હિંદ સ્વરાજ/૨૦. છુટકારો

વિકિસ્રોતમાંથી
← ૧૯. સંચાકામ હિંદ સ્વરાજ
૨૦. છુટકારો
મોહનદાસ કરમચંદ ગાંધી



૨૦
છુટકારો


वाचकः

તમારા વિચાર ઉપરથી હું એમ જોઇ શકું છું કે તમે ત્રીજો પક્ષ સ્થાપવા માગો છો. તમે એક્સ્ટ્રીમિસ્ટ નહીં, તેમ મૉડરેટ નહીં.

अधिपतिः

એ ભૂલ થાય છે. મારા મનમાં ત્રીજા પક્ષનો વિચાર રહેતો જ નથી. બધાના વિચાર સરખા નથી હોતા. મૉડરેટમાં બધા એક જ વિચારના છે એમ નથી ધારવાનું. જેને નોકરી કરી છૂટવું છે તેને પક્ષ કેવા? હું તો મૉડરેટની સેવા કરું, તેમ જ એક્સ્ટ્રીમિસ્ટની. જ્યાં તેઓના વિચારથી મારો મત નોખો પડે ત્યાં હું તેઓને વિનયપૂર્વક જણાવું ને મારું કામ કર્યે જાઉં.

वाचकः

ત્યારે તમારે બંનેને કહેવું હોય તો શું કરો?

अधिपतिः

એક્સ્ટ્રીમીસ્ટને હું કહું કે તમારો હેતુ હિંદને સારુ સ્વરાજ મેળવવાનો છે. સ્વરાજ તમારું મેળવ્યું મળે તેમ નથી. સ્વરાજ તો સહુએ સહુનું લેવું જોઇએ - કરવું જોઇએ.બીજા મેળવે તે સ્વરાજ્ય નથી, પણ પરરાજ્ય છે. એટલે તમે અંગ્રેજને કાઢીને સ્વરાજ લીધું એમ ધારો તો તે ઠીક નથી. ખરું સ્વરાજ જે તમે માગો છો તે તો હું અગાઉ જણાવી ગયો છું તે જ હોવું જોઇએ. તે તમે દારૂગોળાથી કદી લેવાના નથી. દારૂગોળો હિંદને સદે તેવી વસ્તુ નથી. વાસ્તે સત્યાગ્રહ ઉપર જ ભરોસો રાખો. મનમાં એવો વહેમ પણ ન લાવો કે આપણને સ્વરાજ મળવામાં દારૂગોળાની જરૂર છે.

મૉડરેટને કહું કે આપણે માત્ર આજીજી કરવા મગીએ છીએ તે તો આપણી હીણપત છે. તેમાં આપણે આપણી હલકાઈ કબૂલ કરીએ છીએ. અંગ્રેજી સંબંધની જરૂર છે જે એમ કહેવું એ આપણે ઇશ્વરના ચોર થયા બરોબર છે.આપણને ઇશ્વર સિવાય કોઈની જરૂર છે એમ તો કહેવું ઘટે નહીં. વળી સાધારણ વિચાર કરતાં પણ એમ કહેવું કે અંગ્રેજ વિના હાલ તો ન જ ચાલે, એ અંગ્રેજને અભિમાની કરવા જેવું છે.

અંગ્રેજ ગાંસડી બાંધીને ચાલ્યા જશે તો કંઈ હિંદુસ્તાન રાંડશે એમ જાણવાનું નથી. તેમ થતાં જેઓ દાબથી બેસી રહ્યા હશે તે લડશે એવો સંભવ છે. ભરનીંગળને દાબવાથી કશો ફાયદો નથી. તે તો ફૂટ્યે જ છૂટકો. એટલે જો આપણે માંહોમાંહે લડવાનું સરજ્યું હશે તો લડી મરીશું. તેમાં બીજાએ નબળાને બચાવવાના બહાનાથી પડવાની જરૂર નથી. તેમાં તો આપણું નખોદ વળ્યું છે. નબળાનો એમ બચાવ કરવો તે નબળાને વધારે નબળા બનાવવા જેવું છે. આ વિચાર મૉડરેટે બરોબર કરવો ઘટે છે. તે વિના સ્વરાજ હોય નહીં. એક અંગ્રેજી પાદરીએ કહેલા શબ્દો તેઓને હું યાદ આપીશ કે,"આપણે સ્વરાજ્ય ભોગવતાં અંધેર હોય તે સહન કરવા જેવું છે, પણ પરરાજ્યની સફાઈ તે દરિદ્રતા છે.' માત્ર તે પાદરીના સ્વરાજનો ને હિંદના સ્વરાજનો અર્થ જુદો છે. આપણે ગોરાનો કે હિંદીનો - કોઈનો જુલમ કે દાબ માગતા નથી, બધાને તરતાં શીખવા શીખવવાનુ છે.

આમ બને તો એક્સ્ટ્રીમિસ્ટ તથા મૉડરેટ બંને મળે - મળી શકે - મળવા જોઇએ; એકબીજાથી બીવાની કે અવિશ્વાસ રાખવાની જરીર નથી.

वाचकः

એટલું તમે બે પક્ષને કહો. અંગ્રેજને શું કહેશો?

अधिपतिः

તેમને હું વિનયપૂર્વક કહીશ કે તમે મારા રાજા ખરા. તમે તમારી તલવારથી છો કે મારી ઈચ્છાથી છો, એ સવાલની ચર્ચા મારે કરવાની જરૂર નથી. તમે મારા દેશમાં રહો તેનો પણ મને દ્વેષ નથી. પણ તમારે રાજા કરતાં નોકર થઇ ને રહેવું પડશે. તમારૂં કહ્યું અમારે નહીં,પણ અમારું કહ્યું તમારે માનવું પડશે. આજ લગી તમે આ દેશમાંથી જે ધન લઇ ગયા તે તમને પચ્યું પણ. હવે તમે તેમ કરશો તે નહીં ફાવે. તમે હિંદુસ્તાનનું સિપાઈગરું કરવાની ઈચ્છા રાખો તો રહી શકાય તેવું છે. તમારે અમારી સાથે વેપારની લાલચ છોડવી. તમે જે સુધારાની હિમાયત કરો છો તેને અમે કુધારો જાણીએ છીએ. અમારા સુધારાને અમે તમારા કરતાં અત્યંત ચઢિયાતો માનીએ છીએ. તેમ તમને સૂઝી આવે તો તમારો લાભ છે. તેમ તમને ન સૂઝે તો પણ તમારી જ કહેવત પ્રમાણે તમારે અમારા દેશમાં દેશી થઇને રહેવું જોઈશે. તમારાથી અમારા ધર્મને બાધ આવે તેમ ન થવું જોઈએ. તમારો ધર્મ છે કે, તમારે રાજ્યકર્તા હોઈ હિંદુના માનને ખાતર ગાયના માંસનો આહાર છોડવો અને મુસલમાનના માનને ખાતર તમારે બૂરા જનાવરનો આહાર છોડવો. અમે દબાયેલા તેથી બોલી શક્યા નથી, પણ અમારી લાગણી નથી દુખાઈ એમ તમારે સમજવાનું નથી. અમે સ્વાર્થ કે બીજા ભયથી તમને કહી નથી શક્યા, પણ હવે કહેવું એ અમારી ફરજ છે. તમે સ્થાપેલી નિશાળો અને અદાલતો કંઈ કામની નથી એમ અમે માનીએ છીએ. તેને બદલે અમારી અસલી અદાલતો ને શાળાઓ હતી તે અમારે જોઈશે.

હિંદુસ્તાનની ભાષા અંગ્રેજી નથી પણ હિંદી છે. તે તમારે શીખવી ઘટશે ને અમે તો તમારી સાથે વ્યવહાર અમારી જ ભાષામાં રાખી શકીશું.

તમે રેલવે અને સોલ્જરોમાં અખૂટ પૈસા વાપરો છો તે અમે દેખી શકતા નથી, તેની અમને જરૂર નથી જણાતી. રશિયાની બીક તમને હશે, અમને નથી. તે આવશે ત્યારે અમે જોઈ લઈશું; તમે હશો તો આપણે સાથે જોઈ લઇશું. અમારે વિલાયતી કે યુરોપી કાપડ ન જોઇએ. આ દેશમાં પેદા થયેલી વસ્તુઓથી અમે ચલાવી લઇશું. તમારાથી એક આંખ માંન્ચેસ્ટર ઉપર ને બીજી અમારી ઉપર, એમ નહીં પરવડે. તમારો અને અમારો એક જ સ્વાર્થ છે એમ તમે વર્તો ત્યારે સાથ ચાલી શકે.

તમારી સાથે આ વાત તોછડાઈથી નથી કરી. તમારી પાસે હથિયારબળ છે, નૌકાસૈન્ય ભારે છે. તેની સામે અમે તેવા જ બળથી નહીં લડી શકીએ. પણ જો અમને ઉપલી વાત કબૂલ નહીં હોય તો અમે તમારી સાથે નહીં રમીએ. તમારી મરજીમાં આવે તો અને બને તો તમે અમને કાપજો; મરજીમાં આવે તો તોપે ઉડાવજો. અમને જે પસંદ નથી તે તમે કરો તેમાં અમે તમને મદદ નથી કરવાના, ને અમારી મદદ વિના તમારાથી ડગ ભરી શકાય તેમ નથી.

આ વાત તમે તમારી સત્તાના મદમાં હસી કાઢશો એવો સંભવ છે. આજકાલમાં તમારું હસવું મિથ્યા છે એમ તો તમને વખતે નહીં દેખાડી શકાય, પણ જો અમારામાં દમ હશે તો તમે જોશો કે તમારો મદ નકામો છે ને તમારું હસવું વિપરીત બુધ્ધિની નિશાની હતું.

અમે તો માનીએ છીએ કે તમે હાડે ધર્મી પ્રજાના માણસ છો. અમે તો ધર્મસ્થાનમાં જ વસી છીએ. તમે ને અમે કેમ સાથે થયા તે વિચારવું ફોકટ છે. પણ આપણા સંબંધનો આપણે બંને સદુપયોગ કરી શકીએ છીએ.

તમે હિંદમાં આવનાર અંગ્રેજો તે અંગ્રેજી પ્રજાનો ખરો નમૂનો નથી. તેમ અમે અર્ધા અંગ્રેજ જેવા બનેલા હિંદીઓ પણ ખરી હિંદી પ્રજાનો નમૂનો કહેવાઈ શકતા નથી. અંગ્રેજી પ્રજા જો બધું સમજે તો તમારા કાર્યની સામે થાય. હિંદી પ્રજાએ તો તમારી સાથે સંબંધ થોડો જ રાખ્યો છે. તમે જો તમારો સુધારો જે કુધારો છે, તેને છોડી તમારા ધર્મનું શોધન કરશો તો તમે જોશો કે અમારી માગણી બરોબર છે. એ જ રીતે તમારાથી હિંદુસ્તાનમાં રહેવાય. એમ તમે રહો તો તમારી પાસેથી અમારે કેટલુંક શીખવાનું છે તે શીખીશુ, અને અમારી પાસેથી તમારે ઘણું શીખવાનું છે તે તમે શીખશો. આમ કરતાં આપણે લાભ લઇશું ને દુનિયાને લાભ કરીશું. પણ તે તો જ્યારે આપણા સંબંધની જડ ધર્મક્ષેત્રમાં નકાય ત્યારે જ બને.

वाचकः

પ્રજાને શું કહેશો?

अधिपतिः

પ્રજા તે કોણ?

वाचकः

અત્યારે તો તમે જે અર્થમાં વાપરો છો તે જ પ્રજા; એટલે જેઓ યુરોપી સુધારાથી ખરડાયેલા છે, જેઓ સ્વરાજનો ધ્વનિ કાઢી રહ્યા છે તે.

अधिपतिः

આ પ્રજાને હું કહીશ કે જે હિંદીને ખરી ખુમારી ચઢી હશે તે જ ઉપર પ્રમાણે અંગ્રેજને કહી શકશે ને તેઓના રુઆબમાં નહીં દબાય.

ખરી ખુમારી તો તેને જ ચઢે છે જે જ્ઞાનપૂર્વક માને કે, હિંદી સુધારો તે સર્વોપરી છે ને યુરોપી સુધારો તે ત્રણ દહાડાનો તમાશો છે. એવા સુધારા તો કંઈ થઈ ગયા ને રોળાયા; કંઈ થશે ને રોળાશે.

ખરી ખુમારી તેને જ રહેશે કે જે હિંદી અત્યારની દયામણી દશાથી બહુ જ અકળાયો હશે ને જેણે ઝેરનો પ્યાલો પહેલેથી જ પી લીધો હશે.

તેવો હિંદી એક જ હશે તો તે પણ ઉપર મુજબ અંગ્રેજને કહેશે અને તે અંગ્રેજને સાંભળવું જોઈશે.

ઉપરની માગણી તે માગણી નથી, પણ હિંદીના મનની દશા સૂચવે છે. માગ્યું નહીં મળે; લીધું લેવાશે. લેવાનું બળ જોઈશે. તે બળ તો તેને જ હશે કે -

(૧) જે અંગ્રેજી ભાષાનો ઉપયોગ ન ચાલતાં જ કરશે.

(૨) જે વકીલ હોઈ પોતાની વકીલાત છોડી દેશે ને ઘરમાં રેંટિયો લઈ લૂગડાં વણશે.

(૩) જે વકીલ હોઈ પોતાનું જ્ઞાન માત્ર લોકોને સમજાવવામાં ને અંગ્રેજોની આંખ ઉઘાડવામાં ગાળશે.

(૪) જે વકીલ હોઈ વાદી પ્રતિવાદીના કજિયામાં પડશે નહીં, પણ અદાલતોને તજશે ને પોતાના અનુભવે લોકોને તે છોડવાનું સમજાવશે.

(૫) જે વકીલ હોવા છતાં, જેમ વકીલપણું છોડશે, તેમ જડજપણું પણ છોડશે.

(૬) જે દાક્તર હોઈ પોતાનો ધંધો તજશે ને સમજશે કે લોકોનાં ચામ ચૂંથવા કરતાં લોકોના આત્માને ચૂંથી તેનું સંશોધન કરી તેમને સાજા બનાવવા.

(૭) જે દાક્તર હોઇ સમજશે કે પોતે ગમે તે ધર્મનો હોય છતાં જે ઘાતકીપણું જીવો ઉપર અંગ્રેજી વૈદકશાળામઓમાં વાપરવામા આવે છે તે ઘાતકીપણા દ્વારા શરીર સાજું થતું હોય તો પણ તે માંદું રહે તે ઠીક છે.

(૮) જે દાક્તર હોવા છતાં રેંટિયો પોતે પણ લેશે ને લોકો જે માંદા હશે તેમને તેમની માંદગીનું કારણ બતાવી તે કારણ દૂર કરવા કહેશે; પણ નકામી દવાઓ આપી તેમને પંપાળશે નહીં. તે સમજશે કે નકામી દવા નહીં લેતાં તેવાં માંદાનું શરીર પડી જશે તો દુનિયા રંડાવાની નથી, ને તે માણસની ઉપર ખરી દયા વાપરી ગણાશે.

(૯) જે ધાનાઢ્ય હશે છતાં પોતાના પૈસાની દરકાર રાખ્યા વિના જે મનમાં છે તે જ બોલશે ને ચમરબંધીની પરવા નહીં રાખે.

(૧૦) જે ધનાઢય હોઈ પોતાનો પૈસો રેંટિયો સ્થાપવામાં વાપરશે ને પોતે માત્ર સ્વદેશી માલ પહેરી, વાપરી બીજાને ઉત્તેજન આપશે.

(૧૧) બધા હિંદી સમજશે કે આ સમય પશ્ચાતાપનો, પ્રાયશ્ચિતનો, શોકનો છે.

(૧૨) બધા સમજશે કે અંગ્રેજોનો દોષ કાઢવો તે વ્યર્થ છે. તેઓ આપણે વાંકે આવ્યા, આપણે વાંકે રહ્યા છે ને આપણો વાંક દૂર થયે જશે કે બદલાશે.

(૧૩) બધા સમજશે કે શોકદશામાં મોજશોખ હોઈ ન શકે; જ્યાં સુધી આપણને ચેન નથી ત્યાં સુધી આપણે જેલમાં કે દેશપાર હોઈએ તે ઠીક છે.

(૧૪) બધા હિંદી સમજશે કે આપણે લોકોને સમજાવવાને ખાતર જેલમાં ન જવાય તેવી સાવચેતી રાખવી એ તદ્દન મોહ છે.

(૧૫) સહુ સમજશે કે કહેવા કરતાં કરવાની અસર અજબ થાય છે; નીડર થી જે મનમાં છે તે બોલવું જ ને તે બોલતાં પરિણામ આવે તે સહેવું; ત્યારે તો આપણે આપણા બોલવાની છાપ પાડી શકીએ.

(૧૬) બધા હિંદી સમજશે કે આપણે દુઃખ સહન કરીને જ બંધન છોડાવી શકીશું.

(૧૭) બધા હિંદી સમજશે કે આપણે જે પાપ અંગ્રેજોને તેમના સુધારામાં ઉત્તેજન આપીને કર્યું છે તેનું નિવારણ કરવા દેહાંત લગી આંદામાનમાં રહીએ તો જરાયે વધારે પડતું નથી થયું.

(૧૮) બધા હિંદી સમજશે કે કોઈ પણ પ્રજા દુઃખ વેઠ્યા વિના ચઢી નથી. રણસંગ્રામમાં પણ કસોટી તે દુઃખ છે, બીજાને મારવા તે નથી. તેમ જ સત્યાગ્રહ વિશે છે.

(૧૯ )બધા હિંદી સમજશે કે 'બીજા કરે ત્યારે આપણે કરીશું' એ ન કરવાનું બહાનું છે. આપણને સારું લાગે છે વાસ્તે આપણે કરો, બીજાને ભાસશે ત્યારે તે કરશે; એ જ કરવાનો રસ્તો છે. મને સ્વાદિષ્ટ ભોજન જોવામાં આવે તે લેતાં હું બીજાંની રાહ નથી જોતો. ઉપર મુજબ પ્રયત્ન કરવો, દુઃખ ભોગવવું એ સ્વાદિષ્ટ ભોજન છે. અકળાઈને કરવું, દુઃખ ઉઠાવવું તે વેઠમાત્ર છે.

वाचकः

આમ સૌ ક્યારે કરે ને ક્યારે આરો આવે? अधिपतिः

તમે વળી ભૂલ્યા. સૌની સાથે મારે ને તમારે પરવા નથી. 'આપ આપકી ફોડિયો, મેં મેરી સમાલતા હું' એ સ્વાર્થવચન ગણાય છે. પણ તે પરમાર્થવચન છે. હું મારું ઉજાળીશ તો જ બીજાનું કરીશ.મારું કર્તવ્ય મારે કરી લેવું તેમાં બધી કાર્યસિધ્ધિ આવે છે.

તમને છોડ્યા પહેલાં વળી હું કઃઈ જવાની રજા લઉં છું -

(૧) સ્વરાજ તે આપણા મનનું રાજ્ય છે.

(૨) તેની ચાવી સત્યાગ્રહ, આત્મબળ કે દયાબળ છે.

(૩) તે બળ અજમાવવા સર્વથા સ્વદેશી પકડવાની જરૂર છે.

(૪) જે આપણે કરવા માગીએ છીએ તે અંગ્રેજની ઉપર દ્વેષભાવે નહીં, તેમને દંડ કરવા ખાતર નહીં, પણ તેમ કરવું એ આપણું કર્તવ્ય છે. એટલે જ અંગ્રેજ નિમકવેરો કાઢી નાખે, લીધેલું ધન પાછું આપે, બધા હિંદીને મોટા હોદ્દા આપે, લશ્કર ખેંચી લે, તો કંઈ આપણે સંચાનું કાપડ પહેરીશું કે અંગ્રેજી ભાષા વાપરીશું અથવા તેમની હુન્નરકળાનો ઉપયોગ કરીશું એમ નથી. તે બધું વસ્તુતઃ એ ન કરવા જેવું છે વાસ્તે નથી કરવાના, એ સમજવાનુ છે.

જે કંઈ મેં કહ્યું છે તે અંગ્રેજના દ્વેષભાવે નહીં, પણ તેમના સુધારાના દ્વેષભાવે કહ્યું છે.

મને લાગે છે કે આપણે સ્વરાજનું નામ લીધું છે પણ તેનું સ્વરૂપ સમજ્યા નથી. તે જેવું હું સમજયો છું તેવું સમજાવવા મેં પ્રયત્ન કર્યો છે. તેવું સ્વરાજ લેવા ખાતર આ દેહ અર્પણ છે, એમ મન સાક્ષી પૂરે છે.