લખાણ પર જાઓ

ગંગા - એક ગુર્જર વાર્તા/અજાણ્યો પરોણો

વિકિસ્રોતમાંથી
← લગ્નસરા ગંગા - એક ગુર્જર વાર્તા
અજાણ્યો પરોણો
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
કમળીના વિચાર →


પ્રકરણ ૯ મું
અજાણ્યો પરોણો

અજાણ્યો પુરુષ કોણ છે એમ ઘરમાં ગુસપુસ વાતચીત થવા લાગી. કમળી આ અજાણ્યા પરોણા તરફ ટીકી ટીકીને જોવા મંડી ને ઘણા ઉલટપાલટના પ્રશ્નો પોતાની ભાભીને પૂછ્યા. જો કે તે ભણેલી ગણેલી ડાહી છોકરી હતી, તથાપિ આ વેળાએ આ અજાણ્યા પરોણાને જોઈને તે ઘણા પ્રકારના વિચાર કરવા લાગી. કિશોરલાલના ઓરડામાં આ અજાણ્યા પરોણો પોતાની કોલેજ સંબંધી વાતચીત કર્યો જતો હતો. તેણે હાલમાં ચાલતા સુધારાવિષે પણ કેટલીક વાતચીત ચલાવી, ને તેમાં બાળવિધવાનાં દુ:ખો સંબંધી કેટલીક વાત કીધી. જુવાન માણસો આવી વાતચીતમાં બહુ શૂરા હોય છે. પણ તેમને ખબર હોતી નથી કે તેનાં પરિણામો કેવાં થાય છે. કિશોરલાલે આ વાતચીત પર પૂરતું લક્ષ આપ્યું; તથાપિ પોતાનો વિચાર પ્રત્યક્ષ રીતે બતાવ્યો નહિ.

કિશેારલાલનો આ તરુણ મિત્ર વયે હજી વીસ વર્ષનો ખૂબસૂરત અને કાવલા ઘાટનો હતો. તેના મોંનો ચહેરો મન આકર્ષે તેવો હતો. હજી સુધી તેણે લગ્ન કીધું ન હતું, ને તેને લગ્ન કરવાનો ઈરાદો પણ ન હોતો, અથવા હશે તોપણ તે કોઈના જાણવામાં ન હોતો. તે કુલીન માબાપનો તથા વાણિયાની ઉત્તમ ન્યાતનો હતો. તેના વિચાર સ્ત્રીઓ માટે ઘણા વિલક્ષણ હતા. ને તે પરણવામાં સુખ નથી, પણ દુ:ખ છે એમ માનતો હતો. ઘણી વેળાએ તેનાં માબાપ તથા ભાઈ ભાંડુઓએ ઘણો ટોક્યેા હતેા પણ કશી દરકાર રાખી નહોતી.

બંને મિત્રો એકેક પ્રત્યે પ્રેમભાવથી વાતચીત કરતા હતા, તેટલામાં કમળીએ ભાઈને માટે ચાહ લાવીને મૂકી. બે પ્યાલા મૂક્યા તેમાંથી એક કિશોરે લઈને બીજો આ અજાણ્યા પરોણાને આપ્યો. કમળીને જોતાં આ મિત્રને કંઈ અજાયબ રીતની કરુણા છૂટી. તેને મનમાં આ બા૫ડીની દયા લાગી આવી ને વિચાર્યું કે આવી કુમળી વયમાં વિધવાપણું વેઠવું એ ઘણું સંકટકારક છે.

કમળીને જોતાં આ અજાણ્યા પરોણાને જે દયા છૂટી, ને મોંપર પ્રસ્વેદનાં ટીપાં બંધાયાં તે કિશેારે જોયાં. એક બીજાએ એ બાબત કંઈ પણ દરકાર રાખી નહિ. આ પરોણાનું નામ મોતીલાલ હતું, ને તે કેટલાક દિવસ આ ઘરમાં મુકામ કરનાર હતો. તેના મનમાં પહેલે એવો વિચાર ઉઠ્યો કે કિશેાર તથા તેના ભાંડુઓ વિચારવંત છે, તેથી કદાપિ આ બાપડી કમળીને દુ:ખદ અવસ્થામાંથી છૂટી કરીશ; ને તેને માટે કદાપિ ચાર દહાડા વિશેષ રહેવું પડશે તો ચિન્તા નહિ.

પ્રેમ પહેલે પગથિએ બંધાય છે ત્યારે જો સામું માણસ દુ:ખી હોય તો દયા છૂટે છે; નિર્ધન હોય છે તો ધનથી મદદ કરવામાં આવે છે; આપત્તિમાં હોય છે તો તેમાંથી મુક્ત કરવાના ઉપાય યેાજાય છે અર્થાત્ તે જે રીતે સુખી થાય તેવા ઉપાય લેવામાં બાકી રાખવામાં આવતું નથી. પહેલે આ બધા વિચારો કંઈપણ હેતુ વગર બહાર પડે છે, પછી ધીમે ધીમે પ્રેમની ઘટના થાય છે, ને ત્યારે જ તે સંબંધી કંઈ પણ સમજણ પડે છે.

નિર્દોષ કમળી તરફ હમણાં જે પ્રેમ મોતીલાલને છૂટ્યો હતો તે પ્રથમ રુપમાં હતો. પોતાની બેહેન સમાન ગણીને મોતીલાલે કમળીનાં દુ:ખો તરફ હમણા તો નિગાહ કીધી હતી. બીજે દિવસે સવારના કિશેારના ઓરડામાં મોતીલાલ એકલો બેઠો હતો ત્યારે કમળી ચાહ આપવા આવી. તે વેળાએ માત્ર મોતીલાલે એટલું જ કહ્યું કે, “બેહેન, કિશોરલાલ હેઠળ ગયા છે તેમને ઉપર મોકલજો.” કિશેાર આવ્યા પછી વાતચીત કરતાં મોતીલાલે પૂછ્યું કે, “તમારી બેહેનની આવી દુ:ખી અવસ્થા કયાં સૂધી જોયા કરશો ?”

“એ વાતમાં આપણો ઉપાય નથી, ને આપણું કંઈ ચાલે પણ નહિ, તેમાં મારી માતા એવી તો વિલક્ષણ સ્વભાવની છે કે તેને કંઈ પણ કહેવામાં આવે તો તરત કુવો – તાપી કરવા તૈયાર થાય. તથાપિ મારી તથા મોટા ભાઈની એવી ઇચ્છા ખરી કે કંઈક રીતે એ બાપડી દુ:ખમાંથી છૂટે તો ઘણું સારું.”

“એસૌ તમારા હાથમાં છે. તમે ન્યાત જાતમાં મોટેરા છો, તે અગાડી પડીને કંઈ પણ કામ કરો તો તેથી બીજા ઘણાને દુઃખમાંથી છોડવવાનો આશીર્વાદ લેશો.” “એ સૌ ખરું, તથાપિ ન્યાત તરફની આશા ફોકટ છે. પણ જો કમળીની ઇચ્છા હોય તો મારા વિચાર પ્રમાણે તેને હું સધળી મદદ કરી શકું. પછી સુખ મળો કે દુ:ખ, તેની મને કશી દરકાર નથી. પરંતુ કમળી બેહેનની જ કોઈ પણ પ્રકારની ઇચ્છા નથી એમ મારા જાણવામાં છે.”

“પણ તે બાપડીના મનમાં શું છે તે તમારા જાણવામાં શી રીતે આવે ? તે કંઈ બોલી શકતી નથી.”

“એ તમારું કહેવું ખરું છે, પણ મેં તપાસ કરવામાં બાકી રાખી નથી. કેમકે એના વરનું મૃત્યુ થયું તે પહેલાં એનું પૂરેપૂરું લગ્ન થયેલું નથી. શાસ્ત્રવિધિ પ્રમાણે મંગળ ફેરા ફર્યા નહિ હોય તો તે લગ્ન જ નથી, તેથી ફરી લગ્નની વાત એક વેળાએ પિતાજીએ કરી હતી; પણ કમળીએ કહ્યું કે એક ભવમાં બે ભવ નહિ કરું.”

વાત એટલેથી જ બંધ પડી, પણ મોતીલાલને હવે વધારે ઉમંગ આવ્યો. કેમકે તેણે પોતાના મિત્રના સઘળા વિચાર આટલાથી જાણી લીધા. હવે કમળીની શી ઇચ્છા છે તે જાણવાને માટે મેહેનત કરવા ધાર્યું. હિંદુ લોકોના દરેકે દરેક ઘરમાં સ્ત્રીઓ સાથે વાતચીત કરવાની છૂટ હોતી નથી. સામાન્ય રીતે વહુવારુપર તો ઘણો જ અંકુશ રાખવામાં આવે છે. પણ દીકરીઓ સાથે ભાઈ બેહેન તરીકે વાતચીત થઈ શકે છે. તથાપિ તે છૂટનો લાભ બરાબર રીતે તરત ને તરત લઈ શકાતો નથી. કમળીના વિચાર આવી બાબતમાં શા છે તે જાણવાને માટે મોતીલાલે પત્ર વ્યવહાર ચલાવવો પહેલે ધાર્યો, પણ તે જોખમ ભરેલા કામથી એણે હાથ ઉઠાવતાં મોઢામોઢ વાતચીત કરવી, એને વધારે દુરુસ્ત લાગી. ચાર પાંચ દિવસમાં ઘરમાં રહીને પળોટાયાથી મોતીલાલની ભીડ ભાંગી ગઈ ને તે જેવો એક કુટુંબનો માણસ હોય તેમ ભેળાઈ ગયો. સૌ તેની સાથે મન મૂકીને વાત કરતાં હતાં. જેઠ માસની એક સંધ્યાકાળે પોતાના ઘરની પાછલી બારીએ કમળી બેસીને કંઈ ઉંડો નિ:શ્વાસ મૂકતી હતી. તેના પગ નીચે રસાળ ને ફૂલફળાદિથી ખીલી રહેલી વાડી આવી રહી હતી, ને જો કે ઉનાળાનો સખ્ત તાપ હતો, તેટલું છતાં આ બગીચાનાં ઝાડો સારી રીતે મનને આનંદ આપતાં હતાં. ચંદ્રનાં કિરણ સાદાં પીળચટાં પ્રસરી રહ્યાં હતાં; ને ચંદ્ર આ વિધવાનું મુખડું વધારે સારી રીતે ઝળકાવવાને તેના મોંપર જ પોતાનાં શીતળ કિરણો ફેંકતો હોયની એમ જણાતું હતું. આ વેળાનું તેનું સ્વરૂપ જ એાર તરેહનું દેખાતું હતું. ચોપાસે શાંત હતું, ને ઘરનાં સઘળાં એક મિત્રને ત્યાં મળવા ગયાં હતાં. પોતાની ખુશીથી જ કમળી ઘરમાં એકલી રહી હતી. દૂર વિશાળ ચોગાન હતું, ને ત્યાંથી દૂર અંબાભવાનીના દેવાલયનાં શિખરોના કળશ ઝળકાટ મારતા હતા. બીજી બાજૂએ બાલાજીના દેવળના કળશો સામા કિરણો ફેંકતા હતા. આ ચિત્ર વિચિત્ર અને અતિ મનોહર દેખાવ, જોનાર માણસની છાતીમાં આનંદનો પ્રવાહ ચલાવતો હતો. પણ બિચારી કમળીના મનમાં તેથી વિશેષ બળાપો થતો હતો. તે સુકોમળ, સફેદ ચામડીવાળી, સીધી પાતળી કમરની, નિતંબ પણ જરાક ભારે અને દેખાવડી હતી; નેત્રો હરણી જેવાં ચળકતાં હતાં; છાતી ભરાઉ ને કેશ છૂટા મસ્તકપર વિખરાયલા હતા. આ વેળાએ પોતાના દુ:ખ માટે કમળી મનમાં કંઈક સહજ બબડી. આ દુનિયામાં કાંઈ નથી એમ તેના મનમાં આવ્યું ને તે અકસ્માત બોલી ઉઠી કે, “જેનો સ્વામી દેવલોક સિધાર્યો તેના કરતાં તે જાતે જ યમલોક પ્રત્યે ગઈ હોય તો કેવું સારું? હાય ! હાય ! મારા પ્રિયતમ પ્રાણનાથ, તમે માત્ર હાથ ઝાલીને મારો અવતાર બાળી નાખ્યો, ને આ ખરી યુવાવસ્થામાં મુજ સમાન રાંકડીને બળી મરવાનો સમય આવ્યો છે. રે સતી-પતિવ્રતા ને સતી થવાના દિન ક્યાં ગયા ?” આટલું તેના મનમાંથી બહાર નીકળ્યું તે જાણે કોઈએ સાંભળ્યું હોય તેમ તેને લાગ્યું અને તે જ ક્ષણે એ ઓરડામાં મોતીલાલ આવ્યો — જો કે તેણે આમાંનું કંઈ જ સાંભળ્યું નહતું. તેનાં પગલાં સાંભળીને ગભરાયલે ચહેરે સલજ્જ, સભય કમળી ખુરશીપરથી પગ ખસેડી, બારીમાંથી ડોકું ખેંચી લઈ માથે લૂગડું ઓઢતી ફરીને ઉભી થઇ.

“બેહેન,” મોતીલાલે અતિ ઘણા નિર્દોષ પ્રેમથી કહ્યું, “આજે તમારી તબીયત સારી નથી શું ?” જો કે, કમળી સલજ્જ, સભય ને સકંપ થઇ હતી, તથાપિ આ વેળાએ તેના મનમાં વિચાર આવ્યો કે પોતાના દુ:ખની વાત કોઇએ સાંભળી હશે; ને તેથી ઘણી ગભરાટમાં પડી હતી. મોતીલાલ સાથે ઘણો બોલવાનો પ્રસંગ આ પંદર દિવસમાં પડી ગયો હતો; ને તેણે પોતે ઘણી વેળાએ તેને પોતાના ભાઇ સાથે કેટલીક વાતચીત કરતો સાંભળ્યો હતો, કે જે વાતચીત તેના પોતાના જ લાભની હતી. વળી એ કુલીન તથા આબરૂદાર ખાનદાનનો અતિ ઘણો વિવેકી તથા શાણો હતો, એમ તેની ખાત્રી થઇ હતી. તો પણ પોતાની વાત કંઈ પણ એ જાણે તો ઠીક નહિ, એમ એને પોતાના મનમાં લાગ્યું. બંને ઉભાં રહ્યાં, તેમાં મોતીલાલને વધારે ભારે થઈ પડ્યું.. પણ પછી ઘાડી છાતીથી ફરીથી પૂછ્યું: “બેહેન, જો તમને અડચણ ન હોય તો હું કેટલીક વાત પૂછવા માગું છું. થોડી મિનિટ થોભશો ?”

“શા માટે નહિ, તમો આગળ થોભવામાં શી અડચણ છે ભાઇ ?”

“હું તમારો વિચાર જાણવા ઇચ્છું છું. તમારો અભિપ્રાય માગું છું.”

“મારો વિચાર !” તે બોલી ઉઠી, “હું તે કોણ કે તમે મારો વિચાર ને સલાહ લેવાનો ઇરાદો રાખો છો ?”

“અલબતાં તમારો વિચાર ને સલાહ લેવાની મને જરૂર છે. હું નથી ધારતો કે એ બાબતમાં તમારા કરતાં કોઇ બીજાની સલાહ વધારે જરૂરની હોય. આજ કેટલા દિવસ થયાં તમારી કરુણાજનક કહાણી મેં જાણી છે. વારુ તમે, તમારા પિતા ને ભાઈ ભાંડુની આજ્ઞા પ્રમાણે વર્તીને સુખી થાઓ તેવી રીતે વર્તવાને તૈયાર છો કે નહિ બેહેન ?” કમળીએ કંઈ પણ જવાબ દીધો નહિ.

“જો તમારી સંપૂર્ણ મરજી હોય તો કિશેાર ને હું તમને સારી રીતે મદદ કરી શકીશું. પણ જો તમારી ઇચ્છા ન હોય તો તે પ્રમાણે સ્પષ્ટપણે જણાવશો, ને પછી ઈશ્વરભજનમાં કાળ ગાળો એટલે કશી હરકત નથી. પણ રોજ રોજ શરીરપર તવાઈ લાવવી ને હમણાં જેમ તમારી આંખેામાંથી નવધાર આંસુ વેહેતાં હતાં તેમ શું રોજ રોજ એક તમારો પ્રિય ભાઈ જોઇ શકે ?”

“નહિ જ!” કમળીએ ધીમેથી ઉત્તર દીધો.

“ત્યારે ઉપાય શું? કોઇપણ સારો માર્ગ લેવાવો જોઇએ, કે જેથી તમારી તરફથી સૌ નિશ્ચિંત થાય.”

“એ સૌ ખરું ભાઇ, પણ એમાં કોઇનું ચલણ નથી. ઉપાય એમાં છે જ ક્યાં ? કિશોરભાઈ ક્યાં અજાણ્યો છે ?” નીચી નજરે કમળીએ આંસુ વર્ષાવતાં કહ્યું.

“એ બાબતમાં એક ઉપાય છે. મને તથા કિશેારને વિચાર કરતાં એમ જણાય છે કે તે શિવાય બીજો ઉપાય નથી.”

કમળી ચુપ જ રહી.

“મારા કહેવાથી કંઇ અંદેશો આણશો નહિ.” તેણે પોતાનું બોલવું જારી રાખ્યું. “આ ઘણા અવનવા બનાવની વાત સાંભળતાં જ કોઇ પણ માણસ ચમકી જાય, પણ શાસ્ત્રાજ્ઞા તથા બીજા સંબંધો જાણ્યા પછી ઘણા આપ્તજનો પણ એવી બાબતો પસંદ કરશે. પહેલાં તમારી મરજી જાણવાની જરૂર છે, પછી ઉપાયની યોજના ઘડીએ. તમને કંઈ હરકત છે બેહેન ?"

“હા !” ઘણી ધીમેથી કમળી બેલી, “તત્કાળ ઉતાવળે કંઈપણ સાહસ કરવું ઠીક નહિ, પણ–”

“પણ શું? હજી તમે નક્કી વિચારપર આવ્યાં નથી ! ક્ષણભર ફરી વિચાર કરો, જેટલું તમારે માટે અમે જોઇયે છિયે તેટલું તમે નહિ જોતાં હો તેમ નથી, પણ વિચાર શક્તિની ખામી છે. તમારા માટે તમારા પ્યારા ભાઈ તથા બાપને કેટલું દુ:ખ લાગે છે તે તમે જાણો છો ? ગઈ કાલે રાત્રિના તમારા ભાઇની આંખમાંથી જે આંસુ વહ્યાં હતાં તેનાં જો તમે સાક્ષી હોત તો આ પ્રમાણે 'ના' કહેત નહિ. તેમને પોતાની આબરૂ, કુટુંબનું ગૌરવ તથા દરજ્જો સાચવવાનાં છે, એટલે તમારાથી વધારે ફિકર તેમને છે, પણ જ્યારે તમે ના કહેશો ત્યારે તેઓ નાચાર થશે. તેમની દિલગીરી ને લાગણીને માટે તમને કાળજી નથી ? કમળી બેહેન ! તમે વિચાર કરો, હજી તમે ના પાડો છો ?” એટલામાં મોતીલાલની આંખમાંથી ડબક ડબક આંસુ વહ્યાં.

“ભાઇ, હું ઘણી દિલગીર છું કે તમે મારા માટે આટલી બધી કાળજી રાખો છો ! મેં મારા નસીબપર જ વિશ્વાસ રાખ્યો છે, તેની ઇચ્છામાં આવે તે કરે. હજી મેં તમે કહો છો તેપર કશો વિચાર જ કીધો નથી, પણ શાસ્ત્રાજ્ઞા શી છે તે તપાસી, મારો ધર્મ અવશ્ય સચવાવો જોઇયે.”

“કમળી બેહેન તે માટે બેફિકર રહેજો.”

“પણ હજી મેં વિચાર નથી કીધો, તેથી હમણાં તો એ વિચાર બંધ રાખો.”

“જેમ તમારી મરજી, પણ અમે હવે બે ચાર દિવસમાં મુંબઈ જઇશું, માટે આ સઘળી વાત સંબંધી શો વિચાર છે તે તમે નક્કી કરી મને પત્ર લખી જણાવજો. પણ ખૂબ વિચાર કરજો.”

તરત મોતીલાલ કિશેારની પાસે ગયો, કે જે આ વાતનો શો નિવેડો લાવે છે તે જાણવાને આતુર હતો. સઘળી હકીકત તેને જણાવવામાં આવી ને તેના મનમાં આશાનો કાંઇક ઉદય થયો.