ગંગા - એક ગુર્જર વાર્તા
| ગંગા - એક ગુર્જર વાર્તા ઇચ્છારામ દેસાઇ |
ખરેખરી સુખી તે હું જ છું → |
ઇચ્છારામ સૂર્યરામ દેશાઈ
પ્રકાશક :
“ગુજરાતી” પ્રિન્ટિંગ પ્રેસ,
A GURJAR TALE
BY ITCHARAM SURYARAM DESAI
- Editor of the “Gujarati"
Author of “Hind and Britania”, “Chandrakant” etc. etc.
FOUIRTH EDITION
Printed and Published by Natverlal Itcharam Desai at
THE “ GUJARATI ” PRINTING PRESS
Sassoon Building, Elphinstone Circle, Fort, Bombay 1
1928
A good wife is Heaven's last best gift to man - his angel and minister of graces innumerable - his gem of many virtues – his casket of jewels – her voice, his sweet music, - her smiles, his brightest day - her kiss, the guardian of his innocence - her arms, the pale of his safety, the balm of his health, the balsam of his life - her industry, his surest wealth – her economy, his safest steward - her lips, his faithful counsellors – her bosom, the softest pillow of his cares - and her prayers, the ablest advocates of Heaven's blessing on his head.”
એક ગુર્જર વાર્તા
રચનાર
ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ,
- “ગુજરાતી”નો અધિપતિ;
“ચન્દ્રકાન્ત”ને, “હિન્દ અને બ્રિટાનિયા” વગેરેનો કર્તા.
સુધારેલી આવૃત્તિ ચોથી.
મુંબઈ:
"ગુજરાતી" પ્રિન્ટિંગ પ્રેસ,
સાસુન બિલ્ડીંગ,
એલ્ફીન્સ્ટન સર્કલ, કોટ, મુંબઈ નં ૧
(બીજા પાના ઉપર આપેલા અંગ્રેજી ઉતારાનો ભાવાર્થ)
અર્થ - એક સુશીલ પત્ની પોતાના પતિને છેલ્લી શ્રેષ્ઠ ઈશ્વરી બક્ષિસ છે - તે તેનો પાર્ષદ છે તથા તેના તરફની અસંખ્યની દયાની દાતા છે -અસંખ્ય સદ્ગુણો ભરેલું તેનું મણિ છે - તેના અલંકારોનો ખજાનો છે; - તેનો સ્વર, એક મધુર ગાયન જેવો છે; - તેનું મધુ મધુ હાસ્ય, તેનો ચક્ચકિત દિવસ છે - તેનું ચુબન, તેના આદર્શપણાનો રક્ષક છે - તેના હસ્તકમળ, તેના નિર્ભયપણાનો કોટ છે, તેના આરોગ્યનું અમી છે તથા તેના જીવિતનો અમૃતરસ છે - તેનો ઉદ્યોગ, એ તેની શાશ્વત સંપત્તિ છે - તેની કરકસર, એ તેનો અત્યંત પ્રમાણિક કારભારી છે - તેના અધરોષ્ઠ, તેના વિશ્વાસુ સલ્લાહકારો છે - તેનું ઉર, તેની જંજાળોનું કોમળ ઓશીકું છે - અને તેની પ્રાર્થના, એ તેના પર પ્રભુના આશીર્વાદ વરસાવનારો શક્તિમાન્ પ્રતિપાળક છે.
સુરતની નાગરવણિક કોમ
કે જેમાં, અમારા સ્વ. તીર્થરૂપ પિતાશ્રીએ સ્વરચિત કાલ્પનિક
નવલકથાની ઉત્કૃષ્ટ નાયિકા ગંગા જેવું સ્ત્રીરત્ન પાક્યું હતું,અને
જે નવલકથામાં એક આદર્શ પતિવ્રતા ગૂર્જર રમણી
કેવી હોઈ શકે તેનું સુમનોરમ ચિત્ર આળેખેલું છે, તે
નવલકથાની આ ચતુર્થાવૃત્તિ પ્રકાશકો તરફથી
ઉક્ત જ્ઞાતિને દૃષ્ટાંતરૂપ થઈ પડવા માટે
प्रतिप्रियहिते युक्ता सहाचारा यतेन्द्रिया ।
इह कीर्तिमवोप्नोति प्रेत्य चानुतमं सुखम् ॥
सन्तुष्टो भार्यया भर्ता भर्वा भार्या तथैव च ।
यस्मिन्नेव कुळे नित्यं कल्याणं तत्र वै धुवम् ॥
અર્થ - જે પત્ની પતિના પ્રિય અને હિત કાર્યમાં મચેલી રહે છે, સદાચારવાળી
અને ઇન્દ્રિયોને નિયમમાં રાખનારી થાય છે, તેને આ લોકમાં (ઉજ્વલ)
કીર્તિ અને પરલોકમાં અનુપમ સુખ પ્રાપ્ત થાય છે. જે કુળમાં પતિ પત્નીથી
પત્ની પતિથી નિત્ય સંતોષિત રહે છે, તે કુળમાં નિત્ય કલ્યાણનો વાસ થાય છે.
આ નવલકથાનું હાર્દ નિહાળી, તેની જે જાતની ગુંથણી ગુંથવામાં આવી છે તે ભાળી, ચોમેરથી ઉદ્વિગ્ન મનનો નિઃશ્વાસ નિકળતો, ગ્રન્થકર્તા નેપથ્યની બાજુમાંથી જોય છે. આર્યગૃહરાજ્યનાં અનેક પ્રકારનાં ચિત્ર રંગભૂમિપર દર્શાવવામાં આવ્યાં છે, અને તેમાં આર્યભુવન(Home)માં બનતા નૂતન નૂતન બનાવો એવી તો જૂદી જૂદી રીતે દર્શાવ્યા છે કે, તેમાંના ઘણાખરા એક સ્થળે નહિ તો ઘણે સ્થળેથી પણ સહજમાં ભેગા થએલા જોવામાં આવે છે. પાત્રની કળામાં જે અર્થગાંભીર્ય રહ્યું છે, તે જોતાં આ નવલકથા લોકમાં અતિ પ્રિય થાય ને તે પ્રત્યેક જન નિર્મળ મનથી જોવાને તત્પર થાય, એમાં કંઈ આશ્ચર્ય નથી. આર્યગૃહરાજ્યનું આ એક નાટક છે, એની રંગભૂમિમાં સર્વ વસ્તુ જોવાય છે: દામ્પત્યસ્નેહ, ગૃહાચાર, પ્રેમનીતિ, સાસુવહુનો સંબંધ, સસરાવહુનો પ્રસંગ, સસરાનું સુવર્તન અને ઘરરખુ પુત્રવધૂ;અને પછી “વધારે શું જોઈયે છે ?” એમ રંગભૂમિનો નાયક પૂછે છે.
નવલકથામાં જે હાર્દ સમાયલું છે, તે હાર્દ ઘણાકોને પસંદ પડ્યું છે. અહિયાં ને ત્યાં મર્મજ્ઞ વાક્યોથી નાટ્યકળા શોભતી જોવાથી સ્ત્રી અને પુરુષે એપર તુષ્ટમાન થયેલાં જોવામાં આવ્યાં છે; શાળા ને પાઠશાળામાંથી એની માંગણી થઈ છે, અને જો કે ગ્રન્થની સર્વ કૃતિ રંગભૂમિના સૂત્રધારની નથી, તથાપિ તેને આશ્રય આપવાને અતિ ઉત્કંઠા બતાવવામાં આવી છે. સામાન્ય રીતે કથાનો પ્રારંભ અને અંત હૃદયને ઘણું નિરાશ કરનાર છે. તે આનંદ ઉત્પન્ન કરે તે કરતાં ઉદાસીનતા વધારી મનની શાંતિમાં ભંગ પાડે છે, વિચારમાં વિલીન કરે છે. જ્યારે તમે ઘેર આવો ત્યારે ક્ષણભર જમીન ઉપર બેસી, તદ્દન સ્થિરચિત્તે,
મનને દોષમુક્ત કરી, ગ્રન્થ માટે કે તમારાં ગૃહકાર્ય માટે વિચાર કરશો, ત્યારે આ નાTયકથાનું યોગ્યાયોગ્યપણું સારી રીતે દેખાશે.
ઘણાકોનો વિચાર નવલકથાની વિરુદ્ધ હોય છે. તેઓ કહે છે, કે વાર્તાઓ વિષયવાસના વધારનારી છે. એ વિષયમાં ના પડાય તેમ નથી. તથાપિ આ નાટ્યકથાપ્રસંગ તદ્દન જ નિરાળા છે. એમાં વસ્તુ સંકલનાની જે જાતની ગુંથણી ગુંથવામાં આવી છે. તેમાંથી ગ્રન્થકર્તા પોતે જ પોતાની મીણબત્તિના અજવાળાથી સારી રીતે જોય છે, કે પડદાનો રંગ, પોષાકનો લખલખાટ, ને પાત્રો એકેક પછી એકેક યોગ્ય રીતે રંગભૂમિપર પ્રવેશ કરી, પોતપોતાનું કાર્ય કેમ કરે છે; અને તેમાંથી કોઇને પણ અલાભ પ્રાપ્ત થાય કે દોષ દર્શાવાય તેવું થોડું જ જણાય છે. પ્રયોજકને વધારે શું કહેવાનું છે ? પ્રત્યેક કાર્યમાં ભૂલ હોય, દોષ હોય, તે સઘળા ઉપર લક્ષ આપવા કરતાં માત્ર તેમાંથી હૃદયપર આબાદ છાપ પાડે, તેવું ગ્રહણ કરવાને તે વિનંતિ કરે છે. જૂદા જૂદા પ્રસંગ પરત્વે આ નવલકથા લખાઈ છે. એમાં ઘણા દોષો છે, તથાપિ જે સુજ્ઞ છે તે લક્ષ આપતા નથી : તે સૂત્રધારનો દોષ જોવા કરતાં તેની કૃતિ, અભિનય કળા, સુબોધ વસ્તુની માર્મિકતાને વધારે બારીકીથી તપાસે છે. અને આટલું કહ્યા પછી પ્રયોજક, દર્શનગૃહમાં વિરાજિત થયેલા શ્રોતૃવર્ગને વિનવે છે કે, અભિનયની જ્વનિકા ઉઘડે છે, તે તરફ દષ્ટિ કરવી.
ગૂજરાતી ભાષાના સો સર્વોત્તમ ગ્રન્થમાં આ ગ્રન્થની ગણતી થઈ છે. આ ત્રીજી આવૃત્તિમાં ઘણો સુધારો ને વધારો કીધો છે. ઉર્દુ ભાગ પણ ખાસ સુધાર્યો છે.
અમારા પૂજ્ય તીર્થરૂપ સ્વ. પિતાશ્રીની રચેલી આ એક સામાજિક નવલકથા છે; તેની ત્રણ આવૃત્તિઓ ગ્રન્થકર્તાના પોતાના જીવનકાળમાં પ્રસિદ્ધ થઈ ગઈ હતી. આ ચતુર્થાવૃત્તિ અમારે હાથે કાઢવાનો પ્રસંગ આવ્યો છે, અને એ રીતે સ્વર્ગસ્થના આત્માને એક નિવાપાંજલી આપી પિતૃઋણ ફેટાડવાની સુંદર તક મળી છે, તે માટે સર્વાન્તર્યામિ પ્રભુનો ઉપકાર માનીએ છીએ. મીઠી ગુજરાતી ભાષામાં સ્વતંત્ર કલ્પનાવાળી અને સમાજનાં વિવિધ અંગો તાદૃશ્ય ચીતરતી નવલકથાઓ બહુ થોડી છે, અને તેવી બહુ થોડીઓમાંની આ એક છે, એમ આજે નિઃશંકપણે કહી શકાય. આ નવલકથાની પણ એક કથા છે, તે જો અત્ર કહેવામાં આવે તો વાંચનાર તે માટે ક્ષમા કરશે; કારણ કે નવલકથાનું સાહિત્ય જ્યારે ભવિષ્યમાં કોઈ નિષ્પક્ષપાત લેખક તરફથી લખાશે ત્યારે તેને આ હકીકત ઉપયોગી થઈ પડશે એવું અમારું માનવું છે. આ નવલકથામાં સુરતની વણિક જ્ઞાતિઓમાંની એક જ્ઞાતિનું જે સામાજિક ચિત્ર આલેખાયલું છે, તેનો સમય ઈ. સ. ૧૮૮૦ થી ૧૮૮૬ સુધીનો કલ્પી શકાય છે. કથાભાગ તો કેટલાક જીવનપ્રસંગો પરથી પ્રત્યક્ષ લેવાયલો છે. આ નવલકથા પ્રથમ “આર્ય જ્ઞાનવર્ધક” નામનું એક ચોપાનિયું જે અમારા પૂજ્ય પિતાશ્રી કાઢતા હતા તેમાં કટકે કટકે છપાતી હતી. તે પછી તેની માંગણી થવાથી તેની પુસ્તકરૂપે પ્રથમાવૃત્તિ ઈ. સ. ૧૮૮૮ માં તેમણે કાઢી હતી. તે પછી આ પુસ્તકની બે આવૃત્તિએ તેમને જ હાથે થઈ હતી, અને તે સમયે લોકોમાં સારી રીતે વંચાઈ હતી. ઘણો વખત થયા આ ગ્રન્થ દુર્મિલ થઈ ગયો હતો, તેથી તેની આ નવી ચતુર્થાવૃત્તિ અમે બહાર
પાડી છે. તેમાં મૂળ યોજનામાં કેટલાક ફેરફાર સુગમતાની ખાતર કર્યો છે તે આ પ્રમાણે. મૂળ ગંગાની વાર્તા બહુ લાંબી નહિ હોવાથી તેમાં સુરતના ઇતિહાસમાં બનેલા એક પ્રસંગનું રસમય ચિત્ર પણ ગ્રંથકર્તાએ દાખલ કર્યું હતું. આખી વાર્તાને ત્રણ ખંડમાં વહેંચી નાંખી હતી. પ્રથમ ખંડ જેનું નામ “સદ્ગુણ” હતું તેમાં વાર્તાનાં પ્રથમ ત્રણ પ્રકરણો જ માત્ર હતાં. બીજા ખંડમાં “શિવાજીની સુરત પર ચઢાઈ” એ નામની ઐતિહાસિક આ કથાનાં ૨૫ પ્રકરણો હતાં. તે પછી ત્રીર્જ ખંડમાં પહેલા ખંડની સાથે સબંધ રાખનારાં ૩૦ પ્રકરણો હતાં, આ ખંડનું નામ “સંસારની રેંટમાળ” રાખેલું હતું. અમે આ નવી આવૃત્તિમાં આખો બીજો ખંડ કાઢી નાંખી તેનું જુદું પુસ્તક છાપ્યું છે; અને પહેલા તથા ત્રીજા ખંડને જોડી દઈ એક જ ખંડ કરી દીધો છે એટલે કુલ્લે પ્રકરણે ૩૩ રાખ્યાં છે. વચલો ખંડ કાઢી નાંખવાથી મૂળ સામાજિક નવલકથાના રસને કંઈ ક્ષતિ પોંહચે તેમ નથી. આગલી આવૃત્તિઓમાં ગ્રંથકર્તાએ પણ વચ્ચે આડ કથારૂપ ઇતિહાસ દાખલ કરવા માટે નીચે પ્રમાણે “ક્ષમા યાચના” કરી છે, એટલે અમે જે યોજનાએ આ ગ્રંથ બે ભાગોમાં બહાર પાડ્યો છે તે અવાસ્તવિક નહિ લેખાય એવી આશા છે.
“સૂત્રધાર મૂળ મુદ્દાની બહાર ગયો છે, અને વાર્તાના મુખ્ય પ્રસંગને તદ્દન છોડી દીધો છે તે માટે વાચકવર્ગની ક્ષમા યાચે છે. સુરતના ઉત્તમ કુળના શાહ આત્મારામ ભૂખણના વંશનો ઈતિહાસ સંક્ષેપે ભજવી બતાવવાનો હેતુ છતાં ગ્રંથનો અડધો ભાગ એમાં રોકાઈ ગયો છે. તથાપિ તે નીરસ અથવા અપ્રાસંગિક છે એમ છેક જ કહેવામાં આવશે નહિ. મૂળ વાર્તા વાંચવાની જ
જેમની ઇચ્છા હોય તેમણે ચોથા પ્રકરણથી અહીં સુધીનો ભાગ વાંચવો છોડી દેવો. વાર્તાના પ્રસંગમાં આ જાતનું એકાદું ઉપાખ્યાન કહેવું એ કદાચિત્ દોષ હોય તો પણ એવી ઉપકથાઓ જેમાં દાખલ થયેલી છે એવા ગ્રંથો ઘણા છે; તેથી સૂત્રધાર જે ક્ષમાયાચના કરે છે તે વિફળ જશે નહિ. સૂત્રધારને આ અભિનય સંબંધે વિશેષ શું કહેવાનું હોય ? – અભિનયની જ્વનિકા ઉઘડે છે તે તરફ લક્ષ કરો એ જ યાચના છે."
પ્રસ્તુત નવલકથા એ ગુજરાતી ભાષામાં લખાયેલી સ્વતંત્ર અને મૌલિક (original) સામાજિક નવલકથાઓમાંની એક છે, અને તેમાં બીજા સામાજિક પ્રશ્નોનાં દર્શન ઉપરાંત કંઈક વધારે અંશે બાળવિધવાના પ્રશ્નનો ઉકેલ કરવાનો પ્રયત્ન માત્ર કરાયો છે; તે વિષયને અંગે જે વિચારો ગ્રન્થકર્તાના હતા તે જ વિચારો તેઓએ જીવનભર પાળ્યા છે, અને જ્યાં બન્યું ત્યાં તેનો જ ઉપદેશ કર્યો છે. ગ્રન્થકર્તા, પોતાના જીવનકાળના આરંભમાં બાળવિધવાનાં ફરી લગ્ન કરાવવાના વિચારની તરફેણ કરનારા હતા, પણ તેમણે તેનો પ્રસાર કર્યો નથી. પણ પોતે કેવા પ્રકારે સામાજિક સુધારો કરવાની ઇચ્છા રાખતા હતા તેની દિશા, આ નવલકથાના એક મુખ્ય પાત્ર -નાયક કીશોરલાલ અને ગૌણ પાત્ર મોતીલાલની વાતચિત અને વર્તનમાં દર્શાવી છે. એ સિવાય બીજાં સાંસારિક દર્શનો, બનાવો આબેહુબ રોજ આપણે જોતા આવ્યા છીએ તે બતાવ્યાં છે. તેનો સમાપ્તિનો ભાગ કરૂણ રસથી ભરેલો છે અને વાંચનારના મન ઉપર સ્વાભાવિક વૈરાગ્યની છાયા નાંખે છે. આ ઉપરાંત શુદ્ધ ગુજરાતી ભાષા માટે પણ આ ગ્રન્થ વખણાય છે. આ ગ્રન્થનાં વખાણ અમે જ કરીએ તેના કરતાં અભેદ માર્ગ પ્રવાસી સદ્ગત સાક્ષર શિરોમણિ, અને નવલરામ પછી ગુજરાતી ભાષાના ગ્રન્થોના
એક ઉત્તમ અવલોકનકાર તરીકે પ્રસિદ્ધિ મેળવનાર શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદીનો જ અભિપ્રાય અમે તેમના જ શબ્દોમાં આપીશું, એટલે અમારે કહેવાનું કશું નહિ રહે.
- અમે આ વાર્તાની કલ્પના તથા વસ્તુસ્ફોટન જોઈ બહુ સંતોષ સાથે એ વાતને હિંદુ ઘરસંસારના ઉત્તમ ચિત્રરૂપે ગણીશું. ગંગા એ એક પ્રતિષ્ઠિત કુટુંબનાં કનિષ્ઠ પુત્રની ગૃહિણી જ છે, કેમકે તેના જેવાં કુલીનતા, પ્રૌઢતા, પ્રેમ, ભક્તિ, આજકાલની બધી જ વહુઓમાં જોવામાં ભાગ્યે જ આવે છે. રા. ઇચ્છારામે આ વાર્તાની વસ્તુને ખીલવતાં વચમાં ગંગાના કુટુંબનો ઇતિહાસ આપવા આડ કથા દાખલ કરી છે. પણ તેથી રસમાં જરાપણ ભંગ થતો નથી, ઉલટું ગંગાનું શાન્ત પણ મધુર અને અલૌકિક પ્રેમશૌર્ય, જેના બલે તે પોતાની કપરી સાસુને પણ વશ કરી શકી છે, ને છેવટ પોતાના પ્રાણનાથના પ્રાણ સાથે જ પ્રાણ તજી ગઈ છે, તે અદ્દભુત દેશભક્તિરૂપ પ્રૌઢ પ્રેમની જ છાયા હતું એમ જાણવાથી, આપણા મનને કાંઈ જુદી જ દિવ્ય અસર થઈ માનભાવ પેદા થાય છે. આ કથામાં રા. ઇચ્છારામે પુનર્લગ્નના ચાલતા ઘોટાળાને ઠીક ઉત્તર આપ્યો છે. એમણે આખર સુધી એ જ સિદ્ધાન્તે વાત લીધી છે કે “આર્યધર્મનું જે બંધન છે તે જોતાં સ્ત્રીનું લગ્ન ફરીથી થાય જ નહિ, પણ જે સ્ત્રી રજસ્વલા થઈ નહિ હોય ને પતિ ગત થયો હોય, વૈધવ્ય પાળવે તે બાઈ અશક્ત હોય, તો એક દયા ખાતર તેનાં લગ્ન થાય તો ઠીક, જોકે રૂડાંતો નહિ જ.”
- "વિધવા નણંદને ગંગા તથા તેના ભાઈએ કેવા માનમરતબામાં પોતાની સાથે રાખી છે, તથા તે વિધવાને માબાપે પણ કેવી લાલન પાલનમાં મહલાવી છે તે સારી રીતે ચીતરાયલું છે; છતાં કશા તે સિદ્ધાન્તને વળગી, ગંગાની વિધવા નણંદ તથા મોતીલાલનાં પુનર્લગ્ન ગ્રંથકારે કરાવ્યાં નથી, તેમ તેમને પ્રેમમાં રમવા દેતાં છતાં તેમની પાસે એક પણ અયોગ્ય શબ્દ ઉચરાવ્યો નથી. બલકે પ્રેમમાં જ પોતપોતાને હાથે જ તેમનો અંત અણાવ્યો છે. ગંગા પોતાને પણ પોતાના પતિ સાથે જ એક ઉત્તમ સતીની પેઠે મરણ પમાડી છે, આમ કરવામાં રા. ઇચ્છારામે પ્રેમનો જે પવિત્ર મહિમા આર્ય કુટુંબો પૂજે છે, તેનો સારો બહાર પાડ્યો છે, તથા વિધવાઓને, ઘરમાં બીજાં દુ:ખ દે છે એ કલ્પિત ગપાટો જે આજકાલ ચાલી રહ્યો છે તેને પણ ઠીક ખોટો પાડવા પ્રયત્ન કર્યો છે. આમ હિંદુ સંસારના એક ચિત્ર તરીકે આ કથા બહુ સારી છે, ને સર્વ સ્ત્રીપુરુષને વાંચતાં આનંદ સાથે સદ્ધર્મયુક્ત બેધ આપે તેવી છે. ભાષા પણ ઠીક શુદ્ધ રાખવા ગ્રંથકારે સારો પ્રયાસ લીધો છે."
પ્રસ્તુત ગંગાની નવલકથા તેની સાદી છતાં આકર્ષક, આડંબર વગરની શૈલી માટે વખણાઈ છે. સામાન્ય નિયમ એવો છે કે પ્રત્યેક લખાણ કેવળ સાક્ષરોને જ નહિ પણ સાધારણ સમજ શક્તિવાળા અને થોડું પણ શુદ્ધ ભણેલા માણસો જેનો ભાવાર્થ વિનાકષ્ટ સહજ સમજી હૃદયમાં ઉતારી શકે તેવું હોવું જેઈએ. વિચારનું ગાંભીર્ય ન છુટવું જોઈએ તેમ ભાષાની સરળતા પણ ન છુટવા સાથે શૈલીનો પ્રવાહ ગુંજન કરતો ઉછળતો સરળપણે વહેવો જોઈએ. તેમાં પણ એક નવલકથામાં કલ્પિત વિષયો સત્ય જેવા દર્શાવવા, અથવા તે કલ્પિત અને સત્ય ઘટનાઓનું
પરસ્પર એવું તો યોગ્ય મિશ્રણ થવું જોઈએ કે વાંચનારના મુખમાંથી સ્વાભાવિક ધન્યવાદ નીકળી પડે. નવલકથામાં કાળ, સ્થળ, પાત્રો; આબેહુબ સામાજિક ચિત્ર; ઐતિહાસિક અવિરોધ; જનસમાજના આચાર વિચાર, રહેણી કરણી; સ્ત્રી પુરૂષોને પરસ્પરનો શુદ્ધ વ્યવહાર એ વગેરેનું બોધદાયક અને ફાયદાકારક ચિત્ર વાંચનારની દૃષ્ટિ સન્મુખ સાદી સરળ રસિક અને મનોરંજક શૈલીમાં એવી તો ખુબીથી રજુ થવું જોઇએ કે, જેથી અસંભવિતપણાનો યત્કિંચિત પણ ખ્યાલ વાંચનારને ન આવે તથા તેનું મન આદિથી અંત સુધી આકર્ષાયલું રહે. નવલકથામાં ગુંથાયલી વાર્તા કોઇ પણ રીતે વિષય વાસના વધારનારી હોવી જોઇએ નહિ. એક સારી નવલકથાનાં આ સામાન્ય લક્ષણો છે, અને તે, વાંચનારને “ગંગા” એક ગૂર્જર વાર્તામાં જણાયા વગર રહેશે નહિ. આ નવલકથા આજથી લગભગ ૪૦ વર્ષ પૂર્વે જેવી લોકોમાં પ્રિય થઈ પડી હતી તેવી જ આ નવા અવતારમાં પણ થઈ પડશે એવી પ્રકાશકની આશા છે.
આ વાર્તાનું અર્પણપત્ર બદલ્યું છે તે સકારણ છે, એટલું વાંચનાર જોઇ શકશે, તે માટે કંઇ ખુલાસાની જરૂર નથી.
જે એક વાર્તા તે જે ભાષામાં રચાયેલી છે તે ઉપરાંત પરભાષામાં પણ તેનો આદર થાય અને રૂપાંતરોને પામે તો તેને એક ઉત્તમ નવલકથા કહી શકાયઃ એવો જો કસોટીગુણ સ્વીકારવામાં આવતો હોય તો તે કસોટીએ આ નવલકથાને કસી શકાય છે. આ વાર્તા ઉપરથી મરાઠીમાં ઘણાં વર્ષો ઉપર એક “દૈવલીલા” નામની વાર્તા યેાજાયલી હતી, અને તે પ્રમાણે તેનું હિન્દીમાં પણ અનુકરણ થયેલું છે. આટલી વિશેષ નોંધ કરવામાં વાંચકો ક્ષમા આપશે એવી આશાએ વિરમું છું.
| મુંબઈ અધિક શ્રાવણ શુદ ૩. સં. ૧૯૮૪ |
} |
|
|
| આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૬ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1966 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |
