ગંગા - એક ગુર્જર વાર્તા/કમળીના વિચાર

વિકિસ્રોતમાંથી
← અજાણ્યો પરોણો ગંગા - એક ગુર્જર વાર્તા
કમળીના વિચાર
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
એલ્ફીન્સ્ટન કૉલેજ →


પ્રકરણ ૧૦ મું
કમળીના વિચાર

પાકલાક-વીસ મિનિટ સહજમાં ચાલી ગઈ, ને કમળી પોતાના મન સાથે મોતીલાલ, ગંગા ભાભી અને પોતાનો વિચાર કરતી ગુમ થઇને બેઠી હતી. કોઈએ પણ આ શાંતિમાં ભંગાણ પાડ્યું નહિ. મોતીલાલ સાથે જે વાતચીત થઈ તેથી તે ઘણી વિસ્મય પામી ને રખેને આ વાતની અંદર કંઈ ભેદ હોય એમ વિમાસણ કરવા લાગી. ઘડી ઘડીમાં તેના કાનને ભણકારા વાગતા કે રખે કોઈએ એ વાત સાંભળી હોય ને તે દબાવાને આવતું હોય ! કાન ધરીને કોઈના આવવાનો અવાજ તે સાંભળતી હતી, પગલાં સંભળાતાં હતાં, પણ વળી તે હવામાં ઉડી જતાં હતાં. પણ તેટલામાં કોઈ નજીક આવી પહોંચ્યું. અંધારું હતું તેથી થોડીવાર તે કોણ છે તે જણાયું નહિ, પણ જ્યારે તે નજીક આવ્યું ત્યારે કમળી ખુશી થઈ. આ વેળાએ તેની વહાલામાં વહાલી ગંગા ભાભી તેની નજીક આવીને ઉભી રહી.

“મોટી બેહેન, કેમ એકલાં બેઠાં છો ?” આવતાંને વાર એકદમ ગંગાએ સવાલ કીધો. કમળી કંઈ પણ તે ક્ષણે બોલી શકી નહિ. તરત ગંગાએ તેના મોં તરફ નજર કરી તો માલમ પડ્યું કે તેની આંખમાંથી ડબક ડબક આંસુનો ધોધવો વહી જતો હતો. “શું છે મોટી બેહેન? કાં એમ રડો છો ? કોઈએ તમને કંઈ કડવો સુકન કહ્યો કે શું ? તમારી સઘળી હકીકત મને જણાવો, હું તેનો ઇલાજ કરીશ. એમ રડવે ક્યાં સુધી પાલવશે ?”

પછી બન્ને હેઠળ ઉતરી વાડીમાં ગઇ. વાડીમાં એક બાંક હતો. તેનાપર બન્નો બેઠી. ડુસકાં ખાતાં ખાતાં કમળીએ પોતાની હકીકત કહી. મોતીલાલ રખેને પેચ રમીને ગયો હોય એમ પોતાનો વિચાર બતાવ્યો. મોતીલાલના વિચાર તથા તેની કમળી તરફની મમતા સ્વચ્છ હતાં, ને તે વેળાએ એણે જે જે વિચાર બતાવ્યા તે માત્ર કમળીના કલ્યાણ માટે જ હતા એમ જ્યારે ગંગાએ જાણ્યું ત્યારે તે ઘણી રાજી થઇ. ઘણો વખત બન્ને વચ્ચે વાતચીત થયા પછી ગંગાએ માત્ર એટલું જ જણાવ્યું કે “આ બાબત કંઈ જેવી તેવી નથી. એ બાબત પર ઘણી સારી રીતે વિચાર થવો જોઇએ. આ બાબત કોઇના જાણવામાં આવે તો પણ ઘણું વિપરીત પરિણામ થાય.” તરતને માટે કંઇપણ બોલ્યા વગર બન્નેએ પોતપોતાના વિચાર મનમાં જ સમાવ્યા.

“જો આ વિચાર સાસુજી જાણશે તો ખચીત તમને ને સાથે મને જીવતી રહેવા દેશે નહિ, માટે મોટી બેહેન, મોં બહાર શબ્દ પણ કહાડતાં નહિ. 'એાઠ બહાર તે કોટ બહાર' તેમ તે થાય તો પણ હાલમાં મૌનવ્રત લેવું જ સારું છે.” ગંગાએ જણાવ્યું.

“એ તો તમે કહો છો તે ખરું છે, કે મારે એ વાત નહિ જ બોલવી જોઇએ. પણ આપણે અત્યારે રાતના દશ કે અગિયાર કલાકે વાડીમાં જઈને શું કરતાં હતાં તે માજી પૂછ્યા વિના રહેશે નહિ, તેનો શો જવાબ દેવો?” ઊઠવાની તૈયારી કરતાં કમળીએ પૂછ્યું.

“એ તો ખરું છે મોટી બેહેન ! પણ તમે ગભરાતાં નહિ. માજી ઘણું કરીને હમણાં સુઈ ગયાં હશે, ને જાગતાં હોય તો એમ જ કહેજો કે હું ને ભાભી વાર્તાઓ કરતાં હતાં.” ગંગાએ સલાહ આપી. પછી બન્ને ઘર તરફ ચાલી.

“હજી હું સંસારની વાતમાં કંઈ જ સમજતી નથી, તો પણ મોટી ભાભી, તમે જો નહિ હોવ તો રડીરડીને જ મરી જાઉં. ઘરમાં તો તમે જાણો છો તેમ સઘળે બીઆબારું ને ખડા ખાસડું થઈ રહ્યું છે. જાણવા પ્રમાણે મોટા ભાઈ હવે જૂદા પડશે, ને ત્યારે મારે તો આશ્રય જ નથી !” કમળી બોલી.

“મોટી બહેન, તમે જાણતાં હશે કે હું ઘણું સમજતી હઇશ, પણ તેમ નથી. મને પણ હજી વીસ પૂરાં થયાં નથી તો પછી મારામાં તે શી અક્કલ હોંશિયારી હોય? પણ જે વાત તમે કાઢી છે તેમાં તમારા મોટા ભાઈનો શો વિચાર છે તે મને જાણવાની તક મળશે તો ઘણું સારું થશે. તમારા મોટા ભાઈ એ બાબતમાં ઘણા સમજુ છે, ને મોતીલાલે કંઈ પણ વાત કરેલી તેમાં તેની સંતલશ હશે, પણ કંઈ આગળ પડીને કરવા ચાહે છે કે બેઠા બેઠા કરવાનો વિચાર રાખે છે તે જાણવું વધારે જરૂરનું છે. તમારી બાબતમાં મારા વિચાર કંઈક જૂદા છે!” ગંગાએ જણાવ્યું.

“અને તે શું ?” કમળીએ પૂછ્યું.

“બીજે પ્રસંગે જણાવીશ.” ગંગાએ ઉત્તર દીધો, કેમકે તેમણે ઘરના ઉમરાપર પગ મૂક્યો હતો, ને બનેને એમ લાગ્યું કે લલિતા શેઠાણી જાગે છે.

બન્ને છૂટી પડી ધીમે ધીમે કંઈ પણ અવાજ કર્યા વગર પોતપોતાના શયનગૃહમાં ગઈ. લલિતા શેઠાણી જાગતાં હતાં, પણ સારે નસીબે કંઈ પણ કચાટ કીધી નહિ, ને તે રાત શાંતિથી વીતી ગઈ. બીજે દિવસે રાત્રિના કિશેાર ને મોતીલાલ મુંબઈ જવાના હતા. ગંગાએ પોતાના પતિ માટેનાં સઘળાં વસ્ત્ર ને પેટીઓ તથા પુસ્તકો તૈયાર કીધાં. રાત્રિના કિશેાર પોતાના એક મિત્રને ત્યાં મળવા ગયો હતો, ને ત્યાંથી આવતાં ઘણી રાત વીતી જવાથી ઘેર આવતાં વેંત જ પોતાના શયનગૃહમાં સૂવા ગયો.

હજી સુધી ગંગા જાગતી હતી. દીવા પાસે “મુક્તામાળા”નું પુસ્તક પડ્યું હતું. એ પુસ્તકનાં ત્રણેક પ્રકરણ વાંચ્યા પછી કંટાળો આવ્યો, ને તેને પડતું મૂક્યું અને કિશોરના પગની સપાટ ભરવા માંડી. આ સપાટ કિશોર મુંબઈ લઈ જનાર હતો, માટે બીજી સાંઝ સૂધીમાં તૈયાર કરવાની હતી. ભરત ભરવામાં ગંગા ઘણી ચપળ હતી, ને તે વળી સૌથી વધારે સફાઈ સાથે ભરી શકતી હતી. તેના જેવું સરસ ભરત ઘણી થોડીજ પારસી સ્ત્રીઓ પણ ભરી શકતી ને સૂરતની નિશાળમાં તેના ભરતના નમુના હજી પણ ઈનામના મેળાવડા વખતે મૂકવામાં આવતા હતા; જે જોઈને યૂરોપિયન અને દેશી સૌ ઘણાં વખાણ કરતાં હતાં. ગરીબોના પોષણ માટે તેથી એણે એક સારો માર્ગ લીધો હતો. જે ભરતો એ ભરતી હતી તે ઘણી વેળાએ યૂરોપિયન મડમોને પણ પસંદ પડવાથી, તેને તેઓ ખરીદ કરતી હતી. લાગત ખરચ મજરે લઈને બાકીના પૈસા ધર્માદામાં, નિરાશ્રિત સ્ત્રીઓ તથા અનાથ બાળકોના ઉપયોગમાં તે ખરચતી હતી. આ વાત જ્યારથી યૂરોપિયનોમાં પ્રસિદ્ધ થઈ, ત્યારથી મેલાવડા વખતે ઊપરાચાપરી એના ભરત કામની ઘણી માગણી થતી હતી; અને કોઈ કોઈ વેળાએ એના નમૂના સો ને સવા-સોની કિંમત સૂધી વેચાયા હતા.

સાધારણ નિયમે હિન્દુ કન્યા, માતા ને બેહેનોને હાલ ઘણી બુરી ટેવ પડી છે. તેઓ આખો દિવસ વાતોના તડાકા મારવામાં કે કુથળીઓ કરવામાં વખત કહાડે છે. ઘણું કરે તો બે ચારનાં ઘર માંડશે ને બે ચારનાં ભાંગશે; ને નહિ તો પાડા પેઠે ખાઈને એદી માફક ઊંઘ્યા કરશે. મહારાજનાં મંદિરો તેમનાં વિલાસનાં સ્થળો છે, ને ત્યાં જ પૈ પૈસો આપવો તે ધર્મદાન સમજે છે. આજ કાલ મુંબઈ શેહેરમાં જો જોઈશું તો “ફૅશનેબલ” સ્ત્રીઓ ઘણી થઈ પડી છે. સુરતમાં સ્ત્રી વિધવા થઈ એટલે કાં તો ઈશ્વરભજન કરીને કાળ નિર્ગમન કરે છે, ને ગરીબ હોય તો દાળ વીણશે, ચાબકીઓ ગુંથશે, દળશે, ચીકણનું ભરત ભરશે, ને ટોપી ચોળી શીવશે; પણ મુંબઈની વિધવા તો પોતાનો સ્ત્રીધર્મ મૂકી દઈને, તરુણ હશે તો છટેલ થશે ને મધ્ય વયની હશે તો અનીતિએ વર્તશે. સ્ત્રીધર્મના નામપર તો પાણી જ ફરી વળ્યું છે. તે બાપડીઓના પોષણ માટે પણ કોણ દરકાર કરે છે? અનાથ બાળકો, પોતાની માતાની કેડ ઉપર ભૂખ્યાં ટળવળે છે તેને પૈ પૈસો આપવાનું મન કોઈ કરતું નથી. અંગ્રેજ સ્ત્રીઓ ઘણી વેળાએ “ફેન્સી બઝારો” ભરે છે, તે પોતાની જાતવાળાઓને મદદ કરવાનો એક સરસમાં સરસ માર્ગ છે, પણ દેશી બાઈઓ નિંદા, મહારાજના ચરણસ્પર્શ ને આળસમાંથી પરવારે ત્યારે આવા સારા કામના વિચાર કરે કેની ?

ગંગા મધ્યરાતના પણ પોતાના કામથી પરવારી નહોતી. આજે વધુ મોડું થવાનું કારણ એ હતું કે તે બહાર ગઈ હતી, ને ત્યાંથી આવતાં ઘરની તકરાર, કમળાનું સમાધાન, એ સઘળામાં તેને ઘણો વખત ગયો હતો; ને તેને લીધે પોતાનું ખરું કામ ચૂકી ગઈ હતી, પણ આજનું કામ કાલ પર નહિ રાખવું એ નિયમ ધારીને જરા પણ આળસુ રહી નહિ. સપાટ પૂરી કરીને તેણે આ વેળાએ એક સુંદર કોલર ઈનામના મેળાવડામાં મૂકવાને ભરવા માંડ્યો હતો તે પૂરો કરવાનો હતો, ને તે માટે તે ઘણી મેહેનત લેતી હતી.

કિશેારલાલને પોતાના શયનગૃહમાં પગ મૂકતાં, પોતાની પ્રિય પત્નીને ઉદ્યોગમાં ચકચૂર જોવાથી ઘણો અચંબો પ્રાપ્ત થયો. તેણે ધાર્યું હતું કે હવે ગંગા ઊંઘી ગઈ હશે, પણ તે ધારણામાં એણે ચૂક કીધી હતી. તેમાં વળી પોતાનું પગલું ઓરડામાં પડ્યા છતાં, કામની ઉતાવળને લીધે ગંગાએ નજર પણ નહિ કીધી, ત્યારે કિશોર ઘણો આનંદમગ્ન થયો, તેને મનમાં એમ જ લાગ્યું કે આવી સુલક્ષણી સ્ત્રી જેને મળે તેનું પૂર્ણ ભાગ્ય જ સમજવું.

થોડીવાર ગંગાની પૂઠ નજીક આવીને ઉભા રહ્યા પછી એકદમ તે સામે આવ્યો, તે પડછાયાના ચમકાટની સાથે ગંગા બોલી ઊઠી, “કોણ એ ?"

“પ્રિયે! હજુ સુધી તું સુતી નથી ?” કિશોરે અતિ આનંદ અને પ્રેમ સાથે પૂછ્યું.

“ના પ્રાણનાથ ! આપને એમ કેમ પુછવું પડ્યું? હજી આ૫ તો હમણાં જ પધારો છો, ને તે પેહેલાં મારે સુવું એ શું મારો ધર્મ છે કે ?” ગંગાએ ઊઠીને આદરસત્કાર કરતાં કહ્યું. “બાર વાગી ગયા છે ને આમ તમે હંમેશાં ઉજાગરા કરશો તો તમારી તબીયત બગડશે, માટે મેં તે સહજ પૂછ્યું છે.”

“મારા તરફની આપ લેશમાત્ર પણ ચિંતા કરશે નહિ, પ્રિય ! પણ આપના મિત્ર નથી આવ્યા ? આપ તો તેમની પાસે સૂશોની ?” ગંગાએ પૂછ્યું.

“મોતીલાલ કોઈને મળવા ગયો છે, ને હવે આવે તેમ સંભવતું પણ નથી. મૃગાક્ષીના પ્રેમદર્શનને લોભે-”

“મારે આપની સાથે કેટલીક ઘણી અગત્યની વાત કરવાની છે, તમે પધાર્યા તો ભલે પધાર્યા ?” એકદમ પોતાની સ્તુતિ થતી અટકાવીને વચ્ચે ગંગા બેલી ઊઠી, “હમણાં આપ શયન કરો, હું ઝટ આ કોલર પૂરો કરું છું ને પછી આપને પૂછી જોઈશ.”

“મારા ખાતર તમને આટલો બધો શ્રમ કરવા દઈશ નહિ.” હવે તમે પણ સુઈ જાએ તો ઠીક, તમે મને શું પૂછવાને વિચાર રાખો છો તે હું જાણું છું, પણ હમણાં તે વાતવિષે ચર્ચા ચલાવતાં જ નહિ. એનો ઉત્તર તો તમને મુંબઈ ગયા પછી લખીશ, પણ મારી એક સલાહ છે કે કમળી બેહેનને તમે હમેશાં ધીરજ આપજો. તે ગભરાય નહિ.”

ગંગા અબોલ રહી, કિશોરલાલ પણ ચૂપ રહ્યો. બંને પોતપોતાના મનમાં સમજી રહ્યાં. કિશેારને પોતાની પ્રિય પત્ની તરફ હવે અગાધ પ્રેમ છૂટ્યો. અર્ધો કલાક સુધી બંને એક બીજાનું મનોહર મુખડું નિહાળ્યા કરતાં હતાં; પણ બેમાંથી એક મધુર પ્રેમરસના પાનથી તૃપ્ત થયાં નહિ ભરપૂર પ્રેમામૃતના વહેતા ઝરામાંથી પાન કરતાં કોણ મનુષ્યપ્રાણી તૃપ્ત થાય વારુ? સરખું જોડું હતું, ને સરખાં પ્રેમમસ્ત હતાં, તેથી કોણ કોને વિશેષ ચહાતું હતું તે કહેવાને કોણ શક્તિમંત થશે ? કિશેાર ઘણીવારે થાકી પોતાની શય્યાપર ગયો ને મનમાં જ બોલવા લાગે કે- “કેવી સુલક્ષણી છે ! પોતાની સ્તુતિ સાંભળવાને પણ ના પાડે છે. મારી તરફ જ નહિ, પણ આખા મારા કુટુંબ પછાડી એ પોતાનો પ્રાણ આપવાને તૈયાર છે. રે ગંગા ! ગંગા ! તારા જેવી સલુણી સ્ત્રી જેને મળે તે પોતાને કેમ ભાગ્યશાળી ન ગણે ? જો મારી માતા વિવેકે વર્તે તો તો પછી મારા કુટુંબ જેવું એક પણ કુટુંબ સુખી ગણાશે નહિ.” આવો વિચાર કરે છે તેટલામાં ઘણે દરજ્પ્જે સપાટ તૈયાર કરીને ગંગા પતિ પાસે આવી, ને આ બંને પરસ્પરનાં નેત્રમણી, દંપતીએ આનંદ સાથે શયન કીધું.

* * * * *

એલફીન્સ્ટન કૉલેજમાં રજા પૂરી થઈ હતી, કિશોરલાલ ને મોતીલાલ મુંબઈ રવાના થયા હતા. કૉલેજમાં પોતપોતાના અભ્યાસમાં બંને જણ સારી રીતે ગુંથાયા; ને તેમાં ઘણાં દિવસ સૂધી કિશોરને પોતાની પ્રિયતમ મૂર્તિને પત્ર લખવો સૂઝ્યો નહિ. કિશોરપર ગંગાના પત્રો આવતા હતા, તેમાં કમળી બેહેનને માટેનો ખુલાસો વારંવાર પૂછવામાં આવતો હતો, પણ શો ખુલાસો કરવો, તે તેને ઘણે વિચારે પણ સૂઝ્યો નહિ, મોતીલાલની મરજી કમળીને પોતાનો વિચાર બતાવવાની ને તેનો જાણવાની ઘણી હતી, પણ પેહેલ કરવી તે ઠીક કે નહિ એવા વિચારથી તે પણ લખતો અટકી ગયો. કૉલેજમાં જેમ જેમ પરીક્ષા પાસે આવતી ગઈ, તેમ તેમ વધારે શ્રમમાં વિદ્યાર્થી મચ્યા હતા. દોઢ માસ થયાં કિશેાર અભ્યાસ પર ખૂબ મચ્યો હતો. તેની તો આ જ એક છેલ્લી આશા હતી; જો તે એમાં નિષ્ફળ થાય તો પછી એની ચઢતીનો સૂર્ય અસ્ત થયો એમ જ એ માનતો હતો. મોહનચંદ્રના પિતા ગમે તેટલા પૈસાવાળા હતા, તથાપિ હમણાં તેમની આવક ને ધંધો બંધ પડી ગયાં હતાં. કિશેારને ભણાવવાની મરજી તો ખરી, પરંતુ ઘણી વેળાએ પૈસાની તાણ પડતી હતી. તેમાં જ્યારે જ્યારે કૉલેજમાં ફી ભરવાને માટે નાણાં માંગવામાં આવે ત્યારે ત્યારે ઘરમાં શેઠાણી રમખાણ કરી મૂકતાં હતાં. તેમને એક સાંળુ કે સાડી લેવી જ વધારે કીમતી હતી, પણ પોતાના દીકરાના કલ્યાણ પછાડી જરાપણ દરકાર નહોતી. પણ આ બધા દુઃખમાં દિલાસા જોગ તો એ જ હતું કે ગંગા જ્યારે ને ત્યારે સૌની ચિંતા દૂર કરતી. છેલ્લી ફી ઘરમાંથી આપવામાં નહિ આવી, ત્યારે કિશેાર ઘણો ચિંતામાં પડ્યો. પરંતુ તે ચિન્તા ગંગાએ ક્ષણમાં દૂર કીધી. ગંગાનો પિતા હંમેશાં દર માસે પોતાની પુત્રીને વાપરવાને પચીશ ત્રીશ રૂપિયા મોકલતો હતો. આ બધા પૈસા કંઈ લૂગડાં કે ઘરેણાં કે ખોટા ઠાઠમાઠમાં ગંગાએ વાપરી નહોતા નાખ્યા, પણ એકઠા કીધા હતા. જ્યારે કિશેારની ફી માટે ચિંતા પડી ત્યારે પેાતાની પાસે આશરે બે હજાર રૂપિયા એકઠા થયા હતા; તે સઘળાની સેવિંગ બેંકની ચોપડી કિશોરને મોકલી આપી ને જણાવ્યું કે, એ પૈસા તમારા જ છે, મારા છે એમ જાણજો માં. કિશેારની છાતી, આ પ્રેમભાવથી ફૂલી ગઈ. પણ આમ તે ક્યાં સુધી ચાલશે એમ મનમાં વિચાર્યું. ઘણા પત્ર આવ્યા પછી પોતાને જોઇતા હતા તેટલા પૈસા કિશેારે લીધા; તથાપિ મનમાં વિચાર સીધો કે હવે એ પૈસામાંથી એક પૈ પણ નહિ વપરાય તો બહુ સારું. જો કે ગંગાને કિશેાર તરફ લેશ પણ પ્રેમ ઓછો નહોતો, તથાપિ કિશોરને આવી રીતના પૈસા લેવા ગમતા નહિ, ને તેથી ગમે તે થાય તોપણ આ વેળાની પરીક્ષામાં ફત્તેહ મળે તો ઠીક, એમ ધારીને તેણે એટલો બધો શ્રમ કીધો કે તેને પરીક્ષાના પાછલા દહાડામાં જરાક દમની અસર માલમ પડી.

પરીક્ષાના દિવસ નજીક આવ્યા તોપણ જરાએ તેણે વીસામો લીધો નહિ, તેણે પોતાની સ્થિતિની કે આરોગ્યતાની કંઇ પણ દરકાર કીધી નહિ. જેમ જેમ પરીક્ષાના દિવસો પાસે આવતા ગયા તેમ તેમ વધારે ઉજાગરા ને વધારે શ્રમ કીધો. પરીક્ષાના દિવસ આવ્યા. એ દિવસોમાં તે ઘણો ફીકા ચેહેરાથી પરીક્ષા આપવાને યુનીવર્સિટીમાં ગયો હતો. જો કે પાસ થવાની સઘળી આશા તેણે છોડી દીધી હતી, પરંતુ ઈશ્વરે એની સામે જોયું: ને ઘણા આનંદ સાથે બી. એ. માં પ્રથમ વર્ગમાં ઉંચે નંબરે પસાર થયો. પરીક્ષાની હાયશોષમાં તેણે પોતાની પ્રાણપ્યારીને પણ વિસારી મૂકી હતી. એક પણ પત્ર તેણે બે મહિના સુધીમાં લખ્યો નહોતો, પણ જ્યારે પરીક્ષા પૂરી થઈ ત્યારે એણે એક પ્રેમનો પત્ર લખવાનો વિચાર કીધો. પણ તેટલામાં એના હાથમાં ગંગાનો પ્રેમપત્ર આવ્યો ! જે ઘણા જ આનંદ સાથે હાથમાં લઈને એણે ઉકેલ્યો. એ જ દિવસે મોતીલાલના હાથમાં પણ એક પત્ર આવ્યો હતો.

₪₪₪₪₪₪₪₪₪