ગંગા - એક ગુર્જર વાર્તા/ઘરમાં તો જેમનું તેમ જ
← એલ્ફીન્સ્ટન કૉલેજ | ગંગા - એક ગુર્જર વાર્તા ઘરમાં તો જેમનું તેમ જ ઇચ્છારામ દેસાઇ ૧૯૨૮ |
પ્રેમ પરીક્ષા → |
ઘરમાં તે જેમનું તેમ જ
કિ શોરની તથા કમળીની સ્થિતિમાં આ વેળાએ થોડો ઘણો ફેરફાર થયો હતો. બે મહિનામાં મોતીલાલે લગભગ ૫૦ પત્રો કમળીપર લખ્યા હતા ને તેથી તેનું ચિત્ત ફરી ગયું હતું, તથાપિ પોતાની શિયળવૃત્તિમાં જરા પણ ખામી પડવા જેવું આચરણ કીધું નહોતું. કિશેારે વધારે અભ્યાસ કરવાનો વિચાર મૂકી દીધો હતો, ને કુટુંબને કંઈપણ આશ્રય મળે તેટલા માટે કોઈ સારી નોકરી મળે તેની શોધમાં લાગ્યો હતો. લડકણાં લલિતા શેઠાણીને પિયેરથી તેમના ભાઈનો કાગળ આવવાથી તેઓ પિયેર સીધાર્યા હતાં. સાથે કોઈ પણ ગયું ન હોતું. ખંભાતમાં તેમનું પિયેર હતું. ત્યાં તેઓ બે મહિના રહ્યાં તેટલામાં સઘળાં જણ કંટાળી ગયાં હતાં, ને ક્યારે જાય તેવી ઇચ્છા બતાવ્યા કરતાં હતાં. તુળજાગવરીનો પતિ પોતાની નોકરીપર હતો, તે આ વર્ષે સાહેબની સ્વારી છેક પંચમહાલમાં જવાની હોવાથી તેનાથી તરતા તરત પાછા અવાય તેમ નહોતું, પણ ઘરની સઘળી હકીકતથી તે વાકેફ હતો.
કિશેારે પોતાની ડીગ્રી લીધા પછી પોતાના કુટુંબને મુંબઈ બોલાવવા વિચાર કીધો, પણ નોકરીનું હજી અસ્થિર હતું તેથી વિચાર માંડી વાળ્યો. ગંગાએ પોતાનો વિચાર બતાવ્યો કે જો તમે એમ કરશો તો ઘરમાંથી સાસુ તથા સસરાજીને ઘણું ખોટું લાગશે, ને તેથી પ્રેમાળ દંપતી છતાં પણ વડીલોની ઇચ્છાએ વર્તવાને વધુ આતુર હતાં. એકવાર કિશેાર સૂરત આવી સૌને મળી ગયો. ઘરના ઢંગ તો પ્રથમ હતા તેનાથી વધારે ખરાબ તેના જોવામાં આવ્યા, મોટી ભાભીનો વિચાર જૂદાં રેહેવાને ઘણોખરો નક્કી થઈ રહ્યો હતો. વેણીલાલ પણ ઘણો દિલગીર હતો. તેના અભ્યાસ માટે રોજની પંચાત પડતી હતી. તેમાં વેણીગવરી માંદી પડી ત્યારે સંસારી વ્યવસ્થાને લીધે તેનાથી જરાપણ મર્યાદા મેલાતી નહિ, ને મૂકે તો પીસ્તાળ પડતી હતી. ગંગા પોતે જ આ સઘળું સમજીને તેમને ઘણીક રીતે મદદ કરતી હતી, તેમ કોઈ કેાઈ વેળાએ વેણીલાલને પૈસા સંબંધી અડચણ પડતી ત્યારે “તમારા ભાઈએ પૈસા મોકલ્યા છે,” એમ સમજાવીને ખાનગી ખર્ચ માટે આપતી હતી. આ તેની વિવેકી મર્યાદા ખરેખર સ્તુતિપાત્ર હતી. આજે કેટલી વધૂઓ પોતાના સંસારને આવી રીતે સંભાળવાને તૈયાર થશે ?
ફાગણ મહિનામાં સઘળાં કુટુંબી પાછા આવ્યાં. પેહેલવેહેલાં તો ઘરમાં સૌ આનંદ પામ્યાં, પણ બેચાર દિવસ ગયા કે 'એ ભગવાન એના એ' તેમ પાછા ભઠવેડા જારી થયા. કેશવલાલ પણ આવ્યો હતો. એક જ દિવસ તેને બતાવવામાટે લલિતા શેઠાણી ચૂપ રહ્યાં; પણ તેમનો સ્વભાવ ગમે તેટલું છતાં પણ દબાય તેવો ન હતો. બીજે દિવસે રાતના, અગાઉ હતા તેવા વેશ માંડ્યા. એક ઓરડામાં નાની દીકરી, ચાકરડી તથા શેઠાણી સૂતાં હતાં. શેઠાણીની પાસે કમળી નહિ આવે તે તેમને ઘણું માઠું લાગવા જેવું લાગ્યું તેથી રોષમાં ઉપરાચાપરી બૂમ મારી કે, “કમળી કમળી ! એક- દમ અહિયા આવ.”
“માજી, બૂમ શા માટે મારો છે ?” એમ કમળીએ પ્રત્યુત્તર દીધો. પણ ગઈ નહિ, આથી શેઠાણી ઘણાં ગુસ્સે થયાં, ને મનમાં પોતાની જ દીકરીને ખૂબ ગાળો દીધી.
“અરે રાંડ આમ મરની ! ક્યારની બૂમ મારી રહી છું, પણ આ છોકરી તો સાંભળતી જ નથીને, કોઈને ગણકારશે પણ નહિ, રાંડ છાકી ગઈ છે ! હં હં ! પેલી રંડાઓનાં બધાં કર્મ છે, જે મારી સાત લાડની દીકરીને પણ છકાવી મૂકી છે, ને મારી સામા કીધી છે !” આમ લલિતાબાઈ બબડી ગયાં. “મોઢું સંભાળીને બોલજો, મેં તમારી દીકરીને રોકીએ નથી, ને હું તેને બેસાડતીએ નથી, શી એવડી ધાડ પડી છે કે એકદમ બૂમાબૂમ કરી મૂકી છે ! કંઈ ધાડબાડ આવી છે કે આટલો બધો ઘોંઘાટ કરી મૂક્યો ?” તુળજાએ સામે તતડીને ઉત્તર દીધો.
હવે લલિતાબાઈએ ગાળોની વૃષ્ટિ કરવા માંડી, ગંગાને પણ પુષ્કળ ગાળો દીધી ને તુળજાને પણ તેટલી જ દીધી. ગંગાએ એક શબ્દ પણ સાસુજી સામા કહાડ્યો નહિ, ઉલટી તુળજાને ઘણીએ વારી, પણ તે થોભી નહિ. જ્યારે ને ત્યારે ગંગા તેનું મોં પકડી રાખે; તેથી બે ચાર શબ્દ બોલે ને પછી પાછી બંધ પડે, ગંગાએ ધીમેથી કહ્યું, “ભાભીજી, બસ, માફ કરો, સાસુજીનો સ્વભાવ છે તે ગમે તેમ બોલે, પણ તમે ડાહ્યાં થઈને ગાંડાં કાં થાઓ છો ? એમનો ગુસ્સો નરમ પડશે એટલે આપોઆપ બંધ પડશે.” થોડીવાર તુળજા અબોલ બેસી રહી, પણ સાસુજીને જેમ જેમ કોઠું નહિ આપ્યું તેમ તેમ વધારે ઉપડ્યાં, તેથી આખરે એકદમ હાથ છટકાવીને તુળજાએ સાસુજી સામા જઈને કહ્યું:- “તોબા છે તમારાથી ! તમારા જેવી સાસુ કોઈને નહિ મળશો !! આ સારું સૂરત શેહેર છે પણ તમારા જેવી સાસુ તો કોઈને નથી. શામાટે આટલી બધી ગાળો દો છો ? અમે કંઈ તમારું બગાડ્યું ? તમને કંઈ કહ્યું કે તમારું વેણ ઉથાપ્યું ? જરા લાજો ! મોટાનાં ઘરને આ શોભતું નથી.” તુળજાએ જરાક વિવેકવાણી વાપરી કહ્યું.
“કમજાતની જણી, તારા જેવી વહુ કોઈને મળશો નહિ, નીચ તુખમની છે તેમાં બહુ બક્યા કરે છે કે ?” સાસુજીએ કહ્યું.
“જરા તપાસીને બોલજો. તમારું ખાનદાન કોને માલમ નથી?" વહુએ પણ તેટલાજ રોફમાં જવાબ દીધો.
“ જા રે જા ખાનદાનવાળી ! પીંજરડાની દીકરી, શું પતરાજ કરે છે કાબા ? આ પેલી ગંગલી ઘાંચણનાં કારસ્તાન છે ! તેણે તને ચઢાવી આપી છે, એ તે બેગમજાદીને પરવડશે, પણ સુતર કાંતનારીની દીકરીને પરવડવાનું નથી. હરામજાદી, મને બોલાવીને ક્યાં જશે ?”
“જુઓ વળી વધુ બોલ્યાં ! સંભાળો, નહિ તો હમણાં ખાનાજંગી થશે. ગંગાએ મને શું કહ્યું ને તમને શું કહ્યું? તે બચારી ઘરમાં આવી ત્યારની એક શબ્દ પણ બોલતી નથી, તેને નકામી શા માટે વગેાવો છો ? નકામું તેનું પાપ ધુવો છો તે નરકમાં પડશો !” તુળજાએ ખૂબ ખાર કહાડ્યો.
“તારી સાત પેઢી નરકમાં પડેની ! તેની હીમાયતણ આવી છે ! વહાલામુઈ ! ઠીક છે હમણાં કેશવાને આવવા દે, પછી તારી વલે કરાવું છું.”
“વલે શી કરવાના હતા ? મારી નાખશે, બીજું કંઈ ? મારો છૂટકો થશે. આવી જુલમગાર સાસુના તાબામાંથી નીકળતાં હું ઘણી સુખી થઈશ: પણ તમારા દીકરા તમારા જેવા નથી તો ! તે સારી રીતે જાણે છે કે આપણી મા સાત ગામની ઉતાર છે !” તુળજાએ ખૂબ જુસ્સામાં જવાબ દીધો.
ગંગાએ જોયું કે લડાઈ ઘણી વધી પડશે, ને તેનું પરિણામ ઘણું ખોટું આવશે તેથી એકદમ પોતાથી બનતા યત્ને તુળજાને બીજા ઓરડામાં ઘસડી ગઈ ને બારણાં બંધ કીધાં, ને પછી ખૂબ ઠપકો આપ્યો. ગંગાના ખૂબ હસમુખા ને વિવેકી સ્વભાવને લીધે તુળજા પોતાની બહેન કરતાં પણ ગંગાને વધુ ચાહતી હતી, એટલે તેના બોલવા સામે ગુસ્સો કીધો નહિ.
સંધું શાંત થયા પછી, “આજે તમે તો સાસુજીને ખૂબ ઉધડાં લીધાં ભાભીજી ?” કરડાકીમાં ગંગાએ કહ્યું, “વારુ તમે પણ સાસુજીને પહોંચી વળે તેવાં છો એટલે અમારાં જેવાંને સુખ છે. અમારું વેર વાળવાને તમે શક્તિવાન ખરાં, પણ ભાભીજી, થોડું બોલો તો ન ચાલે?”
તુળજાએ કશો જવાબ દીધો નહિ, પણ બારણે સાસુજી પોતાના ગુસ્સામાં ગાળોનો વરસાદ વરસાવ્યા જતાં હતાં, એટલામાં કેશવલાલ આવ્યો. લલિતાએ ખૂબ ગાળો દઈને તેને ચઢાવ્યો. “તારી બૈરી માને ગાળો દે, ને નીચ કુટુંબની કેહે તે મુવા ઢૌવા, તું જોયા કર. મારે પેટે એનાથી તું પથ્થર પડ્યો હોત તોએ ઘણું સારું.” આ શબ્દ કેશવલાલને વજ્રબાણ જેવા લાગ્યા. તે એકદમ ધસ્યો ધસ્યો પોતાના ઓરડામાં ગયો. ઓરડામાં ગંગા ને તુળજા વાતો કરતાં હતાં, તેટલામાં જોરથી કેશવે બારણાને લાત મારી. ગંગાએ તરત બારણું ઉઘાડ્યું, પણ બારણાં વચ્ચે ગંગા આડી ઉભી રહી, “ગંગા, મને જવા દે, હું તારું કંઈ નથી સાંભળવાનો.” ઘણા ગુસ્સાથી કેશવે જવાના આગ્રહ સાથે કહ્યું.
“અને તેનું કંઈ કારણ ભાઈજી ?” ઘણી નમ્રતા સાથે અતિશય આર્જવથી ગંગાએ કેશવને શાંત પાડવાને કહ્યું, “મારું સાંભળો, પછી તમારી ઇચ્છા પ્રમાણે વર્તજો.”
“નહિ, એમ નહિ. ભાભી, તું પણ એના જેવી બની કે ? બસ, એ લડાઈના કાલબૂતને શિક્ષા કર્યા વિના મને જંપ વળવાનો નથી. રોજ રોજ લડાઈ ને ટંટો ? એ કેમ ખમાય ? ઘરમાં આવ્યા કે તમારો જ સંતાપ, ઘડીકનો જંપ જ નહિ, ખસ, બાજુએ ખસ ને એ કમજાતની દીકરીની મને સેવા કરવા દે ગંગા ! !” કેશવે પોતાને ગુસ્સા કહાડ્યો.
“ખબરદાર, મને કમજાતની દીકરી કહી તો ! માના શીખવ્યા પરથી મારી સામા થવા આવ્યા છે, પણ ખબર કહાડજો કે કોની કસૂર છે, પછી બોલજો.” તુળજાગવરીએ પોતાનું બાકીનું બોલવાનું પૂરું કીધું, “મને કમજાતની દીકરી ફરીથી કહેતા નહિ.”
“હું દશ વાર કહેવાની સત્તા ધરાવું છું. તારા મગજમાં ઘણો ધૂમાડો છે તે ઘડીના છઠ્ઠા ભાગમાં કાહાડી નાખીશ.” કેશવે કહ્યું.
“બહુ સારું ! આબરૂ તમારી વધશે. 'નબળો માટી બૈયરપર શૂરા' એ કહેવત તમને લાગૂ પડશે.”
કેશવને વધારે ગુસ્સે ચઢ્યો ને એકદમ ગંગાને હડસેલો મારીને તુળજા સામે ધસ્યો. તુળજા પોતાના ધણી સામા થવાને તૈયાર જ ઉભી હતી. કેશવે હાથમાંની લાકડીનો સપાટો લાવ્યો, પણ એકદમ ગંગાનો હાથ વચ્ચે આવ્યાથી તેનાપર પડ્યો, ને ગંગાને ઘણી કળ ચઢી. સુલક્ષણી ગંગા એના માબાપને ત્યાં અતિશય લાડકી હતી, ને કદી એના બાપે કે માએ, તેમ કિશોરે પણ એક શબ્દ કહ્યો ન હતો, તેના સુકોમળ હાથપર આ ફટકો પડ્યો એ ઘણો લાગ્યો, તે પણ ઘણી ધીરજથી તે સહન કરીને કેશવને દૂર ખસેડ્યો, કેશવ હંમેશાં પોતાના નાના ભાઈની ધણિયાણીને - તેના સદ્ગુણને માટે જ નહિ, પણ ઘર કુટુંબમાં તે એક રત્ન છે એમ જાણીને અતિશય માનથી જોતો હતો, પણ આજે ક્રોધાંધ થવાથી જ અપમાન આપ્યું હતું. ગંગાએ દૂર ખસેડ્યાથી કેશવલાલ શરમાયો, ગંગાના હાથ પર લાકડીનો સપાટો પડ્યો હતો તેથી ગંગાની આંખમાંથી આંસુ વહ્યાં, પણ તે તેણે પોતાના પાલવથી લૂછી નાખ્યાં, જે કેશવે જોયાં.
“ગંગા ભાભી, તમને મારાથી અપમાન થયું છે, પણ મનમાં નહિ લાવતાં.” કેશવે ઘણા પ્રેમથી કહ્યું.
“તમારે માટે મારે શું ધારવું ? આજે કેમ ખામોશી નહિ પકડી ? આ પ્રમાણે સંસાર ચલાવશે કે ? હજી ઘણા દહાડા લેવાના છે તેથી એમ નભશે નહિ.”
“ગંગા, કદી માજીની ભૂલ હતી, તો પણ એણે જે રીતિ ચલાવી તે ઠીક હતી વારુ ?”
“મારે જવાબ દેવાની જરૂર નથી. તમે જાણો છો કે ઘડપણને લીધે તેમનો સ્વભાવ બગડી ગયો છે, પણ તમે જરાપણ લાયકી બતાવી નથી, ને ઉલટો કજિયો વધાર્યો. વગર જાણે કોઈના કહેવા પરથી એકદમ ગુસ્સો ચડે એવા આકરા સ્વભાવ નહિ રાખવા જોઈએ. શું ભાઈજી, મારે તમને એમ કહેવું કે તમે અજ્ઞાન છો ને માવડીમુખા છો ? મારાથી તેમ નહિ કહેવાય, પણ ભાભીજીને જે કંઈ તમે કહ્યું તે તદ્દન અણધટતું હતું. પણ હશે, હવે ચાલો વાળુ કરવા, મેં તમને જોયા કે તમે પણ યથાયોગ્ય છો !” “ગંગા, મારી ભૂલ થઈ, મને મા”-
“વાહ ! મારા સમ એક પણ શબ્દ બોલતા નહિ !” ગંગાએ કહ્યું.
આટલું કહીને કેશવે વાળુ કીધું નહોતું, તેને વાળુ કરવા તથા શાંત પાડવા તે તેડી ગઈ. વાળુ કરતાં કરતાં સઘળી હકીકત કહી ને કેશવને પોતાના આકળા તથા ઉતાવળિયા સ્વભાવ માટે પસ્તાવો થયો.
ખરેખરી ઘર ચલાવનારી સદ્ગુણી સુંદરી તે ગંગા હતી.