હિંદ સ્વરાજ/૧૯. સંચાકામ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૮. કેળવણી હિંદ સ્વરાજ
૧૯. સંચાકામ
મોહનદાસ કરમચંદ ગાંધી
૨૦. છુટકારો →


૧૯
સંચાકામ


वाचक : તમે પશ્ચિમના સુધારાને હાંકી કાઢવાની વાત કરો છો ત્યારે તો તમે એમ પણ કહેશો કે સંચાકામમાત્ર આપણને ન જ જોઈએ.

अधिपति : તમે આ સવાલ કરી મને જે ઘા લાગ્યો હતો તે તાજો કર્યો છે. મિ. રોમેશચંદ્ર દત્તનું પુસ્તક 'હિંદુસ્તાનનો આર્થિક (ઈકૉનૉમિક) ઇતિહાસ' વાંચ્યું ત્યારે મને એવું થઈ આવ્યું હતું. તેનો પાછો વિચાર કરું છું ત્યાં મસ્રું દિલ ભરાઈ આવે છે. સંચાકામનો સપાટો લાગ્યો ત્યારે તો હિન્દુસ્તાન પાયમાલ થયું. માન્ચેસ્ટરે તો આપણને જે નુકસાન પહોંચાડ્યું છે તેની હદ બાંધી શકાતી નથી. હિંદુસ્તાનમાંથી કારીગરી લગભગ ગઈ તે તો માન્ચેસ્ટરનું જ કામ.

પણ હું ભૂલું છું. માન્ચેસ્ટરને દોષ કેમ દેવાય ? આપણે તેનાં કપડાં પહેર્યાં ત્યારે માન્ચેસ્ટરે તે વણ્યાં. બંગાળની બહાદુરીનું જ્યારે મેં વર્ણન વાંચ્યું ત્યારે મને હર્ષ થયો. બંગાળમાં કાપડની મિલો નથી, તો લોકોએ અસલ ધંધો પાછો પકડી લીધો. બંગાળ મુંબઈની મિલને ઉત્તેજન આપે છે તે ઠીક જ છે, પણ જો બંગાળે સંચાકામમાત્રની આભડછેટ (બૉયકોટ) રાખી હોત તો હજુ વિશેષ ઠીક થાત.

સંચાએ યુરોપને ઉજ્જાડ કરવા માંડ્યું છે ને તેનો વાયરો હિંદુસ્તાનમાં છે. સંચો એ આધુનિક સુધારાની મુખ્ય નિશાની છે ને તે મહાપાપ છે એમ હું તો ચોખ્ખું જોઈ શકું છું.

મુંબઈની મિલોમાં જે મજૂરો કામ કરે છે તે ગુલામ બન્યા છે. જે બૈરાંઓ તેમાં કામ કરે છે તેમની દશા જોઈ હરકોઈને કમકમાટી આવશે. મિલનો વરસાદ નહોતો વરસ્યો ત્યારે કંઈ તે ઓરતો ભૂખે નહોતી મરતી. આ સંચાનો વાયરો વધે તો હિંદુસ્તાનની બહુ દુઃખી દશા થશે. મારી વાત ભારે પડતી જણાશે, પણ મારે કહેવું જોઈએ કે આપણે હિંદુસ્તાનમાં મિલો કરીએ તેના કરતાં હજુ માન્ચેસ્ટરમાં પૈસા મોકલી તેનું સડેલું કાપડ વાપરવું એ ભલું છે, કેમ કે તેનું કાપડ વાપરવાથી આપણો જ પૈસો જશે. આપણે હિંદુસ્તાનમાં માન્ચેસ્ટર સ્થાપવાથી આપણો પૈસો હિંદુસ્તાનમાં રહેશે, પણ તે પૈસો આપણું લોહી લેશે, કેમ કે આપણી નીતિ લઈ જશે. જેઓ મિલમાં કામ કરે છે તેમની નીતિ કેવી છે તે તેઓને પૂછવું. તેઓમાંથી જેઓએ પૈસો એકઠો કર્યો છે તેઓની નીતિ બીજા પૈસાદાર કરતાં સરસ હોવાનો સંભવ નથી, અમેરિકાના રૉકફેલર કરતાં હિંદના રૉકફેલર કંઈ ઊતરે એમ માનવું એ તો અજ્ઞાન જ ગણાય. ગરીબ હિંદુસ્તાનથી છૂટી શકશે, પણ અનીતિથી થયેલું પૈસાદાર હિંદુસ્તાન છૂટનાર નથી.

મને તો લાગે છે કે આપણે કબૂલ કરવું પડશે કે અંગ્રેજી રાજ્યને નિભાવી રાખનાર તે પૈસાદાર માણસો છે. તેઓનો સ્વાર્થ તેવી સ્થિતિમાં રહેલ છે. પૈસો માણસને રાંક બનાવે છે. એવી બીજી વસ્તુ તો દુનિયામાં વિષય છે. એ બંને વિષય વિષમય છે. તેનો દંશ સર્પના દંશ કરતાં ભૂંડો છે. સર્પ કરડે ત્યારે દેહ લઈને છુટકો કરે છે. પૈસો અથવા વિષય કરડે ત્યારે દેહ લઈને છુટકો કરે છે. પૈસો અથવા વિષય કરડે છે ત્યારે જીવ, મન, બધું લેતાં પણ છુટકારો થતો નથી. એટલે આપણા દેશમાં મિલો થાય તેથી ખાસ રાજી થવા જેવું રહેતું નથી.

वाचक :

ત્યારે શું મિલોને બંધ કરી દેવી ?

अधिपति :

એ વાત મુશ્કેલ છે. સ્થાયી થયેલી વસ્તુને કાઢવી તે ભારે પડતું છે. તેથી કાર્યનો અનારંભ તે પ્રથમ ડહાપણમાં ગણાયું છે. મિલના ધણીની ઉપર આપણે તિરસ્કારની નજરે નથી જોઈ શકતા. તેઓની ઉપર દયા ખાઈએ. તેઓ એકાએક મિલ છોડી દે એ તો ન બને, પણ આપણે તેઓનાં સાહસ ન વધારવાની અરજી કરી શકીએ છીએ. તેઓ ભલાઈ કરે તો તેઓ પોતે પોતાનું કામ ધીમે ધીમે ટૂંકું કરે. તેઓ પોતે જ જૂના, પૌઢ, પવિત્ર રેંટિયા ઘેર સ્થાપી શકે છે, લોકોનું વણેલું કાપડ લઈ વેચી શકે છે.

તેઓ તેમ ન કરે તોપણ લોકો પોતે સંચાકામની વસ્તુ વાપરતા બંધ થઈ શકે છે.

वाचक :

એ તો કાપડનું કહ્યું. પણ સંચાની તો અસંખ્ય વસ્તુ છે. કાં તો પરદેશથી લેવી, કાં તો આપણે તેવા સંચા દાખલ કરવા.

अधिपति :

ખરેખર, આપણા દેવતા પણ જર્મનીના સંચામાં ઘડાઈને આવે છે. એટલે પછી દીવાસળી કે ટાંકણીથી કરી કાચના ઝુમ્મરની શી વાત કરવી ? મારો જવાબ તો એક જ છે. જ્યરે એ બધી વસ્તુ સંચાની નહોતી બની ત્યારે હિંદ શું કરતું હતું ? તેવું તે આજે પણ કરશે . જ્યાં સુધી હથે ટાંકણી ન બનાવીએ ત્યાં લગી ટાંકણી વિના ચલાવીશું. હાંડીઝુમ્મરને ટાંગી દઈશું. કોડિયામાં તેલ નાખી આપણા ખેતરમાં પાકેલા રૂની વાટ વણી બત્તી કરીશું. તેમ કરતાં આંખ બચ્શે, પૈસો બચશે ને સ્વદેશી રહીશું, થઈશું, સ્વરાજની ધુણી ધખાવીશું.

આ બધું બધા માણસો એકી વખતે કરશે અથવા તો એકી વખતે કેટલાક માણસો બધી સંચાની વસ્તુઓ છોડી દેશે. એમ બનવાનું નથી. પણ તે વિચાર ખરો હશે તો આપણે હમેશાં શોધ કરીશું, હમેશાં થોડી થોડી વસ્તુ મૂકતા જઈશું; તેમ કરતાં બીજા પણ કરશે. પ્રથમ તે વિચાર બંધાવાની જરૂર છે; પછી તે પ્રમાણે કાર્ય થશે. પ્રથમ એક જ માણસ કરશે; પછી દસ, પછી સો. એમ નાળિયેરની વાત માફક વધ્યા જ કરશે. જે મોટા કરે છે તે નાના કરે છે ને કરશે. સમજીએ તો રમત ઘણી ટૂંકી ને સહેલી છે. નીજો કરે ત્યાં લગી મારે તમારે રાહ જોવાની નથી. આપણે તો સમજીએ કે તુરત શરૂ કરી જ દેવાનું. નહીં કરે તેની ગાંઠ જશે. સમજશે છતાં નહીં કરે તે તો માત્ર દંભી ગણાશે.

वाचक :

ટ્રામગાડી ને વીજળીની બત્તીનું કેમ ?

अधिपति :

આ સવાલ તમે બહુ મોડો પૂછ્યો. એ સવાલમાં હવે કંઈ જીવ રહ્યો નથી. રેલે જો આપણો નાશ કર્યો છે તો વળી ટ્રામ શું નથી કરતી ? સંચો એ તો રાફડૉ છે. તેમાં એક સર્પ ન હોય પણ સેંકડો, એકની પાછા બીજા, એમ લાગેલું જ છે. જ્યાં સંચા ત્યાં મોટાં શહેર. જ્યાં મોટાં શહેર ત્યાં ટ્રામગાડી ને રેલગાડી. ત્યાં જ વીજળીની બત્તીની જરૂર હોય. ઇંગ્લંડમાં પણ ગામડાંઓમાં વીજળીની બત્તી કે ટ્રામ નથી એ તમે જાણતા હશો. પામાણિક વૈદ અને દાક્તરો તમને કહી આપશે કે જ્યાં રેલગાડી, ટ્રામગાડી વગેરે સાધનો વધ્યાં છે ત્યાં લોકોની તંદુરસ્તી બગડેલી હોય છે. મને યાદ છે કે એક શહેરમાં જ્યારે પૈસાની તંગી આવી ત્યારે ટ્રામની, વકીલની તથા દાક્તરની આવક ઘટી ને લોકો તંદુરસ્ત થયા.

સંચાનો ગુણ તો મને એકે યાદ નથી આવતો; અવગુણનો તો ચોપડો ચીતરી શકું છું.

वाचक :

આ બધું લખેલું સંચાની મદદથી છપાશે, તેની મદદથી વહેંચાશે, એ સંચાનો ગુણ કે અવગુણ ?

अधिपति :

ઝેરથી ઝેરનો નાશ થવાનો આ દાખલો છે. એ કંઈ સંચાનો ગુણ નથી. સંચો મરતાં મરતાં બોલી જાય છે કે સાંભળજો ને ચેતજો; મારામાંથી તમે લાભ નથી લેવાના, અંદરથી ઠીક પ્રયાસ સંઘે કર્યો કહેવાય તે પણ માત્ર સંચાની જાળમાં ફસાયેલા છે તેને જ સાચું પડે છે.

પણ મૂળ વાત ન ભૂલજો. સંચો એ ખરાબ વસ્તુ છે એ મનમાં ઠસાવવું. પછી આપણે તેનું ધીમે ધીમે છેદન કરીશું. એવો સરળ રસ્તો કુદરતે ઘડ્યો જ નથી કે જે વસ્તુની આપણને અભિલાષા થઈ કે તુરત પ્રાપ્ત થાય. સંચાની ઉપર આપણી મીઠી નજરને બદલે ઝેરી નજર પડશે તો છેવટે તે જશે જ.