હિંદ સ્વરાજ/૩. અશાન્તિ અને અસંતોષ
← ૨. બંગાળાના ભાગલા | હિંદ સ્વરાજ ૩. અશાન્તિ અને અસંતોષ મોહનદાસ કરમચંદ ગાંધી |
૪. સ્વરાજ તે શું? → |
૩
અશાન્તિ અને અસંતોષ
वाचक :
ત્યારે બંગભંગ એ તમે જાગૃતિનું કારણ માન્યું. તેથી ફેલાયેલી અશાંતિ તે ઠીક ગણાય કે અઠીક?
अधिपति :
માણસ ઊંઘમાંથી ઊઠે છે ત્યારે આળસ મરડે છે, આમતેમ ફરે છે ને અશાંત હોય છે. તેને પૂરું ભાન આવતાં વખત લાગે છે. તેમ જ જોકે બંગભંગથી જાગૃતિ થઈ છે તોપણ બેભાની નથી ગઈ. હજુ આળસ મરડવાની સ્થિતિમાં અપણે છીએ. હજુ સ્થિતિ અશાન્તિની છે, જેમ ઊંઘ અને જાગૃતિની વચ્ચેની અવસ્થા જરૂરની ગણવી જોઈએ ને તેથી તે ઠીક છે એમ કહેવાય, તેમ બંગાળમાં ને તેથી હિંદુસ્તાનમાં અશાન્તિ તે પણ ઠીક કહેવાય. અશાંતિ છે એમ આપણે જાણીએ છીએ તેથી શાન્તિનો વખત આવવા સંભવ છે. ઊંઘમાંથી ઊઠતાં સદાય આળસ મરડવાની સ્થિતિમાં આપણે નથી રહેતા, પણ વહેલામોડા આપણી શક્તિ પ્રમાણે પૂરા જાગીએ છીએ. તેમ આ અશાન્તિમાંથી આપણે જરૂર છૂટીશું. અશાન્તિ કોઈને ગમતી વસ્તુ નથી.
वाचक :
અશાન્તિનું બીજું રૂપ શું ગણાય?
अधिपति :
અશાન્તિ એ ખરું જોતા અસંતોષ છે, તેને હાલ આપણે 'અનરેસ્ટ' કહીએ છીએ. કોંગ્રેસકાળમાં તે 'ડિસકન્ટેન્ટ' કહેવાતો. મિ. હ્યુમ હમેંશા કહેતા કે હિંદુસ્તાનમાં અસંતોષ ફેલાવાની જરૂર છે. તે અસંતોષ બહુ ઉપયોગિ વસ્તુ છે. જ્યાં સુધી માણસ પોતાની ચાલુ સ્થિતિમાં રાજી રહે ત્યાં સુધી તેને તેમાંથી નીકળવાનું સમજાવવું એ મુશ્કેલીની વાત છે. તેથી દરેક સુધારાની પૂર્વે અસંતોષ હોવો જ જોઈએ. ચાલુ ચીજનો અણગમો પેદા થાય ત્યારે જ તેને નાખી દેવાનું મન થાય. તેવો અસંતોષ આપણે મહાન હિંદીઓનાં તેમ જ અંગ્રેજોનાં પુસ્તકો વાંચીને પામ્યા છીએ. તે અસંતોષથી અશાન્તિ થઈ, ને એ અશાન્તિમાં કંઈ મૂઆ, કંઈ આખડ્યા, કંઈ જેલ ગયા, કંઈ દેશનિકાલ થયા. હજુ તેમ થશે, થવું જોઈએ. એ બધાં ચિહ્ન સારાં ગણી શકાય છે. પણ તેનું પરિણામ માઠું આવી શકે છે.