ગંગા - એક ગુર્જર વાર્તા/ગંગાની પતિ પ્રત્યેની રીતભાત
← વઢકણાં સાસુજી | ગંગા - એક ગુર્જર વાર્તા ગંગાની પતિ પ્રત્યેની રીતભાત ઇચ્છારામ દેસાઇ ૧૯૨૮ |
લગ્નસરા → |
બીજે દિવસે પ્રાતઃકાળમાં સૌ પોતપોતાના કામકાજમાં સજ્જ થયાં હતાં. કિશેારલાલે જલદી ઉઠીને દાતણ કરી લીધું, ને સુરત હાઈ સ્કૂલના હેડમાસ્તરને તે મળવા જવાનો હતો, માટે જલદીથી નહાવાનું પાણી તૈયાર રાખવા ગંગાને કહ્યું. ગંગા વહેલી ઉઠી આજ્ઞા પ્રમાણે પાણી કાઢી કિશેારને દીવાનખાનામાં કહેવા આવી. ત્યાં ગૃહિણી તથા મોહનચંદ્ર વગેરે વાતે વળગ્યાં હતાં. દીવાનખાનામાં આવી ગંગાએ નેત્રની સાનમાં પોતાના પ્રિયને સ્નાન સારુ આવવાને કહ્યું. હિંદુઓના ઘણા કઢંગા રિવાજ છે, તેમાં પતિને પત્ની કે પત્નીને પતિ, સસરા સાસુ દેખતાં બોલાવી શકતાં નથી. ઘણાં ઘરોમાં તો અતિ ત્રાસ હોય છે. માથે મોટો ઘૂંમટો તાણીને લાજ કહાડવામાં આવે છે. સુરતના લોકો આવી બાબતમાં ઘણે દરજ્જે સુધરેલા છે, ને તેઓ લજામણો ઘૂંમટો તાણતા નથી. તોપણ પોતાના ધણી કે ધણીયાણીને નામ દઈ બોલાવવાનો તો રિવાજ છે જ નહિ. જો બોલાવવામાં આવે તો તેને માટે એમ કહેવામાં આવે કે તેઓ 'વહી ગયાં છે' 'કોઈની આમન્યા રાખતાં નથી,' 'જરાએ લાજ-શરમ નથી,' એવાં વિવિધ જાતનાં દૂષણો આ૫વામાં આવે છે. એથી વિશેષ વળી કોઈ સ્ત્રી જો પોતાના પતિનું નામ દે તો તેનું આવરદા ટુંકું થાય, એ વહેમથી પણ સ્ત્રીઓ તેમ કરતી અટકે છે. પ્રથમથી જ આ રિવાજ ચાલુ હોવાથી મોટાથી ઘરડા થાય છે ત્યાંસુધી 'અલી,' 'મેકુ,' 'સાંભળેછ કે,' અથવા ઘરમાં કોઈ નાનું બાળક હોય તો તેનું નામ દઈ બોલાવે છે.
ગંગા કિશેારને આ રીત ગમતી તો નહિ, પણ વિવેકચતુર હોવાથી એવી બાબતમાં ઘણાં સાવધ રહેતાં હતાં. ગંગાએ સાન કીધી તે જોઈને કિશેારે ઉઠવાની તૈયારી કરી. પેલાં કંકાશિયાં લડકણાં લલિતા સાસુજીએ પણ તે સાન જોઈ અને તેમના મનમાં ઘણો બળાપો થયો, મનમાં ને મનમાં બબડ્યા કે, “આ કાળની વીશનખીઓ જે નહિ કરે તે એાછું ! અાંખનાં ચણીયાંરાં નચાવી, મુઆઓને ગડદાપેચ કરી નાંખે છે !”
કિશેાર સ્નાન માટે ગયો. ગંગા પતિસેવા કરવે જ ઉજમાળી હતી એમ નહિ, પણ તે આખા કુટુંબમાંજ એક રત્ન હતી. ગુણવંતી ગંગા, એ તેનું નામ યથાર્થ હતું. સાસુસસરાની સેવા બજાવવાને માટે પણ તે તત્પર રહેતી હતી. કામ ધંધામાં ચપળતા - ચંચળતા સાથે કામનો ઉકેલ પણ સારો હતો. તે જ્યારે ત્યારે નવરી જણાતી, છતાં કદી ઘરનું કામ બાકી રહેતું નહિ. એની જેઠાણી કરતાં એ બમણું ત્રમણું કામ કરતી હતી. લલિતાગવરી આવાં લડકણાં અને કજીયાખોર હતાં, તોપણ તેમને ભાગે એક પણ કામ કદીપણ આવવા દેતી નહિ. જ્યારે તેઓ કજીયો કરીને કામ કરે ત્યારે ગુણવંતી ગંગા નિરુપાય થતી હતી.
સ્નાન કરવામાં જરૂરના સાબુ વગેરે માર્જનના પદાર્થો પતિ માટે મૂક્યા હતા, ને ઉનું ઠંડું પાણી આપવા માટે તે પતિપાસે ઉભી રહી હતી. જેવો કિશેાર દીવાનખાનામાંથી સ્નાન કરવા ઉઠ્યો કે, પછાડી લલિતા પણ ઉઠી. તે નહાવાની ઓરડીથી નજીક દૂરથી શી શી વાત થાય છે તે સાંભળવા ગઈ. કિશેારને સ્નાન કરવાની ઉત્તમ પ્રતિની ગોઠવણ જોઈ તે મનમાં બળી ઉઠી. પણ આવી બાબતમાં બેાલવાથી કશો લાભ નથી, એમ જાણીને તે ચૂપ રહી. સુગંધી પદાર્થ તથા સાબુ જોઈને તેના મનમાં થયું કે, 'આ સઘળો રોપ ગંગાના બાપના ત્યાંનો પૈસો છે માટે જ કેની ! આપણા ઘરમાં એ સઘળું નહિ જોઈએ !' એવા વિચારથી, પોતાના ધણીને સમજાવવાનો વિચાર કીધો; ને તે પાછી ફરી. પછી કિશેારના ખાનગી ઓરડાથી થોડે દૂર જઈ તે બેઠી. કિશેાર સ્નાન કરીને પોતાના ઓરડામાં આવ્યો. તરત પછાડી ગંગા પણ આવી. કિશેારે શરીર લૂછી સાફ કીધું, તેટલામાં ગંગાએ નાની ટેબલપર માથામાં ઘાલવાને હેરડુશ તથા આરસી કાંસકી તૈયાર કરી મૂક્યાં. નવાં લૂગડાં કાઢવાનાં હતાં તે પણ તૈયાર રાખ્યાં, ને વાળ સાફ કરીને કિશેાર તૈયાર થયે। કે તેના હાથમાં ખમીસ, પાટલુન, જેકેટ, કોટ, પાધડી, રુમાલ એમ એક પછી એક આપ્યાં. રુમાલપર સાધારણ સુગંધી પદાર્થ પણ છાંટ્યો હતો. મોજાં અને સાફ કરેલા બૂટ ઇઝીચેર નજીક લાવી મૂક્યાં. કિશેારે પોતાનો પોશાક ક્ષણવારમાં પહેરી લીધો. આ પહેર્યા પછી એક ચીઠ્ઠી લખવાને તે ટેબલ પર બેઠો, કે હેઠળ ચાહ તૈયાર થઈ હતી તે ગંગા જઈને ઉતાવળી ઉતાવળી લઈ આવી; કિશેાર ચાહ પી, પાન ખાઈ પોતાના ઓરડા બહાર નીકળ્યો, કે ગંગાએ તડકા છત્રી આપી. તે લઈ પોતાને કામે ગયો. જતાં જતાં બંનેએ એકેક પ્રત્યે હાસ્યનું નેત્ર ફેંક્યું. તરત ગંગા હેઠળ કામકાજ કરવાને ઉતરી પડી.
આ સઘળું એક અડધા કલાકમાં બન્યું હતું. લલિતા-કજીયાખોર સાસુજી એક ખૂણામાં ભરાઈ. બિલાડી પેઠે છૂપાઈને આ સઘળું જોતાં હતાં, ને મનમાં હજારો ગાળો દઈ બડબડાટ ને ફડફડાટ કરતાં હતાં. જો તેમનું ચાલે તો આ માટે અાંખ ચીરી વહુને મારી નાંખે, પણ તેમનો ઉપાય નહોતો. કિશેાર ને ગંગા ગયા પછી ગૃહિણી હેઠળ ઉતર્યા. તેઓ સ્નાન કરવા ગયાં કે ગંગા તેમને પાણી આપવા ગઇ, ને જેવો પાણીનો લોટો લીધે કે, તરત આપણાં સર્પણી સ્વભાવનાં સાસુજીએ સહજ પણ અસંતોષના કારણ વગર, એકદમ પોતાનો ક્રોધ ભરેલો ચેહેરો બતાવ્યો ને કહ્યું: “શંખણી, મારે પાણી નથી જોઈતું, મારા હાથ પગ સલામત છે. તું આપશે તો જ શું હું નાહીશ, નહિતો નહિ નહાઉં કે ? જા તારા માટીની ચાકરી કર.”
ગુપચુપ ગંગા લોટો મૂકીને ચાલી ગઈ અને સાસુજી પોતાની ધારણામાં નિષ્ફળ થયાં, તેઓ વધુ ચીઢવાયાં. આડાઅવળા બે ચાર લોટા ઢોળીને મૂષળ સ્નાન કરી લીધું, ને પાછાં લડવાને તૈયાર થયાં. ખરેખર આજનો દહાડો ગંગાને માથે તો ભારે હતો. તે બાપડીનો વાંક શો ? એટલો જ કે તે પોતાના પતિને અત્યંત ચાહતી હતી, તેની સેવામાં સદા તત્પરની તત્પર રહેતી હતી. તેનો પતિ પણ પોતાની અર્ધાંગનાને પૂરા પ્રેમથી ચાહતો હતો. ગંગા સ્વામીની સેવામાં ચતુર હતી, ને આજકાલની, અધૂરા જ્ઞાનની છોકરીઓ અને સ્ત્રીઓ ધણી પાસે છુટા૫ણું તથા બીજા ઉછાંછળા હકો માગે છે, તથા ઘરસંસાર ચલાવવાનાં, અન્યોન્ય પ્રેમ વધે તેવાં સાધનોથી કમનસીબ હોય છે ત્યારે ગંગા જ્ઞાન સાથે પ્રેમ, સ્વતંત્રતા સાથે સુખ આપવામાં બહુ વિવેકચતુર હતી. તે ધણી સાથે સાસુ સસરાને પણ પૂર્ણ પ્રેમથી ચાહતી, અને પોતાની મનોવૃત્તિને ઘણી સ્વાધીન રાખતી હતી. એ બધા દોષ હોય તો અમારી નાયિકા ગંગા પ્રત્યેની તેની સાસુની વર્તણુકનો યત્કિંચિત્ પણ બચાવ થાય; પણ હિંદુ સાસુ, સોમાં પોણોસો સર્પણીનું કામ કરે છે.
દશ વાગ્યા ને જમવાને વાર તો જરાએ નહોતી, પણ સાસુજીએ સિક્કો બજાવવા બૂમ મારી કે, “હજી કેટલી વાર થશે ? બાપરે ! હવે તો ખાવાને માટે મોડું થવાનું, ને ભૂખે મરવાનો વખત આવ્યો છે. એ તે કેમ ખમાય ?”
“કંઈ જ વાર નથી સાસુજી,” ગંગાએ જણાવ્યું, “તમે ચાલશો ?” “હજી સૌએ તો ખાધું નથી, તે મને કયાં ઓરવાને કહાડે છે. ભાતનાં ક્યાં ઠેકાણાં છે ? શાક પણ ક્યાં થયું છે ? શું મને દુકાળવી ધારી જેવું તેવું નાંખવાની છે કે ?”
“સાસુજી સધળું થયું છે. હવે ખેાટી કંઈ જ નથી.” ગંગાએ જણાવ્યું.
“ખેાટી કોઈની નથી તો મારી ક્યાં ખોટી છે ? તમારા સસરાજી ને વેણીઓ જમ્યા ?”
“સસરાજી જમ્યા છે,” ગંગાએ અતિ નમ્રતાથી કહ્યું, “તેઓ તો જમીને ક્યારના ગયા છે, ને દિયરજી પણ જમીને ગયા છે.”
“બહુ સારું?” કરડાકીમાં લલિતા ગૃહિણી બોલ્યાં, “પણ હજી કિશેાર ક્યાં જમ્યો છે ? તેને કેમ યાદ નથી કરતી ? તેને માળેથી બોલાવ.” પેચમાં સાસુજીએ કહ્યું. “સવારના પહોરના તેઓ ચાહ પીતાકને પોતાને કામે ગયા છે, ને બપોરના બે વાગતાં સુધી આવવાના નથી, માટે તમે સૌ જમી લેજો એમ મને કહ્યું હતું.” ગંગાએ ખુલાસો કીધો.
લલિતાગવરીને હવે બહુ વસમું લાગ્યું. પોતાનો દીકરો પોતાને આ સંબંધી કંઈ કહી ગયો નહિ, ને આ આજકાલની આણેલીઓને સઘળી વાત કહે, તેથી તેઓ ખીજવાયાં. બીજો બોલવાને માટે ઉપાય નહોતો, તેથી ગંગા પ્રત્યે તેઓ બોલ્યાં: “ત્યારે ચાલ આપણે સૌ બેસી જઇયે.”
ગંગાએ કહ્યું, “તેઓના આવ્યા પછી જમીશ.”
હવે સાસુજીને પૂરતી ચીડ ચઢી.
“એટલે ? અમે ગાંડાં ને તું ડાહી; તું તારો માટી આવ્યા પછી જમશે, ને અમે પહેલાં ખાઈયે ? કિશેાર તો પોતાને કામે ગયો છે તે ગમે ત્યારે આવશે, ત્યાં સુધી સૌ ભૂખ્યાં બેસી રહેશે કે ? આજ કાલ તો માટી આવ્યો છે, માટે તેના પૂઠે ખાવા શીખી છે; પણ અમારાથી તને મૂકીને ક્યમ ખવાય? માટે ચાલ સૌ સાથે જમિયે.” સાસુજીએ સઘળું મરડાટમાં કહ્યું.
“સાસુજી, તમે તમારે બેસી જાઓની; મારે માટે ખેાટી થવાની તમારે શી જરૂર છે ? મારાં પહેલાં તમે ક્યાં નથી જમતાં કે આજે મારી સાથે જમવાની હઠ લો છો ? મોટી બહેનના ભાઈ આવ્યા પછી હું જમીશ; હમણાં હું જમનારી નથી.” ગંગાએ ઉત્તર દીધો.
“તું શું મારી ઉપરી કે, ને મારું કહ્યું નહિ માને કે ? વાહરે વાહ ! આજકાલની ટેચકીઓ તો સ્વામીનાથોના પગ ધોઈને પીતાં શીખી છે. પણ એ બધા બહારના ઢોંગ જવા દે, તારો માટી ખરો ને અમારો દીકરો નહિ? એટલે તું ભૂખી રહે ને હું ખાઉં તો પછી મારા ભાંડણ ટુંપણ કરવામાં તું શું કામ કમીના રાખે ? તારા ઢોંગ હું બધા જાણું છું, અને માટીજીને બતાવવા માગે છે કે, તમારા વગર હું ખાતી પણ નથી, પણ પેલી નાચણના જેવા વેશ તારે શા કરવા? સીધી સીધી જમીલે, ને ચાળાચશ્કા મૂકી દે.”પણ સાસુજીનું કહેણ ગંગાને કંઈ ગમ્યું નહિ ને ગમે તેવું પણ નહોતું. આટલું કહ્યા છતાં પણ પોતાનો આ અનાદર થયો જાણી હવે લડકણાંબાઈ ખૂબ ઉછળ્યાં, “કેમ બહેરી બહેરી થઈ ગઈ કે શું ? આ હું તે જાણે ભસી જતી હોઉં તેમ કાન પર જ ધરતી નથી. હવે તમારા માટીઓ સારી રીતે જાણે છે કે, તમે તેમનાપર ફિદા ફિદા છો ! હવે મને વધારે બોલાવો નહિ. રાંડો રે ! હું જાણું છું કે તમારા ધણીજીપર તમારું કેટલું હેત છે તે. આજકાલની સુધારાવાળીઓ રાંડો બહારનો દેખાવ કરતાં બહુ શીખી છે. ધણીને મોઢે જાણે તે ને તેજ, પણ બહાર રાંડોના કાળાં ધોળાં કંઈ ઓછાં નથી હતાં. રાંડો, હ્યાંથી ત્યાં ને ત્યાંથી હ્યાં ભટક્યા કરે છે, ને જીભડીનો સ્વાદ ચાખવામાં જરા પણ વિચારતી નથી, ને આજે સ્વામીજીને નહવડાવવા, સાબુ ચોળવા ને માથે ધુપેલ તેલ ઘાલી 'સેકન' કરતાં શીખી છે. આટલા દિવસ તારો માટી નહોતો ત્યારે કેમ ભૂખી રહી નહિ ! આજે ભૂખ્યા રહેવાનું ક્યાંથી સૂઝ્યું ? પણ આ ગરીબડી સાસુએ કહ્યું તે મનાય કેમ ? ને જમી લે તો માટીઓ જાણે કેમ, કે અમારી બૈરી અમારાપર આટલો બધો પ્રેમ રાખે છે ! પણ રાંડો રે ! એવા ઢોંગ થોડા કરો, એ બધા ચાળા ને ચશકા આ આત્મારામ ભૂખણના ઘરમાં ચાલશે, પણ બીજે ઠેકાણે ચાલવાના નથી. પેલી તુળજા વીશ લખણીને એ સૂઝે, તને નહિ પાલવે, ચાલ, તે તો નીકળી જશે, તારે પણ જવું છે ?”
“સાસુજી, કૃપા કરી માફ કરો, હું હમણાં નથી જમવાની.” કજીયો ન થાય તે માટે નમ્રપણે ગંગાએ કહ્યું.
“એટલે તું તારા મનમાં શું સમજે છે? ચાલ જમવું પડશે.” સાસુજીએ સિક્કો બેસાડ્યો.
એટલામાં તુળજાગવરી પણ આવી પહોંચ્યાં, તેને જોઈને સાસુજીને વધારે શૂર છુટ્યું. પોતાના મનમાં બડબડવા માંડ્યું કે જો ગંગાએ માન્યું નહિ તે પછી આ પત કરશે જ નહિ, એથી ખીજવાઈને કહ્યું કે, “પરેશાન ઊઠે છે કે નહિ ? ન ઉઠે તો તારા બાપનું મડદું દેખે. માટી માટી શું ઝંખી રહી છે, એ માટી તો તારો ભાવ પણ નહિ પૂછે, મઢમ ! તને પણ આ રંડા પેઠે છાક આવ્યો છે કે શું ?” એમ બોલી ગંગા જ્યાં બેઠી હતી ત્યાં જઈ એક લાત મારીને તેને પાડી નાખી.
ગંગા મોઢે એક શબ્દ સરખો પણ બોલી નહિ, પણ આંખે તો શ્રાવણ ને ભાદરવો છોડી મૂક્યો. પરંતુ તુળજાગવરીથી આ સઘળું સહન થયું નહિ. તે ભણેલી હતી પણ ગણેલી ન હતી, તેથી ઘણી વાર ઝડાકો લઈ ઉઠતી હતી.
“તમારે ત્યાં શી મોકાણ મંડાઈ છે કે વળી પાછી ગાળો દેવા માંડી ?” તુળજાએ જોઈએ તેનાથી વધારે ઉત્તર દીધો.
“તારા માટીની મોકાણ મંડાઈ છે, અહીં કેાને કહે છે, કરકશા ?” સાસુજીએ વિચાર વગર જવાબ આપ્યો.
એ શબ્દને અંતે મોહનચંદ્ર ઘરમાં આવ્યા. સૌ ચૂપ થઈ ગયાં ને શેઠાણી લડવાને આતુર હતાં તો પણ આજે તો દબી ગયાં. ગંગાએ ઝટ દેતાં કે આંસુ લૂછી નાખ્યાં, અને તુળજા લજવાઈ; પણ તે સૌ મોહનચંદ્ર પામી ગયા, દીવાનખાનાની પડોસના ઓરડામાં, જ્યાં આ સઘળી ટપાટપી ચાલતી હતી, તેમાંના એક કોચપર જઈને ગંગા બેઠી, ને બિછાના પર પોતાની દિલગીરી કાઢવા માંડી. પણ મોહનચંદ્રથી બેાલ્યા વગર રહેવાયું નહિ, તેથી શાંતિ છતાં પણ તે બોલ્યાઃ-
“આ કંઈ ઠીક થતું નથી,” જેવી તુળજા એારડો છોડીને બહાર નીકળી કે તરત બોલ્યા, “ગમે તેવા યત્ન: છતાં પણ કજીયાદલાલ પોતાનું કાળું કરતી નથી. જ્યારે ને ત્યારે મારામારી થયા જ કરવાની કે શું ? કોઈએ પણ ડહાપણ શીખવું જોઈયે, પણ બંને સરખાં થાય છે એ માટે બંનેને ધિક્કાર છે. હવે ધારું છું કે સૌ પોતાના સ્વભાવને અંકુશમાં રાખતાં શીખશે, ને તું ઘરડી છે તે જરા શરમાશે; આ વહુવારુ તરફ તારે માતાભાવથી જોવું જોઇયે, તેને બદલે તારે તેમને અણઘટતા શબ્દો કહેવા એ તને શું શરમાવાનું કારણ નથી ? તુળજાની ગમે તેટલી ભૂલો છતાં તું વધારે કમજાત છે ! તો હવે ગમે તે કોઈપણ ઈલાજ નક્કી થવો જોઇયે ! પણ તે નક્કી થતાં સુધી ભલાં થાઓ તો ઠીક.”
વેરથી ધુંધવાતી ચિહિડીયણ શેઠાણી ઉછળી; “તારે શું હું મરું ? તમને સુખ થશે ?”
“ખચીત, શક શેા ?”
“આ રાંડોની સાથે સૌ ભેગાં થઈ મને મારી નાખો !”
“ભેગાં થઈને અમે સૌ એમ ઇચ્છિયે છિયે કે તું હવે મુક્તિને પામે.”
“અને ત્યારે પછી તમે આનંદ પામશો ?”
“બેશક, તું જ્યારે બીજાઓનો આનંદ જોઇ શકતી નથી ત્યારે બીજું શું?
“પૈસાદારની દીકરીનો પક્ષ કરી મને દબાવતા હશો કેમ ? પણ હું દબનાર નથી. એ મારા ઘરમાં નવાબોની દીકરીનું ચલણ નહિ ચાલે. તમે પણ પૈસાદારની દીકરીનો પક્ષ ખેંચો, પણ તમને રાતી દમડી ગુમડે ચોપડવા ખપ નથી લાગવાની. હું ગરીબ માબાપની દીકરીના પક્ષ કેમ કરો ? વહુઓ તો તમારું પૂરું કરશે !” ધણિયાણી બેાલ્યાં.
“જેનાં જેવાં લક્ષણ તેવું તેને માન મળે.”
ચીડવાયલી લલિતા તોબરો ચઢાવીને બહાર નીકળી ગઈ. ગંગા ઘણું રડી ને તેના નિર્દોષ પિતાને જે શબ્દો કહેવામાં આવ્યા તેથી તેને ઘણું લાગી આવ્યું. કિશેાર આવતાં સુધી તે ભૂખી રહી, ને સાંઝના પાંચ વાગે કિશેાર આવ્યા ત્યારે દિવસની ખટપટનો કશો અણસારો પણ કીદો નહિ, ને પોતે જમી છે કે નહિ તે પણ જણાવ્યું નહિ. કિશોરે જમી લીધું, ને રાતના સધળું વાદળ સાંગોપાંગ ઉતરી ગયું.