હિંદ સ્વરાજ/૧૬. દારૂગોળો

વિકિસ્રોતમાંથી
← ૧૫. ઈટાલી અને હિંદ હિંદ સ્વરાજ
૧૬. દારૂગોળો
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૭. સત્યાગ્રહ–આત્મબળ →






૧૬
દારૂગોળો



वाचकः

ધાસ્તીથી અપાયેલું ધાસ્તી હોય ત્યાં સુધી જ નભી શકે, એ વળી વિચિત્ર વાત કરી. આપ્યું તે આપ્યું. તેમાં વળી શો ફેરફાર થાય ?

अधिपति : એમ નથી. ૧૮૫૭નો રુક્કો અપાયો તે બંડને અંતે, લોકશાન્તિ જાળવવા સારુ. જ્યારે શાન્તિ થઈ અને લોકો ભોળા દિલના બની ગયા ત્યારે એનો અર્થ ફર્યો. હું સજાની ધાસ્તીથી ચોરી ન કરું, તો જ્યારે સજાની ધાસ્તી જતી રહે ત્યારે ચોરી.. કરવાનું પાછું મન થશે ને હું ચોરી કરીશ. આ તો બહુ સાધારણ અનુભવ છે; તેમાં ઈનકાર કરી શકાય એવું નથી. આપણે ધારી લીધું છે કે દમ ભરાવીને લોકોની પાસેથી કામ લઈ શકાય છે, અને તેથી આપણે તેમ કરતા આવ્યા છીએ.

वाचक : આમ તમે બોલો છો તે તમારી વિરુદ્ધ જાય છે એમ તમને નથી જણાતું ? તમારે કબૂલ કરવું પડશે કે અંગ્રેજોએ પોતે જે કંઈ મેળવ્યું તે મારામારી કરીને મેળવ્યું છે. તમે કહી ગયા છો કે તેઓએ મેળવેલું નકામું છે, એ મને યાદ છે. તેથી મારી દલીલને ધક્કો નથી પહોંચતો. તેઓએ નકામું મેળવવા ધાર્યું ને તે મેળવ્યું, મતલબ એ છે કે તેઓએ પોતાની ધારણા પાર પાડી. સાધન શું હતું તેની શી ફિકર છે ? આપણી મુરાદ સરસ હોય તે કેમ આપણે ગમે તે સાધનથી, મારામારી કરીને પણ, પાર ન પાડીએ ? ચોર મારા ઘરમાં પેસે ત્યારે કંઈ હું સાધનનો વિચાર કરીશ ? મારો ધર્મ તો તેને ગમે તેમ કરીને કાઢવાનો જ છે.

તમે કબૂલ કરતા જણાઓ છો કે આપણને અરજી કરતાં કશું મળ્યું નથી અને મળવાનું નથી. ત્યારપછી મારીને કેમ ન લઈએ ? જરૂર જણાશે તો તેટલી મારની બીક હમેશાં જારી રાખીશું. બચ્ચું આગમાં પગ મૂકે, તેને તેમાંથી બચાવવા આપણે તેની ઉપર દાબ રાખીએ તેમાં તમે પણ દોષ નહીં જોશો. જ્યાં ત્યાંથી આપણે તો કાર્યસિદ્ધિ કરી લેવાની છે.

अधिपति :

તમે ઠીક દલીલ કરી છે. તે એવી છે કે તેથી ઘણા છેતરાયા છે. હું પણ તેવી દલીલ કરતો. પણ હવે મારી આંખ ખૂલી છે ને હું મારી ભૂલ જોઈ શકું છું. તમને તે બતાવવા મહેનત કરીશ.

પ્રથમ તો અંગ્રેજોએ જે મેળવ્યું તે મારામારી કરી મેળવ્યું, તેથી આપણે પણ તેમ કરી મેળવીએ, એ વિચાર લઈએ. અંગ્રેજે મારામારી કરી અને આપણે પણ કરી શકીએ, એ વાત તો બરાબર છે. પણ જે વસ્તુ તેઓને મળી તેવી જ આપણે લઈ શકીએ છીએ. તમે કબૂલ કરશો કે તેવું આપણને ન જ જોઈએ.

તમે માનો છો તેમ સાધન અને સાધ્ય - મરાદ - વચ્ચે સંબંધ નથી તે બહુ જ મોટી ભૂલ છે. એ ભૂલથી, જે ધર્મિષ્ઠ માણસો ગણાયા છે, તેઓએ ઘોર કર્મ કર્યાં છે. એ તો કડવીનો વેલો વાવી તેમાંથી મોગરાના ફૂલની ઇચ્છા રાખવા જેવું થયું. મારે દરિયો ઓળંગવાનું સાધન વહાણ જ હોઈ શકે. જો ગાડું પાણીમાં ઝંપલાવું તો ગાડું અને હું બંને તળિયે જઈએ. જેવા દેવ તેવી પૂજા, એ બહુ વિચરવા જેવું વાક્ય છે. તેનો ખોટો અર્થ કરી લોકો ભરમાયા છે. સાધન એ બીજ છે; અને સાધ્ય - મેળવવાનું - એ ઝાડ છે. એટલે જેટલો સંબંધ બીજ અને ઝાડ વચ્ચે છે તેટલો સાધન અને સાધ્ય વચ્ચે છે. સેતાનને ભજીને હું ઈશ્વરભજનનું ફળ મેળવું એ બનવા જોગ નથી. એટલે એમ કહેવું કે આપણે તો ઈશ્વરને જ ભજવો છે, સાધન ભલે સેતાન હોય, એ તો તદ્દન અજ્ઞાનની વાત છે. જેવી કરણી તેવી પારઉતરણી હોય છે. અંગ્રેજોએ મારામારી કરીને ૧૮૩૩માં વોટના વિશેષ હક્કો લીધા, શું મારામારી કરીને તેઓ પોતાની ફરજ સમજી શક્યા ? તેઓની ધારણા હક મેળવવાની હતી તે તેઓએ મારામારી કરીને મેળવ્યા. ખરા હક ફરજનું ફળ છે, તે તેઓએ નથી મેળવ્યા. પરિણામ એ આવ્યું છે કે સહુ હક મેળવવા મથ્યા છે, ફરજ ઊંઘી ગઈ છે. જ્યાં બધા હકની વાતો કરે, ત્યાં કોણ કોને આપે ? તેઓ કશી ફરજ નથી બજાવતા એમ કહેવાનો હેતુ અહીં નથી. પણ જે હક તેઓ માગતા હતા તેને લઈને બજાવવાની ફરજ તેઓએ બજાવી નથી. તેઓએ લાયકાત મેળવી નથી. તેથી તેઓના હક તેઓને ગળે ધૂંસરીરૂપ થઈ પડ્યા છે. એટલે જે તેઓને મળ્યું છે, તે તેઓના સાધનનું જ પરિણામ છે. તેઓને જેવું જોઈતું હતું તેવાં સાધન તેઓએ વાપર્યાં.

મારે તમારી પાસેથી તમારી ઘડિયાળ છીનવી લેવી હશે તો મારે બેશક તમારી સાથે મારામારી કરવી પડશે. પણ જો મારે તમારી ઘડિયાળ વેચાતી લેવી હશે તો તમને દામ આપવા પડશે. જો મારે બક્ષિસ લેવી હશે તો મારે કરગરવું પડશે. ઘડિયાળ મેળવવામાં મેં જે સાધન વાપર્યું તે પ્રમાણે તે ચોરીનો માલ, મારો માલ કે બક્ષિસ, એમ થયું. ત્રણ સાધનનાં ત્રણ જુદાં જુદાં પરિણામ આવ્યાં. હવે તમે કેમ કહી શકશો કે સાધનની ફિકર નથી ?

હવે ચોરને કાઢવાનો દાખલો લઈએ; હું તમારા વિચારને મળતો નથી કે ચોરને કાઢવામાં ગમે તે સાધન વાપરી શકાય છે.

જો મારા ઘરમાં મારો બાપ ચોરી કરવા આવશે તો હું એક સાધન વાપરીશ. તે જ સાધન મારો કોઈ ઓળખીતો ચોરી કરવા આવ્યો હશે તો નહીં વાપરું. વળી કોઈ અજાણ્યો માણસ આવ્યો હશે તો ત્રીજું સાધન વાપરીશ. જો તે માણસ ગોરો હશે તો એક સાધન, હિંદી હશે તો બીજું સાધન, એ પણ વખતે તમે કહેશો. જો કોઈ મુડદાલ છોકરો ચોરી કરવા આવ્યો હશે તો વળી તદ્દન જુદું સાધન વાપરીશ. જો તે મારો બરોબરિયો હશે તો વળી કંઈ જુદું, અને જો તે માણસ હથિયારબંધ જોરાવર હશે તો હું છાનો સૂતો રહીશ. આમાં બાપથી માંડીને બળિયાની વચ્ચે જુદાં સાધનો વપરાશે. બાપ હશે તોપણ મને લાગે છે કે હું સૂતો રહીશ અને પેલો હથિયારબળિયો હશે તોપણ સૂતો રહીશ. બાપમાં પણ બળ છે, હથિયારબંધ માણસમાં પણ બળ છે. બંને બળને વશ રહી હું મારી વસ્તુ જતી કરીશ. બાપનું બળ મને દયાઅથી રોવરાવશે, હથિયારનું બળ મારા મનમાં રોષ ઉત્પન્ન કરશે. અમે કટ્ટા દુશ્મન થઈશું, આવી કફોડી દશા છે. આ દાખલાઓ ઉપરથી આપણે બન્ને સાધનના નિશ્ચય ઉપર તો નહીં આવી શકીએ. મને તો આ ચોરના સંબંધમાં શું કરવું એ સૂઝી આવે છે. પણ તે ઈલાજ તમને ભડકાવે તેથી હું તમારી પાસે મૂકતો નથી. તમે સમજી લેજો, અને નહીં સમજો તો દરેક વખતે જુદાં સાધન તમારે લેવાં પડશે, પણ તમે એટલું તો જોયું કે ચોરને કાઢવાને ગમે તે સાધન નહીં કામ આવે, અને જેવું સાધન લેશો તેને લગતું પરિણામ આવશે. તમારો ધર્મ ગમે તેમ કરીને ચોરને કાઢવાનો નથી જ.

જરા આગળ વધીએ.પેલો હથિયારબળિયો તમારી વસ્તુ લઈ ગયો છે. તમે તે યાદ રાખી. તમને ગુસ્સો છે. તમે તે લુચ્ચાને તમારે સારુ નહીં, પણ લોકકલ્યાણને સારુ શિક્ષા કરવા માગો છો. તમે માણસો એકઠા કર્યા. તેના ઘર ઉપર તમે ચઢી ગયા. તેને ખબર પડી. તે નાઠો. તેણે બીજા લૂંટારા એકઠા કર્યા. તે ખિજાયો છે. તેણે તમારું ઘર ધોળે દહાડે લૂંટવાનું કહેણ હવે તો મોકલ્યું છે. તમે બળવાન છો, ડરતા નથી. તમે તમારી તૈયારીમાં છો. દરમિયાન લૂંટારા તમારી આસપાસના લોકોને કનડે છે. તેઓ તમારી પાસે ફરિયાદ કરે છે. તમે કહો છો : 'હું તમારે સારુ તો આ બધું કરું છું. મારો માલ ગયો તે તો કંઈ જ વિસાતની વાત ન હતી.' લોકો કહે છે : 'પહેલાં તો અમને તે ન જ લૂંટતો. તમે તેની સાથે લડાઈ શરૂ કરી ત્યારથી તેણે આ શરૂ કર્યું છે.' તમે સપડાયા છો. ગરીબ ઉપર તમને રહેમ છે. તેઓની વાત સાચી છે. હવે શું કરવું ? લૂંટારાને છોડવો ? તેમાં તો તમારી લાજ જાય. લાજ તો સહુને વહાલી હોય. તમે ગરીબોને કહો છો : 'ફિકર નહીં, આવો, મારું ધન તેતમારું છે. હું તમને હથિયાર આપું છું. તમને તેનો ઉપયોગ શીખવીશ, ને તમે બદમાશને મારજો; મેલશો મા.' આમ સંગ્રામ વધ્યો. લૂંટારા વધ્યા, લોકોએ હાથે ચોલીને આંખો લાલ કરી. ચોરની નુપર વેર લેવાનું પરિણામ એ આવ્યું કે ઊંઘ વેચીને ઉજાગરો લીધો. શાન્તિ હતી ત્યાં અશાન્તિ થઈ. પહેલાં તો મોત આવતું ત્યારે મરતા. હવે તો સદાય મરવાનો દહાડો આવ્યો. હિંમતવાન મટી નાહિંમત બન્યા. આમાં કંઈ વધારેપડતો ચિતાર નથી આપ્યો, એમ તમે ધીરજથી જોઈ શકશો. આ એક સાધન.

હવે બીજું સાધન તપાસીએ. ચોરને તમે અજ્ઞાન ગણ્યો, કોઈ વેળા લાગ આવશે તો તમે તેને સમજાવવા ધાર્યું છે. તમે વિચાર્યું કે તે પણ આદમજાત છે. તેણે શા હેતુથી ચોરી કરી તે તમે કેમ જાણો ? તમારો સારો રસ્તો તો એ જ છે કે, જ્યારે સમય આવશે ત્યારે તમે તેનામાંથી ચોરીનું બીજ જ કાઢશો. આમ તમે ખ્યાલ કરો છો તેવામાં તો ભાઈસાહેબ પાછા ચોરી કરવા આવ્યા. તમે ગુસ્સે ન થયા. તમે તેની ઉપર દયા ખાધી. તમને લાગ્યું કે આ માણસ દરદી છે. તમે બારીબારણાં ખુલ્લાં મૂક્યાં. તમે સૂવાની જગ્યા બદલી. તમારી જણસો ઝટ લેવાય તેમ રાખી. ચોર આવ્યો. તે ગભરાયો, આ તો તેણે નવું જોયું. માલ તો લઈ ગયો, પણ તેનું મન ચકડોળે ચઢ્યું. તેણે ગામમાં તપાસ કરી. તમારી દયાની તેને જાણ થઈ. એ પસ્તાયો ને તમારી માફી માગી. તમારી જણસ પાછી લાવ્યો. તેણે ચોરીનો ધંધો છોડ્યો. તમારો તે સેવક બન્યો. તમે તેને ધંધે વળગાડ્યો. આ બીજું સાધન.

તમે જુઓ છો કે જુદા સાધનથી જુદું પરિણામ આવે છે. બધા ચોર આમ જ વર્તે અથવા બહ્દામાં તમારા જેવો દયાભાવ હોય એમ આમાંથી હું સાબિત કરવા નથી માગતો. પણ એટલું જ બતાવવા માગું છું કે સારાં પરિણામ લવવાને સારાં જ સાધન જોઈએ. અને હમેશાં નહીં, તો ઘણેખરે ભાગે હથિયારબળ કરતાં દયાબળ વધારે જોરાવર છે. હથિયારમાં હાનિ છે, દયામાં કદી નથી.

હવે અરજીની વાત લઈએ. જેની પછવાડે બળ નથી તે અરજી નકામી છે, એ શંકા વિનાની વાત છે. છતાં મરહૂમ જસ્ટિસ રાનડે કહેતા કે અરજી એ લોકોને કેળવવાનું સાધન છે. તેથી લોકોને પોતાની સ્થિતિનું ભાન આપી શકાય છે ને રાજકર્તાને ચેતવણી આપી શકાય છે. આમ વિચારતાં અરજી એ નકામી વસ્તુ નથી. બરોબરિયો માણસ અરજી કરે તે તેના વિનયની નિશાની ગણાશે. ગુલામ અરજી કરે તે તેની ગુલામીની નિશાની છે. જે અરજીની પાછળ બળ છે તે બરોબરિયાની અરજી છે, અને તે પોતાની માગણી અરજીરૂપે જાહેર કરે તે તેની ખાનદાની બતાવે છે.

અરજીની પાછળ બે પ્રકારનાં બળ છે. એક તો 'નહીં આપો તો તમને મારીશું.' આ દારૂગોળાબળ છે. તેનું ખરાબ પરિણામ આપણે જોઈ ગયા. બીજું બળ તે આ છે : 'તમે નહીં આપો તો અમે તમારા અરજદાર નહીં રહીએ. અમે અરજદાર હોઈશું તો તમે બાદશાહ રહેશો. અમે તમારી સાથે રમવાના નથી.' આ બળને દયાબળ કહો, આત્મબળ કહો, કે સત્યાગ્રહ કહો. તે બળ અવિનાશી છે ને તે બળ વાપરનાર પોતાની સ્થિતિ બરોબર સમજનારો છે. તેનો સમાવેશ આપણા ઘરડાઓએ 'એક નન્નો છત્રીસ રોગને હરે' તેમાં કર્યો છે. તે બળ જેનામાં છે તેની પાસે હથિયારબળ કામ કરી શકતું જ નથી.

બચ્ચું આગમાં પગ મૂકે તેને દબાવવાની વાતનો દાખલો તપાસતાં તમે હારી જવાના છો. તમે બચ્ચાની ઉપર શું કરો છો ? કદી માનો છો કે બચ્ચું તમારી પાસે એવું જોર કરી શકે કે તમને તે મારીને આગમાં જશે; આગમાં જતું તે અટકશે જ નહીં. એનો ઉપાય તમારી પાસે આ છે : કાં તો આગમાં જતું અટકાવવા તમારે એનો પ્રાણ લેવો અથવા તો તેને આગમાં જતું તમે નથી જોઈ શકતા, તેથી તમે તેને તમારો પ્રાણ આપો. તમે બચ્ચાનો પ્રાણ તો નથી લેવાના. તમારામાં દયાભાવ સંપૂર્ણ નહીં હોય તો તમે તમારો પ્રાણ નહીં આપો એવો સંભવ છે. તો તમે લાચારીથી બચ્ચાંને આગમાં જવા દેશો. એટલે તમે લાચારીથી બચ્ચાને આગમાં જવા દેશો. એટલે તમે બચ્ચાની ઉપર હથિયારબળ નથી વાપરતા. બચ્ચાને તમે બીજી રીતે રોકી શકો તો રોકો એ ઓછું; પણ તે હથિયારબળ છે એમ ન માની લેજો. એ બળ જુદા જ પ્રકારનું છે. તે જ સમજી લેવાનું રહ્યું છે.

વળી બચ્ચાને અટકાવવામાં તમે માત્ર બચ્ચાનો સ્વાર્થ જુઓ છો. જેની ઉપ્ર અંકુશ મૂકવા માગો છો તેના જ સ્વાર્થ ખાતર તમે અંકુશ મૂકશો. આ દાખલો અંગ્રેજને લાગુ પડતો જ નથી. તમે અંગ્રેજની ઉપર હથિયારબળ વાપરવા માગો તેમાં તમારો જ, એટલે પ્રજાનો સ્વાર્થ જુઓ છો. તેમાં દયા લેશમાત્ર નથી. જો તમે એમ કહો કે અંગ્રેજ અધમ કામ કરે છે તે આગ છે, તે આગમાં અજ્ઞાનથી જાય છે, તેમાંથી તમે દયા ખાઈ અજ્ઞાનીને એટલે બચ્ચાને બચાવવા માગો છો, તો તે અખતરો અજમાવવા તમારે જ્યાં જ્યાં જે જે માણસ અધમ કામ કરતા હોય ત્યાં ત્યાં પહોંચવું પડશે, અને ત્યાં ત્યાં સામેનાનો - બચ્ચાનો - પ્રાણ લેવાને બદલે તમારો પ્રાણ હોમવો પડશે. એટલો પુરુષાર્થ કરવા ધારો તો તમે મુખત્યાર છો. વાત અસંભવિત છે.