લખાણ પર જાઓ

ગંગા - એક ગુર્જર વાર્તા/કરમાયલું કુસુમ

વિકિસ્રોતમાંથી
← ગંગા ગંગા - એક ગુર્જર વાર્તા
કરમાયલું કુસુમ
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
વિપત્તિનું સાક્ષાત્ સ્વરૂપ →


પ્રકરણ ૩૧ મું
કરમાયલું કુસુમ

મૂળામુઠ્ઠા નદીના સંગમ આગળ એક સુંદર બંગલામાં કિશોરલાલ ને ગુણવંતી ગંગા આવીને રહ્યાં છે. પગ નીચેથી મૂળામુઠ્ઠા વહી જાય છે. ઉપર એક ઘણો રમણીય બગીચો છે, અત્રે વસ્યાને ત્રણ મહિના પૂરા થઇ ગયા છે, ને ચોથો માસ ચાલુ છે. ઘણો લાંબો સમય થયાં ગંગા માંદી પડી હતી, પણ પૂનામાં આવીને વસવા પછી તેની શરીર આરોગ્યતા ઘણી જલદીથી સુધરી ગઇ છે, જેવી સુધરવાની કદી પણ આશા રાખવામાં આવી નહોતી. બંગલો, ગંગાએ પોતાની રસિકતાને યોગ્ય લીધો હતો. જ્યારે તેઓ અત્રે દાખલ થયાં ત્યારે બગીચાની હાલત ઘણી કંગાલ હતી; પણ જેમ જેમ ગંગાની શરીર શક્તિ સુધરતી ગઇ, તેમ તેમ વધારે સારી રીતે તેણે પોતાના રસને યોગ્ય બગીચાને બનાવ્યો.

પ્રભાતનો પહોર હતો ને સૂર્યનારાયણ ક્ષિતિજના ઉપર હજી ધીમે ધીમે નીકળતો હતો. ચલિયાં ચકચક કરી રહ્યાં હતાં, પનઘટપર ભક્તિમાન આસ્તિક સ્ત્રીપુરુષો સ્નાન કરીને દેહ પવિત્ર કરતાં હતાં ને ઉદ્યોગી પુરુષો ઉદ્યોગે વળગ્યા હતા. ઉદ્યોગી ગંગા તે વેળાએ પોતાના નદી તટના બગીચામાં કામે વળગેલી હતી. તે હાથમાં પાણી સિંચવાનું વાસણ લઇને આમ તેમ ફરીને કુમળાં વૃક્ષોને પાણી સિંચતી હતી. એક બાજુએ બગીચાનો માળી પોતે કામે વળગેલો હતો, બીજી બાજુએ એક ખુરસીપર કિશોરલાલ અંગ્રેજી રોજીંદું પત્ર વાંચતો હતો, ત્રીજી બાજુએથી ઓવારાપરના લોકોના ગડબડાટનો અવાજ આવતો હતા. સામેપાર કુદરતની ખૂબી છવાઇ રહી હતી. કિનારાપર ઝાડોની હારની હાર એવી લાગી રહી હતી કે, કોઇ કોઇ સ્થળે સૂર્યનાં કિરણોનો પ્રવેશ થવા પણ મુશ્કેલ થઈ પડતો હતો. ત્યાં એક કાગડાનું જૂથ ભેગું થઇને દોડાદોડ કરી મૂકતું હતું, તેપર કિશેાર દૃષ્ટિ લગાવીને વિચાર કરતો હતો કે, મનુષ્ય પ્રાણી કહે છે કે કાગડાનું આયુષ્ય મનુષ્યની સાત પેઢી જેટલું લાંબું હોય છે તે શું સાચું ? કોની પાસે તેની સાબીતી છે? ગંગા મોહિની ભરેલે ચહેરે વૃક્ષોને સીધાં કરી, પાણી સિંચી પોતાના પ્રિયને જોતી હતી, ને પાછી પોતાના કામમાં વળગી પડતી હતી. બાગના ક્યારડાઓમાં અહીં આવ્યા પહેલાં માળીએ એક બટમોગરો રોપ્યો હતો, તેનું ગંગાએ જાતે જ જતન કીધું ને તે પર તે બહુ વહાલ રાખતી હતી. બાગને ચાર ભાગમાં વહેંચી નાખ્યો હતો, ને વચોવચ એક નાનો ફુવારો કીધો હતો. સમચોરસ ક્યારડાઓમાં એકમાં સીસાની પાળ, બીજામાં નળિયાં, ત્રીજામાં ઈંટ ને ચોથામાં કાચની પાળો બાંધી, તેમાં વળી નાની કયારડીઓ કીધી હતી. આ વખતે આમાંની એક ક્યારડીમાં પાણી સિંચતી તે પોતાના વહાલા બટમોગરાને પાણી સિંચવા આવી; પણ કમનસીબે તે છોડવો તદ્દન કરમાઇને મૃત્યુ પથારીએ આવી પડ્યો હતો ! આવો દેખાવ જોઇ તે એકદમ ગભરાઇ ને પોતાના મનમાં જ કંઇ અનેક તર્ક વિતર્કો આવ્યા તેથી તે ઠરી ગઇ ! તત્ક્ષણે ડાબા હાથમાંનું પાણી સિંચવાનું વાસણ જમીનને, અને જમણા હાથની ટચલી આંગળી ગંગાના હોઠપર એકદમ જઈને અથડાઈ ને તે મનમાં બેલી: “રે મારો પ્રિય મોગરો ગયો, હાય ! એ શું બન્યું !” આટલું બોલતાં તો તે જડભરત માફક ઠરી ગઇ; તેનાથી નહિ હલાય, નહિ ચલાય, નહિ બોલવાની શુદ્ધિ રહી, ને તે એકદમ ઘણી ગભરાટમાં પડી ગઇ ! બેશક દુઃખ શોકનો સમય ક્યારે આવવાનો છે તે કોઇ જાણી શકતું નથી ! અને તેમાં કેટલોક સમય તો એવો આવી પડે છે કે જાણે તે આપણને આવી પડનારા ભયથી ચેતાવે છે. ઘણીકવાર આપણે પોતે ચેતતા નથી, પણ ઈશ્વર આપણને કંઈ ગેબી સૂચના-ભવિષ્યવાણી જણાવે છે કે “ચેતજે માનવી, તારી પાછળનું ભય અણીપર આવી પડ્યું છે.” પણ મનુષ્ય ચેતતો નથી, ગર્વમાં ઘેલો બનીને પોતાને અમરતા મળેલી માને છે. ગંગા કંઇ આવી અભિમાની નહોતી, તેની ઈશ્વરપર પૂર્ણ આસ્થા હતી, તેના હૃદયમાં સદા જ તે જગતપિતાનું સ્મરણ થયા કરતું હતું. તે છતાં પોતાના વહાલા મોગરાને ચુંથાયલો જોઇ, કંઇક નવીન જ ભય તેના મનમાં ઉપજી આવ્યા. તે ઘણી ગળગળી થઇ, ને તટસ્થ ઉભી ને ઉભી જ રહી, ને શું થશે એ ભયથી ગભરાઇ ગઇ !

તરત કિશેારલાલની તેનાપર નજર પડી, પહેલે તો પોતાની પ્રિયાની ઉભી રહેવાની લઢણ, તેની મુદ્રા, તેનો હાથ, તેનો પોશાક, તેનું ગોરાપણું, તેનું તેડાપણું, તેનું ગૌરવ ને નરમાસ, તે સધળાપર સૂર્યનાં ઝાંખાં કિરણો પડતાં હતાં તેપર એક સામટું તેનું લક્ષ ગયું, ને હોઠપર રહી ગયેલી આંગળી, ને દિગમૂઢપણું એ જાણે ઉર્વશી, પોતાના પ્રિયતમ પુરૂરવા રાજાનો વિચાર કરતી હોયની તેમ વિચારમાં આજે ગૂમ થયેલી ગંગા છે એવું બતાવતું હોય તેમ તેને ભાસ્યું. ક્ષણવાર તે ટગર ટગર જોઇ રહ્યો. ગંગા હાલતી પણ નથી ને ચાલતી પણ નથી, એ જોઇ તે વિસ્મય પામ્યો; પણ મનમાં વિચાર્યું કે તે કાંઇક મોટી ગભરામણમાં પડી છે; એટલે ઉઠીને તેની પાસે ગયો, ને પૂંઠેથી જઇને ધીમેથી ખભાપર હાથ મૂક્યો, કે ચમકતાંની સાથે ગંમાથી અકસ્માત બોલાઇ જવાયું, “હાય હાય, મારું વહાલું ફૂલ કરમાઇ ગયું.”

“એ શું પ્રિય ગંગા ? કયું તારું કુસુમ કરમાઇ ગયું ?” કિશેારલાલે મિત હસિતવદનથી પૂછ્યું. “કોણ, પ્રિય ?” પુંઠ ફેરવીને ભોંયે પડેલા વાસણ સાથે અથડાઈ તેથી તે લથડિયું ખાતી, એકદમ ગળગળી થઈને, પોતાના પ્રિયના ખભાપર બન્ને હાથનાં આંગળાંની આંટી ભેરવી, ખભાપૂર હાથ નાખી, ટીંગાઈ જઈને શોકવદને આંખમાં આંસુ લાવતી વળગી પડી ને બોલી.

“કેમ, ગંગા, પાછાં માંદા પડવું છે કે ? પ્રિયા ! જો યાદ રાખ, તારી તબીયત ઠેકાણે આણવાને ઘણી મહેનત પડી છે, ને હવે તારે હસી રમીને વખત ગાળવો જોઈએ. પણ આમ શોકસંતા૫ કરીને ગાળવાનો નથી, શું કામ તારે સવારના પહોરમાં આટલો બધો શ્રમ ઉઠાવવો જોઇયે ? તું થાકીને લોથ થઇ ગઇ છે, ને તારી અશક્તિને લીધે જ તારાથી આમ ગળગળાં થઇ જવાય છે.”

“નહિ, નહિ પ્રિય;” કિશેારને ગંગાએ પોતાનો શેાક દર્શાવતાં ઘણી જ નમ્ર વાણીથી કહ્યું-“તમે જાણો છો કે મને કામ કર્યા વિના ચાલતું નથી, ને હું હોંશથી કામકાજ કરું છું. પણ એમ નહિ ધારતા કે તેથી હું કંટાળું છું, મને કામ કરવાની હોંશ જ છે, ને મને તે કર્યા વગર ગમતું નથી, પણ તેથી જ મને કંઇ દુઃખ થયું છે એમ નહિ ધારશો. આજે કંઇપણ માઠો બનાવ ઘણો જલદીથી બનનાર હોય તેવી મારા મનમાં લાગણી થાય છે. તેમ માનવાનું કારણ એ જ કે આ મારો વહાલો મોગરો કરમાઇ ગયો.”

“છટ ! વેહેમી થઇ ? એવું શું કારણ છે કે તું હવે ગભરાય છે ? હોય નાશવંત પદાર્થપર પ્રીતિ રાખવાનું કારણ નથી. જે ખીલ્યું તે ખરશે, ને જન્મ્યું તે મરશે જ. તેમાં શોક સંતા૫ શાનો ને કેવો ? એવો વહેમ ન લાવ. વહેમથી ને વહેમથી જ તું અડધી માંદી પડી છે.”

“મને જરા પણ વહેમ છે જ નહિ, ને મારા માથાપર તમે નકામો આરોપ મૂકો છો. પ્રાણપ્રિય ! મને તમે કોઇ પણ દિવસે વહેમી જોઇ છે ખરી ? સામાન્ય લોકોમાં ચાલતા વહેમને મેં ધિક્કાર્યા છે. હું તેવા વહેમ રાખનારને સુધારું છું, તેમનાં મન કેળવીને સારાં બનાવું છું. પણ પ્રાણનાથ, જે કંઇ હું હમણાં તમોને કહું છું તે કંઇ એમ નથી કે માત્ર વહેમથી ઉત્પન્ન થયેલું પરિણામ હોય. માત્ર કંઇ અદૃશ્ય ઈશ્વરી ભવિષ્યકથન થયું હોય, તેમ મનના કોઇ ખૂણામાં એવી લાગણી ઉત્પન્ન થઇ આવી છે કે મારે માથે જે હવે પછી અરિષ્ટ આવવાનું છે, તેનું પ્રારંભ ચિહ્ન તે આ મારા મોગરાનું કરમાઇ જવું છે અને શું તમો એક દિવસ નહોતા કહેતા કે ઈશ્વર કોઇક શક્તિને એવી રીતે પ્રેરે છે કે જે કવચિત્ ભવિષ્યનું રડું ભુંડું ચિહ્ન દર્શાવે છે ? અને જે કંઇ અસર શરીરના તે છૂપા ભાગમાં થાય છે તે શક્તિનું જોર, યેાગ કે કોઈ બીજાને યેાગે, જ્યાં મનુષ્યની મન:શક્તિ પહોંચી શકતી નથી, ત્યાં મુખત્વે કરીને ઉત્પન્ન કરે છે ?” એક ઘણા જ ઉત્તમ પ્રતિના યોગની તકરાર ગંગાએ આણી, ને કિશેાર વિસ્મય પામ્યો.

“ચલ, ચલ, એવી ખોટી તકરારો નહિ કર, તારે તે માત્ર તારું શરીર સુધારવાનું છે, કંઇ યોગ ને બોગની તકરારો કરવાની નથી. એ તો હોય, ફૂલ ઘણું સારું હતું ને તે કરમાઇ ગયું, બીજું વાવજે, ને તે આબાદ થશે.”

“એમ નહિ બને !” કોઈ અજબ જેવા તોરથી ગંગા આઘી ખસીને બોલી, તે “વહાલું, ને પ્યારું તે પ્યારું ! એકવાર વહાલું ગણ્યું તે નહિ હોય તો પછી જીવાય નહિ, તો બીજીવાર વહાલું કોણ કરે ? મને મારા આવા ફૂલ વગર નહિ ચાલે; પણ હવે હું કદી પણ મેાગરો વાવીશ નહિ, અને ઉછેરીશ પણ નહિ. આજથી મેાગરો મને વહાલો નથી. અરે નહિ, પણ તેનું નામ નિશાન દઇશ નહિ, એ મારા પ્રેમની સીમા છે.”

“બહુ સારું, હવે ચાહનો સમય થયો છે, તો ચાલ આપણે એ બાબતપર કોઈ બીજે પ્રસંગે તકરાર કરીશું. પણ ખોટો વહેમ મનમાં રાખતી નહિ, એમ કરવાથી વળી શરીર વધારે બગડશે.”

ગંગા ઘણી દિલગીરીમાં જ લીન થયેલી કિશેાર સાથે ઘરમાં ચાલી, તથાપિ તેના મનમાં જે ઉદ્વેગ, ભય, અનુકંપ ને શોક વ્યાપ્યો હતો તે મટ્યો નહિ. ઘરમાં જઇને ચાહ પીતાં પીતાં કિશોરે તેના મનને ધીરજ દીધી ને કહ્યું કે, “સહજ બાબતપરથી મનમાં એવા તર્કવિતર્ક ઉઠાવવા, એ કોઇ પણ દિવસે ખરા પડતા નથી. ઘણી વેળાએ એમ પણ બને છે કે, ખરાબ વિચાર આવ્યા પછી સારાં કામો-પરિણામો આવે છે. તેમ જે કારણથી શોક કરવાનું કારણ મળતું હોય, તે કારણ સારામાટે પણ હોય. નરસું થાય તે સારાને માટે હોય છે, એવું તમે જાણતાં નથી કે શું ?”

“હાં જાણું છું, પણ એવું કેટલી વેળા બને છે ? ભાગ્યે હજારમાં એકાદ વેળા, ને તે પણ સંજેગાસંજોગના કારણથી જ.” ગંગાએ જણાવ્યું કે, “એવા અનેક પ્રસંગો મને યાદ છે કે મનને ક્ષોભ પમાડે તેવું કામ થયા પછી કદી પણ આત્માને સ્થિરતા ને નિશ્ચિતતા મળતી નથી, તે સદા જ વેદના ભેાગવતો ને ભાગવતો રહે છે; જો કે આત્માને કંઇ લાગતું વળગતું નથી, એમ ઘણુ જ્ઞાની જનોનું કહેવું પણ થયેલું છે.”

“બેશક, જે અમર છે તેને કંઈ લાગે વળગે નહિ. જે કંઇ સુખ દુ:ખ ઉત્પન્ન થાય છે તે તો માત્ર આ નાશવંત દેહના ભાવ છે. તારે યાદ રાખવું કે, આત્માને એ કંઈ વસ્તુતઃ વળગતું જ નથી, ને તેને કંઇ થતું પણ નથી.” કિશેારે જૂદી જ તકરાર આણી.

“ત્યારે મનમાં થાય છે તે શું ?”

“કંઇ જ નહિ, માત્ર મિથ્યા કલ્પનાનો માની લીધેલો દોષ.” વાત બંધ પડી, તથાપિ ગંગાનું હૃદય રડતું બંધ પડ્યું નહિ.