હિંદ સ્વરાજ/૧૪. હિંદ કેમ છૂટે?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૩. ખરો સુધારો શું? હિંદ સ્વરાજ
૧૪. હિંદ કેમ છૂટે?
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૫. ઈટાલી અને હિંદ →

૧૪
હિંદ કેમ છૂટે?वाचकः

સુધારા વિશે તમારા વિચાર સમજ્યો. તમારા કહેવા ઉપર ધ્યાન દેવું પડશે. એકદમ બધું ગ્રહણ કરાય એમ તમે નહીં માનો. એવી આશા પણ નહીં રાખતા હો. તમારા આવા વિચાર પ્રમાણે હિંદને છૂટવાનો શો ઉપાય તમે ધારો છો ?

अधिपति :

મારા વિચાર એકદમ સહુ કબૂલ કરે એવું હું ધારતો જ નથી. તમારા જેવા માણસો જે મારા વિચાર જાણવા માગે તેને મારે જણાવવા એ જ મારું કર્તવ્ય છે. પછી તે વિચારો તેવાને પસંદ પડે કે નહીં તે તો કાળે કરીને જ જણાશે.

હિંદને છૂટવાના ઉપાય તો ખરું જોતાં આપણે જોઈ ગયા; છતાં તે બીજે રૂપે જોયા. હવે આપણે સ્વ-રૂપે તપાસીએ.

જે કારણથી દરદી માંદો પડ્યો હોય તે કારણ દૂર કરે તો દરદી સાજો થાય, એ જગતપ્રસિદ્ધ વાત છે. તેમ જ જે કારણથી હિંદ ગુલામીમાં આવ્યું તે કારણ દૂર થાય તો તે બંધનમુક્ત થાય.

वाचक :

હિંદનો સુધારો તમે ગણો છો તેમ સર્વોત્તમ છે, તો પછી તે કેમ ગુલામીમાં આવ્યું ?

अधिपति :

સુધારો તો મેં કહ્યો તેવો જ છે, પણ એમ જોવામાં આવે છે કે બધા સુધારાની ઉપર આફત આવ્યા જ કરે છે. જે સુધારો અચલિત છે તે છેવટે આફતને દૂર કરે છે. હિંદના બાળકમાં કચાશ હતી તેથી તે સુધારો ઘેરાયો, પણ ઘેરામાંથી છૂટવાની તેની તાકાત છે, એ તેનું ગૌરવ બતાવે છે.

વળી કંઈ આખું હિંદ તેમાં ઘેરાયેલું નથી. જેઓ પશ્ચિમની કેળવણી પામ્યાં છે ને તેના પાશમાં આવ્યાં છે તે જ ગુલામીમાં ઘેરાયાં છે. આપણે જગતને આપણા દમડીના માપથી પામીએ છીએ. જો અપણે કંગાલ દશા ભોગવીએ છીએ તેથી આખું હિંદુસ્તાન તેવું છે એમ માનીએ છીએ. હકીકતમાં તેવું કંઈ નથી. છતાં આપણી ગુલામી તે દેશની છે એમ માનવું એ વાસ્તવિક છે, પણ ઉપલી વાત ધ્યાનમાં લઈએ તો આપણે સમજી શકીશું કે આપણી પોતાની ગુલામી જાય તો હિંદુસ્તાનની ગુલામી ગઈ સમજવી. આમાં તમને સ્વરાજની વ્યાખ્યા મળી રહે છે. આપણી ઉપર આપણે રાજ્ય ભોગવીએ તે સ્વરાજ છે અને એ સ્વરાજ આપણી હથેળીમાં છે.

તે સ્વરાજ સ્વપ્નવત્‌ ન માનશો. મનથી માનીને બેસી રહેવાનું એ સ્વરાજ નથી. એ તો એવું છે કે તમે ચાખ્યા પછી બીજાને તેનો સ્વાદ આપવા તરફ તમારી જિંદગી પર્યંત પ્રયત્ન કરશો, પણ મુખ્ય વાત જણે જણે સ્વરાજ ભોગવવાની છે. ડૂબતો બીજાને નહીં તારે, પણ તરતો તારશે. આપણે પોતે ગુલામ હોઈશું ને બીજાને છોડવાની વાત કરીશું તે બનવાજોગ નથી.

પણ આટલેથી બસ નથી. હજુ આપણે આગળ વિચારવું પડશે.

તમને હવે એટલું તો જણાયું હશે કે અંગ્રેજને કાઢવા એવી નેમ આપણે રાખવાની જરૂર નથી. અંગ્રેજ જે હિન્દી થઈને રહે તે આપણે તેને સમાસ કરી શકીયે છીયે. અંગ્રેજ જે પોતાના સુધારા સહિત રહેવા માગે તો તેની જગ્યા હિન્દમાં નથી. આવી દશા લાવવી તે આપણા હાથમાં છે.

वाचक :

અંગ્રેજ હિંદી બને એ વાત તમે કરો છો તે ન બનવા જેવી છે.

अधिपति :

એમ આપણે કહેવું તે તો અંગ્રેજ માણસ નથી એમ કહેવા બરોબર થયું. તેઓ આપણા જેવા થાય કે નહીં તેની આપણને પરવા નથી રહેતી. આપણે આપણું ઘર સાફ કરીએ છીએ, પછી તેમાં રહેવા લાયક માણસ જ રહેશે; બીજા પોતાની મેળે ચાલ્યા જશે. આવો અનુભવ તો દરેક માણસને થયો હશે.

वाचक :

આવું થયેલું તવારીખમાં તો નથી વાંચવામાં આવ્યું.

अधिपति :

તવારીખમાં ન જોયું હોય તે ન બને એમ માનવું એ હીણપદ છે. જે વાત આપણી અક્કલમાં આવી શકે તે આપણે છેવટે અજમાવવી તો ઘટે જ છે.

દરેક દેશની સ્થિતિ એક હોતી નથી. હિંદુસ્તાનની સ્થિતિ વિચિત્ર છે. હિંદુસ્તાનનું બળ અતુલિત છે. એટલે આપણે બીજી તવારીખની સાથે સંબંધ થોડો છે. મેં તમને બતાવ્યું કે જ્યારે બીજા સુધારા રગદોળાઈ ગયા ત્યારે હિંદી સુધારાને આંચ નથી આવી.

वाचक :

મને આ બધી વાત ઠીક નથી લાગતી. આપણે અંગ્રેજને લડીને કાઢવા પડશે, એમાં શક થોડો જ લાગે છે. તેઓ જ્યાં સુધી મુલકમાં છે ત્યાં સુધી જપ નથી વળવાનો. 'પરાધીન સપને સુખ નાહીં.' એવું જોવામાં આવે છે. તેઓ છે તેથી આપણે દૂબળા થતા જઈએ છીએ. આપણું તેજ જતું રહ્યું છે ને આપણા લોકો ગાભરા જેવા દીસે છે. તેઓ આપણા દેશ ઉપર કાળરૂપ છે. તે કાળને આપણે ગમે તેવો પ્રયત્ન કરીને નસાડ્યે જ છૂટકો છે.

अधिपति :

તમે મારું કહેવું બધું તમારા આવેશમાં ભૂલી ગયા છો. અંગ્રેજોને લાવ્યા આપણે અને તેઓ રહે છે આપણે લીધે. આપણે તેમનો સુધારો ગ્રહણ કર્યો છે તેથી તે રહી શકે છે, એ કેમ ભૂલો છો ? તેઓની ઉપર તમે તિરસ્કાર કરો છો તે તેઓના સુધારા ઉપર કરવો ઘટે છે. છતાં હવે ધારો કે આપણે લડાઈ કરી તેમને કાઢીએ. તે કેમ થઈ શકશે ?

वाचक : જેમ ઇટાલીએ કર્યું તેમ. મૅઝિનીએ અને ગૅરિબાલ્ડીએ કર્યું તે તો આપણાથી પણ કરાય. તેઓ મહાવીર થઈ ગયા તેની તમે ના પાડી શકશો ?