હિંદ સ્વરાજ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
હિંદ સ્વરાજ
મોહનદાસ કરમચંદ ગાંધી
કોંગ્રેસ અને તેના કારભારીઓ →


હિંદ સ્વરાજ-મુખપૃષ્ઠ


હિંદ
સ્વરાજ
મહાત્મા ગાંધી
નવજીવન પ્રકાશન મંદિર
અમદાવાદ

૬ાા આના

મુદ્રક અને પ્રકાશક
રામદાસ મોહનદાસ ગાંધી, નવજીવન મુદ્રણાલય
અમદાવાદ
*
સંવત ૧૯૭૮

કારાવાસના આ આઠમા પુણ્યદિને અમે પ્રજા આગળ આ પારાયણ-પુસ્તક રજુ કરીયે છીયે.


મહાત્માજીના કારાવાસને સાત મહિના વીતીને આઠમો બેઠો છે; પણ જ્યાં સુધી ‘હિન્દ સ્વરાજ’નું પારાયણ દેશમાં જાગૃત હશે ત્યાં સુધી મહાત્માજીનું તેજ ઝળકતું રહીને આપણો પન્થ ઉજાળતું રહેશે. જૂની રામાયણની બોલવાની રીત વાપરીયે તો, જે જે સ્થળે ‘હિન્દ સ્વરાજ’નું પારાયણ થશે તે તે સ્થળે મહાત્માજી હાજર રહેશે.


મહાત્માજી આફ્રિકામાં હતા ત્યારે ‘ઇન્ડીયન ઓપીનીયન’ કરીને પત્ર કાઢતા. તેના અંકોમાં ‘હિન્દ સ્વરાજ’ મૂળ પ્રસિદ્ધ થયું હતું. આ આવૃત્તિ તે મૂળ અંકો સાથે સરખાવીને છાપી છે.


આ પુસ્તકને સ્વદેશી કાગળ પર છાપ્યું છે અને ખાદીના પૂંઠામાં બાંધ્યું છે.


૧૮:૧૦:૧૯૨૨
વ્યવસ્થાપક
નવજીવન પ્રકાશન મંદિર
 

પ્રસ્તાવના

આ વિષય ઉપર મેં વીસ પ્રકરણ લખ્યાં છે, તે વાંચનાર આગળ મૂકવાની હિંમત કરું છું.

જ્યારે મારાથી નથી રહેવાયું ત્યારે જ મેં લખ્યું છે. બહુ વાંચ્યું, બહુ વિચાર્યું. વળી વિલાયતમાં ટ્રાન્સવાલ ડેપ્યુટેશન સારુ ચાર માસ રહ્યો તે મુદતમાં મારાથી બન્યા તેટલા હિંદીની સાથે વિચાર કર્યા, બન્યા તેટલા અંગ્રેજોને પણ મળ્યો. જે મારા વિચાર છેવટના લાગ્યા તે વાંચનારની પાસે મૂકવા એ મારી ફરજ સમજ્યો.

'ઈન્ડિયન ઓપિનિયન'ના ગુજરાતી ઘરાક આઠસેંને આશરે છે. ઘરાક દીઠ દસ જણ ઓછામાં ઓછા તે છાપું રસપૂર્વક વાંચે છે એમ મેં અનુભવ્યું છે. જેઓ ગુજરાતી નથી જાણતા તેઓ બીજા પાસે વંચાવે છે. આવા ભાઈઓએ મારી પાસે હિંદની દશા વિશે બહુ સવાલ કર્યા છે. એવા જ સવાલ મારી પાસે વિલાયતમાં

થયા. તેથી મને લાગ્યું કે જે વિચારો મેં આમ ખાનગીમાં બતાવ્યા તે મારે જાહેરમાં મૂકવા એ દોષિત નહીં ગણાય.

જે વિચારો બતાવ્યા તે મારા છે, ને મારા નથી. તે મારા છે, કેમ કે તે પ્રમાણે વર્તન કરવાની મારી ઉમેદ છે; તે મારા આત્મામાં ઘડાઈ ગયા જેવા છે. મારા નથી, કેમ કે તે મેં જ વિચાર્યા છે એમ નથી; તે કેટલાંક પુસ્તકો વાંચ્યા પછી બંધાયેલા છે. મનમાં જે ઊંડું ઊંડું જોતો હતો તેને પુસ્તકોએ ટેકો આપ્યો.

જે વિચારો વાંચનાર પસે રજુ કરું છું તે હિંદુસ્તાનમાં સુધારાની ધૂનમાં નહીં આવેલા એવા ઘણા હિંદી ધરાવે છે, એ તો કંઈ સાબિત કરવા જેવું રહેતું નથી. પણ તે જ વિચારો યુરોપના હજારો માણસો ધરાવે છે એ હું વાંચનારના મનમાં મારા પુરાવાથી જ ઠસાવવા માંગું છું. જેને તે શોધ કરવી હોય, જેને તેવો અવકાશ હોય, તે માણસ તે પુસ્તક જોઈ શકશે. જ્યારે મને

અવકાશ મળશે ત્યારે તે પુસ્તકોમાંથી કંઈ કંઈ વાંચનાર આગળ રજૂ કરવાની ઉમેદ છે.

'ઇન્ડિયન ઓપિનિયન'ના વાંચનાર અથવા બીજાના મનમાં મારું લખાણ વાંચીને જે વિચારો આવે તે તેઓ જણાવશે તો આભારી થઈશ.

ઉદ્દેશ માત્ર દેશની સેવા કરવાનો, ને સત્ય શોધવાનો, ને તે પ્રમાણે વર્તવાનો છે. એટલે મારા વિચાર ખોટા નીવડે તો તેને પકડી રાખવાનો મને આગ્રહ નથી. જો તે સાચા નીવડે તો તે પ્રમાણે બીજાઓ કરે એમ દેશના હિતાર્થે સાધારણ રીતે લાગણી રહેશે.

સરળતાની ખાતર લખાણને વાચક અને અધિપતિ વચ્ચે સંવાદ હોય એવા રૂપમાં આપ્યું છે.

મોહનદાસ કરમચંદ ગાંધી
 

ક્લિડૉનન કૅસલ,
૨૨-૧૧-૧૯૦૯
હિંદ
સ્વરાજવન્દે માતરમ્

‘હિન્દ સ્વરાજ’ના હિન્દી અનુવાદ ઉપર મહાત્માજીએ લખેલી પ્રસ્તાવનામાં નીચેના મીલ સંબંધી. ઉલ્લેખ તેમણે કર્યો છે:

‘આ પુસ્તક મે ૧૯૦૮ ની સાલમાં લખ્યું હતું. બાર વર્ષના અનુભવ પછી પણ મારા ખ્યાલ હતા તેવા ને તેવા જ રહ્યા છે. મારી ઉમેદ છે કે વાચકવર્ગ મારા આ ખ્યાલના પ્રયોગ કરીને તેની સિદ્ધતા- અસિદ્ધતાનો નિશ્ચય કરી લેશે.

મીલોના સંબંધમાં મારા વિચારોમાં આટલું પરિવર્તન થયેલું છે કે હિન્દુસ્તાનની ચાલુ હાલતમાં માન્ચેસ્ટરના કાપડ કરતાં હિન્દની મીલોને ઉત્તેજન આપીને પણ આપણું કાપડ આપણા જ દેશમાં પેદા કરી લેવું જોઈએ.’

(સં. ૧૭૭)
 

‘હિન્દ સ્વરાજ’ના અંગ્રેજી અનુવાદની પ્રસ્તાવના લખતાં મહાત્માજીએ એક ગ્રામ્ય શબ્દ સુધારી લેવાની તક લીધી છે:

‘આ વખતે આ એમ ને એમ પ્રકાશિત કરવું આવશ્યક સમજું છું. પણ જો આમાં મારે કંઈ પણ સુધારવા જેવું હોય તે એક શબ્દ હું સુધારવા ઈચ્છું છું. એક અંગ્રેજ મિત્રને તે બદલવાનું મેં વચન આપ્યું છે. મેં પાર્લામેન્ટને વેશ્યા કહી છે. તે એ અંગ્રેજ બાનુને નાપસંદ છે. તેમનું કોમળ દિલ આ શબ્દના ગ્રામ્ય ભાવથી દુખાયું હતું.’

(ઈ. સ. ૧૯ર૧)
 


હિંદ સ્વરાજ
મોહનદાસ કરમચંદ ગાંધી

અનુક્રમણિકા[ફેરફાર કરો]

હિંદ સ્વરાજ-મુખપૃષ્ઠ