લખાણ પર જાઓ

ગંગા - એક ગુર્જર વાર્તા/મોતનું બીછાનું

વિકિસ્રોતમાંથી
← ખરી કસોટી ગંગા - એક ગુર્જર વાર્તા
મોતનું બીછાનું
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
અવ્યવસ્થા →


પ્રકરણ ૧૮ મું
મેાતનું બિછાનું

મીનારાના ઘડિયાળમાં કડિંગ કડિંગ રાત્રિના નવ વાગ્યા. ગંગા, કિશોર, અને આખું કુટુંબ મોહનચંદ્રની આસપાસ ઘણી શાંતિથી બેઠું હતું. કશો પણ અવાજ આવતો નહોતો. કોઇપણબોલતું નહિ. કિશેાર નીચું માથું નમાવીને પડ્યો હતો. તેની કાંતિ ત્રણ ચાર દિવસમાં ઘણી ક્ષીણ થઇ ગઇ હતી કેશવલાલ પણ ઘણો ખેદથી વ્યાકુલ થયેા હતો. તુળજાગવરી મદનને લઇને બાજુએ સૂતી હતી. વેણીલાલ ને વેણીગવરી જુદા જુદા ખૂણામાં બેઠાં હતાં. કમળા અત્યંત શોકાતુર હતી, ને તે ઘડીએ ને પળે ડચકિયાં ખાયા કરતી હતી. શેઠાણી ડોસાને નીચે ઉતારવા માટે કહ્યા કરતાં હતાં ને રીત પ્રમાણે “હાથે તે સાથે” એમ કહીને પુણ્યદાન કરવાને માટે વચ્ચે વચ્ચે બડબડતાં હતાં. કુળગોર ગૌદાન અપાવવાનું કહેવા આવ્યો હતો, જો કે તેનું કહેવું કોઇ સાંભળતું નહોતું, ને તેની આ દક્ષિણા જવાથી તે આજના નવા વિચારને ધિક્કારતો હતો, ને સૌ છોકરાઓને કપૂત કહેવાને ચૂકતો નહોતો, તથાપિ તેના બોલવાને ટાપસી પૂરીને શેઠાણી ટેકો આપતાં હતાં. કોઇએ કંઇ જ સાંભળ્યું નહિ ત્યારે ગોરે ઉઠીને જવા માંડ્યું, પણ ઉઠતાં ઉઠતાં એટલું તો કહ્યું ખરું કે, “મરણ પામ્યા પછી પ્રાણીને મહા કઠિન વેત્રવતી નદી તરવી પડે છે, ને તે વેળાએ ગૌદાન કામ આવે છે. જો ગૌ નહિ હાથ લાગે તો મરનાર પ્રાણી પોતાના પુત્ર પરિવારને શાપ દે છે, ને તેથી નસંતાન થાય છે.”

ગેારનો આ લવલવારો કાઈને પસંદ નહોતો. પણ ન્યાત જાતમાં નઠારું કહેવાશે, લોકો અપકીર્તિ કરશે, એ ભયથી ગંગાએ કમળીની પાસે કિશેારને બેલાવ્યો, ને તેને સમજાવ્યો. પહેલાં તો કિશેારે કંઈકશું સાંભળવાને ના પાડી, પણ ક્ષણભર વિચાર કરીને “ઠીક છે.” કહ્યું. પોતાની પાસેના રૂ. ૧૦૦ બહાર કાઢીને જણાવ્યું કે યોગ્ય માર્ગે સીધા ધર્માદામાં આપીશું. ગોરે તે પોતાનો લાગો જણાવ્યે, તેને પણ કોઈએ પત કીધો નહિ.

મોહનચંદ્રને હાથે સો રૂપિયા અડકાડવાનો લલિતાએ આગ્રહ ધર્યો. નકામી તકરાર થઈ પડશે તે હેતુથી તેમ કીધું. થોડી વાર વીતે ડોસાના ગળામાં ઘરેડો ચાલ્યો. સૌ કલ્પાંત કરવા લાગ્યાં. કમળાને આ સઘળા શોકકારક દેખાવથી ઘણું લાગી આવ્યું. તે તો ગાંડા જેવી આસપાસ રડવા લાગી. “મારા બાપા નહિ જીવે” એમ વારંવાર રડતી, બૂમ મારતી, આમથી તેમ દોડતી હતી. ગંગા વહેતે આંસુએ પણ તેને ધીરજ આપતી હતી. સૌ રડવા લાગ્યાં ને ઘરમાં એક હૃદયભેદક દેખાવ થઇ રહ્યો. શેઠાણી જે આટલીવાર ઘાડી છાતીનાં ને કઠિન હૃદયનાં થઇને બેઠાં હતાં તે વાળ પીંખવા લાગ્યાં ને હવે “મારું સૌભાગ્ય ગયું, મારો શણગાર ગયો.” એમ બૂમ મારવા લાગ્યાં. બરાબર મધ્યરાત્રિ થઈ સઘળે અંધકાર વ્યાપી રહ્યો હતો, તેવામાં મોહનચંદ્રે પોતાની ઝુંફતી આંખ ઉધાડી, ને અંબે અંબે કરતાં એકવાર ગંગા ને કિશેાર સામું જોયું ને તે જ પળે અતિ ઘણા સંતોષથી તેનો આમર આત્મા તે જગન્નિયંતા સમક્ષ પહોંચી ગયો. શ્વાસ બંધ પડ્યો, ને કિશેારે છાતીપર હાથ મૂક્યો તો સઘળું સૂનકાર જણાયું ને એક ચીસ સાથે બૂમ મારી કે “મારા પિતાજી ગયા!”

ઘરમાં રડારોળ થઇ રહી. શબના ઉપર જઇને કમળી પડી ને બૂમ મારી કે “બાપુજી, બાપુજી, જરાક તો બોલો ! તમારી વહાલી દીકરીને જરાક તો બોલાવો ! એ બાપુજી, નહિ બોલવાના ! હાય !” આમ બૂમ મારતી તે બિછાનાને વળગી પડી. સૌએ મળીને તેને દૂર ખસેડી, ગંગાની આંખમાંથી શ્રાવણ ને ભાદરવો વહેવા લાગ્યો ને “દાદાજી દાદાજી ક્યાં ગયા ! હૈં બા ! દાદાજી કેમ નથી બોલતા ?” એમ જ્યાં મદને આક્રંદ કીધો કે પછી તે કોઈથી મૂગું રહેવાયું નહિ. શેઠાણીએ ઘર ગજાવી મૂક્યું ! જો કે જીવતાં તો મોહનચંદ્ર પ્રત્યેની તેની વર્તણુક બહુ ધિક્કારવા યોગ્ય હતી, પણ “જીવતે ન જોયા તે મૂવા પઠે રોયા” તેમ મહા ભયાનક શોક કરી મૂક્યો. તેણે માથામાં ધૂળ ઘાલી વાળ તોડી નાખ્યા, અને એક નાદાન માફક ભોંયપર તરફડિયાં મારવા માંડ્યાં ! “હવે રામનાં રાજ ગયાં ને કુશનાં રાજ થયાં” એમ તે વિલાપ કરતી હતી. ઘરમાં ઘણો ગડબડાટ થઈ રહ્યો કે આસપાસના પડોસીઓ તથા ન્યાતિલાઓ આવી પહોંચ્યા. ઘરમાં પુષ્કળ સગાં ભરાઇ ગયાં, વેણીલાલ તો ગાંડા માફક “બાપુ, બાપુ” કરીને કોચની આસપાસ ફરતા હતા. કિશેારની અવસ્થા સૌથી માઠી હતી. તેનું હૃદય મુંઝાઈ જતું હતું, તેને પોતાના વસ્ત્રનું પણ ભાન નહોતું.

ન્યાતિલા આવી પહોંચ્યા કે સ્મશાનસ્વારીની ગોઠવણ કરવાને ઉતાવળ કરવામાં આવી. કોચમાં જ મોહનચંદ્રનું મૃત્યુ થયું તેથી કેટલાંક વાતો કરતા હતા. શેઠાણી જો કે રડતાં હતાં, તે પણ છેલ્લી ઘડીએ એકદમ ઉઠીને, લોટ, ગોળ ને ઘીને મેળવીને અંતકાળને લાડવો તૈયાર. કરી લાવ્યાં, ને મોહનચંદ્રના કાન આગળ લઈ જઈને કહ્યું કે “તમે, તમારું શોધી લેજો. આ વરસમાં જે ધર્મદાન થાય તે તમારે અંગે છે.” આમ કહીને ઘીને દીવો કીધો તથા અંતકાળિયા કાળમુખા બ્રાહ્મણને પેલો લાડવો, તેપર એક રૂપિયો મૂકીને આપ્યો.

મોહનચંદ્રને માળપરથી નીચે લઈ ગયા. ત્યાં લઈ જઈને શબને સ્નાન કરાવ્યું, તથા સફેદ પવિત્ર વસ્ત્રો પહેરાવ્યાં, જે જોકે કેટલાક ન્યાતિલાઓને ગમ્યાં નહિ, તો પણ કિશોરે તેમ કરવામાં અડચણ જોઈ નહિ. પછી રિવાજ પ્રમાણે છાણમાટીથી ભૂમિને પવિત્ર કરી શબને તે પર સૂવાડ્યું. રામરામની ધૂન ચલાવી, જો કે આ પવિત્ર આત્માને તો તે સાથે લેશ પણ સંબંધ હતો નહિ. ન્યાતિલાઓએ વાંસ દોરડી લઇ આવીને કરકટી બાંધી, તેનાપર મોહનચંદ્રને સુવાડી ગુપ્તેશ્વરના પવિત્ર તીર્થે અગ્નિસંસ્કાર કરવાને લઇ ગયા. ઘરમાંથી કરકટીને કાઢી લઇ જતાં ઘરમાં જે કોલાહલ ને રડારોળ થઇ રહી તે એટલી બધી તો તીક્ષ્ણ હતી કે તે સાંભળી રહેવું દોહેલું હતું. સઘળા પુત્રો તથા બીજા સગાઓ સ્મશાને ગયા, ને ન્યાતની સ્ત્રીએાએ ઘરની સ્ત્રીઓની આસપાસ ફરી વળી એકેકને ધીરજ આપવા માંડી. શેઠાણી ને કમળી છાતીફાટ રડતાં હતાં; બીજાં બધાં રડતાં રહ્યાં પણ શેઠાણી ને કમળી શાંત થયાં નહિ. ગંગા ઘણી સમજુ હતી, તથાપિ તેની આંખો સુણીને લાલ હિંગળેાક જેવી થઇ હતી. મોહનચંદ્ર નગરમાં સંભાવિત હતો તેથી પુષ્કળ લોક ભેગું થયું હતું, અને તેના મરણને કારણે સર્વ શોકમાં પડ્યું હતું, જો કે વયે વૃદ્ધ હતા, ને પાછળ પરિવાર સારો હતો તો પણ તેના મરણનો ઘા સૌને બહુ લાગ્યો.

સ્મશાનમાં શબને અગ્નિસંસ્કાર મોટા પુત્ર કેશવલાલે કીધો, ને ઘટસ્ફોટ કરી તાપીમાં સૌ નાહી સ્વચ્છ થઇને મોહનચંદ્રને ઘેર થઇને પોતપોતાને ઘેર ગયા. પ્રાતઃકાળ થયો હતો, ને સૌ પોતપોતાને ધંધે લાગી ગયા હતા, પણ જે ઘરમાં આ મહાશોકકારક બનાવ બન્યો હતો તે ઘર તો ખાવા ધાતું હતું. પશુ પક્ષીઓ આનંદમાં કલ્લેાલ કરતાં હતાં, આડોસી પાડોસીઓ પોતપોતાને ધંધે વળગી પડ્યાં હતાં ત્યારે મોહનચંદ્રનું ઘર એક શોકનું સ્થાન બન્યું હતું. ઘણા માણસો તેના પુત્રોને દિલાસો આપવા આવતા હતા. ઘણી સ્ત્રીઓ “સૌ ઠેકાણે એમ બને છે” એમ કહેતી હતી; પણ જે ઘરમાંથી એક રત્ન ઉપડી ગયું હતું તે ઘર તો અંધકારથી વ્યાપેલું હતું. પ્રાતઃકાળના સૂર્યનો પ્રકાશ સઘળે ઝળકી રહ્યો હતો, તથાપિ અહીં તો જ્યાં ત્યાં ઘોર અંધકાર વ્યાપી રહ્યો હતો, કિશેાર એક ખૂણે બેસીને પોતાના હવે પછીના ભવિષ્યને માટે વિચાર કરતો હતો. તેનું શરીર હમણાં તદ્દન નાકૌવતીમાં હતું. તેની ગૌરવર્ણ સુંદરી હમણાં રડી રડીને કૃશ થઇ ગઇ હતી. તેના મોંપરનું નૂર ઉડી ગયું હતું. તે હવે પોતાના પતિની ફિકરમાં પેઠી હતી. તે એમ ધારતી હતી કે જો આ શેાક કાયમ રહેશે તો કિશેાર બહુ નાકૌવત થઇ જશે. તે એકવડી કાઠીનો ને નાજુક હતો. ઘરમાં બીજા ભાઇએા હતા, પણ કિશેારને જ ઘરની પીડા હતી; અને જો કે તે પીડા દૂર થાય તેમ હતું તથાપિ એ મનમાં ઘણો મુંઝાયા કરતો હતો.

ધીમે ધીમે ઘરમાંથી શોક ઓછો થયેા. નિયમ જ છે કે ગમે તેવું કાજગરું મરણ પામે છે, પણ જેવી લાગણી તેનું મરણ થવાનું સાંભળતી વેળાએ થાય છે તેવી લાગણી મરણ થયા પછી થતી નથી; અને મરણ થયા પછી જેવી લાગણી થાય છે તેવી લાગણી તે પછીનાં દિવસેામાં રહેતી નથી. દુ:ખ આવી પડ્યા પછી માણસ રીઢું થાય છે. તેની લાગણી નગ્ન થાય છે, ધીમે ધીમે મરણનું દુઃખ વિસરી જવામાં આવે છે, ને જે સ્નેહની સાંકળ બંધાયલી હોય છે તે ધીમે ધીમે તૂટી જાય છે. ગમે તેવું હોય છે તથાપિ સૌ અંતે વિસારે પડે છે ને

"दिनो गणंतां मास, वरशे आंतरियां;
सूरत भूली साहबा, नामे वीसरियां."

તેમ જતે દહાડે સૌ વિસરી જવાય છે. એમ હાલ થોડાક દિવસ પછી મોહનચંદ્રને ત્યાં પણ બન્યું.