ગંગા - એક ગુર્જર વાર્તા/શોકસદન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વિપત્તિનું સાક્ષાત્ સ્વરૂપ ગંગા - એક ગુર્જર વાર્તા
શોકસદન
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
મોહનચન્દ્રના કુળનો ઇતિહાસ →


પ્રકરણ ૩૩ મું
શેાકસદન

હાડા પછી રાત ને રાત પછી દહાડો ને દિવસ પછી મહિના ને મહિના પછી વર્ષ એમ કાળ વીતતો ગયો, પણ કિશોરની તબીયતમાં કંઇપણ ફેરફાર થયો નહિ. ડોક્ટરોએ ખુલ્લેખુલ્લું જણાવી દીધું કે, હવે એ ઘણો લાંબો વખત કાઢશે નહિ, પણ ગંગાએ ધીરજ છોડી નહિ. અંગ્રેજી ડાક્ટરો મૂકીને દેશી વૈદ્યોનાં ઔષધો જારી કીધાં. પૈસાની તાણ ઘણી જ પડી, ને સઘળાં ઘરેણાં વેચાઇ ગયાં. હવે કંઇ પણ રહ્યું હોય તે તે માત્ર સૌભાગ્યનો શણગાર હતો, તે પણ છૂપી રીતે વેચવા માંડ્યો, આવી ફિકર છતાં કિશેારના મંદવાડમાં ગંગા જ તેની માવજત કરવામાં રોકાઇ રહેતી હતી. મણી તેની સહાયતામાં રહેતી, પણ ઘરના કામકાજનો બેાજો તેને માથે હતો. ઘરનું કામકાજ કરવામાં મણીને ઘણી મુસીબત પડતી હતી, પણ પોતાના ભાઇ પ્રત્યેના અપૂર્વ પ્યારને લીધે તે સઘળું ઉપાડી લેતી ને કદી ગંગા કામકાજ માટે આવતી તો તેને ના પાડતી, ને ઉલટી વખતે ઠપકો દેતી કે, તમે ભાઇને મૂકીને કેમ આવ્યાં ? કિશેારને માટે ખાવા પીવાની પૂરતી તજવીજ રાખવી અને કોઇ વાતે તેના દિલમાં માઠો વિચાર નહિ આવે, તેવી ફિકર તે બાપડી રાખતી હતી. આવી ઘરની હાલતમાં રામો ઘાટી પણ પગાર માગતો નહિ, ને જે બંગલે હતો તે ગંગાના બાપના એક મિત્રને હતો એટલે ત્યાંથી પણ ભાડાની માગણી આવતી નહોતી. રામાને પોતાનાં શેઠ શેઠાણી પ્રત્યે એટલી બધી મમતા હતી કે, પહેલાના પગારના એકઠા કરેલા પૈસા ગંગાના હાથમાં મૂક્યા, ને ગંગાએ ઘણી આનાકાની કીધી, ત્યારે પોતાને ઘણું દુ:ખ લાગશે એમ જણાવ્યું. જ્યારે તેને બોલાવે ત્યારે તે ઉમંગથી હાજર થતો; કહ્યું કામ ચડપ દેતોકે કરતે; જ્યારે પૈસા નહિ હોય ને કંઇ વસ્તુ લાવવાની હોય ત્યારે પોતે જ પૈસા કાઢતો; તેમ એકવાર રામાએ પોતાનો રૂપાનો કંદોરો ગીરે મૂકીને જોઇતી ચીજ આણી આપી ! ધન્ય છે માયાળું અને નિમકહલાલ ચાકર, તને પણ !!

ગંગાની સ્થિતિ આવી દુ:ખદ અવસ્થામાં બહુ જાણવાજોગ હતી. તે પળે પળે ઉનાં ઉનાં પાણી નેત્રમાંથી ખેરવતી હતી, તેનું હૃદય સદા જ કંપાયમાન થતું હતું, તેના મુખમાંથી સદા જ દીર્ઘ નિઃશ્વાસ નીકળ્યા કરતો હતો. કિશેારનું સુકું મુખ જોઇને તે મ્લાનવદનની થઇ જતી ને જ્યારે કિશેાર પ્રેમથી એાષ્ઠપાન કરવા જતો ત્યારે તે ગળગળી થઇ જતી હતી. તેનું શરીર સર્વ વાતે કૃશ થયું હતું, ને દુબળાપણામાં તેના મુખમાંથી દયાર્દ્ર, અને ખેદના ઉદ્‌ગારો સહિત જે ધીમો સ્વર નીકળતો, તેથી કોઇનું પણ હૃદય ભેદાતું હતું. તે દુઃખમાં દટાઇ ગઇ હતી, તેટલું છતાં પણ વિનોદવચન બોલીને કિશોરની આરોગ્યતામાં ખલલ પડવા દેતી નહિ. આવી દુ:ખદ અવસ્થામાં ઝાઝા દહાડા કઢાય તેમ ન હોવાથી મણી ને ગંગા ઘણાં મુંઝાયાં, પણ સારે નસીબે કિશેાર-ગંગાને કેટલાક અંગ્રેજ સ્ત્રી પુરુષો સાથે ને કેટલાક દક્ષિણીઓ સાથે મિત્રાચારી થઇ હતી, તેમાંના એક દક્ષિણીએ સરદારોની કેટલીક છેાકરીઓને હારમોનિયમ શીખવવાનું મણીને કામ સોંપ્યું. એક અંગ્રેજ મિત્રે પૈસાની મદદ આપવા માગી, પણ એમ મદદ લેવાને ઘણી શરમ લાગી ત્યારે આ ઉપાય શોધી કાઢયો. એક સરદારના ઘરમાં દશ કન્યાઓ ભેગી થાય ને તેમને હારમોનિયમ વગાડતાં શીખવવામાં આવે ને ત્યાંથી દર માસે રૂ. ૫૦ ની પ્રાપ્તિ થાય. પહેલે એક આબરુદાર કુટુંબની સ્ત્રીને આ પ્રમાણે બીજે સ્થળે શીખવવા જવું તે ગમ્યું નહિ. તેથી શું કરવું તે માટે ઘણાં મુંઝાયાં, પણ નાણાંની તંગીને લીધે મનમાં વિચાર કીધો કે, એ શિવાય બીજો રસ્તો નથી. નક્કી વિચાર કરી આખરે કિશોરને એ વાત જણાવી. એ સાંભળતાં કિશેારને જરા ખાવાનું પણ ગમ્યું નહિ. તેણે ગંગાની સામું જોયું, તો તેનાં નેત્ર આ પહેલી વાર જ જળથી ભરેલાં તેણે જોયાં. કિશેારનાં નેત્રો ભરાઈ આવ્યાં ને તેના બંને ગાલપર પાણીના રેલા ચાલ્યા, તે બોલ્યો, “ગંગા, તારાં સઘળાં ઘરેણાં ગયાં, તે છતાં હું તને દુ:ખમાંથી મુક્ત કરી શક્યો નહિ. હું કેવો પાપી કે તને સંતાપવાને જ મેં જાણે ઈશ્વર પાસે માનતા માની હોય ! હવે જો કંઇપણ ઉપાય નહિ હોય તો તને ગમે તેમ કર.” ગંગા આ બોલો સાંભળીને ઘણી ગભરાઇ, ને તેનું રડવું સમ્યું નહિ, તોપણ ઘાડી છાતી કરી તેણે કહ્યું, “મારું હતું શું ને ગયું શું? મેં તમારે માટે કંઇપણ કીધું નથી. જે તમારું હતું તેજ ખરચાયું છે, ને જો તમે આરોગ્ય થશો તો સઘળું પાછું મળશે. એ બાબતમાં આપે કશી ચિંતા રાખવી નહિ. પ્રિય કિશેાર, તમારી સારી સ્થિતિ એ જ મારાં સુખનું કારણ–સાધન ને મૂળ છે, તો પછી મને વધારે શું જોઇયે વારુ ?” આ બોલો સાંભળી કિશોરે એક ઘણો ઉંડો નિઃશ્વાસ મૂક્યો. કેમકે જે મણીને પોતાની સુખી અવસ્થામાં સર્વ પ્રકારનું સુખ આપેલું, તે મણી બહેન રસોઇખાનામાં રહે, એટલું જ નહિ, પણ તેના પૈસા, તે પોતાના સુખને માટે ઉપયોગમાં આણે, આ ઘણું વસમું હતું, પણ ઉપાય શો ? તે ખૂબ રડ્યો, ને પછી ગંગાને કહ્યું: “તું ડાહી છે, તને કહેવા યોગ્ય કશું નથી, તને ગમે તેમ કર.” આમ કહીને તેણે આંખ મીંચી. ગંગાએ પોતાનું રડવું દાબી દીધું; કેમકે તેમ કરવાથી કિશેારપર માઠી અસર થવાનો ઘણો મોટો ભય હતો. મણી ! હાય! તે બાપડીના દુ:ખનો પાર નહોતો, તે નાનપણથી દુ:ખી હતી, તેવામાં તેનાં લગ્ન ઘણે સારે ઠેકાણે થયાં; એનો કુલીન ધણી સારો વિદ્યાભ્યાસી હતો પણ એ બિચારી વયે આવી સંસારને લાહાવો લેવા તૈયાર થાય, તે પહેલાં તે સ્વર્ગે સિધાર્યો. એની સાસુ ને નણંદ ઘણાં ક્લાંઠ હતાં. તેમણે એનાપર ઘણો જુલમ ગુજાર્યો, ને અનેક પ્રકારે, નીચ માણસ નહિ કહે તેવાં વચનો કહી, ઘરમાંથી કાઢી ત્યારે કિશોરલાલ પાસે એ રહી. ત્યાં પણ દુ:ખનો ડુંગર ફરી વળ્યો, હવે તેના માથાપર ઘણો મોટો બોજો હતો. સવારમાં વહેલી ઉઠી તે ઘરનું મુખ્ય સઘળું કામ કરતી હતી; પોતાને તથા ચાકર માટે રસોઇ કરી, ભાઇને માટે જે જોઇતું તે કરી આપીને, જમી જમાડી અગિયાર વાગતાં સરદારોની કન્યાઓને શીખવવા જતી. ત્યાંથી ચાર વાગતાં પાછી આવી પોતાના કામમાં જ મચતી. સાંઝના પણ તેને નસીબે કામ ચોંટેલું ને ચોટેલું જ હતું. રાત્રિના તે મોડી સુઇ વહેલી ઉઠતી. એથી નિરાંતે ઉંઘ પણ તેનાથી લેવાતી નહિ ! ચિંતામાં ને ચિતામાંજ તે ઝબકીને જાગતી હતી, ગંગા તો કિશેારની પડોસમાં જ માથું નાંખી પડી રહેતી. કદી મણીબહેન ત્યાં બેસતી તો જ ગંગા રસોડામાં કામકાજે જતી. ઘણી બરદાસ્ત છતાં કિશોરની માંદગી સારી થઇ નહિ; તે તો દિનપ્રતિદિન વધતી ગઇ. વળી તેવામાં ઈશ્વરી કોપ વધ્યો. મણીને અગાધ શ્રમને લીધે ખાંસી થઇ. “લડાઈનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી” એ કહેવત પ્રમાણે મણીને આ કરપીણ ખાંસી વળગી, થોડા દિવસ તો તેણે ઉપરચોટીઆ ઉપાયો કીધા, પણ પછી તે ખાંસીમાંથી લોહી પડવા માંડ્યું. હવે કંઈપણ ઉપાય તાકીદે કરવાનું કિશોરે કહ્યું ને બીજા ડાક્ટઓએ આ ઘરમાં આવવા માંડ્યું. કોઇપણ ઉપાય આબાદ લાગે નહિ, આઠ દિવસ સારું થાય તો આઠ દિવસ વળી વધારે જોરમાં રોગ ઉભરાઇ આવે. આમ કરતાં તાવ લાગુ પડ્યો, ને પોતાના કામમાં તે છેક જ નિર્ગત થઇ પડી. બિછાનામાંથી ઉઠવાની પણ શક્તિ જતી રહી. હવે ગંગાને પોતાની સામા ઘણો વિકરાલ દુ:ખનો ડુંગર દેખાયો. તેનાપર પ્રભુ જાણે સાક્ષાત્ કોપ્યા હોય તેમજ થઇ પડ્યું. એક બાજુથી કિશોરનો મંદવાડ ને બીજી બાજુથી મણીને રોગ ચાલુ થયો, એટલે તે ચોગરદમથી ગભરાઇ; ખૂણે ખૂણે તે રડવા લાગી. પોતાના હીન ભાગ્ય માટે પ્રભુ પ્રાર્થના કરવા લાગી; ને સમયે સમયે બોલતી કે, “હે ઈશ્વર ! મેં શું તારે માટે અપરાધ કીધો છે કે, આમ વિના પ્રયેાજને દુ:ખ દે છે ? હું તુજની દીન દાસી છું, રાંકડી છું, જો કોઇપણ અપરાધ હોય તો ક્ષમા કર. એ ગરીબનિવાજ, કૃપાસિંધુ, દીનાનાથ નાથ, તારા નામનું સાર્થક્ય કરી આ વેળા દુઃખમાંથી ઉગારી મને તારે શરણે રાખ.” આ તેની પ્રાર્થના - દીનવાણીની કરુણોત્પાદક પ્રાર્થના ઈશ્વરે રંચ જેટલી પણ સાંભળી નહિ, તે એકલી અટુલી કાવરી બાવરી જ્યાં ત્યાં ફરતી હતી અને સમયે સમયે તેના ચિત્તની શુદ્ધિ પણ ઉડેલી જણાતી હતી, માત્ર રામ શિવાય તેની પાસે બીજું કોઈ નથી. ગંગાનાં ડચકીયાં સાંભળીને રડેલી આંખ જોઈ કિશેાર ને મણી ઘણા મુઝાંતાં હતાં; પૈસાની તાણ તો પહેલાંથી જ જારી હતી, તેમાં હવેનું દુ:ખ તો તે સહન કરી શકી નહિ, તેટલું છતાં ઘાડી છાતી કરી પોતાના કોમળ હૃદયપર જય મેળવ્યો. પણ કોમળ હૃદયવાળા પર તે કેટલી અસર કરે? થોડીવાર નીરાંત રહે, પણ ઘડી પછી 'એ ભગવાન એના એ જ' તેમ જ પહેલાં પેઠે રડવું પડે. ગંગાએ ઘણા દુઃખથી ત્રાસ પામી આખરે ઠરાવ કીધો કે, હવે તો પિતાજીને પત્ર લખવો ને સુરત જવું. પોતાની પાસનાં બાકી સાકીનાં સઘળાં નાનાં મોટાં ઘરેણાં વેચી નાખવાનું ઠરાવ્યું ને સુરતમાં સઘળી હકીકતનો કાગળ લખ્યો. ઘરેણાં વેચવા આપતાં તેનું મન જરા પણ મુંઝાયું નહિ, પણ જે માણસને તે વેચવા આપ્યાં તે રડ્યો. રતનલાલ સુરતથી સૌને તેડવા આવ્યો, એટલે ગંગાને ધીરજ આવી. રતનલાલે ધીરજ ધરીને કિશેારની હકીકત સાંભળી લીધી. ગંગાએ આક્રંદ કરતાં સર્વ હકીકત જણાવી. તે બોલતી બોલતી મૂર્છાગત થઈ પડી ને રતનલાલ વધારે ગભરાયો. તેની માવજત કરી ધીરજ આપી, બીજા ઓરડામાં ગંગાને મૂકી કિશોર પાસે તે ગયો ને ત્યાં જઈ જોય છે તો સૂકા સ્હોરાયલો, બદલાઈ ગયલો ચેહેરો, ને હાડકાં ને ચામડીવાળું અસ્થિમાત્ર એવું કિશેારનું શરીર જોયું. તેની આંખો ફરકતી હતી, એટલું જ બસ-તેનામાં બોલવાની દેખીતી કંઈક શક્તિ હતી, છતાં એક બાજુએ બિછાનાપર પડેલો હતો ને પાસે દવા પડેલી હતી તે લેવાને પણ તે અશક્ત હતો. બીજી બાજુએ મણી પડેલી તે પણ છેક જ બદલાઈ ગઈ હતી. તેનો સુંદર ચેહેરો છેક જ બીહામણો થઈ ગયો હતો; કેમકે લોહી ને માંસ ઉડી ગયાં હતાં. તાવથી કરીને તેનાં હાડકાં ભાંગી ગયાં હતાં ને કંઈ પણ ખવાતું નહોતું, તેથી બોલવાની પણ શુદ્ધિ જોઈએ તેવી નહોતી. રતનલાલના મનમાં આ બંને ભાઈ બહેનની જરા પણ આશા જણાઈ નહિ, તેણે મનમાં જ કહ્યું કે “હવે કિશેાર આપણો નથી.”

ચાર દિવસ રહી સઘળા પ્રકારની ગોઠવણ કરીને ગંગા, કિશેાર ને મણિ, રતનલાલ સાથે સુરત આવ્યાં. રતનલાલ પોતે જ અચ્છો ડાક્ટર હતો, તેથી તેણે અૌષધ જારી કીધાં, અને પોતાની સહાયતામાં ઘણા સારા ડાક્ટરોને રાખ્યા. સઘળા પ્રકારના કહેલા ઉપાયો કરવામાં મણા રાખી નહિ, પણ જ્યાં મોતના દૂતો આવ્યા હોય ત્યાં કોઈ શું કરે ? આવરદાએ ઉપાયો કરવામાં આવે છે, બાકી સૌ વેવલાં છે. ગમે તેટલા ઉપાય કરો, પણ જ્યાં આયુષ્યરેષા તૂટી ત્યાં શું કરશો? તે વખતે તો ધનવંતરિ કાં નહિ આવે, પણ જેનું આયુષ્ય ઘટ્યું, તેનાપર તેનો પણ ઉપાય નથી ચાલતો. કિશેારની માંદગી ક્ષય રોગની હતી ને તે થવાનું કારણ ચિંતા ને અગાધ શ્રમ હતો. મણિની માંદગીનું પણ તે જ કારણ ગણવામાં આવતું હતું. ડાક્ટરોએ એ મણિને માટે મોટો શ્રમ લીધો, પણ જેમ જેમ અૌષધ આપવામાં આવતું, તેમ તેમ માંદગી વધવા માંડી. તેના અંગમાં સઘળે રોગ ભરાઈ ગયો. ચેહેરો એટલો બધો બદલાઈ ગયો હતો કે, કોઈ એક બે વાર જોયેલો માણસ તો શું, પણ પાંચ પચીસવાર જોયલો માણસ પણ તેને જોઈને પીછાણી શકે નહિ. વધારે ચિંતા તો મણિને પોતાના ભાઈ કિશોરની હતી. ઘડી ને પળે કિશોરની તબીયત માટે તે પૂછતી ને તેને મળવા જવા કહેતી, પણ અશક્તિથી ઉઠાતું નહિ. ધીમે ધીમે એના અંગમાં ઘણા જોરમાં કળતર થવા માંડી, ને તે દરદ છેલ્લી રાત્રિના વધી પડ્યું. ક્યાં દરદ થતું ને કેવા પ્રકારનું થતું, તે જણાવવાને એ અશક્ત હતી. બીજે દિવસે સાંઝના તે વધારે નબળી થઇ ગઇ. તેના ડોળા ફાટી ગયા, તેની બોલવાની શુદ્ધિ જતી રહી. માત્ર તે કંઇપણ બોલતી તો “કિશોરભાઈ!” એ શિવાય બીજું કંઈપણ બોલી શકતી નહિ. ઘણી મહેનતે કાંજી પાઇ, ને તે કઠાવતિયે તેણે પીધી. ગંગા તો કિશોરની પાસે બેઠેલી હતી, તે ત્યાંથી ખસી શકી નહિ, કેમકે તેની પણ તબીયત સારી નહોતી. રતનલાલ, વેણીલાલ ને કેશવલાલ, તુળજાગવરી ને વેણીગવરી સઘળાં બહેન પાસે બેઠાં હતાં. સૌ તેની તરફ જોઇ રહ્યાં હતાં. સૌની આંખો સબળ થઇ ગઇ હતી. સૌના મોંથી મણિના ગુણનું ગાન થતું હતું. છેલ્લી ઘડીએ ગંગા ઘડીએ ને પળે ફેરા મારી જતી હતી ને તે ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડતી હતી. “મણિ બહેન, કંઇ કહેવું છે?” એમ તે નીચી વળીને ધીમેથી પૂછતી, તો મણિ “કંઇ નહિ” એટલો જ જવાબ દેતી. વળી તે ઘડીમાં સાવધ થઇને ગંગાને પૂછતી કે “કિશોરભાઈને કેમ છે?” તેનો જવાબ સાંભળી તે ગુમ થઇ જતી હતી. ઘડીમાં તે ઝંપાઇ જતી ને ઘડીમાં તે જાગૃત થતી હતી. પેટમાં જે દુખાવો થતો તેથી વખતે તેનાથી બૂમ પડાઇ જતી હતી. મધરાત્રિ થતાં પેટમાંનો દુખાવો મટ્યો, ને તે જ પળથી તે વધારે ઠંડી પડતી ગઇ. તેનાં તરફડીયાં નરમ પડ્યાં, તેના હૃદયમાં તેજસ્વી મહાપિતાનું અનુપમ અલૌકિક રાજ્ય દેખાયું, એટલે તે સ્થિર થઇ પડી. હવે માત્ર શ્વાસોચ્છ્વાવાસ ચાલતો હતો અને રાત્રિની પૂર્ણાહુતિને સમયે, જ્યારે અરુણ પોતાની દિવ્ય શક્તિ જણાવતો હતો, ને રાત્રિનું ઘોર અંધારું ખૂણાખોચરામાંથી નાસતું ફરતું હતું, ઘુવડ આદિ પક્ષીઓ સંતાઇ જતાં, ને અર્ધા ઉંઘતા ને અર્ધા જાગતા પહેરેગીરો “ખેર આફીયત” પોકારવા પોતાના ઉપરીને ત્યાં જતા હતા, પક્ષીઓની ચીંચીં ચાંચાં શરુ થઇ હતી, ને માદાઓ પોતાનાં બચ્ચાંને લઇને ઉડતી હતી, દેવાલયોમાં ઘંટાનાદ ને શંખનાદો ચાલુ થયા હતા ને ઉદ્યમી પુરુષો ઉદ્યમે વળગ્યા હતા, કોઈ કોઈ ઘરમાં ઉજમાળાં સ્ત્રી પુરુષો ઉઠીને દાતણ પાણી કરવાને વળગ્યાં હતાં; તેમ જ જે ઘરમાં મરણ થયું હોય તેની યાદદાસ્તમાં રડવાનું જારી કરીને સ્ત્રીઓ મોં વાળતી હતી, તે વેળાએ, કિશોરની વહાલી બહેન મણિ, આ ક્ષણભંગુર દુનિયામાંથી પોતાની સ્વારી ઉઠાવીને પરમ પ્રભુ પરમાત્મા પાસે દોડી ગઇ !!

ગંગા તરત દોડી આવી ને મણિના દીલપર પડી ને અત્યંત કલ્પાંત કીધો, કેમકે આજ પાંચ છ વરસ થયાં સગ્ગી બહેન કરતાં પણ બંને સાથે હતાં, બંને સાથે બેસતાં, સાથે ઉઠતાં, સઘળું જ સાથે કામ કરતાં હતાં. ઘરમાં કે બહાર, ગામમાં કે શહેરમાં, સગામાં કે વહાલામાં તેઓ જોડે ને જોડે જ જતાં, ને સુખ દુ:ખમાં પણ સાથે જ હતાં. તે બંને વચ્ચે હંમેશનો આ વિયોગ તે નહિ ખમાય તેવો હતો. રતનલાલ ને વેણીલાલ તો ગાંડા જેવા થઈ ગયા ને મણિબાના સદ્ગુણ સંભારી ઝીણે સાદે કલ્પાંત કરવા લાગ્યા. કેશવલાલે આવીને રડતી આંખે સૌને છાના રાખ્યા ને રખેને કિશેાર જાણે ને તેને કંઈ વધારે થાય, તે માટે સૌને બીજા ઓરડામાં લઇ જવામાં આવ્યા.

હવે કંઈ અત્રે મણિની પાછળની વ્યવસ્થા સાથે કામ નથી. વાર્તાનો મુખ્ય નાયક જે સ્થિતિમાં પડ્યો છે તેનાં ચરિત્રો તપાસી જઇયે. આ ધીરોદાત્ત નાયક બહુ વિરલો હતો, ને નાયિકાનું વર્ણન તો થાય તેમ નથી જ. પોતાના શયનગૃહમાં પડ્યો પડ્યો કિશોરલાલ ઘડીએ ઘડીએ મણિ બહેનની ખબર પૂછતો હતો ને ગંગા ધીરેથી હકીકત કહેતી હતી. મણિને મળવાને કિશેારની ઘણી મરજી હતી, પણ વૈદ્યોએ અટકાવ્યો હતો. જ્યારે મણિ મરણ પામી ત્યારે સુણેલી આંખે ધ્રુસકા ખાતી ખાતી, ધ્રૂજતે ને અશક્ત પગલે ગંગા કિશેારના ઓરડામાં આવી. કિશોરે મણિની ખબર પૂછી. રડતાં રડતાં ને ધ્રૂજતાં ધ્રૂજતાં ગંગાએ સઘળી હકીકત કહી. કિશેાર ધ્રૂજ્યો, ને તેની આંખમાંથી નવધાર આંસુ વહ્યાં, અને એ જ પળે તેનું મોત પણ પાસે આવી ઉભું રહ્યું. તે છેલ્લી ઘડીએ બેાલ્યો, “વહાલી ગંગા, તું રડ ના ! હવે હું પણ થોડા સમયનો છું. મારો ને તારો વિયોગ ઈશ્વરે નિર્માણ કીધો છે ને તે થશે જ. મણિબેન મારા માટે મુઇ છે. મારા માટે તેણે અગાધ શ્રમ લીધો છે, ને તે શ્રમમાં તેનું અકાળ મૃત્યુ થયું ! હાય ! હવે મારાથી કેમ રહેવાશે ? બેશક મણિ ઘણી શાણી ને ડાહી હતી, તેણે મને આ દુનિયામાં દુઃખ પડવા દીધું નથી ને તેથી જ પેલી દુનિયામાં મારા માટે જગ્યા રાખવા ગઇ છે. હું તેને હવે જોઉં છું ને તે મને બોલાવે છે. હવે હું જઇશ. ગંગા, વહાલી ગંગા ! તું એકલી પ્રભુભજન કરી આયુષ્ય ગાળજે. આપણે ફરીથી મળીશું જ. તું શાણી થઇને મારે માટે વિલપતી નહિ. શું તને જ વિપત્તિ પડવાની છે? તારાથી બીજાં ઘણાં દુ:ખી છે, માટે ધીરી થજે. ઘરને સંભાળજે. પણ હું તને શું કહું? તું સર્વ રીતે શાણી છે, એટલે મારો શોક મૂકી દઇ મારા કુટુંબને સુખી રાખવા મથજે.” આટલું બોલતાં બોલતાં તેનાં નેત્રોમાંથી મોટો ધોધવો વહ્યો; પણ ગંગાનાં તો ગાત્ર એટલાં શિથિલ થઇ પડ્યાં કે તેનાથી કંઇ જ બોલાયું નહિ, કેટલીકવાર તે અબોલી સૂનમૂઢ માફક જોઇ રહી. પછી તેના અશ્રુમાંથી મોટો રેલનો પ્રવાહ વહેવા લાગ્યો, તે પાલવડેથી લૂછી તે બોલી, “પ્રાણેશ! હું તમારી અર્ધાંગના તમારી સાથે ને સાથે છું. તમોને ત્યજી જવા દઇશ નહિ. તમો હવે ચિંતામુક્ત થાઓ. ઈશ્વર જે ધારે છે તે જ કરે છે, ત્યાં આપણો ઉપાય નથી. ધૈર્ય ધરો. તમે કલ્પાંત ન કરો. જે શોક ને દુઃખમાં મારે પડવાનું છે, તે હું કેમે કરી ખમી શકું તેમ નથી. મારી એટલી જ ઇચ્છા છે કે, હું તમારી સાથે આવું.”

“ના, કૃશાંગી ! રે શાણી ગંગા ! મારી વહાલી ! તું હવે રૂદન ન કર ! તેં મારે માટે બહુ કીધું છે, ને હજી પણ મારે માટે તું શ્રમિત થાય છે? હજી પણ કલ્પાંત કરે છે? તું તે એક તું જ છે. મેં તને કદી પણ સુખ આપ્યું નથી, પણ તું મારે માટે, મારા ઘર માટે ઘેલી થઇ ગઇ છે. તેં એક મને જ જોયો છે; અને હવે શું રડે છે? કાં? એથી અર્થ શો સરવાનો છે? મનુષ્યને માથે દુ:ખ તો નિર્માણ કીધું છે, તે ભોગવવું પડશે જ. વહાલી ગંગા ! બસ હવે તું શોકમુક્ત થા ને મારા છેલ્લા શબ્દપર ધ્યાન આપ.” આટલું બોલતાં તે ઘણો શ્રમિત થઇ ગયો. તેના કપાળપર પ્રસ્વેદનાં બિંદુ બંધાયાં. ઉપરાચાપરી ખાંસી આવવા માંડી. ગંગા તેના સામું જોઇ શકી નહિ. કિશોરે તેને પોતા સમીપ હાથ પકડી તેડી ને તેને માથે હાથ ફેરવ્યો, તો તે તદન શીતળ થઇ હતી. તેની છાતી અત્યંત ધડકતી હતી, તેના હાથપગે જાણે વંટ આવતા હોય તેમ થતું હતું. એક પ્રેમનું ચુંબન કરી પછી પાછો કિશોર બેાલ્યોઃ- “બસ, ઘણું થયું ! ગંગા ! પ્રિય ! શું તું મારી આ એક આજ્ઞા, મારા અંતકાળની આજ્ઞા નહિ માને? નેત્ર લૂછી નાંખ, ને મારી સામું જો. તેં શું કોઇ દિવસ મારી આજ્ઞાનો ભંગ કીધો છે કે આજે કરે છે? તારો શ્યામતા પામેલો ચહેરો હવે હું નથી જોઇ શકતો. તારું મ્લાન વદન હવે મારાથી નહિ જોવાય. ધીરી થા, ને ઈશ્વરનું ચિંતન કર. હું હવે જઇશ. મળજે.” પણ વાસ્તવિક રીતે આ સઘળા શબ્દમાંનો એક પણ શબ્દ ગંગાએ સાંભળ્યો નહોતો. તે ચિત્તશૂન્ય થઈ પડેલી હતી. પણ કિશોરના આ છેલ્લા શબ્દોએ તેને ચમકાવી. તે નેત્રમાં અશ્રુ લૂછવાને શક્તિમતી થઇ નહિ, ને કંઇ પણ બોલવાનો પ્રયત્ન કરે તેટલામાં તો કિશોરલાલના મોઢાપર મોતની લહરો છવાઇ ગયેલી તેણે જોઇ, કિશોરે માત્ર એક ધીમું ડચકિયું લીધું, તેનાં નેત્રો જોતજોતામાં બંધ થઇ પડ્યાં, શ્વાસ ઘણો ધીમો પડ્યો, તેનું સુકોમળ વદન એકદમ નિસ્તેજ થઈ ગયું, ને તે ઈશ્વરધામમાં જતો જણાયો. અરેરે, હવે બિચારી ગંગાનું શું થશે? હાય, તે બિચારી તો આ બનાવ જોઇ, “હે નાથ! હે કિશોરલાલ! તમે મને મૂકીને ગયા? ના, ના, હું તમારી સાથે આવું છું!” એમ બોલતી મૂર્છા ખાઈ પડી અને તે સદાની જ પડી !

* * *

અહીં અમારી વાર્તા સંપૂર્ણ થાય છે, હિંદુ સંસારના નવીન નવીન પ્રકારોના બનાવોનું અત્રે દર્શન કરાવવામાં બને તેટલો શ્રમ લીધો છે, ને ગુજરાતના એક નામીચા કુટુંબનો સંપૂર્ણ ઇતિહાસ આપ્યો છે. અા ઇતિહાસ બોધક ને મોહક છે.

ગુજરાતી હિંદુનો સંસાર ઘણો બગડેલો ને કથળેલો કહેવાય છે. તેમાં અનેક પ્રકારનાં દૂષણો જણાવ્યાં છે. એ દૂષણો કંઈ આપણા પોતામાં જ છે એમ નથી, પણ તે સર્વત્ર વ્યાપક છે, જો સંસારમાં સધળું સારું હોય તો પછી કંઈ ઊણું રહે નહિ, પણ તેવું કોઈ પણ સ્થળે સામટું સમાયલું હોય છે, એમ માનવાનું કારણ કવચિત્ જ મળે છે; પરંતુ જો સુલક્ષણી વહુવારુ હોય કે સુલક્ષણી સાસુ નણંદ હોય તો પછી સંસાર સ્વર્ગાનંદજનક થઈ પડે છે. ઘણાં ઘરોમાં આજ ને કાલ સુખનો સૂર્ય અસ્ત થયો છે, તે કદી પણ પાછો ઉગતો જ નથી. કેમકે વેપાર ધંધાથી, ન્યાત જાતથી કે બીજા કારણોથી કુટુંબ ઘણું કરીને અવ્યવસ્થિત ક્લેશ કંકાસ ને તોફાનમાં ઘેરાયલું હોય છે. એકાદું જે કુટુંબમાં રુડું નીવડી આવે છે તો તેના માથાપર સઘળો બોજો પડે છે; પણ તેવાં સુલક્ષણાંઓ પોતાનાં માતા પિતા અને સાસુ સસરા પ્રત્યેનાં તેમનાં કર્તવ્યકર્મોને અનુસરીને કેમ ચાલે છે, તેને માટે આ વાર્તાની નાયિકા ગંગા તથા તેના પતિનો દાખલો શોધ્યો મળવો મુશ્કેલ છે. કિશેારે સુખમાં કે દુઃખમાં કદી પણ પોતાનાં માતા પિતાનું અપમાન કર્યું નથી, પણ વિપત્તિ વેઠી, જે જે પડ્યું તે સહન કીધું છે.

અને નાયિકા ગંગા? એ તો હિંદુ સંસારના ગૃહરાજમાં એક નમૂનો છે. તેના જેવી વહુવારુઓ આપણાં કુટુંબોમાં સારું નામ મેળવે. જો કુટુંબને એક રાજ્ય ગણવામાં આવે તો તેવું રાજ્ય ચલાવવામાં ગંગાથી વધુ સારી વહુવારુ મળવી મુશ્કેલ છે. તેણે માત્ર પતિ ને પતિ જ જોયો છે. પતિનું પ્રિય તે પોતાનું પ્રિય ને પતિનું જેમાં સુખ તેમાં પોતાનું સુખ માન્યું છે. અનેક પ્રકારની વિપત્તિ પડી, દ્રવ્યે હેરાન થઈ, સાસુનાં વજ્રબાણ જેવાં મહેણાં ટોણાં સાંખ્યાં, પણ કદી પણ ઊંચે સ્વરે તે બોલી નથી; નહિ ઘટતાં વચનો સાંભળવાં પડ્યાં તોપણ પ્રતિવચન કહ્યું નથી; સસરાના કુટુંબમાં જ તે મચી રહી ને તેના જ હિતમાં તે ખપી ને સ્વર્ગે ગઇ. પિતા પૈસાદાર હતો ને “પિયેરપનોતી” છતાં ગર્વ કે મત્સરનું વચન કાઢ્યું નથી. એ જ પત્ની તે ખરી! એજ કુળવધૂ ને એ જ શુભ સ્ત્રી !! એવી પત્ની મળે તેને રત્ન કરતાં પણ મોંઘા પદાર્થની પ્રાપ્તિ થઈ છે એમ સમજવું. હવે આપણે નાયિકા ગંગાની અવસ્થા માટે જાણવું અવશ્યનું છે.

* * *

પ્રભાતનો પહોર હતો. એક બાજુએ તાપી નદીના ઘાટ પર તીર્થસ્નાન કરનારાઓ ન્હાતા હતા, કોઇ કોઇ વસ્ત્ર ધોતા હતા, કેટલાકો નાક પકડી ઈશ્વર પ્રાર્થના કરતા હતા ને કોઇ સ્ત્રીઓ પાણી ભરી જતી હતી. ખેતરોમાં જતા બળદોની ઘંટાના નાદ સંભળાતા ને પાણીનો કોશ ચાલુ થઈને રેંટમાળામાંથી ચું ચું અવાજ નીકળતો હતો. વખત સવારના આઠનો થયો હતો. આ વેળાએ અશ્વિનીકુમારના ગુપ્તેશ્વરના ઓવારા નજીક એક વૃદ્ધ ડોસો, લેવાયલે મોઢે ઉભો હતો; તેણે સ્નાન કીધું હતું, પણ દુર જે શ્મશાનમાં મડદાં બળતાં હતાં, તે તરફ તેની નજર લાગી રહી હતી. ઘણીવાર તે તરફ જોયા પછી તેણે ઉંડો નિ:શ્વાસ મૂક્યો, ને ઘાટપરના પગથિયાપર ચઢ્યો. અહીં તેને તેના બે મિત્રો મળ્યા, જેઓ કંઈપણ આદરસત્કારનો વ્યવહાર કીધા વગર તેની પૂંઠે ચાલતા થયા; ડોસાનું મોઢું લેવાયલું હતું, તેણે માથે સફેદ ફાળિયું નાખ્યું હતું તથા વસ્ત્ર ભીનું હતું, તે પરથી સાફ જણાતું હતું કે તે કોઈ શ્મશાનિયો-ડાઘુ-હતો.

ઘાટપરથી રસ્તામાં ચાલતા બીજા ઘણાક ન્યાતિલા શ્મશાનિયા તેની સાથે સામેલ થઈ ગયા. જે દૈવીકોપ એ વૃદ્ધ ડોસાપર એકદમ ઉતર્યો હતો તેથી નાગરી ન્યાતમાં ઘણો શોક વ્યાપેલો હતો. સધળા જ શૂન્યમૂઢ માફક ચાલતા હતા, કોઈ કંઈપણ બોલતું નહોતું, ડોસાની આંખમાંથી આંસુની ધારા વહી જતી હતી, ને તેની પાછળ તેનો એકનો એક દીકરો કંપતો કંપતો ચાલતો હતો. થોડેક ચાલ્યા પછી તે ડોસાના એક મિત્રે કહ્યું: “બિહારીલાલ, હવે શોક કરવો વ્યર્થ છે. ગંગા તમારી હોત તો તમને મળ્યા વગર ચાલી જાત? ખરેખર એના જેવી ભાગ્યશાળી સ્ત્રી આ સૃષ્ટિમાં - આ કળિ-કાળમાં મળવી મુશ્કેલ છે, સત્યયુગમાં સ્ત્રીઓ સતી થતી ને બળી મરતી એમ કહે છે, પણ આ કળિકાળમાં તેનાથી વિશેષ પ્રતાપી સ્ત્રીઓ છે. કિશોરલાલની પૂઠે ગંગા બહેન સતી થઇ, એ વૃત્તાંતે તો આખા શહેરને ખળભળાવી મૂક્યું છે. જેવો કિશોરલાલ પડ્યો તે સાથે જ એ મૂર્છા ખાઇને પડી ને તે જ ક્ષણે તેનો આત્મા ચાલ્યો ગયો, ને પોતાના પતિ સાથે આજે તે જગત્પિતાની હજૂર વિરાજે છે. સતી તે શું, કંઇ કહેવામાં છે કે? પતિ મૂવો તે પૂઠે ચિતા ખડકવી ને તેમાં બળી મરવું તે સતીપણું દુનિયા દૃષ્ટિનું છે; પણ ખરું સતીપણું તો આ જ ! એમના પ્રેમનો મહિમા અલૌકિક ગણાશે. એનું નામ તો “યાવચ્ચંદ્ર-દિવાકરૌ” સૂધી રહેશે, ને તમારા જેવાને પેટે આવું રત્ન, એ કંઈ જેવી તેવી વાત નથી.”

“ભાઇ, મને એના મરણ માટે દુઃખ લાગતું નથી;” રડતાં રડતાં બિહારીલાલે કહ્યું, “પણ હાય ! એ છેલ્લું મારી સાથે બોલી હોત તો બસ હતું. એનું મરણ તો કંઇ દૈવી જ છે; ને કિશોરલાલ નાગરી ન્યાતનું નાક હતો.”

“બેશક, એમાં શક શો છે?” બીજા મિત્રે કહ્યું, “કિશોર પડ્યો તે સાથે ગંગા પણ પડી. ખરા પ્રેમની એ જ નિશાની છે. પ્રેમનું જે લક્ષણ છે, તે કહી બતાવાય તેવું નથી, પણ સમય પરત્વે દેખાઇ આવે છે. મોહનચંદ્રના ઘરપર જે કોપ ઉતર્યો છે તેવો કોઇને ત્યાં ઉતર્યો નહિ હોય. એક દિવસમાં ત્રણ મૃત્યુ ! ઈશ્વરની લીલા અજબ છે; એટલે તેને દોષ કેમ દેવાય? એ ઘણું ખોટું થયું છે! પણ ઈશ્વર૫ર વિશ્વાસ રાખીને બેસવું જોઈએ. હવે તમારે તો આ પુત્રરત્નને સંભાળવાનું છે! અને ગુણવંતી ગંગાના સ્મરણ માટે કંઇ કરવાનું છે.” “એના સ્મરણાર્થ શું કરવું યોગ્ય છે ?” પહેલા મિત્રે કહ્યું: “તેનું નામ, તેનું કામ, ને તેનું સતીપણું એ ત્રણે ઐક્યથી ત્રિપુટી માફક એવાં સુદૃઢ મળેલાં છે કે તે આ નગરીમાં તો શું પણ કોઇપણ સ્થળે કીર્તિવંત રહેશે. વૈધવ્ય અવસ્થામાં શ્વેતવસ્ત્ર પહેરીને ગંગા બીજા હજાર વર્ષનું આયુષ્ય ભોગવત, તેના કરતાં આ એનું મરણ વધારે કાળ સ્મરણ કરાવશે. રુડી સ્ત્રીને ગંગાનું નિર્મળ નામ આનંદ આપશે, ભૂંડી સ્ત્રી એના કર્તવ્યનું શિક્ષણ લઇ સુધરશે.”

“ખરેખર તેમ જ છે, એનાથી વધારે સતીત્વ દર્શાવનારી સ્ત્રી મળશે નહિ.” સર્વે શ્મશાનિયા એકે અવાજે બોલ્યા, ને નવધાર આંસુએ રડ્યા. ગંગાના પિતાને પોતાની કુળવંતી દીકરીના મરણનો જે અપાર શોક વ્યાપ્યો હતો, તે નરમ પાડવાને કારણ મળી આવ્યું. છેલ્લે સર્વેએ કહ્યું કે:-

"कुळवंती गंगा जेवी
सद़्गुणी सुंदरीओ
हिंदु संसारनुं भूषण छे !"समाप्त