હિંદ સ્વરાજ/૧. કોંગ્રેસ અને તેના કારભારીઓ

વિકિસ્રોતમાંથી
← પ્રસ્તાવના હિંદ સ્વરાજ
૧. કોંગ્રેસ અને તેના કારભારીઓ
મોહનદાસ કરમચંદ ગાંધી
૨. બંગાળાના ભાગલા →


૧.
કોંગ્રેસ અને તેના કારભારીઓ



वाचकः

હાલ હિંદુસ્તાનમાં સ્વરાજનો પવન ચાલી રહ્યો છે. સહુ હિંદી છૂટા થવાની ઝંખના કરતા જોવામાં આવે છે. દક્ષિણ આફ્રિકામાં પણ તેવી જ જાતનો જુસ્સો ચાલી રહ્યો છે. હિંદીને હકો મેળવવાની ભારે હામ થઈ જોવામાં આવે છે. આ બાબત તમારા વિચાર જણાવશો? अधिपतिः

તમે સવાલ ઠીક પૂછ્યો છે, પણ જવાબ દેવો એ સહેલી વાત નથી. છાપાનું કામ લોકોની લાગણી જાણવી અને તેને પ્રગટ કરવી એ એક છે; બીજું કામ લોકોમાં અમુક લાગણીઓ જરૂરની હોય તે પેદા કરવી એ છે; ને ત્રીજું કામ લોકોમાં એબ હોય તો તે ગમે તેટલી મુસીબતો પડે તોપણ બેધડક થઇ બતાવવી. તમારા સવાલનો જવાબ આપવામાં આ ત્રણે કામ સાથે આવી જાય છે. લોકલાગણી કેટલેક દરજ્જે બતાવવી પડશે. નહીં હોય તેથી પેદા કરવાનો પ્રયત્ન કરવો પડશે, ને ખામી હશે તે વખોડવી પડશે. છતાં તમે સવાલ પૂછ્યો એટલે તેનો જવાબ આપવાની મારી ફરજ છે એમ જણાય છે.

वाचकः

સ્વરાજની લાગણી હિંદમાં ઉત્પન્ન થયેલી તમે જુઓ છો ખરા?

अधिपतिः

એ તો જ્યારે નેશનલ કૉંગ્રેસ સ્થપાઇ ત્યારથી જોવામાં આવી છે. 'નેશનલ'નો અર્થ જ તે વિચાર જણાવે છે.

वाचकः

આ વાત તો તમે ઠીક કરી લાગતી નથી. કૉંગ્રેસને તો અત્યારે જુવાનિયા હિંદી ગણકારતા નથી, અને તેને તો અંગ્રેજી રાજ્ય નિભાવવાનું હથિયાર તેઓ ગણે છે.

अधिपतिः જુવાનિયાનો આવો વિચાર બરોબર નથી. હિંદના દાદા દાદાભાઇએ જમીન તૈયાર ન કરી હોય તો જુવાનિયા આજે વાતો કરે છે તે પણ ન કરી શકત. મિ. હ્યુમે જે લખાણો લખ્યાં છે, જે ચાબખા આપણને માર્યા છે, અને જે જુસ્સાથી આપણને જગાડ્યા છે તે કેમ ભુલાય? સર વિલિયમ વેડરબર્ને પોતાનાં તન, મન અને ધન કૉંગ્રેસના હેતુ પાર પાડવા આપેલાં. તેમણે અંગ્રેજી રાજ્યને વિશે જે લખાણો લખ્યાં છે તે આજે પણ વાંચવાલાયક છે. પ્રોફેસર ગોખલેએ પ્રજાને તૈયાર કરવા ખાતર પોતાનાં ૨૦ વરસ ભિખારી સ્થિતિમાં રહી આપ્યાં છે. હાલ પણ તેઓ સાહેબ ગરીબાઈથી રહે છે. કૉંગ્રેસ મારફતે સ્વરાજનું બીજ રોપનાર મરહૂમ જસ્ટિસ બદરુદ્દીન પણ હતા. આ પ્રમાણે બંગાળા, મદ્રાસ, પંજાબ વગેરેમાં કૉંગ્રેસના અને હિંદના હિતચિંતક હિંદી તેમ જ ગોરા થઇ ગયા છે એ યાદ રાખવાનું છે.

वाचकः

થોભો, થોભો. તમે બહુ આગળ ચાલી ગયા. મારો સવાલ કંઈ છે, ને તમે જવાબ કંઈ આપો છો. હું સ્વરાજની વાત કરું છું ને તમે તો પરરાજ્યની વાત કરો છો. મારે અંગ્રેજનું નામ ન ખપે, ને તમે અંગ્રેજોનાં નામ આપવા લાગ્યા. આ પ્રમાણે તો આપણું ગાડું પાટે ચડે તેમ જોતો નથી. મને તો સ્વરાજની જ વાતો કરો તો ગમે; બીજી ડાહી વાતોથી સંતોષ વળવાનો નથી.

अधिपतिः

તમે અધીરા થયા છો. મારાથી અધીરાપણું નહીં ચલાવી લેવાય. તમે જરા ખામોશ પકડશો તો તમને જે જોઇએ છે તે જ મળશે. 'ઉતાવળે આંબા ન પાકે,' એ કહેવત યાદ રાખજો. તમે મને રોક્યો અને તમને હિંદના ઉપકારીની વાત સાંભળવી નથી ગમતી તે બતાવે છે કે હજુ તમારે સારુ તો સ્વરાજ છેટે છે. તમારા જેવા ઘણા હિંદી હોય તો આપણે આઘા જઇ પાછા પડીએ. આ વાત જરા વિચારવા જેવી છે.

वाचकः

એમ ગોળ ગોળ વાત કરીને તમે મારો સવાલ છે તે ઉડાવી દેવા માગો છો એમ મને લાગે છે. તમે હિંન્દુસ્તાનના ઉપકારી જેને ગણો તેને હું ન ગણું; પછી મારે કોના ઉપકારની વાત સાંભળવી રહી? હિંદના દાદા તમે જેને કહો છો તેણે શો ઉપકાર કર્યો? એ તો કહે છે કે અંગ્રેજ રાજ્યકર્તા ન્યાય આપશે ને તેની સાથે મળીને રહેવું.

अधिपतिः

મારે તમને વિનયપૂર્વક કહેવું જોઇએ કે એ પુરુષને વિશે તમારે બેઅદબીથી બોલવું એ આપણને શરમાવા જેવું છે. તેમનાં કામ તરફ નજર કરો. તેમણે પોતાની જિંદગી હિંદને અર્પણ કરી છે. તેમની પાસેથી આપણે શીખ્યા. હિંદનું લોહી અંગ્રેજો ચૂસી ગયા એ શીખવનાર માનવંતા દાદાભાઈ છે. આજે તેમને અંગ્રેજોની ઉપર વિશ્વાસ છે તેથી શું થયું? આપણે જુવાનીના આવેશમાં એક પગલું આગળ ભરીએ તો તેથી શું દાદાભાઇ ઓછા પૂજ્ય છે? તેથી શું આપણે વધારે જ્ઞાની થયા? જે પગથિયેથી આપણે ચડ્યા છીએ તે પગથિયાંને પાટુ ન મારવી એ ડહાપણ છે; જો તે પગથિયું કાઢી નાખીએ તો આખી સીડી પડી જાય એ યાદ રાખવાનું છે. આપણે બચપણમાંથી જુવાનીમાં આવીએ છીએ ત્યારે બચપણનો તિરસ્કાર નથી કરતા, પણ તે દહાડા પ્યારથી સંભારીએ છીએ. ઘણાં વરસ સુધી અભ્યાસ કરી મને કોઇ શીખવે ને તે ઉપરથી હું જરા વધારે જાણી લઉં તો કંઈ મારા શિક્ષક કરતાં હું વધારે જ્ઞાની નહીં ગણાઉં; મારા શિક્ષકને તો મારે માન આપવું જ પડશે. તેમ જ હિંદના દાદાને સારુ સમજવું ઘટે છે. તેમની પછાડી હિંદી પ્રજા છે એમ તો આપણે કહેવું જ પડશે.

वाचकः

આ તમે ઠીક કહ્યું દાદાભાઇ સાહેબને માન આપવું એ તો સમજી શકાય તેવું છે. તેમનાં અને તેવા પુરુષોનાં કામ વિના આપણે આજનો જુસ્સો ન ભોગવત એ બરોબર જણાય છે. પણ તેવું પ્રોફેસર ગોખલેનું કેમ ગણાય? તે તો અંગ્રેજના બડા ભાઇબંધ થઇ બેઠા છે; તે તો કહે છે કે અંગ્રેજોની પાસે આપણે ઘણું શીખવાનું છે. તેઓની રાજનીતિથી વાકેફ થઈએ પછી સ્વરાજની વાત કરાય. તેઓ સાહેબનાં ભાષણોથી મને કંટાળો આવ્યો છે.

अधिपतिः

તમને કંટાળો આવ્યો છે તે તમારી ઉતાવળી પ્રકૃતિ બતાવે છે. પણ જે જુવાનિયા પોતાનાં માબાપની ઠંડી પ્રકૃતિથી કંટાળે ને તેઓ પોતાની સાથે ન દોડે તો ગુસ્સે થાય, તેઓ પોતાનાં માબાપનો અનાદર કરે છે એમ આપણે માનીએ છીએ, તેમ જ પ્રોફેસર ગોખલેનું સમજવાનું છે. પ્રોફેસર ગોખલે આપણી સાથે નહીં દોડે તેથી શું થયું? સ્વરાજ ભોગવવા ઇચ્છતી પ્રજા પોતાના વડીલોનો તિરસ્કાર કરી શકતી નથી. આપણામાંથી માન આપવાની ટેવ જાય ત્યારે આપણે નકામા થઇ પડવાના. સ્વરાજ એ પીઢ માણસો ભોગવી શકે છે, નહીં કે ઉચ્છ્રૂંખલ માણસો. વળી જૂઓ, પ્રોફેસર ગોખલેએ જે વેળા પોતાનો ભોગ હિંદી કેળવણી ખાતર આપ્યો ત્યારે કેટલા એવા કેટલા હિંદી હતા? હું તો ખાસ માનું છું કે પ્રોફેસર ગોખલે જે કંઇ કરે તે શુધ્ધ ભાવથી ને હિંદુસ્તાનનું હિત માનીને કરે છે. જો હિંદને સારુ પોતાનો જાન આપવો પડે તો આપી દે એવી તેમનામાં હિંદની ભક્તિ છે. તે જે કહે છે તે કોઇની ખુશામત કરવાને સારુ નહીં, પણ ખરું માનીને. એટલે તેમના પ્રત્યે આપણા મનમાં પૂજ્યભાવ હોવો જોઇએ.

वाचकः

ત્યારે શું તેઓ સાહેબ જે કહે છે તે પ્રમાણે આપણે પણ કરવું?

अधिपतिः

હું એવું કશું કહેતો નથી. આપણે શુદ્ધ બુદ્ધિથી જુદો વિચાર ધરાવીએ તો તે વિચાર પ્રમાણે ચાલવાની પ્રોફેસર સાહેબ પોતે જ આપણને સલાહ આપશે. આપણું મુખ્ય કામ તો એ છે કે, આપણે તેમના કામને વખોડવું નહીં; તે આપણા કરતાં મહાન છે એમ માનવું. તેમના પ્રમાણમાં આપણે હિંદને સારું કંઈ જ નથી કર્યું એવી ખાતરી રાખવી, તેમને વિશે કેટલાંક છાપાં તોછડું લખે તે વખોડી કાઢવું, ને પ્રોફેસર ગોખલે જેવાને આપણે સ્વરાજના સ્તંભ ગણવા. તેમના વિચાર ખોટા ને આપણા ખરા જ છે, તથા આપણા વિચાર પ્રમાણે ન વર્તે તે દેશના દુશ્મન છે, એમ ગણી લેવું એ ખરાબ વૃત્તિ છે.

वाचकः

મને હવે તમે કહો છો તે કંઇક સમજાય છે. છતાં મારે એ બાબત વિચાર કરવો પડશે. પણ મિ. હ્યુમ, સર વિલિયમ વેડરબર્ન વગેરેનું જે તમે કહ્યું એ તો હદ વળી.

अधिपतिः

જે નિયમ હિંદીને વિશે છે તે જ અંગ્રેજને વિશે પણ જાણવાનો છે. અંગ્રેજમાત્ર ખરાબ એમ તો હું માનીશ નહીં, ઘણા અંગ્રેજો હિંદુસ્તાનને સ્વરાજ મળે એવું ઇચ્છે છે. તે પ્રજામાં સ્વાર્થ વધારે પડતો છે એ વાત બરોબર છે, પણ તેથી દરેક અંગ્રેજ ખરાબ છે એમ સાબિત થતું નથી. જેઓ હક-ન્યાય-માગે છે તેમણે બધાની તરફ ન્યાય કરવો પડશે. સર વિલિયમએ હિંદુસ્તાનનું બૂરું ઇચ્છનાર નથી એટલું આપણે સારુ બસ છે. આગળ વધીશું તેમ તેમ જોશો કે આપણે ન્યાયની વૃત્તિથી કામ લઈશું તો હિંદુસ્તાનનો છુટકારો વહેલો થશે. તમે એમ પણ જોશો કે અંગ્રેજમાત્રનો દ્વેષ કરીશું તેથી સ્વરાજ છેટું જશે; પણ જો તેઓને પણ ન્યાય કરીશું તો સ્વરાજમાં તેઓની મદદ મળશે.

वाचकः

આ બધું મને હાલ તો ટાયલું જણાય છે. અંગ્રેજની મદદ મળે ને સ્વરાજ મળે એ તો તમે વિરોધી વાત કરી. સ્વરાજને અને અંગ્રેજને શો સંબંધ? છતાં એ સવાલનો ફડચો મારે હમણાં ન જોઇએ. તેમાં વખત ગાળવો એ નકામું છે. સ્વરાજ કેમ મળે એ જ્યારે તમે બતાવશો ત્યારે, હું વખતે તમારા વિચાર સમજી શકું તો ભલે. હાલ તો તમે અંગ્રેજની મદદની વાત કરી મને વહેમમાં નાખી દીધો છે, ને તમારા વિચારની સામે મને ભરમાવ્યો છે. એટલે એ વાતને ન લંબાવો તો સારું.

अधिपतिः

હું અંગ્રેજની વાત લંબાવવા નથી માગતો. તમે વહેમમાં પડ્યા તેની ફિકર નહીં. મારે જે ભારે પડતું કહેવાનું હોય તે આગળથી જ જણાવી દઉં તે ઠીક ગણાય. તમારા વહેમને સબૂરી પકડી દૂર કરવો એ મારી ફરજ છે.

वाचकः

તમારું આ વાક્ય મને પસંદ પડ્યું છે. તેથી મને જે ઠીક લાગે તે બોલવાની હિંમત આવી છે. હજુ મારી એક શંકા રહી ગઇ છે. કૉંગ્રેસની શરૂઆતથી સ્વરાજનો પાયો, તે કેમ?

अधिपतिः

જુઓ; કૉંગ્રેસે જુદા જુદા ભાગમાં હિંદીઓને એકઠા કરી તેઓને 'એક પ્રજા છીએ' એવો જુસ્સો આપ્યો. કૉંગ્રેસની ઉપર સરકારની કરડી નજર રહેતી હતી. કૉંગ્રેસે હંમેશાં મહેસૂલ સંબંધી હક પ્રજાને હોવો જોઇએ એવી માગણી કરી છે. જેવું કૅનેડામાં સ્વરાજ છે તેવું કૉંગ્રેસે હંમેશાં ઇચ્છ્યું છે. તેવું મળે કે ન મળે, તેવું જોઇએ કે ન જોઇએ, તેના કરતાં બીજું વધારે સરસ છે કે નહીં, એ સવાલ જુદો છે. મારે બતાવવાનું તો એટલું જ છે કે કૉંગ્રેસે સ્વરાજનો રસ હિંદને ચખાડ્યો. બીજા તેનું માન લેવાને માગે તે અઠીક ગણાય, અને તેમ આપણે માનીએ તો આપણે નગણા કહેવાઈએ; એટલું જ નહીં પણ તેથી આપણો જે હેતુ છે તે પાર પાડવામાં મુશ્કેલીઓ આવે છે. કૉંગ્રેસને નોખી ગણવાથી ને સ્વરાજની વિરોધી ગણવાથી આપણે તેનો ઉપયોગ નથી કરી શકતા.