિયે મુરે ! ચન્દ્રગુપ્ત જો અહીં જ રહે અને તેને જોઈ જોઈને તને આવી રીતે શોક થયા કરે, તો હું તેને અહીં રાખવાની અનુમતિ આપવાનો નથી. તેને જોઈને જો તને વીતેલી વાતોનું વિસ્મરણ થતું હોય અને તું સમાધાનમાં રહેતી હોય, તો જ હું તેને અહીં રાખવાની અનુમતિ આપીશ. જો એમ ન થાય તો એક બે દિવસમાં તેને પાછો પોતાના દેશમાં વિદાય કરી દે. તને અત્યાર પછી જરા જેટલું પણ દુઃખ ન આપવાનો મેં દૃઢ નિશ્ચય કરેલો છે અને તું ગતકાલની બીનાઓને સ્મરીને આમ શોક કરતી બેસે, એ મારાથી કેમ સહન કરી શકાય વારુ?” “ના ના આર્યપુત્ર!” મુરાદેવી ઝટદઈને રાજાના સ્કંધ પરથી પોતાનું માથું ઊંચું કરી અને અાંખો લૂછીને કહેવા લાગી, “હું મારા શોકનો ત્યાગ કરું છું. ચન્દ્રગુપ્તને જોતાં જ મને આજે પહેલી જ વાર દુ:ખનો ઉમળકો આવી ગયો છે, પરંતુ હવે હું શોક કરવાની નથી. જ્યારે મારા બંધુએ એને અહીં મોકલ્યો છે, ત્યારે સારા સત્કારથી એને ચાર દિવસ અહીં રાખવો જ જોઈએ.”

“ચાર દિવસ? ધનાનનંદે તેના શોકને ઘટાડવાના હેતુથી કહ્યું “ચાર દિવસ શા માટે? તને ગમે તેટલા દિવસ તેને અહીં રાખને. ચાર દિવસ એટલે શું? જે તારી ઇચ્છા હોય, તો એને મારા રાજ્યમાં કોઈ સારો અધિકાર પણ આપવાને હું તૈયાર છું. એટલે એથી મારા સુમાલ્ય સાથે એ પણ રાજકાર્યમાં કાંઈક કુશળતા શીખશે. કેમ ચન્દ્રગુપ્ત ! શીખીશ કે નહિ ?"

એ સાંભળીને ચન્દ્રગુપ્ત કિંચિદ્ લજજાનો ભાવ કર્યો અને અત્યંત નમ્રતાથી કહેવા લાગ્યો કે, “મહારાજાનો અનુગ્રહ થાય અને પોતાને ધન્ય માનીને તેનો સ્વીકાર ન કરે, એવા દુર્ભાગી નર તે આ આર્યાવર્તમાં કોણ હશે?” તેનું એ ઉત્તર સાંભળીને અને એ ઉત્તર આપતી વેળાએ તેના શરીરના થએલા શૌર્યના ભાવને અવલોકીને રાજા ધનાનન્દ આશ્ચર્યચકિત થઈ ગયો અને તેને તેણે તત્કાળ કહ્યું કે, “શાબાશ ! તું મોટો વાક્‌ચતુર હોય એમ પણ દેખાય છે. મારા પુત્રના મિત્ર અને સાથી તરીકેની તારી યોગ્યતા ઘણી જ સારી છે. જરા ધૈર્ય ધર – હું તને યુવરાજ પાસે જલ્દી જ મોકલીશ.”

“નહિ-નહિ આર્યપુત્ર !” મુરાદેવી વચમાં જ બોલી ઉઠી.”હજી તો એ આજે જ આવેલો છે માટે આજે જ નહિ મોકલો તો ચાલશે. નિત્ય પ્રમાણે સુમાલ્યરાજ આવતી કાલે આપના પાદવંદન માટે આવશે ત્યારે તેમનો અને એનો રુબરુમાં જ મેળાપ કરાવી આપજો, એટલે થયું.”

મુરાદેવીનું એ ભાષણ ચાલતું હતું, તે સમયે રાજાનાં નેત્રો એક સરખાં ચન્દ્રગુપ્તમાં જ લાગી રહ્યાં હતાં. તેના સુંદર મુખમંડળને ધ્યાનપૂર્વક જોતાં તેના મનમાં એકાએક વિચાર આવ્યો અને તે મુરાદેવીને કહેવા લાગ્યો કે, “દેવિ ! હું ક્યારનો આ બાળકની મુખમુદ્રાને ધ્યાનપૂર્વક જોયા કરું છું અને મારા મનમાં એના વિશે વિચિત્ર વાત્સલ્યભાવનો ઉદ્ભવ થયો છે. પ્રથમ વારના દર્શનથી જ આવું આકર્ષણ કેમ થયું? એનું કારણ હું શોધવા લાગ્યો, એટલે તે તુરત જ અને પાસે પડેલું જ જોવામાં આવ્યું.” “તે શું વારુ?” મુરાદેવીએ ઉત્સુકતાથી પૂછયું.

“તારી અને એની મુખમુદ્રાનું વિચિત્ર અને વિલક્ષણ સામ્ય ! તું જ જો, એના મુખપરની પ્રત્યેક રેષા અને એકંદર આકૃતિ આબેહૂબ તારા જ મુખકમળ પ્રમાણે છે ! ચન્દ્રગુપ્ત ! નીચ, હજી તો તને અહીં આવ્યાને, ચાર ઘટિકા જેટલો પણ સમય નથી થયો, ત્યાં તું આવી આવી ચોરીઓ કરવા લાગ્યો કે ? તારાં આવાં આચરણથી તો તને અહીં ક્ષણમાત્ર પણ રહેવાની અનુમતિ મળી શકે તેમ નથી.” મહારાજ કાંઈપણ વિનેાદ કરે છે, એ જો કે મુરાદેવી નિશ્ચયપૂર્વક જાણી ગઈ હતી, તોપણ જાણે કાંઈપણ સમજી ન હોયની ! એમ દેખાડવા માટે ઘણા જ ગભરાટનો ભાવ કરીને તે ચન્દ્રગુપ્તને કહેવા લાગી કે, “ભાઈ ચન્દ્રગુપ્ત ! તેં શું કર્યું ? કોની અને શી ચોરી કરી ?” એમ કહીને તત્કાલ તેવી જ દયામણી મુદ્રાથી તેણે રાજાને વિનતિ કરી કે, “મહારાજ! એણે કોની અને શી વસ્તુની ચોરી કરી છે? મને તો તેવું કાંઈ પણ દેખાતું નથી. અને....….........”

ધનાનન્દે ચન્દ્રગુપ્તને મૌન્ય ધારવાનો નેત્ર સંકેત કર્યો અને મુરાદેવી પ્રતિ તેવા જ ગંભીર ભાવ દેખાડીને તે કહેવા લાગ્યો કે, “દેખાતું કેમ નથી ? જેનો હું સ્વામી છું, એવી એક અમૂલ્ય વસ્તુની એણે ચોરી કરેલી છે ! પરંતુ ચોરી કરી તો કરી; પણ તે વસ્તુને જેવી ને તેવી જ દશામાં કાંઈ પણ હાનિ પહોંચાડ્યા વિના એ મારા સમક્ષ લઈ આવ્યો છે. એટલી બધી એણે હિંમત કરી છે; માટે એ અપરાધનો દંડ તો એને મળવો જ જોઈએ. તારો ભત્રીજો જાણીને એને જવા દેવો, એ ન્યાયથી વિરુદ્ધ છે. ન્યાયનું અપમાન મારાથી કરી શકાય તેમ નથી. વાહવાહરે ચન્દ્રગુપ્ત ! તું તો ઘણો જ અશરાફ નીકળ્યો !”

આટલીવાર રાજાનું બોલવું મુરાદેવીને વિનોદ સમાન જણાતું હતું, પણ હવે તો તે વિનોદ જ છે, એવી તેની દૃઢ ખાત્રી થઈ પરંતુ જેટલી ખાત્રી થઈ, તેટલો જ ગભરાટનો વિશેષ ભાવ દેખાડીને વળી પણ આવરી બાવરી બની હાથ જોડીને તે રાજાને વિનવતી કહેવા લાગી, “મહારાજ ! ક્ષમા કરો! એને અહીં આવ્યાને હજી તો ચાર ઘટિકા પણ નથી થઈ, એટલામાં એને શિક્ષા આપવા જેટલી ક્રૂરતા દેખાડશો નહિ. એણે જે અપરાધ કર્યો હોય, તેની ક્ષમા કરો ! એણે જે કાંઈ પણ ચોર્યું હશે, તે અત્યારે જ હું આપના ચરણમાં મૂકાવીશ અને એને એ જેવો આવ્યો છે તેવો જ સત્વર પાછો મારા બંધુપાસે મોકલી આપીશ. પિયરિયાંમાં મારી નિન્દા થાય, એવું સાહસ કૃપા કરીને કરશો નહિ.” “ના-ના-” રાજા વધારે અને વધારે નિષ્ઠુરતાનો ભાવ દેખાડીને બોલ્યો, “ આનો અપરાધ ક્ષમા કરવા જેવો નથી. બીજા કોઈની વસ્તુ એણે ચેારી હોત, તો મેં ક્ષમા પણ કરી હોત. પણ આ તો મારી જ વસ્તુ ચોરીને વળી જાણે શાહુકાર હોય તેમ મારી સામે જ આવીને ઊભો રહ્યો છે, એટલો બધો એ અવિવેકી અને ઉદ્ધત છે. માટે એને દંડ મળવો જ જોઈએ. મારી એને લગારે ભીતિ થઈ નહિ ? ચન્દ્રગુપ્ત ! બોલ-આના બચાવમાં તારે શું કહેવાનું છે!”

રાજાએ ચન્દ્રગુપ્તને જે સ્વરથી બોલાવ્યો, તે સ્વર ઘણો જ કર્કશ અને કઠોર હતો. એ સાંભળીને ચન્દ્રગુપ્ત પણ ગભરાઈ ગયો. રાજાએ ભવાં ઊંચાં ચઢાવ્યાં અને તેનાં નેત્રો પણ કોપ અને આશ્ચર્યથી વિસ્ફારિત થઈ ગયાં. મુરાદેવીએ ઘણા જ ગભરાટના ભાવથી “નહિ-નહિ-” એવો ઘણા જ દયામણા સ્વરથી પોકાર કર્યો. એ બન્નેની આવી દશા જોઈને રાજાને ઘણું જ હસવું આવ્યું અને તે તત્કાળ મુરાદેવીને શાંત પાડવાના હેતુથી બેાલ્યો, “અરે ગાંડી ! એક દર્પણ લઈ આવીને જો તો ખરી. તું તારું મુખ જો અને આ તારા ભત્રીજાનું મુખ પણ જો. એટલે મારા કહેવા પ્રમાણે મારી વસ્તુની ચોરી કરીને તે પોતાના મુખ પ્રદેશમાં ધારણ કરીને આવ્યો છે કે નહિ, એ તું જાણી શકીશ. તારા આ અલૌકિક સૌન્દર્યની એણે ચોરી કરી છે કે નહિ, તે તું જ તપાસી જો. તારા સૌન્દર્યનો સ્વામી કોણ વારુ? હું, ત્યારે એણે મારી વસ્તુ ચોરી કે નહિ? કેમ હવે એ ચોરીની સાબેતી માટે બીજા કોઈ પૂરાવાની જરૂર છે ખરી કે ? કેમ રે ચોર ! તું પોતાનો અપરાધ કબૂલે છે કે નહિ? તેં તારી ફોઈનું સૌન્દર્ય ચોર્યું છે કે નહિ?” એ સાંભળતાં જ મુરાદેવી એકદમ ખડખડ હસી પડી, ને જાણે એક મોટી વિપત્તિનું વાદળ ટળી ગયું હોય, તેવી રીતે છૂટકારાનો એક શ્વાસ લઈને કહેવા લાગી કે;–

“અરે બાઈ ! હું કેટલી બધી ગભરાઈ ગઈ મને તો ખરું જ ભાસ્યું કે, ચન્દ્રથી કાંઈપણ અપરાધ થઈ ગયો છે - છતાં પણ મારો ભત્રીજો એવું કામ કોઈ દિવસે પણ કરે નહિ, એવો મારો દૃઢ નિશ્ચય હતો. તથાપિ જ્યારે આપ ઘણી જ ગંભીરતાથી બોલવા લાગ્યા, ત્યારે તો ભયથી મારું શરીર થરથર કંપવા લાગ્યું, મને તો એમ જ થવા માંડ્યું કે, ભત્રીજાને આવ-બેસ એટલો પણ આવકાર આપ્યો નથી, એટલામાં આ વળી વિપત્તિ તે પરમેશ્વરે ક્યાંથી મોકલી?”

“પણ જો - હું કહું છું તેમ છે ખરું કે નહિ? મુરે ! આ પુરુષ છે, તેથી કાંઈક ફરક તો હોય જ - પણ તું જ્યારે એના વયની હતી અને પ્રથમ જ અહીં આવી હતી ત્યારે આબેહૂબ એના જેવી જ દેખાતી હતી. મને તે તારા પૂર્વ રૂપનું સ્મરણ થઈ આવ્યું - તારી અને એની મુખમુદ્રામાં ઘણું જ સામ્ય છે હો ! આ ચન્દ્રગુપ્ત આગળ જતાં ઘણો જ ભાગ્યશાળી થશે, એમ એનાં સામુદ્રિક ચિન્હોથી સ્પષ્ટ અનુમાન થઈ શકે છે.” રાજાએ સ્વાભાવિક ઉદ્દગાર કાઢ્યા.

“એની ઇડાપીડા ટળો, અને એ મારા જેવો ભાગ્યશાળી ન નીકળો; એટલે થયું ...... ” મુરાદેવી કાંઈક બીજા જ ભાવથી બોલી.

“કેમ વારુ ? તારું ભાગ્ય તે શું ખોટું છે?” રાજાએ વચમાં જ તેને કહ્યું અને તેને જોઈને હસવા લાગ્યો.

“આર્યપુત્ર ! જો આપને કો૫ ન થાય, તો કહું - આપના આ હાસ્યમાં જ આપના પ્રશ્નનું ઉત્તર સમાયલું છે.” મુરાદેવીએ કહ્યું.

એવી રીતે બીજું પણ કેટલુંક વિનોદાત્મક અને ઇતર પ્રકારનું ભાષણ થયું અને રાજાએ ચન્દ્રગુપ્તને તેની ફોઈપાસે રહેવાની આનંદથી આજ્ઞા આપી. રાજા અને ચન્દ્રગુપ્તના પ્રથમ મેળાપનું પરિણામ તો સારું આવ્યું.

એ મેળાપનું પરિણામ પોતાને જોઈતું હતું, તેના કરતાં પણ વધારે અનુકૂલ થવાથી મુરાદેવીના મનમાં ઘણો જ હર્ષ થયો અને તેણે તે દિવસે સાયંકાળે ચન્દ્રગુપ્તનાં ઘણા જ સ્નેહથી ઓવારણાં લીધાં. ચન્દ્રગુપ્તના નિવાસ માટે તેણે પોતાના જ મહાલયમાં વ્યવસ્થા કરી આપી. તેના ખાનપાનની તે પોતે જ ખાસ તપાસ રાખતી હતી. તેણે ચન્દ્રગુપ્તને ચાંપી ચાંપીને કહી મૂક્યું હતું કે, “જો જરાક પાણી પણ પીવું હોય, તો તે મને દેખાડ્યા વિના પીવું નહિ, અને બીજું કોઇ ક્યાંય કંઈ ખાવાનું આપે તો તે કદાપિ ખાવું નહિ. આ પાટલિપુત્રમાં આજકાલ ઘણી જ ખરાબ સ્થિતિ ચાલે છે. અનિષ્ટ ક્યારે અને કઈ વેળાએ થશે, એનો નિયમ નથી. માટે વિચારીને વર્તવામાં વધારે સારું છે.” મુરાદેવીએ ખાવાપીવા વિશેની આટલી તાકીદ શામાટે આપી હશે, એ જો કે પ્રથમતઃ ચન્દ્રગુપ્તના ધ્યાનમાં આવી શક્યું નહિ; પરંતુ ચાણક્યે તેને આજ્ઞાધારકતાથી વર્તાવાની ટેવ પાડી દીધેલી હોવાથી તેણે આમ શામાટે કરવું અને તેનું કારણ શું? ઇત્યાદિ પ્રશ્નો ન પૂછતાં આજ્ઞાપ્રમાણે વર્તવાનું મુરાદેવીને વચન આપ્યું. એવી રીતે ચન્દ્રગુપ્તની નંદની રાજધાની પાટલિપુત્રમાં તેની જ પ્રિય મહિષી મુરાદેવીના મંદિરમાં સ્થાપના થઈ.

એ ઘટનાને લગભગ પાંચ દિવસ વીતી ગયા. એક દિવસ રાણી મુરાદેવી મહારાજ ધનાનન્દ પાસે બેઠી હતી – એટલામાં તેની એક દાસી આવીને તેને કહેવા લાગી કે, “દેવિ! પટરાણી સુનંદાદેવીએ પોતાની એક દાસીદ્વારા એક સુવર્ણ કરંડ અને એક પત્રિકા મહારાજાધિરાજમાટે મોકલાવ્યાં છે - તે લઈને તે દ્વારપર ઊભેલી છે. તે વસ્તુઓ અમને આપો તો અમે મહારાજાને પહોંચાડીએ, એમ અમે કહ્યું, પણ એનો એવો જવાબ મળ્યો કે, મને એ વસ્તુઓ પોતે જ જઈને મહારાજાને હાથોહાથ આપવાની દેવીની આજ્ઞા છે અને તેમ ન બન્યું તો હું પાછી જઈશ; એમ તે કહે છે, હવે એ વિશે મહારાજાની જેવી આજ્ઞા થાય, તે પ્રમાણે અમલ કરવામાં આવે. મહારાજની આજ્ઞા વિના અમારાથી શું કરી શકાય વારુ?” એમ કહીને રાજાની આજ્ઞાની વાટ જોતી તે દાસી હાથ જોડીને મૂક મુખે એક બાજુએ ઊભી રહી.

દાસીનું એ ભાષણ સાંભળીને મુરાદેવી તેના શરીરપર ધસી જઈને કાંઈક કોપના ભાવથી કહેવા લાગી કે, “પણ મૂર્ખે ! આજ્ઞા વિના તેને અહીં ન આવવા દેવાનું તને કોણે કહ્યું હતું? તમને બધાને એક નહિ, પણ અનેક વાર મેં કહેલું છે કે, જો બીજી રાણીઓ તરફથી કોઈદાસી કાંઈ પણ કહેવાને આવે, તો તેને બિલકુલ અટકાવશો નહિ. એકદમ તેને અંત:પુરમાં આવવા દેજો. મારા હાથે કોઈને પણ કાંઈ દુ:ખ થવું ન જોઈએ. એવી જ મારી ઇચ્છા છે ! જેવી હું મહારાજાની પત્ની છું, તેવી તે પણ પત્નીઓ નથી કે શું? જા અને જઈને તેને અહીં સત્વર મોકલી દે, જા જા – મોઢું શાની જોયા કરે છે - જા તેને તું જ લઈ આવ.”

એ સાંભળીને રાજા ધનાનન્દે મુરાદેવીને કહ્યું કે, “તે દાસીએ જ અહીં શામાટે આવવું જોઈએ? જે વસ્તુ લાવવાની હોય, તે તારી દાસીને જ કહીને મંગાવી લે, એટલે થયું.”

પરંતુ મુરાદેવી પુનઃ રાજાને પ્રાર્થના કરતી કહેવા લાગી કે, “મહારાજ, એમ કરવું તે સારું નથી. તે કરંડક અને પત્રિકા આપનાં જ ચરણોમાં અપવાની રાણીની આજ્ઞા છે, ત્યારે તેનો મનોભંગ શામાટે કરવો ? તે જેવી આવશે તેવી બિચારી ચાલતી થશે. જા - જા તે જે કાંઈ લાવી હોય, તે તેને અહીં લાવવાનું કહી દે, મહારાજ વાટ જોતા બેઠા છે.” એ છેલ્લું વાક્ય તે દાસીને ઉદ્દેશીને બોલી.

આજ્ઞા થતાં જ દાસી બહાર ગઈ અને થોડા જ સમયમાં બીજી એક દાસીને લઈને અંદર આવી. એ દાસીના હાથમાં એક સુવર્ણ કરંડક અને એક પત્રિકા હતી. આવતાં જ એ બે વસ્તુઓ રાજાનાં ચરણમાં રાખીને તેણે વિજ્ઞપ્તિ કરી કે, “મહારાજ ! મહાદેવી સુનંદાએ અનેક પ્રણતિપૂર્વક વિજ્ઞપ્તિ કરીને કહેલું છે કે, મહારાજે આ પત્રિકા વાંચવી અને આ સુવર્ણ કરંડમાંના ઉપાયનનું ગ્રહણ કરવું. જો કાંઈ આપના તરફથી કહેવાનું હોય, તો હું થોભું; નહિ તો જવાની આજ્ઞા ઇચ્છું છું,” એમ કહીને તે મૌન્ય ધારી ઊભી રહી.

“પરિચારિકે ! આ પત્રિકા અને આ કરંડક બન્ને તું પાછાં લઈ જા – ચાર દિવસ હું એને મળવા ગયો નહિ, એટલે જુઓ તો ખરા કેવા કરંડકો અને કેવી પત્રિકાઓ મોકલે છે તે ! તમો દાસીઓને પણ કાંઈ કામ ધંધો હોય, એમ જણાતું નથી. જા – એક ક્ષણ માત્ર પણ અહીં ઊભી રહીશ નહિ. તારી સ્વામિનીને કહેજે કે, હું તને પોતે મળીશ. અને તે જ દિવસે આ પત્રિકા અને ઊપાયનનો સ્વીકાર કરીશ. અહાહા ! સ્ત્રીઓ કેટલી બધી દ્વેષી અને મત્સરી સ્વાભાવવાળી હોય છે ! ઇશ્વર જ બચાવે !!” રાજાએ કંટાળાના ભાવથી કહ્યું.

“મહારાજ!” મુરાદેવી વચમાં જ બોલી ઊઠી, “મહાદેવી સુનંદા આપનાં પટરાણી છે, તેમનું વિનાકારણ આમ અપમાન શામાટે કરો છો ? પત્રિકા વાંચવાથી આપની શી હાનિ થવાની છે ? કોઈ મનુષ્ય એક વસ્તુ ઘણા જ હેતથી કોઇના પર મોકલે, અને તે તેનો તિરસ્કારપૂર્વક અસ્વીકાર કરે, એટલે તેના મનમાં કેટલો બધો ખેદ થાય, એની આપને કલ્પના પણ છે ખરી કે? માટે મારી એટલી જ નમ્ર પ્રાર્થના છે કે, મહાદેવીની પત્રિકા અને ઉપાયનનો આપે અનાદર કરવો નહિ. હું એ પત્રિકા આપને વાંચી સંભળાવું છું.”

“મુરે ! માત્ર તું જ કેમ આવી મત્સરહીન અને દ્વેષ રહિત બની ગઈ છે વારુ ? અને તેમાં પણ સોક્યો વિશે પણ નિર્મત્સરતા? બીજી રાણીઓ તો તારો સદા સર્વદા દ્વેષ જ કર્યા કરે છે, અને આ મહાલયમાં આવ્યા પછી હું જોઉં છું કે, તું તો સામો તેમનો પક્ષ ધરીને મારાથી લડ્યા જ કરે છે. આ પ્રેમને તે શા નામથી ઓળખવો? તેમના વિશે તારા મનમાં સ્વાભાવિક રીતે જ દ્વેષ હોવો જોઈએ, તેનો લેશમાત્ર પણ તારામાં નથી એ તે શું !” રાજા આશ્ચર્યચકિત થઈને કહેવા લાગ્યો.

રાજાના એ શબ્દોથી મુરાદેવીએ કિંચિત્ સ્મિત હાસ્ય કર્યું અને નમ્રતાથી કહ્યું કે, “મહારાજ ! અપરાધ વિના જ પતિએ પરિત્યાગી હોય, તો એક અબળાના મનમાં કેટલો બધો ખેદ થાય છે, અને તેનો ઉદ્વેગ કેવો હોય છે, એનો મેં સારો અનુભવ કરેલો છે, એથી મારા શત્રુઓને શિરે પણ એવો ભયંકર પ્રસંગ ન આવે, એવી મારી સદોદિત ભાવના રહે છે. ત્યારે હું સુનંદા જેવી એક સાધ્વી સ્ત્રીવિશે દ્વેષ અને મત્સર કેમ કરી શકું વારુ ? મારાથી કોઈ કાળે પણ એમ થવાનું નથી. એ મારો સ્વભાવ જ નથી. વધારે શું કહું, નાથ ?”

મુરાદેવીનું એ ભાષણ સુનંદાની પરિચારિકા ઘણા જ આશ્ચર્યના ભાવથી સાંભળતી ઊભી હતી. રાજા ધનાનન્દ પણ મુરાની મુખમુદ્રાનું કાંઈક આદર અને કાંઈક આશ્ચર્યના મિશ્રભાવથી ધ્યાનપૂર્વક અવલોકન કરી રહ્યો હતો. મુરાદેવીનાં અંતિમ વાક્યોએ ઘણું જ સારું કાર્ય કર્યું. એથી ધનાનન્દના મનમાં દૃઢ નિશ્ચય થઈ ગયો કે, “મુરા જેવી અત્યંત સુશીલ, સારાં ચિરિત્રોવાળી, શુદ્ધ અને નિષ્કપટી સ્ત્રી સંસારમાં કોઈક જ હશે - કિંબહુના, બીજી એના જેવી ન જ હોય, તો તેમાં પણ આશ્ચર્ય જેવું તો નથી જ.” મનમાં એવો વિચાર કરીને પછી તે સુનંદાની પરિચારિકાને સંબોધીને બોલ્યો:-“પરિચારિકે! તું જઈને તારી સ્વામિનીને કહેજે કે, તમારી મોકલેલી વસ્તુઓ મહારાજ તો પાછી જ ફેરવતા હતા, પણ જે મુરાદેવીના સર્વસ્વનો તમે નાશ કર્યો છે, તે જ મુરાદેવીએ તમારો પક્ષ કરીને મારા હસ્તે આગ્રહથી એ પદાર્થોનો સ્વીકાર કરાવ્યો છે. જા. આ પત્રિકાનું એટલું જ ઉત્તર છે, બીજું કાંઈપણ કહેવાનું નથી.”

મહારાજાની આજ્ઞા થતાં જ પોતે લાવેલી બન્ને વસ્તુઓ રાજા ધનાનન્દનાં ચરણોમાં મૂકીને તે પરિચારિકા ત્યાંથી ઉતાવળે પગલે રવાના થઈ ગઈ. જતાં જતાં માત્ર એકવાર તેણે મુરાદેવીની ગંભીર મુખમુદ્રાનું ઘણી જ ચમત્કારિક દૃષ્ટિથી અવલોકન કર્યું. કેટલાક વિષયોમાં રાજમહાલયોમાં વસનારી રાજપરિચારિકાઓ અને દાસીઓ પણ કેવી ચતુર અને બુદ્ધિમતી હોય છે, એનું આથી સારું અનુમાન કરી શકાય છે. અસ્તુ.

મુરાદેવી તે પત્રિકાને હાથમાં રાખી મહારાજને સંબોધી કહેવા લાગી “આર્યપુત્ર ! આ પત્રિકા આપ વાંચો છો કે, હું વાંચી સંભળાવું ? મારી પત્રિકા પણ ન વાંચતાં જો આપે પાછી મોકલી દીધી હોત, તો મારા મનમાં કેટલો બધો ખેદ થયો હોત ! એવી જ રીતે તેના મનમાં પણ ખેદ થશે - તેથી જ હું કહું છું કે, એ પત્રિકા વાંચવી તો જોઈએ જ - આપ ન જ વાંચવાના હો'તો હું વાંચું.”

એમ કહીને મુરાદેવી તે પત્રિકા ઊઘાડવા જતી હતી, એટલામાં ધનાનંદે તેના હાથમાંથી એકદમ પત્રિકા છીનવી લઈને કહ્યું કે, “ના ના- તું એ પત્રિકા વાંચીશ નહિ, એમાં તારા વિશે મારું મન પાછું કલુષિત કરવાનો જ યત્ન કરેલો હશે. માટે એ પત્ર મને જ વાંચવા દે.” “જેવી ઇચ્છા. આપ એ પત્રિકા વાંચો ત્યાં સુધી હું આ સુવર્ણ કરંડકને ઊઘાડીને તેમાં શું છે, તે જોઉં છું.” એમ કહીને મુરાદેવીએ તે કરંડક ઊઘાડ્યો. તેમાં ઉત્તમ રીતિથી બનાવેલા અપૂ૫ (માલપુઆ) હતા. પત્રમાં થોડો જ વિષય લખેલો હતો - તે એક ક્ષણ માત્રમાં વાંચીને રાજાએ કહ્યું કે, “આમાં વિશેષ બીજું કાંઈપણ નથી. ગઈકાલે મહાદેવીએ કૈલાસનાથના કોઈ વ્રતનું ઉદ્યાપન કર્યું હશે, માટે તેના પ્રસાદના ચાર અપૂપ મોકલેલા છે. એ અપૂપ તેણે પોતાના હાથે કરેલા છે અને તેથી તેણે તેમાંથી વધારે નહિ, તો એક કટકો પણ ખાવાની મને વિજ્ઞપ્તિ કરેલી છે. પ્રિય મુરે ! આ કૈલાસનાથનો પ્રસાદ છે, માટે એનો અનાદર કરી શકાય તેમ નથી. આવ – તું અને હું એક એક કટકો ખાઈ લઈએ.”

એમ કહી રાજાએ કરંડકમાં હાથ નાંખીને તેમાંથી એક અપૂપ ઊપાડી લીધો અને તેમાંથી એક કટકો તોડીને તેણે મુરાદેવીના હાથમાં આપ્યો તથા બીજો કટકો તે પોતાના મુખમાં મૂકવા જતો હતો, એટલામાં મુરાદેવીએ એકદમ “ મહારાજ ! દગો – ખરેખર કાંઈપણ દગો છે - માટે આપ એ અપૂપ ખાશો નહિ.” એવો ગભરાટથી પોકાર કરીને તેના હાથને મોઢામાંથી પાછો ખેંચી લીધો.

રાજા ચકિત થઈને તેને “ મુરે ! આ તું શું બોલે છે ? દગો શાનો ?” એવી રીતે પૂછવા લાગ્યો. એટલે તે વધારે જ ભય અને ગભરાટના ભાવથી બોલી કે, “આ દગો આપના પ્રાણ લેવા માટેનો છે, બીજો શાનો હોય ? આ અપૂપમાં ખચીત કોઈપણ પ્રકારનું ઝેર મેળવવામાં આવ્યું છે. જરા ધૈર્ય ધરો - મારા એ બોલવાને હું પ્રત્યક્ષ કરી બતાવું છું.”

પોતાના પતિને એમ કહીને તેણે પોતાની એક દાસીને તત્કાળ આજ્ઞા આપી કે, “જા - જલદી દોડ અને મારી પેલી શ્વેતાંબરી૮[]. માર્જારીને બની શકે તેટલી ઊતાવળે અહીં લઈ આવ.”

—₪₪₪₪—
  1. * માર્જારી-બિલાડી, મીંદડી