હિંદ સ્વરાજ/પ્રસ્તાવના

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← હિંદ સ્વરાજ વિશે હિંદ સ્વરાજ
પ્રસ્તાવના
મોહનદાસ કરમચંદ ગાંધી
૧. કોંગ્રેસ અને તેના કારભારીઓ →


આ વિષય ઉપર મેં વીસ પ્રકરણ લખ્યાં છે, તે વાંચનાર આગળ મૂકવાની હિંમત કરું છું.

જ્યારે મારાથી નથી રહેવાયું ત્યારે જ મેં લખ્યું છે. બહુ વાંચ્યું, બહુ વિચાર્યું. વળી વિલાયતમાં ટ્રાન્સવાલ ડેપ્યુટેશન સારુ ચાર માસ રહ્યો તે મુદતમાં મારાથી બન્યા તેટલા હિંદીની સાથે વિચાર કર્યા, બન્યા તેટલા અંગ્રેજોને પણ મળ્યો. જે મારા વિચાર છેવટના લાગ્યા તે વાંચનારની પાસે મૂકવા એ મારી ફરજ સમજ્યો.

'ઈન્ડિયન ઓપિનિયન'ના ગુજરાતી ઘરાક આઠસેંને આશરે છે. ઘરાક દીઠ દસ જણ ઓછામાં ઓછા તે છાપું રસપૂર્વક વાંચે છે એમ મેં અનુભવ્યું છે. જેઓ ગુજરાતી નથી જાણતા તેઓ બીજા પાસે વંચાવે છે. આવા ભાઈઓએ મારી પાસે હિંદની દશા વિશે બહુ સવાલ કર્યા છે. એવા જ સવાલ મારી પાસે વિલાયતમાં થયા. તેથી મને લાગ્યું કે જે વિચારો મેં આમ ખાનગીમાં બતાવ્યા તે મારે જાહેરમાં મૂકવા એ દોષિત નહીં ગણાય.

જે વિચારો બતાવ્યા તે મારા છે, ને મારા નથી. તે મારા છે, કેમ કે તે પ્રમાણે વર્તન કરવાની મારી ઉમેદ છે; તે મારા આત્મામાં ઘડાઈ ગયા જેવા છે. મારા નથી, કેમ કે તે મેં જ વિચાર્યા છે એમ નથી; તે કેટલાંક પુસ્તકો વાંચ્યા પછી બંધાયેલા છે. મનમાં જે ઊંડું ઊંડું જોતો હતો તેને પુસ્તકોએ ટેકો આપ્યો.

જે વિચારો વાંચનાર પસે રજુ કરું છું તે હિંદુસ્તાનમાં સુધારાની ધૂનમાં નહીં આવેલા એવા ઘણા હિંદી ધરાવે છે, એ તો કંઈ સાબિત કરવા જેવું રહેતું નથી. પણ તે જ વિચારો યુરોપના હજારો માણસો ધરાવે છે એ હું વાંચનારના મનમાં મારા પુરાવાથી જ ઠસાવવા માંગું છું. જેને તે શોધ કરવી હોય, જેને તેવો અવકાશ હોય, તે માણસ તે પુસ્તક જોઈ શકશે. જ્યારે મને અવકાશ મળશે ત્યારે તે પુસ્તકોમાંથી કંઈ કંઈ વાંચનાર આગળ રજૂ કરવાની ઉમેદ છે.

'ઇન્ડિયન ઓપિનિયન'ના વાંચનાર અથવા બીજાના મનમાં મારું લખાણ વાંચીને જે વિચારો આવે તે તેઓ જણાવશે તો આભારી થઈશ.

ઉદ્દેશ માત્ર દેશની સેવા કરવાનો, ને સત્ય શોધવાનો, ને તે પ્રમાણે વર્તવાનો છે. એટલે મારા વિચાર ખોટા નીવડે તો તેને પકડી રાખવાનો મને આગ્રહ નથી. જો તે સાચા નીવડે તો તે પ્રમાણે બીજાઓ કરે એમ દેશના હિતાર્થે સાધારણ રીતે લાગણી રહેશે.

સરળતાની ખાતર લખાણને વાચક અને અધિપતિ વચ્ચે સંવાદ હોય એવા રૂપમાં આપ્યું છે.

મોહનદાસ કરમચંદ ગાંધી

ક્લિડૉનન કૅસલ,
૨૨-૧૧-૧૯૦૯