લખાણ પર જાઓ

હિંદ સ્વરાજ/૨. બંગાળાના ભાગલા

વિકિસ્રોતમાંથી
← ૧. કોંગ્રેસ અને તેના કારભારીઓ હિંદ સ્વરાજ
૨. બંગાળાના ભાગલા
મોહનદાસ કરમચંદ ગાંધી
૩. અશાન્તિ અને અસંતોષ →



૨.
બંગાળાના ભાગલા


वाचकः

તમે કહો છો તે પ્રમાણે વિચારતાં કૉંગ્રેસથી સ્વરાજનો પાયો રોપાયો એ ઠીક જણાય છે. છતાં તે ખરી જાગૃતિ ન કહેવાય, એમ તો તમારે કબૂલ કરવું જોઇએ. ખરી જાગૃતિ ક્યારે ને કેમ થઈ?

अधिपतिः

હમેશાં બીજ જોવામાં આવતું નથી. બીજ પોતાનું કામ માટીને નીચે કરે છે ને પોતે નાબૂદ થાય છે ત્યારે ઝાડ જમીન ઉપર જોવામાં આવે છે. તેમ કૉંગ્રેસને વિશે સમજજો. જેને તમે ખરી જાગૃતિ ગણો છો તે તો બંગાળાના ભાગલાથી થઈ. તેને સારુ આપણે લૉર્ડ કર્ઝનનો આભાર માનવો પડશે. બંગાળાના ભાગલા વખતે બંગાળીઓએ કર્ઝન સાહેબને બહુ વીનવ્યા પણ તેઓ સાહેબ પોતાની સત્તાના અભિમાનથી બેદરકાર રહ્યા. તેમણે માની લીધું કે હિંદીઓ માત્ર બકવાદ કરશે; બાકી તેઓનાથી કંઈ જ થવાનું નથી. તેમણે અપમાનભરેલી ભાષા વાપરી ને મરડી મચડીને બંગાળાના વિભાગ કર્યા. તે દહાડેથી અંગ્રેજ રાજ્યના વિભાગ થયા એમ ગણી શકાય છે .બંગાળાના ભાગલાથી જે ધક્કો અંગ્રેજી સત્તાને પહોંચ્યો છે તે ધક્કો બીજા કોઈ પણ કાર્યથી નથી પહોંચ્યો. આનો અર્થ એમ નથી કે, બીજા ગેરઇન્સાફો થયા છે તે કંઇ ભાગલાથી ઊતરતા હતા. નિમકવેરો એ કંઇ ઓછો ગેરઇન્સાફ નથી. એવું બીજું તો આપણે આગળ ઉપર ઘણું જોઇશું. પણ બંગાળાના ભાગલાની સામે થવાને પ્રજા તૈયાર હતી. પ્રજાની લાગણી તે વખતે તીવ્ર હતી. તે વેળા બંગાળામાં ઘણા આગેવાનો પોતાનું બધું જતું કરવા તૈયાર હતા. પોતાની સત્તાનું તેમને ભાન હતું તેથી એકદમ ભડકો થયો. તે હવે ઓલવાય તેવો નથી, ઓલવવાની જરૂર પણ નથી. ભાગલા તૂટશે, બગાળા પાછું જોડાશે, પણ અંગ્રેજી વહાણની જે તડ પડી છે તે તો રહેવાની જ. તે દહાડે દહાડે મોટી થશે. જાગેલું હિંદ પાછું સૂઇ જાય એ બનવા જેવું નથી. ભાગલા રદ કરવા એ સ્વરાજની માગણી બરોબર છે. બંગાળાના આગેવાન આ વાત બરાબર સમજે છે. અંગ્રેજી સત્તાવાળા પણ એ વાત સમજે છે. તેથી જ ભાગલા ગયા નથી. જેમ દિવસ જાય છે તેમ પ્રજા ઘડાય છે. પ્રજા કંઈ એક દહાડામાં થતી નથી; તેને વરસો જોઇએ છે. वाचकः

ભાગલાનાં પરિણામો તમે શું જોયાં?

अधिपतिः

આજ લગી આપણે ધારતા આવ્યા છીએ કે બાદશાહની પાસે અરજી કરવી ને અરજી કરતાં દાદ ન મળે તો સહન કરવું; જોકે અરજી તો કર્યા જ કરવી. ભાગલા પડ્યા પછી લોકોએ જોયું કે અરજીની પાછળ બળ જોઈએ, લોકોમાં સહનશક્તિ જોઈએ. આ નવો જુસ્સો તે ભાગલાનું મુખ્ય પરિણામ ગણાય. તે જુસ્સો છાપાનાં લખાણોમાં જોવામાં આવ્યો. લખાણો કડક થવા લાગ્યાં. જે વાત લોકો બીકમાં કે છાની કરતા, તે જાહેરમાં થવા-લખાવા લાગી. સ્વદેશી હિલચાલ ચાલી. અંગ્રેજને જોઈ નાનામોટા નાસતા તે હવે બીતા બંધ થયા; મારામારીથી પણ ન ડર્યા; જેલ જવું તેમાં હરકત ન ગણી; અને હિંદનાં પુત્રરત્ન હાલ દેશનિકાલ થઇ વિરાજે છે. આવી સામગ્રી તે અરજીનાં કરતાં જુદી જાતની છે. આમ લોકોમાં કોલાહલ થઇ રહ્યો છે. બંગાળાનો પવન ઉત્તરમાં પંજાબ લગી અને મદ્રાસ ઇલાકામાં કન્યાકુમારી ભૂશિર સુધી પહોંચી વળ્યો છે.


वाचकः

આ સિવાય બીજું કંઇ જાણવા જેવું પરિણામ તમને સૂઝે છે?

अधिपतिः

બંગાળાના ભાગલાથી અંગ્રેજી વહાણમાં ભાગલો પડ્યો છે, તેમ આપણામાં પણ ભાગલો પડ્યો છે. મોટા બનાવોનાં પરિણામ એમ મોટાં જ આવે છે. આપણા આગવાનોનાં બે તડાં થયાં છે. એક મૉડરેટ અને બીજા એક્સ્ટ્રીમિસ્ટ. તેમને આપણે 'ધીમા' અને 'ઉતાવળા' એમ કહી શકીએ છીએ. કોઇ મૉડરેટને બીકણ પક્ષ અને એક્સ્ટ્રીમિસ્ટને હિંમતવાન પક્ષ, એમ પણ કહે છે. સહુ પોતપોતાના વિચાર પ્રમાણે તો બે શબ્દનો અર્થ કરે છે. એટલું તો ખરું છે કે આ પક્ષ પડ્યા છે તેની વચ્ચે ઝેર પણ પેદા થયું છે. એક પક્ષ બીજાનો અવિશ્વાસ કરે છે ને એકબીજાંને મહેણાં મારે છે. સુરતની કૉંગ્રેસ વખતે લગભગ મારામારી પણ થઇ. આ બે પક્ષ પડ્યા છે તે નિશાની દેશને સારુ ઠીક નથી એમ મને તો લાગે છે. પણ હું એમ માનું છું કે આવા પક્ષ લાંબી મુદ્દત સુધી ટકશે નહીં. કેટલી મુદ્દત સુધી આમ તડાં રહેશે એ આગેવાનોની ઉપર આધાર રાખે છે.